Follow by Email

Thursday, May 14, 2009

૧૯૭૧ - સૅમ બહાદુર૧૯૭૧નો નવેમ્બર મહિનો હતો. સવારની ગુલાબી ઠંડીમાં અમારા કૅમ્પસના ગુલાબની ક્યારીઓમાંથી ચારે તરફ સુગંધ પમરાઇ રહી હતી. અમે દોડીને હૉલ તરફ ગયા. ત્યાં પહોંચીને જોયું તો હૉલની બહાર જનરલ માણેકશૉ ઊભા હતા અને તેમની પાછળ ઝંખવાણા ચહેરા લઇને કોર કમાંડર લેફ્ટનન્ટ જનરલ રૉલી, મેજર જનરલ ભટ્ટાચાર્જી અને બ્રિગેડીયર નરિંદર સિંઘ ખડા હતા. શ્રી. ભુલ્લરને જોઇ જનરલ માણેકશૉ એક ડગલું આગળ વધ્યા અને હાથ લંબાવીને કહ્યું, “I am Sam. હું ઘણો દિલગીર છું કે તમને આ મીટીંગમાં હાજર રહેવા માટે અગાઉથી આમંત્રણ આપવામાં આવ્યું નહોતું.” ત્યાર પછી તેમણે મારી સાથે હાથ મિલાવ્યો અને સીઓ સાહેબને અમારા કૅમ્પસને આટલું સુંદર અને પ્રેક્ષણીય બનાવવા માટે અભિનંદન આપ્યા. અમે મીટીંગ હૉલમાં ગયા અને ત્યાર બાદ ચીફ અને અન્ય જનરલો અંદર આવ્યા.
જનરલ માણેકશૉએ મીટીંગ શરૂ કરી. તેમણે હાજર રહેલા ૧૦૦એક જેટલા અફસરો તરફ અને છેલ્લે મારા સીઓ તરફ જોઇ તેમણે ભારપૂર્વક કહ્યું,” ભારતીય સેનાની સાથે બીએસએફ પણ દેશની first line of defence છે, જે સૌએ યાદ રાખવાનું છે!”
ત્યાર બાદ મીટીંગમાં જનરલ માણેકશાએ જે વાતો કહી તેનો એક જુદો લેખ જ લખી શકાય. (‘જીપ્સી’એ અખંડ આનંદ માટે આ વિશે લેખ લખ્યો હતો જે આ પુસ્તકના પરિશીષ્ટમાં પુનર્મુદ્રીત કર્યો છે.) ટૂંકમાં સૅમ બહાદુરે કહ્યું:
“માર્ચ મહિનામાં મૅડમ પ્રાઇમ મિનીસ્ટરે મને કૅબીનેટની સમક્ષ બોલાવીને હુકમ આપ્યો કે મારે પૂર્વ પાકિસ્તાન પર તાત્કાલિક રીતે આક્રમણ કરવું. મેં તેમને સ્પષ્ટ જણાવ્યું કે આક્રમણ કરવા માટે આ સમય યોગ્ય નથી. પૂર્વ પાકિસ્તાન નદીઓ અને અસંખ્ય નાની નદીઓનો પ્રદેશ છે. ત્યાંના વ્યુહાત્મક દૃષ્ટીએ મહત્વના ગણાય તેવા સ્થાન અને ઢાકા સુધી પહોંચવાઢાકા સુધી પહોંચવા માટે આ નદી-નાળાને પાર કરવા અૅમ્ફીબીયન ટૅંક્સ તથા પુલ બાંધવા માટે જેટલા પ્રમાણમાં સામગ્રી જોઇએ તે આપણી પાસે નથી. અત્યારે હિમાલયના ઘાટ ખુલ્લા હોવાથી પાકિસ્તાનની મદદે ચીનનું તિબેટમાં હાજર રહેલું સૈન્ય તરત ઉતરી શકશે. તેથી માર્ચમાં હુમલો કરીશું તો આપણે ત્રણ મોરચા પર યુદ્ધ માટે તૈયારી કરવી જોઇશે.
“મારો જવાબ કૅબીનેટને ગમ્યો નહિ, પણ આપણા વડાપ્રધાન સમંજસ અને દીર્ઘદૃષ્ટી ધરાવનાર મહિલા છે. તેમણે મને જોઇતા શસ્ત્ર સરંજામનું લિસ્ટ અાપવાનું કહ્યું, અને યુદ્ધ માટે આપણે ક્યારે તૈયાર થઇ શકીશું તે પૂછ્યું. મેં તેમને સમય જણાવ્યો અને જીત મેળવવા માટે જે કાંઇ જોઇએ તેનું લિસ્ટ આપ્યું.
“જેન્ટલમન, મૅડમ પ્રાઇમ મિનીસ્ટરે સેનાને જોઇએ તેના કરતાં વધુ શસ્ત્રો અને સરંજામ આપ્યાં છે. જેટલો સમય માગ્યો હતો એટલો સમય પણ આપ્યો. આ સમય દરમિયાન તમને પૂરી ટ્રેનીંગ પણ મળી છે. હવે યુદ્ધ શરૂ થાય છે. આપણી પાસે હવે વિજય પ્રાપ્ત કરવા સિવાય બીજો કોઇ પર્યાય નથી.
“બીજી વાત. પાકિસ્તાનની ભુમિમાં તમે વિજયી થઇને જશો ત્યારે તમારી સામે અનેક પ્રલોભનો ઉભા રહેશે. સુંદર સ્ત્રીઓ વિજેતાઓ પાસે આવશે. યાદ રહે, તમે ભારતના સૈનિકો છો, લૂંટારા નહિ. સ્ત્રીઓ કે અન્ય પ્રલોભનો તમારી સામે આવે તો હાથ ખિસામાં મૂકી પાછા વળીને જશો. Hands in your pocket, and turn back. ભારતમાં તમારી પ્રિયતમા, તમારી પત્નિ તમારા માટે વિજયમાળા લઇને તમારૂં સ્વાગત કરવા તત્પર થઇ તમારી રાહ જોતી હશે. તમારા ચીફ તરીકે તમને ગૅરન્ટી આપું છું કે સમગ્ર વિશ્વમાં ભારતની સ્ત્રીઓ કરતાં વધુ સૌંદર્યવાન મહિલાઓ જોવા નહિ મળે. હવે આગલા હુકમની રાહ જોશો અને વિજયી થજો. આખું રાષ્ટ્ર તમારી તરફ મીટ માંડી રહ્યું છે. Good luck, and good bye,” કહી સૅમ બહાદુર બહાર નીકળી ગયા.
જતાં પહેલાં સૅમબહાદુરે રક્ષાપંક્તિનું માળખું બદલ્યું. મિલીટરીના યુનિટ્સ જે ધુસ્સી બંધની પાછળ દસથી પંદર કિલોમીટર દૂર મોરચા ખોદીને બેઠા હતા, તેમને આગળ જવાનો હુકમ કર્યો અને ધુસ્સી બંધની નજીક -૨૦૦ મીટર પર મોરચાબંધી કરવાનો હુકમ કર્યો.
‘ચીફ’ સાથેની મીટીંગ બાદ અમે થોડો સમય વિચારમાં પડી ગયા કે અચાનક અમને શા માટે બોલાવવામાં આવ્યા હતા. આનું નિરાકરણ બીજા દિવસે થયું.
અમારા કૅમ્પસમાં પ્રવેશ કરતાં જ અમારા COએ તૈયાર કરાવેલ સુંદર ઉદ્યાન, ગુલાબના ઝુંડ અને રમણીય પૉપ્લરનાં વૃક્ષો જોઇ સૅમ બહાદુરે પૂછ્યું, “આ કયું યુનીટ છે?”
જનરલ રૉલીએ કહ્યું, “ આ બીએસએફ બટાલિયનનું હેડક્વાર્ટર છે.”
જનરલ માણેકશાએ કહ્યું, “યુનિટના કમાંડીંગ અૉફીસરને બોલાવો. આટલું સુંદર હેડક્વાર્ટર ભાગ્યે જ જોવા મળે છે. આ સીઓની સૌંદર્ય દૃષ્ટી માટે મારે તેને compliments આપવા છે.”
શ્રી. સિંઘના આમંત્રણથી જનરલ રૉલી અમારા વિસ્તારમાં શિકાર માટે આવતા અને તેમને પ્રથમ નામથી બોલાવતા. તેમણે બ્રિગેડીયર નરિંદરસિંઘને કહ્યું, “નરિંદર, અંદર જઇ પાલી ભુલ્લરને બોલાવો.” ગુરઇકબાલસિંઘનું આ હુલામણું નામ હતું.
“સર, માફ કરજો, મને લાગ્યું આ મીટીંગ કેવળ આર્મી અફસરોની છે તેથી અમે ભુલ્લર અને તેના અફસરોને નથી બોલાવ્યા.”
સૅમ બહાદુરને ખબર હતી કે બધી બીએસએફ બટાલિયનોને આર્મીના અૉપરેશનલ કમાંડ અને કંટ્રોલ નીચે મૂકવામાં આવી હતી. બ્રિગેડીયર સાહેબની વાત સાંભળી તેઓ નારાજ થઇ ગયા. “તમારા સહકારી સૈન્ય પ્રત્યે આવો ભેદભાવ રાખીને તમે યુદ્ધ જીતવાની અપેક્ષા કેવી રીતે કરી શકો છો? જાવ, આ યુનિટના બધા અફસરોને બોલાવો. BSFના અફસરો આવે ત્યાં સુધી આપણે બહાર રહીશું.” અને ખરે જ, આ મહાન સૈનિક અમારી રાહ જોઇને મિટીંગ હૉલની બહાર ઉભા રહ્યા.
આ વાત અમને મીટીંગ પતી ગયા બાદ બ્રિગેડીયર નરિંદરસિંઘે પોતે કહી હતી.

search engine optimization companies