Thursday, May 26, 2016

આસપાસ - ચોપાસ : જોડણી સ્વાતંત્ર્ય


અમને પ્રાથમિક શાળામાં મૂકવામાં આવ્યા ત્યારથી જોડણી પર ખાસ ભાર મૂકવામાં આવતો. ચોથા ધોરણમાં આવ્યા ત્યાં સુધીમાં 'દિન' અને 'દીન' વચ્ચેનો લખાણ અને ઉચ્ચારમાં થતો ફેર માસ્તર સાહેબ બરાબર ગોખાવતા : 'દીન'નો ઉચ્ચાર ''દીઈઈઈન" અને 'દિન'ને 'દિન્્' કહી બન્ને વચ્ચેનું અંતર સમજાવતા. 

વર્ષો વીત્યા. અનુસ્વાર, જોડણી, વ્યાકરણ  - સઘળી વાતો પર નવા પ્રયોગો થયા.  ગુજરાતી સાહિત્યમાં થયેલો આ ચમત્કાર એક નવી વિચાર-શાળાના  (જેને અંગ્રેજીમાં School of Thought કહેવાય છે) આયોજકોને આભારી છે. અંગ્રેજીમાં તેના પ્રમુખ ક્રાન્તિકારી જ્યૉર્જ બર્નર્ડ શૉ હતા. તેમણે તો જાહેર કર્યું હતું કે અંગ્રેજી મૂળાક્ષરોની સંખ્યા ૨૬માંથી ઘટાડી પંદર કે વીસની કરશે તેને દસ હજાર પાઉન્ડનું ઈનામ આપવામાં આવશે.

ગુજરાતીમાં આવી 'શાળાઓ'ના અનેક સ્થાપકો છે, જેમાંના કેટલાક સાક્ષરો એવું માને છે કે માણસ ગમે તે રીતે લખે, ભલે તે ‘સાર્થ’, ‘ઉંઝા’ કે જોડી કાઢેલી જોડણી (અહીં શ્લેષ જાણી જોઈને કરવામાં આવ્યો છે)માં હોય, પણ જ્યાં સુધી વાચક તેને સમજી શકે છે, ત્યાં સુધી લેખનશુદ્ધિમાં માનનારાઓને કશું કહેવાનો અધિકાર નથી. આજ કાલ કેટલાક બ્લૉગમાં ચર્ચા ચાલી રહી છે તે ગુજરાતી વ્યાકરણની. અહીં ગુજરાતી વ્યાકરણની રચના આચાર્યશ્રી હેમચંદ્રાચાર્યે કરી કે ફૉર્બ્ઝ જેવા ગુજરાતી-પ્રેમી અંગ્રેજે કરી, અને શા માટે કરી તેની ચર્ચા નહિ કરીએ. હા, નિશાળમાં ભણતા ત્યારે કેટલાક વિદ્યાર્થીઓને અપાતા ‘ડિક્ટેશન’ એટલે ‘શુદ્ધ લેખન’માં નીકળતી જોડણીની અશુદ્ધિઓ માટે ૧૦માંથી શૂન્ય માર્ક મળતા ત્યારે મારા આવા સાથીઓના મુખેથી ગુજરાતી વ્યાકરણ માટે નીકળતી અવાચ્ય ભાષા સાંભળી કાનમાંથી અદૃશ્ય આંસુ નીકળતા હોય તેવું લાગતું.

કેટલાક દિવસ અગાઉ મારા એક સન્માનનીય મિત્રના બ્લૉગમાં ગુજરાતી લેખનમાં અનુસ્વારના પ્રયોગ વિશે ચર્ચા ચાલી હતી. તેમાં પ્રશ્ન કરવામાં આવ્યો હતો કે નીચે લખેલા શબ્દો અને તેની અવેજીમાં કરવામાં આવેલી જોડણીમાં કોઈ અશુદ્ધિ લાગે છે?.

બંધન -  બન્ધન

કંગન - કન્ગન

કાંગ - કાન્ગ

અંજન - અન્જન

આંખ -આન્ખ


આ બધામાં એક નાની સરખી (વેદિયા વૃત્તિની) વાત એવી નીકળે છે કે જે શબ્દમાં વચલો અક્ષર કંઠ્ય ( એટલે ક, ખ, ગ, ઘ) હોય ત્યાં તેના આગલા અક્ષરના માથે અનુસ્વાર જાય ; નહિ કે વચલા - કંઠ્ય અક્ષર સાથે અર્ધ ‘ન્’ કે ‘’મ્’ ના સ્વરુપે. આપ સહુ જાણેા છે કે લેખિત શબ્દનો ઉચ્ચાર સાથે અભેદ્ય સંબંધ હોય છે. કોઈ જો 'કંગન'ને ‘કન્ગન’ લખે તો ઉચ્ચાર પણ ‘ક-ન્-ગન’ થાય,  જેમાં અર્ધ ન્ પર સહેજ વધુ ભાર આવે. બાકીના માટે વૈયાકરણિયોએ કશો ક્ષોભ કે ચિંતા વ્યક્ત કરી નથી.

અનુસ્વારની અને તેના ઉચ્ચારની વાત કરીએ તો હું ભાષાશાસ્ત્રીઓને એક શબ્દ ઉચ્ચારવાનો પડકાર આપું છું. પહેલી વાર જ્યારે આ શબ્દ મેં ટેલિવિઝનની સિરિયલ ‘તમન્ના’માં વાંચ્યો ત્યારે અનેક પ્રયત્નો કરવા છતાં હું તે ઉચ્ચારી ન શક્યો. બુલંદગંજની શાળાના મુખ્યાધ્યાપકનું નામ પાટિયા પર આમ ચિતર્યું હતું : પિતાબંર શર્મા. આપણે આ લખેલું બોલી સંભળાવવાનો પ્રયત્ન કરીએ! અા શબ્દમાં અનુસ્વાર ‘બ’ પર છે. જો કે બાદમાં દિગ્દર્શકની નજરે કોઈએ આ વાત બતાવી અને તેમણે પાટિયું બદલીને ‘પિતાંબર’ કર્યું હતું! આપણા વ્યાકરણ વિરોધી સાક્ષરોએ મને કહ્યું, “આ જ તો અમારી વાતની ખુબી છે! લખો ગમે તેવું પણ તમે પોતે સમજીને ઉચ્ચાર તો બરાબર જ કરવાના અને તેનો અર્થ પણ બરાબર સમજી જવાના! તો જોડણીની મગજમારીમાં શા માટે પડો છો?”

મારી જાણમાં આવા સાક્ષરો છે. એક સાક્ષરે લેખકને “જિપ્સીની ડાયરી’ને બદલે નવું શિર્ષક સૂચવ્યું : “વટેમાર્ગુનો રઝડપાટ”. તેમનું માનવું હતું કે અમે ભલે 'રઝડપાટ' કહીએ પણ સમજનારા તેને રઝળપાટ સમજી લેશે. આવા જ એક પ્રતિભાવમાં લખાયું, “આંખમાં ઝડઝડિયાં આવી ગયા.” ભુજમાં હતો ત્યારે એક રેસ્ટોરન્ટની બહાર પાટિયું હતું, “અહીં ઉકાડેલું દૂધ મલસે”. કોઈએ આ બાબતમાં માલિકને ટોક્યા ત્યારે તેમણે કહ્યું, 'ભાય, તમારે દૂધ પીવું હોય તો આંાયા બેસો. પંતુજીગિરી કરવી હોય ન્યાં હામેની સ્કૂલમાં જાવ. ત્યાં કોઈ માસ્તર ટકતા નથી. તમને હટ્્ દઈને કામે રાખી લેસે. ”

મારી નમ્રતાપૂર્વકની માન્યતા છે કે લખાણ, જોડણી અને ઉચ્ચાર એકમેક સાથે અતૂટ રીતે જોડાયેલા હોય છે. ફક્ત ‘સાક્ષરો’માં આ વિશે બે મત હોય છે. અહીં એક વાત જરૂર કહીશ કે લખાણ અને ઉચ્ચાર કોઈ વાર જીવન -મરણનો સવાલ થઈ શકે છે. ૧૯૫૧ની સાલમાં મેં એસ.એસ.સી.ની પરીક્ષા આપી ત્યારે ગુજરાતીના પેપરમાં નિબંધ માટે ત્રણ પર્યાય આપ્યા હતા. જેમાંનો એક હતો, ‘પાળિયાની આત્મકથા”. સુરત કેન્દ્રના મોટા ભાગના પરીક્ષાર્થીઓ, જેમણે આ વિષય પર નિબંધ લખ્યો, બધા નાપાસ થયા. કારણ સામાન્ય હતું. તેઓ ‘ળ’નો ઉચ્ચાર ‘ડ’ કરતા હતા અને તેમણે ભેંસના બચ્ચાની આત્મકથા લખી નાખી હતી. હવે આપણી માતૃભાષામાં જ નાપાસ થયા હોય ત્યાં જીવવું કે મરવું એક સરખું છે એવી માન્યતા લઈને એકાદ - બે જણા તાપી નદીના પુલ પર ગયા હતા. જો કે પોલિસનો જોરદાર પહેરો હોવાથી તેઓ બચી ગયા.

પરદેશમાં વસતા કેટલાક સાક્ષરો આવા જોડણી સ્વાતંત્ર્યને તો બિરદાવે જ છે, પણ વ્યાકરણના નિયમો લેખકને બંધનકારક ન હોવા જોઈએ એવો તેમનો પુણ્યપ્રકોપ સુદ્ધાં જોવા મળ્યો છે. તેમની નજરે વાત સીધી અને સરળ છે : “જ્યાં સુધી લખનારનો મતલબ વોંચનાર હમજી સકે ત્યાં તમારા જેવા વેદિયાઓની વાત ચાલી સકવાની નથી. તમારી વેવલાઈ અમોને મજુર નથી.” અહીં એક અનુસ્વાર ગુમ છે, પણ શમજવાવાળા શમજી જસે કે અહીં મંજુર - અથવા મન્જુર કહેવાયું છે.

વ્યાકરણ, લેખન અને ઉચ્ચારણમાં થતા ફેરફારથી ઘણા ગોટાળા થાય છે. આધુનિક ‘સાક્ષરો’ ‘શ’ અને ‘સ’ના ફેરમાં માનતા નથી. તેઓ હંમેશા ‘શકે છે’ ને બદલે ‘સકે છે’ લખે છે. ઉચ્ચાર કેવો કરતા હશે એ તો ભગવાન જાણે. પણ જુના જમાનામાં ચુનિલાલ મડિયાની એક શ્રેણી ગુજરાતના એક સામયિકમાં આવતી હતી તેમાંનો એક પ્રસંગ કહીશ.

એક બની બેઠેલા નેતા આમરણાંત ભુખ હડતાલ પર ઉતર્યા હતા. તેમની તબિયત થોડી નાદુરસ્ત થઈ ત્યારે તેમના ભક્તોએ તેમની સામે બેસીને ભજન ગાવાની શરૂઆત કરી. તેમાં કોરસમાં ગાનાર ભાઈઓ અને બહેનો મુખ્ય ગાયીકા બહેનનું શબ્દશ: અનુકરણ કરતા હતા. ભજનની પહેલી કડી સાંભળીને નેતાજી સફાળા બેઠા થયા અને આ ભજન બંધ કરાવ્યું કેમ કે બહેન અને તેમના સાથીઓ ગાતાં હતાં :

‘ઈશ્વર અલ્લા તેરો નામ, શબ કો શન્મતિ દે ભગવાન” - જેમાં ‘શબ’ પર વધુ ભાર અપાતો હતો, જ્યારે નેતાજી હજી જિવીત હતા.

વ્યાકરણ સાથે ઝઘડો કરનારા એક લેખક સાથે સહમતિ ધરાવતા એવા એક ભાઈએ તેમને પત્ર લખ્યો, જે અહીં ઉતાર્યો છે.

“માન્યવર સાક્ષરશ્રીને સાદર પ્રણામ.
ગઈ કાલ સુધી હું આપની વ્યાકરણ સંબંધી વાત સાથે સમ્મત હતો. પુરુષ હોવા છતાં ‘હું આવ્યો’, ‘હું આવી’ અથવા ‘હું આવ્યું’માં કશો ભેદ ન હોવો જોઈએ એવી મારી પાકી માન્યતા હતી. ગુજરાતીમાં વાત કરવાની થાય ત્યારે હું આવી છૂટ હંમેશા લેતો હતો. થાય તે કરી લો, એવા ઠાઠથી હું આવું બોલતો.
ગઈ કાલે ૪૫ ડિગ્રીના તડકામાં ચાલી ચાલીને હું થાકી ગયો હતો. ગળું સૂકાઈ ગયું હતું. બસના કે રિક્ષાનાં ઠેકાણાં નહોતાં. મેં દૂરથી એક મોટર આવતી જોઈ અને તેને અંગૂઠો બતાવ્યો - લિફ્ટ લેવા માટે. ગાડી ચલાવનાર સજ્જન હતા. તેમણે મોટર રોકી. મેં તેમને કહ્યું, “બહુ દૂરથી હું આવી છું. હું સાવ થાકી ગયું છું. મને લિફ્ટ આપશો?”

પેલા ‘સજ્જન’ ખુશ થઈ ગયા. તેમણે મને હસીને કહ્યું, “હું બી તારા LGBT સમાજનો છું. તું થાકી, પણ મારી અૅર કન્ડિશન્ડ મોટરમાં તું ફ્રેશ થઈ જઈશ. આવ, બેસ, પણ પહેલાં હું તને hug કરી લઉં. મારી પાસે આવ,” કહી તેમણે હાથ લંબાવ્યો, અને હું ત્યાંથી ભાગી - I mean, ભાગ્યો. વ્યાકરણની છૂટ લેવા જતાં આવું કંઈ થશે એવો મને ખ્યાલ પણ નહોતો. ત્યારથી મેં પ્રણ લીધો કે ગમે તે થાય, પણ બોલવામાં તો વ્યાકરણના નિયમોનું પૂર્ણ પાલન કરીશ. આપ પણ આ વાતનો વિચાર કરશો, અને !@#$ નંબરની મોટર દેખાય તો કાં તો તેમાં બેસતા નહિ, અને બેસવું જ પડે તો આપના વિશે પુલ્લિંગનો ઊપયોગ કરવાનું ભુલતા નહિ. લિખીતન, આપનો ભૂતપૂર્વ ચેલો.”

આપ જોડણી સ્વાતંત્ર્ય માનો છો? જરૂર, માનવું જ જોઈએ, હું પણ માનું છું કે સાર્થ કે ઉંઝા બેમાંથી કોઈ પણ પદ્ધતિ વાપરવાનો મને અધિકાર છે. કોઈ વાર બન્નેનું મિશ્રણ થાય તો પણ ચાલી જાય. ફક્ત વ્યાકરણની બાબતમાં ઉપર જણાવેલા ‘ભૂતપૂર્વ ચેલા’નો દાખલો ધ્યાનમાં રાખી હું હંમેશા સચેત રહું છું.



No comments:

Post a Comment