ગ્વાલિયરથી સાત કિલોમિટર દૂર મોરાર નામનું ગામ છે. હાલ તો ગ્વાલિયરનું પરૂં બની ગયું છે. અહીંથી શરૂ થાય ચંબલનો ડાકુગ્રસ્ત પ્રદેશ. ભિંડ અને મોરેના થોડા'ક જ કિલોમિટર દૂર. મોરારમાં જમ્મુ ઍન્ડ કાશ્મિર રાઇફલ્સ (JAK Rifles)નું ટ્રેનિંગ સેન્ટર છે. ત્યાં કાશ્મિર રાજ્યમાંથી ભરતી થયેલા ડોગરા રાજપુત, મુસ્લિમ, કાશ્મિરવાસી ગુરખા રિક્રૂટોને ટ્રેનિંગ અપાતી. તે ઉપરાંત મોરારમાં ભારતીય વાયુ સેનાની એક સ્ક્વૉડ્રન, મિલિટરી હૉસ્પિટલ અને અમારૂં યુનિટ હતું. નવો કૅમ્પ હોવાથી અફસરો માટે પૂરતાં રહેઠાણ બંધાયા નહોતાં. જો કે જવાનો માટે સારી બૅરૅક તૈયાર કરવામાં આવી હતી. પરિણિત અફસરો ભાડાના મકાનમાં રહેતા અને single officers માટે મોરાર ગામમાં એક જુનો દરબારગઢ હતો તે ત્યાંની મિલિટરી એન્જિનિયરીંગ સર્વિસીઝે પટા પર મેળવ્યો હતો. ત્યાં પણ કમરા ઓછા હતા તેથી એક એક કમરામાં બે કે ત્રણ અફસરો રહેતા. અહીં આખા કેન્ટોનમેન્ટના અપરિણિત અફસરો રહે. મારા યુનિટના અફસરો અલાવા મારા ખાસ મિત્રો હતા JAK Riflesના શાંતિ રમણ બક્ષી (જેના નાના ભાઈ મેજર જનરલ જી.ડી. બક્ષી ભારતના TV ચર્ચા પર્વમાં અગ્રગણ્ય ભાગ ભજવે છે), કાછુ મુખર્જી, મિલિટરી હૉસ્પિટલના ત્રણ ડૉક્ટરો - અરૂણ, શિરિષ અને બૅનરજી હતા.
ગ્વાલિયરની સૌથી મધુર યાદ રહી હોય તો JAK Riflesની મેસમાં નવી નવી આવેલી રેકૉર્ડની. મધ્યપ્રદેશના સખત તડકામાં અમે સાઇકલ પર બે માઇલ દૂર આવેલી મેસમાં જમવા જતા, ત્યારે અમારા મેસ હવાલદારે 'કાશ્મિરકી કલી' ફિલ્મની આ રેકૉર્ડ લગાવેલી હોય : દિવાના હુઆ બાદલ. આ અત્યંત સુંદર ગીત મારા માનસપટલ પર મારા પ્રિય ગીતોના 'આલ્બમ'માં કાયમ માટે મનમાં અંકાઇ ગયું. આપ તે સાંભળશો તો આપને સુદ્ધાં તેની મધુરતા ગમશે!
https://www.youtube.com/watch?v=beqTRIpoos8
યુનિટમાં કામ ઘણું રહેતું. અમે સૌ અમારી ફરજમાં પલોટાતા જતા હતા. બા તથા બહેનોનાં પત્રો આવતા.
મિલિટરીમાં આવતી કાલની ખબર નથી હોતી, તેથી હાસ્ય, મજાક અને આનંદ-પ્રમોદની જેટલી તક મળે, પૂરા ઉત્સાહથી ઉજવવામાં આવે છે.
ગ્વાલિયરમાં તે સમયે લગ્નસરા ચાલતી હતી. ગ્વાલિયરના રાજપરિવાર તથા તેમના ગરાસદારો તરફથી યોજાતા લગ્ન સમારંભના કાર્યક્રમોમાં મિલિટરીના અફસરોને નિમંત્રણ મળતું. મારા યુનિટમાં સુરેશ નંદ ધસ્માના નામના અતિ સજ્જન ગઢવાલના ઉત્તરાખંડી બ્રાહ્મણ અફસર હતા. એક દરબાર સાહેબના પુત્રના લગ્નમાં ભાગ લેવા માટે અમને નોતરું મળ્યું. રાત્રિ ભોજન બાદ મુજરાનો કાર્યક્રમ થયો. નૃત્ય કરનારાં બહેન બક્ષીસ લેવા માટે એક પછી એક દરેક આમંત્રીત પાસે જતાં, તેમની સાથે થોડા ઘણાં નખરાં કરી, ઇનામ લઇ આગળ વધતાં. જ્યારે તેઓ અમારી પાસે પહોંચ્યા, ધસ્માના પોતાની જગ્યા પરથી ઊઠી ગયા. બે પગલાં પાછળ હઠી તેમણે બન્ને હાથ જોડી નર્તકીને કહ્યું, “દેવી, દૂર રહો! હમ ઇનામ ભીજવા દેંગે!!” મુજરામાં હાજર રહેલ એકે એક વ્યક્તિ - પેલાં નર્તકી બહેન પણ ખડખડાટ હસી પડ્યા! બીજા દિવસે આ વાત આખા કેન્ટોનમેન્ટમાં ફેલાઇ ગઇ અને અમારા યુનિટમાં કોઇ આવે તો પૂછતા, “વહ ‘દેવી દૂર રહો’વાલે લેફ્ટનન્ટ કહાં હૈં?"
આવી જ રીતે અમારા કૅમ્પમાં મનોરંજનના કાર્યક્રમ ઑફિસર્સ ઇન્સ્ટિટ્યૂટમાં યોજાતા. કાર્યક્રમમાં હાજર થવા માટે અફસરો માટે ‘ડ્રેસ કોડ’ જાહેર કરવામાં આવતો. સિંધિયા રાજપરિવારના સદસ્ય આવવાના હોય ત્યારે સૂટ, અને બાકીના કાર્યક્રમોમાં ગ્રે ફલૅનલની પૅન્ટ, રેજીમેન્ટલ ટાઇ અને સર્જના કાપડનો ભુરા રંગનો બ્લેઝર પહેરવાનો રિવાજ હતો. એક વાર અચાનક કાર્યક્રમ યોજાયો અને અર્ધા કલાકમાં અમારે ઇન્સ્ટિટ્યૂટમાં પહોંચવાનું હતું. તે દિવસે અમારા મિત્ર કાછુ મુકરજી પોતાનો બ્લેઝર યુનિટમાં ભુલી આવ્યો હતો. તેનું કંપની હેડક્વાર્ટર અમારા ક્વાર્ટર્સથી એક માઇલ દૂર હતું. તેણે તેના નવા ગોરખા ઑર્ડર્લીને બોલાવીને કહ્યું, “સૂર્જા બહાદૂર, સેન્ટરમાં મારૂં કંપની હેડક્વાર્ટર ક્યાં છે તે તું જાણે છે?”
“જી શાબ.”
“સાંભળ, કંપની ઑફિસમાં મારો નીલા રંગનો કોટ લટકે છે...”
“તપાઇકો (આપનો) બ્લેઝર?”
“હા, તું ત્યાં જઇ બ્લેઝર લઇ આવ. અને જો, ઉતાવળ છે તેથી મારી સાઇકલ લઇ જા, અને મારંમાર પાછો આવ."
વીસ મિનીટ થઇ, પણ સૂર્જા બહાદુરનું ઠેકાણું નહોતું. અહીં કાછુ ઉંચો નીચો થતો હતો. અંતે તેણે બહાર જઇને જોયું તો દૂરથી સૂર્જા બહાદુરને એક ખભા પર સાઇકલ અને બીજા ખભા પર બ્લેઝર રાખી દોડીને આવતાં જોયો. જ્યારે તે હાંફતો હાંફતો અમારી પાસે પહોંચ્યો ત્યારે કાછુએ પૂછ્યું, “તુમ સાઇકલ પર બૈઠકે ક્યું નહિ આયા?”
“શાબ, હમારેકો શાઇકલ ચલાના નહિ આતા.”
“તો ફિર સાઇકલ ક્યું લે ગયા?
“શાબ, આપને હુકમ કિયા શાઇકલ લે કે જાના, હમ શાઇકલ લે ગયા.”
* * * * * * * * *
સિંગલ ઑફિસર્સ મેસમાં અમારી સાથે મિલિટરી હૉસ્પીટલના ડૉક્રટરો રહેતા. કોઇ વાર સાંજે તેમને મળવા અમે હૉસ્પીટલ જતા. આર્મી મેડીકલ કોરના નર્સીંગ આસિસ્ટંટ તથા જનરલ ડ્યુટી સિપાહી મુખ્યત્વે દક્ષિણ ભારતના હોય છે. તેમાં પણ તામિલનાડુ અને કેરળના જવાનોની સંખ્યા વધારે. ફિલ્મોમાં તેમના હિંદી ઉચ્ચાર પર ઘણા વિનોદ કરવામાં આવે છે અને તેમાં થોડું ઘણું સત્ય છે.
મિલિટરી હૉસ્પિટલમાં જવાન, નૉનકમીશન્ડ ઑફીસર (NCO) તથા જ્યુનિયર કમીશન્ડ ઑફિસર્સ (JCO) માટે જુદા ભોજન ખંડ હતા. તે પ્રમાણે પાટિયાં ચિતરીને હૉલની બહાર ટાંગવામાં આવતા. JCOsને ફોજમાં સરદાર કહેવામાં આવે છે. તેમની મેસ પર એક હિંદી ભાષી સૈનિકે ચિતરેલું બોર્ડ, “सरदारोंका खाना खानेका कमरा” જુનું થયું હતું. નવું બોર્ડ બનાવવાનો હુકમ થયો અને કામ લીધું કેરળના જવાને. તેણે બનાવેલું નવું પાટીયું હતું, “सरदारोंका काना कानेका कमरा” મલયાલમમાં ‘ખ’નો ઉચ્ચાર નથી.
દસે’ક દિવસ બાદ હું મિલિટરી હૉસ્પિટલમાં ગયો તો ત્યાં એક જવાન નવું પાટિયું લખી રહ્યો હતો. લખનાર તામિલ જવાન હતો. તામિલમાં ‘ગ’નો ઉચ્ચાર ‘ક’ થાય છે - જેમકે ત્યાંના અર્થશાસ્ત્રના લેખકનું નામ છે “આરોકિયાસ્વામી” જે “આરોગ્યસ્વામી”નો તમીળ ઉચ્ચાર છે. નવા ચિત્રકારે અતિશુદ્ધતા લાવવા ‘ક’નો સાચો ઉચ્ચાર ‘ગ’ છે સમજી નવું પાટિયું બનાવ્યું : “सरदारोंका गाना गानेका कमरा” !
આવી જ રીતે પંજાબની ગુરમુખી લિપીમાં જોડાક્ષર નથી હોતા. આના કારણે તેમના અંગ્રેજી શબ્દોના ઉચ્ચારણમાં ઘણા છબરડા થતા. અગાઉ જણાવ્યા પ્રમાણે ‘સપોર્ટ કંપની’નો ઉચ્ચાર ‘સ્પોર્ટ કંપની’ કરતા જેના કારણે મને શિક્ષા થઇ હતી ! આમ પંજાબમાં ‘સ્કૅટર્ડ’નો ઉચ્ચાર ‘સકૅટર્ડ’ અને ‘કર્નલ સ્ટૅન્લીને’ ‘સટૅન્લી’! આવા ઉંધા-ચત્તા ‘સ’ના જોડાક્ષરનો નમુનો ભુજમાં જોવા મળ્યો: માધાપુર રોડ પરના આર્મી ‘સપ્લાય ડેપો’નું એક શીખ સિપાઇએ મોટું બોર્ડ બનાવ્યું “સ્પલઇ ડીપુ”!
મિલીટરીમાં જવાનોના કિચનને ‘લંગર’ કહે છે. ફોજમાં કોઇ અફવા ઉડે તો તેની શરૂઆત લંગરમાં થતી હોય છે, તેથી તેને ‘લંગર ગપ’ કહેવામાં આવે છે. નવાઇની વાત તો એ છે કે તેમાંની ૯૦ ટકા ‘ગપ’ સાચી નીવડતી હોય છે.એક દિવસ લંગર ગપ આવી કે અમારા યુનિટના ઘણા અફસર અને જવાનોના બદલીના હુકમ આવી રહ્યા છે!
આ ગપમાં કેટલું તથ્ય હતું તે અમે આતુરતાથી જોવા લાગ્યા
વાહ! આ વાતો તો હાસ્ય દરબારમાં જલસા કરાવી દે.
ReplyDeleteમધ્યપ્રદેશમાં ચંબલનો બીહડ વિસ્તાર લૂંટારૂઓ અને ડાકુઓ માટે જાણીતો છે. પરંતુ હવે લૂંટારૂઓ અને ગુનેગારો માટે આશ્રયસ્થિત ચંબલના બીહડોમાં ખેતીકામ કરવામા આવશે.
ReplyDeleteહાલ ‘ડાકુ’ જેવી માછલી ‘ચંબલ’ની નદીમાં સકરમાઉથ કેટફિશ મળવાથી લોકોમાં ખળભળાટ મચી ગયો છે. તે માંસાહારી માછલી છે. આ વાત જાણ્યા બાદ વૈજ્ઞાનિકો પણ હેરાન છે કે આ માછલી ચંબલ વિસ્તારની સિંધ નદીમાં કેવી રીતે પહોંચી? વૈજ્ઞાનિકોએ ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતુ કે આ માછલી માંસાહારી હોવાને કારણે આપણા ઇકોસિસ્ટમ માટે ગંભીર ખતરો છે.
દિવાના હુઆ બાદલ. ફરી માણી આનંદ
હમ શાઇકલ લે ગયા...મરક મરક
મલયાલમ એક જ ભાષા એવી કે બન્ને બાજુથી બોલી શકાય.“सरदारोंका काना कानेका कमरा”ની વાત ચક્કુ વલ્લમ પીતા પીતા અમારા કેરાળાના મિત્રને કહીશું.અને સંસ્કૃત કરતા પણ પ્રાચિન તામિલની વાતે મજા આવી.“સ્પલઇ ડીપુ”! વાતે વાર્તા લખશું
‘લંગર’શબ્દ જ મધુરો મધુરો લાગે..
સુ જા લખે છે તે પ્રમાણે હાદમા જરુર લખશો