એ કયા ગાયક હતા જેમણે નેતાજી સુભાષચંદ્ર બોઝના ઇન્ડીયન નૅશનલ આર્મીના સૈનિકો માટે ‘કદમ કદમ બઢાયે જા, ખુશી કે ગીત ગાયે જા‘ જેવા કૂચ-ગીતને સંગીત આપ્યું? જેના તાલ પર આઝાદ હિંદ ફોજના સૈનિકો ઇમ્ફાલ સુધી પહોંચી ગયા હતા?
ક્યા ગાયકે કાઝી નઝરૂલ ઇસ્લામના ગીત ‘સાવન રાતે જદી’ને અમર કર્યું, જેને તેમના બાદ હેમંતદા’ સમેત અનેક ગાયકોએ ગાયું?
એ ક્યા ગાયક હતા જેમણે એક ગીત દ્વારા અનેક અનભિજ્ઞોને ‘મેઘદૂત’ વાંચવાની પ્રેરણા આપી?
ક્યા ગાયકે ૧૯૪૦-૫૦ના દાયકામાં (અને ત્યાર પછી પણ) લાખો યુવક-યુવતિઓને તેમના પ્રેમનો ઇજહાર કરતા પ્રિતી-ગીતોની ભેટ આપી? એવા ગીતો, જે તેમણે તેમની મનની છુપી સંદૂકમાં કાયમ માટે સંઘરી રાખ્યા અને જ્યારે પણ યુવાનીની મધુર યાદો આવે ત્યારે તેનો સ્મૃતી-સૌરભ માણવા આ ખજાનો ખોલતા હતા?
ક્યા ગાયકને તેમની સંગીત જીવનની કારકિર્દીમાં ફક્ત એક જ ફિલ્મમાં સંગીત આપવાની તક મળી હતી? અને તેમાં લતાજીએ ગાયેલું ગીત તેમના સર્વોત્કૃષ્ટ ગીતોમાંનું એક ગણાય છે, પરંતુ હાલ ભુલાઇ ગયું છે?
ક્યા ગાયકને ખુદ ગાંધીજીએ નવું નામ આપ્યું જે તેમની સાથે કાયમ માટે જોડાયું અને જગપ્રસિદ્ધ થયું?
એવા ક્યા ગાયક છે, જેમના નામે અહીં જણાવેલી અને લોકમાનસમાં છવાયેલી અનેક સિદ્ધીઓ હોવા છતાં તેમના અવસાનની કોઇએ નોંધ સરખી ન લીધી?
નથી ખ્યાલ આવતો?
આપ સાંભળીને ચોંકી જશો. જિપ્સી સૂરસાગર જગમોહનની જ વાત કરે છે. તેમણે ગાયેલ ભજન અને દેશભાવનાનાં ગીત સાંભળી ખુબ ગાંધીજીએ તેમનું નામ જગતને મોહી લેનાર ગાયક - જગમોહન નામ આપ્યું હતું.
*
જગમોહનનું જન્મ નામ હતું જગન્મય મિત્ર. તેમનો જન્મ ૧૯૨૬માં એક શ્રીમંત જમીનદાર પરિવારમાં થયો હતો. તે સમયના જમીનદાર પરિવારોમાં સંગીત સાંભળવામાં આવતું, ગવાતું નહિ. જગન્મયના સંગીત શોખને પોષવા માટે કોઇ પ્રોત્સાહન અપાયું નહિ. સંગીત તથા દેશભક્તિના રંગમાં તેઓ એવા રંગાયા કે તેની પાછળ તેમણે પરિવારનો ત્યાગ કર્યો.
૧૯૩૦નો દાયકો બંગાળી ગીતોનો ‘રોમૅન્ટીક’ યુગ હતો. વાણીકુમાર, પ્રણવ રૉય તથા મોહિની (કુમાર) ચૌધુરી જેવા ગીતકારોનાં ગીતોને સંગીત આપનાર એવા જ પ્રખ્યાત પંકજ કુમાર મલ્લીક, કમલ દાસગુપ્ત અને તેમના ભાઇ સુબલ દાસગુપ્ત તથા રાયચંદ બોરાલ સંગીતકાર હતા. તે યુગમાં જગમોહને રવીંદ્ર સંગીત તથા નઝરૂલ ગીતી ગાવાનું શરૂ કર્યું. કાઝી નઝરૂલ ઇસ્લામનું ‘સાવન રાતે જદી...‘નું રેકોર્ડીંગ કર્યું અને રાતોરાત તેઓ પ્રખ્યાત થઇ ગયા.
૧૯૪૦ના દાયકામાં જગમોહને ફૈયાઝ હાશમી (તે સમયે ફૈયાઝ ટીનએજર હતા!) લિખીત ગીત ‘દિલકો હૈ તુમસે પ્યાર ક્યું’ ગાયું અને હિંદી બિનફિલ્મી જગતમાં તેઓ પ્રકાશી ઉઠ્યા. આ યુગમાં સિને સંગીત અને બિન ફિલ્મી સંગીત લગભગ એકબીજાને સમાંતર ચાલી રહ્યા હતા. બન્ને જુદા genreનાં હતા તેથી તેમનો ચાહક વર્ગ જુદી કક્ષાનો, પણ એટલો જ વિશાળ હતો. જગમોહન, હેમંત કુમાર, તલત મહેમૂદ (તેમણે પણ ફૈયાઝ હાશમીના ‘તસવીર તેરા દિલ મેરા બહેલા ન સકેગી’થી શરૂઆત કરી હતી) એટલા જ લોકપ્રિય થઇ ગયા હતા જેટલા સાયગલ, નવા આવેલા મોહમ્મદ રફી, કૃષ્ણ ચંદ્ર ડે થયા હતા. જો કે જગમોહનની વાત જ જુદી હતી. યુવાનો તેમનાં ‘દિલકો હૈ તુમસે પ્યાર ક્યું’ અને ‘મુઝે ન સપનોંસે બહેલાઓ’ જેવા ગીતો ગાતા રહેતા અને યુવતિઓ સાંભળતી રહેતી! અને એક તરફી પ્રેમ કરનારાઓ દૂરથી તેમની પ્રિયા (!)ને જોઇ ‘આંખોમેં બસા હૈ ...’ અથવા 'પ્યારી તુમ કિતની સુંદર હો' ગણગણતા, અને તેના પ્રેમથી અણજાણ એવી કન્યાનું લગ્ન થઇ જાય ત્યારે પ્રેમભગ્ન થઇ ‘દિલ દે કર, દર્દ લિયા..’ ગાતા રહેતા!
સંગીતના રસિકોને જગમોહનનાં બધા જ ગીતો ગમતા. ‘ઉસ રાગકો પાયલમેં જો સોયા હૈ...‘માં તેમને નૃત્યાંગના દેખાતી અને આ ગીત સાંભળીને જાણે ઝાંઝરમાંથી તેમનો પ્રિય રાગ ઝણકાર કરીને બહાર નીકળશે એવું લાગે! અને તેમણે ‘મેઘદૂત’માં ગાયેલું ‘ઓ વર્ષાકે પહલે બાદલ, મેરા સંદેશા લે જાના..’ સાંભળતાં શ્રોતા મંત્રમુગ્ધ થઇ આંખ બંધ કરે તો તેને પીત વસ્ત્ર પરિધાન કરેલ યક્ષ નજર આવે અને બન્ને હાથ ઉંચા કરી આષાઢના પહેલા દિવસે દૃશ્યમાન થતા મેઘને આર્જવતાપૂર્વક વિનંતિ કરતો દેખાય! તે સમયે એવું સાંભળવામાં આવ્યું હતું કે આ ગીતથી પ્રેરીત ઘણા યુવાનોએ મેઘદૂત વાંચવાની ઇચ્છા પ્રદર્શીત કરી હતી!
લેખની શરૂઆતમાં જણાવ્યા પ્રમાણે જગમોહને ફક્ત એક ફિલ્મ ‘સરદાર’માં સંગીત આપ્યું હતું. તેમાં લતાજીએ ‘પ્યારકી યે તલ્ખીયાઁ’ એટલી સુંદરતાથી ગાયું, તેમના સર્વશ્રેષ્ઠ ગીતોમાં તેની ગણના થઇ. સમયના વહેણમાં આ ગીત ખોવાઇ ગયું પણ તેમાં લતાજીએ જે નજાકતથી એક તાન લગાવી છે, સાંભળીને સાંભળનારાના રોમે રોમ ખડા થઇ જાય.
જગમોહન ઘણા ભાવુક સ્વભાવના સજ્જન હતા. તેમને જનતાએ અપૂર્વ સ્નેહ આપ્યો અને આ સ્નેહને પ્રતિસાદ આપવા તેમણે તેમના ચાહકોના આગ્રહથી તેઓ જ્યાં બોલાવે ત્યાં જઇ કાર્યક્રમ આપતા. સંગીતને તેમણે ધન ઉપાર્જન કે આજીવિકાનું સાધન માન્યું નહિ તેથી ફિલ્મ જગત પ્લેબૅક કે સંગીત નિર્દેશન તરફ ધ્યાન આપ્યું નહિ. તેમને સૌથી વધુ સ્નેહ આપ્યો હોય તો ગુજરાતની પ્રજાએ. ગુજરાતમાં તેમના અનેક કાર્યક્રમો થયા. તેમની પાસે તેમનું પોતાનું ઘર નહોતું. ગુજરાતના સાહિત્યકાર અને સંગીતના દર્દી શ્રી. રજનીકુમાર પંડ્યાએ તેમને પોતાને ઘેર બોલાવ્યા, જ્યાં તેમણે બે વર્ષ સુધી તેમની મહેમાનગતિ આનંદી. ત્યાર પછી તેમણે ગીતામંદિર નજીક ફ્લૅટ લીધો અને ત્યાં તેઓ એકલા રહ્યા. આપણા વરીષ્ઠ પત્રકાર તુષારભાઇ ભટ્ટે તેમની મુલાકાત લીધી હતી, જેનું તેમણે સુંદર વર્ણન પ્રસિદ્ધ કર્યું હતું. નવાઇની વાત તો એ છે કે તેમના ગીતામંદિરના વાસ્તવ્ય દરમિયાન તેમના પાડોશીઓ પણ જાણતા નહોતા કે સૂરસાગર તરીકે જાણીતા થયેલા ભારતના એ વખતના સૌથી વધુ લોકપ્રિય થયેલા ગાયક તેમની બાજુમાં રહેતા હતા!
જિપ્સી જાણતો નથી કે કેવા સંજોગોમાં સૂરસાગર જગમોહન અમદાવાદ છોડી મુંબઇ ગયા. મુંબઇમાં તેઓ કોને ત્યાં અને કેવી હાલતમાં રહ્યા તે બહુ ઓછા લોકો જાણે છે. તેમના અવસાનની માહિતી પણ ‘આવાઝકી દુનિયાકે દોસ્તો’ સુધી પહોંચી નહિ. લોકોએ એટલું જ જાણ્યું કે સપ્ટેમ્બરના બીજા અઠવાડીયામાં જગમોહન આ દુનિયા છોડી ગયા. આપણે તેમને શ્રદ્ધાંજલિ આપીએ અને પ્રાર્થના કરીએ કે તેઓ કૈલાસ ધામમાં ચિરંતન સ્થાન પામે અને નટરાજના દરબારમાં તેમના સંગીતથી નટેશની અર્ચના કરતા રહે.
મને બહુ જ ગમતા ગાયક. જુવાનીમાં એમનાં ગાયેલાં પ્રણય ગીતો દિલમાં આંધી પેદા કરતા હતા.
ReplyDeleteप्यारी तुम कितनी सुंदर हो!
જગમોહનજીના ગીતો ફરી માણ્યા.બધા જ ગીતો અતિ મધુર.સાંપ્રતસમયમાં નિષ્ણાતો કહે છે કે આકર્ષક સ્લોગન વિરોધ પક્ષ પર માનસિક દબાણ ઊભું કરે છે. ૧૯૫૨માં સૌપ્રથમ ચૂંટણી યોજાઈ ત્યારથી કરીને અત્યાર સુધીના રાજકીય પક્ષોના સ્લોગનો પર નજર નાખીએ તો તરત ખ્યાલ આવશે કે અગાઉના રાજકીય નેતાઓ સ્લોગન માટે ખરેખર દિમાગ સાથે દિલનો ઉપયોગ પણ કરતાં હતા. તેથી જ હૃદયમાંથી નીકળેલું સૂત્ર મતદારોના હૈયા સોંસરવું ઉતરી જતું.બંકિમ ચંદ્ર ચટ્ટોપાઘ્યાયના પુસ્તકમાંથી લીધેલું સૂત્ર ‘વંદે માતરમ્’, રવિન્દ્રનાથ ટાગોરનું ‘એકલા ચલો રે’, ‘નેતાજી સુભાષચંદ્ર બોઝના ‘ચલો દિલ્હી’, ‘તુમ મુઝે ખુન દો, મેં તુમ્હે આઝાદી દુંગા’ અને ‘કદમ કદમ બઢાયે જા, ખુશી કે ગીત ગાયે જા’ સ્વાતંત્ર્ય સૈનિકોને પાનો ચડાવતા. તેવી જ રીતે ડૉ.ઈકબાલે આપેલા મંત્ર ‘સારે જહાં સે અચ્છા, હિન્દુસ્તાં હમારાં’ પણ સ્વાતંત્ર્ય ચળવળ દરમિયાનનું હિન્દુસ્તાનની ધરતીનું ગૌરવ કરતું મહત્ત્વનું સૂત્ર બની રહ્યું હતું.તો આવા એક સૂત્રનું જગમોહનજીએ ગાયલું ગીત
ReplyDeleteકદમ કદમ બઢાયે જા ખુશી કે ગીત ગાયે જા,
યહ જીંદગી હૈ કૌમ કી, તુ કૌમ પર લુટાયે જા….કદમ.
તુ શેરે હીંદ આગે બઢ, મરને સે ભી તુ ન ડર,
આસમાં તક ઉઠાકે સર, જોશે વતન બઢાયે જા….કદમ
તેરી હીંમત બઢતી રહે, ખુદા તેરી સુનતા રહે,
થી અમારી શ્રધ્ધાંજલી
પ્રજ્ઞાજુ
આ લેખનો અંશ જિપ્સીએ આપણા જ્યેષ્ઠ સાહિત્યકાર શ્રી. રજનીકુમાર પંડ્યાને મોકલ્યો. તેમણે સ્નેહભાવ દર્શાવી કેટલીક વાતોનું સ્પષ્ટીકરણ કર્યું જે માટે જિપ્સી તેમનો હાર્દીક આભાર માને છે.
ReplyDeleteસ્વ. જગમોહન અમદાવાદમાં બે મહિના સુધી શ્રી. રજનીકુમારને ઘેર જ રહ્યા હતા. ત્યાર બાદ તેમના અૅપાર્ટમેન્ટ બ્લૉકમાં એક ફ્લૅટ ખાલી થયો ત્યારે શ્રી. પંડ્યાએ તેમની રહેવાની વ્યવસ્થા ત્યાં કરી, પણ ત્રણે વખતનું ભોજન શ્રીમતિ પંડ્યા પોતાના હાથે રાંધીને સ્વ. જગમોહનને મોકલતા હતા. આવું લાંબો વખત ચાલ્યું. ત્યાર પછી તેમને પોતાની પુત્રીની યાદ આવી તેથી તેને ઘેર રહેવા માટે મુંબઇ ચાલ્યા ગયા. ત્યાં જ તેમનું અવસાન થયું.
જિપ્સી શ્રી. રજનીકુમાર પંડ્યાનો વિશેષ માહિતી માટે આભાર માને છે.