Thursday, May 12, 2016

આસપાસ - ચોપાસ : ભાણાભાઈની વીજળીભાણાભાઈ મારા મસિયાઈ ભાઈનું હુલામણું નામ. માસાજી તે સમયના કાઠિયાવાડની એક રિયાસતમાં પોલિસ અધિકારી હતા. પોલિસ ખાતું એટલે તેમની બદલી દર બે - ત્રણ વર્ષે થાય. આ વખતે તેમની બદલી ભાવનગર નજીકના એક ડુંગરાળ શહેરમાં થઈ હતી તેથી ઘણી વાર તો દર દસ - પંદર દિવસે અમે માસીના ઘેર પહોંચી જતા. ત્યાં જવાના બે ફાયદા હતા : એક તો માસાજીને સિનેમાના કૉમ્પ્લિમેન્ટરી પાસ મળતા તેથી નવી નવી ફિલ્મો જોવા મળતી, અને બીજું, માસીની મહેમાનગતિનો અનન્ય લાભ મળતો. ભાણાભાઈને બે શોખ - જે તેમની મહત્ત્વાકાંક્ષા બની ગયા હતા. એક તો તેમને પોતાનું સિનેમાઘર બનાવવું હતું અને તે માટે તેમણે નામ પણ નક્કી કરી રાખ્યું હતું. “શ્રવણ ટૉકિઝ”. બીજો શોખ હતો મોટરકારનો. ભાણાભાઈ ચૌદ વર્ષના હતા તેથી સિનેમાઘર બનાવવાનું મોકૂફ રાખવું પડ્યું હતું. જો કે મોટરકાર માટે માસાજી પાસે માગણી દરરોજ ચાલુ રહેતી.

તે સમયે અમારા મહારાજ સાહેબનું રાજ્ય સૌરાષ્ટ્ર નામના પાર્ટ ‘સી’ સ્ટેટ તરીકે ભારત સરકારમાં વિલિન થઈ ગયું હતું . જો કે તે વખતની અમારી લોકશાહી સરકારના ધાંધિયા અને (કેટલાક લોકો કહેતા તે પ્રમાણે મુખ્યપ્રધાન ઢેબરભાઈ સિવાયના) કેટલાક મંત્રીઓ અને સેક્રેટરિએટના અધિકારીઓની વૃત્તિને કારણે અમારા રાજ્યનું નામ ‘ચોરાટિયા સરકાર’ થઈ ગયું હતું : આ શબ્દપ્રયોગ હજી પણ ભ્રષ્ટ સરકારો માટે વપરાય છે. માસાજી પ્રામાણિક હતા, તેથી ભાણાભાઈની મોટરકારની માગણી પૂરી કરી શકે તેમ નહોતા. પણ ભાણાભાઈ તેમના એકના એક દીકરા અને હઠીલા. સદ્નસીબે નજીકના ગામના દરબાર પાસે જુની મોટર ગાડી હતી અને તેમને તે સસ્તામાં કાઢવી હતી.  માસાજીએ લોન લઈને આ મોટર વેચાતી લીધી. ભાણાભાઈની મહેચ્છા પૂરી થઈ! તેમણે અમને સંદેશો મોકલ્યો. “નવી મોટરમાં સહેલ કરવા આવી જાવ!” 

તે વખતે અમારા મામા (જે મારા કરતાં ફક્ત ત્રણ વરસ મોટા હતા), વિસનગરથી રજા પર આવ્યા હતા. અમે બન્ને જણા આ સમાચાર સાંભળીને સિહોર પહોંચી ગયા. ભાણાભાઈ અમને લેવા સ્ટેશન પર આવ્યા. મહારાજસાહેબના વખતની મોટર અને દરબાર તેમના દૂરના સગપણમાં હતા તેથી મોટરનું રજિસ્ટ્રેશન જુનું, એટલે “ભાવનગર સ્ટેટ ૩૫” હતું, જે નવા કાયદા પ્રમાણે રદ બાતલ કરવામાં આવ્યું હતું. નવા રજિસ્ટ્રેશનના કાગળ કરવા મોકલ્યા હતા, તેથી મોટરની નંબર પ્લેટ પર ‘અૉન ટેસ્ટ’નું પાટિયું લગાડ્યું હતું. ગામમાં અંગ્રેજી ભણતા બાળકોને આ બરાબર લાગ્યું નહિ તેથી તેઓ તેને ભાણાભાઈની 'નો ટૅક્સી’ કહેવા લાગ્યા. આ વાત ઊપહાસ કારક લગતાં ભાણાભાઈએ તેનું નામાભિધાન કર્યું : વીજળી. કાર તો  મજાની હતી -  ૧૯૩૫ કે ૩૬ના મોડલની કન્વર્ટિબલ બેબી અૉસ્ટિન. ‘બેબી’ એટલે સાવ કેડે લીધેલા બાળક જેવડી. તેની બમ્પર-ટૂ-બમ્પર લંબાઈ સાડા પાંચ ફીટની અને આગલા બે પૈડાં વચ્ચેનું અંતર માંડ ત્રણ કે ચાર ફીટનું. આજકાલની મિનિ કૂપરનો વિચાર કરો તો કદાચ ખ્યાલ આવે કે વીજળીનું કદ કેટલું હશે. વીજળીમાં ચાર જણા - આગળ ડ્રાઈવર અને કો-ડ્રાઈવર તથા પાછળ બે જણા સિયામીઝ ટ્વિન્સની જેમ એકબીજાને ચોંટીને બેસી શકે. 

આમ જોવા જઈએ તો આજકાલ ગુજરાતમાં ચાલતી ચાર બંગડીવાળી (ચાલીસ લાખની Audi) થી માંડી સસ્તામાં સસ્તી ટાટા નૅનો જેવી ગાડીઓમાં અને ભાણાભાઈની વીજળીમાં એક વાતનું સામ્ય હતું : બન્નેમાં હૉર્ન અને બ્રેક્સ મજબૂત, અને આપણા દેશમાં આ બે શસ્ત્રો થકી સલમાનખાન સિવાય ગમે તે માણસ, ગમે તે ગાડી ગમે તે રીતે ચલાવી શકે. જો કે ભાણાભાઈની વીજળીની બ્રેક્સ તેમની જ ભાષામાં થોડી ‘કાચી’ હતી. આનો ઊપાય દરબાર સાહેબના ડ્રાઈવરે બતાવ્યો હતો : “અૅક્સીલેટર પરથી પગ કાઢી, કલચ દબાવી,ઝડપથી ગાડીને ટૉપમાંથી સીધી ફર્સ્ટમાં લઈ જાશો તો ગાડી ધીમી પડી જાહે, નૈ'તો બંધ પડી જાહે.” ભાણાભાઈ ચૌદ વર્ષના હતા, તેથી તેમની ચપળતા અદ્ભૂત હતી. તેમણે આ કામ સહેલાઈથી સાધ્ય કરી લીધું હતું. 

ખેર, સ્ટેશન પરથી ફોજદાર સાહેબના ઉતારે જવાનો રસ્તો ઉંચાણવાળો હતો તેથી વીજળીની ગતિ પર કાબુ લાવવામાં વધુ તકલીફ ન પડી. વળી મોટરનું હૉર્ન જુના જમાનાનું. ડ્રાઈવરના દરવાજા પર લગાડેલા રબરના દડાને જોર જોરથી દબાવી છોડવાથી નીકળતો ‘ભોં-પૂ, ભોં-પૂ’ નો અવાજ એવો તેા પ્રખર હતો કે  તે સાંભળીને લોકો ખસી જતા. વીજળીને બીજું ઈલેક્ટ્રીક હૉર્ન હતું પણ તેનો અવાજ વરસાદમાં ભીંજાયેલી, ટાઢથી થરથરતી અને બીધેલી બિલાડીના અવાજને મળતો હતો, જે દૂરથી તો ઠીક, નજીકથી પણ કોઈ સાંભળી શકે તેવું નહોતું. તેથી પેલા ભોં-પૂં થી કામ ચલાવવું પડતું. 

બપોરના ભોજન બાદ ભાણાભાઈ કહે, ‘હાલો આપણે ખોડિયાર માતાના દર્શન કરવા જાંયેં.” અમે તૈયાર થઈ ગયા, હવે “ઊતારે’થી ધોરી સડક પર જવાનો રસ્તો ઢાળવાળો હતો તેથી મોટરની ગતિ એકદમ વધી જતી હતી. બજાર વચ્ચેથી નીકળતાંં એક પ્રૉબ્લેમ થયો.  

રસ્તાની વચ્ચોવચ એક ભેંસ ઉભી હતી.

 ભાણાભાઈએ દૂરથી સતત ભોં-પૂ વગાડવાની શરૂઆત કરી. લોકો વીજળીના સૂરીલા અવાજથી ટેવાયેલા હતા તેથી તેઓ તરત રસ્તા પરથી ખસી ગયા, પણ ભેંસ જરાય ગભરાયા વગર આરામથી ઉભી રહી. વીજળીની બ્રેક થોડી ઢિલી હતી, તેથી ભાણાભાઈએ ગિયર બદલાવીને ફર્સ્ટમાં નાખ્યો, પણ રસ્તો ઢોળાવવાળો હોવાથી વીજળીબાઈ એકદમ રોકાયાં નહિ. રસ્તાની બન્ને બાજુએ દુકાનો હતી અને ચારે બાજુ માણસો. ભાણાભાઈ  પાસે બીજો કોઈ વિકલ્પ ન હોવાથી તેમણે ગાડી રોકવા ભેંસનો head on આધાર લીધો. ભેંસ પડી ગઈ. વીજળીનું એન્જિન બંધ પડી ગયું. લોકો અમારી ચારે બાજુએ ભેગા થઈ ગયા. એક જણાએ ભેંસના માલિકને ખબર કરી તો તે ત્યાં આવીને રડવા લાગ્યો. “અરે રે, મારી નવચંદરી ભેંશ્યને ફોજદારસાહેબના દીકરાએ મારી નાખી. ભારે નુકશાન થ્યું. મારા છોકરાંવનો રોટલો ઝૂંટાણો!” બજારમાં બૂમ પડી ગઈ. ‘ફોજદારસાહેબને ખબર કરો!’ ‘નુકસાનની ભરપાઈ કરાવો’ વિ. વિ.નો કોલાહલ શરુ થઈ ગયો. મામા અમારાથી મોટા તેથી તેઓ આગેવાની લઈને લોકોને સમજાવવા લાગ્યા. ‘ફોજદાર સાહેબ ડિસ્ટીકમાં ગયા છે. કાલે આવશે તંઈ તમને નુકસાન ભરપાઈ હું કરાવીશ.’ આ માથાકૂટમાં પંદર - વીસ મિનિટ થઈ હશે ત્યાં કોઈકે કહ્યું, ‘તમારા ટંટામાં ભેંસ મરી જાશે. જાવ જલદી ઢોર-ડાક્ટરને બોલાવો. વેટેરીનરી હૉસ્પિટલ સાવ નજીક હતી. ડૉક્ટર તો નહોતા પણ તેમનો કમ્પાઉન્ડર આવ્યો. ‘ક્યાં છે ભેંસ?’ પૂછતાં જણાયું કે ભેંસ રસ્તા પરથી ગૂમ થઈ હતી. લોકો વીજળીને બજારમાં મૂકી ભેંસને શોધવા ગયા. ભેંસનો માલિક હજી પણ ઠૂઠવો મૂકીને રસ્તાની વચ્ચે બેઠો હતો. મામા અને હું તેને સાંત્વન આપતા હતા ત્યાં તેનો દીકરો દોડતો આવ્યો. “બાપુ, ભેંસને ક્યાં રેઢી મેલી’તી? ઈ તો ક્યારૂંની ઘિરે આવી ગૈ સે. હૌ તમને ગોતે સે.” છોકરાની વાત સાચી છે કે ખોટી એ જોવા અમે સૌ ગામને છેવાડે આવેલા તેમના વાડામાં ગયા ત્યાં પેલી નવચંદરી આરામથી વાગોળતી બેઠી હતી. અમે નિરાંતનો શ્વાસ લીધો અને પાછા ગામમાં ગયા. સાંજ પડવાને વાર હતી તેથી અમે ખોડિયારના રસ્તે ગયા.

ગામ છોડીને ધોરી સડક પર પાંચેક માઈલ ગયા હશું. મને કુદરતી સૌંદર્યનો લહાવો લેવાનો શોખ તેથી આસપાસ નજર નાખતો હતો. અચાનક વીજળીએ ડચકું ખાધું. તે જમણી બાજુએ ઝૂકી ગઈ અને સડકના કિનારા તરફ જવા લાગી. ધાતુ સડક સાથે અથડાય  અને ‘ખર્ર્ર્ર…’નો કર્કશ અવાજ આવે તે સાંભળી અમે સૌ ચોંકી ગયા. મેં સડક પર જોયું તો વીજળીની આગળ એક પૈડું એકલું જ દોડતું હતું અને અમારી મોટર ફ્રૅક્ચર થયેલા પગની જેમ બેસી ગઈ અને રોકાઈ ગઈ. મેં કહ્્યું, "ભાણાભાઈ, વીજળીનું પૈડું એકલું આગળ કેમ ભાગે છે?"

“હત્તેરે કી!” ભાણાભાઈ બોલ્યા. પાછળ વળીને મારી નજીક બેઠેલા માસાજીના અૉર્ડર્લી્ને કહ્યું, “રણૂભા, તમે હવારે જ સ્ટેપની બદલી તંઈ પૈડાંની પિનું બરાબર ફિટ નો’તી કરી એવું લાગે છે.” 
મહેમાનોની સામે ઠપકો સાંભળી રણૂભા ભોંઠા પડી ગયા. કંઈ બોલ્યા વગર તેઓ ઠેકીને ઉતરી ગયા અને દોડીને ઝાંખરામાં ફસાયેલું વીજળીનું પૈડું કાઢીને લઈ આવ્યા.  સદ્ભાગ્યે વ્હીલની રિમ સાબૂત રહી હતી.  પોણો કલાક મથામણ કર્યા પછી વીજળીમાં પૈડું ફિટ કર્યું. અંધારું થતાં પહેલાં ઘરે પાછા જવું જોઈએ એવું મામાશ્રીનું ફરમાન સાંભળી ભાણાભાઈએ ગાડી પાછી વાળી અને અમે ઘેર ગયા.

મામા ઘણા સમય બાદ આવ્યા હતા તેથી માસીએ કંસાર બનાવ્યો હતો. અમે સૌએ બરાબર ભોજન ઝાપટ્યું અને આરામ કરવાનો વિચાર કરીએ ત્યાં ભાણાભાઈને યાદ આવ્યું કે ગામના એક થિયેટરમાં જેમિનીનું  ”ચંદ્રલેખા” ચિત્રપટ નવું જ આવ્યું હતું. તેમનો સિનેમાનો શોખ તો ખ્યાતનામ હતો. અમે પણ સાંભળ્યું હતું કે આ ફિલ્મમાં મદ્રાસના અભિનેતા રંજને વિલનનો ખુબ સુંદર અભિનય કર્યો હતો. અમે સૌ તૈયાર થઈ ગયા. મામા તથા મેં થિયેટર સુધી ચાલતા જવાની કરેલી વિનવણીઓની અવગણના કરી ભાણાભાઈએ વીજળી તૈયાર કરાવી. આ વખતે વીજળીએ સાથ આપ્યો. બરાબર દોડતી રહી અને અમને ‘સિનેમા’ના છેલ્લા શોમાં સમય પર લઈ ગઈ. 
(નોંધ: ફિલ્મ ખરેખર સુંદર હતી. આપને જોવી હોય તો નીચેની લિંક પર જોઈ શકશો)


ફિલ્મ પૂરી થયા બાદ અમે બહાર આવ્યા તો વીજળીની આસપાસ પાંચ - દસ યુવાનો ઉભા હતા. ‘બપોરે ભેંસને અડફટે લેનાર મોટર તે આ જ’, એવી વાતો કરતા હતા જે સાંભળી વીજળી રિસાઈ ગઈ. એન્જિન શરુ કરવા આગળનું હૅન્ડલ મારીએ તો નાના બાળકને ખાંસી આવે તેવો અવાજ કરી વીજળી શાંત થઈ જતી હતી. હૅન્ડલ મારી મારીને ભાણાભાઈના, મામાના અને મારા - એમ સૌના હાથ અને ખભા થાકી ગયા પણ વીજળી ટસની મસ ન થઈ.
“મામા, તમે અને નરેન વીજળીને પાછળથી ધક્કો મારો. ગાડી સ્પીડમાં આવે એટલે હું તેને ન્યૂટ્રલમાંથી સેકન્ડમાં નાખીશ તો તે ચાલુ થઈ જશે. ત્યારે તમે બન્ને આરામથી અંદર આવી જાજો.”

અમે ધક્કો મારવાનું શરૂ કર્યું. બસો ગજ ધક્કો માર્યા બાદ ઢાળ આવ્યો. ઝડપ વધતાં ભાણાભાઈએ ગાડી સેકન્ડ  ગિયરમાં નાખી અને વીજળીમાં જીવ આવ્યો. વીજળીનું હૂડ ઉતાર્યું હોવાથી અમે વીજળીની પાછળ દોડ્યા અને કૂદકો મારીને અંદર બેઠાં. બીજા સો’એક ગજ ચાલીને વીજળી પાછી રિસાઈ ગઈ. અમે ફરી ધક્કો મારવાનું શરુકર્યું. હવે ઢાળ ચઢવાનો હતો. ઉનાળો હતો તેથી અમે પરસેવે રેબઝેબ થઈ ગયા હતા. રાતના અંધારામાં નીચી મૂંડીએ અમે ધક્કો મારતા ગયા...મારતા ગયા. આમ અમે કોણ જાણે કેટલું ચાલ્યા અને દોડ્યા કર્યું. અમારો શ્વાસ હવે બ્રહ્મારંધ્ર સુધી પહોંચે ત્યાં અચાનક વીજળીના એન્જિનમાંથી મધુર સંગીત નીકળે તેવો ધ્વનિ સાંભળ્યો. અમે રોમાંચિત થઈ ગયા. બે - ત્રણ મિનિટ સુધી એન્જિન ચાલુ રહ્યું અને જેવા અમે મોટરમાં બેસવા ગયા, ભાણાભાઈએ ચાવી ફેરવી મોટરનું એન્જિન બંધ કર્યું.
અમારા પર જાણે વીજળી - એટલે આકાશવાળી વીજળી પડી. મેં ચોંકીને પૂછ્્યું, “કેમ, ભાણાભાઈ, શું થયું?”    
“આ જુઓ, આપડે તો ઘરે પોગી ગ્યા!”
વીજળીને ધક્કો મારી મારીને અમારો દમ નીકળી ગયો હતો. મામા અને હું અત્યંત થાકી ગયા હતા. ખાટલામાં પડતાં જ અમને ઊંઘ આવી ગઈ.
***
બીજા દિવસની સવાર. ભાણાભાઈની વાત : 

મેં નક્કી કર્યું હતું કે આજે તો મામાને અને નરેનને ખોડિયાર માતાના દર્શન કરાવવા લઈ જઈશ. હું તેમને જગાડવા ગયો તો તેઓ બન્ને તૈયાર બેઠા હતા. હું ખુશ થયો અને કંઈ કહું તે પહેલાં તેમણે તેમની સામાનની થેલીઓ ઉંચકીને કહ્યું, “ભાણાભાઈ, અમે ભાવનગર પાછા જઈએ છીએ. ઘોડાગાડી મગાવી દ્યો.”

No comments:

Post a Comment