Friday, September 30, 2011

જિપ્સીનો વિસામો: 'કુછ યાદ રહે તો, સુન કર જા!'


પૂર્ણીમાની રાતે એક કવિ ભરતીની ઉત્તાન તાન જોઇને આનંદવિભોર થઇ ગયા. તેમણે જળ ઉપર ઉદિત થયેલ ચંદ્રને જોયો અને હૃદયમાં અસિમીત હર્ષ જાગ્યો. પરિણામે ગુજરાતી સાહિત્યમાં એક અમર કાવ્ય જન્મ્યું.

ભાવનગર નજીક આવેલા આ સમુદ્રના કિનારે શરદ પૂનમની રાતે જિપ્સી અને તેના મિત્રો કવિ કાન્તને યાદ કરતા હતા. રાત કદી ખતમ ન થાય અને પૂર્ણ કળાએ ખિલેલ ચંદ્ર કદી પણ અસ્ત ન થાય એવો વિચાર કરતા હતા. તે વખતે સાગરની ભવ્ય ભરતીના પ્રચંડ નાદમાં તેને‘કામિની કોકિલા’ની કેલી કૂજન તો ન સંભળાઇ, પણ વિશાળ સાગર પર તથા સમગ્ર આસમંત પર હર્ષોલ્લાસ ફેલાવતા ચંદ્રને જોઇ મનમાં સંતાયેલું ગીત બહાર આવ્યું: “અય ચાંદ છૂપ ના જાના!

કવિએ ગીત લખ્યું, અને ગાયું કાનનદેવીએ. ગાતી વખતે તેમના મનમાં શું ચાલતું હશે તે અકલનીય છે, પણ ગીતના આત્મામાં તેમણે જાણે ડૂબકી મારી હોય અને તેના રસમાં તરબોળ થઇને આ ગીત ગાયું હોય તેવો ભાવ અમે અનુભવ્યો. આ ખુબી હતી કાનનદેવીની. તેમણે જે ગીત ગાયાં, તેના અર્થ અને ભાવનામાં પૂરી રીતે ભીંજાઇને પ્રસ્તુત કર્યા. આથી જ તેમનાં ગીતોમાં આજે પણ એ જ તાજગી અને ખુશ્બૂ વર્તાય છે.

જુના જમાનાના લોકો કહેશે, કાનનદેવીનાં ગીતોની સ્મૃતી અાપણા જીવનની નાજુક પળો સાથે જેટલા જોડાઇ છે, એટલી જ આનંદની ક્ષણો સાથે. યાદોના કુંજવનમાં લટાર મારતી વખતે આપણા યૌવનકાળના મધુર પ્રસંગો પર પહોંચીએ ત્યારે કદાચ યાદ આવે પેલી મુશ્કેલ ક્ષણ, જ્યારે કોઇએ આપણને નાજુક, ઉત્તર ન આપી શકાય તેવો પ્રશ્ન પૂછ્યો હતો. સંજોગોએ સર્જેલી તે વસમી વિદાયના સમયે તેઓ જે ન કહી શક્યા, કાનનદેવીના ગીતે તેમની ભાવના વ્યક્ત કરી: “ભૂલ સકે તો ભૂલ હી જાના/ક્યા ભૂલી હું ભૂલ બતાના...” અને તે ઘડીએ મનમાં ઉપસેલી પેલી કસકને, એ જખમને ફરી તાજી કરતી ક્ષણને વાચા આપતાં કાનનદેવીએ ગાયું, “જો દર્દ દિયા હૈ, લેકર જા તુ, હાં કર જા, યા ના કર જા!” ફિલ્મના સર્જકે કોણ જાણે અભાવિત રીતે કે જાણી જોઇને આ ચિત્રપટને નામ આપ્યું -‘જવાબ’! આ સૌને એવા nostalgiaમાં લઇ જાય છે તેનું વર્ણન કરવું એક ‘લેફ્ટ રાઇટ, ક્વીક માર્ચ’ કરનાર સૈનિક માટે શક્ય નથી! તે એટલું જ કહી શકશે, જે વ્યથા આપે અનુભવી, તેણે તે જીવી.

લોકોએ દુનિયાને ચિત્ર-વિચીત્ર સંજ્ઞાઓ તથા વાણી વિલાસ વડે નવાજી છે, વિવિધ વસ્તુઓ સાથે તેની સરખામણી કરી છે! કોઇ તેને રેલગાડી કહે તો કદાચ તેમાં રસહિનતા લાગે. પરંતુ તેને યોગ્ય શબ્દ મળે, તેમાં સૂર ભળે, અને ગાનાર કાનનદેવી હોય તો તે અજોડ ઉપમા બની જાય! યાદ છે આપને ‘યે દુનિયા, તુફાન મેલ’? એકાકિ જીવન જીવતી નાનકડા રેલ્વે સ્ટેશનના સ્ટેશનમાસ્તરની કન્યાના જીવનમાં ‘અપ’ અને ‘ડાઉન’ ટ્રેન સિવાય બીજું કશું નથી હોતું. ત્યાં અચાનક એક સ્મૃતીવિભ્રમથી પિડાતો પરદેશી યુવાન આવી જાય છે. નવ-યુવતિના જીવનમાં અકલનીય વાવાઝોડું આવે છે. તેમ છતાં હંમેશા કિલ્લોલ કરતી, ગાતી તરૂણીના પરિવેશમાં કાનનદેવીએ જે અભિનય આપ્યો, જે ગીતો ગાયા તે હંમેશા એક કોકિલાના ટહૂકા સમાન રહ્યા. દેશ પરદેશમાં, બરફનાં તોફાન કે રણની રેતીના ઠંડા નિ:શ્વાસ સમા શિયાળા બાદ બાદ વસંતનો પ્રાદુર્ભાવ થાય ત્યારે કુદરતમાં જે ફેરફાર થવાનો હોય એ થવાનો જ, પણ માનવીનું મન!? પરદેશમાં રખડતા કવિ બ્રાઉનીંગને એપ્રિલના મહિનામાં રૉબિન પક્ષી દેખાયું તો તે ગાઇ ઉઠ્યો, “Oh to be in England/Now that the Summer is Here!” આવે વખતે એક ભારતીયને ભણકારા સંભળાય છે કોકિલના પંચમ સ્વરના! અને આ ભારતીય જુના જમાનાનો હોય તો તેને સંભળાશે ગાન-કોકિલા કાનનદેવીના સૂર...‘મેરે અંગનામેં આયે આલી, મૈં ચાલ ચલું મતવાલી...” જાણે વસંત ઋતુ પોતે આછો લીલો વેશ પરિધાન કરીને નૃત્ય કરી રહી હોય!

*

એક પુરાતન ઋષિએ પૃથ્વીને બહુરત્ના વસુંધરા કહી છે. આપ કદાચ સંમત થશો કે આ વસુંધરા ભારતભુમિમાં સમાઇ છે. કોહિનૂર, હોપ ડાયમન્ડ જેવા ભૌતિક રત્નો આપણી ખાણોમાંથી નીકળ્યા અને ગયા કોઇના રાજમુકુટને શોભાવવા કે કોઇની અભેદ્ય તિજોરીના અંધકારમાં. એક આપણો મુલક એવો છે જ્યાં લોકમાન્ય રત્નો આપણી વચ્ચે રહી આપણાં જીવન અને જહેનમાં છવાઇ ગયા. તેમની લોકભોગ્ય કલા તથા જ્ઞાનની પ્રસાદી તેમણે ઉદારતાપૂર્વક આપી અને આપણે તેનો સ્વીકાર એટલી જ કૃતજ્ઞતાપૂર્વક કર્યો. આ તેમણે આપણા માટે મૂકેલો વારસો છે અને આપણે તેને આપણા હૃદયમાં સાચવી રાખ્યો છે. તેથી જ તો આ રત્નો કોઇના રાજમુકૂટ કે ખજાનામાં બંદી બનીને ન રહ્યા. કાનનદેવીના ભંડારની વાત કરીએ તો તેમાંથી એક પછી એક રત્નો બહાર આવતા ગયા:

‘તુમ મન મોહન, તુમ સબ સખીયન સંગ, હઁસ હઁસ ખેલો ના!’
જરા નૈનોંસે નૈનાં મિલાયે જાઓ રે. મેરે બાંકે રસીલે સાંવરીયા.’

‘સાંવરિયા, મન ભાયા..’
‘કૌન મન લુભાયા, કૈસે મનમેં આયા.’

અને તે યુગની લગ્નોત્સુક યુવતિને જોવા આવનાર મૂરતિયાએ તેને ગીત ગાવાનું કહેવામાં આવે ત્યારે યુવતિઓ દ્વારા ગવાતું, ‘પ્રભુજી, તુમ રાખો લાજ હમારી!’ આખા ભારતમાં ગવાતું થઇ ગયું. જિપ્સીને હજી યાદ છે તેમના પરિવારની મોટી બહેનોનું આ પ્રિય ગીત હતું. બીજું ગીત હતું કૃષ્ણભક્તિના ગીતોમાં આજકાલ ન સંભળાતું હોય તેવું ગીત: ‘તુમ મનમોહન, તુમ સખીયન સંગ, હઁસ હઁસ ખેલો ના!’ બસ, આંખો બંધ કરી આ ગીત સાંભળીએ અને મન પહોંચી જાય છે વ્રજમાં, અને નજર સામે આવે છે ગોપીઓ સાથે હસીને રાસ નૃત્ય કરતા શ્યામ!

*

જેમ રત્નોનું ઉગમ સ્થાન ઊંડી અંધકારમય ખાણ છે, કાનનદેવી એવી જ એક ખાણની નિપજ હતા. તેમનું જન્મ નામ હતું કાનન દાસી! તે સમયે કહેવાતા કલકત્તાના ‘સભ્ય’ સમાજ હાવડાના જે ઘોલડાંગા વિસ્તારને નિષીદ્ધ ગણતો હતો વિસ્તારમાં તેમનો જન્મ થયો. એ યુગ એવો હતો કે ફિલ્મોમાં કામ કરવા માટે ભદ્રસમાજની કોઇ મહિલા તૈયાર નહોતી થતી. અત્યંત ગરીબીથી પિડાતા પરિવારને મદદ કરવા માતાએ તેને દસ વર્ષની વયે મૂક ફિલ્મમાં અભિનય કરવા મોકલ્યા. ન તેમાં તેમને નામની ‘ક્રેડીટ’ મળી કે ન કોઇનું તેમની તરફ ધ્યાન ગયું. સમય જતાં ‘ટૉકી’ આવી, કામ મળતું ગયું. સૌ પ્રથમ તેમને પ્રસિદ્ધી મળી હોય તો તે ‘જોડ બાજાર’ ફિલ્મમાં. સિને સૃષ્ટીમાં ચંદ્રનો ઉદય થયો. તેમની ગાયકીને ઓળખી હોય તો આજના બાંગ્લાદેશના રાષ્ટ્રકવિ કાઝી નઝરૂલ ઇસ્લામ, ભિષ્મ દેવ ચટ્ટોપાયાય, જ્ઞાન દત્ત તથા બિનોદ બિહારી ચટ્ટોપાધ્યાયે અને તેમણે મળીને રીતસરનું સંગીત શિક્ષણ શરુ કરાવ્યું. આગળ જતાં પંકજ કુમાર મલ્લીક, રાય ચંદ બડાલ (અંગ્રેજીમાં તેમનું નામ R C Boral લખાતું),કમલ દાસગુપ્તા અને કે.સી. ડે એ તેમને તેમની સાથ આપ્યો. તેમની કળાનો સૂર્ય સોળે કળાએ ખીલ્યો હોય તો ન્યુ થિયેટર્સની ફિલ્મોમાં. એક પછી એક ચિત્રપટ સ્મૃતી ચિહ્ન બની ગયું. પ્રમથેશ બરૂઆને તેમના દેવદાસ માટે પારોના પાત્રમાં કાનનદેવી જોઇતા હતા. ઇર્ષ્યાથી અંધ બનેલા તેમના કરારબદ્ધ નિર્માતાએ તેમને છોડવાનો ઇન્કાર કર્યો. અંતે જમુના દેવી ફિલ્મમાં લેવાયા.

આખા દેશમાં કાનન બાલાને હવે લોકો સ્નેહથી કાનનદેવી કહેવા લાગ્યા. સિને સૃષ્ટીના માંધાતાઓ તેમને ‘મૅડમ’ કહીને બોલાવવા લાગ્યા, પણ બંગાળના દંભી ભદ્ર સમાજે તેમને પોતાના ઘરમા કદી આમંત્ર્યા નહિ. ઘણી વાર અસભ્ય વ્યવહાર પણ પ્રદર્શીત કર્યો: કાનનદેવી સામે આવે ત્યારે બેઠાં બેઠાં જ નમસ્તે કરી લેતા. એક સમારંભમાં જ્યારે પશ્ચિમ બંગાળના ગવર્નર પ્રમુખપદે હતા. કાનનદેવીએ હૉલમાં પ્રવેશ કર્યો, ગવર્નરશ્રી પોતે ખુરશી પરથી ઉભા થઇ ગયા અને તેમનું સ્વાગત કરવા આગળ વધ્યા, ત્યારે બંગાળી સમાજ લજ્જાથી ઝુકી ગયો. ત્યાર પછી જનતાએ તેમને ખુલ્લા હૃદયથી સ્વીકાર્યા.

આજે આપની સમક્ષ તેમનું અજાણ્યું પણ સૌને ગમી જાય તેવું ડ્યુએટ રજુ કરી કાનનદેવીને નમસ્તે કહીશ!

3 comments:

  1. નરેન્દ્રભાઈ,

    આજે આ પોસ્ટ વાંચી.

    "કાનનદેવી" જેવી ગાયિકાને તમે તમારા લખાણ અને અનેક "વીડીઓ ક્લીપ્સ"દ્વારા જીવીત કરી એ ખરેખર

    આનંદભરી વાત થઈ, અને તમે આગળની પોસ્ટ પર મળેલા પ્રતિભાવોને માન આપી આ તમારી "જૂની યાદો"

    તાજી કરવાની સફર ચાલુ રાખી તે માટે ખુબ ખુબ આભાર.

    કાનનદેવી વિષે થોડું જાણ્યું હતું ..પણ આ પોસ્ટ દ્વારા કાનનદેવીને ખરેખર જાણી.

    એક ગાયિકા પદે એ અમર છે.

    એવા સુંદર ભાવભર્યા ગાયનો માનવીને અનેક રીતે માર્ગદર્શન, આનંદ, અને શાન્તી આપે છે.

    ........ચંદ્રવદન
    Narendrabhai,
    Enjoyed the Post !
    Thanks for continuing your Journey.
    DR. CHANDRAVADAN MISTRY
    www.chandrapukar.wordpress.com
    Avjo !

    ReplyDelete
  2. ફિલ્મ જગતનું સર્વોચ્ચ સન્માન દાદાસાહેબ ફાળકે એવોર્ડ મેળવનાર કાનનદેવી કેવા નિબીડ દુર્ગંધભર્યા ને અંધકારભર્યા જીવનમાંથી યશ અને કીર્તિની ચકાચૌંધ દુનિયામાં આવી શક્યાં ! કેવી હશે કાનનબાલામાંથી કાનનદેવી બનવાની એમની એ યાત્રા? “
    તેનું સચોટ દર્શન કરાવવા બદલ ધન્યવાદ




    પ્ર જ્ઞા જુ

    ReplyDelete
  3. કાનનદેવીના ગીતો, તુફાનમેલ્નુ એ દ્રસ્ય તાજુ થયું,

    આપ જ્હેમત લઇ ગાયકો વિશે ઘણી માહિતિ લઇ આવો છો.

    આજ મહારાજ અને અય ચાંદની ગૂંથણી સરસ રહી

    ReplyDelete