Thursday, April 29, 2021

મિડ-ટર્મ - અને જીવનનું સર્વશ્રેષ્ઠ વૅકેશન

સપ્ટેમ્બર ૧૯૬૩. અમારા સિનિયર કૅડેટ્સની પાસીંગ આઉટ પરેડ હતી. ગયા ત્રણ મહિનામાં અમારા પર અબાધિત સત્તા ધરાવનારા, અમને અપશબ્દ-પુષ્પોના 'હાર તોરા' પહેરાવનારા કૅડેટસ્ એક દિવસ બાદ સેકંડ લેફ્ટેનન્ટ થઈ પોતપોતાની બટાલિયન કે યુનિટમાં જવાના હતા. હવે એકૅડેમી અને મિલિટરી ટ્રેનિંગ કૉલેજમાં એક પરંપરા હોય છે : સિનિયર કૅડેટ્સને તેમના અહીંના વાસ્તવ્યના છેલ્લા દિવસે તેમનું રૅગીંગ કરવાનો જુનિયરોને અધિકાર હતો. અમારા મોટા ભાગના સિનિયર - અંડર ઑફિસર, કંપની સાર્જન્ટ મેજર તથા ક્વાર્ટરમાસ્ટર સાર્જન્ટનો અમારા પ્રત્યે વર્તાવ પ્રમાણમાં સારો હતો. પણ સાર્જન્ટ બહાદુરસિંઘ? તેને કોણ છોડે?

અમે બધા તેની રુમની બહાર પહોંચી ગયા. અમને જોઇ બહાદુરસિંઘ રડી પડ્યો. ‘તમને બધાને હું મારા દીકરાઓ માનતો હતો, અને હવે તમે મારૂં, બહાદુરસિંઘનું રૅગીંગ કરવા આવ્યા છો? તમે લોકોમાં બે આંખની શરમ પણ નથી રહી?” ડુસકાં ખાતાં ખાતાં બહાદુર (!) સાર્જન્ટ કહેવા લાગ્યો.

વખતે કોઇએ તેને છોડ્યો નહિ. તેની પાસે ઢઢ્ઢુ ચાલ કરાવી, ફ્રન્ટ રોલ કરાવ્યા. જ્યારે તેનાં આંસુ અને ડુસકાં રોકાવાનું નામ નહોતા લેતા અને તેણે પોતાના અસભ્ય વર્તન બદ્દલ માફી માગી ત્યારે અમે તેને જવા દીધો

ત્યાર બાદ આવી અમારી મિડ ટર્મની પરીક્ષાઓ. અમારી શારીરિક ક્ષમતા ચકાસવા માટે પરીક્ષા ઘણી સખ્તાઇથી લેવાઇ. પૂરી ઇક્વિપમેન્ટ સાથે - એટલે સામાન ભરેલો પીઠ્ઠુ, પેટ પાસે ફિટ કરેલા બે પાઉચ (જેમાં કારતૂસ, રાઇફલ સાફ કરવાની સામગ્રી વિ.), પાણીની બાટલી (તે ભરેલી છે કે નહીં તે પણ તપાસાય), બેયોનેટ અને રાઇફલ, આમ લગભગ દસે કિલો વજન સાથે એક કલાકમાં પાંચ માઇલ, પોણા બે કલાકમાં દસ માઇલ, દોડવાની પરીક્ષા લેવાયા બાદ હતો Assault Course. બધી ટેસ્ટ પણ ૩૫ ફિટ ઉંચા દોરડા પર ચઢી જવું, ૨૦ ફીટ ઉંચાઇ પર બાંધેલા ત્રીસે ફિટ લંબાઇના દોરડાને પકડી, ઉંધા લટકી પાર કરવા (આને monkey crawl કહેવાય), પાણી અને મોટા મોટા પત્થરથી ભરેલા આઠ ફિટ પહોળા ખાડાને કુદી જવું, અમારા એક સાથીને અમારી પોતાની ઉપરાંત તેની પણ રાઇફલ સાથે ઉંચકીને ૨૦૦ ગજ દોડી જવું (આને Fireman’s Lift) કહેવાય - આવી પરીક્ષાઓ હતી. ત્યાર પછી રાઇફલ ફાયરિંગ, લેખિત પરીક્ષા - આવી સર્વાંગીણ પરીક્ષાઓ પાસ કરે તેને એક અઠવાડિયાની ઘેર જવાની રજા મળે. જે ફેલ થાય તેને કૅમ્પમાં રહી જે જે વિષયમાં નાપાસ થયો તેનો અભ્યાસ કરાવાય. આ પૅરેગ્રાફમાં આપેલ લિંક પર ક્લિક કરવાથી ઍસોલ્ટ કોર્સ (જેને ઓબ્સ્ટેકલ કોર્સ પણ કહેવાય છે)નો વિડિયો જોવા મળશે. શરૂઆતમાં મને બે અવરોધ પાર કરવામાં મુશ્કેલી નડી હતી, પણ સતત પ્રૅક્ટિસથી તેમાં પ્રાવીણ્ય મળ્યું.

સદ્ભાગ્યે આ સઘળી પરીક્ષાઓમાં હું પાસ થયો

ત્રણ મહિનાની સખત મહેનત કર્યા બાદ બાઇના હાથનું ભોજન ખાવા મળશે તે વિચારથી મન પુલકિત થઇ ગયું. સ્ટેશન પર મને લેવા બાઇ અને બહેનો આવી હતી. મારાદેદારજોઇ બાઇની આંખમાંથી આંસુ નીકળી આવ્યાં. મારા ઝીણા કાપેલા વાળ અને ત્રણ મહિનાની સતત કસરત અને પીટી કરવાથી પહેલાં કરતાં વધુ પાતળું શરીર જોઇને તેમને અત્યંત દુ: થયું. બહેનોએ પૂછ્યું પણ ખરૂં, “ભાઇલા, તમને ટ્રેનિંગ સેન્ટરમાં ખાવા-પીવા નહોતા આપતા?”  જ્યારે તેમને પૂરા વિસ્તારથી કહ્યું કે અમને દિવસમાં ત્રણ મુખ્ય ભોજન અને બે વાર ચા-નાસ્તો મળતા તો પણ બાઇ માનવા તૈયાર નહોતાં ! એક અઠવાડિયાની રજામાં રોજ તેમણે પુરણપોળી, મસાલા-ભાત, ઢોકળાં-પાતરાં, શીખંડ-પુરી વિ.ની ભાતભાતની મિજબાની પીરસી

મારા જીવનનું સૌથી સુખી - અને ટૂંકામાં ટૂંકું વૅકેશન હતું. એવું લાગ્યું કે બાઇના હાથની રસોઇ જમીને સૂઇ ગયો અને સવાર થતાં અઠવાડિયું સમાપ્ત થયું. સુખના દહાડા કેટલા જલદી પૂરા થઇ જતા હોય છે

કૅમ્પમાં પાછા જવાનો દિવસ આવ્યો અને બાઇ તથા બહેનો મને ફરી સ્ટેશન પર મૂકવા આવ્યા. આંસુભરી આંખે અમે ફરી એક વાર વિદાય લીધી


***

બીજી ટર્મમાં અમે પોતે સિનિયર હતા, તેથી નીડરતાથી પ્રશિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરી શક્યાઆનો અર્થ નથી કે ઇન્સ્ટ્રક્ટર વર્ગ તરફથી અમારા પ્રત્યે કોઇ પણ જાતની ઢીલ દર્શાવવામાં આવી હોય. અમે ડ્રીલ સ્ક્વેર પાસ કર્યો હોવા છતાં અમારાટર્નઆઉટની ચકાસણી પહેલાં કરતાં પણ વધુ સખત બની હતી. ખાસ કરીને દર સોમવારે સવારે થતી ડ્રીલમાં અમે વાળ કપાવ્યા છે કે નહિ તે ખાસ જોવામાં આવતું. અમારા કોર્સના કૅડેટ્સ ભલા સ્વભાવના હતા. અમે અમારા જ્યુનિયરોની સારી સંભાળ રાખી. દરેક સિનિયરની જવાબદારી હેઠળ એક એક જ્યુનિયર હતો જેને મિલિટરીની રિતભાત, ટેબલ મૅનર્સ વિ. શીખવવાનું કામ સોંપવામાં આવ્યું હતું. મારી સંભાળ નીચે ઇંદોરનો દિલીપ કરકરે નામનો યુવાન હતો. તેની યાદ એટલા માટે રહી ગઇ કે તે આર્ટિલરીમાં ઉત્કૃષ્ટ અફસર નીવડ્યો. ૧૯૬૫ની લડાઇમાં Forward Observation Officer તરીકે કેવળ તેના વાયરલેસ ઑપરેટર સાથે શત્રુઓના વિસ્તારમાં ગુપ્ત રીતે રહ્યો અને વાયરલેસ દ્વારા તેમની હિલચાલની ખબર વાયરલેસથી તેની રેજિમેન્ટના તોપખાનાને આપતો રહ્યો અને તેમના પર અચૂક ગોળા વરસાવતો રહ્યો. અચાનક તેના સ્થાનની દુશ્મનને જાણ થઈ ગઈ અને તેના પર મશિનગનનો મારો થયો. તેને મરણોપરાંત વીર ચક્ર એનાયત થયું હતું. કૅપ્ટન કરકરેની આ બહાદુરી પર આધારિત પ્રસંગ જિપ્સીની નવલકથા 'પરિક્રમા'માં આપવામાં આવ્યો છે.

આવતા અંકમાં કેટલીક હળવી પળોની વાત કરીશું.



2 comments:

  1. કૅડેટ જીવનના પ્રથમ સત્રના અંતની વાત અને ત્યાર બાદ કુટુંબ સાથેની મિલનની વાતે પ્રસન્ન
    ઇંદોરનો દિલીપ કરકરેની ગૌરવશીલ વાતે દુઃખ થયુ પણ પછી તે વિગલીત થઇ આનંદ થયો.તેઓની વધુ વાતની રાહ્

    ReplyDelete
  2. આપના સૌજન્ય સહિત મારા બ્લોગમાં કોપી પેસ્ટ કરતો રહું છું. આપનો આભારી પ્રવીણ શાસ્ત્રી.

    ReplyDelete