Follow by Email

Sunday, November 16, 2014

ંઅસ્થિર સંબંધોનું બાંધકામ (૧)

અસ્થિર કે નબળા પડી ગયેલા સંબંધ.

અસ્થિર, નબળા પડી ગયેલા કે ઘણા પાતળા સંબંધો બાબતે કંઈ પણ કરવું સહેલું હોતું નથી. સૌથી પહેલાં ક્યા સંબંધો અસ્થિર છે તેની પ્રતિતિ થતાં ઘણો સમય લાગી જતો હોય છે. અને તેનો ખ્યાલ ત્યારે આવે કે આવી વ્યક્તિ સાથેના સંબંધમાં સાતત્યનો અભાવ દેખાય.

આનો સાદો દાખલો જોઈએ.

‘ક્ષ’ નામની વ્યક્તિ આમ તો આપણા તરફ હંમેશા ઉપેક્ષા કે દુર્લક્ષ્ય દર્શાવે છે. કોઈ વાર અચાનક તેમનો આપણા પ્રત્યેના પ્રેમમાં એવો ઉછાળ આવે, સ્નેહના પૂરમાં આપણને એવા વહાવી દે આપણે આશ્ચર્યચકિત થઈ જઈએ. કેટલાક સમય બાદ તેઓ મળે ત્યારે તે જાણે અાપણને ઓળખતા પણ નથી તેવું વલણ દાખવે. આપણે તેમની સાથે વહાલથી વાત કરવા જઈએ તો એવી ઠંડકથી આપણી સામે જોશે અને એક પણ શબ્દ કહ્યા કે બોલ્યા સિવાય ત્યાંથી ચાલતી પકડશે!  તેમના આવા વલણની પાછળ કદાચ કોઈ ગંભીર કારણો હોઈ શકે છે. આનો ઊંડો વિચાર કરીશું તો કદાચ જણાશે કે:

(૧) વ્યક્તિગત અનુકૂળતા, મદદ કરવાની ક્ષમતા અથવા ખાનગી સંજોગોને કારણે આપણે અને આપણા આ સંબંધી એકબીજાની જરૂરિયાતો કે અપેક્ષાઓ એક કે એકથી વધુ વાર પૂરી કરી શક્યા નથી.

(૨) બન્ને સંબંધિત વ્યક્તિઓ (આપણે અને આપણા આ સંબંધીઓ) એકબીજાની અપેક્ષાઓ સમજ્યા ન હોય અને તે બાબતે
અરસપરસ વાત ન કરી હોય. એ પણ શક્ય છે કે બન્ને વચ્ચે આ બાબતમાં લાંબા વખતથી કોઈ અર્થપૂર્ણ વાતચીત જ ન થઈ હોય. આમ અપેક્ષાપૂર્તિના અભાવથી તેઓ આપણી ઉપેક્ષા કરવા લાગ્યા છે.

(૩) અહીં મોટોમાં મોટો પ્રશ્ન આવે છે તે અહમ્ નો. ઃણી વાર આપણે બન્ને એકબીજાની મુશ્કેલીઓ જાણી શક્યા હોઈએ, પણ ત્યાં અહંકાર જાગે છે : 'ફરીથી સંવાદ કે સંબંધ ફરી સ્થાપવા માટેની શરૂઆત મારે જ શા માટે કરવી જોઈએ? સામેની વ્યક્તિ કેમ નહિ? જો તે પહેલ કરે તો હું દોડીને જઈશ અને તેને ભેટી પડીશ. પણ હું સામે ચાલીને જઊં અને તે ફરીથી મારી ઉપેક્ષા કરે તો મારૂં અપમાન ન થાય?' આ વિચાર બન્ને પક્ષોના મનમાં હોઈ શકે છે. આવામાં પહેલ કરવી તે કોણે, અને શા માટે આ સવાલ આ સંબંધોની વચ્ચે મોટો અંતરાય ખડો કરી શકે છે.
***
આ પ્રશ્નના કેન્દ્રસ્થાને એક વાત ભુલવી ન જોઈએ. જ્યારે આપણે આપણા સંબંધોની સૂર્યમાળા બનાવી ત્યારે આપણે જે વ્યક્તિઓનો તેમાં સમાવેશ કર્યો તેનો અર્થ સાફ છે કે તેઓ આપણા માટે અગત્યનાં છે. જો તેમ ન હોત તો આપણે તેમને સંબંધોની રેખાકૃતિમાં સામેલ જ ન કર્યા હોત. હવે આ ઘડીએ આપણે તેમનાં નામ આ પ્રક્રિયામાંથી કાઢી ન શકીએ કારણ કે તેઓ મહત્ત્વના છે જ. સંબંધોના આ પૃથક્કરણમાંથી તેમને બાકાત કરીને આપણી જિંદગીના એક હિસ્સાથી આપણે ભાગી રહ્યા છીએ એવું થશે. આ તો આપણાં સુષુપ્ત વ્યક્તિત્વના કોઈ એક ભાગનો વિચ્છેદ કરવાના પ્રયાસ સમાન છે તેથી તેમને બાકાત રાખવાથી આખરે ઈજા તો આપણને જ પહોંચશે. આ કારણસર આપણે આપણા ગ્રહમંડળનું ચિત્ર બનાવ્યું, તેમાં કોઈ સુધારા કરવાના ન હોય તેનું મહત્વ અહીં સમજાશે!

પાતળા કે અસ્થિર સંબંધોને ફરી જોડવા સંબંધે જે કામ કરવું પડશે તે ઘણે અંશે દુ:ખમય હોય છે અને ઘણો સમય માંગી લે છે. જો આપણા ગ્રહ મંડળમાં એકથી વધુ વ્યક્તિઓ સાથે અસ્થિર સંબંધ હોય તો સૌની સાથે એકી વખતે કામ કરવું સલાહભર્યું નથી. એક વ્યક્તિના સંબંધ વિશે જે મનોયત્ન કરવાનું થાય ત્યારે તેના પર જ મન અને ધ્યાન કેન્દ્રીત કરવું જોઈએ. એથી વ઼ધુ વ્યક્તિઓ પર આ મનોયત્ન કરવા જઈશું તો કોઈને પણ આપણે ન્યાય નહિ આપી શકીએ. લેખકના એક મુલાકાતીએ આ પ્રક્રિયાને Tight rope walking - તંગ દોરડા પર ચાલવાનો પરિશ્રમ કહ્યો હતો! 

આ કાર્ય ખુબ સંભાળીને અને સંવેદનશીલતાથી કરવાનું છે. આગળનાં પાનાં પર આ કામ કેવી રીતે કરી શકાય તે બતાવવાનો પ્રયત્ન કર્યો છે. તે માટે નીચેની વાતો ફરી એક વાર જોઈ જઈશું:

(૧) સંબંધોની સૂર્યમાળા અને સંબંધોની રેખાકૃતિઓનો ફરી એકથી કાળજીપૂર્વક અભ્યાસ કરીશું.

(૨) જે સંબંધોમાં આપણે તૂટક તૂટક રેખાઓ દર્શાવી છે તે આપણા માટે મહત્ત્વનાં છે, તેથી આપણા ગ્રહ મંડળમાં તેમને સામેલ કર્યા છે.
(૩) હાલના બારીક અથવા તો તંગ સંબંધો અંગે કામ હાથ ધરતી વખતે જે તે સંબંધના પાયાની ચકાસણી કરીશું. આ સંબંધના મૂળમાં જતી વખતે શક્ય તેટલા તટસ્થ રહેવાનું છે!

નીચે આપેલા મનોયત્ન માટે જે પ્રશ્નાવલી આપી છે તેની કેટલીક ઝેરોક્સ કરી લેશો. જે જે સંબંધો કાચા પડી ગયા છે તેમના વિશે કામ કરવામાં આ કામ લાગશે. અહીં યાદ રાખીશું કે બધા પ્રશ્નોના જવાબ પૂરી તટસ્થતાથી આપવાના છે.

 નોંધ: ઉપર તમારી અપેક્ષાઓનું સ્પષ્ટ વર્ણન કરશો. જેટલી અપેક્ષાઓ યાદ આવતી હોય તે બધી લખીશું, જેથી કોઈ વાત બાકી ન રહી જાય.  જે વાતની ખરાઈ ન કરી હોય કે જે વિશે ખાતરી ન હોય તે પણ અહીં લખશો.

હવે પછી કરવાના કાર્ય માટે ઉપર આપેલા જવાબ ઘણાં અગત્યના છે. તેથી વિચારી, સમજીને લખીશું.