Thursday, March 20, 2014

નવ-પ્રસ્થાન: સ્વ. સત્યજીત રાયની અપ્રતિમ કૃતિ "કાંચનજંઘા"


રાય બહાદુર ઇન્દ્રનાથ ચૌધુરી દર વર્ષે હૉલિડે માટે દાર્જીલીંગ જાય છે. સૌંદર્યવતી પ્રકૃતિની સુવર્ણમય પર્વતરાજિનું દર્શન કેવળ તેમના માટે જ નહી, દાર્જીલીંગ જનાર દરેક પર્યટક માટે જીવનનો એક લહાવો હોય છે. આ વર્ષે પણ રાયચૌધુરી મહાશય સપરિવાર દાર્જીલીંગ પર આવ્યા છે. રોજ સવાર-બપોર બહાર ફરવા જાય છે, પણ કાંચનજંઘાના દર્શન હજી થયા નથી. છેલ્લા સત્તર દિવસની નિષ્ફળ પ્રતિક્ષાનો આજે અંત આવે એવી તેમની અભિલાષા છે કેમ કે આવતી કાલે પરોઢિયે કલકત્તા પાછા જવાનું છે. રેશમનાં ભાતભાતના વસ્ત્રો વારંવાર બદલી પોતાની ભવ્ય જાહોજલાલીતી અનુભુતિ કરાવતી જાજ્વલ્યમાન યુવતિની જેમ નિસર્ગ પોતાનાં આવરણ બદલે છે. ઘડીકમાં વાદળાંથી નભ છવાય તો બીજી ક્ષણે ભીનાં મલમલના મુલાયમ ઉપવસ્ત્રથી સમગ્ર સૃષ્ટિને આવરી લે તેવું ધુમ્મસ બે ગજ દૂર ઉભેલ માણસને ઓઝલ કરે છે. આવામાં કાંચનજંઘાના દર્શન કેવી રીતે થાય? ઇન્દ્રનાથ એક પણ ઘડી ચૂકવા માગતા નથી અને પત્નીને બોલાવી રહ્યા છે.
“અરે લાવણ્ય, તમે હજી તૈયાર નથી થયા?”
“હું તો તૈયાર છું. કાલે વહેલી સવારે પાછા જવાનું છે તેથી સુટકેસમાં કપડાં મૂકતી હતી.”
“ચાલો! આજે છેલ્લો દિવસ ફરી લઇએ. કાંચનજંઘા જોવાનો આજે આખરી મોકો છે. આમ પણ આજનો દિવસ મહત્વનો છે. આજે બૅનરજીએ મોનીને પ્રપોઝ કરવું જોઇએ! કેટલો સારો છોકરો છે!”
આ વખતની રજામાં ઇન્દ્રનાથની એક વધારાની ઇચ્છા છેઃ તેમની સૌથી નાની દિકરી મોનીષાની સગાઇ મિસ્ટર બૅનરજી સાથે થાય. ઇંગ્લંડમાં ભણી આવેલા, પાશ્ચાત્ય સભ્યતાના પ્રતિક  અને ૧૯૬૨ના સમયે બારસો રુપિયાનો 'માતબર' પગાર કમાતા બૅનરજી તેમની દૃષ્ટિએ મોનીષા માટે બધી રીતે યોગ્ય છે. સદ્ભાગ્યે બૅનરજી પણ દાર્જીલીંગ હવા ખાવા આવ્યા છે.
રાય બહાદુર પોતે પણ ‘સવાઇ અંગ્રેજ’ છે! સવારે ફરવા જાય ત્યારે સૂટ, ટાય પહેરી, એક હાથમાં વૉકીંગ સ્ટીક અને બીજામાં ચિરૂટ લઇને બહાર નીકળે. રસ્તામાં કોઇ અંગ્રેજ મળે તો ફક્ત તેમને ‘ગુડ આફ્ટરનૂન’થી અભિવાદન કરે, પછી તે આપે કે નહી, તેની ચિંતા નહી. તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરે. બાકી દેશી લોકોએ તો તેમનું અભિવાદન કરવું જોઇએ!  લાવણ્યને આની ક્યાં જાણ નથી? પણ આદર્શ પત્નીની જેમ તેઓ બધું શાંતીપૂર્વક સહન કરી લે છે. આજે કોણ જાણે કેમ, મોનીષાની વાત નીકળી ત્યારે બોલી પડ્યા, “આપણે મોનીની ઇચ્છા જાણવી જોઇએ કે નહી?”
“અરે, તેની શી જરૂર છે? એને તો ખબર છે કે આપણે તેને અનુરૂપ હોય તેવો જ છોકરો જોઇશું. જો બૅનરજી હા કહે તો ડિસેમ્બરમાં લગ્ન પતાવી દઇશું.”
“ડિસેમ્બરમાં? તો પછી તેની પરીક્ષાઓનું શું?”
“મોનીને લગ્નની ડિગ્રી મળ્યા બાદ કૉલેજની ડિગ્રીની શી જરૂર છે? બોલો તો?” કહી તેઓ કમરાની બહાર નીકળ્યા. તેવામાં મનીષા મા પાસે પહોંચે છે.
“બૅનરજીએ તારી આગળ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો?”
“ના, મા.  હજી વાત નથી કરી.”
‘સાંભળ દિકરી. પ્રેમ ન હોય ત્યાં લગ્ન કરીશ મા.” 
***
કમ્પાઉન્ડમાં ઉભા રહી  પતિ-પત્ની મોનીષાની રાહ જુએ છે. મોનિષા મોટી બહેનના કમરામાં ગઇ છે. બનેવી બેડમાં પડ્યા પડ્યા ચ્હાનો ઘૂંટડો લે છે. અણિમા ડ્રેસીંગ ટેબલ પાસે મેકઅપ કરે છે. સત્ય વાત તો એ છે કે થોડી ક્ષણ પહેલાં હોટેલના ચપરાસીએ ટ્રેમાં લાવી આપેલ ચિઠ્ઠી સંતાડીને તે પર્સમાં મૂકે છે.
“મોની, જરા મારી પાસે આવ તો!” જીજાજી મોનીષાને બોલાવે છે.
મોનીષાના બન્ને હાથ હાથમાં લઇ જીજાજીએ પૂછ્યું, “છોકરો પસંદ છે ને? તને પ્રપોઝ કર્યું?”
“ના.”
“સાંભળ, મોની. પ્રેમ વગર લગ્ન કરીશ મા.”
“તમે પણ શું, જીજાજી!” કહી લજાતી મોનીષા માતા-પિતા પાસે જાય છે.
***
દાર્જીલીંગમાં લોકોને એકઠા થવા માટેનું પ્રિય સ્થાન છે મૉલ: એક જમાનાનું બૅન્ડ સ્ટૅન્ડ. લોકો ત્યાં મૂકાયેલ બેન્ચ પર આવીને બેસી ગયા છે. ઇન્દ્રનાથ, લાવણ્ય અને મોનીષા ત્યાં આવીને બૅનરજીની રાહ જુએ છે.
બીજી તરફ અણિમા તેના પતિ અને પુત્રી ટૂકલુ સાથે બહાર આવે છે. છ-સાત વર્ષની ટૂકલુ ઘોડા પર બેસી ફરવા જાય છે. એક લેપચા સ્ત્રી ઘોડાની સાઇસ છે અને ઘોડાને દોરીને લઇ જાય છે. અણિમા પતિ સાથે નથી જતી. પતિ એકલા ફરવા નીકળી જાય છે.
***
આ વર્ષે કોલકોતાનો એક બેકાર યુવાન અશોક પોતાના વૃદ્ધ કાકામોશાયને લઇ દાર્જીલીંગ આવ્યા છે.  અચાનક દાર્જીલીંગની મુખ્ય સડક પરથી તેમને દૂર બેઠેલા ઇન્દ્રનાથના દર્શન થાય છે.
“ચાલ અશોક, તારી ઓળખાણ કરાવું. રાયચૌધુરી મહાશય પાંચ-પાંચ કંપનીઓના ચૅરમૅન છે. તને ક્યાંક તો ગોઠવી દેશે.”
“ના, કાકા. આવી વાત કરવા માટે આ સ્થાન કે સમય યોગ્ય નથી.”
કાકા વાત સાંભળતા નથી અને હાંફતાં હાંફતા અશોકને ખેંચી ઇન્દ્રનાથ પાસે પહોંચી જાય છે.
“તમે કોણ?" 
"મને ન ઓળખ્યો? ૧૯૫૧માં હું આપના પુત્રનો ખાનગી ટ્યુટર હતો…” અને અશોક તરફ જોઇને બોલ્યા, “અલ્યા અશોક, ચરણસ્પર્શ કર તો! 
અશોક ઇન્દ્રનાથની ચરણરજ લઇ તથા લાવણ્યને પગે લાગે છે. કાકાબાબુ ઇન્દ્રનાથ આગળ અશોક માટે નોકરીની વિનંતિ કરે છે.”
“કેટલું ભણ્યો છે?”
“જી, બે વર્ષ પહેલાં મેં બી.એ. કર્યું.”
“અત્યારે શું કરે છે? કેટલું કમાય છે?”
“બસ, ખાનગી ટ્યૂશન કરૂં છું. મહિને પચાસ રૂપિયા મળે છે.”
“જો, કોલકોતા આવીને મને મળજે. આવતાં પહેલાં એપૉઇન્ટમેન્ટ લેવાનું ભુલતો મા. કેટલા પગારની અપેક્ષા છે? બસો? ત્રણસો? અને—” 
એટલામાં તેમને બૅનરજી દેખાય છે. “ઓહ, મિસ્ટર બૅનરજી, ગુડ મૉર્નીંગ. કેમ છો? કહી અશોકના અસ્તીત્વને ભુલી તેઓ બૅનરજી પાસે જાય છે.
ઝંખવાણો અશોક બાજુએ જઇને ઉભો રહે છે. મોનીષાને પિતાનો વ્યવહાર ગમ્યો નથી. તે અશોક પાસે જઇ તેની સાથે સંભાષણ કરવાનો પ્રયત્ન કરે છે.
“આપે કઇ કૉલેજમાં  અભ્યાસ કર્યો?”
“બંગવાસી કૉલેજમાં."
“હું પ્રેસીડેન્સી કૉલેજમાં છુંં.” 
કલકત્તામાં પ્રેસીડેન્સી કૉલેજ Ivy League કક્ષાની, ઉચ્ચ વર્ગના શ્રીમંત યુવાન-યુવતિઓની કૉલેજ હતી. સામાન્ય લોકો બંગવાસી જેવી કૉલેજોમાં જતા.
“ઇંગ્લીશ લિટરેચર?” અશોકે પુછ્યું.
‘હા, પણ મને બંગાળી વાંચવાનો ઘણો શોખ છે. આપે બંગાળી સાહિત્ય સાથે બી.એ. કર્યું?”
‘ના, મારો મુખ્ય વિષય ઇતિહાસ હતો.”
આગળ કશી વાત થાય ત્યાં તો ઇન્દ્રનાથે મોનીષાને બોલાવીને તેને બૅનરજી સાથે જવા કહ્યું. ઝંખવાણી મોનીષા ક્ષમાયાચના કરી ત્યાંથી નીકળી જાય છે.
***
દૃશ્યો બદલાતા જાય છે. મોનીષા અને મિસ્ટર બૅનરજી ફરવા નીકળ્યા છે. બન્ને વચ્ચે વાતચીત થાય છે પણ હજી પ્રસ્તાવ મૂકાયો નથી. તેમની પાછળ પાછળ એક લેપચા જાતિનો આદિવાસી બાળક બક્ષીશની અપેક્ષાથી ફરે છે. બૅનરજી તે જાણે છે પણ તેની સાવ અવગણના કરે છે.
કોણ જાણે કેમ, પણ માતા તથા બનેવીની વાત પર ઊંડો વિચાર કરીને જાણે કોઇ નિર્ણય પર પહોંચી હોય તેમ મોનીષા તક મળતાં બૅનરજીથી છૂટી પડીને એકલતા શોધે છે.
***
અને અણિમા!
આખરે પતિ તેને પૂછી જ લે છે. “હા, મેં તારા પ્રિયકરની ચિઠ્ઠીઓ વાંચી. આઘાત લાગ્યો? આવું અસભ્ય કામ મારાથી થાય જ કેમ, એમ પૂછવું છે ને? આપણાં લગ્નને દસ વર્ષ થયા. મને પહેલેથી જ અંદેશો હતો કે તારાં લગ્ન તારી મરજી વિરૂદ્ધ થયા. દસ વર્ષ સુધી સહન કર્યું. રેસીંગ, જુગાર જેવી ખરાબ ટેવોમાં મેં મન લગાડવાનો પ્રયત્ન કર્યો. છેલ્લે એવા નિર્ણય પર પહોંચ્યો છું કે તું છૂટાછેડા માગે તો તે આપવા તૈયાર છું. તારી મુક્તી માટે હું બધું કરીશ. તું મને પૂછીશ કે મેં છૂટાછેડા શા માટે ન માગ્યા? કારણ જાણવું છે?” દૂરથી ઘોડા પર બેસીને આવતી ટૂકલુ તરફ આંગળી ચિંધી તેમણે કહ્યું, “આ નાનકી મારૂં કારણ છે. તેને દુ:ખી ન કરી શકું. પણ હવે તેની પણ તૈયારી છે.”
અણિમા રડી પડે છે. “સાચું કહું? ‘એ’ના પર કૉલેજના સમયે પ્રેમ કર્યો. લગ્ન પછી પત્રવ્યવહાર ચાલતો રહ્યો, પણ આ ચિઠ્ઠીઓની આપ-લેની જાણે એક ટેવ પડી ગઇ છે. પ્રેમ કે સંસર્ગ નથી, આથી વધુ મેં તેને કશું આપ્યું નહી કે લીધું નહી. મહાન ભૂલ થઇ ગઇ, પણ હવે આપણે બન્ને મળીને ફરી સંસારમાં સ્નેહ જન્માવીએ તો કેવું!”
***
બીજી તરફ કાકાથી જુદો પડી અશોક એકલો ફરવા ગયો છે. રસ્તામાં તેને મળે છે બૅનરજી અને મોનીષા. મનીષા તેને બોલાવે છે અને તેઓ સાથે સાથે વાત કરતાં ચાલે છે, ત્યાં મોનીષાના મામા તેને જોઇ જાય છે! ભાણી તથા તેના ભાવિ પતિને એકલતા આપવા અશોકને તેઓ સાથે લઇ જાય છે. અંતે પોતાના પક્ષીની શોધમાં જગદીશબાબુ તેને એકલો મૂકી ચાલ્યા જાય છે. એકલો અશોક રસ્તે પડે છે, ત્યાં તેને મળે છે ઇન્દ્રનાથ!
“તો શું નોકરી જોઇએ છે મારી પાસે? આવજે, જરૂર આવજે પણ અૅપૉઇન્ટમેન્ટ લીધા વગર બંગલે ન આવતો.”
“મહાશય, માફ કરશો, પણ હું મારી મેળે, સ્વબળ પર નોકરી શોધવા માગું છું. આપને તકલીફ લેવાની કોઇ જરૂર નથી.” 
ઇન્દ્રનાથ માટે આ અકલ્પ્ય અનુભવ હતો. તેમને અપમાન લાગ્યું અને ગુસ્સાથી ત્યાંથી નીકળી ગયા. અશોક ખડખડાટ હસે છે.
તેનું હાસ્ય પૂરૂં થાય ત્યાં બૅનરજીથી છૂટી થઇને નીકળેલી મોનીષા ત્યાં આવી પહોંચે છે.
“શી વાત છે, અશોકબાબુ?”
અશોક તેને પૂરી વાત કહે છે. “આવી સુંદર જગ્યા, જ્યાં હવા મુક્ત છે, વાતાવરણ કોઇની મહેરબાનીનું મોહતાજ નથી એવા માહોલમાં હું કોઇની ગુલામી કેવી રીતે સ્વીકારી શકું?” એક બોજમુક્ત થયેલ વ્યક્તિની જેમ અશોકે કહ્યું. થોડાં ડગલાં ચાલ્યા હશે ત્યાં બૅનરજી મોનીષાને ખોળવા નીકળ્યા હતા અને તેને મળી ગયા.
અશોક ત્યાંથી ચાલવા લાગે છે. એકલતાનો મોકો જોઇ બૅનરજી મોનીષા પાસે લગ્નનો પ્રસ્તાવ મૂકે છે. મોનીષા તેમની વાત સાંભળે છે અને જેની સૌને પ્રતિક્ષા હતી - તેવા તેમના પ્રસ્તાવનો સૌમ્યતાપૂર્વક ઇન્કાર કરે છે! બૅનરજી પણ સજ્જન છે. “જ્યારે આપને લાગે કે આપને સુરક્ષા તથા સુદૃઢ સંસાર મેળવવા હું યોગ્ય લાગું, તો જરૂર જણાવશો,” કહી ચાલવા લાગે છે. પેલો લેપચા છોકરો હજી તેમની પાછળ ચાલે છે. મોનીષા માટે લાવેલ ચૉકલેટનો બાર તેઓ પેલા બાળકને આપે છે: “તું જીત્યો!” કહે છે. 
ત્યાં તો ઇન્દ્રનાથ ત્યાં આવી પહોંચે છે. તે સમયે તેમની નજર સામે ચાર દૃશ્યો હતા:
- મોનીષાને એકલી ચાલી જતી જોઇ.
- તેની વિરુદ્ધ દિશામાં જઇ રહ્યા હતા મિસ્ટર બૅનરજી.
- તેમને ખબર હતી કે બૅનરજી મોનીષા માટે ચૉકલેટ લાવ્યા હતા, જે હવે પેલો ગરીબ કિશોર આનંદપૂર્વક માણી રહ્યો છે અને પોતાની ભાષામાં ગીત ગાય છે.
રાયચૌધુરી મહાશયના મગજમાં એકદમ પ્રકાશ પડે છે! મોનીષાએ લગ્નના પ્રસ્તાવને અમાન્ય કર્યો છે. 
બરાબર તે ક્ષણે ચોથું વિશાળ દૃશ્ય ધુમ્મસ ચિરીને બહાર આવી, સૂર્યના પ્રકાશમાં ઝળહળી રહ્યું હતું: તે હતાં કાંચનજંઘાના ગિરિશિખરો! જો કે સુવર્ણમય પર્વતરાજિ ઇન્દ્રનાથની નજર સામે હોવા છતાં તેઓ તેને જોઇ શકતા નથી, અને “મિસ્ટર બૅનરજી, મિસ્ટર બૅનરજી”નો પોકાર કરતા લગભગ દોડતા જાય છે.
***
બીજી તરફ મોનીષાને અશોક મળી જાય છે. “કોલકોતા ગયા પછી મને મળવા અમારે ઘેર આવશો ને?”
“આપના પિતાની અૅપૉઇન્ટમેન્ટ લેવી પડશે, તેનું શું?
“મારા મિત્રોને તેમની રજા લેવી પડતી નથી!”
***
આ કથા છે સ્વ. સત્યજીત રાયની કલાકૃતિની.  કાંચનજંઘા એક સત્ય છે, અને જ્યારે તે નજર સામે આવે છે, તે જોવાની કે સ્વીકારવાની બુદ્ધી કે ક્ષમતા મનુષ્યમાં હોતી નથી. શા માટે તે મિથ્યાની પાછળ દોડતો રહે છે તે કોણ જાણી શકે છે? આ વાત કેટલી સુંદર રીતે તેમણે રજુ કરી છે! અને પાત્રોની ભુમિકા પણ અદ્ભૂત. ઇન્દ્રનાથની ભુમિકા તે સમયના સર્વશ્રેષ્ઠ અભિનેતા છબી વિશ્વાસ, લાવણ્યની ભુમિકામાં કરૂણા રૉય અને જગદીશબાબુનો 'રોલ' કર્યો છે સાયગલના જમાનાના અભિનેતા પહાડી સાન્યાલે.
વર્ષો સુધી “કાંચનજંઘા”ની પ્રિન્ટ અપ્રાપ્ય હતી. ફિલ્મની નેગેટીવ ઉધઇથી ખવાઇ ગઇ હતી, પણ સત્યજીત રાયના ચાહકોએ એક કૉપી શોધી કાઢી અને You Tube પર ફરતી કરી છે. અહીં ક્લિક કરવાથી આપ આ અનુપમ ચિત્રપટનો રસાસ્વાદ કરી શકશો. ફિલ્મમાં અંગ્રેજી સબ-ટાઇટલ છે. જો કે અાજના બ્લૉગની રજુઆતમાં ચિત્રપટના સંવાદો રજુ કરવામાં સુલભતાને ખાતર સંપૂર્ણ છૂટ લીધી છે જે માટે સૌની ક્ષમાયાચના.  

તા.ક. 'જિપ્સી'ની યાત્રાના એક વરીષ્ઠ યાત્રી શ્રી. રજનીકુમારભાઇ પંડ્યાએ સ્વ. સત્યજીત રાયની મુલાકાત લીધી હતી, તે સમયની તેમની છબી તેમના સૌજન્યથી અહીં મૂકી છે.

11 comments:

  1. અરે પ્રારબ્ધતો ઘેલુ રહેતે દૂર માગેતો,ન માગે દોડતુ આવે---ેના જેવુ Thayu.
    Bahuja saras story chhe.

    ReplyDelete

  2. યાદ
    ૨૩ એપ્રિલ, ૧૯૯૨ના રોજ સત્યજીત રાયનું મૃત્યુ થયું. હજારો લોકો તેમને તેમના ઘર પર શ્રધાંજલિ આપવા આવ્યા. દુનિયાભરમાંથી લોકોએ ઘેરો શોક વ્યક્ત કર્યો.
    સત્યજીત રાયની ફિલ્મોને માનવતા અને સમષ્ટિથી ઓત-પ્રોત ફિલ્મો ગણવામાં આવતી. તેમની ફિલ્મોમાં બહારની સરળતા પાછળ એક ઊંડી જટિલતા પણ છુપી રહેતી. તેમની ફિલ્મોને દિલ ખોલીને વખાણવામાં આવતી. સત્યજીત રાયે 'કાઁચનજંઘા'નું નિર્દેશન કર્યું. જેમાં તેમણે પહેલીવાર મૌલિક કથાનક પર રંગીન ફિલ્મ બનાવી. આ ફિલ્મમાં એક ઉચ્ચ વર્ગના પરિવારની વાર્તા છે જેઓ દાર્જીલિંગમાં એક બપોર વિતાવે છે અને એજ પ્રયાસમાં રહે છે કે તેમની સૌથી નાની દીકરીના લગ્ન લંડનમાં ભણેલા-ગણેલા એક કમાઉ એન્જીનીયર સાથે થઇ જાય. શરૂઆતમાં આ ફિલ્મ એક વિશાલ હવેલીમાં શૂટ કરવાનો વિચાર હતો. પરંતુ ત્યારબાદ સત્યજીત રાયે નિર્ણય કર્યો કે દાર્જીલિંગના વાતાવરણમાં અને પ્રકાશ તેમજ ધુંધની રમતનો પ્રયોગ સ્ક્રીપ્ટમાં કરીને પ્રદર્શિત કરવામાં આવે. સત્યજીત રાયે હસતા હસતા કહ્યું હતું કે તેમની આ ફિલ્મનું શુટિંગ પ્રકાશમાં પણ થઇ શકતું હતું, પરંતુ દાર્જીલિંગમાં હાજર વ્યાવસાયિક ફ઼િલ્મ દળ એક પણ દ્રશ્યનું શુટિંગ ના કરી શક્યા કારણ કે તેમને ભરતડકામાં જ શુટિંગ કરવાનું હતું.આ ફીલ્મ અમ્ને તો ગમી હતી તેના કરતા 'ચારુલતા' ફિલ્મ . જેને ઘણા બધા સમીક્ષક તેમની અત્યાર સુધીની સૌથી નિષ્ણાત ફિલ્મ માને છે.
    ૧૯૯૫માં ભારત સરકારે ફિલ્મો સંબધિત અધ્યયન માટે ' સત્યજિત રાય ફ઼િલ્મ અને ટેલિવિજ઼ન સંસ્થાન'ની સ્થાપના કરી. લંડન ફ઼િલ્મોત્સવમાં નિયમિતરૂપે એક એવા નિર્દેશકને 'સત્યજીત રાય' પુરસ્કાર આપવામાં આવે છે જેણે પહેલી ફિલ્મમાં જ 'સત્યજીત રાય દ્રષ્ટિની કળા, સંવેદના અને માનવતા' અપનાવી હોય. આપને સુંદર રસદર્શન કરાવવા બદલ ધન્યવાદ
    હવે નીરાંતે ફીલ્મ માણીશું
    પ્રજ્ઞાજુ વ્યાસ

    ReplyDelete
    Replies
    1. આભાર, પ્રજ્ઞાબહેન! આપના તરફથી આવતા વિશદ પ્રતિભાવ હંમેશા આવકાર્ય રહ્યા છે, અને જે માહિતી આપે અહીં આપી છે, તે માટે ધન્યવાદ. 'કાંચનજંઘા'ની કથા, પટકથા અને દિગ્દર્શન, બધું જ સ્વ. સત્યજીત રાયે કર્યું હતું તેથી તેમની કલાને વ્યક્ત કરવામાં તેમને થયેલ આનંદ આપે જણાવ્યા પ્રમાણે ચિત્રપટમાં જણાઇ આવે છે.
      અનુકૂળતાએ 'ચારૂલતા', 'સીમાબદ્ધ'નું રસદર્શન કરવાનો પ્રયત્ન કરીશ. આશા છે, આપના તરફથી આ બાબતમાં પ્રેરણા મળતી રહેશે.

      Delete
  3. બીરેન કોઠારીMarch 21, 2014 at 6:33 AM

    સત્યજીત રાયની કૃતિઓના પ્રેમી તરીકે તમે કરાવેલું આ વિવેકપૂર્ણ રસદર્શન અદભુત છે. મૂળ કૃતિને તે વધુ ઉઘાડી આપે છે. આવાં વધુ રસદર્શનોની અપેક્ષા.

    ReplyDelete
    Replies
    1. આપના પ્રતિભાવ માટે આભાર, બીરેનભાઇ. આવતા અંકોમાં જિપ્સીને ગમેલી 'The Midnight Run', ''The Good, the Bad and the Ugly" જેવા ચિત્રપટોની કથા રજુ કરવાનો પ્રયત્ન કરીશ. આશા છે, આપને તે ગમશે.

      Delete
  4. અતિ સરળ ભાષામાં અને લાઘવપૂર્વક આપે આ રસાસ્વાદ કરાવ્યો. આ વાંચીને મને સ્વ મેઘાણીના બે પુસ્તકો "પ્રતિમાઓ" અને "પલકારા" યાદ આવી ગયાં જેમાં તેમણે પોતે જોયેલી હોલીવુડની કેટલીક ફિલ્મોનનું અદભુત બાનીમાં ગુજરાતી વાર્તાંતરણ કરેલું, એ પુસ્તકો વિષે મારો લાંબો લેખ ડૉ કનુભાઇ આચાર્યે સંપાદિત કરેલા "મેઘાણી સંદોહ"માં છે જે પછી મેં મારા પુસ્તક "શબ્દનગર" પણ લીધો છે. તમને અનુકુળતાએ મોકલીશ.
    આ ઉત્તમ કાર્યુ બદલ આપને અનેક અનેક અભિનંદનો-રજનીકુમાર

    ReplyDelete
    Replies
    1. રજનીકુમારભાઇ, આપના સુંદર પ્રતિભાવ માટે હાર્દિક આભાર. આપે તો સ્વ. સત્યજીત રાયની મુલાકાત લીધી હતી તે દર્શાવે છે કે તેમની ફિલ્મો તથા તેમના જીવનના કાર્યકાળ વિશે કેટલો ઉંડો અભ્યાસ છે. આથી જ આપનો પ્રતિભાવ કેવળ જિપ્સી માટે નહી, આ યાત્રામાં ભાગ લેનાર સહુ યાત્રિકો માટે મૂલ્યવાન છે.

      Delete
  5. ગમ્યું...સ-રસ કામ થઈ રહ્યું છે..

    ReplyDelete
  6. આશા છે આપને ફિલ્મ ગમી હશે. આપના પત્ર માટે આભાર.

    ReplyDelete