ટ્રેન શરૂ થયા બાદ અમને જણાવવામાં આવ્યું કે અમે પંજાબ જઇ રહ્યા હતા.ઝાંસી છોડીને લગભગ ૨૪ કલાક થયા હશે. અમારી મિલિટરી સ્પેશિયલ પંજાબના જાલંધરની નજીકના એક નાનકડા બિઆસ સ્ટેશન પર રોકાઇ. આ ગામમાં રાધાસ્વામી સંપ્રદાયનું મોટું મથક છે.અમારો પહેલો પડાવ અમૃતસર તરફ જતી સડક પરના જંડિયાલા ગુરુ નજીક આવેલા બાબા બકાલા નામના નાનકડા ગામડા પાસે હતો. અહીં જવાનો માટે તંબુ તાણવામાં આવ્યા. મેં તંબુમાં રહેવાને બદલે 'મોબાઇલ રહેઠાણ' તરીકે ફાળવવામાં આવેલ થ્રી-ટન ટ્રકમાં કૅમ્પ-બેડ રાખ્યો અને તેમાં રહેવાનું શરૂ કર્યું. જવાનોએ ટ્રકની નજીક નહાવા માટે 40-pounder tent બાંધ્યો અને બાજુના ખેતરમાં ‘ડીપ ટ્રેન્ચ ટૉઇલેટ’ બનાવ્યું. મારાથી પચાસેક મીટર દૂર 'બી' પ્લૅટૂન કમાંડર સૅમી - પૂરૂં નામ રમા પ્રસાદ સમદ્દર નામના બંગાળી અફસરનો ‘કૅરેવાન’ હતો. બીજો હુકમ મળે ત્યાં સુધી અમારે અહીં રહેવાનું હતું. સૅમી એક 'સૉફિસ્ટિકેટેડ' યુવાન હતો. બ્રિટનની બ્રિસ્ટલ યુનિવર્સિટીમાં વેટેરિનરી સાયન્સમાં માસ્ટર્સનો બે વર્ષનો કોર્સ કરીને ભારત આવ્યો હતો અને મારી જેમ એમર્જન્સી કમિશન્ડ અફસર હતો. સૅમીની વાત રસપ્રદ છે તે આગળ જતાં કહીશ.
બે અઠવાડિયા બાદ અનુરાધા અને બાના પત્રો આવ્યા. અનુરાધા વ્યવસ્થિત રીતે અમદાવાદ પહોંચી ગઇ હતી. મારો 'સહાયક' (ભારતીય સેનામાં હવે 'ઑર્ડર્લી'નું આ નવું નામાભિધાન છે) તુકારામ ડહાણુની નજીક રહેતો હતો તેની સાથે અનુરાધાને અમદાવાદ મોકલી હતી. તેણે પણ પાછા આવીને પૂરો 'રિપોર્ટ' આપ્યો કે મેમસાબને સહિસલામત ઘેર પહોંચાડ્યાં છે! દરેક મોટા સ્ટેશન પર તે જઇને અનુરાધાને કશું જોઇએ કે કેમ તેની તપાસ કરીને પોતાના ડબામાં જતો!
તુકારામની વાત સાંભળી હૈયે ધરપત થઇ. એક પ્રકારની મુક્તિ અનુભવી. હવે મનમાં કોઇ ચિંતા નહોતી. અમે હવે આગળના હુકમની રાહ જોઇ રહ્યા હતા.
બા તથા અનુરાધાનાં પત્રો નિયમીત રીતે આવતા હતા. એક પત્રમાં અનુરાધાએ જણાવ્યું કે તેની ડિલિવરી નવેમ્બરની આખરે આવે તેવું ડૉક્ટરે કહ્યું હતું. રિવાજ પ્રમાણે પહેલી ડિલીવરી પિયર થવી જોઇએ. “પિયર” આફ્રિકામાં હતું તેથી અનુરાધાને તેની મોટી બહેન કુસુમબહેને બોલાવી હતી. અનુરાધાના બનેવી બેળગાંવમાં આવેલ મરાઠા લાઇટ ઇન્ફન્ટ્રી સેન્ટરના ડેપ્યુટી કમાંડંટ હતા. તેમને મિલિટરી હૉસ્પીટલના ડૉક્ટર્સ સારી રીતે ઓળખતા હતા, તેથી અનુરાધા માટે બેળગાંવ સારું રહેશે એવું તેમણે જણાવ્યું હતું. અનુરાધાની પ્રથમ ડિલિવરી અમારે ઘેર થાય એવી બાની ઇચ્છા હતી, પણ ઘેર પરિસ્થિતિ ઘણી બદલાઇ હતી. મારાથી નાની બહેન મીના અને તેના પતિની બદલી અમદાવાદ થઇ હતી, તેથી તે તેના પતિ અને બે વર્ષના પુત્રને લઇ અમારી સાથે રહેતી હતી. અમદાવાદનું અમારૂં મકાન કેવળ બે રૂમ-રસોડાવાળું હતું. અમારા નાનકડા મકાનમાં આટલા મોટા પરિવારની વચ્ચે અનુરાધાની ડિલીવરીમાં બધાને અગવડ થાય તેવું હોવાથી સૌએ નક્કી કર્યું કે અનુરાધાએ બેળગાંવ જવું. પ્રશ્ન હતો, તે એકલી બેળગાંવ સુધીનો પ્રવાસ કેવી રીતે કરે? તેમણે મને શક્ય હોય તો રજા લઇ ઘેર આવવા પત્ર લખ્યો હતો. હું તેમને ના કહું તે પહેલાં રજા પરનો પ્રતિબંધ રદ થયો અને મને દસ દિવસની રજા મળી અને અનુરાધાને બેળગાંવ મૂકવા ગયો.
નસીબે જોગે અનુરાધાના બહેન અને બનેવી - કર્નલ મધુસુદન- અમે તેમને ભૈયાસાહેબ કહેતા - અત્યંત પ્રેમાળ અને સજ્જન દંપતિ હતા. કર્નલસાહેબ જુની બ્રિટિશ આર્મીની પરંપરાના. બર્માના મોરચે બીજા વિશ્વયુદ્ધમાં જાપાની સેના સામે લડી આવેલા અફસર હતા. તેમની ‘બ્રધર ઑફિસર’ની ભાવના ખરેખર પ્રશંસનીય હતી. બેળગાંવ એક દિવસ રહી હું પાછો પંજાબ જવા નીકળ્યો.૩૬ કલાકનો પ્રવાસ પૂરો કરી બિયાસ સ્ટેશન પર ઉતર્યો.
સ્ટેશન પર મુવમેન્ટ કન્ટ્રોલનો સાર્જન્ટ મારી પાસે આવ્યો. મારા યુનિટ વિશે તેને પૂછતાં તેણે જણાવ્યું કે મારી બટાલિયને બાબા બકાલાથી નીકળી જાલંધર નજીકના વગડામાં પડાવ નાખ્યો હતો. તેણે મને વળતી ટ્રેનમાં જાલંધર કૅન્ટ સ્ટેશનના મુવમેન્ટ કન્ટ્રોલ ઑફિસરને રીપોર્ટ કરવાનું કહ્યું. જાલંધર પહોંચતા સુધીમાં સાંજ પડી ગઇ હતી. મુવમેન્ટ કન્ટ્રોલ ઑફિસરે મને જણાવ્યું કે મારી બટાલિયનની છાવણી જાલંધરથી થોડે દૂર સુરાનૂસી ગામની નજીક છે અને તેણે મારા માટે વાહનની સગવડ કરી આપી.
સ્ટેશન પર મુવમેન્ટ કન્ટ્રોલનો સાર્જન્ટ મારી પાસે આવ્યો. મારા યુનિટ વિશે તેને પૂછતાં તેણે જણાવ્યું કે મારી બટાલિયને બાબા બકાલાથી નીકળી જાલંધર નજીકના વગડામાં પડાવ નાખ્યો હતો. તેણે મને વળતી ટ્રેનમાં જાલંધર કૅન્ટ સ્ટેશનના મુવમેન્ટ કન્ટ્રોલ ઑફિસરને રીપોર્ટ કરવાનું કહ્યું. જાલંધર પહોંચતા સુધીમાં સાંજ પડી ગઇ હતી. મુવમેન્ટ કન્ટ્રોલ ઑફિસરે મને જણાવ્યું કે મારી બટાલિયનની છાવણી જાલંધરથી થોડે દૂર સુરાનૂસી ગામની નજીક છે અને તેણે મારા માટે વાહનની સગવડ કરી આપી.
મારા સહાયકે મારા 'ઉતારો' તૈયાર કરી રાખ્યો હતો: એક ઝાડની નીચે મારો કૅરેવાન હતો. બાજુમાં નાનકડા તંબુમાં બાથરૂમ બનાવી હતી. કૅરેવાનની પશ્ચિમ દિશામાં સારો છાંયડો જોઇ તેણે ત્યાં કૅમ્પ સ્ટૂલ અને કૅમ્પ ચૅર ગોઠવી હતી. ઉપર આકાશ, આસપાસ ચોમેર ખુલ્લી જમીન અને ધીરે ધીરે પ્રકટ થતા તારક સમૂહને જોઇ વિમાસી રહ્યો હતો. સપ્તર્ષિ તરફ નજર જતાં મને જુની યાદ આવી.
નાનો હતો અમને કોઇએ શીખવ્યું હતું કે રાતના ધ્રૂવ તારક શોધવો હોય તો સપ્તર્ષિના પ્રથમ બે ઋષિઓની ડાબી તરફ કલ્પિત લાઇન દોરવાથી ધ્રુવ દેખાશે. હું તે રાતે સપ્તર્ષિ તરફ જોઇ રહ્યો હતો ત્યારે મારાં બાએ મને પૂછ્યું, "આ ઋષિઓમાં વશિષ્ઠ ક્યાં છે તે તને ખબર છે?"
મને ખબર નહોતી.
તેમણે મને બતાવીને કહ્યું, "હવે ધારી ધારીને જો. તેમની નજીક ઋષિપત્ની અરૂંધતિ દેખાશે. આ સાતે ઋષિઓમાં એકલા વશિષ્ઠની સાથે જ તેમનાં અવિભાજ્ય અંગ સમાન પત્નીને આ તારકસમૂહમાં સ્થાન મળ્યું છે! આને તેમના સ્નેહનું ફળ કહે કે પતિવ્રતાની તપસ્યા."
બાને આ વાત કોણે કહી એ તો મને ખબર નથી, પણ પ્રથમ દૃષ્ટીએ દેવી અરૂંધતિ ન દેખાયાં. બાએ કહ્યા પ્રમાણે 'ધારી ધારીને' જોયા બાદ નાનકડી હિરાકણી-સમી ટમટમતી તારિકા અરૂંધતિનાં દર્શન થયાં! કહેવાય છે કે જ્યારે કોઇ પુરૂષને અરૂંધતિ ન દેખાય, તેનું અવસાન અવશ્ય છે. આનો ખરો અર્થ એ છે કે મનુષ્યના જીવનમાં તેની પડખે રહેતી તેની અર્ધાંગિની તેને દેખાતી બંધ થાય - ઉપેક્ષા કહો કે પછી કોઇ પણ અર્થમાં હોય - આવા માણસનું જીવન મૃતપ્રાય જ સમજવું.
પંજાબના આ સપાટ મેદાનમાં શસ્ત્રસજ્જ અવસ્થામાં તંબુઓમાં પડેલા સૈનિકોને આ ઘનઘોર અંધારી રાતમાં તેમની અરૂંધતિનો વિચાર આવતો હશે કે કેમ, કોણ જાણે!
તે રાતે આ કૅમ્પમાં, કોટ્યાવધિ તારકોની છાયામાં મેં મને એકાકિ વટેમાર્ગુના સ્વરૂપમાં જોયો. એક એવો જણ જેનું ઘર એક કૅરેવાન છે. પથ અજાણ્યો છે. કેવળ ચાર દિવસ પહેલાં તે તેના પરિવાર સાથે, માતા, બહેનો, પત્ની અને અન્ય સગાંવહાલાંઓ સાથે હતો અને અચાનક આજે તેને એકલા કૂચ કરવાની છે. ક્યાં અને ક્યારે, કોઇને ખબર નહોતી.
તે દિવસે મેં મને એક નવા સ્વરૂપમાં જોયો.
એક જિપ્સીના.
પાછળ ખડો હતો તેનો કૅરેવાન - તેનો સિગરામ.
આજથી તેની રોજનીશી લખાય છે તેની સ્મૃતિમાં. એક અદૃશ્ય કલમથી, અદૃશ્ય પાનાંઓમાં. અત્યારે આ બ્લૉગમાં જે ઉતરે છે તે તેની સ્મૃતિનું મૂર્ત સ્વરૂપ છે. જિપ્સીની ડાયરી.
મુવમેન્ટ કન્ટ્રોલ ઑફિસર વાતે યાદ આવે - શરીરના મુવમેન્ટ કરનાર મસલ્સને કંટ્રોલ કરવા વાળા સેલ્સ ધીમે ધીમે કામ કરવાનું બંધ કરી દે છે. જેના કારણે આખુ શરીર પેરેલાઇઝડ થઈ જાય છે.
ReplyDeleteઅને રોજ આવતા સમાચાર-'પાકિસ્તાનથી કંટ્રોલ થઈ રહ્યા છે ડ્રોન એનએસજીની સ્પેશિયલ બોમ્બ ... એ જ રીતે, VIP મુવમેન્ટ અને ડિફેન્સ મુવમેન્ટ પર પણ હુમલો કરી શકાય છે.
ત્યા આપના પહેલો પડાવની મુવમેન્ટ માણવાની મજા આવી.
ઉપર આકાશમા સાત ઋષિઓમાં પ્રખર મંત્રદૃષ્ટા શ્રીરામના ગુરુ વશિષ્ઠ -અરૂંધતિની પ્રેરણા દાયી વાતે કામધેનુ ગાયની પુત્રી નંદિની તેમના આશ્રમમાં રહેતી હતી. મહર્ષિ વશિષ્ઠ તથા તેમનાં પત્ની અરુંધતી નંદિનીની સદૈવ સેવા કરતા હતા.
એક અદૃશ્ય કલમથી , અદૃશ્ય પાનાંઓમાં. અત્યારે આ બ્લૉગમાં જે ઉતરે છે તે તેની સ્મૃતિનું મૂર્ત સ્વરૂપ છે' વાતે અનેક સંતોની વાતો-ભજનો તેમના અનુભવો આવી રીતે જ પ્રગટ થાય છે.આવા અનુભવો બદલ ધન્યવાદ
આપના પ્રતિભાવ માટે આભાર.
ReplyDeleteમહર્ષી વશિષ્ઠ અને ગુરુમાતા અરૂંધતી વિશે વધારાની માહિતી માટે ધન્યવાદ.