Follow by Email

Saturday, September 3, 2011

સોશિયલ વર્કરની નોંધપોથી: માનસીક આરોગ્યનું 'ડે સેન્ટર'

નવા કામની જગ્યા એક જુદો જ અનુભવ હતો. અમારી કાઉન્સીલમાં કામ કરતા ભારત-પાકિસ્તાનના સોશિયલ વર્કર્સના મંડળે શરૂ કરેલ આ કેન્દ્રમાં મુખ્યત્વે ઇસ્ટ આફ્રિકાથી આવેલ ભારતીય ઉપખંડના લોકો આવતા હતા. ડે સેન્ટરમાં આવનારા લોકોને ‘ક્લાયન્ટ’ ન કહેતાં ‘મેમ્બર્સ’ કહેવામાં આવ્યા, જેથી તેમના પર માનસીક રોગથી પીડાતા લોકોનું ‘લેબલ’ ન લાગે.
કેન્દ્રમા આવનાર સભ્યો માટે મુખ્ય કાર્યક્રમ આ પ્રમાણે હતો: સવારે કાઉન્સીલની બસ સવારે નવ વાગે તેમને લઇ કેન્દ્રમાં આવી પહોંચતી. પહેલાં stretching and bendingની કસરત થાય. આની જગ્યાએ અઠવાડીયામાં બે વાર યોગનાં આસનો કરાવવામાં આવતા. ત્યાર પછી ‘ગ્રૂપ વર્ક’ અને અંગત કાઉન્સેલીંગ.
ગ્રુપ વર્કના સિદ્ધાંત તેમજ પ્રકાર હોય છે. સિદ્ધાંતની વાત કરીએ તો કોઇ પણ જુથની સ્થાપના કરવી હોય તો તે માટે સૌ પ્રથમ તેનો ઉદ્દેશ નક્કી કરવામાં આવે છે. આ ઉદ્દેશ પ્રમાણે કાં તો આ ગ્રુપ ખુલ્લું, એટલે તેમાં કોઇ પણ વ્યક્તિ ગમે ત્યારે જોડાઇ શકે અને છોડી શકે. આ પ્રકારમાં સંગીત, સાહિત્ય, રસોઇ, વર્તમાન સ્થિતિ પર ચર્ચા વગેરે આવે. બીજા closed ગ્રુપ હોય છે. આવા જુથ ખાસ ઉદ્દેશ તથા ઉપચારની દૃષ્ટીએ યોજવામાં આવેલા હોય છે. તેમાં ખાસ નક્કી કરેલા નિયમમાં બેસતા હોય તેવા સભ્યોને લેવાય છે, તથા તેની શરૂઆતની તારીખ તથા પૂર્ણહુતિની તારીખ નક્કી કરવામાં આવે છે. આ જુથમાં અધવચ્ચેથી કોઇ જોડાઇ ન શકે, અને બને ત્યાં સુધી કોઇ અધવચ્ચેથી તેને છોડી ન શકે. અલબત્ માંદગી કે આપત્કાલીન કૌટુમ્બીક પરિસ્થિતિ આવી પડે અને જેના પર સભ્યનું કોઇ નિયંત્રણ ન હોય, તેવા સમયે તે જુથ છોડીને જઇ શકે છે. ‘આર્ટ થેરપી’, ‘બીરીવમેન્ટ અૅન્ડ લૉસ’, ‘ડોમેસ્ટીક વાયલન્સ’ અને મહિલાઓના વિશેષ પ્રશ્નો જેવા જુથ ‘ક્લોઝ્ડ ગ્રુપ’ હતા. આ ઉપરાંત ‘one-on-one’ એટલે વ્યક્તિગત કાઉન્સેલીંગ કી વર્કર અથવા વિશેષ કેળવણી પામેલા કાઉન્સેલર દ્વારા કાઉન્સેલીંગ અપાતું.
કેન્દ્રમાં આવતા દરેક સભ્યને એક ‘કી વર્કર’ અપાતો. દરેક કી વર્કરને વધુમાં વધુ ૧૨થી ૧૫ સભ્યો આપવામાં આવતા. કેન્દ્રનો કાર્યક્રમ એવી રીતે ઘડવામાં આવ્યો હતો કે કી વર્કર તેમને અપાયેલા સભ્યને અઠવાડીયામાં એક વાર પોણાથી એક કલાક માટે તો મળી જ શકે તથા તેમની સ્થિતિનું મૉનીટરીંગ કરી શકે.
કેન્દ્રના મૅનેજર તરીકે જિપ્સી દર પંદર દિવસે તેના કાર્યકરોને દોઢ કલાક માટે one-on-one સુપરવિઝન આપવા મિટીંગ કરે. તેમાં કી વર્કરના દરેક ક્લાયન્ટની પ્રગતિની ચર્ચા કરે, તથા તેમની સાથે કામ કરવામાં કોઇ માર્ગદર્શન જોઇતું હોય તો તે આપે. સભ્ય માટે કોઇ વધારાની સેવાની આવશ્યકતા જણાય તો તેની ચર્ચા કરવામાં આવે.
આ ઉપરાંત દરરોજ સભ્યો કેન્દ્રમાં આવે તે પહેલાં સ્ટાફ મિટીંગ થાય. તેમાં ચર્ચા કરવામાં આવે કે ગ્રુપ ચલાવનાર ટીમ મેમ્બર તેમના ગ્રુપમાં શું કરવાના છે, અને તેમણે નક્કી કરેલા કાર્યક્રમના ક્યા સ્તર પર પહોંચ્યા છે. કોઇ ગ્રુપની પૂર્ણાહુતિ થવાની હોય તો નવું ગ્રુપ ક્યારે શરૂ કરવાના છે, તે જણાવે. હવે ટીમના બધા સભ્યો આવા ગ્રુપ માટે તેમના ક્લાયન્ટ્સમાંથી કોને લેવા જોઇએ અને શા માટે તેની ચર્ચા કરે. આમ નવા ગ્રુપ માટેનાં સભ્યોની નોંધણી થાય.
કેન્દ્રમા અઠવાડીયામાં એક વાર ‘કમ્યુનિટી મિટીંગ’ થતી. આ સભાનું અધ્યક્ષપદ વારાફરતી કેન્દ્રમાં આવતા સભ્યોને અપાતું. તેઓ જ નક્કી કરતા કે તે દિવસે કોણ સભાપતિ બને. આમાં ખુલ્લી ચર્ચા થતી અને કોને કઇ બાબતમાં તકલીફ છે અને તેનું નિવારણ કરવા માટે શા પગલાં લેવા જોઇએ તે સભ્યો સૂચવતા. મૅનેજરની જવાબદારી રહેતી કે તેમની વ્યાજબી માગણીઓને નાણાંકીય બંધનોને ધ્યાનમાં રાખી પૂરી કરવામાં આવે.
કેન્દ્રમાં બપોરનું ભોજન કાઉન્ટીના કિચનમાંથી આવતું અને તેની કિંમત દરેક સભ્યે અગાઉથી આપવાની રહેતી. તેમની સાથે બેસીને ભોજન લેવાનું રોસ્ટર બનાવવામાં આવ્યું અને ટીમના સભ્ય વારાફરતી તેમની સાથે બેસીને જમે.
હેલ્થ અૉથોરિટીને કરેલી વિનંતિ અનુસાર ત્યાંથી એક ગુજરાતી/હિંદી જાણતા ડૉક્ટરબહેન અઠવાડીયામાં ત્રણ કલાક માટે કેન્દ્રમાં આવતા અને જે સભ્યોની હાલત નાજુક હોય તેમને મળી તેમનું નિદાન કરે, અથવા તેમને માર્ગદર્શન આપવાનું કામ કરતા.
અમારે ત્યાં આવનારા મોટા ભાગના સભ્યો તેમના પરિવાર સાથે રહેતા. આમાંના કેટલાક એવા હતા કે તેમને તેમના પરિવારને ભારરૂપ ન થતાં સ્વતંત્ર રહેવું હતું. અમારૂં કામ તેમને ટ્રેનીંગ આપવાનું હતું આની અંતર્ગત કી વર્કર તેમને લઇ ગ્રોસરી શૉપીંગ કેવી રીતે કરવું, તે પહેલાં જોઇતી વસ્તુઓની યાદી બનાવવી, ગ્રોસરી સ્ટોર સુધી જવા બસમાં પ્રવાસ કરવાનું, પોસ્ટ અૉફિસમાં જઇ બેનીફીટનો ચેક કેવી રીતે વટાવવો, બજેટ કેવી રીતે બનાવવું વગેરે શીખવતા. આમ કેન્દ્રનો કાર્યક્રમ ભરચક હતો!
આવતા અંકમાં કેટલાક ગ્રુપ વિશે વાતચીત કરીશું.