Tuesday, August 24, 2021

૧૯૬૯ અને હિંસાનો ઇતિહાસ (૨)

    ગુજરાતમાં પુરાતન કાળથી જુદા જુદા ક્ષત્રીય વંશોએ રાજ્ય કર્યું છે : મૌર્ય, ગુપ્ત, ચાવડા, ચાલુક્ય (સોલંકી), વાઘેલા વિગેરે. તેમાં સૌથી છેલ્લા રાજપુત રાજા કર્ણદેવ વાઘેલા (કરણ ઘેલો) હતા. સન ૧૨૯૯ અને ૧૩૦૪ એવી બે ચડાઇઓ બાદ ભારતના સૌથી સમૃદ્ધ રાજ્ય ગુજરાત પર દિલ્હીના અફઘાન-તુર્કી સુલતાન અલ્લાઉદ્દીન ખિલજીએ અફઘાન સત્તા સ્થાપી. ત્યારથી ગુજરાતમાં અફઘાન અને ત્યાર બાદ મોગલોનું રાજ્ય છેક ૧૮મી સદી સુધી રહ્યું. 

    ગુજરાતના લગભગ ચારસો વર્ષના અફઘાન - મોગલ શાસન દરમિયાન રાજ્યમાં તાલુકદાર, સુબા, સેનાપતિ કે વફાદાર અફસરોને ઇનામમાં મળેલી વિશાળ જમીનના માલિક, વહીવટકર્તા, સૈન્યના અધિકારી, કોટવાળ અને દારોગાન્યાયાધીશ (કાઝી) વિ. જેવા મહત્વના સ્થાન પર રાજકર્તાઓના સગાં-સંબંધીઓનું આધિપત્ય રહ્યું હતું. આ ઉપરાંત ગુજરાતમાં અનેક લોકોએ ઇસ્લામની ઉપાસના પદ્ધતિ અપનાવી. સમાજ બે ભાગમાં વહેંચાઇ ગયો : રાજકર્તા તથા વહીવટી અધિકારીઓ (Ruling Class) અને રૈયત, સામાન્ય જનતા, જેમાં આવી ગયા ખેતી, વ્યાપાર, ઊદ્યોગ તથા વહીવટી ક્ષેત્રમાં કનીષ્ઠ પદ પર કામ કરી રહેલા બહુસંખ્યક સમાજની પ્રજા. તેમ છતાં બન્ને કોમો વચ્ચે સૌખ્ય અને સમભાવની ભાવના રહી, અને લાંબા સમય સુધી ગુજરાતમાં શાંતિ પ્રવર્તી. આનું મુખ્ય કારણ હતું સૌનાં મૂળ ગુજરાતનાં હતા. બન્ને કોમોની ઉપાસના પદ્ધતિ ભલે જુદી રહી, પણ સૌ આ ધરતીના સંતાનો હતાં અને આપણી  પરંપરા હતી શાંતિપ્રિયતા અને સહિષ્ણુતાની. જનતાની પ્રવૃત્તિ ખેતી, વ્યાપાર, વહાણવટાની હોવાથી અફઘાન/મોગલ રાજકર્તાઓને તેમના પર શાસન ચલાવવામાં કોઇ મુશ્કેલી નડી નહીં. શ્રેષ્ઠીઓની શાલિનતાને કારણે શાસક વર્ગના લોકોમાં તેમના પ્રત્યે આદરની ભાવના હતી. પ્રજા કાયદાને આધિન રહી કામ કરતી હતી.

    અહીં એક ચોખવટ કરવી જરૂરી છે : ઉપર જણાવેલી રાજાશાહી અને સામંતશાહી (Monarchy and Feudalism) એક કોઇ ધર્મ-વિશેષની પદ્ધતિ નથી.  રાજકર્તા અને રૈયત એવા સમાજમાં પડેલા બે વિભાગ પુરાતન કાળથી ચાલી આવેલી પદ્ધતિના પરિણામ છે. આ પદ્ધતિ ભારતમાં ક્ષત્રીય રાજકર્તાઓના સમયમાં હતી અને વિદેશમાં પણ. યુરોપના મધ્ય યુગમાં તેમજ ઑટોમન સામ્રાજ્યમાં તે જોવા મળે છે. ભારતમાં વિદેશી સત્તાઓનું આધિપત્ય આવ્યા બાદ તે ચાલુ જ રહી. આમ ગુજરાતમાં અફઘાન અને મોગલ સામ્રાજ્ય આવ્યા પછીની જે પદ્ધતિ ઉપરના ફકરાઓમાં વર્ણવી છે, તે ટીકા તરીકે નહીં, ઐતિહાસિક હકીકતનું કથન છે. સમાજશાસ્ત્રના અભ્યાસુઓને તેની જાણ હશે જ.  આ વિષય બ્લૉગની સીમા બહારના હોવાથી તેની વિસ્તારથી ચર્ચા કરી નથી. અહીં કેવળ તેનું વર્ણન છે, મીમાંસા નહીં.  

    ગુજરાતના આ મખમલસમા સમાજમાં ચીરો ત્યારે પડ્યો જ્યારે કેટલાક કટ્ટર અને સંકુચિત મનોવૃત્તિના ધર્મગુરુઓને ગુજરાતની સાંસ્કૃતિક પરંપરા અને સામાજીક ઉત્સવોમાં તેમના સંપ્રદાયના મૂળભૂત સિદ્ધાંતોનો ભંગ થતો દેખાયો. સામુહિક પ્રાર્થનાઓમાં તેની વિરુદ્ધ પ્રચાર થવા લાગ્યો. સમાજમાં તીરાડ પડવા લાગી. આની પ્રત્યક્ષતા (manifestation) સન ૧૭૧૪માં પહેલી વાર જોવા મળી  

   શ્યામ પરીખના ટાઇમ્સના લેખ પ્રમાણે તે વર્ષની હોળીના દિવસે અમદાવાદના એક આગેવાન વણિક શરાફના હરિરામ નામના મુનિમે એક મુસ્લિમ પર ગુલાલ છાંટ્યો. આ દ્વેષભાવથી કરવામાં આવ્યું હતું કે ઉત્સવના હર્ષના આવેગમાં, અને હરિરામ આ પીડિત સજ્જનને ઓળખતો હતો કે કેમ, તે ટાઇમ્સના લેખમાં જણાવવામાં આવ્યું નથી, પરંતુ જેમના પર ગુલાલ છંટાયો હતો તે સજ્જનને પોતાના ધર્મનું અપમાન થયેલું લાગ્યું. તેમણે અમદાવાદના મુખ્ય કાજી ખૈરઉલ્લાહખાન પાસે ફરિયાદ કરી કે હરિરામે તેમના ધર્મનું અપમાન કર્યું હતું અને તે માટે તેને સજા કરવામાં આવે. 

    તે સમયે ગુજરાતના હાકેમ દાઉદખાન નામના ઉમરાવ હતા. તેમને શહેરના હિંદુઓ સાથે સારા સંબંધ હતા તેથી કાજીને લાગ્યું તેઓ હરિરામ સામે કોઇ પગલાં નહીં લે. તેથી ન તો તેણે દાઉદખાનને આ બાબતની જાણ કરી, કે ન કોઇ પગલાં હરિરામ સામે લીધા. સુબા દાઉદખાનને છેક સુધી ખબર નહોતી કે આવો કોઇ પ્રસંગ બન્યો છે. બીજી તરફ ફરિયાદ કરવા છતાં હરિરામ સામે કોઇ કાર્યવાહી થઇ નહી તેથી તે પીડિત ગૃહસ્થ મુસ્લિમોનું એક મોટું ટોળું લઇ હરિરામના ઘેર પહોંચી ગયા. તેમણે હરિરામનું ઘર લૂંટ્યું અને તેમાં આગ લગાડી. Mob એટલે મતિહિન પ્રાણી. ઉન્માદમાં આવી તેમણે આડોશ પાડોશમાં રહેતા હિંદુઓના ઘર લૂંટ્યા અને તેમાં આગ લગાડી. તોફાન આખા મહોલ્લામાં ન ફેલાય તે માટે તે ત્યાંના એક અગ્રણી વ્યાપારી કપુરચંદ ભણસાલીએ તેમના હથિયારબંધ રક્ષકો મોકલી ટોળાને ત્યાંથી તગેડી મૂક્યું. આનું પરિણામ વધુ ખરાબ આવ્યું : કોમી તોફાનો આખા શહેરમાં વ્યાપી ગયા. અમદાવાદના મુસ્લિમ સમુદાયના અગ્રણીઓ દિલ્હી દરબારમાં પહોંચી ગયા અને મોગલ શહેનશાહ પાસે ફરિયાદ કરી કે તેમના ધર્મ પર હુમલો થયો છે તેથી ગુજરાતના ગવર્નર અને 'ગુનેગાર' રહેવાસીઓ સામે શિક્ષાત્મક પગલાં લેવામાં આવે. શહેનશાહ ફર્રૂખશિયરે વાઇસરૉય દાઉદખાનને બરતરફ કર્યા અને તેમની જગ્યાએ મહારાજ અજીતસિંહ, જેઓ સુલ્તાનના સસરા હતા તેમની નીમણૂંક કરી તેમને અમદાવાદ મોકલ્યા. આનાથી સમાજમાં તંગદિલી વધુ ફેલાઇ. અને સતત બે વર્ષ  સન (૧૭૧૫ અને ૧૭૧૬) અમદાવાદમાં મોટા પાયા પર હુલ્લડ થયા. 

    એક પરંપરાગત સામાજિક કહો કે ધાર્મિક પ્રસંગની ઉજવણીમાં એક મૂર્ખ વ્યક્તિએ કરેલી નાની ભૂલનું જે પરિણામ આવ્યું તે બન્ને સમાજ માટે ચિંતાજનક હતું. કમનસીબે તે સમયના ધર્મગુરુઓએ આ વાત ગંભીર સ્વરુપ ધારણ ન કરે તે માટે સમાધાનના પગલાં લેવાને બદલે તેને ધાર્મિક પ્રતિષ્ઠાની બાબત બનાવી, અને તે અસાધ્ય રોગની જેમ અમદાવાદ અને ગુજરાતને વળગી. વિચાર કરવા જેવી વાત તો એ છે કે અઢારમી સદીની શરૂઆતમાં બનેલ એક બાલીશ પ્રસંગ છેક એકવીસમી સદી સુધી કૅન્સરની જેમ ફેલાતો રહ્યો. ન કોઇ વ્યક્તિએ, કોઇ સમાજે કે ધર્મનીષ્ઠ આગેવાનોએ ઇતિહાસ પાસેથી કશું શીખ્યું અને ન કોઇ તે અંગેના પ્રતિબંધાત્મક (preventive) પગલાં લીધા.ત્યાર પછી વર્ષમાં એક વાર સરકારની પરવાનગીથી અમદાવાદમાં નીકળતી રથયાત્રા એવો landmark પ્રસંગ બની ગઇ કે લગભગ દર વર્ષે તેની ઉજવણી વખતે કોમી હુલ્લડ લાંબા સમયથી સુધી થતા આવ્યા. સરઘસ કાઢનાર પ્રયોજકોને સજા કરવાનો અધિકાર વ્યથિત જનતાનો છે, કાયદાને નહીં, એવું માની, તે સમયથી નાની - મોટી વાત પર અમદાવદમાં કોમી દંગા થતા આવ્યા છે. ૧૭૧૪ની ક્ષુલ્લક ઘટના બરફના નાના સરખા કણ સમાન હતી : તેનું રૂપાંતર પ્રચંડ હિમપ્રપાત (avalanche)માં થયું. બસો- અઢીસો વર્ષ જુના પ્રસંગનો સૂક્ષ્મ તણખો ૧૯૬૯માં અગ્નિ તાંડવ બની વીસ લાખની વસ્તીવાળા શહેરને ભસ્મીભૂત કરી ગયો. અમદાવાદના ઇતિહાસમાં આટલા મોટા પ્રમાણમાં ખૂનામરકી કદી થઇ નહોતી. સન ૨૦૦૨માં પણ નહીં.

***

    જિપ્સીની ડાયરી સંબંધિત ૧૯૬૯ના દાવાનળના મૂળ પર આવીએ તો જણાશે કે તેની શરૂઆત એક નાનકડી ચિનગારીથી થઇ હતી. તેને હવા આપતા બે પ્રસંગ બીજા દિવસે  થયા હતા. જોતજોતામાં આખું શહેર લાક્ષાગૃહમાં બદલાઇ ગયું અને ભડકે બળ્યું. તેમાંથી બચીને નાસી જનાર પાંડવો નહોતા. (વધુ આવતા અંકમાં)

1 comment:

  1. મોબ લીન્ચિંગ જેવો જઘન્ય અપરાધ દેશમાં ઠેરઠેર જોવા મળી રહ્યો છે તે ચિંતાનો વિષય છે પણ તે કેવી રીતે -'સતત બે વર્ષ સન (૧૭૧૫ અને ૧૭૧૬) અમદાવાદમાં મોટા પાયા પર હુલ્લડ થયા.'તે અંગે વિગતવાર જાણ્યુ
    .'સરકારની પરવાનગીથી નીકળતી રથયાત્રા એવો landmark પ્રસંગ બની ગઇ કે લગભગ દર વર્ષે તેની ઉજવણી વખતે કોમી હુલ્લડ લાંબા સમય સુધી થતા આવ્યા છે'નો અમદાવાદમા રહ્યા ત્યારનો અનુભવ છે
    'જુના પ્રસંગનો સૂક્ષ્મ તણખાે ૧૯૬૯માં અગ્નિ તાંડવ બની વીસ લાખની વસ્તીવાળા શહેરને ભસ્મીભૂત કરી ગયો' આવા પ્રસંગની સાંપ્રતસમયે કલ્પના ન આવે તે સ્વાભાવીક છે આ અંગે વધુ ની રાહ્

    ReplyDelete