Saturday, July 30, 2016

ઇગ્નરન્સ ઈઝ બ્લિસ - અર્થાત, ન જાણવામાં નવ ગુણ

એક દિવસ હું બસ સ્ટૉપ પર ઊભો હતો. લંડનમાં અમને સિનિયરોને કાઉન્સિલ તરફથી બસ અને લંડન અંડરગ્રાઉન્ડ (જેને સામાન્ય રીતે ‘ટ્યૂબ’  કહેવામાં આવે છે તે)માં મફત પ્રવાસ કરવાના પાસ મળતા હોય છે. શરત માત્ર એટલી કે સવારના નવ પછી જ તે વાપરી શકાય. અમે બુઢિયાઓને વહેલા ઉઠીને કામ પણ શું કરવાનું હોય? આપણે તો બાપુ, આરામથી ઉઠી બસ પકડીને વેમ્બ્લીના ઈલિંગ રોડ પર જઈએ. ત્યાં આપણા લોકોની ભીડ, રંગ -બેરંગી કપડામાં ફરવા આવતા લોકો અને મુખ્ય તો  ત્યાંની કેટલીક રેસ્ટોરાંમાં પાંચ પાઉન્ડમાં મળતી દાળ - રોટલાની પ્લેટનું ભોજન પતાવી સાંજનો ટ્રાફિક શરૂ થાય તે પહેલાં ઘેર પહોંચી જઈએ.  

આજે ક્યાં જમવા જવું તેનો વિચાર કરતો હતો ત્યાં બસ સ્ટૉપ પર એક મોટી ઉમરનાં બહેન આવ્યાં. મને જોઈ તેમણે થેલીમાંથી પડિકું કાઢી મને કહ્યું, “ઠાકોરજીનો પરસાદ છે,” અને હું કંઈ કહું તે પહેલાં પેલા જુના છાપાના પડિકામાંથી મગસનો કકડો કાઢી મારી સામે ધર્યો. હું બહુ ધાર્મિક નથી, અને ઠાકોરજીને ચઢાવેલો ભોગ મારો ભોગ લઈ શકે તેમ છે કે કેમ તેનો વિચાર કરતો હતો ત્યાં એક મોંઘી લેક્સસ કાર બસ સ્ટૉપ પાસે ઉભી રહી. તેની પૅસેન્જર સીટની બારી ખુલી અને અંદરથી અવાજ આવ્યો, “એ, મગનભાઈ, હાલો, ક્યાં જાવું છે? વેમ્બ્લી જાતા હો તો આવી જાવ, ભેગા જાશું.” 

મેં જોયું તો ભૂરા રંગના સૂટમાં સજ્જ એવા પ્રભાવી ચહેરાવાળા સજ્જન મને બોલાવી રહ્યા હતા. વિસે'ક સેકન્ડ ધારી ધારીને જોયા બાદ મેં તેમને ઓળખ્યા. પૂર્વ આફ્રિકાના સમયના આ મારા મિત્ર હતા. તે વખતની તેમની સિકલ અને અત્યારે તેમાં થયેલું મેટામોર્ફોસીસ જેવું પરિવર્તન કોઈને પણ ચકરવામાં નાખી દે તેવું હતું. પહેલી વાર કેન્યામાં તેમને મળ્યો ત્યારે તેમના ચહેરા પર એક પ્રકારની લાચારી દેખાતી હતી. શ્રીમંત ઘરની છોકરી સાથે ગરીબ વ્યક્તિના લગ્ન થાય ત્યારે તેના જે દેદાર હોય તેની કલ્પના કરો તો હું શું કહેવા માગું છું તે સમજાશે. લગ્ન પછી તેમની અંગત હાલત - એટલે સ્વમાનને લાગેલા ક્ષયરોગ વિશે સાંભળ્યું હતું. તેમનો ઉત્સાહ વધારવા હું તેમને બાના-કૂબા એટલે 'માન્યવર સજ્જન'ના સમકક્ષ સ્વાહિલી શબ્દથી બોલાવતો. 

બાના કૂબાના દાદા ૧૯૩૦ના દાયકામાં પૂર્વ આફ્રિકા ગયા હતા. તેમના પિતા અને ત્યાર બાદ તેમનો પોતાનો જન્મ પણ આફ્રિકામાં. અમારે ત્યાં - એટલે પૂર્વ આફ્રિકામાં ઘેર ભલે ગુજરાતી બોલાય, પણ તેમાં સ્વાહિલી શબ્દોનો ઊપયોગ વધુ થતો. દાખલા તરિકે થાળીને ‘સાની’, વાટકીને ‘બાકુડી’, રસોડાને ‘સકોની’ અને મહેમાનો માટે ‘મગેની’ શબ્દ વપરાય. ઊંડા અર્થ વાળા આપણા તળ ગુજરાતી શબ્દ પ્રયોગથી લગભગ સૌ અજાણ્યા હતા. મને ગુજરાતી સાહિત્યનો શોખ એટલે મારી વાત સહેજ જુદી હતી. એક વાર તો ઉત્સાહના માર્યા મેં પચાસ પાનાંની ચોપડી લખી અને મારા ખર્ચે તેની પાંચસો નકલ છપાવી હતી. પુસ્તકનું નામ હતું “ઘેર બેઠાં કિ-સ્વાહિલી શીખો”. ચોપડી વેચાવા કરતાં વહેંચાઈ વધુ હતી. ’સહર્ષ ભેટ’ આપવામાં લગભગ બધી નકલ જતી રહી હતી. મને તેના બે મોટા ફાયદા થયા : એક તો મોટી સંખ્યામાં લોકો મને ઓળખવા લાગ્યા હતા. બીજું, મારૂં નામ હવે મગન દેસાઈમાંથી મગન સ્વાહિલી થઈ ગયું.  

પુસ્તકની વહેંચણીમાં મારા આ મિત્રનો મોટો ફાળો હતો. તેઓ તેમના શ્વશુરની સોના-ચાંદીની દુકાનમાં કામ કરતા હોવાથી તેમના વિશાળ ગ્રાહક વર્ગમાં આ ચોપડી સહેલાઈથી વહેંચાઈ ગઈ હતી. આમ મારું નામ પ્રખ્યાત કરવામાં તેમનો મોટો ફાળો હોવાને કારણે પણ હું તેમને ‘બાના - કૂબા’ કહીને બોલાવતો.

આજે બદલાયેલી સિકલવાળા અને આટલી મોંઘી કારના માલિકની અદાથી તે ચલાવતા હોવાથી હું ઘણો પ્રભાવિત થયો. હું મોટરમાં બેસી ગયો અને અમે ઉપડ્યા વેમ્બ્લીના કાલબાદેવી - ઈલિંગ રોડ તરફ. 
“આ કાર…?”
“આપડી જ છે!”
“ક્યારે લીધી?”
“ગયા મહિને જ જોડાવી. પડિકા-બંધ,” ગૌરવથી સ્ટિયરિંગ પર હાથ ફેરવતાં બાના કૂબા બોલ્યા.
“એમ?”
“ભૈ સમય સમયને માન છે!”
“અરે વાહ! શું તમને કોઈ લૉટરી કે ભાભીના પિતાનો વારસો…?”
“અરે, જાવા દ્યોને, બાના! આ લૉટરીયૂં કંઈ રેઢી પડી છે? તમે તો જાણો છો કે અમે થિગડાં સોની હતા બાપાની દાગિના રીપેર કરવાની અને તેમાં ટાંકા મારવા કે પાણી ચઢાવવાની દુકાન હતી. હું ન્યાં કામ કરતો. મારા સસરા ઘરેણાં સોની. મોટી દુકાન, પણ એમનો વારસો એમના દીકરાંવને.  આ તો જાત મે’નત અને અમારાં સદ્ગત્ પત્નીની કૃપાથી બધું પ્રાપત થયું છે.
“એટલે?”
“તમને ટાઈમ હોય તો નિરાંતે વાત કરીએ.”
Image result for perrier water limeમારી પાસે તો ટાઈમ જ હતો. બાના કૂબા મને વેમ્બ્લીની હિલ્ટન હૉટેલની લાઉન્જમાં લઈ ગયા. હૉટેલના બારમાં અમે જઈ લાઈમ પેરિયેની લીલી બાટલીઓ લઈને ખૂણાના ટેબલ પર જઈને બેઠા.” ગુજરાતની પાનની દુકાનોમાં મળતી સોડાની બાટલીમાં લિંબુની સુગંધ આવતી હોય તેવી આ મોંઘી સોડાની ચૂસ્કી લેતાં બાના કૂબા બોલ્યા, “અમારા લગન વખતે તમે નાઈરોબી નો’તાં ને?”
“ના. હું ઇન્ડિયા ગયો’તો, મારી ચોપડી છપાવવા.”
“લોકા તો મને આ લગન કરવાની ના પાડતા’તા. એમણે તો કી’ધું પણ ખરૂં કે કાન્તા હારે તને નૈ ફાવે. એક તો મટાટો કરવાની એને ટેવ છે. દિ’માં એક - બે મટાટા ન કરે તો તેને રાતે ઉંઘ નો આવે.”

મટાટો એટલે  ઝઘડો. તમે લાયન કિંગ જોયું હશે તો તેમાં તમે તેમાં એક ગાયન સાંભળ્યું હશે, “હકૂના મટાટા…”

“લોકાએ તમારો એક ગુજરાતી શબ્દ વાપરીને તેની આદત વિશે વાત કી’ધી'તી. આપડે તો ગુજરાતી ખાસ ભણ્યા નો’તા તેથી તેની ફિકર નો કરી.”

મારૂં કામ તો બાના કૂબાની વાત સાંભળવાનું હતો. હું ચૂપચાપ સાંભળતો રહ્યો.

“લગન પછી બાના, આપડે ડબલ કામ થઈ ‘ગ્યું. સવારે વે’લા ઉઠીને કાંતાને ચા આપી, નાસ્તો તૈયાર કરી પેઢીએ જાવાનું. કાંતાની બાનું ઘર નજીક હતું તેથી તેમનો બૉયટો અાવી ઘર કામ કરી જતો. પણ રોજ હાંજે ખાવાનું બનાવવાનું, વાસણ-પાણી કરવાનું કામ આપડે જ.”

“તો પછી…?”

“બાપુ, ઈ’જ તો લંડન આવીને કામ આવ્યું. આંયા બૉયટા ક્યાં? સવારની ચા અને બ્રેકફાસ્ટ આપડે તૈયાર કરી ફૅક્ટરીમાં કામે જાતાં. ઘર પાંહે’જ હતું તેથી લંચ અવરમાં જલદી ઘેર જઈ સાદું લંચ બનાવું. બિચારી કાંતાને તો કામની ટેવ નૈ, તેથી વાસણ-પાણી કરીને કામે જતો. સાંજે મજાનાં દાળ-ભાત-શાક રોટલી…”
“એમ? કાન્તાભાભીને એ ફાવે…?”
“અરે ના, ભાઈ. આપડે જ.”
“તો પછી આ મોટર…”
“ભૈ, ઘરમાં સાફ -સફાઈ, રસોઈ પાણી, ગ્રોસરી શૉપિંગ, કપડાં, વાસણ કરી કરીને તેમાં એવો પાવરધો થયો…”
“પણ આ મોટર, પૈસા…”
“તમે હજીયે નો સમજ્યા. આ બધો અનુભવ મને કામ આવ્યો કાઉન્સિલની નોકરીમાં. અહીં સોશિયલ સર્વિસિઝમાં ઘરડા અને અપંગ લોકાને ઘરકામમાં મદદ કરવા, સાફ સફાઈ કરવા ‘હોમ હેલ્પ’ માં નોકરીયૂં અપાય છે. આપડા લોકાંને મદદ કરવા ગુજરાતી - ઉડદૂ બોલનાર કરમચારી જોઈએ. મારી ફૅક્ટરીની નોકરી ગઈ એટલે મને આ નોકરી મળી…”

“પણ બાના કૂબા, આ નોકરીમાં કેટલી આવક…?”

“જુઓ, ચાર વરહ કાઉન્સિલનું કામ કરિયું ત્યાં સુધીમાં કાઉન્સિલ પાસે પૈસા ખૂટ્યા. તેમણે હોમ હેલ્પની સેવા પ્રાઈવેટાઈઝ કરવાનું નક્કી કર્યું. આપડો સ્વભાવ તો તમે જાણો છો. અમારા ખાતામાં સૌને હું ગમતો. એમની સૌની નોકરી ગઈ એટલે મેં સૌનાં નામ-સરનામા લીધા અને કીધું કે હું કૉન્ટ્રાક્ટ લેવા અરજી કરું છું. મલે, તો મારી હારે કામ કરશો? મારા વાલીડા, સૌ તૈયાર હતા. આપડે તો બાપુ, બિટ મૂકી અને કૉન્ટ્રૅક્ટ મલી ગ્યો. વર્ક ફોર્સ તૈયાર જ હતું!”

“અરે વાહ, બાના! તમે તો કમાલ કરી.”

“કમાલ તો પછી થઈ. એક કૉન્ટ્રૅક્ટ મળ્યો, ત્યાર પછી બીજી, અને ત્રીજી કાઉન્સિલનો. અત્યારે આપડી પાહેં છ કાઉન્સિલના કૉન્ટ્રક્ટ છે.” ઈમાં જ આ ગાડી, રિકમૅન્સવર્થમાં ડિટૅચ્ડ બંગલો અને…”
“કાન્તાભાભી તો ખુશ હશે!” મેં ક્યું.
“એ બિચારી તો પાંચ વરહ પે’લાં ગુજરી ગઈ.”
“તો…”
“મેં તમને કી’ધું ને, કે એને કામ કરવાની આદત ન’તી, અને તેથી આપડે એક્સપર્ટ થઈ ગયા હતા. બીજી ખાસ વાત તમને ન’તી કી’ધી તે અમારા લગન પે’લાંની. લોકા મને કાન્તા હારે લગન કરવાની ના પાડતા’તા અને એના સ્વભાવ હાટુ એક શબ્દ કિધો તો. એનો અરથ તે વખતે ન’તો જાણતો, તેથી તેની પરવા નો કરી અને લગન કઈરા.”
“એમ? કયો શબ્દ?”
“લોકા કે’તા તા, કાન્તા ફૂવડ છે. મને લાગ્યું ઊંઘ નો આવવાની બિમારી કે ડિસેબિલિટી હશે. મેં ધ્યાન નો આઈપું."
“એ વખતે તમને કોઈએ એનો અર્થ કીધો હોત તો?”

ઈ વખતે આ શબ્દનો અરથ કે મરમ જાણતો હોત તો એની હારે લગન નો કઈરા હોત. એક તો બિચારી ફૂવડ, અને ઉપરથી મટાટો કરવાની ટેવ. અટલે જ તો તેને કોઈ પૈણતું ન’તું. પણ હવે એની Bright side કહું. આ જાણતો ન'તો તેથી જ તો આપડી પાંહે આ મોટર, બંગલો, પૈંયા, ઈજ્્જત -હંધુ'ય છે."

કોણ કહે છે Ignorance is not bliss?

No comments:

Post a Comment