Follow by Email

Tuesday, September 6, 2011

જિપ્સીનો છેલ્લો વિસામો!

નવા અભિગમ, નવી પ્રવૃત્તિ અને વધતી જતી લોકપ્રિયતાને કારણે કેન્દ્રની ખ્યાતિ વધવા લાગી. લેસ્ટર, બર્મીંગહમ જેવા શહેરોની તથા ડર્હમ જેવી દૂરની કાઉન્ટીનાં સમાજ સેવા ખાતાના ઉચ્ચ અધિકારીઓ તેમની કાઉન્સીલમાં અમારા જેવું કેન્દ્ર સ્થાપવાના ઉદ્દેશથી કેન્દ્રની મુલાકાત લેવા આવ્યા. સોશિયલ વર્કરની ટ્રેનીંગ લેનારા વિદ્યાર્થીઓ ઇન્ટર્નશીપની વિનંતિ કરવા લાગ્યા. આમ બે વર્ષ પૂરા થતામાં જિપ્સીને પ્રમોશન મળ્યું અને સોશિયલ સર્વીસીઝના બીજા મહત્વના ખાતામાં બદલી થઇ. ચાર વર્ષ નીકળી ગયા, રિટાયરમેન્ટની તારીખ નજીક આવી અને જિપ્સી તેના ખાતામાં બાળવિભાગના ખાતામાં ડાયરેક્ટરના પદ પર નિવૃત્ત થયો.
*
આપે ‘Chocolat’ નામની ફિલ્મ જોઇ છે? તેની નાયિકા કોઇ એક સ્થાને સ્થિર રહી શકતી નથી. ઓતરાદા વાયરા વહેવાની શરૂઆત થતાં તેની બીજા પ્રદેશમાં જવાની ઝંખના તીવ્ર થવા લાગે છે. જે ગામમાં એક વર્ષ પહેલાં તે તેની પુત્રી સાથે આવીને વસી હતી, ત્યાંનો સરપંચ તેને ગામમાંથી કાઢવાનો પ્રયત્ન કરે છે તે વાત જુદી. તેની સામે તે લડી અને વિજયી થઇ, તેમ છતાં ઓતરાદા પવનની ખેંચ...
જિપ્સીના જીવનમાં આવા કોઇ વાયરા નહોતા, જો કે બચપણમાં તેના ઘરના આંગણે આવેલી જિપ્સી મહિલાઓના જાદુની અસર હજી બાકી રહી હોય તે સ્પષ્ટ હતું.

તેનાં બાળકો અમેરિકામાં સ્થાયી થઇ ગયા હતા. તેમના આગ્રહથી જિપ્સી તથા તેની પત્નિએ તેમનો સિગરામ ફરી એક વાર જોડ્યો, સામાન લાદ્યો અને નીકળી પડ્યા ફરી એક મોટી યાત્રા પર. ભારત છોડી બ્રિટન ગયો ત્યારે તેને કલ્પના નહોતી કે તે જ્યાં જઇ રહ્યો હતો તે સુદ્ધાં તેનો અસ્થાયી મુકામ હતો. આખરે જિપ્સીના નસીબમાં ભ્રમણ જ લખાયું છે, તેને તે કેમ કરીને ટાળી શકે?

વર્ષો વિતી ગયા. આજે પ્રશાંત મહાસાગરના કિનારે જિપ્સીનો સિગરામ બિસ્માર હાલતમાં તેના આંગણામાં જ છે. તેના અશ્વ થાકી ગયા છે. કદી કદી જિપ્સી તરફ નજર નાખી, મસ્તક હલાવી તેઓ થોડું હણહણી લે છે. જાણે તેને આવાહન ન અાપતા હોય!

બસ, મિત્રો, જિપ્સીની ડાયરી અહીં પૂરી થાય છે. દેશ પરદેશના અનેક મિત્રોએ તેના પ્રવાસમાં તેને સાથ આપ્યો, પ્રતિભાવ આપ્યો તે માટે આપનો આભાર. ઘણા મિત્રોએ પ્રતિભાવ ન લખ્યા, પણ ‘ડાયરી’ની વારંવાર મુલાકાત લીધી જે જિપ્સીને તેમના સ્નેહસમાચાર સમા લાગ્યા. કોઇ મિત્રને જિપ્સી નો સંપર્ક સાધવો હોય તેમને વિનંતિ કે તેઓ gypseycapt@yahoo.com પર સંદેશ મોકલે. અવકાશ-ધરામાં કેમ ન હોય, આપને મળીને ઘણો હર્ષ થશે.

તો આપને હાલ પુરતા તો અમારા રામ રામ, જેશ્રી કૃષ્ણ, યાલી મદદ તથા જયહિંદ સ્વીકારશો અને રજા આપશો.
નસીબમાં હશે તો ફરી મળીશું. કોઇ નવા અવતારમાં! આવજો.