Sunday, April 13, 2014

"સીમાબદ્ધ"

“મારૂં નામ શ્યામલેન્દુ ચૅટરજી છે; પ્રિયજનો માટે શ્યામલ. મારા પિતાજી પટણામાં શિક્ષક છે. અંગ્રેજી સાહિત્ય સાથે મેં એમ.એ. પ્રથમ વર્ગમાં પહેલા નંબરે પસાર કર્યા બાદ પિતાજીના પગલે શિક્ષક થયો. મારા અંગ્રેજીના પ્રૉફેસરનો હું પ્રિય શિષ્ય હતો. નોકરી મળ્યા બાદ તેમની પુત્રી દોલન સાથે મારાં લગ્ન થયા. 
“એક દિવસ અખબારમાં મેં જાહેરાત જોઇ. “હિંદુસ્થાન પીટર્સ લિમિટેડ” નામની કલકત્તાની એક વિખ્યાત અંગ્રેજ કંપનીને ‘ટ્રેઇની સેલ્સ એક્ઝેક્યુટીવઝ્’ની આવશ્યકતા હતી. િવજળીના પંખા અને લાઇટના બલ્બ બનાવતી દેશની આ સૌથી મોટી કંપની હતી. િશક્ષણ ક્ષેત્રની બહાર અન્ય પણ વિશ્વ હોય છે તે જોવાનું કુતૂહલ હું રોકી શક્યો નહી અને મેં આ જગ્યા માટે અરજી મોકલી. થોડા દિવસ બાદ મને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવ્યો. ઇન્ટરવ્યૂ લેનાર હતા મિસ્ટર ડેવીડસન. અર્ધા કલાકની આ મુલાકાતમાં મારા સેલ્સ વિષયના અનુભવ કે તે અંગેની માહિતી પૂછવાને બદલે તેમણે મારી સાથે અંગ્રેજી સાહિત્ય વિષે ઉંડાણથી ચર્ચા કરી. શેક્સપીયરની કૃતિઓ વિશે ખાસ સવાલ પૂછ્યા. અંતમાં નિરાશ વદને માથું હલાવી તેમણે મને કહ્યું, “આ નોકરીમાં અમે તમને માસિક આઠસો રૂપિયા પગાર આપી શકીશું. તમારો અૅપોઇન્ટમેન્ટ અૉર્ડર ટૂંકમાં મળી જશે.”
“નીમણૂંકનો હુકમ મળતાં હું અને દોલન દિલ્હી ગયા. ટ્રેનીંગ ક્યારે શરૂ થઇ અને દસ વર્ષ કેવી રીતે વિતી ગયા, ખબર પણ ન પડી. કારકિર્દીમાં સફળતા મળી અને કંપનીની હેડ અૉફિસમાં મને સેલ્સ મૅનેજરના પદનું પ્રમોશન મળ્યું. કલકત્તામાં કંપનીએ અમને આધુનિક બહુમાળી કૉમ્પલેક્સમાં છઠ્ઠા માળે વિશાળ ફ્લૅટ આપ્યો. અમારા દસ વર્ષના પુત્રને અમે દાર્જીલીંગની પ્રેસ્ટીજીયસ બોર્ડીંગ સ્કૂલમાં મોકલ્યો. કલકત્તા આવ્યા બાદ બાલીગંજમાં અમે મા-બાબા માટે એક ફ્લૅટ લીધો છે. પટણા છોડી તેઓ હવે કલકત્તા આવી વસ્યા છે.
“સેલ્સ મૅનેજરની નીમણૂંક થયા બાદ પહેલા દિવસે કામ પર હાજર થયો ત્યારે મારા ડિપાર્ટમેન્ટના એક સિનિયર સદસ્યને મારા ખાતાના કર્મચારીઓ સાથે ઓળખાણ કરાવવાનું કામ સોંપ્યું. સૌથી પહેલાં તેમણે મને સલાહ આપી, ‘જુઓ મશાય, હવે તમે સિનિયર મૅનેજર થયા છો. જ્યારે પણ કામ પર આવો, નિમ્ન વર્ગના કોઇ કર્મચારી સાથે આંખ મિલાવવી નહી. લિફ્ટમાં તમારા ખાતાના કર્મચારી હશે, તમને ગુડ મૉર્નીંગ સર વિગેરે કહે તો માથું હલાવી એટલો જ જવાબ આપવો, પણ તેમની સામે જોવું નહી. આમ કરવાથી તેમને તેમના સ્થાનનો અહેસાસ થશે અને તમારી નજીક આવવાનો કે મૈત્રીભાવ જતાવવાનો પ્રયત્ન નહી કરે. તમારો દબદબો કાયમ રહેશે. 
“અમારી હેડ અૉફિસમાં એકસો એંશી માણસો કામ કરે છૈ. પંખા અને બલ્બ બનાવવાના કારખાનામાં બારસો.
“કંપનીની ‘હાયરઆર્કી’માં એમ.ડી.- એટલે મૅનેજીંગ ડાયરેક્ટર, સેલ્સ ડાયરેક્ટર અને ફાઇનાન્સ ડાયરેક્ટર ત્રણે અંગ્રેજ છે. તેમની નીચે બે મૅનેજર્સ: રૂણૂ સેન અને હું. 
“સેલ્સ ડાયરેક્ટર મિસ્ટર ડેવીડસન - જેમણે મને નોકરીએ રાખ્યો હતો, લંડન ગયા છે. તેમને કૅન્સર થયો છે. તેમની પાછા આવવાની શક્યતા ઓછી છે. કંપની વિચાર કરે છે કે સિનિયર મૅનેજમેન્ટમાં અૅડીશનલ ડાયરેક્ટરની નીમણૂંક કરવી. આમ તો રૂણૂ સેન અને હું બન્ને પ્રમોશન માટે લાયક છીએ, પણ રૂણૂ સેન વધુ થનગની રહ્યો છે. શ્રીમંત પરિવારમાં જન્મેલો રૂણૂ ખાનગી શાળા તથા કૉલેજમાં ભણ્યો છે. વાતચીત તથા અંગત વર્તણુંકમાં તેનું અંગ્રેજપણું હંમેશા દેખાઇ આવે. એને ખાતરી છે કે ડાયરેક્ટરની જગ્યા તેને જ મળશે.”
આમ શરૂ થાય છે ચિત્રપટ ‘સીમાબદ્ધ’.  
ફિલ્મ આગળ વધે છે. શ્યામલની સાળી સુદર્શના ઉર્ફે તૂતુલ (શર્મિલા ટાગોર) પટણાથી થોડા દિવસ માટે બહેન-બનેવી પાસે આવી છે.  સત્યજીત રાયે તૂતુલનું પાત્ર ઘણી કલાત્મકતાથી ઉપસાવ્યું છે; એક તરફ તે મહાનગરના ઉંચા સમાજના વિવિધ પાસા જોઇ રહેલી યુવતિ દેખાય છે, પણ દિગ્દર્શક તેના પાત્ર દ્વારા પ્રેક્ષકોને subliminal સંદેશ પાઠવે છે: તૂતુલ શ્યામલનો alter ego છે.
તૂતુલે શ્યામલને આદર્શવાદી વિદ્યાર્થી, શિક્ષક અને કુટુમ્બીજનના રૂપમાં જોયો હતો. દિદી સાથે લગ્ન થતાં પહેલાં તેના પિતાજી પાસે તે આવતો ત્યારે જીવનના મૂલ્યોનાં તથા અંગ્રેજી સાહિત્યનાં વિવિધ પાસાઓની ચર્ચા કરતાં તેને સાંભળ્યો હતો અને તેના પ્રત્યે ભક્તિભાવ જન્મ્યો હતો. કલકત્તામાં તેણે જે શ્યામલદા જોયા, તે સાવ જુદા social milieuમાં વિચરતા હતા. યુવાનીમાં તેમણે કેળવેલા, સેવેલા અને જીવેલા મૂલ્યો હવે ક્યાંક ખોવાયા હોય તેવું લાગ્યું. આની અસર દિદી પર થયેલી જોવા મળી. શિક્ષણપ્રધાન પરિવારમાં જન્મેલી, અભ્યાસમાં હોંશિયાર દિદીએ લગ્ન બાદ શિક્ષણ અધવચ્ચે મૂક્યું હતું. તૂતુલ તેને એક્સટર્નલ વિદ્યાર્થીની તરીકે બી.એ. કરવાનું કહે છે ત્યારે દિદી જવાબ આપે છે, ‘હવે તો ક્લબમાં બહેનપણીઓ સાથે વાતચીતમાં, રસોઇપાણીની વ્યવસ્થા કરવામાંથી સમય ક્યાં મળે છે? રહી અભ્યાસની વાત. આજ કાલ તો મૅગેઝીન સિવાય બીજું કશું વાંચવામાં રસ જ પડતો નથી.’ સમય પસાર કરવા માટે તે અંગ્રેજી નસલનો કૂતરો પાળવાનો પણ વિચાર કરી રહી છે. 
આજના શ્યામલદાની જીવનચર્યામાં સામેલ છે શનિવારે રેસ, રવિવારે ગોલ્ફ રમવા જવું, બાકીના દિવસોમાં કૅબરે, ખાસ વર્ગના સભ્યો માટેના ‘એક્સક્લુઝીવ’ ક્લબમાં સાંજ ગાળવા જવાનું વિગેરે. દોલન નિયમીત રીતે બ્યુટી પાર્લરમાં જાય તે વાત જુદી. શ્યામલ-દોલન તેના આધુનિક જીવનનો પરિચય તૂતુલને કરાવે છે. રૉયલ ટર્ફ ક્લબમાં શ્યામલ તેને કહે છે, “દસ વર્ષ પહેલાં અહીં કેવળ અંગ્રેજોને જ પ્રવેશ મળતો. સ્વાતંત્ર્ય બાદ સામાજીક બૅરીયર નષ્ટ થયા છે, જોયું?” શ્યામલ એ નથી કહેતાો કે હવે કેવળ રંગભેદનું સ્થાન હવે માણસના statusએ લીધું છે. સામાન્ય માણસને તેનું સભ્યપદ ન મળે. અંગ્રેજો ગયા અને તેમનું સ્થાન ‘બ્રાઉન’ સાહેબોએ લીધું છે. આ તો રહી બાજુની વાત.
શ્યામલની કંપનીને સીલીંગ ફૅનનો મોટો એક્સ્પોર્ટ અૉર્ડર મળ્યો છે. અૉર્ડરની શરતો આકરી છે. સાથે ‘પેનલ્ટી ક્લૉઝ’ પણ એટલો જ સખત છે. અૉર્ડર પૂરો કરવામાં એક અઠવાડિયું બાકી છે અને માલના ફિનીશીંગમાં ક્ષતિ હોવાને કારણે માલ રીજેક્ટ થાય છે. ક્ષતિ સુધારવા માટે ઓછામાં ઓછા ત્રણ અઠવાડિયા જોઇએ. મૅનેજીંગ ડાયરેક્ટરથી માંડી બધા ચિંતા ગ્રસ્ત છે. રૂણુ સેન ખુશ છે, કારણ કે આનો હલ કાઢવાની જવાબદારી શ્યામલે લીધી છે અને તેમાં તે નિષ્ફળ જશે એવી તેને ખાતરી છે. હવે તેને ડાયરેક્ટરના પ્રમોશનમાંથી કોઇ રોકી નહી શકે! સૌના આશ્ચર્ય વચ્ચે શ્યામલ આ સમસ્યાનો એવો ઉકેલ કાઢે છે કે કંપનીને જોઇતી મહેતલ મળી જાય છે. ત્રણ અઠવાડિયાનો વધારાનો સમય મળે છે, અને કંપની જોઇતી ક્વૉલિટીનો માલ ઇરાક મોકલી શકે છે. શ્યામલને ડાયરેક્ટર બનાવવામાં આવે છે.
શ્યામલે આ કામ કેવી રીતે પૂરૂં કર્યું તે જાણીને તૂતુલનું હૃદય વિદીર્ણ થઇ જાય છે.
શ્યામલે કૉન્ટ્રેક્ટની શરતોનો ઊંડો અભ્યાસ કર્યો. તેમાંની એક કલમ પ્રમાણે ધરતીકંપ કે પૂર જેવી કુદરતી આપત્તિને કારણે કારખાનાની મશીનરીમાં નુકસાન થાય અથવા કામદારોની હડતાલના કારણે કારખાનું બંધ પડે તો અૉર્ડર પૂરો કરવામાં વધારાનો સમય આપી શકાય. શ્યામલને અંદરખાનેથી ખબર મળી હતી કે કંપનીની કૅન્ટીનમાં મળતા ભોજન અંગે કામદારોમાં થોડો અસંતોષ હતો. ભોજનમાં માછલીનું પ્રમાણ એક વાર ઓછું થતાં કામદારો ઉશ્કેરાઇ ગયા હતા. આ મુદ્દાને ધ્યાન લઇ શ્યામલે કંપનીના પરસનેલ મૅનેજર શ્રી. તાલુકદાર સાથે સાઠગાંઠ કરી કાવત્રું રચ્યું. તેમણે જાણી જોઇને ભોજનમાંથી માછલીનું પ્રમાણ ઘટાડ્યું - અને ઘટાડતા ગયા. સતત ચોથા દિવસે પણ માછલીનું પ્રમાણ અસંતોષકારક થયેલું જોઇ કામદારો હડતાલ પર ઉતરી ગયા. તેમણે કારખાના પર ભારે પત્થરમારો કર્યો, જેમાં કંપનીનો ચોકીદાર બૂરી રીતે ઘાયલ થયો. તેની એક આંખ ગઇ, શ્યામલને તેની પરવા નહોતી. તેનો ઉદ્દેશ હડતાલ પડાવવાનો હતો. કારખાનું બંધ પડ્યું અને જોઇતી મુદત મળી ગઇ. કંપની ભારે ખોટમાંથી બચી ગઇ એટલું જ નહી, તેને મોટો નફો થયો. શ્યામલને અૅડીશનલ ડાયરેક્ટરનું પ્રમોશન મળી ગયું. તેને એ વાતનો અહેસાસ નથી કે પ્રમોશન મેળવવા માટે તેણે કરેલ પેંતરાબાજીમાં એક નિષ્પાપ અને વફાદાર ચોકીદાર જીવન અને મૃત્યુ વચ્ચે ઝોલાં ખાઇ રહ્યો હતો.
અભિનંદનોના વરસાદમાં ભીંજાતો શ્યામલ ઘેર આવે છે. લિફ્ટ આજે પણ બંધ છે. છઠા માળે પહોંચવા માટે તેને દાદરાઓ ચઢવા પડે છે. આ શૉટમાં સત્યજીત રાયે શ્યામલને દરેક દાદરાનું પ્રત્યેક પગથિયું ચઢતો દેખાડ્યો છે. મહત્વાકાંક્ષા પ્રાપ્ત કરવા તેને આદર્શોના અને મૂલ્યોનાં કેટલા દાદરા અને પગથિયાં પર પગ મૂકીને ઉપર ચઢવું પડ્યું છે, કેટલો શ્રમ કરવો પડ્યો છે તેનું આ નિરૂપણ છે.
બીજા દિવસના દૃશ્યમાં આપણે જોઇએ છીએ કે શ્યામલ તેના ફ્લૅટના હૉલમાં જાય છે. તૂતુલ ત્યાં બેઠી છે. જીજાજી સામે એક તુચ્છભાવથી જુએ છે, પણ તેની સાથે શ્યામલ નજર મિલાવી શકતો નથી અને સ્તબ્ધ થઇ બેસી રહે છે. તૂતુલ ત્યાંથી ઉઠીને પોતાના કમરામાં ચાલી જાય છે. જાણે શ્યામલનું ઝમીર તેને છોડી ગયું અને તેનું પામર કલેવર હૉલમાં ફસડાઇ પડ્યું છે. આનો અચાનક અહેસાસ થતાં તેનું મસ્તક એક શરમ, પશ્ચાત્તાપ અને અક્ષમ્ય ગુનાના ભારથી ઝુકી જાય છે. બન્ને હાથમાં તે માથું ટેકવી જમીન તરફ જુએ છે. જાણે કહેતો હોય, ‘ધરતીમા, મારગ આપ!’ આ સમયે તેની સાથે કોઇ નથી. નથી તૂતુલ, નથી દોલન. મા અને બાબાને તો તેણે ક્યારના અલગ કર્યા છે. તેના પાપમાં આજે કોઇ ભાગીદાર નથી. આ freeze shotમાં ચલચિત્ર પૂરૂં થાય છે. 
 ‘શંકર’ના ઉપનામથી જાણીતા લેખક મણી શંકર મુખરજીએ ઘણી નવલકથાઓ લખી છે. તેમાંની ત્રણ ‘પ્રતિદ્વંદ્વી’, ‘જન અરણ્ય’ અને ‘કંપની લિમિટેડ’ નવલકથાઓ પર શ્રી. સત્યજીત રાયે ફિલ્મ બનાવી, જે ‘Calcutta Trilogy’ નામે પ્રખ્યાત છે.
સત્યજીત રાયના દિગ્દર્શનમાં તેમની નજરમાં આવેલી સમાજની કેટલીક નાજુક બાબતો, માનવ વ્યવહારના મુલાયમ પાસાઓનું નિરીક્ષણ આ ચિત્રપટમાં માર્મિકતાપૂર્વક રજુ કર્યા છે. દાખલા તરીકે, શ્યામલે કંપનીના કારખાનામાં નોકરી અપાવેલ તેના ગરીબ સગાનો યુવાન પુત્ર મિઠાઇ લઇને શ્યામલને ઘેર જાય છે. શ્યામલ તેને બેસવાનું કહે છે. શ્યામલનો હોદ્દો તથા તેના ઘરની ભવ્યતાથી અંજાયેલો આ યુવાન સોફાના એક ખુણામાં એટલો સંકોચાઇને બેસે છે, જે અનુભવી પ્રેક્ષકની નજરમાંથી છૂટી ન શકે. આવો જ એક અન્ય પ્રસંગ છે. શ્યામલે તેની અૉફિસના મૅનેજરોને કૉકટેલ્સ માટે બોલાવ્યા છે. સ્કૉચ વિસ્કીની ચૂસકીઓ લેવાય છે અને શ્યામલ તૂતુલને શેરી પીવાનો આગ્રહ કરે છે, જે તે સ્વીકારી શકતી નથી. ઠઠ્ઠા મશ્કરી ચાલતી હોય છે તેવામાં શ્યામલના વૃદ્ધ માતા પિતા તેમના ઘેર આવી પહંોચે છે. તે દિવસે લિફ્ટ બંધ હોવાથી ચઢેલા શ્વાસે બન્ને વૃદ્ધજન છઠા માળે પહોંચે છે. શ્યામલ અને દોલન તેમના સંસ્કાર મુજબ તેમની ચરણરજ તો લે છે, પણ તેમને અંદરના કમરામાં લઇ જાય છે, ત્યાં બેસાડી બારણું બંધ કરે છે. બહાર આવી તે તૂતુલને ઇશારાથી બોલાવી મા-બાબા પાસે બેસાડે છે અને શ્યામલ-દોલન મિત્રો પાસે આવી પાર્ટીમાં સામેલ થાય છે. આવા કેટલાય હૃદ્ય, અબોલ દૃશ્યો દ્વારા સત્યજીત રાયે શંકરની કથાને મૂર્ત સ્વરૂપ આપ્યું છે.

યુ ટ્યુબ પર રજુ થયેલા આ ચિત્રપટની બ્લૅક અૅન્ડ વાઇટ ફિલ્મની ક્વૉલિટી એટલી સારી નથી. વળી તેમાં સબ-ટાઇટલ્સ પણ નથી અને વાચકોને તેમાં કદાચ રસ ન પડે. તેથી શંકરની આ કથાને અહીં  વિસ્તારથી રજુ કરી છે. જિપ્સીએ મૂળ નવલકથા વાંચી હતી તેથી તેમાંની વિગતો પણ અહીં સામેલ કરી લેવામાં આવી છે. આ ફિલ્મનો લહાવો લેવા અહીં ક્લીક કરશો.

9 comments:

  1. વાહ! ફિલ્મની કથાનું તમે સુંદર નિરુપણ કર્યું છે. મૂળ કૃતિને તે વધુ ઉઘાડી આપે એવું છે. ફિલ્મ તો અનૂકુળતાએ જોઈશું, પણ જોઈએ ત્યારે તેને વધુ સારી રીતે માણી શકાશે, અને એમ થવામાં આ આસ્વાદનો ઘણો ફાળો હશે, એ વાત ચોક્કસ છે. આવી વધુ ને વધુ સિનેકૃતિઓના આસ્વાદની અપેક્ષા. (મેઘાણીએ 'પ્રતિમાઓ' અને 'પલકારા'માં ફિલ્મની કથાનું અદભુત નિરુપણ કર્યું હતું એની યાદ તાજી થઈ આવી. આ પુસ્તક અંગેની એક વિશિષ્ટ પોસ્ટ બે ભાગમાં મારા બ્લોગ પર મૂકી હતી, જેમાંથી પહેલા ભાગની લીન્‍ક અહીં છે. http://birenkothari.blogspot.in/2012/10/blog-post_13.html)

    ReplyDelete
    Replies
    1. આભાર, બીરેનભાઇ. આપે આપના પત્રમાં મૂકેલી લીન્કનો આલેખ પહેલાં પણ વાંચ્યો હતો અને આજે ફરી વાંચી ગયો. મેઘાણી તો એવરેસ્ટ હતા. આપે તેમના વિશે જે લખ્યું અને તેની સાથે ક્લિપ્સનો કોલાજ મૂકી તેનું સૌંદર્ય અૉર વધાર્યું હતું. જિપ્સીનું કામ તો ચાર્લ્સ લૅમ્બનો શેક્સપીયરનો રસાસ્વાદ કરાવવાના ક્ષીણ પ્રયાસ જેવું જ છે. આપના પ્રોત્સાહન માટે ફરી એક વાર આભાર.

      Delete
  2. While reading your lyrical interpretation of Satyajit Ray's attention to minute details and amazing use of the camera as an integral part of the movie making process as much important, if not, as the characters in a movie, reminds me of works of my other favorite great directors like David Lean, Steven Speilburg, Great Iranian director Majid Majidi, Italian Director Federico Felini, Japanese Akiro Kurosawa, Stanley Kubrick, Ingmar Bergman, ETC so Thank you for re-introducing Ray and hopefully Gujarati population in general and GenX used to sound-bite and nano-seconds in particular, might be inspired to see these movie gems

    ReplyDelete
    Replies
    1. Thank you, Vijaybhai. Your comments are like a breath of fresh air. Much appreciated!

      Delete
  3. sir Tamaru Badha Visay Ma Khubaj Undu gyan se Aavuj gyan Aapna Gujarati hasya samrat shahbuddin Rathod nu se

    ReplyDelete
    Replies
    1. સતીશભાઇ, આપના પ્રતિભાવ માટે આભાર. ભાઇ, મારી પાસે જ્ઞાન નથી. અહીં તો એક વટેમાર્ગુને મળેલી આનંદની ક્ષણો સૌની સાથે મળી ગમતાંનો ગુલાલ કરવાનો પ્રયત્ન છે. જનાબ શાહબુદ્દીનભાઇ રાઠોડની અૉડિયો કૅસેટ સાંભળી છે અને આપે કહ્યું તેમ, તેમની વિવિધ વિષયોની ઉંડી પરખ, હાસ્યમાં પણ હૃદયસ્પર્શી શાયરીના બોલ કહેવાની ઢબ તો સાવ નિરાળી જ છે. જ્યારે પણ તેમને સાંભળ્યા, માનથી મસ્તક નમી ગયું.

      Delete
  4. લેખક શ્રી મણી શંકર મુખર્જીનું સ્થાન બંગાળીમાં સૌથી વધુ વેચાતા અને વંચાતા નવલકથાકારોમાં છે. ચૌરંઘી, સીમાબદ્ધ, જન અરણ્ય, વગેરે તેમની જાણીતી નવલકથાઓ છે તેમાંથી પાછલી બે પરથી સત્યજીત રાયે બનાવેલી ફિલ્મોને પણ અસાધારણ મળી હતી !
    મા શ્રી નરેન્દ્રભાઇને વિનંતિ કે The Monk As Man: The Unknown Life of Swami Vivekananda વિશે લખે. આ પુસ્તકના લેખક પણ શંકર જ છે! સ્વામી વિવેકાનંદના આધ્યાત્મિક વિચારો અને જાહેર જીવન વિશે તો આજ સુધીમાં ઘણું લખાયું છે. પણ એક વ્યક્તિ તરીકેના સ્વામીજીના અંગત જીવન વિશે પ્રમાણમાં ઓછું લખાયું છે. આ પુસ્તકમાં તેના લેખક શંકરે આ ખોટ પૂરવાનો સંનિષ્ઠ પ્રયત્ન કર્યો છે. અગાઉ પ્રગટ થયેલી બધી સામગ્રીનો અભ્યાસ કરીને, સ્વામીજીના અંગત જીવનની ઘણી બધી રસપ્રદ વાતો તેમણે અહીં રજૂ કરી છે.
    આવી ફીલ્મના રસિક માટે તો અણમોલ ભેટ છે...ધન્યવાદ

    પ્રજ્ઞાજુ વ્યાસ

    ReplyDelete
    Replies
    1. This comment has been removed by the author.

      Delete
    2. માનનીયા પ્રજ્ઞાબહેનને સર્વ પ્રથમ સાદર નમસ્કાર. આપના પ્રતિભાવ હંમેશા શ્રદ્ધાપૂર્વક વાંચી જઉં છું. મૂળ લેખમાં તેનાથી વધુ ઓપ આવે છે વું હું જ નહી, અન્ય વાચકો પણ સ્વીકારે છે..
      આપની વાત પર અમલ કરવા અત્યારે જ 'ધ મંક અૅઝ મૅન" મંગાવ્યું છે. તેના વાચનનો આનંદ યાત્રાના સહયાત્રીઓ સાથે વહેંચવાનો જરૂર પ્રયત્ન કરીશ
      અગાઉની 'કમેન્ટ'માં જોડણીની ભુલો રહી ગઇ હતી તેથી તે delete કરી હતી, તે સહજ...

      Delete