Monday, May 10, 2021

પરિક્રમાની પૂર્ણાહૂતિ



અમારી છેલ્લી પરીક્ષા હતી Dawn Attack - પરોઢિયે કરાનારા હુમલાની. પરોઢિયે હુમલો કરવાનો સૌથી મોટો ફાયદો શત્રુની અસાવધાની અને ઓચિંતો હુમલો કરવાથી તેને આશ્ચર્યથી દિંગમૂઢ કરવાની ક્ષમતામાં હોય છે. 

પરોઢનો સમય એવો હોય છે જ્યારે રજની વિદાય લેવાની તૈયારી કરતી હોય છે અને ઉષા આગમનની. રાત-દિવસની સંધિનો સમય એવો હોય છે જ્યારે રાત રાત નથી હોતી અને દિવસ હજી ઉગ્યો નથી. સમયે ચોમેર અંધારૂં છવાયેલું હોય છે. સંત્રી થોડા અસાવધ હોઇ શકે છે કેમ કે થોડી મિનિટોમાં તેમની ફેરબદલી થવાની હોય છે. ચોકી કરનાર સૈનિકો પોતાના હથિયાર સમેટવાની તૈયારી કરતા હોય છે અને તેમનું સ્થાન લેવા આવનારા સૈનિકો ધીમે ધીમે મોરચા તરફ આવતા હોય છે.

હુમલો રાતનો હોય કે પરોઢિયાનો, તેનો અમલ કરવાની પદ્ધતિનું પણ એક શાસ્ત્ર હોય છે. સૌ પ્રથમ તો હુમલો કરવાની તૈયારીમાં reconnoissance patrol  તપાસ કરી આવતી હોય છે કે દુશ્મને તેની મોરચાબંધી કેવી રીતે કરી છે. તેણે તેના ઑટોમૅટિક હથિયાર ક્યાં ગોઠવ્યા  છે. તેણે ખાઇઓ સામે માઇન્સ ગોઠવી હોય તો તેની નોંધ કરી, તેને કેવી રીતે ભેદવી તેની ગોઠવણ કરવાની હોય છે. દુશ્મન તેની ખાઇની સામે કાંટાળા તાર અને concertina fence બિછાવી રાખે છે, તેને ભેદવા માટે આપણે શું કરવું જોઇએ.  

એટલું નહીં, હુમલો કરતાં પહેલાં જે સ્થળે હુમલો કરવાનો છે તેનું જમીન પર રેતીનું મૉડલ - જેને sand model કહેવાય છે, તે બનાવી દરેક સૈનિકને જવાબદારી સોંપવામાં આવે છે કે તેણે કયા સ્થાને હુમલો કરીne કઇ ખાઈ કબજે કરવાની છે. તે ઉપરાંત દુશ્મનને તેના સ્થાનેથી હાંકી કાઢ્યા પછી પણ આપણા સૈનિકોનું કામ પૂરું થતું નથી. આપણે નવેસરથી મોરચાબંધી કરવાની હોય છે, કેમ કે દુશ્મને ખાલી કરેલા સ્થાન તેમના તોપના કંમ્પ્યુટરમાં નોંધેલા હોય છે, અને જેવા તેમના સૈનિકો તેમનું સ્થાન છોડે, ત્યારે પૂર્વનિર્ધારિત ઇશારા પ્રમાણે તે સ્થળે તેમનું તોપખાનું બૉમ્બાર્ડમેન્ટ કરી કબજો કરનાર સૈનિકોના ફૂરચા બોલાવી શકે. બધી વાતોમાં વાચકને રસ નહીં પડે તેથી અમે શું કર્યું તે જણાવીશ.

***

અમારે જે સ્થળે હુમલો કરવાનો હતો તેની સામે નીચેના ચિત્રમાં 


દર્શાવેલ 
કૉન્સર્ટિના ફેન્સ હતી. ત્યાર બાદ શત્રુએ ફિટની ઉંચાઇની દિવાલ બાંધી હતી જેની પાછળ તેની ખાઇઓ હતી. અમારે કાંટાળી વાડ, ત્યાર બાદ આઠ ફિટ પહોળા ખાડાંની ખાઇ કૂદી જવાની હતી અને ફિટની દિવાલ ચઢી શત્રુ પરચાર્જકરવાનો હતો. અમારો રણ-નિનાદ હતો, “ભારત માતાકી જય!” અને રાઇફલ પર ચડાવેલી બૅયોનેટથી ડમીને વિંધી આગળ વધવાનું હતું. દુશ્મને ખાલી કરેલ ટ્રેન્ચથી આગળ વધી નવી shallow trench ખોદી તેમાં બેસી સંરક્ષણની તૈયારી કરવાની હતી. છેલ્લી વાત અતિ અગત્યની હતી, કેમ, તે હુમલાના વર્ણનને અંતે જણાવીશ.

હુમલા અગાઉની સાંજે અમને sand model પર દુશ્મનની સમગ્ર સંરક્ષણ પંક્તિ બતાવવામાં આવી. સાથે સાથે અમારી કંપનીને કયો વિસ્તાર કબજે કરવાનો છે તે દર્શાવવામાં આવ્યું. તેમાં પણ દરેક પ્લૅટૂન, સેક્શનની જવાબદારીના ક્ષેત્ર સમજાવવામાં આવ્યા. અંતે એક પ્રશ્ન:

કોઇ શક?”

અમારે પૂછવા જેવું કશું હોય નહીં, કારણ કે દરેક વાત - હુમલાને અંતે શું કરવાનું છે ત્યાં સુધીની પ્રત્યેક વાત એટલી ઝિણવટથી અને ચોખવટથી સમજાવવામાં આવે છે કે શંકાને કોઇ સ્થાન નથી રહેતું.

***

હુમલાની રાતના છેલ્લા પંદર-વીસ કિલોમિટરના માર્ચ બાદ અમે હુમલો કરવાના સમય - H-Hour -ની થોડી મિનિટો પહેલાં અમારા સેક્શનની જવાબદારીના ક્ષેત્રમાં પહોંચી ગયા. અમારી ટુકડીના બે પડછંદ કૅડેટ - કદાવર શીખ સુરજિત સિંહ ઢિલ્લન અને બચૈન્ત સિંહને જવાબદારી મળી હતી કાંટાળી તાર પરપૂલબનવાનું (બનાવવાનું નહીં!). પૂલ એટલે  તેમને એક એક નિસરણી આપવામાં આવી, જેના પર ત્રણ-ત્રણ કામળા વિંટ્યા હતા અને તેના પર ગ્રાઉન્ડશિટ. તેમણે પીઠ પર કામળા ભરેલા મોટા પૅક બરાબરા ફિટ કરી રાખવાના હતા. હુમલાનો હુકમ મળતાં તેમણે પહેલાં દોડી જઇ, નિસરણીને વાડ પર મૂકી તેના પર વજન રાખવા તેમણે પોતે સૂવાનું હતું. કાંટાળી વાડ તેમને ઇજા પહોંચાડે તે માટે નિસરણી પર કામળા અને ગ્રાઉન્ડશિટ વિંટાળ્યા હતા. તેઓ નિસરણી સમેત વાડ પર ઝંપલાવે કે તરત અમારે દોડીને એક પગ તેમની પીઠ પરના પૅક પર મૂકી છલંગ મારી આગળ વધવાનું અને આઠ ફિટના ખાડાને કૂદી આગળ વધી ફિટની દિવાલને પાર કરવાની અને આગળ આવેલી ટ્રેન્ચમાં રાખેલીડમીપર બૅયોનેટથી હુમલો કરવાનો. હુમલો સફળ થયાની નિશાની એક ખાસ પિસ્તોલ (જેને વેરિ-લાઇટ પિસ્તોલ કહેવાય છે) તેમાંથી ખાસ રંગથી પ્રજ્વલિત ગોળી છૂટે તે હોય છે. આની પણ માહિતી અમને અગાઉથી આપવામાં આવેલી હોય છે. તે જોતાં આગળ વધી ઝડપથી નાનકડી ખાઈઓમાં જઇ રક્ષણાત્મક સ્થિતિમાં બેસવાનું. 

આમાંની ખાડો કૂદી જવાની અને ફિટની દિવાલ રાઇફલ અને પૂરી ઇક્વિપમેન્ટ સાથે દોડતાં જઇ ચઢી જવાની અને પાર કરવાની પ્રૅક્ટિસ અમે ગયા મહિનામાં અનેક વાર કરી હતી.

નિયત સમય પર હુમલો કરવાનો આદેશ મળ્યો. “ભારત માતાકી જયની ગર્જનાથી આખો વિસ્તાર ધ્રુજી ઉઠ્યો. ઢિલ્લન અને બચૈન્તની પીઠ પર અમારા ખિલા જડેલા બૂટ સાથેનો અમારો પૂરો ભાર મૂકી, વાડ કૂદી અમે દોડી ગયા. હુમલો પૂરો થયો અને અમે દુશ્મનને નેસ્તનાબૂત કરી આગળ વધ્યા. બટાલિયન હેડક્વાર્ટર્સમાંથી વેરિલાઇટ પિસ્તોલમાંથી બે લીલા રંગની અને ત્યાર બાદ લાલ રંગની ગોળીઓ છૂટી. હુમલો સફળ થયો હતો. ઉષા રાણી ગાલ પર લાલી સાથેના પૂરા શણગાર સાથે પ્રકટ થયાં. અમારા સદ્ભાગ્યે અમારી સામે trenches પહેલેથી ખોદાયેલી હતી (જે વખતે shallow નહોતી, પણ પૂરી ફિટ ઊંડી હતી). અંદર જતાં અમને કંપની કમાંડરનો આદેશ આવ્યો : શત્રુના તોપખાના તરફથી બૉમ્બાર્ડમેન્ટ શરૂ થવાનું છે. જ્યાં સુધી વેરિ-લાઇટ પિસ્તોલમાંથી લીલા રંગની ત્રણ ગોળીઓ છૂટે, ત્યાં સુધી કોઇએ બહાર નીકળવાનું નથી. સૌ પોતપોતાની હેલ્મેટ સરખી રીતે પહેરી, chin-strapને બરાબર ખેંચીને ટાઇટ રાખે. 

અમારી છેલ્લી પરીક્ષા કહો કે ફોજમાં જનારા પૂરી રીતે કેળવાયેલા સૈનિકો માટેનું સંરક્ષક vaccine સમું હતું. આનું નામ પણ યથાયોગ્ય હતું : Battle Inoculation.  એક વાર કવચલીધું હોય તો યુદ્ધનો ભય દૂર થઇ જાય.

હવે હુમલો થશે તેની ચેતવણી મળી - મળી કે પહેલાં દૂર નાનકડા ફટાકડા ફૂટ્યા હોય તેવો અવાજ થયો. બે-ત્રણ સેકંડમાં આકાશમાં ત્રણ-ચાર ડાકણ જાણે એકી સાથે લાંબી ચિચિયારી પાડતી હોય તેવા અવાજ સંભળાયા અને અમારી ચારે બાજુએ ધડાકા સાથે બૉમ્બ ફાટ્યા. હતા ભારે - એટલે 81-મિલિમિટરની મોર્ટાર બૉમ્બના ધડાકા. અમારા શિર પરથી છનનન કરતી તેની કરચો ઉડી. સાથે સાથે મશિનગનના કડાકા સાથે છૂટતી ગોળીઓ અમારા મસ્તકથી કેવળ ત્રણેક ફિટની ઉંચાઇ પરથી પસાર થતી સાંભળી. જાણે ઓછું હોય, વચ્ચે વચ્ચે અમારી ઉપર અને આજુબાજુથી રાઇફલની ગોળીઓ વછૂટતી હતી અને રાઇફલમાંથી છોડી શકાતી ગ્રેનેડઝ. સાચી ગોળીઓ અને સાચુકલા બૉમ્બ હતા તેની જાણ અમને કેવળ વીસ મિનિટના ગાળામાં થઇ. 

અમને મળતા દારૂગોળામાં ગ્રેનેડ્ઝ હોય છે. બે પ્રકારની હોય છે. હૅન્ડ ગ્રેનેડ, જેમાં ચાર સેકંડનો ફ્યુઝ હોય છે, જેની સેફ્ટી પિન ખેંચીને ફેંકવામાં આવે કે ચાર સેકંડમાં તે ફાટે. હાથે ફેંકાયેલી ગ્રેનેડ તેના વજનને કારણે  કેવળ ૨૫થી ત્રીસ ગજ દૂર ફેંકી શકાય. બીજી હોય છે રાઇફલ દ્વારા છોડાતી ગ્રેનેડ, જે લગભગ સો ગજ દૂર જઇને પડે. આટલું અંતર કાપવામાં છથી સાત સેકંડ લાગતી હોવાથી તેનો ફ્યુઝ સાત સેકંડનો હોય છે. અમારા Battle Inoculationમાં વપરાયેલી એક રાઇફલ ગ્રેનેડમાં ખામીવાળા ફ્યુઝને કારણે ખાઇની સામે પડતાં પહેલાં તે ફાટ્યો અને આગળના મોરચામાં કૅડેટની બાજુમાં બેસેલા અમારા ઉસ્તાદજીને તેની એક કરચ વાગી. ઘા ગંભિર હતો અને તેમની રાડ ફાયર-કંટ્રોલ ઑફિસરે સાંભળી. તેમણે તરત વેરિલાઇટ પિસ્તોલમાંથી ભયસૂચક લાલ ગોળી છોડી અને વ્હિસલથી ફાયરિંગ બંધ કરવાનો હુકમ આપ્યો. આખી રેન્જમાં સોપો પડી ગયો. બે મિનિટ બાદ all clearની વેરિલાઇટની લીલી ગોળીઓ છૂટી અને અમે બહાર આવ્યા. નસીબ સારા કે અમારા ઉસ્તાદ સારવાર બાદ ઠીક થઈને બહાર આવ્યા.

અમારી વાસ્તવિક ટ્રેનિંગ હવે પૂરી થઇ હતી. કેવળ પાસિંગ આઉટ પરેડ બાકી હતી, જે ત્રણ અઠવાડિયા બાદ થવાની હતી.

5 comments:

  1. છેલ્લી પરિક્ષા જીવના જોખમ જેવી સાબિત થઈ. ઉસ્તાદજીને જે કરચ જ વાગી તે પણ જીવલેણ બની શકે. દુશ્મનની કઈ નબળી પળ આપણા માટે સબળી બને અને એની તૈયારીનુ વર્ણન જ અમારા જેવા ને થથરાવી દે તેવું છે. જિપ્સીની ડાયરીના પાને પાને એક સૈનિકની જવાંમર્દીનો અહેસાસ થતો જાય છે.

    ReplyDelete
  2. વાંચતા વાંચતા ધડકન થંભી જાય એવું છે!

    ReplyDelete
  3. જેની કલ્પના પણ થથરાવી મૂકે એવા અનુભવો તમે તો જીવી ચૂક્યા છો!

    ReplyDelete
  4. Battle Inoculation -‘કવચ’ જે સૈનિકો માટેનું સંરક્ષક vaccine જેનાથી યુદ્ધનો ભય દૂર થઇ જાય
    તે અંગે દિલધડક વાત માણી. તેમા તમારા ઉસ્તાદ સારવાર બાદ ઠીક થઈને બહાર આવ્યા તે જાણી આનંદ થયો.આવી ટ્રેનીંગ લેનાર સૌ સૈનિકોને સલામ

    ReplyDelete