Thursday, June 30, 2011

GYPSY'S DIARY: આખરી 'બાય-લાઇન'

અમારા સાપ્તાહિકના દિવાળી અંક માટે લખાયેલ લેખનું સંક્ષિપ્ત રૂપાંતર અહીં રજુ કરૂં છું.

‘શહાદતની પરંપરા’ લેખક શ્રી. નરેન્દ્ર...

૧૯૭૧ના નવેમ્બરની ૨૯ કે ૩૦ તારીખ હતી. હું હેડક્વાર્ટર્સમાં અૅજુટન્ટ (કમાંડીંગ અૉફિસરના સ્ટાફ અૉફિસર)ની ડ્યુટી બજાવી રહ્યો હતો. ઠંડીને કારણે મારૂં ટેબલ તડકામાં રાખીને બેઠો હતો એટલામાં એક પડછંદ હવાલદાર મારી પાસે અાવ્યો અને સૅલ્યૂટ કરી. આ માણસની કવાયત અને સફેદ દાઢીમૂછ જોઇ હું અંજાઇ ગયો.

“બત્રીસ-ઓગણપચાસ, હવાલદાર મહેરસિંહ સીઓ સાહબકો મિલને આાયા હૈ, જનાબ.” પંજાબ પોલીસમાં હજી પણ જુની પદ્ધતિ પ્રમાણે ‘સાહેબ’ને બદલે ‘જનાબ’ સંબોધવાની પ્રથા ચાલુ છે. આગંતુકે પોતાનો નંબર, પદ, નામ અને કામ એક વાક્યમાં જ જણાવ્યા! આ વાત થતી હતી ત્યાં સીઓ સાહેબ ત્યાં આવી પહોંચ્યા.
“કેમ મહેરસિંહ, કેમ છો?” તેમણે પૂછ્યું.
“આપની દુઆથી ઠીક છું. મારા બાપુને ઘણા વખતથી મળ્યો નથી. ત્રણ દિવસની રજા જોઇએ છે. એટલા માટે આપની સામે પેશ થવા આવ્યો છું.”
“તું પાંચમી તારીખથી રજા પર જાય તો કેવું? તારો પ્લૅટુન કમાંડર ત્યા સુધીમાં રજા પરથી પાછો આવી જશે. તને રિલીવ કરે કે રજા પર નીકળી જજે.”
“બહુત અચ્છા જનાબ,” કહી, સૅલ્યૂટ કરી મહેરસિંહ અબાઉટ ટર્ન કરી નીકળી ગયો.
આ હતી મહેરસિંહ સાથેની મારી પહેલી અને છેલ્લી મુલાકાત.
*****

ડીસેમ્બરની ચાર તારીખની સાંજે પાકિસ્તાનના જેટ વિમાનોએ અમૃતસરના રાજાસાંસીના આપણા વિમાનદળના બેઝ પર હુમલો કર્યો. રાતના સાડા દસના સુમારે અમારા હેડક્વાર્ટરના વાયરલેસ સેટ્સમાં જાણે ભૂત ભરાયું હોય તેમ અમારી સાત ચોકીઓ પરથી એકી સામટા રેડીયો-સંદેશથી ધૂણવા લાગ્યા.
“હૅલો, આલ્ફા, અમારી ચોકી પર દુશ્મનની તોપોનું બૉમ્બાર્ડમેન્ટ શરૂ થઇ ગયું છે.” ‘આલ્ફા’ અમારી વાયરલેસની ‘કૉલસાઇન’ હતી.
દુશ્મને હવાઇ હુમલા પછી તેના ભુમીદળ દ્વારા હુમલો શરૂ કર્યો હતો. જુદી જુદી ચોકીના કમાંડરોના વાયરલેસ ટેલીફોનીના સંદેશાઓમાં એક અવાજ સ્પષ્ટ રીતે જુદો તરી આવતો હતો.
“ડેલ્ટા-થ્રી, અમારા પર ભારે શેલીંગ થઇ રહ્યું છે, પણ પરિસ્થિતિ કાબુમાં છે. ચિંતાનું કોઇ કારણ નથી. ઓવર” આ કૉલસાઇન અમારી બુર્જ ચોકીની હતી અને અવાજ હતો મહેરસિંહનો. એકાદ કલાકની બૉમ્બ વર્ષા બાદ સોપો પડી ગયો. ત્રણ-ચાર મિનીટ બાદ ડેલ્ટા-થ્રીનો વાયરલેસ ફરી શરૂ થયો.
“ચોકી પર દુશ્મનના પાયદળની બે કંપનીઓએ અૅટક શરૂ કર્યો છે. અમે જવાબી કાર્યવાહી કરી રહ્યા છીએ. સબકુછ ઠીક હૈ. પૂરો રીપોર્ટ બાદમાં આપીશ, ઓવર.”
અમારા સીઓ તથા અમને સૌને મહેરસિંહની ચિંતા થઇ, કારણ કે બુર્જ પિકેટ પર તેમની પાસે કેવળ ૨૦ જવાન હતા. તેના પર હુમલો કરનાર દુશ્મનના બસો જેટલા સૈનિકો હતા. અમે તેની મદદ માટે કશું કરવા અશક્તિમાન હતા કારણ કે મહેરસિંહની કંપની મિલિટરીના અૉપરેશનલ કંટ્રોલ નીચે હતી. તેને કૂમક મોકલવાની, તેમ સ્થિતિ દુશ્મનના દળ કટક સામે ટકી શકે તેવું ન હોય તો તેમને ત્યાંથી પાછા બોલાવવાની સત્તા કેવળ મિલિટરી પાસે હતી.
આ વિચાર કરતા હતા ત્યાં મહેરસિંહનો વાયરલેસ પર અવાજ સંભળાયો. “હૅલો આલ્ફા, જવાનોને દુશ્મનકા હમલા નાકામ કર દિયા હૈ. દો જવાન જખમી હો ગયે હૈં. બાકી સબ ઠીક હૈ. ફિકર મત કરેં. ઓવર.”
બીજી ચોકીઓ તરફથી યુદ્ધના રિપોર્ટ આવી રહ્યા હતા. વીસે’ક મિનીટ બાદ ‘ડેલ્ટા-થ્રી’નો વાયરલેસ ફરી શરૂ થયો. દુશ્મન બીજી વાર હુમલો કરે છે. શેલીંગ શરૂ થઇ ગયું છે. તેમના અૅસોલ્ટ માટે અમે તૈયાર છીએ." સાંજથી તેમનો વાયરલેસ સતત ચાલુ હતો. રાતના બાર વાગવા આવ્યા હતા અને તેમના વાયરલેસની બૅટરી મંદ પડી હતી. મહેરસિંહનો અવાજ જાણે લાખો માઇલ દૂરથી આવતો હતો. “હૅલો આલ્ફા, દુશ્મનની તોપની ડાયરેક્ટ હિટ બંકર પર પડવાથી ગનર શહીદ થયો છે. તેનો સાથી સખત રીતે જખમી થયો છે,” કહેતાં કહેતાં તેમનો વાયરલેસ બંધ પડી ગયો.
બીજા દિવસે અમને મિલિટરીના સિચ્યુએશન રિપોર્ટ પરથી જાણવા મળ્યું કે બુર્જ ચોકી દુશ્મનના હાથમાં પડી હતી. ચોકીના જવાનોનું શું થયું તેની માહિતી મિલિટરી પાસે નહોતી. આનો પણ એક રોમાંચક ઇતિહાસ છે, જેની વાત ફરી કોઇ વાર.

*****

લડાઇ ખતમ થયા બાદ બુર્જ પિકેટના મહેરસિંહનો સાથી સિપાહી રામચંદર મને મળ્યો ત્યારે તેણે બુર્જની લડાઇની વાત કરી ત્યારે મહેરસિંહની બહાદુરીનો ખ્યાલ આવ્યો.
“સર જી, પહેલા બૉમ્બાર્ડમેન્ટ વખતે બાબા (જવાનો તેમને ‘બાબા’ કહી બોલાવતા) દરેક ટ્રેન્ચમાં જઇ અમારો હોંસલો વધારતા હતા. શેલીંગ બાદ દુશ્મનનું પાયદળ હુમલો કરશે, અને દુશ્મન ત્રાડ પાડીને અમારી તરફ આવે ત્યારે અમારે શું કરવું તેની હિદાયત આપી બીજા બંકરમાં જતા હતા. શેલીંગ બંધ પડ્યું અને દુશ્મને ‘ચાર્જ‘ પોકાર્યો, તેઓ મશીનગનર પાસે રહી ફાયરીંગ કરતા રહ્યા. જ્યાં સુધી દુશ્મને પીછેહઠ ન કરી ત્યાં સુધી તેમની હાક “શાબાશ, ડટે રહો મેરે બચ્ચોં‘ અમને સંભળાતી હતી. એક પણ જવાને બંકર છોડ્યું નહિ. દુશ્મનના બીજા એસૉલ્ટ પહેલાં તેમણે કરેલા શેલીંગમાં બાબાના પેટમાં લોખંડની કરચ ઘુસી ગઇ અને લોહીલુહાણ થઇ ગયા. તેઓ મારા સહારે વાયરલેસના બંકરમાં ગયા અને ગુપ્ત કોડના દસ્તાવેજ બાળ્યા. તેઓ જાણી ગયા કે અંત સમય આવ્યો છે. બધા જવાનોને તેમણે છેલ્લા સત્ શ્રી અકાલ કહ્યા અને ઢળી પડ્યા. અમે મિલિટરીને જાણ કરી કે અમારા કમાંડર માર્યા ગયા છે અને ચોકીમાં ફક્ત ૧૪-૧૫ લડી શકે તેવા જવાન બાકી રહ્યા છે, ત્યારે તેમણે અમને ચોકી ખાલી કરવાનો હુકમ કર્યો. અમે બાબાને તથા શહીદ થયેલા જવાનોને ઉપાડી ગુપ્ત રસ્તે ચોકી છોડી ગયા. દુશ્મન અમારો પીછો કરી રહ્યો હતો તેથી અમે શેરડીના ખેતરમાં ગયા, ત્યાં બાબા તથા અન્ય શહીદોના શબ છુપાવ્યા. બીજા દિવસે દુશ્મનની હિલચાલ બંધ થતાં અમે તેમના સંસ્કાર કર્યા અને સૌનાં ફૂલ ક્વાર્ટરગાર્ડ (શસ્ત્રાગાર)માં રાખ્યા.”

વાત અહીં પૂરી નહોતી થઇ.

લડાઇ સમાપ્ત થઇને બે મહિના થઇ ગયા હતા. એક દિવસ હું મોડો એટલે સવારે નવ વાગે અૉફીસમાં પહોંચ્યો ત્યારે મારા કમરામાં બે વયોવૃદ્ધ પુરુષો બેઠા હતા. તેમાંના એકની ઉમર તો લગભગ સોએક વર્ષ જેટલી લાગી. જાડા જાડા લેન્સના ચશ્માં, બોખલું મોઢું અને ચહેરા પર હજારો કરચલીઓ. મેં તેમને સત્ શ્રી અકાલ કહી અભિવાદન કર્યું. અમારા સાર્જન્ટ મેજર તેમની પાસે જ ઉભા હતા. તેમણે કહ્યું, “જનાબ, આ મહેરસિંહના બાપુજી અને કાકા છે. વહેલી સવારથી તમારી રાહ જોઇને બેઠા છે.”
મેં તેમને રાહ જોવડાવવા માટે તેમની માફી માગી અને તેમને ચ્હા વિશે પૂછતાં જ આ જૈફ પિતામહની આંખમાંથી પાણી વહેવા લાગ્યું. તેમના મુખેથી માંડ માંડ શબ્દો નીકળ્યા, “પુત્તર, મને મારા મહેરસિંહના ફૂલ આપ એટલે હું જઉં.” હું આગળ કંઇ કહું તે પહેલાં તેમના નાનાભાઇ - મહેરસિંહના કાકાએ કહ્યું, “સા’બ, તું દુ:ખી ન થઇશ. અમારે ઉતાવળ છે તેથી તરત નીકળવું પડશે.” તેમણે જે વાત કરી તે સાંભળી હું ચકિત થઇ ગયો.
“ગઇ રાતે અઢી વાગે વીરજી (મોટાભાઇ)ના સપનામાં મહેરસિંહ આવ્યો અને એણે કહ્યું, ‘બાપુ, હું તો દેશ માટે શહીદ થઇ ગયો, પણ જ્યાં સુધી તું મારા ફૂલ હરીદ્વાર જઇ ગંગાનદીમાં નહિ પધરાવે, મને ગત નહિ મળે. બસ, તે ઘડીએ તેમણે મને જગાડ્યો અને બસ, ત્યારના અમે નીકળ્યા છીએ. હવે સીધા જઇશું..”
મહેરસિંહના બાપુ હવે થોડા સ્વસ્થ થયા હતા.ખોંખારો ખાઇ તેમણે કહ્યું, “દિકરા, પહેલી જંગ (ફર્સ્ટ વર્લ્ડ વૉર)માં હું સુબેદાર હતો. અમારા ખાનદાનની પરંપરા છે કે એક દિકરો તેના બાપની પલ્ટનમાં ભરતી થાય. મહેરસિંહ પહેલાં મારી રેજીમેન્ટમાં હતો અને ત્યાં સર્વિસ પૂરી કરી અહીં આવ્યો. તેનો સૌથી નાનો દિકરો સોળ વરસનો થયો છે, તેને તેના બાપની પલ્ટનમાં ભરતી થવું છે. આ માટે તેને ક્યાં મોકલું?”
એક જૈફ પિતા, જેણે હજી પુત્રના ફૂલ શાંત કર્યા નહોત અને પોતાના પૌત્રને એવી જોખમી ફૌજી નોકરી કરવા મોકલવા માગતો હતો. હું અવાક્ થઇને સાંભળતો રહ્યો. મિલિટરીની કડક વૃત્તિનો કૅપ્ટન હોવા છતાં મારી આંખોમાં ઝળઝળીયાં આવ્યા. મેં તેમને ટ્રેનીંગ સેન્ટરનું સરનામું લખી આપ્યું. બન્ને જણા મારી અૉફિસમાંથી બહાર નીકળ્યા.
વરંડાની ફર્શ પર તેમની લાકડીનો 'ટપ ટપ' અવાજ આવતો હતો. નજીકના અમારા પરેડના મેદાનમાં કવાયત કરતા સૈનિકોના ભારેખમ બૂટના ‘લેફ્ટ-રાઇટ, લેફ્ટ-રાઇટ‘ અવાજ આવી રહ્યા હતા.
મેં અવકાશમાં જોયું. મારી નજર સામે મહેરસિંહ હતા, જ્યારે તે મારીપાસે પહેલી વાર આવ્યા હતા. "બત્તી-ઉનન્જા, હવાલદાર મહેરસિંહ..."નો અવાજ જાણે ફરી એક વાર સાંભળવા મળશે..

તા.ક. પહેલી વાર નામ સાથે લેખ છપાયો હોવાથી મારી નવી નોકરીના સ્થાને કામ કરનાર ગુજરાતી સાથી બહેનોને અભિમાનપૂર્વક મારો લેખ બતાવ્યો: 'અમે ગુજરાતી ભન્યા નથી. હેડીંગ વાંચી સભળાવો તો!' મેં વાંચી સંભળાવ્યું ત્યારે તેમણે પ્રશ્ન પૂછ્યો, "આ શાદત - કે સ્હાદત એટલે શું?"

Tuesday, June 28, 2011

GYPSY'S DIARY: અનામી સબ-એડીટર (૨)

સંપાદકીય વિભાગમાં કામ કરનારા પત્રકાર/લેખકોને જાણ હશે જ કે દરેક અખબારમાં સંપાદકીય નીતિ હોય છે: તેમના અખબાર કે સામયીકનો કેટલો ભાગ editorial content માટે ફાળવવામાં આવે અને કેટલા ટકા commercial - એટલે જાહેરાત. આનો લાભ અખબારોના કટાર લેખક (કૉલમ્નીસ્ટ), મહેમાન લેખકોને મળતો, કારણ કે તેમને પહેલેથી શબ્દ સંખ્યા મુકરર કરી આપવામાં આવે. પરિણામે તેઓ દર અઠવાડીયે કે નિયત સમયે પોતાના લેખ તૈયાર કરી, તેમાં તેમની ભાવનાના પ્રાણ પૂરી એવો લેખ તૈયાર કરે, જેનાથી કટાર લેખક અને તેમનું અખબાર બન્ને એકબીજાના પૂરક થઇ જનહૃદયમાં કાયમનું સ્થાન પ્રાપ્ત કરી લે. અહીં જીપ્સી name-dropping નહિ કરે. આપ સહુ જાણો જ છો કે કયા કટાર લેખકને કારણે ક્યા સામયીક અને અખબાર પ્રસિદ્ધ થઇ ગયા હતા.

બ્રિટનમાં ભારતીય અખબારોની વાત સાવ જુદી હતી. ગુજરાતી અખબારો માટે એક વધારાની મુશ્કેલી એ હતી કે તેમનો વાચક વર્ગ સિમીત હતો. તેમાં ભાગ પાડવા બે સામયીકો પ્રસિદ્ધ થતા હતા. આથી લવાજમની આવક કરતાં જાહેરાતની આવક પર જ તેમનો નિભાવ થતો. આમ સામયીકનાં પાનાંની સંખ્યા તથા તેના contentનો આધાર તે અઠવાડીયે આવેલી જાહેરાત પર રહેતો. તમે ગમે એટલી સુંદર મૌલિક કટાર લખી હોય, કે પચાસ જેટલા સમાચારોનું ભાષાંતર કર્યું હોય, તેમાંના અમુક જ છપાય. વળી સમાચારને મહત્વ વધુ હોવાથી ‘કટાર’ મ્યાનમાં જ રહી જતી. આ જોઇ જીપ્સીએ તેની મૌલીકતા ભાષાંતરમાં ઉતારવાનું શરૂ કર્યું. સમાચારની ‘સુર્ખી’ને શિર્ષક આપવામાં આનો ઉપયોગ કર્યો. તે સમયે બ્રિટનમાં ચૂંટણી થતી હતી. રૉય જેન્કીન્સ લોકપ્રિય રાજકારણી હતા, તેમની સામે એક પ્રતિસ્પર્ધી તેમના ઉપહાસમાં ‘વૉય જેન્કીન્સ’ના નામે ચૂંટણીનું નામાંકનપત્ર ભર્યું. જીપ્સીએ શિર્ષક લખ્યું, “મિડલૅન્ડ્ઝમાં ઓય, વોય, રૉય”! આવા કેટલાય શિર્ષક લખાયા, સમાચારમાં યોગ્ય સ્થળે વ્યંગનો ઉપયોગ થયો. જો કે આના કારણે એક વાર મુસીબતમાં પણ આવવું પડ્યું. તે સમયથી બ્રૅડફર્ડ (યૉર્કશાયર)માં મુસ્લીમોની વસ્તી મોટા પ્રમાણમાં હતી. ત્યાંના આગેવાનોએ સિટી કાઉન્સીલમાં માગણી કરી કે શાળાના અભ્યાસક્રમમાં મુસ્લીમ શિક્ષણની જોગવાઇ કરવામાં આવે. માગણી જોર પકડતી ગઇ, પણ કાઉન્સીલે અડીયલ ધોરણ અપનાવ્યું. આ ગજગ્રાહ ચાલતો હતો તેનું પાંચ પંક્તિઓમાં વર્ણન કરવાનું હતું. જીપ્સીએ શિર્ષક આપ્યું, “બ્રેડફર્ડમાં મુસ્લિમ શિક્ષણ અંગે બખેડો” સમાચાર છપાયા, અખબાર શુક્રવારે જ દેશભરમાં વહેંચાયું. સોમવારે સવારના પહોરમાં તંત્રીશ્રીએ ‘સબી’ને તેમની અૉફીસમાં બોલાવ્યો અને ઇશારાથી એક્સ્ટેન્શન ટેલીફોન ઉપાડવાનું કહ્યું. ફોન કરનાર કોઇ ગુજરાતી મુસ્લીમ સજ્જન હતા. ગુસ્સાથી તેઓ પૂછી રહ્યા હતા, “અમારા માટે બખેડો શબ્દ વાપરી તમે અમારા ધર્મનું, અમારી ધાર્મિક શિક્ષણ અંગેની માગનું અપમાન કરવાની તમારી હિંમત કેમ થઇ? તમે જાણો છો, મારી કલમ ઝેર ઓકી શકે છે? તમારા અખબારની કેવી હાલત કરી શકું તેનું ભાન છે તમને?” અમારા સંપાદક કાબેલ હતા. તેમણે સમાચાર છાપતાં પહેલાં મારા શિર્ષક વિશે પૂછ્યું પણ હતું, અને મારો જવાબ હતો, “આ બખેડો આપણા મુસ્લિમ સમાજ તરફથી નહિ, સિટી કાઉન્સીલ તરફથી ઉભો કરવામાં આવ્યો છે. જનતાની જે માગણી હોય તે માટે તેમણે જનતા સાથે consultation process કરવો જોઇએ, જે કરવાને બદલે તેમણે એક તરફી વલણ લીધું છે.” સંપાદકશ્રીએ ટેલીફોન કરનારને આ સમજાવ્યું ત્યારે તેમણે કહ્યું, “આને તમારી એપોલોજી સમજી વાત અહીં પૂરી કરૂં છું. આઇંદા યાદ રહે, અમારા વિશે લખતાં પહેલાં સો વાર વિચારજો!”

*

માણસ એક વાર સૈન્યનો યુનિફૉર્મ પહેરે તે તેની પરંપરાના રંગમાં એવો રંગાઇ જાય કે સૈન્ય છોડ્યા બાદ લાંબા સમય સુધી નાગરી જીવનમાં તેમાંથી છૂટકારો પામી શકતો નથી. મોટા ભાગે આ પરંપરા તેની જીવાદોરી બની જાય છે, તો કોઇ વાર બેડી. ‘જીપ્સી’ સૈન્યની કારકિર્દી દરમિયાન હેડક્વાર્ટર્સમાં સ્ટાફ અૉફિસરનું કામ કરી ચૂક્યો હતો. ત્યાં પરંપરા હતી કે જ્યાં સુધી કમાંડર ઘેર ન જાય, સ્ટાફ અૉફિસર કામ હોય કે ન હોય, તેમના ગયા બાદ જ અૉફિસ છોડે. અમારા સાપ્તાહિકમાં અૅડમિનીસ્ટ્રેટીવ તથા સંપાદકીય સ્ટાફ બરાબર પાંચ વાગે ટેબલ છોડીને ચાલ્યા જાય, ‘જીપ્સી’ તંત્રીશ્રીના જવાની રાહ જોતો, કામ કરતો રહેતો. કોઇ કોઇ વાર સાંજના સાત વાગી જતા. તેઓ જવા લાગે એટલે કામ બંધ કરીને વૉટર્લૂ સ્ટેશન સુધી ચાલતા જવાનું. ઘેર વહેલા પહોંચવા ધીમી ટ્રેન છોડી ફાસ્ટ ટ્રેન લેવી હોય તો ત્રણ વાર બદલવી પડે, તેમ છતાં જીપ્સી જલદી ઘેર પહોંચવા માટે ટ્રેન બદલાવવા એક પ્લૅટફોર્મ પરથી દોડીને બીજી ટ્રેનના પ્લૅટફોર્મ પર દોડે. આ દોટ તેને કૅડેટ ટ્રેનીંગના દિવસોની યાદ આપતી. એક પરેડ ગ્રાઉન્ડથી બીજા ટ્રેનીંગ એરીયા પર દોડતા જ જવાનું. આમ વૉટર્લૂથી ગ્રીન પાર્ક, ટ્રેન બદલી બેકર સ્ટ્રીટ, ત્યાં ફરી ટ્રેન બદલી મેટ્રોપોલીટન લાઇન પકડી વેમ્બ્લી પાર્ક, ત્યાં જ્યુબિલી લાઇન લઇ ક્વીન્સબરી. અહીં બસની રાહ જોવાને બદલે એક માઇલ ચાલીને ઘેર પહોંચવાનું.

અમારો ફ્લૅટ હૅરોમાં હતો. કામ પર બરાબર આઠ વાગે હાજર થવા માટે ઘેરથી સવારે સાડા છ વાગે નીકળવું પડે. બે માઇલની પદયાત્રા અને બાકીનો સમય ટ્યુબ ટ્રેનમાં પ્રવાસ કરો ત્યારે તમે સમયસર કામ પર પહોંચી શકો. આમ ઘેર પાછા પહોંચો ત્યાં કોઇ કોઇ વાર રાતના નવ વાગી જાય. સવારે કામ પર નીકળીએ ત્યારે બાળકો સૂતા હોય, અને પાછા આવીએ ત્યારે પણ ડૅડીની રાહ જોઇ, થાકીને સૂઇ ગયેલા હોય. વીક-એન્ડના બે દિવસ મળે, જે ઘરના કામ, ગ્રોસરી શૉપીંગ અને સોમવારની તૈયારીમાં એટલી ઝડપથી વિતી જતા કે બાળકો સાથે પાર્કમાં જઇ તેમની સાથે ટેનિસ રમવાનો કે તેમને પિકનીક પર લઇ જવા જેટલો પણ સમય નહોતો રહેતો. આથી સાથે સમય પસાર કરવા અમે બધા જ સાથે મળી ગ્રોસરી શૉપીંગ માટે જતા. પહેલાં તેમના મનપસંદ ફાસ્ટ ફૂડ રેસ્ટૉરાંમાં તેમને લઇ જઇ તેમની સાથે ભોજન કરી, શૉપીંગ કરી સાંજે પાછા ઘેર આવીએ.
અંતે દૂરની નોકરી છોડી નજીકની, સ્થાનિક જગ્યાએ હોય તેવી નોકરી લેવાનું નક્કી કર્યું પણ મનમાં તુમુલ્લ યુદ્ધ જાગ્યું. સાપ્તાહિકમાં હું જે કામ કરતો હતો તે મારી ત્રણ જરૂરિયાતો પૂરી કરતું હતું: આત્મિક, પારમાર્થીક અને ઐહિક જીવનના પોષણનું. જે કામ કરતો તેમાં મને એટલો આનંદ મળતો કે બપોરે પેટમાં કૂકડાં બોલે ત્યારે યાદ આવતું, લંચ નથી લીધું. સાંજે કોઇ વાર તંત્રીશ્રી આવીને કહે, ‘કેમ, ઘેર નથી જવું?’ ત્યારે હું કામ સમેટું. કોઇ કોઇ વાર તેમના ભલા પુત્ર કલ્પેશ ઘેર જતી વખતે તેમની કારમાં મને ઘર સુધી મૂકવા આવે.
અહીં મને કોઇ કમી સાલી હોય તો એક જ. ફેસ્ટીવલ અૉફ ઇન્ડીયા બાદ મારી ‘કટાર’ કાયમ માટે મ્યાનમાં જ રહી ગઇ હતી.

નોકરી બદલવાની મનમાં ગડભાંજ ચાલતી હતી ત્યારે મને મારા પરિચીત શ્રી. શંકર જોષીની યાદ આવી. તેઓ ભારતથી ટાન્ઝાનિયા ગયા હતા અને ત્યાંથી બ્રિટન. તેમણે કહ્યું હતું, “બ્રધર, ત્રણ દેશોમાં કામ કરવાના મારા અનુભવનો સાર ટૂંકમાં કહીશ: ભારતમાં તમને તમારા અભ્યાસ તથા લાયકાત મુજબ મળવું જોઇએ તેનાથી ઓછું વેતન મળશે. આફ્રિકામાં તમારી લાયકાત કરતાં બમણો કે ત્રણગણો પગાર મળી શકે. અહીં બ્રિટનમાં પ્રથમ તો તમને કામ નહિ મળે, પણ એક વાર કામનો અનુભવ લીધો કે લોકો તમને સામેથી તમારા અનુભવ અને લાયકાત મુજબ સારો પગાર આપીને બોલાવશે. જો કે creme de la creme જેવી જગ્યાઓ આપણા લોકોને કદી નહિ મળે. પછી તમે તેના માટે ગમે એટલી લાયકાત કેમ ન ધરાવતા હો!” આ વાત ૧૯૮૦ થી ૧૯૯૦ ના બે દાયકાઓની હતી. મારા અનુભવે તે સાવ સાચી નીકળી.

જીપ્સીએ પહેલી અરજી કરી, ત્યાં જ ઇન્ટરવ્યૂનો કૉલ આવ્યો, નોકરીની અૉફર થઇ! આ સરકારી નોકરી હતી, તેમના ‘બ્રૉશર’ પ્રમાણે બે વર્ષમાં ક્લાસ-વન અધિકારીની જગ્યા માટે લાયક બની શકું. મેં અનિચ્છાએ તંત્રીશ્રીને એક અઠવાડીયાની નોટિસ આપી. તેઓ તે સ્વીકારવા તૈયાર નહોતા! તેમણે મને બમણો પગાર અને તેમના પરિવારમાં વપરાતી અૉસ્ટીન મિની કાર આપવાની અૉફર કરી. મારા માટે પારિવારીક જીવન વધુ મહત્વનું હતું. મેં નોકરી છોડી, પણ તેમણે મારી સાથેનો સમ્પર્ક અને સ્નેહ ચાલુ રાખ્યો. તે વર્ષના દિવાળી અંકમાં મદદ કરવા માટે તેમણે બોલાવ્યો. ત્રણ અઠવાડીયામાં લગભગ આખો અંક તૈયાર કર્યો. આ વખતે તો જીપ્સીનો એક લેખ બાય-લાઇન સાથે પ્રસિદ્ધ થયો, જે આવતા અંકમાં મૂકીશ.

Monday, June 27, 2011

GYPSY'S DIARY: અનામી સબ-એડીટર

જીપ્સીએ કામ શરૂ કર્યું તે સમયે બ્રિટનમાં ફેસ્ટીવલ અૉફ ઇન્ડીયા શરૂ થયો. શરૂઆતની એસાઇનમેન્ટ હતી ઇંડીયા હાઉસમાં થતી પ્રેસ કૉન્ફરન્સમાં હાજરી આપી, ફેસ્ટીવલના વિવિધ પ્રદર્શનો જોવાનું તથા તેના રિપોર્ટસ્ લખવાનો!
અમારૂં સાપ્તાહિક મુખ્યત્વે સમાચાર પત્ર હોવાથી ભારત તથા બ્રિટનના સમાચાર, ખાસ કરીને ‘એશિયન’ પ્રજાને લગતા સમાચાર છાપવામાં આવતા. બ્રિટનમાં એશિયન એટલે ભારતીય ઉપખંડમાંથી આવેલા લોકો. આના માટે તે સમયે ‘વાયર સર્વિસ’ ભારતીય ભાષાઓમાં નહોતી તેથી છાપવા યોગ્ય સમાચારોનું ગુજરાતી ભાષાંતર કરી, તેનું પ્રૂફ રીડીંગ કરી ડેડલાઇન સાચવવાની. આ કામ સબ-એડીટર (અંગ્રેજીમાં Subby!)નું. મારી મનોકામના મૌલિક લેખનની હતી તે જોઇ તંત્રીશ્રીએ ‘સબી’નું કામ ઉપરાંત લેખન કરવાની રજા આપી. શરત એક માત્ર હતી: અહીં Byline આપવાનો રિવાજ નથી. સાહિત્યના ક્ષેત્રમાં બેનામી કહો કે અનામી, લંડનમાં પ્રસિદ્ધ થયેલો મારો પહેલો લેખ સંક્ષીપ્તમાં(થોડાક સુધારા સાથે) અહીં રજુ કરૂં છું.

શૃંગાર

શૃંગાર અને લાલિત્યની કલ્પના પ્રજાપિતા બ્રહ્માને આવી ત્યારે તેને મૂર્ત સ્વરૂપ આપવા તેમણે સ્ત્રીનું સર્જન કર્યું. તેમાં પૂર્ણતા લાવવા તેમણે નટરાજ શિવને વિનંતિ કરી. તેમની પ્રેરણાથી આ નવસર્જનમાં ઉમેરાયું એક નવું તત્વ: નૃત્ય! સ્ત્રીની અંગભંગિમા અને હંસ જેવી ચાલમાં નટરાજે આપેલી કળાએ સ્ત્રીને એક વિશીષ્ઠ સૌંદર્ય બક્ષ્યું. હવે બાકી રહ્યું હતું શૃંગારમાં અભિવૃદ્ધિ કરનારા સાધનોનું સર્જન - એટલે વેશભૂષા, આભૂષણ, પોશાક તથા સૌંદર્યના પ્રસાધનો. બ્રહ્માએ તે કેવી રીતે વિકસાવવા તેની કલ્પના તેમણે માનવની બુદ્ધિમતા પર છોડી.
અરૂણાચલમાં શૃંગારનું મુખ્ય સાધન અંગવસ્ત્ર માનવામાં આવ્યું. આની પાછળ એક દંતકથા છે. તેમાંના પાત્રોનાં નામ 'અરૂણાચલી' જ રાખ્યા છે!
બ્રહ્મશક્તિ દેવી ‘માતાઇ’એ તેમની સૌંદર્યશાલિની કન્યા હમ્બ્રુમઇ (હેમ-ભ્રૂ-મયી?)ને સુંદર વસ્ત્ર વણવાની કળા શીખવી. ત્યાંના નિસર્ગરમ્ય વનમાં રમતાં કૂદતાં તેણે વૃક્ષ પલ્લવ જોયા, નદીના વલય, પ્રવાહ નિરખ્યાં અને તેના આકારોને તેણે પોતે નિર્મેલા વસ્ત્રોમાં વણી લીધા. હમ્બ્રુમયીની કલા, તેનાં રૂપ જોઇ અનેક યુવાનો તેની સાથે લગ્ન કરવા આતુર હતા. જંગલમાં રહેતી રાક્ષસીને અસૂયા થઇ. તેને લાગ્યું કે હમ્બ્રુમયીના સૌંદર્યનું રહસ્ય તેણે રચેલા વસ્ત્રોની સુંદરતામાં છે. તેણે શાહુડી (porcupine)નું રૂપ ધર્યું અને હમ્બ્રુમયીએ રચેલા વસ્ત્રો ચોરવા ગઇ. તે મોટા ખડક પાછળ સંતાઇ, તેને સરકાવીને શાળની નજીક ગઇ. તેમાં સુંદર કાપડ વણાતું જોયું અને અધીરતાથી તે ખેંચ્યું. કમભાગ્યે ખડક ખસ્યો અને તેના ધક્કાથી હમ્બ્રુમયી તથા તેની શાળ ખીણમાં પડી અને ખડક તેના શિર પર. દેવકન્યા મૃત્યુ પામી. તેની શાળના અનેક ટુકડા થયા અને આખા અરૂણાચલમાં વેરાઇ ગયા. હમ્બ્રુમયીએ વણેલા વસ્ત્રોમાંની આકૃતિના રંગબેરંગી પતંગિયા થયા અને દેશભરમાં ઉડ્યા.
અરૂણાચલની કન્યાઓએ શાળના ટુકડા વીણ્યા. ચમત્કાર થયો, અને આ ટુકડા નાનકડી શાળમાં બદલાઇ ગયા. દેવીની કૃપાથી અરૂણાચલની નાગકન્યાઓને કાપડ વણવાની કળા પ્રાપ્ત થઇ. આજે (એટલે વીસમી સદીની આખરમાં લખાયેલા લેખના સમયે) પણ અરૂણાચલની યુવતિઓ નાનકડી શાળમાં પોતાના પોશાક વણે છે. જેને હાથવણાટ આવડે નહિ તેને કોઇ પરણે નહિ! કહેવાય છે કે ત્યાંના મોકોકચુંગ અને ઝૂએનોબૂટોની આસપાસના વનમાં ઉડતા પતંગિયાઓની પાંખો પર હમ્બ્રુમયીની ડિઝાઇન જોવા મળશે! અરૂણાચલમાં હાથવણાટના કામળા પર ત્યાંના પ્રત્યેક કબિલાએ પોતાની વિશીષ્ઠતા દર્શાવતા રંગ અને ડિઝાઇન જાળવી રાખ્યા છે, જેમ સ્કૉટલેન્ડની કૅમ્બેલ, મૅકગ્રેગર જેવી clans તથા સ્ટુઅર્ટ રાજઘરાણા પોતપોતાના ‘ટાર્ટાન’ અભિમાનથી પહેરે છે.
“શૃંગાર”ના શિર્ષક હેઠળ ભારતીય વસ્ત્ર પરંપરાનું પ્રદર્શન “અૅર ઇન્ડીયા”ના સૌજન્યથી યોજવામાં આવ્યું છે. જરૂર જોવા જશો!

Saturday, June 25, 2011

GYPSY'S DIARY- ગુજરાતી જીતે જ! (2)

"પાનનો મહિમા!"

મારા બાપુજી જેટલા સંગીતના શોખીન એટલા જ પાનના. કોણ જાણે સંગીત અને પાન વચ્ચે એવા ક્યા રસનો સંબંધ છે જે તેમને અદ્ભૂત એવા ભક્તિરસ સાથે જોડે છે. બેગમ અખ્તર (બાપુજીના રેકૉર્ડઝ્ના સંગ્રહમાં ‘અખ્તરી ફૈઝાબાદી’ની રેકર્ડ હતી!), રસૂલનબાઇ, તબલાનવાઝ કિશન મહારાજ જેવા સંગીતરત્નોને તેમની ‘ગિલોરી’નો અાસ્વાદ પરમના તાર સપ્તકમાંથી પૃથ્વી પરની સમ પર જે રીતે લઇ આવતો, તેનું વર્ણન કરી શકાય નહિ.

બાપુજી ઇસરાજ - એટલે દિલરૂબા વગાડતા અને ખાંસાહેબ અબ્દુલ કરીમખાં સાહેબની સાથે સંગત કરી ચૂક્યા હતા. આમ વ્યવસાયે તેઓ બ્રિટીશ સરકારમાં મોટા હોદ્દા પર હતા, પણ સંગીત તેમનો passion!

તેમના પાનનો શોખ મેં પહેલી વાર અનુભવ્યો ત્યારે હું પાંચ-છ વર્ષનો હતો. તે દિવસે તેઓ પાનમાં લગાડવાના ચૂનાને ‘સિદ્ધ’ કરતા હતા. તેમના નિર્દેશન નીચે અમારા સહાયક હરિપ્રસાદે ચૂનાની પાવડર બનાવી, કપડામાં ગાળી તેને નાનકડી મટકીમાં મૂકી. તેમાં પાણીને બદલે છાશ નાખી. તેમાં ગરમ પરપોટા થવા લાગ્યા ત્યારે તેમણે લાકડી વતી ઝડપથી હલાવવાનું શરૂ કર્યું. જ્યારે મટકી ઠંડી પડી, તેમાં થોડું માખણ ઉમેરી મિશ્રણને એકજીવ કર્યું અને કોઠારમાં મૂકાવ્યું. પાનના ડબામાં ચાંદીની ટચુકડી ડબી હતી તેમાં આ ચૂનો ભરવામાં આવે. હવે પાન બનાવવાનું કામ બા કરે - જો કે તે કેવી રીતે બનાવવા, તે બાપુજીએ જ શીખવ્યું હતું. બાએ તેને કળા બનાવી. હું તેમને પાન બનાવતાં જોઇ મંત્રમુગ્ધ થઇ જતો.

સૌ પ્રથમ પાણીયારાના એક ખૂણામાં ઠંડી જગ્યાએ પાણી છાંટેલા શણના ટુકડામાં લપેટેલા, સોનાનાં વરખ જેવા રંગનાં કપુરી પાન હિંચકા પર લઇ આવતા. ત્યાં એક સૂકા સ્વચ્છ કપડા પર પાન મૂકી તેના પરનો વધારાનો ભેજ સૂકવવાનો. ત્યાર પછી એક પાન ઉપાડી, સૂડીને પૂરી રીતે ખોલી બા પાનના રેસાને કોઇ નિષ્ણાત સર્જનની જેમ કાપે. ‘સર્જીકલ અૉપરેશન’ એટલા માટે કે સૂડી કેવળ રેસાને કાપે, પાન પર તેનો ઘસારો ન લાગે! ત્યાર પછી નવજાત શિશુની આંખમાં કાજળ આંજવામાં આવે તેમ બાપુજીએ બનાવેલ ખાસ ચૂનો પાનમાં નાજુકતાપૂર્વક લગાડાય. હવે તેના પર કાથાની ટિકડી ધરી સૂડીની ધાર વતી હળવે હળવે એવા ઘસરકા પાડવામાં આવે કે જાણે ભળભાંકડામાં ક્ષિતીજ પર સૂર્યના કિરણો પડતાં ઉષાના ગાલ પર લજ્જાની લાલી પથરાતી જાય, તેમ ચૂના પર કાથાનાં રજકણો પડતાં લાલ રંગ ઉગી નીકળતો. હવે તેના પર શ્રીવર્ધનથી ખાસ મંગાવેલી સોપારી કાતરી, પાનના મધ્યમાં પાથરી, તેના પર દેશી તંબાકુ અને ઇજમેટનાં ફૂલ મૂકી ભુમિતીની ચોકસાઇથી પાનનો ત્રીકોણ બનાવી વચ્ચે લવિંગ પરોવી તેને ‘સિક્યૉર’ કરવામાં આવે. આવા ચાર પાન બનાવી બા તે ખાસ ડબીમાં મૂકે. આ સમગ્ર ‘પ્રોસેસ’ દરમિયાન તેમના મધુર કંઠે ગાતાં: “મૈં બનકી ચિડીયા બન કે બન બન ઘુમૂં રે” કે પછી કાનનદેવીનું “તુમ મનમોહન, સબ સખીયન સંગ, હઁસ-હઁસ ખેલો ના..”
બચપણનું આ દૃશ્ય મારા સ્મૃતીપટલ પર હજી પણ અકબંધ છે! મને તે સમયે વિચાર આવતો, પાન બનાવવામાં આનંદની આટલી ઉર્મિ અનુભવાતી હશે, ત્યાં તેનો રસાસ્વાદ કરનારાને તેમાં કેટલો આનંદ મળતો હશે!

બાપુજીના એક મિત્ર હતા. લખુભાઇ પંડ્યા. હું તેમને પંડિતકાકા કહેતો. સુરેન્દ્રનગર (તે સમયના વઢવાણ કૅમ્પ)ના ટાવર પાસે તેમની પાનની દુકાન. પાનની દુકાન એટલે કેવળ પાન જ નહિ, ત્યાં લખોટી વાળી સોડાવૉટરની બૉટલ, લિમલેટ-પેપરમીંટની ગોળી અને ગ્લુકોઝનાં “ભિસકૂટ”ના પૅકેટ પણ હોય. એક વાર બાપુજી સાથે તેમની દુકાને ગયો ત્યારે તેમના એક ઘરાકે તેમની પાસે મસાલાનું પાન માગ્યું. પંડીતકાકા પાન બનવવા લાગ્યા ત્યારે ઘરાક તેમને કહેતો જાય, ‘હવે તેમાં સુગંધી કોપરૂં મૂકો, ગુલકંદ અને ચિકણી સોપારીના બે કટકા પણ મૂકજો.’ પાન લઇને તે ચાલતા થયા ત્યારે મેં બાપુજીને પૂછ્યું, “આપણા ઘેર બા પાન બનાવે છે ત્યારે તેમાં આ બધા મસાલા કેમ નથી નાખતા?” આનો જવાબ પંડિતકાકાએ આપ્યો.

‘નલૂભાઇ, પેલા ઘરાક લઇ ગયા ઇ પાન નૉતું. અમે એને કપુરી પાનનો ઘૂઘરો કહીએ. આવા પાન ખાવા કરતાં કંદોઇને ત્યાં જઇ ઘૂઘરા ખાવા સારા. ખરા પાન તો દાદા (મારા બાપુજીને તેઓ આ નામે બોલાવતા) બનાવે ઇ છે!”
અરે હા! કહેવાનું રહી ગયું: અમારા સૌરાષ્ટ્રમાં બાળકોને આપેલું નામ લાંબુ લચક હોય, પણ બોલાવવાનાં નામ સાવ જુદાં. મારૂં હુલામણું નામ જુદું હતું!

****

પાનના અસલી શોખીનની વાત નીકળી તો મને ભાવનગરનો પ્રસંગ યાદ આવ્યા વગર નથી રહેતો. તે સમયે (૧૯૪૦ અને ૫૦ના દાયકામાં) ભાવનગર ગુજરાતનું કલા, સંસ્કૃતી અને સંસ્કારનું કેન્દ્ર હતું. ગાયકવાડ સરકારે યુનિવર્સિટી, સ્કુલ અૉફ ફાઇન આર્ટ્સ, કામાઠીબાગનું મ્યુઝીયમ વગેરે સ્થાપ્યું હોવાથી વડોદરાને સ્થાનિક પ્રજાએ આ બિરૂદ ભલે આપ્યું હોય. આ બધું infrastructure ભાવનગર પાસે નહોતું તેમ છતાં ગુજરાતના સાહિત્ય, કલા-સંસ્કારનો અસલી વારસો ભાવનગર પાસે હતો એવું અમારૂં માનવું હતું. જવા દો, આ વાત પાનની છે.

ભાવનગરના ઘોઘા ગેટ પાસેની મોટી બજારમાં પાનની દુકાન હતી. અહીં કેવળ પાન જ મળે - પાન એટલે તૈયાર કે બનાવીને અપાતાં પાન નહિ. અહીં મલબારી, કપુરી, કલકત્તી પાનની છાબડીઓ આવતી. ત્યાં દસથી ઓછા પાન ન મળે. અમારા કાકાશ્રી માટે પાન લેવા હું ત્યાં ગયો ત્યારે સુંદર પ્રસંગ જોયો.

એક નાગર ગૃહસ્થ, તેમના પરંપરાગત પોશાક - લાલ કિનારનું ધોતિયું, રેશમી ઝભ્ભો, બંડી, કપાળમાં ત્રીપુંડ્ર, અને મસ્તક પર બનાતની ટોપી, ડાબા હાથની કોણીના વળાંકમાં ‘ટાંગેલી’ લાકડી રાખી પાન પસંદ કરી રહ્યા હતા. નજીક જતાં સંભળાયું કે તેઓ બાગેશ્રીના સૂર ગણગણી રહ્યા હતા. એક એક પાન એવી રીતે પસંદ કરતા હતા જેમ કોઇ ચોકસી કિમતી નંગને તપાસતા હોય. તેમાં પણ મનપસંદ ‘texture’ નું આછું પીળું પાન હાથમાં લાગે તો ઉદ્ગાર નીકળતો, “વાહ!”. તેમણે પચીસ પાન લીધા અને ગયા ત્યારે મેં દુકાનદારને પૂછ્યું, “આ કાકા પાનના ખરા શોખીન લાગે છે!”

“હા, તમારી વાત સાચી છે. મારા પંદર વરસના ઘરાક છે, અમારા પિતાશ્રીના સમયથી. આજકાલ એમના જેવા પાનના દર્દી રહ્યા નથી. મોટા ભાગના અમારા ઘરાક પાન બનાવી આપનાર દુકાનદારો હોય છે. બીજા પૂજા માટે પાન લેવા આવે. અસલ પાનનો રસ અને આનંદ મેળવનારા આ ભટ્ટકાકા જેવા બહુ ઓછા બાકી રહ્યા છે.”

જમાનો બદલાતો ગયો. પાનની દુકાનો વધતી ગઇ. પાનના આનંદ કરતાં મોંઘા, મસાલાવાળા પાન - સ્ટેટસ સીમ્બૉલ ગણાતા મઘઇ, બાબા છાપ ૩૬૦ અને નવરતન કિમામનો જમાનો આવી ગયો એવું જુના પાનવાળા કહે છે. વર્ષો પહેલાં અમદાવાદ જવાનું થયું, ત્યારે મારા ઘનીષ્ઠ મિત્ર ડૉ. અરૂણ સાથે રાત્રે જમ્યા બાદ ફરવા ગયો. ગુજરાત કૉલેજની નજીકની દુકાનમાં ગયા અને તેમણે પાન બનાવવાનું કહ્યું. “કપુરી, કાચી સોપારી અને થોડી દેશી તમાકુ.” પાનવાળા ભાઇ ડૉક્ટરસાહેબની પર્સનાલિટી, તેમની મોંઘી મોટર જોઇ અને સાવ સાદા પાનનો અૉર્ડર સાંભળીને કંઇક બોલવા જતા હતા અને રોકાઇ ગયા. અરૂણે કહ્યું, ‘કંઇક કહેવા જતા હતા?”

“હા સાહેબ. તમે પાનના ખરા રસિક છો. બાકી માવાની કચોરી જેવા મસાલાના પાન, પ્રોસેસ કરેલ ભેળસેળીયા, હલકી કક્ષાની પણ બ્રાન્ડ નેમ વાળી મોંઘી તમાકુનાં પાન ખાનારાઓ બહુ જોયા. તમારા જેવા અસલ પાનના સ્વાદની શી પરખ હોય? આ પાન રેમતુલાની લગડી જેવા હોય, તેનાં મોલ ગિલેટીયાઓ કેવી રીતે ઓળખે?

આધુનિક યુવાનોને કદાચ જાણ ન હોય, પણ જુના જમાનામાં રહેમતુલ્લાના માર્કાવાળી સોનાની લગડી લોકો આંખો મીંચીને લેતા. ‘રેમતુલા એટલે સો ટચનું સોનું’ એવો તેમણે બેન્ચમાર્ક બનાવ્યો હતો!

***

આ લેખ લખાયો ત્યારે પાન પરાગ અને હાનિકર્તા ગુઠકાઓનું આક્રમણ નહોતું થયું. મિલિટરીમાં પાન ખાવાની મનાઇ હતી, પણ તમાકુ માટે બંધી નહોતી. ભારતના કેટલાક પ્રદેશોમાં તમાકુનું ચલણ વધુ હતું. લોકો થોડી તમાકુ અને થોડો’ક ચૂનો લઇ, હથેળીમાં અંગૂઠા વતી રગડી,તેના પર ટપલી મારી હોઠ અને દાંતની વચ્ચે મૂકી તેનો આનંદ લે.

એક જગ્યાએ આ હરકતથી મહાન ગોટાળો થઇ ગયો હતો.

દર વર્ષે મિલિટરીની રેજીમેન્ટ કે બટાલિયનની યુદ્ધની તૈયારી માટેની પરીક્ષા લેવાય. એક બટાલિયનને ‘અૅટેક’ - એટલે દુશ્મનની રક્ષાપંક્તિ પર હુમલો કરી વિજય પ્રાપ્ત કરવાની ‘એક્સરસાઇઝ’ આપવામાં આવી હતી. યોજના મુજબ બધી તૈયારી થઇ ગઇ. આક્રમણકારોની હરોળ તૈયાર હાલતમાં હતી. કેવળ કંપની કમાંડરના સિગ્નલની રાહ જોવાતી હતી. આ સિગ્નલ હતો હળવેથી તાળી પાડવાનો, જે સાંભળતાં વેંત કમાંડરની બાજુમાં ઉભા તેમનો રનર યુદ્ધનિનાદ પોકારે અને હુમલો શરૂ થઇ જાય.

હુમલો કરવાના H-Hourમાં બે મિનીટ બાકી હતી અને ‘રનર’એ તાળી સાંભળી, ‘ભારતમાતાકી જય’નો પોકાર થયો અને હુમલો શરૂ થયો. કંપની કમાંડર સ્તબ્ધ થઇ ગયા, કારણ કે તેમણે તાળી વગાડી નહોતી. ‘તાળી’ વગાડનાર હતા તેમના હવાલદાર, જેમનાથી તમાકુની તલપ રોકાઇ નહિ. હથેળીમાં તમાકુ-ચૂનો રગડી, ‘માવો’ મોઢામાં મૂકતા પહેલાં ટેવ મુજબ તેના પર ટપલી મારી, જેનો અવાજ તાળી જેવો નીકળ્યો, અને....

કંપની કમાંડર કાબેલ હતા. બ્રિગેડ કમાંડરના સવાલના જવાબમાં તેમણે કહ્યું, “મારૂં ઘડિયાળ થોડું ફાસ્ટ ચાલે છે તેનો ખ્યાલ ન રહ્યો. અમે અમારો ટાઇમ મારા ઘડિયાળ પ્રમાણે ‘સિંક્રોનાઇઝ’ કર્યો હતો.”

હુમલો સફળ થયો અને કંપની કમાંડરને પ્રમોશન મળ્યું. પણ હવાલદારની ખેર નીકળી ગઇ!

***
અહીં સરકારી ચેતવણી આપી દઉં! તમાકુનું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. આ લેખ તમાકુ કે તેની ટેવના વખાણ કે તેને ઉત્તેજન આપવા માટે લખાયો નથી.

Friday, June 24, 2011

GYPSY'S DIARY- ગુજરાતી જીતે જ!

પણ નોકરી?

વૉરીકશાયર (Warwickshire)ની પ્રખ્યાત કૉવેન્ટ્રી ટેક્નીકલ કૉલેજમાંથી ‘સર્ટિફિકેટ ઇન મૅનેજમેન્ટ કોર્સ’ પૂરો કર્યો. આ કોર્સને બ્રિટનની બ્રિટીશ ઇન્સ્ટીટ્યૂટ અૉફ મેનેજમેન્ટે તેના સભ્યપદ માટે માન્ય ગણ્યો હોવાથી ‘જીપ્સી’ તેનો સભ્ય થયો. આમ તો તેના સભ્યપદ માટે પરીક્ષા આપવી પડતી અથવા બ્રિટનની કોઇ સંસ્થામાં ફર્સ્ટ કે સેકન્ડ લાઇન મૅનેજમેન્ટ કાડરમાં બે-ત્રણ વર્ષ કામ કર્યું હોય તેમની પરીક્ષા લીધા બાદ તેમને સભ્યપદ મળતું. મેં વર્ષની પાંત્રીસ પાઉન્ડની ફી ભરી અને મને તેનું સભ્યપદ મળ્યું. સાથે સાથે નામની પાછળ MBIMનો 'ઇલ્કાબ' લખવાની છૂટ મળી! પણ નોકરી ક્યાં?

જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિના વિતી ગયા. હજી પણ નોકરી માટે ચક્કર ચાલુ હતાં. અરજીનાં ફૉર્મ મોકલાતા જતા હતા.

એક દિવસ અનુરાધાના બાપુજીને મળવા ગયા ત્યાં તેમની પાસે લંડનમાં પ્રસિદ્ધ થતા અઠવાડીકનો દિવાળી અંક જોયો. તેમાં જાહેરાત હતી, “જોઇએ છે: સબ-એડીટર. કોઇ પણ પ્રખ્યાત અખબારમાં ઓછામાં ઓછો ત્રણ વર્ષનો અનુભવ જરૂરી. પગાર લાયકાત મુજબ.”

દિવાળી વિતીને ત્રણે’ક મહિના થઇ ગયા હતા. અત્યાર સુધીમાં તો આ જગ્યા ભરાઇ ગઇ હશે એવું માની મેં અંક પાછો મૂક્યો. બીજી ક્ષણે વિચાર આવ્યો, પ્રયત્ન કરવામાં શું જાય છે?

ગુજરાતી ભાષા પ્રત્યે મને અનન્ય પ્રેમ. શાળાના સમયથી એક મહેચ્છા સેવી હતી કે લેખક થવું! શાળાના સમયમાં ગુજરાતના પ્રખ્યાત રૉયીસ્ટ વિચારવંત અને શિક્ષણક્ષેત્રના આગેવાન સ્વ. અરૂણકાંત દિવેટીયા અમારા ગુજરાતીના શિક્ષક હતા. તેમને મારા લખેલા નિબંધ ગમતા અને હંમેશા ક્લાસમાં વાંચવાનું કહેતા. ત્યારથી મારી પોતાની ખુશીને ખાતર કંઇક ને કંઇક લખતો. એસએસસીમાં મને ગુજરાતીમાં ઘણા સારા - એટલે ૬૦% માર્ક મળ્યા હતા - જે તે સમયે લગભગ અશક્ય ગણાતું. ત્યાર પછી અમારા સદ્ભાગ્યે કૉલેજના સમયમાં અમારા ગુજરાતીના પ્રાધ્યાપક આપણા તે સમયના વિખ્યાત વિવેચક 'માનસીકાર' સ્વ. વિજયરાય ક. વૈદ્ય હતા. વિદ્યાર્થીઓને તેમનો હંમેશા આગ્રહ રહેતો કે માતૃભાષાને માતૃસ્નેહ જેટલું જ મહત્વ આપવું. લેખનમાં અનુકરણને બદલે મૌલિકતા લાવવાનો પ્રયત્ન કરવો. તે સમયે ગાઇડોની જબરી બોલબાલા હતી. "એક અનુભવી પ્રૉફેસર' અને વિ.જે. કુટમુટીયાએ લખેલી ગાઇડો ગુજરાતમાં 'બેસ્ટ સેલર'હતી. જેટલા પુસ્તકો પ્રખ્યાત લેખકોનાં ન વેચાય એટલી સંખ્યામાં ગાઇડો વેચાતી. વિજુકાકાની વાત મારા જેવા અનેક વિદ્યાર્થીઓના મનમાં ઉતરી. વિદ્યાર્થીઓ ગાઇડ ગોખીને પ્રશ્નોનાં ઉત્તર લખતા, ત્યાં અમે અમારી રીતે અમારા પોતાના ઉત્તરો લખતા - મૌલિક. તે સમયે અમને ઇશ્વર પેટલીકરની લઘુકથાઓનું પુસ્તક 'લોહીની સગાઇ'હતું. અમારી છ માસિક પરીક્ષામાં અમને પ્રશ્ન હતો આ કથાનું વિવેચન લખવાનો. પરીક્ષા બાદ વિજુકાકાએ મને ખાસ બોલાવીને જે કહ્યું, જેનો છ શબ્દોમાં સાર આવે: Well done and keep it up. યુનિવર્સિટીની પરીક્ષામાં 'જીપ્સી'ને ઇન્ટર કૉમર્સમાં ગુજરાતીમાં સર્વશ્રેષ્ઠ માર્ક મળ્યા હતા!

લેખનના અનુભવની વાત કરીએ તો કાશ્મીરના પહાડોમાં મારૂં પોસ્ટીંગ થયું હતું ત્યારે અમદાવાદથી પ્રગટ થતા ‘જનસત્તા’માં મારા કેટલાક લેખ છપાયા હતા. થોડો સમય તો મને એક નિયમીત ‘કૉલમ’ પણ અપાયું હતું - “અત્રતત્ર સર્વત્ર”. આ કામ હું સ્વાનંદ માટે કરતો હતો. તે સમયના સંપાદક શ્રી ઇશ્વરભાઇ પંચોલીએ મને પુરસ્કાર લેવા માટે ઘણો આગ્રહ કર્યો હતો, પણ મેં નમ્રતાપૂર્વક ના કહી હતી. અહીં પ્રશ્ન એ હતો: આમ અવેતન કરેલ કામને ‘અનુભવ’ ગણાશે?

અત્યાર સુધીમાં સરેરાશ ચાર પાનાંના દોઢસો ફૉર્મ ભરી ભરીને હું કંટાળી ગયો હતો. અંગ્રેજીમાં કહેવત છે કે Proof of the pudding is in eating, તે ન્યાયે મેં નક્કી કર્યું કે આ સામયીકના તંત્રી-માલિકને મારો એકાદ જુનો લેખ મોકલવો. મારો પોતાનો એક પ્રિય લેખ હતો જે શ્રી. પંચોલી, જનસત્તાના ચીફ રિપોર્ટર અને મારા મિત્ર સ્વ. શ્રી રમણભાઇ ભાવસાર તથા અન્ય સહસંપાદકોને પણ અત્યંત ગમ્યો હતો. મેં તેની ફોટો કૉપી, એક સાદા ફૉર્વર્ડીંગ પત્રની સાથે મોકલી આપ્યો. મારી શૈક્ષણીક લાયકાત તો મારા લેટર હેડીંગમાં લખેલી હતી. મારા સાહિત્યીક અનુભવમાં એટલું જ લખ્યું કે ‘મારા લેખનનો દરજ્જો આ સાથે બીડેલા મારા લેખ પરથી આપ જાણી શકશો. આપને લાગતું હોય કે આ લેખ આપના સાપ્તાહીકની પરંપરાને અનુરૂપ છે, અને આપને પસંદ આવે તેવું કામ હું કરી શકીશ તો અાપની ઉમેદ પર જરૂર ખરો ઉતરીશ.”

ત્યાર પછીના પાંચ દિવસ હું મારા રોજીંદા કામ - હૅરો, વેમ્બ્લી, તથા ગોલ્ડર્સ ગ્રીનના જૉબ સેન્ટરમાં ચક્કર મારવામાં વ્યસ્ત રહ્યો. એક સાંજે પાછો આવ્યો ત્યારે અનુરાધાએ મને કહ્યું, તમે સબ-એડીટરની જગ્યા માટે જ્યાં અરજી કરી હતી, તેના તંત્રીએ તમને તાબડતોબ ફોન કરવા કહ્યું છે.”

તે સમયે અમારે ઘેર ફોન નહોતો! ફોન કરવો પડે તો ઘરની બહાર જ પબ્લીક ટેલીફોન બૂથ હતો.

“તમને કેવી રીતે ખબર પડી? આપણી પાસે તો ફોન નથી,” મેં પૂછ્યું.

“આપણા ઘરની નજીક તેમનાં એક ગ્રાહક બહેન રહે છે. તેમને અખબારના તંત્રી તરફથી ફોન ગયો, અને આપણું સરનામું આપી તમારો સંપર્ક સાધવાની વિનંતિ કરી. આ બહેન હમણાં જ ગયા.”

બીજા દિવસે હું ફોન કરી વૉટર્લૂ સ્ટેશનથી એકાદ માઇલ પર આવેલી અૉફિસમાં ગયો. ઇન્ટરવ્યૂ થયો અને નોકરીની અૉફર થઇ. મને નોકરી મળી તેમાં મારો પોતાનો વિજય નહોતો. આ વિજય હતો ગુજરાતનો, ગુજરાતી ભાષાનો. કંઇ પણ થાય, અંતે ગુજરાતી જીતે જ!

આમ મને મળી બ્રિટનની પહેલી નોકરી. પગાર અઠવાડીયાના ૮૦ પાઉન્ડ. તંત્રીશ્રીનાં ધર્મપત્નિ ઘણાં પરગજુ મહિલા હતા. તેમના આગ્રહથી પગાર ઉપરાંત કંપનીના ખર્ચે લંડન અંડરગ્રાઉન્ડનો અઠવાડીક ટ્રાવેલ પાસ પણ આપવામાં આવ્યો.

મારો એવો તે ક્યો લેખ હતો, જેના આધારે મને આ નોકરી મળી?

આવતા અંકમાં તે લેખ રજુ કરીશ. કદાચ આપને પણ તે ગમે! મને તો હજી પણ ગમે છે, કારણ કે તે મારા માટે અન્નદાતા સમાન નીવડ્યો હતો.

Wednesday, June 22, 2011

GYPSY'S DIARY - સિલ્વીયા પ્રાઇસ: અમારી ઇંગ્લીશ લૅન્ડલેડી

જૉબ સેન્ટર:

અહીંના જૉબ સેન્ટર ઘણાં મજાના હતા. હાઇ સ્ટ્રીટની કોઇ પણ આધુનિક એમ્પ્લૉયમેન્ટ એજન્સી જેવા. તમારા સ્થાનિક વિસ્તારમાં કોઇ પણ ખાનગી કે સરકારી સેક્ટરમાં જગ્યા ખાલી હોય તો તેની વિગતો અહીં મોકલવામાં આવે. નોટિસ બોર્ડ પર આ બધી જાહેરાતો, તેના રેફરન્સ નંબર વગેરે હોય. તેમાંથી જે આપણા યોગ્ય હોય તેનાં કાર્ડ જૉબ સેન્ટરના કર્મચારી પાસે લઇ જવાના. કર્મચારી તરત જાહેરાતકર્તાને ફોન કરી તમારા માટે ઇન્ટરવ્યૂ સેટ કરી આપે. આ ઉપરાંત સ્થાનિક અઠવાડીક હૅરો અૉબ્ઝર્વરના ગુરૂવારે પ્રસિદ્ધ થતા અંકમાં અને ધ ગાર્ડીયનના બુધવારના અંકમાં જાહેરાતો આવે તે ‘જીપ્સી’ જોઇ જતો અને નોકરી માટે પ્રયત્ન શરૂ કરવા લાગ્યો. અહીંની પદ્ધતિ એવી હતી કે કોઇ પણ સ્થળે અરજી કરો ત્યાં ચારથી છ પાનાંનું ફૉર્મ ભરવું પડે. ચાર મહિનામાં લગભગ દોઢસો ફૉર્મ ભર્યા, તેમાંથી ફક્ત ચાર જગ્યાએથી ઇન્ટરવ્યૂ આવ્યા પણ નોકરી મળી નહિ. અહીં એક વાત સારી હતી કે નોકરી ન મળે તો ઇન્ટરવ્યૂ લેનાર પાસેથી feedback માગી શકાતો. મને બે મુખ્ય ફીડબૅક મળ્યા: એક તો ‘તમે ઓવર-ક્લૉલીફાઇડ’ છો. બીજો, ‘તમારો અનુભવ અહીંની કાર્યપ્રણાલીને સુસંગત નથી.” એક દિવસ કંટાળીને જૉબ સેન્ટરના મૅનેજરને મળ્યો અને પુછ્યું કે મારા અનુભવ તથા શિક્ષણમાં એવી તે શી કમી છે જેના કારણે મને કામ નથી મળતું?

“મિત્ર, સાચી વાત કહું? ખોટું ન લગાડશો. છેલ્લા દોઢએક વર્ષમાં ભારત-પાકિસ્તાનમાં મેળવેલ ડિગ્રી સર્ટિફીકેટ અને અનુભવનો રેફરન્સ લઇને આવેલા ઘણા લોકોને તેમની પરીક્ષા લીધા વગર નોકરી આપવામાં આવી હતી. મોટા ભાગના પ્રમાણપત્રો બનાવટી હતા. ત્યારથી સરકાર અને મોટી સંસ્થાઓમાં તમારા દેશના ડિગ્રી સર્ટીફિકેટ સાથે બ્રિટીશ કાઉન્સીલ પાસેથી મેળવેલું equivalent levelનું પ્રમાણપત્ર બીડ્યું ન હોય તો તમને નોકરી ન મળી શકે. આ જાણે ઓછું હોય, આપણો દેશ રીસેશનની ગર્તામાં ડુબેલો છે તેથી નવા આવેલા લોકોને નોકરી મેળવવામાં તકલીફ પડતી હોય છે. બીજી મોટી મુશ્કેલી એ વાતની છે કે તમને આ દેશમાં કામનો અનુભવ નથી, તેથી તમને નોકરી મળવી મુશ્કેલ છે.”

“મને આ દેશમાં કોઇ કામ મળે તો જ અનુભવ પ્રાપ્ત થાય ને?”

“તમારી વાત સાથે હું સંમત છું, પણ આ catch 22ની હાલત છે. કામ વગર અનુભવ નહિ અને અનુભવ વગર કામ નહિ! હા, એક સલાહ અપી શકું. તમારા ડીગ્રી સર્ટિફીકેટનું equivalent level બ્રિટીશ કાઉન્સીલ પાસેથી કરાવી લો. અહીંના એમ્પ્લૉયર તેને માન્ય કરવા બાધ્ય છે તેથી તેનો તમને જરૂર ફાયદો થશે. અને એક ખુશખબર આપું. અમારા ખાતા તરફથી ખાસ Job Orientated ટ્રેનીંગના સરકારી ખર્ચે કોર્સ ચાલતા હોય છે, તેમાંના કોઇ એક માટે અરજી કરો. જો તેમાં તમે પસંદગી પામો તો તે માટે તમને ખાસ ભથ્થું મળી શકશે.”

મેં આ બન્ને કામ કર્યા. બ્રિટીશ કાઉન્સીલે મારી B.Comની ડિગ્રીનું equivalent બ્રિટનના 'A' levels એટલે બારમી પાસનું સમકક્ષ ગણ્યું!!! ખુશીની વાત એ બની કે મને કૉવેન્ટ્રીની ટેક્નીકલ કૉલેજમાં મૅનેજમેન્ટ સર્ટીફિકેટની ટ્રેનીંગ માટે પસંદ કરવામાં આવ્યો. ભારતમાં મારી છેલ્લી જવાબદારી આસિસ્ટન્ટ ડાયરેક્ટરની હતી, જેને ‘મૅનેજમેન્ટ પોઝીશનની ગણવામાં આવી જેથી આ કોર્સ મળ્યો.

***

કૉવેન્ટ્રી

કૉવેન્ટ્રી શહેર ત્રણ વાતો માટે પ્રખ્યાત હતું. અંગ્રેજી પુરાણો - mythology પ્રમાણે અા શહેરમાં લેડી ગોડાઇવાની સવારી નીકળી હતી; અહીંનું કૅથેડ્રલ
(છબી: ગુગલ ઇમેજીસના સૌજન્યથી)

વિશ્વવિખ્યાત છે, અને છેલ્લે, આ શહેર તેના economic resilience માટે નમૂનારૂપ ગણાતું. સદીઓથી અહીંના laceworkની આખા યુરોપમાં મોટી માગ હતી. તેનો મુકાબલો કોઇ કરી શકતું નહિ. ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશન બાદ મશીનોમાં લેસ-વર્ક થવા લાગ્યું ત્યારે અહીંનો આ ઉદ્યોગ ભાંગી પડ્યો. મંદી, બેકારીની ઘંટીમાં અહીંની પ્રજા ભીંસાવા લાગી ત્યાં મોટરકારના કારખાનાંઓએ લોકોને નવજીવન આપ્યું. અહીંની અૉસ્ટીન તથા મૉરીસ ફરી એક વાર કૉવેન્ટ્રીને જગતના નકશા પર લઇ ગઇ. લોકો સમૃદ્ધ થવા લાગ્યા અને રાહતનો શ્વાસ લેવા લાગ્યા એટલામાં જાપાનીઝ મોટર ઉદ્યોગે તેની કેડ ફરીથી ભાંગી નાખી.

જીપ્સી કૉવેન્ટ્રી ગયો ત્યારે ત્યાં દયાજનક દૃશ્ય જોયું. એક વખત વિશ્વની સર્વશ્રેષ્ઠ કાર બનાવનાર કારીગરોનું બિરૂદ પામેલા લોકો આજે બેકારી અને દારૂની લતમાં ડૂબેલા જોયા. સરકારી બેનીફીટ પર નભતા, ભગ્ન કુટુમ્બના સદસ્યો અને કામની શોધમાં બહારગામ ગયેલા યુવાનોને કારણે ઉજ્જડ લાગતા આ શહેરમાં અર્થશાસ્ત્રીઓ જેને urban decay કહે છે, તેનું દર્શન થયું.

કૉવેન્ટ્રી માટે ત્રીજી વાત અમદાવાદના લોકોને રસપ્રદ લાગશે: લાલ દરવાજાનું મોટું બસ સ્ટૅન્ડ કૉવેન્ટ્રીના બસ સ્ટેશનના મૉડેલ પર બાંધવામાં આવ્યું હતું! આ જોવા માટે AMTSના અધિકારીઓ ખાસ કૉવેન્ટ્રીની મુલાકાતે આવ્યા હતા.

કૉવેન્ટ્રીની નજીક શેક્સપીયરનું ગામ સ્ટ્રૅટફર્ડ અપોન અૅવન છે. આ બધાં પ્રેક્ષણીય સ્થળોને કારણે તે જોવા અનેક લોકો આવે, તેથી અહીં એક નવો ઉદ્યોગ શરૂ થયો. બેડ-અૅન્ડ-બ્રેકફાસ્ટના રહેઠાણો. મારા કોર્સ-મેટ બિલે મિસેસ સિલ્વીયા પ્રાઇસ નામની લૅન્ડલેડી સાથે વાટાઘટ કરી ખાસ દરે અમારા માટે, રોજના છ પાઉન્ડ લેખે એક એક રૂમ ભાડે રાખી. અઠવાડીયાના પાંચ દિવસ રહી, શનિ-રવિ હું લંડન જતો. રવિવારે રાતે પાછો આવી, સોમવારથી કૉલેજમાં.

સિલ્વીયાબેન ખરે જ માયાળુ મહિલા હતા. બે અઠવાડીયાના રહેવાસમાં તે અમારી સાથે પરિવારજનની જેમ ભળી ગયા. અમારા માટે સવારે કોર્નફ્લેક્સને બદલે ખાસ ખીર જેવી પૉરીજ, તેમજ ફૂલ ઇંગ્લીશ બ્રેકફાસ્ટ આપતા. ત્રીજા રવિવારે હું અમારા રહેઠાણે પહોંચ્યો ત્યારે મારા રૂમમાં સિલ્વીયાએ ચિઠ્ઠી મૂકી હતી: ‘નરેન, તમે કદાચ ડિનર નહિ લીધું હોય. ડાઇનીંગ હૉલના ફ્રીજમાં માખણ, ચીઝ, હૅમ, મૅયો-મસ્ટર્ડ છે. સૅન્ડવીચ બનાવી લેશો. ચ્હા માટે દૂધ પણ છે. સંકોચ કરતા નહિ.'

ત્રણ મહિના કેમ નીકળી ગયા, ખબર ન પડી. ત્યાંના વાસ્તવ્યનો છેલ્લો દિવસ મારી યાદગિરીમાં કાયમ માટે કોતરાઇ ગયો.

૧૯૮૧ના ડિસેમ્બરની ૧૪મી તારીખે અમારો કોર્સ પૂરો થયો. તે દિવસે ભારે બરફ પડ્યો હતો, લગભગ ત્રણ ફીટ. તે દિવસે સિલ્વીયા અને તેના પતિ વિન્સેન્ટ કાર્ડીફ જવાના હતા. બિલ અને હું સામાન પૅક કરી, બિલની મોટરમાં મૂકી કૉલેજ જવા નીકળ્યા. થોડે દૂર ગયો અને મને યાદ આવ્યું. અરે ભગવાન, તે અઠવાડીયાના ભાડાના ત્રીસ પાઉન્ડ આપવાના બાકી રહી ગયા હતા! મેં બિલને ગાડી રોકવાનું કહ્યું અને બરફમાં દોડતો જ ઘર તરફ ગયો. વેલ્સ જવા માટે વિન્સેન્ટ તેની કાર ચાલુ કરતો હતો. સિલ્વીયાએ તેમાં બેસવા કારનું બારણું ખોલ્યું, ત્યાં મેં બૂમ પાડીને તેમને રોક્યા.

“માફ કરજો, વિન્સેન્ટ, સિલ્વીયા. ઉતાવળમાં સાવ ભુલી ગયો, ક્ષમા ચાહું છું.” હાંફતાં હાંફતા મેં કહ્યું. મારા હાથમાંથી પૈસા લેતાં સિલ્વીયાએ પહેલાં પતિને કહ્યું, “હું નહોતી કહેતી, વિન્સેન્ટ, કે નરેન પાછો આવશે?”

મારી તરફ તેણે જોયું, પણ તેના મ્હોંમાંથી શબ્દો નીકળી શક્યા નહિ. કદાચ ગળું ભરાઇ આવ્યું હતું કે કેમ. ફક્ત તેની આંખોએ મારી તરફ જે ભાવ વ્યક્ત કર્યા તેનું વર્ણન કરવાની શક્તિ મારી પાસે નથી.

Tuesday, June 21, 2011

જીપ્સીની ડાયરી: "ડુ યુ સ્પીક ઇંગ્લીશ?"

૧૯૮૦ના દાયકામાં બ્રિટનમાં વર્ણદ્વેષ પરમ પરાકાષ્ઠાએ પહોંચેલો હતો. આવામાં ‘રંગીન’ માણસોને નોકરી મળવાના સાંસા હતા. અહીં નોકરી કે સરકારી બેનિફીટ (આજના ઇંકમ સપોર્ટને તે સમયે સપ્લીમેન્ટરી બેનિફીટ કહેતા) મેળવવા માટે સૌથી પહેલાં નૅશનલ ઇન્સ્યુરન્સ નંબર મેળવવો પડે - જેમ અમેરીકા આવનારા માણસને સોશિયલ સિક્યુરિટી નંબર (SSN) લેવો પડે તેમ. આ માટે જીપ્સી હૅરોમાં બૅરસ્ટો હાઉસ નામના મકાનમાં સોશિયલ સિક્યુરિટીની અૉફિસ હતી ત્યાં ગયો. ત્યાં નંબર લેવા અરજી કરનારાઓની મસ મોટી લાઇન હતી. તેમાં મોટા ભાગે કચ્છથી આવેલા ભાઇબહેનો હતા. તેમાંના મોટા ભાગના લોકોનું અંગ્રેજીનું જ્ઞાન સાવ સામાન્ય અથવા નહિવત્ હતું. સરકારનો આ અનુભવ હતો તેથી જ કે કેમ, DHSS (ડીપાર્ટમેન્ટ અૉફ હેલ્થ અૅન્ડ સોશિયલ સિક્યુરિટી, જેનું નામ આજકાલ બદલાઇને DSS થયું છે)ની ‘ફ્રન્ટ અૉફિસ’ના ક્લાર્ક ભારતીય બહેનો હતી. અહીં મને દુનિયાને સતાવી રહેલ સામ્યવાદી વિચારસરણીમાંના એક ‘અધિનિયમ’નો અનુભવ થયો. આ હતો શાહીવાદી રાજ્યના દલાલ (Agents of the Imperialist/Capitalist State) જેમની દ્વારા શાહીવાદ પોતાનું શાસન કાયમ ચલાવતું રહે છે. સામ્યવાદીઓના કહેવા પ્રમાણે શોષણ કરનાર સરકારના આ એવા સરકારી કર્મચારી હોય છે, જેમને શોષિત પ્રજામાંથી જ પસંદ કરી તેમને તેમના દેશજનોનું શોષણ અને દમન કરવા નોકરીએ રાખવામાં આવે છે.

ભારત શું કે ઇસ્ટ આફ્રિકા, સ્થાનિક રહેવાસીઓ પર રાજ્ય તો ગોરાઓએ કર્યું, પણ તેમની રાજસત્તા ચલાવનારા ‘એજન્ટ્સ અૉફ ધ સ્ટેટ’ દેશના તૃણમૂળ - grassroot પ્રજાજનો સાથે સંપર્ક રાખી તેમના પર સીધું શાસન કરનારા સ્થાનિક પ્રજામાંથી નિયુક્ત કરાયેલા લોકો હતા. પૂર્વ આફ્રિકામાં ત્યાંના “નેટીવ” (આ શબ્દ પણ આપણા ભારતીયોએ સુદ્ધાં આફ્રિકનો માટે અપનાવ્યો હતો. ઘરકામ કરવા રાખેલા આફ્રિકન નોકરને અંગ્રેજો 'બૉય' કહેતા, જ્યારે આપણા ભારતીયો તેનું કનીષ્ઠીકરણ કરી 'બૉયટો' કહેતા!) લગભગ સાવ અશિક્ષીત હતા, તેથી તેમના પર વહિવટ ત્યાં વસેલા ભારતીયો દ્વારા ચાલતો. ગોરા અફસરનું સ્થાન ‘ભગવાન’ સ્વરૂપે હતું તેથી તેમનાં દર્શન ભાગ્યે જ થતા. કાયદા કાનૂન પાળવામાં અને કર ઉઘરાવવામાં દાખવવી જોઇતી સખ્તાઇ સરકાર આપણા ભારતીય અધિકારીઓ દ્વારા જ અમલમાં મૂકતા, તેથી આફ્રિકનોની નજરમાં અંગ્રેજો 'સારા હાકિમ' ગણાતા પણ તેમના સમ્પર્કમાં રહેતા આપણા અધિકારીઓની આફ્રિકનોની નજરમાં સ્થિતિ જોઇએ એટલી ‘સુખદ’ નહોતી. તેમનો રોષ આઝાદી બાદ પ્રગટ થયો તે કમભાગ્યે આપણા લોકોની સામે એવું માનવામાં આવે છે.

બ્રિટનમાં વહિવટી તંત્રે એ જ પદ્ધતિ સોશિયલ સિક્યરિટી ખાતામાં અનુસરી અને અંગ્રેજી લખી-બોલી શકતી ‘ઓ’ લેવલ્સ એટલે દસમી પાસ થયેલી આપણી બહેનોની ત્યાં નિયુક્તિ કરી હતી. આપણે તેમને ભારતીબહેનના નામે ઓળખીશું.

કહેવાય છે કે સોબત તેવી અસર, અને જેના સંસર્ગમાં વધુ રહીએ તેનો રંગ આપણા પર ઉતરી આવે છે, તેમ કમભાગ્યે સંકુચિત માનસ ધરાવતા કેટલાક અંગ્રેજોની વૃત્તિ કોઇ વાર ભારતીબેનોમાં જોવા મળતી. અહીં કદાચ મારૂં સ્ટીરીયોટાઇપીંગ કે દૃષ્ટિ ભ્રમ હોય તે શક્ય છે, પણ આ સરકારી કર્મચારીઓમાંની કેટલીક ભારતીબેનો આપણી અશિક્ષીત બહેનો તરફ એવી તુચ્છતાપૂર્વક વર્તતી કે તે જોઇને આપણને નવાઇ લાગે. આમ તો તેઓ પોતાને Civil Servant’ ગણાવી સરકારી અફસર ગણાવવામાં ગૌરવ અનુભવતા, પણ જેમના તેઓ ‘સેવક’ હતા તે ‘સિવિલ’ પ્રજા તરફ uncivil હતા. જો કે તેમની સામે કોઇ અંગ્રેજ જાય તો હસીને, નમ્રતાપૂર્વક તથા તેમના અંગ્રેજ અફસરો સામે લળી લળીને વાતો કરે તે વાત જુદી.

અંગ્રેજોમાં એક syndrome હોય છે. તેમના મતે જેઓ અંગ્રેજ નથી તેમને અંગ્રેજી આવડે જ નહિ, તેથી તેમની સમજશક્તિની સાથે સાથે શ્રવણશક્તિ પણ ક્ષીણ થઇ જાય છે. તેથી અજાણ્યા ભારતીય સાથે વાત કરતી વખતે તેઓ તેમના વાક્યના એક એક શબ્દને છૂટો પાડીને મોટેથી - લગભગ બુમ પાડીને પૂછતા, “DOOO - YOOO - SPEEEK - ENGLEEESH?” જાણે આમ બોલવાથી તેમના શબ્દો કાન દ્વારા ન પહોંચે તો આપણી ખોપરીને વિંધી મગજ સુધી જરૂર પહોંચી જશે અને કોઇ ચમત્કારી શક્તિથી તેમની વાત સમજી જઇશું.

મારો જ્યારે નંબર આવ્યો, ત્યારે ભારતીબહેને મને વેધક દૃષ્ટીથી નિરખ્યો. કદાચ મારા વ્યક્તિત્વમાં તેમને મારા શિક્ષણનાં કે મારી શ્રવણ શક્તિનાં દર્શન થયા હશે, તેથી રસમ પૂરી કરવા મારા માટે અધિકારયુક્ત પણ હળવા અવાજે પૂછ્યું, “Do you speak English?”

પહેલાં તો મને સામો પ્રશ્ન કરવાનું મન થયું, “Do you? પણ સત્તા આગળ શાણપણ નકામું ધારી મેં મૂંડી હલાવી 'હા' કહ્યું. કારવાઇ પૂરી થતાં મને એક સરકારી પત્ર આપીને કહ્યું, તમારો NI નંબર આવે ત્યાં સુધી આ પત્રના આધારે તમને બેનીફીટ મળશે. નોકરી માટે જાવ અને તેઓ NI નંબર પૂછે તો આ પત્ર બતાવશો.”

કારવાઇ પૂરી થઇ. એક સૈનિક કદી dole પર ન રહે તેથી બેનિફીટ અૉફિસમાં ન જતાં સીધો જૉબ સેન્ટરમાં ગયો.

ત્યાં ફરી શરૂ થઇ નવી ઘોડી, નવો દાવ!

Monday, June 20, 2011

જીપ્સીની ડાયરી: નવી વર્ણવ્યવસ્થા!

બ્રિટનમાં કાયમી વસવાટ માટે જવાના ચાર વર્ષ અગાઉ 'જીપ્સી' બ્રિટનમાં કેટલાક મહિના રહી આવ્યો હતો. તે સમયના મારા વાસ્તવ્ય દરમિયાન આપણા સમાજ વિશે  કેટલીક અજબ-ગજબ વાતો જાણવા મળી હતી. પાછો આવ્યો ત્યારે તે હજી પ્રવર્તી રહી હતી જોઇ નવાઇ લાગી. 
મેટ્રોપોલીટન લંડનના હૅરો તથા બ્રેન્ટ વિસ્તારમાં ઇસ્ટ આફ્રિકાથી આવેલા અાપણા લોકોની વસ્તી સારા પ્રમાણમાં. ભારત સ્વતંત્ર થયાના ત્રીસ-બત્રીસ વર્ષનાં વહાણાં વાયા બાદ ગુજરાતના શહેરી વિસ્તારોમાં જાત પાતની વાત તો શું, તેનો વિચાર પણ કોઇ ન કરે તેવો મારો અનુભવ હતો. તેથી બ્રિટનમાં મને આપણા સમાજમાં જુની તથા નવા પ્રકારની ‘વર્ણ વ્યવસ્થા’ જોવા મળતાં આશ્ચર્યનો પાર ન રહ્યો. નવા પ્રકારની વર્ણ વ્યવસ્થામાં મારો નિર્દેશ વેદકાલિન ચાતુર્વર્ણ્ય તરફ નથી. અહીં તેને સૌથી છેલ્લી ‘પ્રાયોરિટી’ હતી. અહીં પોતાને સહુથી ઉંચી ‘જ્ઞાતિ’ના લોકો માનનારા સજ્જનો   બ્રિટનમાં ૧૯૭૦ પહેલાં, એટલે કે યુગાંડાથી ઇદી અમીને ‘હાંકી કાઢેલ’ (આ મારા શબ્દો નથી - ‘ઉચ્ચ વર્ણ’ના લોકોએ ઉચ્ચારેલા ઉદ્ગાર છે) લોકો બ્રિટન આવ્યા તે પહેલાં આવેલા ભારતીયો હતા. બીજી જ્ઞાતિ  ‘આ જણ’ ક્યા દેશમાંથી બ્રિટન આવ્યો છે તેના આધારે નક્કી થતી. આઝાદી પહેલાં કેન્યા તથા એડન બ્રિટનની 'ક્રાઉન કૉલોનીઝ' હતી, તેથી ત્યાંના નિવાસીઓ ‘રજીસ્ટર્ડ બ્રિટીશ સિટીઝન્સ’ ગણાતા હોઇ તેમને બ્રિટન પધારવામાં કોઇ નિર્બંધ નહોતો. જો કે તેમને ક્વોટા અનુસાર કાયમી વિઝા આપવામાં આવતો.   ત્રીજી જ્ઞાતિ હતી યુગાંડાથી આવેલા ‘એશિયનો’. ઇદી અમીનના અમાનુષી જોરજુલમને કારણે એકી સાથે ૭૦ હજારથી વધુ ભારતીય વંશના લોકોને કાઢવામાં આવ્યા હતા, તેમને બ્રિટને પોતાની જવાબદારી ગણી સરકારી ખર્ચે વિમાનમાં બેસાડી બ્રિટન આણ્યા હતા. યુગાંડા ‘બ્રિટીશ પ્રોટેક્ટોરેટ’ હોઇ ત્યાંના લોકો બ્રિટનની સરકારના સુરક્ષીત નાગરિકો હતા. ચોથી કક્ષા હતી ટાન્ઝાનિયા, માલાવી અને ઝામ્બિયા જેવા દેશોથી આવેલા ભારતીયો - જેમની પાસે 'બ્રિટીશ પ્રોટેક્ટેડ પર્સન’નો પાસપોર્ટ હતો અને હજારો મુશ્કેલીઓ તથા અનેક વર્ષોની રાહ જોયા બાદ બ્રિટનમાં વસવાટ કરવાની પરવાનગી આપવામાં આવતી; જો કે આવો પ્રવેશ ‘ગૅરન્ટીડ’ નહોતો. તેથી જ કદાચ તેમને ચોથી કક્ષાના ગણવામાં આવતા.
આ ઉપરાંત એક વધુ ‘કનિષ્ઠ’ કક્ષા હતી.  જેમને ઉપરની ચારે કક્ષાના લોકો હિન ભાવનાથી જોતા.
આ હતા  “સરકારના જમાઇ”! ભારતમાં રીઢા કેદીઓ માટે વપરાતા આ શબ્દસમૂહનો ઊપયોગ તે સમયના બ્રિટનમાં જુદા અર્થમાં વપરાતો. અને તે વાપરનારા સોએ સો ટકા લોકો આફ્રિકાથી આવેલા ભારતીયો હતા.

બ્રિટનમાં કાયમી વસવાટ કરવાની પરવાનગી મેળવેલી ભારતીય સ્ત્રીઓને પરણીને આવેલા ભારતીય પતિ, જેમને તેમની પત્નીના પાસપોર્ટના આધારે બ્રિટનમાં આવવાનો વિઝા આપવામાં આવ્યો હતો તેમને 'સરકારી જમાઇ'ની પદવી પ્રદાન કરવામાં આવી હતી.

 ‘જીપ્સી’ની ગણના આવા ‘અછૂતોના અછૂત’માં થઇ. અનુરાધા બ્રિટીશ હતી અને તેના આધારે તેને બ્રિટનમાં પ્રવેશ મળ્યો હતો!

આપણી ગણત્રી કઇ કક્ષામાં થાય છે તેનો નિર્ણય કર્યા બાદ છેલ્લે, સાવ છેલ્લે પૂછવામાં આવતું, “ કેવા છો?” એટલે કઇ જ્ઞાતિના છો?

૧૯૭૫થી ૧૯૮૫ના ગાળામાં રસ્તામાં એક ગુજરાતી બીજાને મળે ત્યારે થતા આના પ્રત્યક્ષ અનુભવનો નમૂનો આ વાર્તાલાપમાં જોવા મળશે.
“ક્યાંથી આવો છો?”
જવાબમાં અભિમાનપૂર્વક એવું કહેવામાં આવે કે “અમે તો વીસ-પચીસ વર્ષથી અહીંયા રહીએ છીએ,” ત્યારે આવો જવાબ અાપનાર સ્ત્રી કે પુરૂષ સામી વ્યક્તિ પાસેથી નતમસ્તક થવાની આશા રાખે.
જવાબ સાંભળ્યા પછી તમારી સાથે કેટલી કક્ષાઓ ઉપર જઇ, patronizing સૂરથી વાત કરવી તેનો નિર્ણય લીધા બાદ બીજો સવાલ: “કામ કરો છો?”
જવાબ ‘ના’ હોય તો થોડું હસી માથું હલાવવામાં આવે. 'સપ્લીમેન્ટરી બેનિફીટ’ અર્થાત્ સરકારી બેનિફીટ પર જીવો છો સમજી પ્રશ્ન પૂછનાર તેની પોતાની સ્થિતિ અનુસાર સહાનુભુતિ કે તુચ્છતાનો ભાવ લાવે.

જવાબ હકારમાં હોય તો સવાલ, ‘ક્યાં કામ કરો છો?’

આનો ઉત્તર “અમે અૉફિસમાં કામ કરીએ છીએ” હોય તો જવાબ આપનાર માણસ સામી વ્યક્તિ પાસેથી નતમસ્તક થવાની આશા રાખે, કારણ કે મોટા ભાગના આપણા લોકો ‘કૉર્નર શૉપ’ કે ‘ન્યૂઝ એજન્ટ-ટૉબેકોનિસ્ટ’ની દુકાનના માલિક, તથા  જેમની પાસે  મૂડી ન હોય, તે ફૅક્ટરી, લંડન અંડરગ્રાઉન્ડ, બસ સર્વિસ જેવી જગ્યાએ કામ કરતા. અૉફિસની નોકરીમાં આપણા લોકો સ્થાનિક પ્રજા કરતાં ત્રણ ગણા ઉચ્ચ અભ્યાસ અને અનુભવ ન ધરાવતા હોય તેમને અૉફીસોમાંથી લગભગ બાકાત રાખવામાં આવતા. આનું મુખ્ય કારણ તે સમયે પ્રવર્તતો બ્રિટનનો કુખ્યાત વર્ણદ્વેષ હતો, જેને કારણે આપણા લોકોને તેમની લાયકાત મુજબ નોકરી મળતી નહોતી. જો કે વર્ણદ્વેષનો ભોગ બનેલા આપણા લોકો એકબીજાની મજબુરી પ્રત્યે સહાનુભૂતિ દર્શાવવાને બદલે પોતાનું પદ કેટલું ઉંચું છે તે બતાવવાનો પ્રયત્ન કરતા.

જ્યાં સામાન્ય માણસોની આ સ્થિતિ હોય ત્યાં ડૉક્ટર ભગવાન ગણાતા. જે ભારતીય સૂટ-બૂટમાં હોય તથા જૅગ્યુઆર, વોલ્વો, અૉડી જેવી મોટરગાડી ચલાવતા હોય તે ડૉક્ટર હોવા જોઇએ. મર્સેડીસ નાના-મોટા વેપારીઓનું સ્ટેટસ સિમ્બલ હતું. તે સમયે સામાન્ય ભારતીયોનું ભરોસાપાત્ર વાહન 'ડૅટસન'- આજ કાલ તે 'નિસાન'ના નામથી ઓળખાય છે. આખો ભારતીય પરિવાર (તેમાં ઓછામાં ઓછા છ જણા હોય) આ મોટરના કદની ચિંતા કર્યા વગર તેમાં સમાઇ જતો.

સૌથી છેલ્લો સવાલ પૂછાતો, "કેવા છો?"
આની પ્રતિક્રિયા આપણે આપેલા જવાબ પર થતી. એક વાર બસમાં મારી પાસે બેઠેલાં બહેને પૂછેલા આ પ્રશ્નના જવાબમાં મેં મજાકમાં કહ્યું, "અમે હરિજન છીએ."
મારાથી થોડાં દૂર ખસીને બહેન બોલ્યાં, "એમ? અરે, આ દેશમાં તો સહુ સરખા છે. અહીં ક્યાં જાતપાત રખાય? અને ભગવાનની હામે તો હંધાય સરખા..." અને બીજું સ્ટૉપ આવતાં નજીકની ખાલી સીટ પર જઇને બેસી ગયા!
***

લંડન ગયા બાદ આવા ‘સ્ટેટસ શોધનારા’ કે સામા માણસની હેસિયત જાણવાનો પ્રયત્ન કરનારાઓના સવાલ જવાબ - ખાસ કરીને ‘સરકારી જમાઇ’ ની વ્યાખ્યા ભારતીય સેનાના નિવૃત્ત કમીશન્ડ અૉફિસરથી કેમ કરીને સાંખી શકાય?

એક વાર ડૉક્ટરની સર્જરીમાં બેઠો હતો ત્યાં મારી બાજુમાં બેઠેલા એક પ્રૌઢ વ્યક્તિએ પૂછેલ, “ક્યાંથી આવો છો”ના જવાબમાં મેં સામો એ જ પ્રશ્ન પૂછ્યો.
“અમે કેન્યા, આફ્રીકાના છીએ!”
“એમ? તમે કેન્યન-આફ્રિકન છો?”
“હા! CUKC એટલે 'સિટીઝન અૉફ યુકે અૅન્ડ કૉલોનીઝ!” અભિમાનથી ભાઇએ કહ્યું.
“અરે વાહ! પણ તમારા રૂપ, રંગ, વાળ પરથી તમે આફ્રિકન લાગતા નથી. તમારા પરિવારમાંથી કોણ....”
“ના રે ભાઇ, એવું કશું નથી. આમ તો અમે મૂળ ઇંડીયા, રાપરના છીએ...”
“‘વાગડમાં ના દેજો રે સૈં,’ વાળા વાગડના તો નહિ?”
“અં..અં...Excuse me, હું જરા ફ્રેશ અૅર લઇ આવું! કહી તેઓ ત્યાંથી બહાર જતા રહ્યા.

આ હતો જીપ્સીના નવા અવતારનો નવો અનુભવ!

Sunday, June 19, 2011

નવલકથાથી સત્યકથા તરફ...

“જીપ્સીની ડાયરી” એક સૈનિકની ભ્રમણકથા તરીકે શરૂ થઇ. છેલ્લા કેટલાક સમયથી તેમાં નવલકથા - “પરિક્રમા”નો વિસામો આવી ગયો. આપ સૌને તે ગમ્યો અને તેનું સ્વાગત કર્યું તે માટે આપનો હાર્દીક આભાર!


‘ડાયરી’નું સૂત્ર ફરી એક વાર પકડી 'જીપ્સી' માનવીના અંતરંગની વાત આગળ વધારવા માગે છે. આ આપના યાત્રાસંઘમાં ચાલી રહેલા યાત્રીની વાત છે, કૅન્ટરબરી ટેલ્સમાં યાત્રીઓ એક પછી એક વાત કરતા રહે છે, તેમ જીપ્સી આપણી સહયાત્રામાં વાત કરશે. તેની વાતોમાં આપને કદાચ સ્વ-દર્શન કે સહ-અનુભુતિ થાય તે બનવાજોગ છે. માણસને થતા અનુભવોમાં કોઇને કોઇ સમયે નવે નવ તો નહિ, પણ તેમાંના મોટા ભાગના રસનો રંગ તેના જીવનને સ્પર્શી જાય છે. તેમાંથી ટપકતી માનવતા અને કરૂણા તેના ક્ષિતીજના આભલામાં ચમકતા તારાની જેમ ઝબુક્યા જ કરે છે, આપણા માર્ગમાં પ્રકાશ પાડતી જાય છે. સ્વામિ વિવેકાનંદના પુનરૂત્થાનના મંત્ર “उत्तिष्ठत, जागृत, प्राप्यवरान्नि बोधत” નો ઘોષ સંભળાવતી જાય છે.


આપણા પૂર્વજોએ પ્રાચીન કાળથી મનુષ્ય માટે ચાર પુરૂષાર્થ પ્રાપ્તિનું લક્ષ્ય યોજ્યું હતું: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. સંજોગ અને જવાબદારીના સાણસામાં સપડાયેલા માણસને તેનું વિસ્મરણ થઇ શકે છે, પણ આ પુરૂષાર્થો માણસને છોડતા નથી. આપણા સંસ્કારમાં, ઋણાનુબંધમાં તે આપણાં ક્રિયમાણ, સંચિત તથા પ્રારબ્ધની જેમ હંમેશા પીછો કરતા રહે છે. ક્યારેક અને ક્યાંક તો તે આપણને અવશ્ય પકડી પાડતા હોય છે. તે વખતે તે આપણી સ્મૃતિને ઢંઢોળીને કહેતા હોય છે, “મિત્ર, આપણા જન્મજાત સંબંધમાં તમે અત્યારે ક્યાં પહોંચ્યા છો? ધર્મ તો તમને માતા-પિતાએ બાળપણમાં જ સમજાવ્યો હતો, આ માર્ગ પર તમારી સાથે પ્રત્યક્ષ ચાલી તેની આગળની મંઝીલ તમને બતાવી તેમનું કર્તવ્ય તેમણે પૂરૂં કર્યું. હવે અર્થ અને કામમાં ક્યાં સુધી અટવાઇ રહેશો? જીવનના અંતિમ પુરૂષાર્થની પ્રાપ્તિ માટે ક્યારે પ્રસ્થાન કરશો?


પુરૂષાર્થની વાત કરી ત્યાં મને અૅબ્રહમ મૅસ્લોના Hierarchy of Needs ના પિરામીડની વાત યાદ આવી. સાચું કહું તો તેના વિશે બ્રિટન આવ્યા બાદ જ જાણ્યું! તેનો વિચાર કરતાં મને આપણા દૃષ્ટાઓએ યોજેલા કર્તવ્ય, પુરુષાર્થનો સંદર્ભ યાદ આવ્યો. મૅસ્લોએ તેમના પિરામીડના શિખરને - માનવીની જરૂરિયાતોના પાંચમા અને અંતિમ સ્તરને નામ આપ્યું “Self Actualization”. આધ્યાત્મિક દૃષ્ટિએ તેમાં તેમણે આત્મ-સાક્ષાત્કારની તો વાત નહોતી કરી? શરૂઆતની મૂળભૂત પણ િનમ્ન કક્ષાની ગણાતી શારીરિક તથા ભૌતિક જરૂરિયાતો પૂરી થતાં માનવ આગળ વધતો જાય છે - સામાજીક - પરસ્પર સંબંધ, મૈત્રી જેવી જરૂરિયાતો પૂરી કરીને તે આગળ વધે છે સમાજમાં પ્રતિષ્ઠા, સન્માન મેળવવા. તે મળ્યા બાદ તે બેસી રહે છે; આ સમય છે આત્મીક શક્તિનો પરિચય કરી તેની સાથે સમન્વય સાધવાનો. તે તરફ દુર્લક્ષ્ય કરી તે માન-અકરામની ભુલભુલામણીમાં સપડાઇ જાય છે. અંતિમ લક્ષ્ય, પિરામીડની ઉચ્ચ કક્ષા તરફ પ્રયાણ કરવાનું યાદ રહેતું નથી. ભારતમાં હતો ત્યારે આવી વાતો થતી હશે, પણ તે વિશેની જાગૃતિ બ્રિટનમાં આવ્યા બાદ થઇ. મૅસ્લો વિશે વધુ જાણકારી માટે અહીં લિંક આપી છે જે કદાચ અપને રસપ્રદ લાગે! https://wikispaces.psu.edu/display/PSYCH484/2.+Need+Theories


આપણે દેશમાં રહીએ કે પરદેશમાં. જીવનના સંઘર્ષમાં આપણા પરંપરાગત પુરૂષાર્થ અને મૅસ્લોના પિરામીડમાં વર્ણવેલી જરુરિયાતો પ્રત્યે દુર્લક્ષ્ય કરી શકતા નથી. ક્યારેક તો તે બન્ને આપણને એક સાથે પકડી પાડે છે, અને કોઇ વાર ચિત્કાર કરીને તો કોઇ વાર ઉદાસ શબ્દોમાં પૂછે છે, “મિત્ર, હવે ક્યારે?”


‘જીપ્સી’ના જીવનની લંડનમાં નવી શરૂઆત હતી. ‘એકડે-એક’થી. ધર્મથી પ્રારંભ કરવાનો હતો!


આવતા અંકથી આપવિતી કહેવાને બદલે પ્રસંગકથાઓ કહીશ. આશા છે આપ સહુ જીપ્સીના નવા અભિગમમાં સામેલ થશો.

Thursday, June 16, 2011

જીપ્સીની ડાયરી - બ્રિટનમાં જીપ્સી..

નવલકથાથી સત્યકથા
“જીપ્સીની ડાયરી”ની શરૂઆત એક સૈનિકની ભ્રમણકથા તરીકે શરૂ થઇ. છેલ્લા કેટલાક સમયથી તેમાં નવલકથા - “પરિક્રમા”નો વિસામો આવી ગયો. આપ સૌને તે ગમ્યો અને તેનું સ્વાગત કરી પ્રતિભાવ આપ્યો તેનો જીપ્સી હાર્દીક આભાર માને છે.

‘ડાયરી’નું સૂત્ર ફરી એક વાર પકડી જીપ્સી તેના અંતરંગની વાત આગળ વધારવા માગે છે, આ એક યાત્રીની વાત છે, પણ તેમાં આપને કદાચ સ્વ-દર્શન થાય તે બનવાજોગ છે. આભલામાં ચમકતા તારાની જેમ તે ઝબુક્યા જ કરે છે અને આપણા માર્ગમાં પ્રકાશ પાડતા જાય છે.

આપણા પૂર્વજોએ પ્રાચીન કાળથી મનુષ્ય માટે ચાર પુરૂષાર્થની પ્રાપ્તિનું લક્ષ્ય યોજ્યું હતું: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. સંજોગ અને જવાબદારીના સાણસામાં સપડાયેલા માણસને તેનું વિસ્મરણ થઇ શકે છે, પણ આ પુરૂષાર્થો માણસને છોડતા નથી. આપણા સંસ્કારમાં તે એવી રીતે જોડાયેલા રહે છે, જે રીતે આપણાં ક્રિયમાણ, સંચિત અને પ્રારબ્ધ. ક્યારેક તે આપણને પકડી પાડતા હોય છે અને આપણી સ્મૃતિને ઢંઢોળીને કહેતા હોય છે, “મિત્ર, આપણા જન્મજાત સંબંધમાં તમે હવે મારી સાથે ક્યાં પહોંચ્યા છો? ધર્મ તો તમને માતા-પિતાએ બાળપણમાં જ સમજાવ્યો હતો, અને તેનો માર્ગ બતાવી તેમનું કર્તવ્ય તેમણે પૂરૂં કર્યું. હવે અર્થ અને કામમાં ક્યાં સુધી અટવાઇ રહેશો? જીવનના અંતિમ પુરૂષાર્થની પ્રાપ્તિ માટે ક્યારે પ્રસ્થાન કરશો?

પુરૂષાર્થની વાત કરી ત્યાં મને મૅસ્લોના Hierarchy of Needs ના પિરામીડની વાત યાદ આવી. સાચું કહું તો તેના વિશે બ્રિટન આવ્યા બાદ જ જાણ્યું. તેનો વિચાર કરતાં મને આપણા દૃષ્ટાઓએ યોજેલા કર્તવ્ય, પુરુષાર્થનો સંદર્ભ યાદ આવ્યો. બન્ને વચ્ચે સામ્ય દેખાયું. મૅસ્લોએ તેમના પિરામીડના શિખરને - માનવીની જરૂરિયાતોના ચોથા અને અંતિમ સ્તરને નામ આપ્યું “Self Actualization”. આધ્યાત્મિક દૃષ્ટિએ તેમણે ‘મોક્ષ’ની તો વાત નહોતી કરી?











(https://wikispaces.psu.edu/display/PSYCH484/2.+Need+Theories

આપણે દેશમાં રહીએ કે પરદેશમાં. જીવનના સંઘર્ષમાં આપણા પરંપરાગત પુરૂષાર્થ અને મૅસ્લોના પિરામીડમાં વર્ણવેલી જરુરિયાતો પ્રત્યે દુર્લક્ષ્ય કરી શકતા નથી. ક્યારેક તો તે બન્ને આપણને એક સાથે પકડી પાડે છે, અને કોઇ વાર ચિત્કાર કરીને તો કોઇ વાર ઔદાસ્યભર્યા શબ્દોમાં પૂછે છે, “મિત્ર, હવે ક્યારે?”

‘જીપ્સી’ના જીવનની લંડનમાં નવી શરૂઆત હતી. ‘એકડે-એક’થી. અહીં તેણે ધર્મ નવેસરથી શીખવાનો હતો. આવતા અંકથી આપવિતી કહેવાને બદલે પ્રસંગકથાઓ અને અનુભવો વર્ણવીશ. આશા છે આપ સહુ જીપ્સીના નવા અભિગમમાં સામેલ થશો.