http://commons.wikimedia.org/wiki/File:Recoilless-rifle-beyt-hatotchan-1.jpg
આક્રમણ: જ્યારે સીમેન્ટ-કૉંક્્રીટથી બાંધવામાં આવેલ મોરચા (બંકર, પીલ બૉક્સ વિ.)ની સંરક્ષણ પંક્તિમાં બેસેલા શત્રુ પર હુમલો કરવાનો હોય ત્યારે તેમની સંખ્યાથી ત્રણ ગણી વધુ સેનાએ હુમલો કરવો પડે. આનું કારણ એ છે કે આવા મોરચા એવી રીતે ઢાંકવામાં - એટલે camouflage કરવામાં આવે છે કે હુમલો કરનાર સેના તેમને જોઇ શકતી નથી. બીજી વાત: હુમલો કરનાર સેના ખુલ્લા મેદાનમાંથી ધસી જતી હોઇ દુશ્મન તેને દૂરથી જોઇ શકે છે તેથી તેમના પર દૂરથી તોપના ગોળા છોડવાથી માંડી ૨૦૦૦ મીટર દૂરથી ઘાતક ગોળીબાર કરી શકે તેવી મિડીયમ મશીનગન તથા ૮૧ મિલીમીટર વ્યાસની મૉર્ટરનો મારો ચલાવી શકે છે. ત્યાંથી પણ આગળ વધનારા દુશ્મન પર લાઇટ મશીનગન ૪૫૦ મીટરથી અને સેમી-અૉટોમેટીક રાઇફલ ૩૦૦ મીટરથી ઘાતક ગોળીઓ ચલાવી શકે છે. ત્યાર બાદ આવે છે જમીનમાં દાટેલી માઇન્સ. ત્યાંથી પણ આગળ વધી શકનારા પાયદળ પર ગ્રેનેડઝનો મારો કરી દુશ્મનને પરાસ્ત કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. આમ હુમલો કરનાર સૈનિકો એટલી સંખ્યામાં ઘાયલ થતા હોય છે કે મૃત્યુ પામતા હોય છે કે દુશ્મનની ટ્રેન્ચ પર પહોંચતાં પહોંચતા ૧/૩ જેટલા સૈનિકો બચતા હોય છે.
અહીં આપને બે ‘અૉપરેશન્સ’નો ખ્યાલ આવી ગયો હશે. ત્રીજું અભિયાન પીછેહઠનું હોય છે, જે સૌથી મુશ્કેલ હોય છે. પીછેહઠનો મુખ્ય ઉદ્દેશ હોય છે દુશ્મનને આપણી સંરક્ષણ પંક્તિનો આભાસ કરાવી, થોડો સમય તેને ત્યાં રોકી એવી રીતે જગ્યા ખાલી કરવી કે તેને લાગે કે આપણે હારીને પાછા જઇ રહ્યા છીએ. તે આપણો પીછો કરવા લાગે, ત્યાં સુધીમાં આપણે પહેલેથી તૈયાર કરી રાખેલી મજબુત રક્ષાપંક્તિમાં પહોંચીને દુશ્મન માટે પહેલેથી તૈયાર કરવામાં આવેલ killing groundsમા તેને દોરી લાવીને હરાવવો. આનો બીજો પાસો: જ્યારે કોઇ સેના સજ્જડ હાર પામે ત્યારે તે મૂળ સ્થાન છોડી પાછળ આવેલી છેલ્લી રક્ષાપંક્તિ તરફ જઇ દુશ્મનનો સામનો કરવા જાય, તેને પણ withdrawal operation કહેવાય છે. અહીં જીવસટોસટની છેલ્લી લડાઇ હોય છે, જ્યાં દુશ્મન ગલીઓમાં કે ઘરમાં પણ રહીને લડાઇ ચાલુ રાખવાનો પ્રયત્ન કરતો હોય છે.
૧૯૬૫માં અાપણી પશ્ચિમ સેનાનું લક્ષ્ય સિયાલકોટ-લાહોરના ધોરી માર્ગને ‘કાપવાનું’ હતું. પાકિસ્તાનની સેનાએ આપણી સેનાને રોકવા પ્રથમ ફિલ્લોરા અને ત્યાર બાદ ચવીંડામાં રક્ષાપંક્તિ બનાવી હતી. આપણે આક્રમણ કરી રહ્યા હતા.
ગયા અંકમાં જોયું કે આર્મર્ડ બ્રિગેડના રિસાલા પુના હૉર્સ તથા હડસન્સ હૉર્સની સાથે લૉરીડ બ્રિગેડની અમારી ગોરખા અને જાટ બટાલિયને ફિલ્લોરાની રક્ષાપંક્તિ પર હુમલો કરીને જીત હાંસલ કરી હતી. આપણા ઘણા સૈનિકો મૃતક/ઘાયલ થયા હતા. તેથી ચવીંડા પર હુમલો કરવા માટે આપણી માઉન્ટન ડિવિઝનની ૯૯મી બ્રિગેડ તૈયારી કરી રહી હતી. આપણો સામનો કરવા ચવીંડામાં પાકિસ્તાનની છઠી આર્મર્ડ ડિવીઝનના ચાર રિસાલા - ૨૦મા લાન્સર્સ, ૨૫મી કૅવેલ્રી તથા ૩૧ અને ૩૩મા ટૅંક ડીસ્ટ્રોયર યુનિટ્સ (TDUs) આવી પહોંચ્યા હતા. તેમને સાથ આપવા તેમની ૮મી ઇન્ફન્ટ્રી ડિવિઝન (જેમાં ૨૪, ૧૦૧, ૧૦૪ તથા ૧૧૫ નંબરની ઇન્ફન્ટ્રી બ્રિગેડ્ઝ) હતી. તેમના પર હુમલો કરવા માટે આપણી ૧લી આર્મર્ડ ડિવીઝન, ૬ઠી માઉન્ટન ડિવિઝન, ૧૪મી અને ૨૫મી ઇન્ફન્ટ્રી ડિવિઝનો હતી. દુશ્મનની ટૅંક્સ પર હુમલો કરવા સેન્ચુરીયન ટૅંક્સ ધરાવતી ૧૭મી પુના હૉર્સ તથા ૪થી હડસન્સ હૉર્સને જવાબદારી આપવામાં આવી હતી.
આવતા અંકમાં જોઇશું ચવીંડા પર હુમલો કેવી રીતે થયો.......
tatto media