બારામુલ્લા (કાશ્મીર) ૧૯૭૯.
સમયનું વહેણ નદીની ધારા જેવું છે. તેમાં પૂર આવતાં રહે છે અને આપણે તેમાં તણાતા જઇએ છીએ. ક્યારે ક્યાં ફંગોળાઇ જઇશું, કયા કાંઠા પર પડીશું તેનો અંદાજ કોઇને આવી શકતો નથી. ૧૯૬૫ની લડાઈ બાદ ૧૪ વર્ષ વિતી ગયા. આર્મર્ડ ડિવિઝન, ગોરખા પલ્ટન, મહારાજકે અને કલ્લેવાલી સમયના વહેણમાં ખોવાઇ ગયા. અત્યારે જીપ્સી બૉર્ડર સિક્યોરિટી ફોર્સમાં ડેપ્યુટી કમાન્ડન્ટના (મેજરના સમકક્ષ) હોદ્દા પર ૧૪૦૦૦ ફીટની ઉંચાઇએ ફરજ બજાવી રહ્યો હતો. એક દિવસ હુકમ આવ્યો કે બારામુલ્લા ખાતે ડિવિઝનના અફસરોનો મેળાવડો યોજવામાં આવ્યો છે, અને તેમાં મારે હાજર રહેવાનું છે.
તે રાતે સખત ટાઢ પડી હતી. હું મારા સાથીઓ સાથે તાપણાં પાસે રમનો ગ્લાસ લઇને ઉભો હતો ત્યાં અચાનક મારી પાસે પીયૂષ ભટ્ટ આવ્યા. તેમણે મને દૂરથી જોયો અને સામે ચાલીને મળવા આવ્યા! હું તો અત્યંત ખુશ થઇ ગયો. મારા સાથીને તેમનો પરિચય કરાવતાં કહ્યું, “આ મારા ઘણા જુના મિત્ર મેજર ભટ્ટ છે. ૧૯૬૫ની લડાઇમાં અમે સાથે હતા...” અને મારૂં ધ્યાન તેમના પર્કા -કોટ પર કર્નલની રૅંકના ચિહ્નો તરફ ગયું. “સર, માફ કરશો. મને આપની રૅંકનો ખ્યાલ ન રહ્યો.”
કર્નલ ભટ્ટ હસી પડ્યા. “ અરે દોસ્ત, એવી ચિંતા નથી કરવાની. આટલા વર્ષે મળ્યા એનો આનંદ એટલો છે કે બીજી બધી વાતો અનાવશ્યક બની જાય છે.”
“આપ કર્નલ ક્યારે થયા?” મેં પૂછ્યું.
“થોડો જ સમય થયો. આમ તો મારૂં પ્રમોશન એક વર્ષ પહેલાં થયું હતું અને મને અન્ય બટાલિયનનો કમાન્ડ લેવાની અૉફર આવી. મને મારી પહેલવહેલી બટાલિયન 5/9 ગોરખા રાઇફલ્સનો કમાન્ડ જોઇતો હતો, તેથી એક વર્ષ રાહ જોવી પડી.”
મિલિટરીમાં અફસર તરીકે ભરતી થનાર દરેક અફસરની મહેચ્છા હોય છે કે જે બટાલિયનમાં તેમની પ્રથમ નીમણૂંક થાય તેના કમાન્ડીંગ અૉફિસર બનવાનું સદ્ભાગ્ય તેમને મળે. કર્નલ ભટ્ટનો એક વર્ષ સુધી પ્રમોશન મોકૂફ રાખવાનો નિર્ણય તેમની પ્રતિભાને અનુરૂપ હતો.
"૧૯૭૧ની લડાઇમાં અાપ ક્યાં હતા?" મેં પૂછ્યું.
“૧૯૬૫ની જેમ ૧૯૭૧ની લડાઇમાં પણ મજાની વાત થઇ ગઇ..” કર્નલ ભટ્ટે વાત શરૂ કરી.
***
૧૯૭૦ના અંતમાં તેમની બદલી મેજરના હોદ્દા પર ભુતાનમાં થઇ હતી ત્યારે તેમણે સ્ટાફ કૉલેજની એન્ટ્રન્સ પરીક્ષા આપી અને પાસ થયા. આ પરીક્ષા અત્યંત કડક હોય છે: આ પરીક્ષામાં બેસનારા અફસરોમાંથી કેવળ ૩ કે ૪ ટકા પાસ થતા હોય છે. ૧૯૭૧માં વેલીંગ્ટનમાં આ કોર્સ શરૂ થવાને થોડી વાર હતી તેવામાં યુદ્ધનાં વાદળો છવાયા. કોર્સ મુલત્વી રખાયો અને અફસરોને તેમના યુનિટમાં જવાનો હુકમ અપાયો. મેજર ભટ્ટને ડેરા બાબા નાનક ખાતે આવેલી વિશ્વવિખ્યાત 1/9 ગોરખા રાઇફલ્સમાં રિપોર્ટ કરવાનો હુકમ અપાયો.
મેજર ભટ્ટ ડેરા બાબા નાનક પહોંચ્યા અને પોતાની નવી કંપનીના જવાનોને મળે - ઓળખે તે પહેલાં લડાઇ શરૂ થઇ. આપણા સૈન્યમાં અફસર અને તેમના જવાનો વચ્ચે અદૃશ્ય પણ અતૂટ સંબંધ હોય છે. તેનો પાયો હોય છે પરસ્પર વિશ્વાસ, ભાવૈક્ય અને અફસરની નેતૃત્વ શક્તિ. આ ત્રણે વાતોનો સમન્વય ફળીભૂત થતાં મહિનાઓ-વર્ષો લાગી જતા હોય છે, કારણ કે આ સમયમાં તેઓ એક પરિવારની જેમ રણભુમિ જેવી સ્થિતિમાં સાથે રહીને યુદ્ધનો અભ્યાસ કરતા હોય છે. આ ખડતલ અભ્યાસ દરમિયાન જવાનોને ખ્યાલ આવે છે કે તેમના નેતાના ખભા પર પોતાના પ્રાણની રક્ષાનો ભાર મૂકી શકાય કે નહિ. બાકી ખરી પરીક્ષા તો યુદ્ધમાં ગોળીઓના વરસાદમાં નેતા કેવી રીતે તેમને વિજયના પથ પર દોરી જાય છે ત્યારે થાય. શાંતિના સમય દરમિયાન કંપની કમાન્ડર દરેક જવાનના ગામ, પરિવાર, તેની કૌટુમ્બીક પરિસ્થિતિ વિશે માહિતગાર થઇ તેમના પરિવારના સદસ્ય જેવા બની જાય છે. અહીં મેજર ભટ્ટ તેમના જવાનોને મળે, ઓળખે તે પહેલાં યુદ્ધ શરૂ થયું. આગળની વાત તેમના જ શબ્દોમાં:
“1/9 GRની ‘બ્રૅવો’ કમ્પનીનો કમાન્ડ લઇને ત્રણ દિવસ પણ નહોતા થયા અને મને હુમલો કરી રાવી નદીના પટમાં આવેલી ચોકીઓ પર અૅટેક કરી કબજે કરવાનો હુકમ મળ્યો. આ ચોકીઓનું સામરિક મહત્વ અગત્યનું હતું. યુદ્ધની પહેલી રાતે જ પાકિસ્તાનીઓએ આ ચોકીઓ કબજે કરી હતી. અહીંથી તેમની સેના આપણી મુખ્ય ધરા પર કૂચ કરી શકે તેવું હતું. કંપનીમાં આવ્યાના આ ત્રણ દિવસમાં હું ફક્ત મારી કમ્પનીના પ્લૅટૂન કમાન્ડર્સ તથા કમ્પની સાર્જન્ટ મેજરને ઓળખવા લાગ્યો હતો. તેવામાં ૧૨૦ સૈનિકો - જેઓ મને ઓળખતા નહોતા તેમની આગેવાની થઇ મારે દુશ્મન પર હુમલો કરવાનો હતો.
પંજાબમાં રાવી નદીના પૂર ખાળવા માટે ધુસ્સી બંધ બાંધવામાં આવ્યો છે. ડેરા બાબા નાનક નજીક પૂરનું જોર ભારે હોવાથી ત્યાં ધુસ્સી બંધની ત્રણ ગોળાકાર હરોળ બાંધવામાં આવી. આ ‘રીંગ બંધ’ના નામથી ઓળખાય છે. દુશ્મને આ ત્રણે હરોળ પર કબજો કર્યો હતો. અમને તેના પર હુમલો કરી, રીંગ બંધની ત્રણે હરોળ પરથી દુશ્મનને ઉખેડી આ ચોકીઓ પાછી મેળવવાનો હુકમ મળ્યો. મેં જગ્યાનું છુપી રીતે નિરીક્ષણ કર્યું અને હુમલાની યોજના બનાવી. રીંગ બંધની દરેક હરોળ પર એક પછી એક પ્લૅટૂન દ્વારા હુમલો કરી કબજે કરવાનો નિશ્ચય કર્યો. જવાનો મને ઓળખતા નહોતા તેથી આ વખતે દરેક પ્લૅટૂનની આગેવાની લેવાનું મેં નક્કી કર્યું. પહેલી હરોળ કબજે કરી જીતની નિશાની અાપતાં બીજી પ્લૅટૂન મારી પાસે આવી પહોંચે, અને તેને લઇ બીજી હરોળ પર ખાબકવાનું! આમ ત્રણે હરોળ પરના હુમલામાં મારા જવાનોને કહ્યું કે હું તમારૂં નેતૃત્વ કરીશ એવું જણાવતાં જવાનોનો ઉત્સાહ વધી ગયો.
“દુશ્મનને લાગ્યું હતું કે અમે સામેથી હુમલો કરીશું. અમે ચૂપકીદીથી અૅડવાન્સ કરી દુશ્મનની હરોળથી ૧૦૦ મીટર સુધી પહોંચી ગયા, અને મારી નિશાની પર “આયો ગોરખાલી”ની ત્રાડ પાડી અમે ધારદાર ખુલ્લી ખુખરી વિંઝતા જઇ દુશ્મન પર તેમની ડાબી પાંખ (flank) પર હુમલો કર્યો. અમારો રણનિનાદ સાંભળતાં દુશ્મને અમારા પર મશીનગન તથા રાઇફલ જેવા અૉટોમેટિક હથિયારોથી કારમો ગોળીબાર શરુ કર્યો. આવા સમયે અમારો ઉદ્દેશ દુશ્મનની હરોળ પર પહોંચી જઈ તેનો વધ કરવાનો હોય છે. ગોરખાઓની ખુખરીઓથી તો બીજા વિશ્વયુદ્ધમાં જર્મનો પણ હત:પ્રભ થઈ ગયા હતા! ડાબી પાંખના હુમલાની મારી યોજના સફળ થઇ. ઝડપથી અમે એક પછી એક રીંગ બંધની ત્રણે હરોળ પરથી દુશ્મનને મારી હઠાવ્યો."
***
કલ્પના કરી જુઓ: એક ગુજરાતી અફસર તેના ગોરખા સૈનિકો સાથે હાથમાં ભયાનક ખુખરી વિંઝતા દુશ્મન પર “આયો ગોરખાલી”ના યુદ્ધ-નિનાદથી દોડી જતો જોવાનું દૃશ્ય કેવું અદ્ભૂત અને રોમાંચકારક હશે!
***
કર્નલ ભટ્ટે કહ્યું, “મારી કામગિરી આટલેથી અટકી નહોતી. અમને માહિતી મળી કે રાવી નદીના કિનારા પર આપણી રક્ષાપંક્તિમાં ખામી રહી ગઇ હતી. અમારી બ્રિગેડ તથા અમારા ડાબા પડખા પર આવેલી બ્રિગેડ વચ્ચેના વિસ્તારમાં કેટલાક કિલોમીટરનો gap હતો, જેમાં કમાંડરોની શરતચૂકને કારણે આપણી સેનાને મૂકવામાં આવી નહોતી. દુશ્મનને તેની જાણ થતાં તે રાવિ નદી પાર કરી ઠેઠ અમૃતસર તરફ કૂચ કરી શકે તેમ હતું. આવું થાય તો આખા અમૃતસર સેક્ટર તથા ગુરદાસપુર - પઠાણકોટનો ધોરી માર્ગ તેમના હાથમાં પડી જાય તેવી સ્થિતિ હતી. તેથી રાતોરાત મારી જવાબદારીના સેક્ટરમાં આવેલી જગ્યામાં મારી કંપનીને માઇન્સની જાળ બીછાવવાનો હુકમ મળ્યો.
(નોંધ: અહીં વાચકોને કદાચ યાદ હશે કે "ખોવાયેલા સૈનિકોની શોધમાં"ના શિર્ષક હેઠળ જીપ્સીની ડાયરીમાં વર્ણન કર્યું હતું કે ડેરા બાબા નાનકના છ-સાત કિલોમીટરના વિસ્તારમાં જીપ્સીએ આપણી રક્ષાપંક્તિ-વિહીન સ્થાન જોયું હતું અને તેનો રિપોર્ટ બ્રિગેડ કમાન્ડરને આપ્યો હતો. આ માહિતીના પરિણામે તે જગ્યાએ માઇન્સ બીછાવવા ભટ્ટસાહેબની કંપની ગઇ હતી.)
“મારી કંપનીને જ્યાં માઇન્સ બીછાવવાની હતી ત્યાંથી આપણી હિલચાલ પર નજર રાખવા માટે દુશ્મને ખડી કરેલ ‘અૉબ્ઝર્વેશન પોસ્ટ' કેવળ સો મીટર દૂર હતી. માઇનને જમીનમાં પૂર્યા પછી તેને ‘આર્મ’ - એટલે સેફટી પિન કાઢી તેને જીવંત કરવામાં જરા જેટલી ભૂલ થાય તો માઇન ફાટે અને તે બીછાવનાર જવાનના ફૂરચેફુરચા ઉડી જાય. રાતના અંધકારમાં અમારૂં કામ પૂરૂં થવા આવ્યું ત્યાં પરોઢના ભળભાંખડામાં દુશ્મનનો નિરીક્ષક અમને જોઇ ગયો. તેણે તરત જ અમારા પર તોપખાનાના ગોળા વરસાવવાનું શરૂ કર્યું. સામાન્ય રીતે તોપના ગોળાનાે ફ્યૂઝ તેની ટોચ પર હોય છે, જેથી ગોળો જમીન પર પડે કે તે ફાટે. કેટલાક ફ્યૂઝમાં timer હોય છે જેથી ગોળા હવામાં જ ફાટે અને તેની જીવલેણ કરચ વરસાદની જેમ સૈનિકો પર પડે. દુશ્મને અમારા પર આ પ્રકારના ગોળા છોડવાનું શરૂ કર્યું. આકાશમાં બૉમ્બ ફૂટતાં ઉપરથી ધારિયા જેવી કિલો-બે કિલો વજનની ઘાતક shrapnel વરસાદની જેમ અમારા પર પડવા લાગી. મારા કેટલાય સૈનિકો ઘાયલ થયા અને ઘણા જવાનોએ પ્રાણની આહુતિ આપી. આવી ભારે કરચ મારા કાન પાસેથી સૂસવાટા કરતી વિંઝાઈને જતી હતી. તમે પોતે ૧૯૬૫માં આનો અનુભવ કર્યો છે તેથી તેની ભયાનકતા તમે જાણો છે. આ વખતે પરમાત્માએ મને કદાચ એટલા માટે જીવનદાન આપ્યું કે એક દિવસ કદાચ હું તમને મારી વાત કહી શકું.”
એક જ યુદ્ધમાં સુરસા રાક્ષસીની જેમ મૃત્યુ બે વાર મ્હોં ખોલીને ઉભું હતું તેનો સામનો કરી પોતાને સોંપાયેલી કામગિરી પૂરી કરવા માટે ભારત સરકારે મેજર ભટ્ટને વીરતા માટે સેના મેડલ એનાયત કર્યો. ત્યાર બાદ કર્નલના પદ પર અને બ્રિગેડિયર તરીકે હિમાલયના વિષમ વિસ્તારમાં પદોન્નતિ થઈ, જ્યાં તેમને ઉત્કૃષ્ટ સેવા બજાવવા બદ્દલ વિશિષ્ટ સેવા મેડલ એનાયત થયો. છેલ્લે ૨૦,૦૦૦થી વધુ સૈનિકોની સેનાના જનરલ અૉફિસર કમાંડીંગ તરીકે મેજર જનરલના હોદ્દા પર તેઓ નિવૃત્ત થયા. હાલ મેજર જનરલ પીયૂષ ભટ્ટ, SM, VSM (Retired) અમદાવાદમાં વસે છે.
જુની મૈત્રીનો આદર કરી આ પ્રસ્તૂતકર્તાના પુસ્તક 'જિપ્સીની ડાયરી'માં જનરલ ભટ્ટે પ્રસ્તાવના લખી છે.
જુની મૈત્રીનો આદર કરી આ પ્રસ્તૂતકર્તાના પુસ્તક 'જિપ્સીની ડાયરી'માં જનરલ ભટ્ટે પ્રસ્તાવના લખી છે.