વાત વાતમાં મુખ્ય વાત કહેવાની રહી જ ગઇ! હા, બ્રિટનમાં પ્રવર્તતા વર્ણદ્વેષની!
સમાજ સેવા વિભાગની નાણાંકીય મદદથી સ્થપાયેલી ભારતથી આવેલા પરિવારોનાં સિનિયર નાગરિકોમાટે એક સંસ્થા સ્થપાઇ હતી. સંસ્થા દ્વારા યોજાયેલ નાનકડી ચર્ચા સભામાં વર્ણભેદ અને તેમાંથી ઉદ્ભવેલ વર્ણદ્વેષ અને તેનાં કારણો પર વક્તવ્ય થયા. એક ઉદાર મતવાદી અંગ્રેજ વક્તાના મત અનુસાર પૂર્વગ્રહ (prejudice)ને કારણે વર્ણભેદ નિપજે છે. જ્યારે પૂર્વગ્રહમાં સામર્થ્ય ભળે- પછી ભલે તે શાસન છુપા સમર્થનને કારણે હોય કે સામાજીક પરિબળોને કારણે, તેની નિષ્પત્તી વર્ણદ્વેષમાં થતી હોય છે. બ્રિટનમાં અને અન્ય યુરોપીય દેશોમાં આ મોટા પ્રમાણમાં જોવા મળે છે. બીજા વિશ્વયુદ્ધ અગાઉ સમગ્ર યુરોપમાં યહુદીઓ તથા જિપ્સીઓ પ્રત્યે ઉગ્ર પ્રમાણમાં વર્ણદ્વેષ થતો હતો. ઇઝરાએલની સ્થાપના પછી યહુદીઓ પ્રત્યેનું આ પ્રત્યાઘાતી વલણ ઓછું થયું, પણ યુરોપમાં જિપ્સીઓની હાલત હજી પણ એટલી જ ખરાબ છે. તેમની વાત ફરી ક્યારે.
બ્રિટનની વાત કરીએ તો જ્યાં સુધી અખંડ ભારત પર તેમનું રાજ્ય હતું, ભારતીયો પ્રત્યેની ભાવના રાજાઓને તેમની રૈયત પ્રત્યે હોય તેવી હતી: patronizing. પંજાબમાં દોડતા ટ્રકોની પાછળ મજાનાં વાક્યો લખાય છે તેમાંનું એક ‘પ્યારસે દેખો, મગર દૂર સે!” અહીં લાગુ પડશે. જ્યાં સુધી તમે દૂર છો, અમે પણ તમારી તરફ પ્રેમથી જોઇશું. પણ અમારા દેશમાં, અમારી નજીક ન આવશો!
જિપ્સીના વિષ્લેષણ પ્રમાણે બ્રિટનમાં પ્રવર્તતા વર્ણદ્વેષ પાછળનું કારણ ઐતિહાસીક છે અને તેમાં બ્રિટનના રાજ્યકર્તાઓની કુશાગ્રતા છુપાયેલી છે. બ્રિટન તથા ફ્રાન્સના વર્ગકલહ એક સમાન હતા. બન્ને દેશોમાં ruling class, bourgeoisie અને proletariatની સ્થિતિ એક સરખી હતી. રૈયત ભુખે મરતી હતી. ઇંગ્લંડમાં ભિખારીઓની સંખ્યા વધતી હતી અને ગામલોકો તેમને ગામ બહાર કાઢતા હતા. રોજ સાંજે ભિખારીઓનાં ટોળાં ભીખ માગવા ગામમાં આવતા અને લોકો તેમને કાઢી મૂકવા તૈયારી કરતા. અહીં એક જુની કવિતા યાદ આવે છે: “Hark! Hark! Dogs do bark/Beggars are coming to the town”. ત્યાર બાદ તો Poor Laws થયા - જવા દો. અહીં ઇતિહાસની પુનરાવૃત્તિ નહી કરીએ. મૂળ મુદ્દા પર આવીએ.
ફ્રાન્સમાં ક્રાંતિ થઇ. સમ્રાટ લુઇ, સામ્રાજ્ઞી મૅરી અૅન્ત્વાનેટ તથા તેમના ઉમરાવોનાં મસ્તક ગિલોટીન નીચે કાપી નાખ્યાં. બ્રિટનમાં આમાંનું કશું થયું નહી. ઇંગ્લંડના રાજા (Kings)ની ઉન્નતિ શહેનશાહમાં (Emperor) થઇ. ઉમરાવોની સંખ્યામાં વધારો થતો ગયો.
આનું મુખ્ય કારણ એ હતું કે અંગ્રેજ શાસકોએ તેમની પ્રજાને ઉંધા ચશ્માં પહેરાવ્યા હતા. જનતાની નજર પોતાની ગરીબીમાંથી હઠાવી તેમના બ્રિટીશ પ્રજાના સામ્રાજ્ય તરફ દોડાવી. તેમને ભ્રમનો કસુંબો પાયો કે તેઓ એવા જગત પર રાજ્ય કરે છે જ્યાં સૂર્ય કદી અસ્ત પામતો નથી. તેમના સામ્રાજ્યનું સૌથી વધુ પ્રકાશમાન રત્ન ભારત છે - The brightest star in the British Empire! આ હિરો એવો હતો જ્યાંના સેંકડો રાજાઓ અને મહારાજાઓ બ્રિટનના હાકેમ સામે કુર્નીસાત કરતા હતા. સૌ જાણતા હતા કે ભારત મણી-રત્નોની ખાણ છે. અહીંના રેશમ, તેજાના, કિનખાબની બ્રિટનમાં છોળ ઉડતી હતી. આવા ધનાઢ્ય દેશની માલિક બ્રિટીશ પ્રજા કેવી રીતે ગરીબ હોઇ શકે? જનતા આ ભ્રમમાં રાચતી હતી. તેમની પોતાની દયનીય સ્થિતિની પ્રજામાંથી કોઇએ દખલ લીધી નહી કેમ કે તેને કદી પ્રસિદ્ધી અપાઇ નહી. મોટાં શહેરોમાં Work Housesમાં ગોંધી તેમની પાસેથી અઢાર જેટલા કલાક કામ કરાવાતું હતું અને બદલામાં બ્રેડ અને સૂપ જેવો ખોરાક અને અલ્પાતિઅલ્પ મહેનતાણું અપાતું. દેવું ચૂકવી ન શકનાર વ્યક્તીની જેલમાં રવાનગી થતી. ચાર્લ્સ ડિકન્સની નવલકથાઓમાં આનું તાદૃશ વર્ણન જોવા મળશે.
લંડનના મિલબૅંક વિસ્તાર 'વર્કહાઉસ'નું ૧૯મી સદીનું ચિત્ર: સાચું જોઇએ તો તે એક જાતની જેલ હતી. અહીં પોલીસ કૉન્સ્ટેબલની હાજરી હંમેશા રહેતી.
લંડનના મિલબૅંક વિસ્તાર 'વર્કહાઉસ'નું ૧૯મી સદીનું ચિત્ર: સાચું જોઇએ તો તે એક જાતની જેલ હતી. અહીં પોલીસ કૉન્સ્ટેબલની હાજરી હંમેશા રહેતી.
સરકારી જાહેરાતો, સામ્રાજ્યના દિવાસ્વપ્નોએ અંગ્રેજ પ્રજામાં એક પ્રકારની ગુરૂતાગ્રંથિ જન્મી હતી - ખાસ કરીને ભારતીય ઉપખંડની પ્રજા પ્રત્યે. અોગણીસમી સદીના અંતમાં આ જ્ન્મી તે તેમના અંતરમાંથી કદી જ ગઇ નહી. બ્રિટનમાં ક્રિકેટ રમનારા, ત્યાંની વિશાળ જમીનો તથા country mansionsના માલિક અને લંડનના મેફૅર જેવા અમીર વિસ્તારમાં રહેનારા એવા મહારાજાઓ તથા શરૂઆતમાં ઉચ્ચ અભ્યાસ માટે જનારા ભારતીયો પ્રત્યે “આ પણ અમારા સમ્રાટ/સામ્રાજ્ઞી આગળ સલામી-ગુલામી કરનારી વફાદાર પ્રજા છે એવી ભાવનાથી જોનારા અંગ્રેજોના દેશમાં જ્યારે મોટી સંખ્યામાં ભારતીયો આવ્યા ત્યારે બધું માન ઓગળી ગયું. હવે આપણા લોકો ‘પૅકી’ થયા અને તેમને ઉતરતી કક્ષાના, બીજા વર્ગના નાગરિક (second class citizens) સમજ્યા. જ્યારે દેશના કાયદા પ્રમાણે નુતન ભારતીય ઉપખંડમાંથી આવેલા લોકોને સુવિધાઓ આપવી પડી, સમાજ સુરક્ષાના કાયદા (social security acts) અનુસાર તેમને આવાસ, નાણાંકીય મદદ વિગેરેમાં આપવાની ફરજ પડી ત્યારે તેમને શૂળ ઉપજી. જોવા જઇએ તો આવી મદદ સરકાર આપણાં લોકોને કોઇ ઉપકાર તરીકે નહોતી આપતી. લોકોને તે મેળવવાનો હક હતો અને તે માટે લોકો કર તથા ‘નૅશનલ ઇન્સ્યોરન્સ’નું પ્રિમિયમ ભરતા હતા. પણ તે સમયે અંગ્રેજોની અલ્પ શિક્ષીત, ‘વર્કીંગ ક્લાસ’ આમ જનતામાં આની સામે જે નરમ વિરોધ હતો તેને વર્ણદ્વેષનું સ્વરૂપ આપી સામાન્ય રોગચાળાની જેમ ફેલાવવા માટે બ્રિટીશ નૅશનાલિસ્ટ પાર્ટી (BNP)એ મહત્વનો ભાગ ભજવ્યો. લંડનના ઇસ્ટ એન્ડમાં BNPના ‘ટેડી બૉય્ઝ’ ઢોર માર મારવા સુધી ઉતરી આવ્યા હતા. તેમણે ભારતીય ઉપખંડના લોકોની વિરૂદ્ધમાં લંડનના અંતરીયાળ વિસ્તારોમાં ઠેર ઠેર વર્ણદ્વેષી પોસ્ટર લગાવ્યા. એક પોસ્ટરમાં તેમણે ભયાનક ચહેરાવાળો, પાઘડી પહેરેલો અને દાઢીમૂછવાળો કદરૂપો માણસ ચિતર્યો, જે જનતા સામે આંગળી બતાવીને કહે છે, “I want your homes! I want your jobs!”
***
વર્ણદ્વેષ બે રીતે પ્રકટ થાય છે: પ્રકટ અને પરોક્ષ. ઉપર વર્ણવ્યો તે અલબત પ્રકટ હતો. અપ્રકટ કે પરોક્ષ દ્વેષ મુખ્યત્વે બે સ્તર પર જોવા મળે છે. એક તો છે Institutionalized Racism - જ્યાં સરકાર (મધ્યસ્થ સરકાર/જીલ્લા સ્તરીય સ્થાનિક સરકાર - જેમકે કાઉન્ટી, શહેરની મ્યુનીસીપલ કાઉન્સીલ વિ.) કોઇ એક વિશેષ વર્ગ પ્રત્યે પરોક્ષ રીતે ભેદભાવ કરે. જો કે તેમની નીતિની જાહેરાતમાં મોટે મોટેથી નગારાં પીટશે કે ‘અહીં કોઇ પણ પ્રકારનો વર્ણભેદ કે વર્ણદ્વેષ સાંખી લેવામાં નહી આવે”!
દાખલા તરીકે સરકારી નોકરી માટે કોઇ પણ ભારતીય ઉપખંડની વ્યક્તિ અરજી કરે તો તેમને મુલાકાત માટે અવશ્ય બોલાવવામાં આવશે, મીઠાશથી વાત થશે, પણ નોકરી નહી અપાય. બ્રિટનમાં કોઇ ઉમેદવારને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવ્યો હોય અને તેને નોકરી ન અપાય તો તેને તેનું કારણ પૂછી શકાય અને જે તે સંસ્થાએ તેનો જવાબ પણ આપવો પડે. અહીં આવી વાતચીત સાંભળવા મળતી:
“તમારી પાસે જરૂરી અનુભવ નથી”
“મારા દેશમાં તમારી અંગ્રેજ પદ્ધતિની સરકારી નોકરીમાં વીસ વર્ષનો અનુભવ છે.”
‘પણ તે અહીં લાગુ ન પડે, કારણ તમારા દેશમાં સદીઓ જુની પદ્ધતિ હતી. અહીં આધુનિક પદ્ધતિઓ ચાલે છે. તમારી પાસે બ્રિટનમાં કામનો એક વર્ષનો પણ અનુભવ હોત તો અમે તમને જરૂર રાખી લેત, કારણ તમે બીજી બધી રીતે લાયક છો!”
“મને અહીં નોકરી જ ન મળે તો આ દેશનો અનુભવ ક્યાંથી લાવું?”
“માફ કરશો, આ catch 22ની સ્થિતી છે. આ દેશમાં કામ ન કરો તો અનુભવ ન મળે, અને અનુભવ ન હોય તો નોકરી ન મળે. વારૂ, ત્યારે, સાહેબજી! ગુડ લક. આવજો.”
તે અૉફિસમાં કામ કરનાર આપણા કોઇ ઓળખીતા હોય તો તે તમની પાસે તપાસ કરતાં જણાશે તે જગ્યા પર શાળામાંથી મૅટ્રીક (ત્યાંના GEC Level)ની પરીક્ષા પાસ થયેલ અંગ્રેજ યુવક કે યુવતિને વિના અનુભવે પણ નોકરીએ રખાયા છે.
બીજું કારણ અગાઉ બતાવ્યા પ્રમાણે ‘તમે over-qualified છો!’
નોકરીમાં તેમજ સરકારી આવાસની ફાળવણીમાં આવો પરોક્ષ ભેદભાવ થતો હતો. સારા પ્રતિષ્ઠીત વિસ્તારમાં આવેલ સરકારી આવાસ અશ્વેત લોકોને કદી ન મળે. લંડનની જ વાત કરીએ તો ચૉકહિલ, સ્ટોનબ્રીજ, પેકમ (Peckham) જેવી કાઉન્સીલ એસ્ટેટ, જ્યાં દરરોજ ખૂન, મારામારી, લૂંટ થતા હોય, ત્યાં આપણા લોકોને મકાન અપાતા. ઇલીંગ, હિલીંગ્ડન, રાયસ્લિપ જેવા વિસ્તારોમાં આવેલ કાઉન્સીલના મકાનોમાં બિનગૌર લોકો ભાગ્યે જ જોવા મળતા.
આવતા અંકમાં બ્રિટનની વેલ્ફેર બેનિફીટ પદ્ધતિની વાત કરીશું.