Monday, April 27, 2015

રેતીના કણમાં વસતું વિશ્વ



ગયા અંકમાં આપણે ફિલ્મોમાં રજુ થયેલા ભજન સાંભળ્યાં. જતાં જતાં ઉલ્લેખ થયો હતો સુફી ગીતો અને અભંગ - ઓવીનો. આજે તેનો સગડ લઈ ભક્તિગીતોની શ્રેણી પૂરી કરીશું. 

સુફી સંતોની પરંપરામાં ભક્તિના વિવિધ રૂપ જોવા મળે છે. તેમાં પણ પ્રેમલક્ષણા ભક્તિની છટા સ્પષ્ટ દેખાય છે. ક્યાંક ભક્ત અને પરમાત્મા વચ્ચે પ્રિયતમ/પ્રિયતમાનો સંબંધ છે તો ક્યાંક તેમને અહમ્ બ્રહ્માસ્મિનો સાક્ષાત્કાર અનલ હક્કમાં સાંપડ્યો. વાત એક જ છે - પરમાત્મા પ્રાપ્તિ. ભક્તિનાં બન્ને અંગોનું નિરૂપણ સુફી સંતોએ લોકભાષામાં કરી આ તત્વજ્ઞાન ઘર ઘરમાં પહોંચાડ્યું છે. સુફી પરંપરાનાં મૂળ પંજાબમાં ઊંડાં ઉતર્યાં હતાં અને પંજાબીમાં લખાયેલા ગીતો ઉત્તર ભારતમાં ઘણાં પ્રચલિત થયા. 

શીખ ધર્મનું તત્વજ્ઞાન અને સુફી પંથની વિચારધારા બે નદીઓનાં સંગમ સરખી છે. સંત બુલ્લેશાહની કાફીઓ  ભારત અને પાકિસ્તાનના ગાયકો કશા પણ ભેદ વગર ગાય છે. તેમના ગીતોમાં મંદિર, મસ્જીદ, વેદ, કુરાન મજીદ વચ્ચે કશો તફાવત નથી. આ વાત તેમણે એવી ભાવવાહી રીતે કહી કે મુસલમાન, હિંદુ કે શીખ ગાયકો અને તેમના શ્રોતાઓ ધર્મોનાં ભેદભાવ ભુલી તેમની રચનાઓનો આનંદ માણે છે. 

આજે સૌ પ્રથમ આપણે શીખ પંથના રોજ સ્મરાતા જપજી સાહેબની કડીઓ સાંભળીશું. જપજીની શરૂઆત થાય છે, “એક ઓમકાર, સતનામ, કર્તા પુરૂષ (અહીં પુરૂષ-પ્રકૃતિના સંદર્ભમાં વર્ણવાયેલ તત્વનો ઉલ્લેખ થયો છે), જે નિર્ભય, નિર્વૈર, નિરંકાર, અમર, અજન્મા, સ્વયંભૂ છે, એવા પરમાત્માનું નામ લઈ તેનું ધ્યાન ધરીએ છીએ. આ શાશ્વત સત્ય યુગોથી આજે, અહીં અને અત્યારે હાજર છે. ઓ નાનક, આ જ પરમ સત્ય છે.”

ગુરૂ નાનકદેવે રોજીંદા જપ માટે આ પરમ સત્ય સાદી સરળ ભાષામાં કહ્યું છે. શીખો માટે તે રોજીંદો જપ બની ગયું છે. શીખો તેનો ઉલ્લેખ હંમેશા માનવાચક ‘જપજી સાહેબ’ કરે છે. જપજીસાહેબની પૂરી સાખીઓ અહીં આપી નથી. તેનું સંક્ષીપ્ત રૂપ હર્ષદીપ કૌરે ગાયું છે. નાનક દેવે આખા ભારતનો પ્રવાસ કર્યો હતો અને મક્કા મદિનાની યાત્રા કરી આવ્યા હતા. આપને નવાઈ લાગશે કે મક્કા જવા માટે નાનકદેવની સમુદ્રયાત્રા કચ્છના લખપત બંદરેથી થઈ હતી. જપજી સાહેબની વંદનાનું સંક્ષીપ્ત સ્વરૂપ નીચે રજુ કર્યું છે. 



આપને તેનું વિસ્તૃત સ્વરૂપ અનુભવવું હોય તો નીચેનો વિડિયો જોવા વિનંતી. (આ આવૃત્તિ ૩૬ મિનીટની છે.)


***


સુફી પંથનાં મૂળ પંજાબ અને સિંધમાં ઊંડાં ઉતર્યાં હતાં.  મોટા ભાગનાં સુફી ગીતો પંજાબીમાં સાંભળવા મળે છે, અને તે ઘણાં પ્રચલિત થયા. તેમાં પણ બુલ્લેશાહ (અસલ નામ સૈયદ અબ્દુલ્લા શાહ કાદરી) અગ્રગણ્ય છે. તેમની સૌથી લોકપ્રિય કાફી છે "બુલ્લે કી જાણાં મૈં કોણ?" 

હું કોણ છું? હું શરીર છું, જેના પર ધર્મ, રાષ્ટ્રીયતા, પાપી કે પવિત્ર મહાપુરૂષનાં લેબલ લાગ્યાં છે? શું હું પાપીઓ વચ્ચે રહેલ પવિત્ર માણસ છું કે પવિત્ર વ્યક્તિઓ વચ્ચે રહેલો પાપી, ધર્મગુરૂ કે તેને અનુસરતા શિષ્ય, મોઝીઝ (મુસા) કે તેને તથા તેના અનુયાયીઓને મારી નાખવા માગતો ફૅરાઓહ છું? શું હું વેદ કે કુરાન જેવાં પવિત્ર પુસ્તકના લેબલથી સજાયેલ શરીર છું? ના, હું આમાંનો એકે'ય નથી. આવું હોય તો બુલ્લેશાહ, કહે, હું કોણ છું?

પ્રશ્નો પાછળ બુલ્લેશાહ એક તથ્ય કહે છે : મનુષ્યુનું અસલ સ્વરૂપ તો તેનો આત્મા છે, જેને કોઈ ધર્મ, ધાર્મિકતા, રાષ્ટ્રીયતા નથી. બસ આ આતમ તત્વને પિછાણ. આ પ્રશ્નો બુલ્લેશાહે તેમની કાફીમાં પૂછ્યાં છે. ગીત સરળ પંજાબીમાં છે, અને સમજાય તેવું છે. આ વિડિયોમાં અંગ્રેજી સબ-ટાઈટલ્સ છે, તેથી તેનો સંપૂર્ણ ભાવાર્થ અહીં આપ્યો નથી. ગાયક છે એક શીખ પૉપ ગાયક - રબ્બી શેરગીલ. રૉક સંગીતના વાદ્યો સાથે ગવાયેલા આ ગીતનાં શબ્દોની માર્મિકતા ગાયકે સરસ રીતે રજુ કરી છે. શરૂઆતના શબ્દો છે, “બુલ્લા તેં શું જાણ્યું કે તું કોણ છે?”  પછી જવાબમાં ગાય છે, “ના હું મસ્જીદ વચ્ચે ખડો મોમિન છું, નથી હું બિનઈસ્લામી વ્યક્તિની (કર્મકાંડની) રીત વચ્ચે છું કે નથી પવિત્ર માણસો વચ્ચે ઉભો પાપી; નથી હું વેદના ગ્રંથોમાં, કે નથી રહેતો હું ભાંગ અને દારૂબાજોની વચ્ચે રહેનાર માણસ…”

બુલ્લેશાહના ગીતમાં ગીતાનો સંદેશ સુંદર રીતે સમજાય છે. શરીરને આત્મા ન ગણો. આત્માને ઓળખશો તો ધર્મો વચ્ચેનાં ભેદભાવ આપોઆપ દૂર થઈ જશે. 

અહીં મૂકેલ સુફી સંગીતના બીજા ગીતના ગાયકો છે અમૃતસર જીલ્લાના વડાલી ભાઈઓ - પૂરણચંદ અને પ્યારેલાલ વડાલી. ગીતનાં શબ્દો સુંદર, સરળ અને અગાઉ જણાવ્યા પ્રમાણે પ્રેમલક્ષણા ભક્તિનું સ્વરૂપ દર્શાવે છે. પહેલી બે કડીઓ સમજવામાં સરળતા થાય તે માટે તેનું ભાષાંતર કર્યું છે.  ગીતની આગળની કડીઓ સમજાય તેવી છે તેથી લેખને લાંબો કર્યા વગર તે છે તેવી રીતે રજુ કરવામાં આવી છે.




રબ-બંદે દી જાત ઈક્કો
જ્યોઁ કપડેદી જાત હૈ રૂઁ
કપડે વિચ જ્યઁો રૂઁ હૈ લુકયા
યૂઁ બંદે વિચ તૂ
આપે બોલે આપ બુલાવે
આપ કરે હૂં હૂં

(ભગવાન -  ભક્તની જાત જ એક
જેમ કાપડની જાત છે રૂ
કપડામાં છે રૂ છુપાયું
ખુદ બોલે અને (અમારી પાસેથી) ખુદ બોલાવે છે
કર્તા - કરાવનાર પણ તું જ.
તું માને કે ન માને, પ્રિયતમ
અમે તો તને જ અમારા પરમાત્મા માન્યા!

***
મહારાષ્ટ્રમાં મધ્ય યુગની સંત પરંપરામાં રચાયેલા ભક્તિ ગીતોમાં અભંગ અને ઓવીઓ હજી પણ એટલી જ લોકપ્રિય છે. પંજાબી કાફી અને સાખીની જેમ આનું કારણ પણ તેની લોકભોગ્યતા છે. સંત જ્ઞાનદેવ (જેમને મહારાષ્ટ્રમાં જ્ઞાનબા માઉલી - જ્ઞાનની માતા કહેવામાં આવે છે)ની કથા સૌ જાણે છે. વેદ-ઉપનિષદનું જ્ઞાન પોથીમાંનાં રિંગણાં ન બની રહે તે માટે તેમણે ગીતાની રચના સરળ લોકભાષામાં ઓવી સ્વરૂપમાં કરી. ગયા ૮૦૦ વર્ષથી ચાલી આવતી પંઢરપુરની ‘વારી’ (પગપાળા યાત્રા) કરવા જનાર મહારાષ્ટ્રની ગ્રામ જનતા આજે પણ ‘જ્ઞાનબા માઉલી’ અને તુકારામ મહારાજના અભંગ ગાતાં ગાતાં ચાલતાં જાય છે. અહીં જ્ઞાનેશ્વર મહારાજની એક રચના રજુ કરી છે. ગાયિકા છે લતાદીદી.  વિડિયોમાં આની રજુઆત એવી સુંદર રીતે કરવામાં આવી છે, અભંગની સાથે તેની મૂળ મરાઠી પંક્તિઓ અને તેનું અંગ્રેજી ભાષાંતર આપવામાં આવ્યાં છે. આમ વાચક/શ્રોતા આ અભંગનું ગેય રૂપ, તેનાં શબ્દો અને ભાવાર્થ, ત્રણેનો એક સાથે આનંદ અનુભવી શકે.




સંત પરંપરામાં બીજા મહાત્મા હતા દેહૂના સંત તુકારામ, નામદેવ, જનાબાઈ વિ. થઈ ગયા. નામદેવનાં ભજનો તો શીખોના ગ્રંથ સાહેબમાં સ્થાન પામ્યાં છે.  અહીં સંત તુકારામે રચેલું એક અભંગ ભારતરત્ન ભીમસેન જોશીના સ્વરમાં રજુ કર્યું છે.  


આ નાનકડા અભંગનો અર્થ ઘણો ગહન છે, અને ગ્રામ્ય લોકો તેને સમજી શકે તેવી લોકભાષામાં સંત તુકારામે રચ્યો.
આ સૃષ્ટિમાં માનવીનું શરીર એક અણૂ સમાન નાનકડો (थोकडा) છે, પણ તેમાં વસતો આત્મા આખા આકાશમાં વ્યાપે એવડો છે.
પંચ મહાભૂતથી બનેલા આ શરીરને કાળ ગળી ગયા પછી બાકી શું રહે છે? આ ભવના ભ્રમનો એક જ આકાર હોય છે!  
એક ત્રિપૂટી - કર્તા,  કાર્ય અને કારણ  અથવા જ્ઞાતા, જ્ઞાન અને જ્ઞેય તે પણ વિરમી જાય છે અને રહી જાય છે આ ઘટ - શરીર. તેમાં જ્ઞાનનો દીપક પ્રગટે ત્યારે આત્માની વિશાળતાની 'આકાશ જેટલી' (आकाशा येवढा) અનુભુતિ થાય. તુકારામ કહે છે, આ અવસ્થામાં જીવ અને શિવના ઐક્યની સ્થિતિની અનુભુતિમાં તન્મય થવાય ત્યારે જીવનમાં એક જ ઉદ્દેશ બાકી રહી જાય છે : પરમાર્થ (પરોપકાર). 

અંતમાં જિપ્સીનું પ્રિય ભજન મૂકવાની રજા લઈશ. નરસિંહરાવ દિવેટિયાએ મૂળ અંગ્રેજી ભક્તિગીત "Lead kindly light / Among the encircling gloom"નું સુંદર અને ભાવવાહી રૂપાંતર કર્યું છે. ગાયક છે આશિત દેસાઈ. 










4 comments:

  1. વિવિધ પરંપારાના ભક્તિ ગીતો સાંભળતા હૃદય ભક્તિ રસ તર્બોળ થયું,
    અતિ આભાર.

    ReplyDelete
    Replies
    1. આપના પ્રતિભાવ માટે આભાર.

      Delete
  2. શીખ પંથના રોજ સ્મરાતા જપજી સાહેબની કડીઓ + मधुर भावबाही.


    સૂફી સંતોની વાત જ નીરાળી
    યૂઁ બંદે વિચ તૂ
    આપે બોલે આપ બુલાવે
    આપ કરે હૂં હૂં...અર્થ સાથે માણવાનૉ આનંદ આનંદ

    બાળપણમા જ્ઞાનબા માઉલી’ અને તુકારામ મહારાજના અભંગ ભાવવિભોર થઇ જેમ જેમ અનુભવાતું ગયું તેમ વધુ સમજાતું ગયુ.
    अतीसुंदर, अप्रतिम, उत्कृष्ठ गाणी!!! અને આ ભજન તો સૌ ને ગમે તે તેના બોલ સાથે ફરી ફરી માણો
    પ્રેમળ જ્યોતિ

    પ્રેમળ જ્યોતિ તારો દાખવી
    મુજ જીવનપંથ ઉજાળ
    દૂર પડ્યો નિજ ધામથી હું ને
    ઘેરે ઘન અંધકાર
    માર્ગ સૂઝે નવ ઘોર રજનીમાં
    નિજ શિશુને સંભાળ
    મુજ જીવનપંથ ઉજાળ

    ડગમગતો પગ રાખ તું સ્થિર
    મુજ દૂર નજર છો ન જાય
    દૂર માર્ગ જોવાને લોભ લગીર ના
    એક ડગલું બસ થાય
    પ્રેમળ જ્યોતિ તારો દાખવી
    મુજ જીવનપંથ ઉજાળ

    આજ લગી રહ્યો ગર્વમાં હું
    ને માગી મદદ ન લગાર
    આપ બળે માર્ગ જોઈને ચાલવા
    હામ ધરી મૂઢ બાળ
    હવે માગું તુજ આધાર
    પ્રેમળ જ્યોતિ તારો દાખવી
    મુજ જીવનપંથ ઉજાળ

    ભભકભર્યાં તેજથી હું લોભાયો
    ને ભય છતાં ધર્યો ગર્વ
    વીત્યાં વર્ષો ને લોપ સ્મરણથી
    સ્ખલન થયાં જે સર્વ
    મારે આજ થકી નવું પર્વ
    પ્રેમળ જ્યોતિ તારો દાખવી
    મુજ જીવનપંથ ઉજાળ

    તારા પ્રભાવે નિભાવ્યો મને
    પ્રભુ આજ લગી પ્રેમભેર
    નિશ્વે મને તું સ્થિર પગલેથી
    ચલવી પહોંચાડશે ઘેર
    દાખવી પ્રેમળ જ્યોતિની સેર
    પ્રેમળ જ્યોતિ તારો દાખવી
    મુજ જીવનપંથ ઉજાળ

    કર્દમભૂમિ કળણ ભરેલી
    ને ગિરિવર કેરી કરાડ
    ધસધસતા જળ કેરા પ્રવાહો
    સર્વ વટાવી કૃપાળ
    મને પહોંચાડશે નિજ દ્વાર
    પ્રેમળ જ્યોતિ તારો દાખવી
    મુજ જીવનપંથ ઉજાળ

    રજની જશે ને પ્રભાત ઊજળશે
    ને સ્મિત કરશે પ્રેમાળ
    દિવ્યગણોનાં વદન મનોહર
    મારે હ્રદયે વસ્યાં ચિરકાળ
    જે મેં ખોયાં હતાં ક્ષણવાર
    પ્રેમળ જ્યોતિ તારો દાખવી
    મુજ જીવનપંથ ઉજાળ પ્ર'જુ વ્યાસ

    ReplyDelete
    Replies
    1. આપના પ્રતિભાવ માટે અને ખાસ તો "પ્રેમળ જ્યોતિ"ના શબ્દો રજુ કરી કવિના હૃદય સુધી પહોંચડવા માટે આભાર.

      Delete