Follow by Email

Thursday, April 2, 2015

સંગીત લહરી

સિને સંગીતમાં ભારતીય શાસ્ત્રીય સંગીત પર આધારીત ગીતોનું માધુર્ય હંમેશા તાજું રહ્યું છે. આપણા સંગીતને ‘શાસ્ત્ર’ કહેવા પાછળ ઘણાં કારણો છે. તેમાં દરેક સૂરની વ્યુત્પત્તી (etymology)નું સંશોધન થયું છે ; કયો રાગ  કયા પ્રહર માટે ઉચિત, અસરકારક અને મંત્રમુગ્ધ કરવાની ક્ષમતા ધરાવે છે, તેનો અભ્યાસ અને પ્રયોગ કર્યા બાદ તેની રજુઆત થવા માંડી. એવી જ રીતે આપણા વિવિધ પ્રદેશો તથા ઋતુને અનુરૂપ થાય તેવા રાગોની રચના થઈ અને તે લોકભોગ્ય થયા.

ફિલ્મોમાં શાસ્ત્રીય સંગીત પર આધારીત અનેક ગીતો રચાયા. એવું નથી કે આવા બધા જ ગીતો લોકપ્રિય થયા. સંગીતકાર બેલડી લક્ષ્મીકાંત - પ્યારેલાલના જીવન પર નસરીન મુન્ની કબીરના ‘મુવી મહલ’ના એક પ્રકરણમાં સ્વ. લક્ષ્મીકાંત કહે છે, "ફિલ્મમાં શાસ્ત્રીય રાગ પર આધારીત ગીતને મૂકવા માટે કેવળ સમયને અનુરૂપ હોય તેવા રાગનું composition કામ નથી આવતું. અહીં ફિલ્માતા પ્રસંગની ગંભીરતા કે હળવાશ, અને નાયક કે નાયિકાના મનોભાવને (moodને) વ્યક્ત કરવાનો પ્રયત્ન એટલો જ મહત્વનો હોય છે." ત્રીજી વાત તેમણે કહી તે હતી તેની ‘discability’! એટલે ગીત એટલું કર્ણ મધુર હોવું જોઈએ કે ગમે ત્યારે પણ તેની રેકૉર્ડ (કે સીડી) વાગે, તે સાંભળીને શ્રોતાને શ્રવણનો આનંદ આપી શકે. આ વાતમાં કેટલું તથ્ય છે તે જોવા અહીં તેમના બે ગીતો રજુ કર્યા છે. ૧૯૬૪માં નિર્માણ થયેલી ફિલ્મ ‘સતી સાવિત્રી’નું ગીત હજી પણ એટલું જ મધુર લાગે છે જેટલું તે સમયે હતું:

જીવન ડોર તુમ્હી સંગ બાંધી - લતાજી/લક્ષ્મીકાંત પ્યારેલાલ
લક્ષ્મીકાંત પ્યારેલાલના બીજા ગીતના શબ્દો - જે મારા માનવા પ્રમાણે ભરત વ્યાસજીએ રચ્યા - તેમાં પત્નીની પતિ પ્રત્યેની સમર્પણની ભાવના અને પતિની પત્ની પરત્વે માન, કૃતજ્ઞતા અને ગૌરવની ભાવના ઠેઠ સુધી છલકે છે. લતાદીદી અને મન્ના’દાએ આ ગીત એવી જ ભાવુકતાથી તેને ગાયું, આખું ગીત શ્રોતાને પતિ-પત્નીના સંબંધોની ઉદાત્તતા તરફ લઈ જાય છે. હાથ કંગનકો આરસી ક્યા? આપણે આ ગીત અનુભવીએ!


***
મુંબઈના ચિત્રપટ ઉદ્યોગમાં ઘણી સંગીતપ્રધાન ફિલ્મો બની. આપ તેમનાં નામ જાણો છો, તેથી તેની પુનરાવૃત્તિ નહિ કરૂં. તેમાંની કેટલીક ચિરસ્મરણીય થઈ તો કેટલીક સમયના વંટોળિયામાં ખોવાઈ ગઈ. આવી ગુમ થવા આવેલી ફિલ્મોમાંના અદ્વિતીય ગણાય તેવા ગીત રજુ કરીશું.  એક નવજાત કુરૂપ બાળકને તેનાં માતાપિતા ત્યજી દે છે જેને એક સંગીતકાર ઉછેરે છે. પાલક પિતાના અવસાન બાદ સાવ એકાકિ જીવન જીવી રહેલ આ વ્યક્તિના હૃદયની વ્યથા મન્ના’દાએ એવી રીતે વ્યક્ત કરી છે, બસ, સાંભળતા રહીએ! 
આ  ફિલ્મના પાત્રે રફી સાહેબના અવાજમાં ગાયેલ ગીત એટલું જ સુંદર છે: સિને સૃષ્ટિમાં જેમના આગમનથી આગવો પ્રભાવ પડ્યો હોય તેવા એ સંગીતકાર હતા રોશન લાલ. તેમનું ૧૯૫૨ની સાલમાં સુરબદ્ધ કરેલું અને લતાદીદીએ ગયાેલું ગીત હજી પણ પ્રભાતના ઝાકળબિંદુ જેવું તાજું લાગે!
સી. રામચંદ્ર જેટલા મહાન સંગીતકાર હતા, એટલી જ તેમની ઉપેક્ષા થઈ. તેમના ગીતો અવિસ્મરણીય છે. જો કે કેટલાક ગીતો સમયના પડદાની પાછળ સંતાયા છે, પણ જ્યારે તે ડોકિયું કરી આપણી તરફ જુએ, હૃદયના તાર હલી ઉઠે! આ પહેલાં આપે તેમનું 'શિનશિનાકી બુબલાબૂ'નું ગીત 'હમ કિતના રોયે' સાંભળ્યું હતું. આવું જ એક હૃદયદ્વાવક ગીત છે ફિલ્મ ‘પરછાંઈ’નું, લતાદીદીના સ્વરમાં:ફિલ્મ 'પરછાંઈ'ની વાત થાય ત્યાં સી. રામચંદ્રે  સંગીતબદ્ધ કરેલ તલત મહેમૂદની ગઝલ કેમ કરીને ભુલી શકાય? આજના અંકનું સમાપન તેમના ગીતથી કરીશું: