હેમંતકુમાર - જેમને આપણે સહુ હેમંતદા’ના નામે ઓળખીએ છીએ, એન્જીનીયરીંગ કૉલેજમાં દાખલ થયા હતા. સંગીતના શોખના કારણે તેમણે ઇજનેરીનો અભ્યાસ છોડ્યો. પરમાત્માએ તેમને પત્થરના પુલ બનાવવાને બદલે માનવ હૃદયોને જોડવાનાં ભાવનાત્મક પુલનું નિર્માણ કરવાનું કામ સોંપ્યું હોય તેવું લાગે છે. શરૂઆતમાં તેમણે શાસ્ત્રીય સંગીતનું શિક્ષણ ખાંસાહેબ ફૈયાઝખાનસાહેબ પાસે લીધું, પરંતુ ખાંસાહેબના નિધનને કારણે શાસ્ત્રીય સંગીત અધવચ્ચે મૂકીને રવીંદ્રસંગીત તથા બંગાળના આધુનિક સંગીત તરફ વળ્યા. રવીંદ્ર સંગીતમાં તેમણે ગાયેલા ગીતો બેજોડ ગણાયા. ખાસ કરીને ‘મોને રોબે કિના રોબે આમારે’, ‘પાગલા હવા, બાદલ દિને’, ‘મન મોર મેઘેર સંગી, ઉડે ચલે દિગ્ દિગંતેર પાને’ તેમના પછી અનેક ગાયકોએ ગાયા. એટલું જ નહિ, અમારી અૉફિસર્સ મેસમાં થતી પાર્ટીઓમાં બંગાળી મહિલાઓ અને અફસરો આ ગીતો શોખથી ગાતાં, અને હજી પણ ગાય છે! પણ હેમંતદા'એ જે રીતે કવિગુરૂના શબ્દોને, સંગીતને મૂર્ત બનાવ્યું, વાહ! આ ગીત તો હેમંતદા'નું જ ગણાય!
તેમણે સૌથી પહેલું હિંદી ગીત ગાયું હોય તો તે ફૈયાઝ હાશમીનું ‘કિતના દુ:ખ ભુલાયા તુમને, પ્યારી!’ (ગયા અંકમાં જિપ્સીએ તેની માન્યતા પ્રમાણે લખ્યું હતું કે તેમનું પહેલું ગીત 'આંચલસે ક્યું બાંધ લિયા' હતું. કદાચ તે ભુલ ભરેલી માન્યતા હોય!)
હેમંતદા’ના સમકાલિન ગાયકો હતા જગન્મય મિત્ર - જેમને આપણે સુરસાગર જગમોહનના નામે ઓળખીએ છીએ, ધનંજય ભટ્ટાચાર્ય (જેમણે ‘યાત્રિક’માં ‘તુ ખોજતા હૈ જીસકો, બસતી હૈ યાદ મનમેં/વહ સાંવરા સલોના રહતા હૈ તેરે મનમેં’ ગાયું હતું) જેવા ગાયકો. અંગ્રેજી સાહિત્યમાં જેમ Romantic Period હતો, તેવો તે સમયે બંગાળમાં રોમૅન્ટીક, પ્રેમ ગીતોનો યુગ હતો. જગમોહન - ખેર, આજની વાત હેમંતદા’ની છે. જગમોહનની વાત ફરી કદી! તેઓ તો સુરસાગર જ હતા! બન્નેએ જુદા જુદા માર્ગ અપનાવ્યા અને બન્ને પોતપોતાના ક્ષેત્રમાં અનન્ય નીવડ્યા. ગમે તે હોય, હેમંતદા’ની વાત નિરાળી જ છે.
હેમંતદા’એ હિંદી ફિલ્મોમાં ગીતો ગાયા અને લોકોના હોઠે રમવા લાગ્યા! તેમણે ફિલ્મ અનારકલીમાં ગાયેલી બાગેશ્રી ‘જાગ દર્દે ઇશ્ક જાગ/દિલકો બેકરાર કર’ પણ એવું ગીત છે, કોઇ તેને કદી ભુલી શક્યું નથી. તેમનો forté હતો ઉર્દુ શાયરોની આર્દ્રતાભરી ગઝલ પેશ કરવાનો. અગાઉ જણાવ્યા પ્રમાણે તેમણે ગાયેલું ‘પત્થરકી તરહ હો દિલ જીસકા‘ તો આપે સાંભળ્યું જ હશે. પણ ત્યાર બાદ તેમણે ગાયેલ ‘જાને વો કૈસે લોગ થે..‘ એવી હૃદયસ્પર્શી હતી, રસિકો ઘણી વાર વિમાસણમાં પડતા કે હેમંતદા’એ ગાયેલી આ ગઝલને કારણે, સચીન દેવ બર્મનના સંગીત, ગુરૂ દત્તના અભિનયને લીધે કે પછી કવિની કરૂણાંતિકા-કથાને કારણે ‘પ્યાસા’ ફિલ્મ પ્રખ્યાત થઇ હતી. હકીકત તો એ છે કે આ બધા કલાકારો-સર્જકોએ તેના સર્જનમાં પોતાની ભાવનઓનું તેમાં સિંચન કર્યું હતું, તેથી. ત્યાર પછી હેમંતદા’એ ગાયેલી ‘તુમ પુકાર લો, તુમ્હારા ઇન્તઝાર હૈ’, હજી પણ શ્રોતાને તેના સ્નેહ જગતમાં લઇ જાય છે. છેલ્લા અંતરામાં તેઓ એવી હળવાશથી કહે છે, ‘મુખ્તસરસી બાત હૈ, તુમસે પ્યાર હૈ..’ સાંભળીને કોઇ પણ યુવતિ યુવાનના પ્રેમનો સ્વીકાર કરી લે! આપને તેમનું 'યહ નયન ડરે ડરે હુવે' યાદ છે?' કેવી હળવાશથી તેઓ જાણે પ્રેયસીના કાનમાં આ વાત ન કહેતા હોય! જિપ્સીને તેની કિશોરાવસ્થામાં સાંભળેલ તેમનું ગીત 'મૈં સાઝ બજાઉં, તુમ ગાઓ!' તેના પ્રિય ગીતોમાંનું એક બની ગયું છે.
હેમંતદા"એ સંગીતકાર તરીકે baton સંભાળ્યો, ત્યારે તેમણે ‘નાગિન’ જેવી સામાન્ય કથાને એવી હિટ ફિલ્મ બનાવી, ફિલ્મ રિલીઝ થતાં પહેલાં જ તેનાં ગીતોની રૅકર્ડ્ઝના વેચાણમાંથી જ ફિલ્મનો ખર્ચ નીકળી ગયો! ત્યાર પછી હેમંતદા’ના સંગીત પર વૈજયન્તીમાલાએ કરેલા નૃત્યો અભૂતપૂર્વ ગણાયા. ખાસ કરીને ‘મૈં આયી રે તેરે લિયે સારા જગ છોડકે’ ગીત પર કરેલા તેમનાં નૃત્યે તો ધમાલ મચાવી હતી. (અહીં વૈજયન્તીમાલાના નૃત્યની વાત કરીએ તો હેમંતદા’એ રચેલા આ ગીત બાદ તેમણે કોઇ ફિલ્મમાં ઉત્તમ નૃત્ય કર્યું હોય તો તે ‘જયુએલ થીફ’માં ‘હોઠોંપે ઐસી બાત’ હતું જેને જિપ્સી ન ભૂતો ન ભવિષ્યતિ ગણે છે! આવાં નયનરમ્ય, કલાપૂર્ણ નૃત્યો ફરી કદી રૂપેરી પરદા પર રજુ થયા નથી.) તેમણે સંગીતબદ્ધ કરેલી ફિલ્મ 'ખામોશી'નાં ગીતોએ તો માનવીની ભાવનાઓને સૂરમય બનાવી દિધી. તેમના નિર્દેશનમાં કિશોરકુમારે ગાયેલ ગીત 'વો શામ, કુછ અજીબ થી'હજી પણ 'તે' સંધ્યાને તાજી બનાવી દે છે. આવો હતો હેમંતદા'નો જાદુ! તેમને પ્રત્યક્ષ સાંભળવાનો જેમણે લહાવો લીધો છે તેઓ જેટલી તેમના ગીતોના આસ્વાદથી અભિભૂત થયા એટલા જ તેમની વિનમ્રતાથી ગદ્ગદ્ થયા છે. આપણા મિત્ર શ્રી. માર્કન્ડભાઇએ ગયા અંકમાં આની વાત લખી છે તે આની સાક્ષી પૂરે છે.
હેમંતદા’ના સંગીતની શી વાત કરીએ! અને તેમણે ગાયેલાં ગીતોની! તેમના સંગીતને આપણે માણી શક્યા તે આપણું સદ્ભાગ્ય જ ગણાય.
બેઉ લેખમા હેંમંતદા અંગે ભરપુર માહિતી મળી અને નૉસ્ટેલજીક યાદભર્યાં ગીતો માણ્યા.
ReplyDeleteફિલ્મી મ્યુઝિક ક્ષેત્રે એક અલગ ભાત છોડી જનાર સંગીતકાર હેમંત કુમાર વિષે જૅટલું વાંચીએ માણીએ તેટલું પુરતું ન લાગે!
‘આનંદમઠ’માં હેમંતકુમારે જનગણમન ગીત માટે જે તર્જ બનાવી હતી તેને ફરીથી લતા મંગેશકર પાસે ગવડાવી તેની વિડિયો તથા ઓડિયો કેસેટો પણ બહાર પડી છે અને ટેલિવિઝન પર પ્રદર્શિત થઈ ચૂકી છે.
હેમંતકુમાર કાલિદાસ મુખરજી જન્મ્યા ત્યારે તેમનું કુટુંબ બનારસમાં રહેતું હતું. પણ પછી બંગાળના એક નાના ગામમાં જઈ વસ્યું હતું. થોડા જ વખતમાં એ લોકો કલકત્તા રહેવા ગયા. હેમંતકુમારને સંગીત જ નહીં સાહિત્યમાં પણ ઊંડો રસ હતો. એમણે યુવાન વયે બંગાળી ભાષામાં વાર્તાઓ લખી હતી. એમનો કંઠ પણ સારો હતો. હાઈસ્કુલના વિદ્યાર્થી હતા ત્યારે જ તેમણે રેડિયો પર ગાવાનું શરૂ કર્યું હતું સત્તર - અઢાર વર્ષની ઊંમરે જ તેમની બંગાળી ગીતોની પ્રથમ રેકર્ડ બહાર પડી ચૂકી હતી. કોલેજનો અભ્યાસ અધવચ્ચેથી જ છોેડી દીધા બાદ તો તેમની રેકર્ડો નિયમિત રીતે બહાર પાડવા લાગી હતી. એ દરમિયાન સંગીતનો પણ પરિચય થવા લાગ્યો હતો. જેની ગ્રામોફોન રેકર્ડ બહાર પડે તે પ્રતિષ્ઠિત ગાયક ગણાય તેવા યુગમાં હેમંતકુમાર બહુ નાની વયે જાણીતા ગાયક બની ગયા ને તે પ્રસિદ્ધિને પગલે પગલે, ૧૯-૨૦ વર્ષની વયે પહોંચતાં જ હેમંતકુમારે બંગાળી ફિલ્મક્ષેત્રે પાર્શ્વગાયક તરીકે પદાર્પણ કર્યું. પંકજ મલિક અને રાયચંદ બોરાલ જેવા એ જમાના ટોચના સંગીત-દિગ્દર્શકો હેઠળ ગાવાની હેમંતકુમારને તક મળી. બંગાળી ફિલ્મોના સંગીત નિર્દેશક હરિ પ્રસન્ન દાસે હેમંત કુમારને પોતાના આસિસ્ટન્ટ બનાવ્યા.
સંગીત-નિર્દેશનની સર્વ પ્રથમ તક હેમંતકુમારને વી.શાંતારામે આપી હતી, પરંતુ એ ફિલ્મ ‘શિવશક્તિ’ પછી બની જ નહીં.તે પછી ફિલ્મીસ્તાનની ‘શર્ત’ માં પણ એમણે સંગીત આપ્યું. દુર્ભાગ્યે એ બન્ને ફિલ્મો ટિકિટબારી પર નિષ્ફળ નીવડતાં હેમંતકુમાર નિરાશ થઈ ગયા અને એમણે કલકત્તા પાછા ફરવાનો નિર્ણય લીધો, પરંતુ ફિલ્મીસ્તાનના સૂત્રધાર શશીધર મુખરજીએ તેમને સઘિયારો આપવા સાથે કંપનીની નવી ફિલ્મ ‘નાગિન’નું સંગીત આપવા આગ્રહ કર્યો અને એ ફિલ્મે હેમંતકુમારને સફળતા અને પ્રસિદ્ધિને શિખરે લાવી મૂક્યા. મેરા દિલ યે પુકારે આ જા, મેરે દિલકે સહારે આજા, ભીગા ભીગા હે સમા, ઐસે મેં હે તૂ કહાં.... મન ડોલે, મેરા તન ડોલે, મેરે દિલ કા ગયા. કરાર રે, કૌન બજાયે બાંસુરિયા... જાદુગર સૈયા, છોડો મોરી બૈયા, હો ગઈ આધી રાત, અબ ઘર જાને દો... તથા ફિલ્મનાં બીજા ગીતોએ દેશઆખામાં ઘૂમ મચાવી દીધી. ફિલ્મ ‘નાગિન’ જબરજસ્ત હિટ થઈ ગઈ. ને હેમંતકુમાર મુંબઈ ખાતે જ રોકાઈ ગયા. સાથે જ રિલીઝ થયેલી ફિલ્મીસ્તાનની બીજી ફિલ્મ ‘અનારકલી’ માટે સી રામચંદ્રના નિર્દેશન હેઠળ હેમંતકુમારે ગાયેલું ગીત ‘જાગ દર્દે ઈશ્ક જાગ...’ પણ ખૂબ લોકપ્રિય બન્યું હતું. ‘નાગિન’ માટે હેમંતુકુમારને શ્રેષ્ઠ સંગીતકાર તરીકેનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો.
આ બે ફિલ્મોની સફળતા સાથે જ હેમંતકુમારની ગાયક અને સંગીતકાર તરીકેની બેવડી યશસ્વી કારકિર્દીની શરૂઆત થઈ ચૂકી હતી.
હેમંતકુમારે ગાયેલાં યાદગાર ગીતોમાંથી થોડા યાદ કરીએ - જંિદગી પ્યાર કી દો ચાર ઘડી હોતી હૈ...ચલી ગોરી પી કે મિલન કો ચલી... નયે ચાંદ હોગા ન તારે રહેંગે... યા દિલકી સુનો અય દુનિયાવાલો... યાદ કિયા દિલને કહાં હો તુમ... તેરે દ્વાર ખડા એક જોગી.... શિવજી બ્યાહને ચલે... ગંગા આયે કહાં સે... હૈ અપના દિલ તો આવારા, ન જાને કિસ પે આયેગા... ઈન્સાફકી ડગર મેં... જાને યે કૈસે લોગ થે જીન કે પ્યાર કો પ્યાર મિલા... ન તુમ હમે જાનો ન હમ તુમ્હે જાને...બેકરાર કરકે હમે યૂં ન જાઈએ... યાદ કિયા દિલને કહા હો તુમ... ચંદન કા પલના રેશમકી ડોરી...યે નયન ડરે ડરે....
હેમંતકુમારે બીસ સાલ બાદ, ખામોશી, કોહરા, બીવી ઔર મકાન વગેરે ફિલ્મોનું નિર્માણ પણ કર્યું હતું.૧૯૪૭માં હેમંતકુમારે એ વખતે પોતાનાથી વઘુ જાણીતી ગાયિકા બેલા સાથે લગ્ન કર્યું હતું. હેમંતકુમારની પુત્રી રાનુ મુખરજી પણ ગાયિકા છે. હેમંતકુમારના પુત્રે અભિનેત્રી મૌસમી ચેટરજી સાથે લગ્ન કર્યા હતાં.
ગુજરાતી ફિલ્મ ‘ગુણ સુંદરીનો ઘરસંસાર’ માટે સોનાને લાગે ક્યાંથી કાંટ, સંસારી મનવા સોનાને ક્યાંથી લાગે કાટ ગાનાર ...
છેલ્લાં વર્ષોમાં પાછા કલકત્તામાં જઈ વસેલા હેમંત દાદાનું ૨૬-૯-૧૯૮૯ની રાત્રે ત્યાં જ અવસાન થયું. આજે સવા દાયકા પછી પણ તેમના ગીત સંગીત થકી તેઓ યાદગાર બની ગયા છે.
પ્રજ્ઞાજુ
આવો હતો હેમંતદા'નો જાદુ! તેમને પ્રત્યક્ષ સાંભળવાનો જેમણે લહાવો લીધો છે તેઓ જેટલી તેમના ગીતોના આસ્વાદથી અભિભૂત થયા એટલા જ તેમની વિનમ્રતાથી ગદ્ગદ્ થયા છે. આપણા મિત્ર શ્રી. માર્કન્ડભાઇએ ગયા અંકમાં આની વાત લખી છે તે આની સાક્ષી પૂરે છે.
ReplyDeleteહેમંતદા’ના સંગીતની શી વાત કરીએ! અને તેમણે ગાયેલાં ગીતોની! તેમના સંગીતને આપણે માણી શક્યા તે આપણું સદ્ભાગ્ય જ ગણાય.
HEMANT KUMAR's Voice was so nice..the songs he dad sung are classics..& he also gave the memorable musis as a Film Music Director.
Liked the Post !
DR. CHANDRAVADAN MISTRY
www.chandrapukar.wordpress.com
Avjo !