Sunday, January 15, 2017

આસપાસ ચોપાસ : ફિક્કી દાળ... ભાગ ૨.

હવે આપણે સૈન્યમાં અપાતા રાશન વિશે ટૂંકમાં વાત કરીશું.

આપણે જોયું હતું કે સેનામાં બે મુખ્ય વિભાગ હોય છે : આર્મ અને સર્વિસ. આમાં રાશનની ખરીદીથી માંડી તેનેે ફ્રન્ટ સુધી પહોંચાડવાની જવાબદારી સર્વિસ વિભાગમાં આવતા આર્મી સર્વિસ કોર (ASC)ની હોય છે. સેનાના મુખ્યાલયમાં આવેલ આ વિભાગ રાશનની ગુણવત્તા (standards) અને આંક (specifications) નક્કી કરવા ઉપરાંત મેદાની ઈલાકા (plains)થી માંડી સિયાચીન જેવા વિસ્તારમાં પૌષ્ટીક આહાર આપવા કયા કયા ખાદ્ય પદાર્થ કેટલી માત્રામાં આપવા જોઈએ તેનું ધોરણ નક્કી કરે છે. તે માટે તેના ખોરાકમાં જરૂરી પ્રોટિન, કાર્બોહાઈડ્રેટ, વિટામિન, ફાઈબર મળી રહે તે માટે દરેક ખાદ્યાન્નની માત્રા (scale) સેનાના ડાયેટિશિયન નક્કી કરે છે. તે પ્રમાણે દરેક જવાનને દરરોજ કેટલો લોટ, ચોખા, દાળ, લીલોતરી, ‘હાર્ડ વેજીટેબલ’ (દુધી, રિંગણાં વિ.), બટેટા, ડુંગળી, માંસ કે માછલી, ચ્હા, દૂધ, ખાંડ, મીઠું, ‘ડાલડા’, ફળ - આવી વસ્તુઓની ઝીણામાં ઝીણી વિગતે માત્રા નક્કી કરવામાં આવે છે. આમાંની કેટલીક - દૂધ જેવી ચીજો ગરમીને કારણે બગડી જતી હોઈ તાજા દૂધને બદલે કન્ડેન્સ્ડ મિલ્કના ડબા અપાય છે. ખોરાક રાંધવા માટે કેરોસિન, લાકડાં વિગેરે પણ તેમાં આવી જાય છે! આમાંની દરેક વસ્તુનું સ્ટાન્ડર્ડ નક્કી કરવામાં આવે છે - જેમ કે સફરજનની સાઈઝ કેટલી હોવી જોઈએ, તાજા શાકભાજીની ગુણવત્તા કેવી રીતે ચકાસવી વિ. 

આ માટેના ટેન્ડર જાહેર કરી તેના કૉન્ટ્રાક્ટ અપાય છે અને તે ASCના સપ્લાય ડેપોમાં પહોંચાડવામાં આવે છે. વિભાગીય અફસરો માલ સ્વીકારતાં પહેલાં દરેક વસ્તુ નક્કી થયેલ સ્પેસિફિકેશન પ્રમાણે છે કે નહિ તે તપાસે. ઘણી વાર શાક ભાજી sub-standard હોય તો તેનો અસ્વીકાર કરવામાં આવે છે અને તે દિવસે જવાનો માટે તેની અવેજીમાં નક્કી કરેલ વસ્તુ અથવા ટિનમાં પૅક કરેલાં શાકભાજી અપાય છે. કેન્ટોનમેન્ટમાં આવેલ દરેક ફોજી યુનિટના ક્વાર્ટરમાસ્ટર તેમના ટ્રક લઈ સપ્લાય ડેપોમાંથી સામાન તોલાવીને લઈ જાય છે અને ત્યાં કંપનીમાં હાજર સૈનિકોની સંખ્યા પ્રમાણે રાશનની વહેંચણી કરે છે. 

ખચ્ચર પર લાદીને લઈ જવાતી સામગ્રી
યુદ્ધની સ્થિતિમાં અને આંતરરાષ્ટ્રિય સીમા પર રાશન પહોંચાડવાની અને વહેંચવાની પદ્ધતિમાં ફેર હોય છે. સામરિક ગુપ્તતાને કારણે આ વ્યવસ્થાનું વિસ્તારપૂર્વક વર્ણન કરી શકાય તેવું નથી. ફક્ત એટલું જ કહી શકાય કે પહાડી વિસ્તારમાં, અને ખાસ કરીને બરફ પડતો હોય તેવા વિસ્તારમાં જવાનોનું રાશન અમુક હદ સુધી ટ્રક દ્વારા અને ત્યાર બાદ તેને ખચ્ચર કે ટટ્ટુઓ પર લાદી અગ્રિમ ચોકીઓ સુધી પહોંચાડવામાં આવે છે. આ કામ મોસમનો
પહેલો બરફ પડે તે પહેલાં પૂરૂં કરવું પડે છે.

જિપ્સી જ્યારે ૧૩૫૦૦ ફિટની ઉંચાઈએ આવેલ ચોકીમાં કાર્યરત હતો ત્યારે આ કામ પ્રત્યક્ષ જોયું છે. માર્ચ કે એપ્રિલ માસમાં બરફ ઓગળે કે અમારી ચોકીઓમાં કેરોસિનની બૅરલ્સ અને રાશનની વણઝાર આવવી શરૂ થઈ જતી. આટલી ઉંચાઈએ હવાનું દબાણ ઓછું હોવાથી દાળ વિ. ચડાવવા પ્રેશર કૂકર આપવામાં આવે, અને એમર્જન્સી રાશનમાં બદામ, સૂકી દ્રાક્ષ જેવી વસ્તુઓ પણ આપવામાં આવતી. ઓક્ટોબર માસ પહેલાં પાંચ - છ મહિનાનું રાશન ઉંચાઈએ આવેલી ચોકીઓમાં પહોંચી જાય તેવી વ્યવસ્થા કરવામાં આવે છે. જે જગ્યાએ ASCની અૅનિમલ ટ્રાન્સપોર્ટની ખચ્ચરોની ટુકડીઓ ન હોય ત્યાં સ્થાનિક પ્રજાના ટટ્ટુઓ તથા પોર્ટર્સનો ઉપયોગ કરવામાં આવે છે. 

જિપ્સી જ્યારે ૧૩૫૦૦ ફીટ ઉંચાઈએ આવેલી ચોકીમાં હતો
ત્યારે ત્યાં પહોંચાડવામાં આવેલ કેરોસિનની બૅરલ્સ. અહીં અફસર અને સૈનિકોનું
સહભોજન - 'બડા ખાના'નું દૃશ્ય છે.
આવી ઊંચાઈ પર જ્યારે વાતાવરણ માઈનસ ત્રીસ - ચાલીસ ડિગ્રી થતું ત્યારે રાશન કરતાં વધુ ઊપયોગી કેરોસિનની બૅરલ્સ થતી. અમને ગરમાવો બક્ષવા બુખારી નામનાં સાધન કેવળ કેરોસિન પર ચાલે! અને મગ ભરી ભરીને પીવાતી ગરમ ચા જવાનોનું અમૃત ગણાતું. 
આમ દરેક જવાનને સુરક્ષિત રાખવા અને તેમને સમયસર સંતુલિત આહાર મળે તે માટે સૈન્યનું મુખ્યાલય અત્યંત કાળજીપૂર્વક વ્યવસ્થા કરે છે.

આટલી સુંદર વ્યવસ્થા હોવા છતાં ઘણી વાર સમસ્યાઓ ઉભી થતી હોય છે જેને કારણે રાશન સમયસર અગ્રિમ ચોકીઓ સુધી પહોંચી શકતું નથી. આમાંની મોટા ભાગની સમસ્યાઓ કુદરતે સર્જેલી હોય છે. વરસાદ, જમીન ધસી પડે અથવા વૃક્ષો પડવાથી રસ્તા ધ્વસ્ત થતા હોય ત્યારે તેનું સમારકામ ન થાય ત્યાં સુધી મુશ્કેલીઓ પડવાની. આવી હાલતમાં હેલિકૉપ્ટર દ્વારા સામાન પહોંચાડવામાં આવે. જો કે તે માટે કુદરતની કૃપા હોવી જોઈએ! નિસર્ગ દેવતા હવામાનને અનુકૂળ કરે તો જ હવાઈમાર્ગે આ કામ થઈ શકે.
***
 પશ્ચિમમાં આવેલા આપણા પાડોશી રાષ્ટ્ર સાથેની સીમા બે પ્રકારની છે : વિશ્વમાન્ય આંતરરાષ્ટ્રિય સીમા - ઈન્ટરનેશનલ બૉર્ડર તથા લાઈન અૉફ કન્ટ્રોલ અથવા LOC. તેમાંની જમ્મુ કાશ્મિરમાં આવતી સીમા અને LOC લગભગ ૧૮૦૦ માઈલ (૨૯૦૦ કિલોમિટર) છે, જેમાં LOC ૪૬૦ માઈલ (૭૪૦ કિલોમિટર) છે.  સમગ્ર જમ્મુ કાશ્મિરમાં ભારતીય સેના તથા બૉર્ડર સિક્યોરિટી ફોર્સની બટાલિયનો ફરજ બજાવે છે. અહીં એટલું જ કહીશ કે એક બટાલિયનમાં આશરે ૧૦૦૦ સૈનિકો હોય છે અને તેમનું વિભાજન કંપનીઓમાં કરવામાં આવે છે. એક કંપનીમાં ત્રણ પ્લૅટુન હોય છે. કાશ્મિરમાં BSFની બટાલિયનોને ભારતીય સેના (Indian Army)ના અૉપરેશનલ કન્ટ્રોલ નીચે મૂકવામાં આવી છે. સરળ ભાષામાં કહીએ તો BSFની જે ટુકડીઓને ભારતીય સેના હેઠળ તહેનાત કરવામાં આવે, તેમના રાશનની માત્રા અને વહેંચણીની જવાબદારી ભારતીય સેનાની હોય છે. તેથી BSFને અપાતું રાશન તથા ઈંધણ ભારતીય સેનાના ASC વિભાગ તરફથી પૂરૂં પાડવામાં આવે છે.

અહીં કરાયેલા વર્ણનથી આપને ખ્યાલ આવ્યો હશે કે દુશ્મનની સામે રાત દિવસ રાઇફલ તાણીને સજાગ રહેલા સૈનિક માટે સમયસર અને રુચિકર ભોજન મળે તે કેટલું અગત્યનું છે, અને તે માટે તંત્ર કેવી કેવી વ્યવસ્થા કરે છે. સવાલ ઉઠે છે તો આ વ્યવસ્થાનો ભૂમિ પર અમલ કરનાર વ્યક્તિઓની તેમના કામ પ્રત્યેની નિષ્ઠા અને શ્રદ્ધાનો. 

અહીં આવે છે માનવી તત્વ - human element. 

આપણે સૌએ જોયેલી, સાંભળેલી અને વાંચેલી વાતો અંતે તો માનવીય ક્ષતિ અથવા બેદરકારી પર આવીને અટકી જાય છે.


આ ચર્ચાનું સમાપન આવતા અંકમાં કરીશું.  

No comments:

Post a Comment