Thursday, August 5, 2021

બૉર્ડર સિક્યૉરિટી ફોર્સ અને ગુજરાત (૨)

 BSF - બૉર્ડર સિક્યૉરિટી ફોર્સની રચના 1965ના યુદ્ધ બાદ ભારત અને પાકિસ્તાનની સરકારો વચ્ચે થયેલી સમજુતી હેઠળ થઇ હતી. આપણા બન્ને દેશો વચ્ચે માન્ય થયેલી આંતરરાષ્ટ્રીય સરહદ પંજાબના ગુરદાસપુર જીલ્લાથી શરૂ થઇ ગુજરાતના કચ્છ જીલ્લાના સર ક્રિક (Sir Creek)ના છેડા પર પૂરી થાય છે. સરહદ પર કૉંક્રિટના Boundary Pillars (BP) બાંધવામાં આવ્યા છે. ગુરદાસપુરમાં BP 1 છે. ત્યાંથી ઉત્તરમાં જમ્મુ કાશ્મિર શરૂ થાય છે, જ્યાંથી પૂરા કાશ્મિરને આવરી લેતી Line of Control (LOC) છે.  

    1965ના યુદ્ધ બાદ સીમા પરની તંગદિલી ઓછી કરવા માટે બન્ને દેશોએ આંતરરાષ્ટ્રીય સીમા પરથી સૈન્યોને હઠાવી, તેમના સ્થાને સશસ્ત્ર પોલીસ રાખવી એવો કરાર કર્યો. તે પ્રમાણે ભારતે મધ્ય પ્રદેશ પોલીસના વડા શ્રી. કે. એફ. રુસ્તમજીને BSFના ડાયરેક્ટર જનરલ નીમ્યા અને તેમને ભારતના સંરક્ષણ માટેની પ્રથમ હરોળ નિર્માણ કરવાની જવાબદારી સોંપી. પાકિસ્તાને તેમના સૈન્યને પાછા ખેંચ્યા અને તેમના સ્થાને અર્ધ લશ્કરી Indus Rangersને તેમની સીમા પરની ચોકીઓ પર મૂક્યા.  ભારત પાસે સીમાની આરપાર થતા ગુના રોકવા માટે વિશીષ્ટ એવું કેન્દ્રીય પોલીસ સંસ્થાન નહોતું તેથી પશ્વિમ ભારતમાં ગુજરાતની SRP, રાજસ્થાનની RAC (રાજસ્થાન આર્મ્ડ કૉન્સ્બ્યુલરી) તથા પંજાબ આર્મ્ડ પોલીસ હતા અને તેમની સહાયતા માટે ખાસ કરીને ગુજરાતમાં CRPFની ટુકડીઓ મૂકવામાં આવી હતી. CRPFની સંઘટના ખાસ તો અંતર્દેશીય શાંતિ અને રાજ્યની પોલીસને રાજ્યમાં કાબુ બહાર જતી કાનુન વ્યવસ્થાનું રક્ષણ કરવા માટે રચવામાં આવી હતી. તેથી ૧૯૬૫ના કરાર મુજબ BSF નામની નવી અર્ધ-લશ્કરી સંઘટના રચવામાં આવી.

BSF ડિસેમ્બર ૧૯૬૫માં અસ્તીત્વમાં આવ્યું ત્યારે ગુજરાત - પાકિસ્તાનની સીમા પર ગુજરાત રાજ્યના સ્ટેટ રિઝર્વ પોલીસની બે બટાલિયનો ફરજ બજાવી રહી હતી. યોજના એવી હતી તેમના સ્થાને BSFની બટાલિયનો મૂકવામાં આવે. તે મુજબ એક બટાલિયને કચ્છ જીલ્લામાં આવતી સીમા પરનો ચાર્જ લીધો અને બીજી બટાલિયન, એટલે 2nd Battalion BSF - જ્યાં મારી નીમણૂંક થઇ હતી, તેને બનાસકાંઠાના સુઇગામ સેક્ટરમાં રાપર તાલુકાના કુડા-બેલાથી માંડી પૂર્વમાં રાજસ્થાનના બાડમેર જીલ્લાની બ્રાહ્મણાં-રી ઢાણી નામની ચોકી સુધી મૂકવામાં આવે. ચોકીઓનો ચાર્જ તે સમયે ગુજરાતની સ્ટેટ રિઝર્વ પોલીસ પાસે હતો અને અમારી બટાલિયન રણના હવામાનથી પરિચિત થવા માટે - જેને acclimatisation process કહેવાય છે, તેનો અભ્યાસ દાંતિવાડામાં કરી રહી હતી.

'ડાયરી'ના ઘણા વાચક વિદેશમાં રહે છે તેથી ગુજરાતમાં આવતી આંતરરાષ્ટ્રીય સીમા, રણ પ્રદેશ તથા ત્યાંની ભૌતિક અને ભૌગોલિક હાલતનો ખ્યાલ આવે તે માટે સહેજ વિસ્તારથી વર્ણન કરવાનો પ્રયત્ન કરીશ.

***

અંગ્રેજી નકશાઓમાં કચ્છના મોટા રણને ‘The Great Rann of Kutch’ કહેવામાં આવ્યું છે, પદવીયોગ્ય છે. કચ્છના મહાન રણમાં આવેલ જૂજ એવી વનસ્પતિ, પ્રાણી-પક્ષીની વિવિધતા, પ્રાકૃતિક સૌંદર્ય, ઇતિહાસ અને રહસ્ય વિશેનો ખ્યાલ ત્યાં લાંબો સમય રહ્યા વગર આવવો મુશ્કેલ છે. એનું વાસ્તવિક વર્ણન કરીએ તો તે કપોલ કલ્પિત અતિશયોક્તિ લાગે.  

કચ્છના રણનો વિસ્તાર વિશાળ છે. ભૌગોલિક દૃષ્ટીએ નાનું રણ અને મોટું રણ એવા બે મુખ્ય વિભાગ છે. નીચે આપેલી લિંક પરથી તેનો ખ્યાલ આવી શકશે. 

 Linhttps://en.wikipedia.org/wiki/Great_Rann_of_Kutch#/media/File:Map_GujDist_Kuchchh.pngk  

મોટા રણમાં આપણે ત્રણ પ્રકારની ધરા જોઇ શકીએ. એક છે ખારો પાટ - એટલે જમીન પર લગભગ દોઢથી બે ફૂટ જાડો મીઠાનો થર જે સેંકડો ચોરસ કિલોમીટરમાં ફેલાયો છે. થરની નીચે કાળા, ચીકણા કાદવની પાતળી પથારી અને તેની નીચે દરિયો. હજારો વર્ષ પહેલાં અહીં ઘૂઘવતો સમુદ્ર હતો. અહીં હતું પુરાતન મહાનદી સરસ્વતીનું મુખ. સિદ્ધપુર પાસેથી વહેતી સરસ્વતી મુખ્ય સરસ્વતીની ઉપ-નદી (tributary river) હતી, પણ જ્યારે tectonic movementને કારણે મુખ્ય સરસ્વતી પૃ઼થ્વીના ગર્ભમાં લુપ્ત થઇ. ધરતીની હજારો વર્ષની તરસ ન મટી અને ત્યાં રણની રેતી ફેલાઇ ગઇ. ગુજરાતની સરસ્વતી આ રણની રેતીમાં જઇ મળી. તે સાગરને મળતી નથી તેથી આપણી સિદ્ધપુરની સરસ્વતીને 'કુમારિકા' કહેવાય છે. 

જ્યારે ઋગ્વેદમાં અને પુરાણોમાં વર્ણવેલી સરસ્વતી ધરતીની નીચે દબાઇ ગઇ, તેનું કચ્છના અખાતથી માંડી સિંધના નૈઋત્ય (South-West)માં આવેલા સમુદ્રદરિયામાં સતત આવતું પાણી બંધ થઇ ગયું અને અતિ ગરમીને કારણે સમુદ્રની સપાટી પરના જળની બાષ્પ થઇ અને તેના સ્થાને જામતા ગયા મીઠાના થર. પ્રાકૃતિક કારણોને લીધે દોઢ - બે ફીટના મીઠાના થરની નીચે દરિયો જેમનો તેમ રહ્યો. તેનું તળીયું કેટલું નીચે છે તેનો અંદાજ કાઢી શકાયો નથી. ખારા પાટનો વણલિખિત નિયમ છે (જેને બાદમાં BSFના ઑપરેશનલ ઑર્ડરમાં સામેલ કરાયો છે) કે સફેદ ખારા પાટ પરનું મીઠું ગમે એટલું કઠણ લાગે અને એવું લાગે કે તેના પરથી ચાલીને કે વાહન દ્વારા તેની પાર જઇ શકાય, તો પણ તેના પર પગ મૂકવો કે તેના પર વાહન ચલાવવું. ખારા પાટના કિનારા પર, જ્યાં રેતીલી અને સમતળ ધરા લાગે, ત્યાં જો વાહન ચલાવવામાં આવે, અને જમીન પરથી સહેજ જેટલો પણ કાદવ ઉડે, વાહન રોકી તેને રિવર્સ કરીને પાછું લઇ જવું,

બીજા પ્રકારમાં દેખાશે સખત લાગતી જમીન. વિસ્તાર ટેનિસ કોર્ટ જેવો સમતળ, સપાટ અને કઠણ છે. ત્યાં પૂર ઝડપે વાહન ચલાવી શકાય. આવી રીતે ત્રીજા પ્રકારની જમીન એટલે રેતીલું રણ. રણમાં વર્ષોથી વણઝારાઓ દ્વારા વપરાતા માર્ગના ચીલા છે. ચીલા છોડીને તો ચાલીને જવાનો હુકમ ઊંટ દ્વારા. વાહનો માટે તો સખત મનાઇ. આનું કારણ છે કળણ - quick sand. રણની રેતીમાં કઇ જગ્યાએ કળણ છે તેની જાણ કોઇને નથી. કારણસર સરકારના સર્વેયર જનરલ દ્વારા બનાવાયેલા ઑર્ડનાન્સ સર્વે મૅપમાં પણ તે દર્શાવી શકાયા નથી.  બીજી મુશ્કેલી છે કે પૂરા રણમાં - નાના કે મોટા રણમાં કોઇ વૃક્ષ, મંદિર કે ઝૂંપડાં જેવું કોઇ મનુષ્ય નિર્મિત કે નૈસર્ગિક કોઇ ચિહ્ન નથી. સ્વાભાવિક છે તેના અભાવમાં નકશા પર પણ કોઇ એવા માર્ગદર્શક ચિહ્નો નથી જે માણસને માર્ગ બતાવી શકે. તેમ છતાં સર્વેયર જનરલ દ્વારા આવી જમીન પર Trig Point અથવા Triangular Station નામથી ઓળખાતા કૉંક્રિટના બનાવેલા નિશાન મૂકવામાં આવે છે, જેના આધારે નકશો વાપનાર વ્યક્તિ જાણી શકે કે તે નકશાના અનુસંધાનમાં જમીન પર કયા સ્થાન પર ઉભી છે. આમ ભોમિયા કે જાણકાર પગીની મદદ વગર ચીલો છોડીને ગયેલા માણસ તો ઠીક, ઊંટ પણ તેમાં ગરક થઇ ગયાના દાખલા છે. કારણે રાતના સમયે રણમાં અનુભવી પગીની મદદ વગર પગ પણ મૂકવાની મનાઇ છે. આનાં પરિણામ વિશે આગળ વાત કરીશું.

કચ્છના મોટા રણમાં વરસાદનું એક મોટું ઝાપટું પડે તો તેમાં આવેલા બેટની ચારે તરફ સરોવર જાય,  બે દિવસ વરસાદ ચાલુ રહે તો જાણે દરિયો ઘૂઘવતો હોય. આથી BSFની ચોકીઓ, જે બેટમાં છે, તે ખરેખર ટાપુ બની જાય અને બાકીના દેશથી સાવ વિખૂટા પડે. તેથી અષાઢનાં વાદળાં ક્ષિતિજ પર જામે તે પહેલાં રણમાં આવેલી ચોકીઓમાં ત્રણ મહિનાની રાશન સામગ્રી અને પાણીનો ભંડાર ભેગો કરી રાખવો પડે. BSFમાં સૌથી મુશ્કેલ વાત ખાધા-ખોરાકીના સામાનની હતી. જમ્મુ કાશ્મિરમાં BSFના એકમ ભારતીય સેનાના આધિપત્ય નીચે ફરજ બજાવતા હોવાથી જવાનોનું રાશન સૈન્ય તરફથી અગ્રિમ ચોકીઓ સુધી પહોંચાડવાની વ્યવસ્થા થતી. બાકીના બધા વિસ્તારોમાં ફરજ બજાવતા જવાનોને ration allowance હેઠળ નજીવી રકમ મળે છે. દર મહિને કંપની કમાંડર જવાનોએ નીમેલી મેસ કમિટીના સભ્યોને લઇ ભુજની બજારમાં જાય અને મહિનાનું રાશન ખરીદી લાવે. રણમાં ફરજ બજાવતી કંપનીઓને તાજાં શાકભાજી મહિનામાં  પંદર -વીસ દિવસે આવે, તેથી કાંદા - બટેટાનું શાક અને દાલ - રોટી સિવાય બીજું કશું મળે.  ૧૯૬૦ - ૭૦ના દશકમાં અમુલ દ્વારા દૂધનો પાઉડર બજારમાં આવ્યો નહોતો તેથી જવાનો માટે ચ્હા બનાવવા માટે અમે પેંડા મંગાવી રાખતા, જેમાંથી ચ્હા બનાવીએ ! જવાનોને મળતા રાશન એલાવન્સમાં કન્ડેન્સ્ડ મિલ્કના ડબા ખરીદવું પોસાતું નહીં. 

થઇ ચોમાસાની વાત. ઉનાળામાં રણ એટલું ધખધખે, ટેમ્પરેચર પચાસ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જાય.  આ જાણે ઓછું હોય, કુદરતે જાણે ઍલાર્મનું ઘડિયાળ રાખ્યું હોય તેમ સવારે બરાબર દસ વાગે ગરમ રેતીનું તોફાન શરૂ થઇ જાય. શિંગ-ચણા શેકવા માટે ગરમ કરાતી રેતી જેવી ઉષ્ણ રણની રેતી જોરથી ચહેરા પર આવીને ભટકાય. તેથી ઉંટ પર બેસી રણમાં ગસ્ત પર ગયેલા સૈનિકો અને સેન્ટ્રી ડ્યુટીમાં ચોકી ફરતો પહેરો ભરનાર જવાનો સિવાય બાકીના બધા બૅરૅકમાં બારી બારણાં બંધ કરીને આરામ કરે.  રસોડાની બારી - બારણાં બંધ કરીને રસોઇ કરી હોય તો પણ ભોજનમાં પાઉડર જેવી રેતીના કણ રોટલીમાં આવે. રેતીનું તોફાન સાંજે છ વાગ્યાના સુમારે બંધ પડે અને એકાદ કલાક બાદ સુંદર, શીતળ વાયુનાં વિંઝણા શરૂ થાય. જીવનનું પરમ સુખ એટલે તે દિવસે પેટ્રોલિંગ કરીને આવ્યા બાદ ખારા પાણીમાં નાહીને બૅરેકની બહાર વિતાવેલી સાંજ અને રાત ! તેમાં પણ ચાંદની રાત હોય, ખારા પાટ પર ચાંદીનો ઢોળ ચઢાવ્યો હોય તેવું દૃશ્ય દેખાતું હોય અને રેડિયો પર હેમંત કુમારે ગાયેલું "યે રાત, યે ચાંદની ફિર કહાં, સુન જા દિલ કી દાસ્તાઁ" સંભળાતું હોય તો બસ ! આખા દિવસનો ઉકળાટ, થાક, બધું ભૂલાઇ જવાય. 

 રણમાં સૌથી મોટી તકલીફ પાણીની. તે સમયે પાણી ચાલીસ - પચાસ કિલોમિટર દૂરથી લાવવું પડતું. જ્યાંથી પાણી લાવીએ અને તે પણ ખારૂં. પાણીનાં માટલાંમાં પણ પાણી ગરમ થઇ જાય. અમે એક વાર વિચાર કર્યો, પેપરમિંટની ગોળી મ્હોંમાં રાખી પાણી પીવાથી કદાચ તેમાં ઠંડક વરતાય. જી, ના. કોઇ ઉપાય નહોતો. સન ૨૦૦૧ બાદ ગુજરાતના મુખ્યમંત્રી કચ્છના રણમાં આવેલી BSFની ચોકીઓની મુલાકાતે ગયા હતા. જવાનોની સેવાપરાયણતાથી તેઓ પ્રભાવિત થયા. જ્યારે તેમણે જવાનોની પાણીની જરૂરિયાત અંગેની હાડમારી જોઇ, તેમણે રાજ્ય સરકારના જાહેર બાંધકામ ખાતાને હુકમ કરી BSFની ચોકીઓ સુધી પાણીની પાઇપલાઇન બિછાવી નિયમિત રીતે પાણી મળે તેવી વ્યવસ્થા કરી.  

તે અગાઉ પાણીની કમી હોવાથી વ્યક્તિ દીઠ દર રોજ વીસ લિટર પાણીનું રૅશન હતું. જવાનોને પેટ્રોલિંગ પર જવાનું થતું તો હંમેશા બબ્બે પાણીની બાટલી જવાન દીઠ આપીએ. જવાનોની સલામતીને ખાતર અગ્રિમ ચોકીમાંથી કોઇ વાહન હેડક્વાર્ટર તરફ જવા નીકળે તો તેમણે રસ્તામાં પડતી દરેક ચોકીમાં જઇ વાયરલેસથી સૌને ખબર કરવાનો હુકમ હતો કે તેમનું વાહન ક્યાં પહોંચ્યું છે. રસ્તામાં કોઇ વાહન યાંત્રિક ખામીને કારણે અટકાઇ જાય તો સૌને હુકમ હતો કે જ્યાં વાહન બંધ પડી ગયું છે, ત્યાં રોકાય અને નક્કી કરેલા સમય સુધી વાહન બીજી ચોકીમાં ન પહોંચે તો તેમના માટે બીજું વાહ મોકલવામાં આવે. સાંજે નીકળેલ વાહન નક્કી કરેલા સમય પ્રમાણે વાહન સૂર્યાસ્ત પહેલાં બીજી ચોકીમાં ન પહોંચે તો બીજા દિવસે મળસ્કે આગળ - પાછળની એવી બન્ને ચોકીઓમાંથી તેમની શોધમાં વાહનો નીકળે અને સાથે અટલાયેલા જવાનો માટે ભોજન અને પાણી લઇ જાય. દરેક જવાન પાસે બે -બે પાણીની બાટલીઓ હોવાથી તેઓ ડિહાઇડ્રેશનમાંથી બચી જાય.  બેઉ ચોકીઓમાંથી ગયેલી સર્ચ પાર્ટી રણમાં અટવાયેલા જવાનોને શોધી, તેમને બચાવે. 

૧૯૬૭-૬૮માં ગુજરાતની SRP પાસેથી BSFના અફસર અને જવાનોએ ચાર્જ લીધો, ગુજરાતના સૈનિકોને અમે સલામ કરી. રાજ્ય સરકાર પાસે સાધનોની કમી હતી, તેમ છતાં તેઓ આવા વિષમ-તમ હવામાનમાં રહી શક્યા હતા અને પૂરી ધગશથી સેવા બજાવી હતી. તેમની પાસેથી અમને ઘણું શીખવા મળ્યું.  જ્યારે અમે ગુજરાત સ્ટેટ રિઝર્વ પોલીસની ૧૯૬૫ના યુદ્ધની અને તે અગાઉ પાકિસ્તાન તરફથી થયેલા આપણા પોલીસ પરના હુમલામાં જે શૌર્યથી કરેલા સામનાની અને સર્વોચ્ચ બલિદાનની વાત સાંભળી, અમે ચકિત થઇ ગયા હતા. આવી બહાદુરી ભારતીય સૈન્યના પૂરૂં પ્રશિક્ષણ મેળવેલા ઇન્ફન્ટ્રીના સૈનિકો પાસેથી અપેક્ષિત હોય તેવી બહાદુરી ગુજરાતના વીર પોલીસ જવાનોએ પ્રદર્શિત કરી હતી, કમભાગ્યે આ વાત ભારત તો ઠીક, પણ ગુજરાતમાં પણ બહુ ઓછા લોકો જાણે છે. આવતા એકાદ અંકમાં આનો સંક્ષિપ્ત અહેવાલ આપવાનો પ્રયત્ન કરીશું. 

Flora & fauna ની વાર કરીએ તો રણમાં અનેક વિવિધતાઓ જોવા મળે. નાના રણમાં। અને સુઇગામ સેક્ટરમાં આવેલા જંગલી ગધેડા (ઘૂડખર - wild asses) અને નીલગાયનાં ટોળાં જોવા મળે. પ્રાણીઓ -કલાકના ૪૦ કિલોમીટરની ગતિએ દોડી શકે છે, અને તેમને પાળવાના બધા પ્રયત્ન નિષ્ફળ ગયા છે, નાનપણમાં આપણે જોડકણા સાંભળતા, તેમાંરાતા બગલા રણે ચડ્યા, પાણી દેખી પાછા ફર્યાસાંભળી નવાઇ લાગતી. બગલા કદી લાલ રંગના હોય? પણ રાતા બગલા - ફ્લેમિંગો આપને કચ્છના રણમાં જોવા મળશે ! વિદેશની ટાઢમાંથી બચવા ભારતમાં આવતા મહેમાનોને તેમનાચાતુર્માસના રહેવાસ દરમિયાન રણનાં છિછરા પાણીમાં માળા બનાવીને રહેવાની સુવિધા મળે છે. વળી છિછરા પાણીમાં લાખોની સંખ્યામાં ઉપજતા નાનકડા જીંગાનો મબલખ આહાર મળે છે. સમય દરમિયાન માદા ફ્લેમિંગો ઇંડાં મૂકી, પાછા ફરવાના સમય સુધીમાં મોટાં થયેલાં બચ્ચાંઓને લઇને પોતાના મલકમાં પાછા જતા હોય છે. આપે ભુજના વિખ્યાત છબિકાર શ્રી. પોમલના Flamingo Cityનાં ચિત્રો જોયાં હશે. અહીં ક્લીક કરવાથી આપને ગુજરાતના રણપ્રદેશનો આછો ખ્યાલ આવશે. 

રણમાં જ્યાં ખારો પાટ હોય ત્યાં જમીન સખત, લીસી અને ટેનિસ કોર્ટ જેવી સપાટ અને સમતળ હોય, પણ ખારો પાટ એટલે ખતરાનો પાટલો! ઉપરથી સખત લાગતા દૂધ જેવા સફેદ મીઠાના થરની નીચે પોચો અને કાળો કાદવ જેની નીચે ઊંડો, અગાધ દરિયો. તેમાં કોઇ ઉતરે તો તેમાં એવી રીતે ગરક થઇ જાય કે તેનું નામોનિશાન રહે. અમારા ઑપરેશલ ઑર્ડરમાં સ્પષ્ટ હુકમ હતો કે રણમાં કોઇ પણ સ્થાને જીપ કે અન્ય વાહનના ટાયરમાંથી જરા જેટલો કાદવ ઉડે, ગાડી તત્કાળ રોકી, રિવર્સ કરી પાછા ફરવું. આગળ પગપાળા જવાની પણ મનાઇ હતી. 

જ્યાં ખારો પાટ કે સખત. સપાટ જમીન હોય ત્યાં થારનું રેતીલું રણ. રણની રેતીમાં ક્યાંક ક્યાંક કળણ (quicksand) પણ હોય -- જેનાં ઊંડાણ માપવા મુશ્કેલ છે. રેતીલી જગ્યાઓમાં આવેલી કળણ એવી ખતરનાક હોય છે કે તેમાં ભુલેચૂકે પ્રવેશ કરનાર માણસ તેમાં ગરક થઇ જાય તો તેમની કોઇ નિશાની જોવા મળે. હજારો વર્ષ પહેલાં સમુદ્રમાં નાનાં નાનાં ટાપુ હતા. સમુદ્ર જેમ જેમ પશ્ચિમ તરફ ખસતો ગયો અને પાણી ઓસર્યાં ત્યારે ટાપુ વસતીને લાયક તો નહીં, પણ રણમાંથી પ્રવાસ કરનારા વણઝારાઓ માટે વિરામ સ્થાન બની ગયા, અને તેમને નામ અપાયાં. અમારા સુઇગામ સેક્ટરમાં કેવળ બે બેટ હતા - નાડા બેટ અને બોરિયા બેટ. સિવાયની અન્ય ચોકીઓ મુખ્ય ધરાતળના છેવાડે હતી, જેમ કે રાઘાજીના નેસડા, જલોયા, પાડણ, માવસારી વિ. આથી વિપરીત અને વિષમ દશા કચ્છ જીલ્લામાં હતી. ત્યાંની બે ચોકીઓ સિવાયની બધી ચોકીઓ (જેને અમારા શબ્દકોશમાં BOP કહેવાય છૈ - Border Outpost).

રણના કિનારે આવેલા રેતીલા ભાગમાં આકડાના તથા કેરડાના બેસુમાર ઝાડવાં અને હરણાંઓના ઝુંડ મળી આવે. આવી જમીનમાં રૂંછાદાર પૂંછડી વાળા ઉંદર, અને તેમનો આહાર કરી જીવતા અતિ વિષૈલ નાગ તથા  લોકભાષામાં બાંડીનામથી ઓળખાતા અઢી-ત્રણ ફૂટ લાંબા saw scaled viper  સાપની વસ્તી પણ એટલી . નાગની જેમબાંડીડંખ મારે અને તાત્કાલિક સારવાર મળે તો મૃત્યુ અટળ ! દરરોજ કરવી પડતી Stand-toની કવાયત ( એવી drill છે જેનો હુકમ મળતાં કેવળ બે મિનિટમાં દરેક સૈનિક તેની નિયત ખાઇમાં કૂદીને અંગત શસ્ત્ર અને પૂરી equipment સાથે તૈયાર થઇ તેને અપાયેલા જવાબદારીના વિસ્તાર તરફ શસ્ત્ર તાણીને  તૈયાર રહે. રણમાં કવાયત કરતાં પહેલાં અમારે જમીનમાં ખોદેલા મોરચા (trench)માં ઉતરતાં પહેલાં બૅટરીના પ્રકાશમાં જોવું પડતું કે તેમાં બાંડી તો પડી નથીને! દર ત્રીજે ચોથે દિવસે દરેક ચોકીની એકાદ ટ્રેન્ચમાં તો સર્પ દેવતા અચૂક પડેલા હોય. 

સુઇગામ સેક્ટરમાં આવેલ એક ચોકી નાડાબેટમાં માતાજીનું સ્થાનક છે. હાજરાહજુર ગણાતા માતાજીએ સૈનિકો તથા ત્યાંના વતનીઓની રક્ષા કરી તેમણે પરમ માતૃત્વ શક્તિના અનેક પરચા આપ્યાની અનેક દંતકથાઓ ત્યાં પ્રવર્તે છે. રણમાં રાતે તરલ હોકાયંત્ર (liquid prismatic compass) સાથે નીકળીએ તો પણ ચોકીમાં પાછા પહોંચવાની આશા રખાય. હોકાયંત્ર જે અંશ બતાવે તેની સીધી લીટીમાં પણ જવાય, કેમ કે કઇ જગ્યાએ કળણ (quicksand) છે તે નકશામાં નોંધાયા નથી. રણની આખ્યાયિકાઓ જેટલી બેસુમાર છે, એટલી માતાજીએ સૈનિકોને બચાવ્યાની દંતકથાઓ વિવિધ. 

૧૯૬૮માં અમે અમારી 2 BSF Bnને લઇ સુઇગામ સેક્ટરની સીમાનો ચાર્જ લેવા ગયા તે સમયે ગુજરાત SRPના કંપની કમાંડર શ્રી. રેડકર અને કમલાકર આંબેગાંવકરે રણની આખ્યાયિકાઓની વાત કહી હતી. આ વિશેનું ખાસ જુદું પ્રકરણ આગળ જતાં મૂકીશું.

અનુરાધા તથા કાશ્મિરાને લઇ હું દાંતિવાડા પહોંચ્યો ત્યારથી એક અઠવાડિયું અમને રસોઇ કરવી પડી નહોતી. બન્ને વખતના ભોજન માટે કોઇ ને કોઇ અફસર પરિવાર તરફથી અમને નિમંત્રણ મળતું. અહીંનો શિરસ્તો હતો. મુખ્ય કારણ એ હતું કે દાંતિવાડામાં એક પણ દુકાન નહોતી. નજીકમાં નજીક શહેર પાલનપુર અથવા ડીસા, જ્યાં જઇને જરૂરી કરિયાણું, શાક ભાજી અને મરી-મસાલા લાવવા પડે. નવા આવેલા અફસરોને સ્થિર થવામાં ચાર-પાંચ દિવસ તો લાગી જતા. આનો બધાંને અનુભવ હતો, તેથી અમારે ત્યાં પ્રથા શરૂ થઇ હતી.

દાંતિવાડામાં સ્થિર થવામાં બહુ સમય ન લાગ્યો. નવેસરથી જીવન શરૂ કરવાનું હતું તે હવે શરૂ થઇ ગયું. 

2 comments:

  1. .
    કચ્છના રણનો વિસ્તાર વિશાળ છે. ભૌગોલિક દૃષ્ટીએ નાનું રણ અને મોટું રણ એવા બે મુખ્ય વિભાગ છે. અંગે મજાની માહિતી.
    ' કળણ - quick sand. રણની રેતીમાં કઇ જગ્યાએ કળણ છે ' વિષે ખૂબ અગત્યની જાણકારી મળી.
    'પેંડા મંગાવી રાખતા, જેમાંથી ચ્હા'...કોઇ પ્રસંગે કામ લાગે તેવી વાત
    'સુઇગામ સેક્ટરમાં આવેલા જંગલી ગધેડા અને નીલગાયનાં ટોળાં જોયા હતા--મજા આવી ગઇ.
    'પરમ માતૃત્વ શક્તિના અનેક પરચા આપ્યાની અનેક દંતકથાઓ ત્યાં પ્રવર્તે છે' જય માતાદી
    આપણા ગુજરાતની વાતો ઘણાને માટે આશ્ચર્યકારક નવી હશે.

    ReplyDelete
  2. પૂરો લેખ ખૂબ જ માહિતીસભર અને રસપ્રદ રહ્યો. માતાજી વિશે જાણવાની ઉત્સુકતા રહેશે.

    ReplyDelete