ચાનો વિષય ચા જેટલો જ લહેજતદાર. બ્લૉગમાં પહેલા બે ભાગમાં ‘ચાય પે ચર્ચા’ થયા બાદ તેને પૂરી કરવાનો વિચાર હતો. પણ ચાને કોઈ દિવસ - કે કોઈ સમયે ના કહી શકાય?
‘ચા - સા’ના લેખ પ્રસ્તૂત થયા બાદ સૌ પ્રથમ જિપ્સીની ભાવનગરની કૉલેજના તેના સિનિયર - ગુરુબંધુનો પત્ર આવ્યો તેનો ઉલ્લેખ કર્યા વગર નહિ રહેવાય. શ્રી. સુધાકરભાઈ શાહ અમારી મંગળદાસ જેસિંગભાઈ કૉલેજ અૉફ કૉમર્સના અગ્રગણ્ય વિદ્યાર્થી હતા. તે સમયે અમારી કૉલેજનો ઉલ્લેખ અમે સૌ વિદ્યાર્થીઓ વહાલથી મં.જે.કો.કો. કરતા. કો.કો. એટલા માટે કે સૌરાષ્ટ્રમાં કોઈ અક્ષર પર પહોેળો ‘અૉ’ હોય તેનો પણ ઉચ્ચાર ‘ઓ’ જ કરવામાં આવે છે. તેથી કૉ. કૉ.નું કો.કો. થયું - જે રીતે ‘હૉલ’નો ઉચ્ચાર ‘હોલ’ અને ‘ડૉલ’નો ઉચ્ચાર ડોલ કરવામાં આવે છે! ખેર, ચાની વાતમાં કોકો - એટલે કોમર્સ કોલેજને વચ્ચે નહિ લાવું. પત્રમાં સુધાકરભાઈએ ચાના બાર જેટલા સુંદર કપ રજુ કર્યા તેમાંનો એક જોઈશું.
ત્યાર પછી ગુજરાતી સાહિત્યના પ્રખર લેખક શ્રી. રજનીકુમાર પંડ્યાએ લખી મોકલાવેલ પ્રતિભાવ. આપે પણ ‘લશ્કરી’ ચા વિશે જોયું કે વાંચ્યું હશે. ચાને ગમે તે નામ આપીએ તો પણ તેમાં રહેલ ‘લક્ઝરી’ ભર્યો સ્વાદ હંમેશા તાજો રહે છે!
"બહુ રસપ્રદ લેખ છે. અભિનંંદન.
"બહુ રસપ્રદ લેખ છે. અભિનંંદન.
1955-57 હું ભાવનગર એમ જે કૉલેજ ઓફ કોમર્સમાં ભણતો હતો ત્યારે ઘોઘા સર્કલ પાસે બે ગાળાની હોટેલ હતી (નામ કદાચ ઇંદ્રભુવન) તેમાં 'લશ્કરી' ચા મળતી. મૂળ નામ તો લક્ઝરી હશે પણ ઉચ્ચારાંતરે એમાંંથી લશ્કરી થઇ ગયું હશે એવો મારો તર્ક છે. ( એ આપ આપના લિસ્ટમાં ઉમેરી શકો) વળી 'ભીની ભેળ' પણ ભાવનગરની પ્રસાદી.એ પછી 1960-61 માં સરકારી ઑડિટર તરીકે નોકરીમાં ભાવનગર આવ્યો ત્યારે ખારગેટ પર ધોબીની શેરીમાં સનાતન હાઇસ્કૂલના નિવૃત્ત શિક્ષક કમલકાંત ડી મહેતાના મકાનમાં ચોથે માળે એક ઓરડીમાં રહેતો ,જો કે એને નાનકડી અગાસીનો લાભ મળતો.એ કમલકાંતદાદાની દોહિત્રી એ આજની સુવિખ્યાત ટીવી અભિનેત્રી અપરા મહેતા, જે એ વખતે મા સાથે મુંબઉથી આવતી ત્યારે મારા ખોળામાં રમતી,
એ ધોબીવાળા ખાંચાની નાકે મેન રોડ પર શિખંડ સમ્રાટની દુકાન હતી એમાં શિખંડ ઉપરાંંત કેસરી ગરમા ગરમ દૂધ પણ મળતું . અવરનવાર આ વૈકલ્પિક પસંદગી કરવાની મૂંઝવણ થઇ આવતી. જો કે શિખંડ પર પહેલી પસંદગી ઉતરતી.
આપના સુંદર ભાવનગરી લેખને કારણે ઘણી બધી યાદો ઊમટી આવી."
***
આપે ચાના જુદા જુદા પ્રકાર વિશે વાંચ્યું અને જાણ્યું હશે, પણ કાશ્મિરી ચા વિશે કદાચ નહિ સાંભળ્યું હોય! આ ચામાં કાશ્મિરની ખીણની સોશિયોલૉજી આવી જાય છે.
***
જ્યારે જિપ્સીની બદલી કાશ્મિરની13000 ફિટની ઊંચાઈએ આવેલી પર્વતરાજિ પર થઈ, ત્યારે તેનો Base Camp ચૌકીબલ નામના ગામડા પાસે હતો. ચોકી પર જતાં પહેલાં અમે એક અઠવાડિયું બેઝ કૅમ્પમાં રોકાયા ત્યારે ત્યાંના તહેસીલદાર અને ગામડાના માતબર લોકો સાથે પરિચય થયો. તેમાંના એક વૃદ્ધ સજ્જને જિપ્સીને ચા પીવા ઘેર બોલાવ્યો. કાશ્મિરના interiorમાં અાવેલા કોઈ સ્થાનિક સજ્જનના ઘરમાં જવાનો આ પહેલો મોકો હતો.
અહીંના મકાન ઘણા સુંદર હોય છે. ૧/૪ કે ૧/૨ એકરના પ્લૉટમાં બે -ત્રણ અખરોટના અને આડુ કે નાસપતિના વૃક્ષ હોય અને વચ્ચોવચ લાકડાનું બે માળનું મકાન. મકાનના ભોંયતળિયામાં ગમાણ, તેની ઉપર મૅઝેનાઈન જેવું માળિયું. માળિયામાં ઘાસના પૂળાનો ગોઠવેલા હોય. મકાનની બહાર કાશ્મિરી મરચાંના હારડા બનાવીને સૂકાવા માટે ટાંગ્યા હોય. શિયાળામાં બરફના થર જામેલા હોય અને જમીનમાંથી ઉપર આવતી અસહ્ય ટાઢને રોકવા માટે આ ગમાણ અને માળિયામાંનું ઘાસ insulationનું કામ કરે. ઉપરના માળ પર પરિવાર રહે.
સમોવાર એટલે પિત્તળની સિરોહી જેવું વાસણ, જેની નીચે સળગતા કોયલા રાખવામાં આવે. ગૃહિણીઓ સમોવારમાં પાણી, દૂધ અને લીલી ચા નાખતી રહે અને ચા ઉકળતી રહે. સમોવારમાં એક વખતે ઓછામાં ઓછી દસ - પંદર કપ ચા ઉકળતી હોય અને ઘરના લોકો સવારથી સાંજ તેમાંથી ચા પીતા રહે. પાણી ઓછું થાય ત્યારે સ્ત્રીઓ તે replenish કરે.
તહેસીલદાર સાથે અમે ઉપર ગયા ત્યારે સરપંચ અને તેમના પરિવારના પાંચે’ક જેટલા પુરુષો એક મોટા સમોવારની આસપાસ પાથરેલા નમ્દા (ભરતકામ કરેલા કામળા) પર બેસીને હુક્કો પીતા હતા.
ચા ખારી હતી.
તેમાંથી બકરીના દૂધની સુવાસ આવતી હતી.
આપણી મસાલાની ચાયને બદલે તેમાં કોઈ વિચીત્ર પ્રકારના ક્ષારનો સ્વાદ આવતો હતો.
અમારા મેજબાન ઉત્સુકતાથી અમારું મોઢું જોતા હતા.
“કેમ સાહેબ, અમારી કાશ્મિરી ચા પસંદ પડી?”
મોઢા પર કૃત્રિમ હાસ્ય લાવીને અમે કહ્યું, “વાહ! બહુ interesting ચા છે!”
“અમારાં બેગમ આવે એટલે બીજો રાઉન્ડ શરુ કરીશું. તેઓ આવીને સમોવારમાં પાણી નાખશે એટલે…”
અમને સમજાયું નહિ. ચહેરા પર પ્રશ્નાર્થ ચિહ્ન જોઈ તેમણે કહ્યું, “બેગમ અને અમારી ન્હૂં (વહુ) જંગલમાં ઘાસ કાપવા ગયાં છે. આવતાં જ હશે. આવતી વખતે નીચેના હૅન્ડ પમ્પથી પાણી લાવશે ત્યારે….આ જુઓ, તેઓ આવી રહ્યા છે !”
મને વિચાર થયો, આ ઘરમાં ઘરડા સરપંચની સાથે તેમના ત્રણ જુવાનજોધ દીકરા છે, તેમ છતાં સમોવારમાં પાણી નાખવા માટે મહિલાઓની રાહ શા માટે જોવી પડતી હશે?
અમે બારીની નજીક પાસે બેઠા હતા. બહાર જોયું તો જંગલમાંથી નીકળતી પગદંડી પર દસ - પંદર કાશ્મિરી સ્ત્રીઓ આવી રહી હતી. જાડા કાપડની સલવાર, ઘૂંટણની નીચે સુધી પહોંચતી કાશ્મિરી ‘ફિરન’, માથા પર અસ્સલ કાશ્મિરી ઢબથી બાંધેલો સ્કાર્ફ. કેટલીક બહેનો માથા પર લાકડાંનો ભારો અને કેટલીક શિર પર ઘાસની મસમોટી ગંજી જેવડી ગાંઠ લઈને આ બહેનો ઝડપથી ચાલતી હતી. તેમાંની ત્રણ બહેનો જે સરપંચના પરિવારની હતી, તેમણે નીચે ગમાણમાં ઘાસ અને લાકડાં નાખ્યાં. બાકીની બહેનો પોતપોતાને ઘેર ગઈ. સરપંચના પરિવારમાંની એક બહેને હૅન્ડ પમ્પથી ડોલમાં પાણી ભર્યું. બીજી બહેનો ઘાસના પૂળા ગમાણની ઉપર બનાવેલા મેઝેનાઈનમાં ચઢાવવા લાગી. ત્રણે બહેનો ઉપર આવતાં અરસ પરસ સલામ - વાલેયકૂમ - થયા. પાણી લાવનાર બહેને સમોવારમાં પાણી ભર્યું અને થોડી વારે પાણી ગરમ થતાં તેમાં ઘેરા લીલા રંગની ચા, મીઠું અને સોડા-બાઈ કાર્બ નાખ્યો. ચા ઉકળવા લાગતાં તેમાં તાજું દોહીને આણેલું બકરીનું દૂધ પડ્યું. એક બહેન તાસકમાં તલ લગાડેલા બન-પાઉં લઈ આવ્યા, ચા ફરીથી ઉકળવા લાગી અને ચાનો બીજો દોર શરૂ થયો. સાથે સાથે વાતો.
“સા’બજી, હુક્કા..?”
મેં ના પાડી.
“અમારી ચા કેવી લાગી?“
“બહુ ઈન્ટરેસ્ટીંગ ચા છે. અમે બનાવીએ તેનાથી સહેજ જુદી, પણ છે મજાની ! ક્યાંથી મંગાવો છો?”
“ઇન્ડિયાથી. અમારી જરુરિયાતને ધ્યાનમાં રાખી તેઓ ખાસ અનપ્રોસેસ્ડ ચા અમારા કાશ્મિરમાં મોકલે છે.”
હું વિચારમાં પડી ગયો અને સ્વગત બોલ્યો, “ઇન્ડિયાથી? તો પછી કાશ્મિર ક્યા દેશમાં છે?” (આ વાત ૧૯૮૦ની છે!)
“ચામાં આવો સુંદર રંગ કેવી રીતે આવે છે?”
“કાશ્મિરી ચાનો લીલો રંગ, તેમાં પડેલું મીઠું, સોડા બાઈકાર્બ અને દૂધનું અજબ રસાયણ થાય છે. તેનો આ રંગ છે.”
“ચામાં સોડા નાખવાનું પ્રયોજન?”
“આ તો વર્ષો જુનો રિવાજ છે. અમને તો ખબર નથી, પણ તેનાથી ચાના ઝાયકામાં વધારો થતો હોય છે.”
બીજો - અને ત્રીજો કપ (ત્રણ કાશ્મિરી કપ એટલે આપણા દોઢે’ક કપ) થયા પછી અમે સરપંચનાે અને તેમના પરિવારનો આભાર માન્યો અને રજા લીધી.
બહાર નીકળ્યા બાદ તહેસીલદાર (મામલતદાર) કહેવા લાગ્યા, “મેજર સા’બ. તમે સોડા-બાઈકાર્બનો સવાલ પૂછ્યો, તેમાં અને અમારી ચામાં અમારા સમાજની સોશિયોલોજી સમાઈ છે.” હું BSFમાં ડેપ્યુટી કમાન્ડન્ટ હતો તેથી તે મારી રૅંકનો અશોક સ્થંભ જોઈ તેઓ મને મેજરસા’બ કહેતા.
“હું સમજ્યો નહિ,” મેં કહ્યું.
“અમારા વિસ્તારમાં લોકોનો ગુજારો તમારી મિલિટરીના આધારે ચાલે છે. વસંત ઋતુની શરૂઆત થતાં ઉપરના પહાડોમાં આવેલી તમારી ચોકીઓમાં માલ-સામાન પહોંચાડવા અહીંનો પુરુષ વર્ગ કુલીઓનું કામ કરે છે. તમારે ત્યાં બાબુઓને પગાર મળે તેથી વધુ તેમને મજુરી મળે છે. જેમની પાસે માલવહન કરવા ટટ્ટુ હોય તે મહિનાના બે - ત્રણ હજાર કમાય.” આ રકમ તે સમયે અમારા જવાનના પગાર કરતાં દસ-બાર ગણી થતી.
“તો પછી આ લોકો ઘણા શ્રીમંત હોવા જોઈએ.”
“જી ના. આ કમાણી કેવળ ત્રણ કે ચાર મહિના માટે હોય છે. પહેલો બરફ પડતાં જ તેમની વણઝાર બંધ પડી જાય છે. આ ચાર મહિનામાં કમાય તેમાં આખું વરસ કાઢવું પડે.”
“તો પણ કમાણી તો સારી…”
“અરે સાહેબ, આ કમાણી બૈરી લાવવા ભેગી કરવામાં આવે છે.” મારા ચહેરા પરનું પ્રશ્ન ચિહ્ન જોઈ તેમણે કહ્યું, “અા વિસ્તારમાં કન્યાના બાપને પચાસ- સાઠ હજાર રૂપિયા આપવા પડે છે. રોકડા.”
મારા ચહેરા પરનું પ્રશ્ન ચિહ્ન વધુ લાંબું ખેંચાયું.
“અબ્બી હાલ તો તમે જોયું કે ચા પીવા સમગ્ર પુરુષ વર્ગ પલાંઠી વાળીને સમોવાર ફરતો બેઠો હતો, જ્યારે સ્ત્રીઓ રસોઈ માટે લાકડાં કાપવા અને ગાય માટે ઘાસ વાઢવા જંગલમાં ગઈ હતી. સવારના પહોરથી સ્ત્રીઓ કામ કરે. ગમાણ સાફ કરવાનું, પશુને નિરણ-પાણી, મરદ લોકો માટે ભોજન રાંધવાનું, વાસણ ધોઈ, ઝરણાંને કાંઠે કપડાં ધોવા જવાનું, ત્યાર પછી બપોરે જંગલમાં લાકડાં કાપવા, ઘાસ વાઢી લાવવા, હૅંડ પમ્પ હોય તો નસીબ નહિ તો ચશ્મા પર જઈ પાણી લઈ આવવાનું - આ બધું કામ સ્ત્રીઓ જ કરતી હોય છે. આમ સ્ત્રીઓનું મૂલ્ય અમારે ત્યાં…”
“તો પછી શિયાળામાં જ્યારે કામ ન હોય ત્યારે પુરુષ વર્ગ તેમને મદદ નથી કરતો?”
“સ્ત્રીઓને ઘરકામમાં મદદ કરવી હોય તો તેમના બાપને આવડી મોટી રકમ આપવાની જરૂર શી?.”
“સમજ્યો. પણ તહેસીલદાર સાહેબ, ચામાં સોડા-બાઈકાર્બનો મરમ સમજાયો નહિ. તે એક પ્રકારનો ક્ષાર જ હોય છે. કાશ્મિરી ચામાં ખાંડને બદલે મીઠું પડતું હોય છે તો વધારાનો ક્ષાર…?”
તહેસીલદાર સાહેબે હળવું હાસ્ય કર્યું. મારી સામે જોઈ તેમણે કહ્યું, “મેજર સા’બ, તમે જોયુું નહિ સરપંચના ઘરમાં પુરુષ વર્ગ શું કરી રહ્યો હતો? તેઓ સવારના પહોરથી આખો દિવસ સમોવારની સામે બેસી રહે છે, ચા પીએ, બન ખાય, હુક્કો પીએ અને ભોજનનો સમય થતાં મહિલાઓ ભોજન બનાવી લાવે ત્યારે જમે છે. રાતે સમોવારની આસપાસ જ સુઈ જાય છે. બહુ બહુ તો ફિરનની અંદર કાંગડી લઈને બહાર ભાઈબંધને મળવા ચક્કર મારી આવશે. બહારનું બધું કામ સ્ત્રીઓ કરે તેથી તેમને તો પૂરતી કસરત મળી રહે છે. આ આળસુ લોકો બેસી રહે તો તેમને ખાવાનું હજમ કેવી રીતે થાય? આનો સરળ ઊપાય છે ચામાં સોડા બાઈકાર્બ નાખવો. તેનાથી તો એમનો હાજમો ઠીક રહે છે.”
***
વર્ષો પહેલાં નિશાળમાં અમને અંગ્રેજીના પાઠ્યપુસ્તકમાં W. Somerset Maugham લિખિત એક નિબંધ હતો : Beast of Burden in China. તેમાં ચીનના કુલીઓનું સવિસ્તર વર્ણન હતું. કેવી રીતે તેઓ કાવડમાં ભારે માલ સામાન ભરી, ખભા પર ઉઠાવીને લઈ જતા હોય છે. મૉમે થોડી અતિશયોક્તિ કરી હતી કે નાનપણથી આવી કાવડ ઉપાડવાથી ચીનાઈ કુલીઓના ખભા પર ખાંચો પડી જાય છે, જેમાં કાવડ બરાબર ‘ફિટ’ થતી હોય છે!
કાશ્મિરી સ્ત્રીઓના મસ્તક પર આખી જીંદગી વજન ઉપાડવાથી તેમના મગજમાં કોઈ અસર થઈ હશે?
અને પુરુષો? કાશ્મિરમાં સ્ત્રીઓ આખો દિવસ તનતોડ મહેનત કરતી હોવાથી જ શું પુરુષોનાં ટોળાંઓને પત્થરબાજી કરવા, વારે વારે હડતાલ પડાવવા, હુલ્લડબાજી કરવા માટે સમય મળતો હોય છે?
***
ચાનો વિષય ઘણો રસપ્રદ છે. ચામાં કલા છે, સ્વાદ છે, રહસ્ય છે, ઈતિહાસ છે. તેમાં સમાજશાસ્ત્ર અને રાજકારણ ભળેલાં છે એ કાશ્મિરમાં રહ્યા પછી જ સમજાયું.
તો બાપુ થઈ જાય ચા? કેવી લેશો? ઈંગ્લીશ ટી કે ઇન્ડિયન ચાઈ? કે પછી હર્બલ અથવા કાશ્મિરી?
No comments:
Post a Comment