Sunday, December 25, 2016

આસપાસ ચોપાસ : હૅપી હોલિડેઝ!

૨૫ ડિસેમ્બરની પરોઢે આજે આપણી યાત્રાના સાથી મિત્રોને - અાજકાલ અમેરિકામાં કહેવાય છે તેમ, ‘હૅપી હૉલિડેઝ’ના અભિવાદન. ભારતમાં આ પ્રસંગની ઉજવણીની પરંપરા જોઈએ તો નાતાલ એક લાંબી રજા માણવાનો ઉત્સવ ગણાતો. શાળાઓમાં એક અઠવાડિયાની રજાઓ ‘પડતી’. વચ્ચે રવિવાર આવતો હોય તો સરકારી કચેરીમાં કામ કરતા હોય તો બાપુજીને પણ કોઈ કોઈ વાર  સળંગ સાત દિવસની રજા મળતી. દિવાળી પછી આવતી આ રજાઓ ગઈ સદીમાં પણ સર્વ-ધર્મ-સમાનતાની ભાવના - સેક્યુલરીઝમનો બનાવટી ઓપ આપ્યા વગર ખુલ્લા દિલથી ઉજવાતી, એટલું જ નહિ, આ રજાઓની ખાસ કરીને બાળકો આતુરતાથી રાહ જોતાં! 

‘હૅપી હૉલિડેઝ’ના અનુષંગે રજાના છેલ્લા દિવસે ઉજવાતી નુતન વર્ષની પૂર્વસંધ્યાની વાત કરીશ. 

નુતન વર્ષની ઉજવણીની પ્રથા ઘણી જુની છે. જ્યુલિઅન અને ગ્રેગોરિયન પંચાંગની શરૂઆત બાદ ૧ જાન્યુઆરીને નુતન વર્ષ ગણાય તે પહેલાં વિશ્વની જુદી જુદી સંસ્કૃતિઓમાં નવા વર્ષની શરૂઆત પાકની લણણી કરવાના દિવસે કે જે તે દેશમાં કોઈ મહત્વનો પ્રસંગ બની ગયો હોય તેને વધાવવા કે ઉજવવા તે દિવસને નુતન વર્ષ ગણવામાં આવ્યું. જેમ કે સમ્રાટ વિક્રમાદિત્યે શકોને હરાવ્યા તે દિવસને વિક્રમ સંવત કહી ત્યારથી તેની ઉજવણી શરૂ થઈ. 

પુરાતન કાળમાં ભારતીય સંસ્કૃતિનો વિકાસ થયો ત્યારે તેની વૃધ્ધિ લાઓસ, થાઈલૅન્ડ, કમ્બોડિયા, ઈંડઓનેશિયાના જાવા-સુમાત્રાના બેટમાં થઈ. ત્યાં પણ આપણી જેમ નુતન વર્ષની ઉજવણી થવા લાગી. બાર ગાઉએ બોલી બદલાય, અને સેંકડો માઈલે ભાષા બદલાય તેમ પૂર્વના અા દેશોની ભાષા બદલાઈ, પણ અલંકાર ન બદલાયા. આજે પણ ઈંડોનેશિયાની ભાષાનું અધિકૃત નામ “બહાસા ઈંડોનેસિયા’ છે. લોકોનાં નામ પણ ભારતીય લાગે. 

સેંકડો વર્ષ પહેલાં થાઈલૅંડમાં માલ સામાનની અદલાબદલીની - બાર્ટર પદ્ધતિ હતી ત્યારે મુખ્યત્વે ચોખાની અવેજીમાં માલ-સામાન લેવાતો. જ્યારે નાણાંના એકમની શરૂઆત થઈ ત્યારથી થાઈલૅંડના ચલણના એકમનું નામ “ભાત” - Baht - થયું. ઇંડોનેશિયામાં હજી પણ ચલણનું નામ 'રૂપિયા' છે!

નુતન વર્ષના દિવસની વાત કરીએ તો આ દિવસને કંબોડિયા અને લાઓસમાં ‘સંક્રાન્ત’ અને ‘મહા સંક્રાન્ત’ કહેવાય છે. જો કે તેનો અંગ્રેજી સ્પેલિંગ જુદો છે - songkrant!

આજની આપણી વાતચીતમાં વિશ્વભરમાં ઉજવાતી નુતન વર્ષની પૂર્વસંધ્યાના અનુસંધાનમાં આપણી જિપ્સીની યાત્રાની છેલ્લા સાત વર્ષની પુરાણી મૈત્રી અને સાથસંગાથને અનુરુપ એક સ્કૉટિશ ગીતનો ઉલ્લેખ કરીશ.

જેમ આપણા ગુજરાતની અસ્મિતાના રાષ્ટ્રકવિ તરીકે સ્વ. ઝવેરચંદ મેઘાણી ગણાયા તેમ સ્કૉટલૅન્ડમાં રૉબર્ટ બર્ન્સ થઈ ગયા. તેમણે મૂળ સ્કૉટિશ ગેલિક (Gaelic) ભાષાના ગીતનું અંગ્રેજી-કરણ કરી એક કૃતિ સર્જી તે નુતન વર્ષની પૂર્વસંધ્યાનું વિશ્વગીત બની ગઈ. ૩૧મી ડિસેમ્બરની મધરાતે ગામના ટાવરમાં બારમો ડંકો વાગે કે વિશ્વભરમાં લોકો તેમના ગામ કે શહેરના સ્થાનિક ચોકમાં ભેગા થઈ એકબીજાને નુતન વર્ષના અભિનંદન આપી આ ગીત ગાય છે. ગીતના શબ્દો છે Auld Lang Syne. અર્થ છે, For Old Times’ Sake!

કોઈ પણ કવિતા કે ગીતનો શાબ્દિક અર્થ જોવાને બદલે આપ સમાન રસિકો હંમેશા તેની પાછળ રહેલા કવિહૃદયના ધબકારા અનુભવે. અોલ્ડ લૅંગ સાઈન આવું જ ગીત છે. રાતના બારમા ટકોરા પછી લોકો એકબીજાના હાથ પકડી ડોલતાં ડોલતાં આ ગીત ગાય છે. ગયા વર્ષને વિદાય આપવા, તે દરમિયાન આપણે સૌએ સાથે માણેલા મૈત્રીના સુખદ દિવસોને યાદ કરી, તેને ખાતર આગળનો મારગ એવી જ રીતે ચાલવા આ ગીત ગવાય છે. આમ આ ગીત કેવળ નુતન વર્ષને આવકારવાને બદલે વિખૂટા પડતા દિવસોને, મિત્રોને આર્જવતાપૂર્વક - વિતેલા દિવસોને યાદ કરી, આપણી જુની દોસ્તીને ખાતર આ ગીત ગવાય છે. 

જિપ્સીની વાત કરીએ તો મિલિટરીની ટ્રેનિંગ પૂરી થયા બાદ તેની ઉજવણીની પરેડ થયા બાદ તે દિવસની મધરાતે સેનામાં અફસર તરિકેની નિયુક્તિ જાહેર થતાં આ સૈનિકની માતા અને તેની નાનકડી બહેને તેના ખભા પર તેના હોદ્દાના તારક લગાવ્યા હતા. તે સમયે અૅકેડેમીના બૅન્ડ દ્વારા 'અોલ્ડ લૅંગ સાઈન’ના સૂર વગાડવામાં આવ્યા હતા.

આ ગીતનું મહત્વ છે, “મિત્રો, મહિનાઓ સુધી આપણે આપણા પ્રશિક્ષણમાં પસિના વહાવ્યા; વરસતા વરસાદમાં કાદવ અને કિચડમાં રગદોળાયા, પડ્યા, આખડ્યા, ઘાયલ થયા તે વખતે આપણે એકબીજાને જે આધાર આપ્યો, ખભા પર ઉંચકી એકબીજાને સલામત સ્થાને લઈ ગયા ત્યારે આપણે પરસ્પર કરૂણા, મૈત્રી અને દયા-સભર ટેકો આપ્યો હતો, તેને ખાતર આજે ગાઈશું, 'ઓલ્ડ લૅંગ સાઈન'. આપણી મૈત્રીને આપણે કદી ભુલી નહિ શકીએ. કેમ કરીને ભૂલાય? 

દરેક મનુષ્યનું જીવન એક યુદ્ધભૂમિ સમાન છે. આપણે બધાં તેમાંથી પસાર થઈએ છીએ. આ મહાસંગ્રામમાં આપે અમને આપેલો આધાર, આપની મૈત્રી તથા દર્શાવેલી કરૂણાને યાદ કરી, આપણા જુના સંબંધને ખાતર આજ આપણે આ ગીત સાંભળીશું, ગાઈશું. પ્રથમ તેના સૂર અને શબ્દો અને ત્યાર બાદ મિલિટરીના બૅંડે તેને જે રીતે પ્રતિધ્વનિત કર્યા તે સાંભળીશું.





Monday, November 28, 2016

આસપાસ ચોપાસ : મારી સોનપાપડી - લેખક શ્રી. હરીશભાઈ દવે

સોનપાપડીનો તાજમહાલ બની શકે?

હસશો નહીં, મિત્ર! કોઇના પ્રેમની કદર ન થઈ શકે તો કાંઈ નહીં, પરંતુ મજાક તો કદી ન કરવી!

અમદાવાદમાં ઇસ્કોન ટેમ્પલ પાસે “મારી સોનપાપડી” નજરે પડશે. અમદાવાદની બિઝનેસ ટ્રીપ વખતે હું સોનપાપડી ત્યાંથી અચૂક ખરીદું. ક્વૉલિટી અને સ્વાદ ઉપરાંત કોઈક અદમ્ય ખેંચાણ શું હશે? કાઉંટરની પાછળ રાખેલ તસ્વીર? તસ્વીર શું- વાળથી ઢંકાયેલ એક નમણા ચહેરાની આછી રૂપરેખા; માત્ર ગુલાબી ગાલની ઝલક.

આ ટ્રીપ વખતે “મારી સોનપાપડી” શોપ પહોંચ્યો, ત્યારે એકેય ગ્રાહક નહીં! કાઉંટર પર એકલો યુવાન માલિક. વાતચીતની તક ઝડપી.

“અમૃતસરથી ઇંદોર જાવ- તમારી સોનપાપડી જેવી ક્યાંય ન મળે!”

“થેંક્સ”.

“બિઝનેસ વધારો તો?”

“આ બિઝનેસ નથી, સર. મારો તાજમહાલ છે. તાજમહાલની બીજી બ્રાંચ હોય?”

મેં મૃદુતાથી જીવન અને પ્રેમની ફિલોસોફીની વાત કરી; યુવાન ખીલ્યો.

 “આ તસ્વીર જોઈ?”

 “તમારાં પત્ની… ??” મેં અનુમાન કર્યું.

“લગ્ન જ કોણે કર્યાં છે?” યુવાને ફિક્કું સ્મિત કરી આગળ ચલાવ્યું, “ટૂંકમાં કહું તો, મેં નાનપણમાં માતાપિતા ગુમાવ્યાં. ફાઇનલ બીએમાં આવ્યો ત્યારે આંખો ચાર થઈ. નમણાં ફૂલ સમી તે ફર્સ્ટ યરની સ્ટુડન્ટ. પહેલી વાર મારી જીંદગીમાં ફૂલ ખીલ્યાં. લાયબ્રેરીથી મુલાકાત ઇસ્કોન ટેમ્પલ સુધી પહોંચી ગઈ. બે વર્ષમાં તો તેણે મારા જીવનને પ્રેમથી ભર્યું ભર્યું કર્યું! સવારે કોલેજ, સાંજે ઇસ્કોન મળીએ; દર્શન કરી રાધાકૃષ્ણને આત્મસાત કરીએ. છૂટાં પડતાં હું તેના ગાલ ચૂમતો; મને તેના રેશમી ગાલ ખૂબ ગમતાં.”

ફિક્કું હસી તેણે આગળ ચલાવ્યું, “મારે મન પ્રેમ એટલે હૃદયની સરવાણી, આરાધના, સમર્પણ.. પણ બે વર્ષમાં તેને કોલેજનો રંગ ચઢ્યો! તેને મારી લાગણીઓ ફાલતુ બકવાસ લાગવા લાગી. વિદેશની ઘેલછામાં તેણે એક એનઆરઆઇ સાથે લગ્ન કરી લીધાં..”

“અત્યારે ક્યાં છે?”

“મુંબઈમાં. સુખી હશે. મળ્યો નથી. અહીં જ મળી જાય છે!”, તેણે હૃદય પર હાથ મૂક્યો.

“તમે?”

“ઇંદોર જઈ હું સોનપાપડી બનાવતાં શીખ્યો. માસ્ટરી મેળવી. અહીં દુકાન કરી.”

“કેમ સોનપાપડી જ?”


“પ્રેમથી ચૂમેલા તેના ગાલની મીઠાશ… સોનપાપડી સિવાય શામાં મળે?” ભીની આંખો લૂછતાં કહે, “હું તેને સોનપાપડી કહેતો! મારી સોનપાપડી!”

Saturday, October 29, 2016

આસપાસ - ચોપાસ : ક્યારેક વાંચેલી કથાઓ


લાંબા સમયની ગેરહાજરી બાદ આપની પાસે ‘આસપાસ - ચોપાસ’માં જિપ્સીએ વાંચેલી વાતોમાંથી હંમેશા યાદ રહેલી બે નાનકડી વાર્તાઓ કહીશ. આજની પહેલી વાર્તા છે ફ્રાંસના પ્રસિદ્ધ લેખક ગી દ’મોપાસાં લિખિત.

“હું ફ્રેન્ચ સરકારના ગૃહખાતામાં કારકૂન છું. અઢાર વર્ષની વયે નિશાળમાથી ગ્રૅજ્યુએટ થયા બાદ કામમાં જોતરઈ ગયો, અને તેમાં જ રમમાણ થઈ ગયો. સવારના સાત -આઠ વાગ્યાનો જે કામે જઉં, રાતના આઠ - નવ વાગ્યા પહેલાં ઘેર આવી ન શકું. સાચું કહું તો મને કામ બહુ વહાલું હતું. 

બાવીસ - ચોવિસ વર્ષનો થયો ત્યારે મારાં લગ્ન થયા. મારાં પત્ની અત્યંત સુંદર હતાં. તેમની ડ્રેેસ સેન્સ એવી તો સરસ, કે હું તેમને સસ્તામાં સસ્તા ડ્રેસ લાવી આપું, તેમાં તે એવું અૉલ્ટરેશન કરતા કે પૅરિસની મોંઘામાં મોંઘી બુટિકમાં મળતા પોશાક કરતાં પણ તે વધુ ખુબસુરત બની જતા, વળી તેમની પહેરવાની અને ચાલવાની સ્ટાઈલ પણ લાલિત્યપૂર્ણ! તેમને બીજો શોખ હતો સાહિત્ય, સંગીત અને થિયેટરનો. ઓપેરામાં ગવાતાં ગીતો તેમને આત્મસાત્ હતા અને તેની તરજ તેઓ રસોઈ કરતી વખતે ગાતાં તે સાંભળી મેં તમને કહ્યું, “હું તો આખો દિવસ કામમાં હોઉં છું. તમે મૅટિની શોમાં અૉપેરા જોવા કેમ જતા નથી?“ 

મૅટિનીની ટિકિટ સસ્તી હોય છે, તેથી હું તેમને મારી બચતમાંથી થોડી રકમ આપતો. શ્રીમતીજી થિયેટર જવા લાગ્યાં.  હવે થિયેટર જવું હોય તો લઘર - વઘર થોડું જવાય? તેમણે મને કહ્યું, “હું બનાવટી ઘરેણાં પહેરું તો તમને વાંધો નથી ને?” મને શો વાંધો હોય? તેઓ ટ્રિંકેટ્સ ખરીદવા લાગ્યાં.

આમ ને આમ ત્રણ - ચાર વર્ષ નીકળી ગયા. હું ભલો ને મારૂં કામ ભલું. શ્રીમતીજીનો સમય પુસ્તકો વાંચવામાં અને થિયેટર જવામાં જાય. બનવા કાળ એક નાનકડી માંદગીમાં તેઓ અવસાન પામ્યા. મને બહુ દુ:ખ થયું. નજીકના સગાંનું અવસાન થાય તો અમારા ખાતા તરફથી એક અઠવાડિયાની રજા મળે. રજામાં મેં ઘણો પશ્ચાત્તાપ કર્યો. પત્ની સાથે ન કદી અૉપેરા જોવા ગયો, ન કદી તેમની સાથે સાહિત્ય વિશે વાત કરી. ખેર, તેમની યાદ ન સતાવે એટલા માટે મેં તેમનાં કપડાં અને કથિરના હાર, મણકા, બનાવટી નંગ તેમજ મોતીના અને બિલોરી કાચના બ્રેસલેટ્સના ઢગલાનો નિકાલ કરવાનું નક્કી કર્યું. કપડાંના પચાસે'ક ફ્રાંક્સ મળ્યા. ઘરેણાં કાઢવા એક સસ્તી દુકાનમાં ગયો તો દુકાનદારે કહ્યું, “સાહેબ, આ આપણી ત્રેવડ બહારની વાત છે. તમે ફાબર્જે જેવા શોરૂમમાં જાવ.” હું ગભરાતો ગભારતો શૉઁ-લીસીમાં આવેલી મોટી દુકાનમાં ગયો, મનમાં બીક હતી રખે તે હસીને મને કાઢી મૂકે!

શો રૂમના આસિસ્ટંટે મને બેસવાનું કહ્યું અને માલિકને બોલાવી આવ્યો. માલિકે મને કહ્યું, “સાહેબ, આ ઘરેણાં અમારા શોરૂમમાંથી જ વેચાતા લેવામાં આવ્યા હતા. અમે તમને મૂળ કિંમત તો નહી આપી શકીએ, પણ તેના સિત્તેર ટકા આપીશું, તમારી ઈચ્છા હોય તો હમણાં જ તમને સાડા દસ લાખ ફ્રંાકનો ચેક લખી આપું.” 
હું રાજી થઈ ગયો. મેં ચેક લીધો અને મારા ખાતામાં જમા કરાવ્યો. બીજા દિવસે મેં અૉફિસમાં જઈ રાજીનામું આપ્યું, લોકોને કહ્યું, મને વીસ લાખ ફ્રાંક્સનો વારસો મળ્યો છે તેથી નોકરી છોડી રહ્યો છું.

એક મહિના પછી મેં બીજા લગ્ન કર્યા. મારાં બીજાં પત્ની બહુ કડક છે, મને નજર બહાર જવા દેતા નથી. બારીમાંથી બહાર જોઉં તો તતડાવી કાઢે. “કઈ બલાને જોતા હતા?”
તેમણે મને ઘણું દુ:ખ આપ્યું, શું કરીએ? સમય સમયને માન છે!

***
શ્રીયુત સર્વજ્ઞ - લેખક ડબ્લયુ. સમરસેટ મૉમ

મને સાગરી પ્રવાસનો ભારે શોખ. હંમેશા પ્રથમ વર્ગની કૅબિનમાં પ્રવાસ કરૂં. આ વખતની અમારી ક્ૂઝ હતી હૉંગકૉંગથી ટોક્યો - વાયા મકાઉની. પ્રથમ વર્ગ કહીએ તો તેના પ્રવાસીઓની વાત જ જુદી. અમારી લાઉન્જમાં પાર્ટીઓ, કૉકટેલ, નૃત્યો, ભોજન સમારંભની શું વાત કરીએ? 

આવા પ્રવાસમાં એક કરતાં એક ચઢિયાતા અમીરો અને તેમની પત્નીઓથી લાઉન્જમાં મહેફિલો જામતી. દરેક પુરુષ પોતાને વિશિષ્ઠ માને. કોઈ ઉમરાવ ઘરાણાંનો તો કોઈ ફોજી અફસર. તેમાં ચાલીસ - પચાસ વર્ષના એક સજ્જને સૌનું ધ્યાન ખેંચ્યું હતું. વિશ્વનો કોઈ પણ વિષય હોય, તેઓ તેના પર અધિકારપૂર્વક મંતવ્ય આપતા અને જરૂર પડે તો તેની માહિતી કયા ગ્રંથના આધારે મળી છે તે કહેવાનું ભૂલતા નહિ. કમનસીબે તેઓ મારી કૅબિનમાં મારા સહપ્રવાસી હતા. સૌ તેમને મિસ્ટર નો અૉલ - શ્રી. સર્વજ્ઞ કહેતા. મને આ માણસ જરા પણ ગમતો નહોતો. કોઈ વાર તેના વર્તનમાં મને અહંકાર પણ જણાતો. એક કૅબિનમાં હોવા છતાં  હું ભાગ્યે જ તેમની સાથે વાત કરૂં.

એક દિવસ અમારૂં નાનકડું ગ્રૂપ ભોજન બાદ ધૂમ્રપાનના કમરામાં બેઠું હતું. પુરુષો હાથમાં બ્રાંડીના ગ્લાસ અને ક્યુબન સિગારનો આસ્વાદ લેતાં બેઠા હતા.  કેટલીક સ્ત્રીઓ લાંબી ભૂંગળીવાળા હોલ્ડરમાં ખોસેલી સિગરેટ સળગાવીને નજાુક કશ લેતી હતી. સર્વજ્ઞની બાજુમાં એક સૌંદર્યવાન યુવતી તેમનાં પતિ સાથે બેઠાંં હતાં. યુવતીએ સુંદર સફેદ રંગનો સૅટિનનો ગાઉન અને તેને શોભે તેવી તેમની હંસ જેવી ગ્રીવામાં મોતીની ભવ્ય સેર પહેરી હતી. 

“મૅડમ, આપના ગળામાં જે મોતીનો હાર છે, તે ખરેખર અત્યંત મૂલ્યવાન છે. કમ સે કમ બે હજાર પાઉન્ડનો હોવો જોઈએ. તે મિકિ મોતોના કલ્ચર્ડ મોતીનો હાર નથી, પણ સાગરમાં ઊંડી ડૂબકી મારીને ખોળી કાઢેલા મોતીઓનું ગ્રેડિંગ કરીને બનાવેલો હાર છે! વાહ, આપની ટેસ્ટને હું દાદ આપું છું!” શ્રી. સર્વજ્ઞ બોલ્યા.

“મિસ્ટર નો અૉલ! તમે તમારા જ્ઞાનના ગમે એટલાં બણગાં ફૂંકો, પણ તમે ઢોંગી છો. આ હાર કલ્ચર્ડ મોતીનો પણ નથી. કેવળ ઈમિટેશન મણકાનો છે! મારાં પત્નીએ મકાઉમાં પચીસ પાઉન્ડમાં ખરીદ્યો છે,” પેલી યુવતીના પતિ તાડૂક્યા અને પત્ની તરફ જોઈને તેમને પૂછ્યું, “ખરૂં છે ને, ડાર્લિંગ? મકાઉમાં શૉપિંગ કરી આવ્યા પછી તમે મને કહ્યું હતું!“

શ્રી સર્વજ્ઞે કહ્યું, “મારો અંદાજ કદી ખોટો નથી હોતો, સાહેબ.”

“લાગી શરત? સો - સો પાઉન્ડની?”

“હા, હું ખોટો પડીશ તો તમને સો નહિ, બસો પાઉન્ડ આપીશ.”

શ્રી. સર્વજ્ઞે તેમના જૅકેટના અંદરના ખિસ્સામાંથી નાનકડો સૂક્ષ્મદર્શક કાચ કાઢ્યો અને હારમાંના એક એક મોતીને તપાસવા લાગ્યા. તેમના ચહેરા પર મક્કમતાના ચિહ્નોને ઉપસતા મેં સ્પષ્ટ જોયા. અચાનક મેં તેમની નજરને પેલી યુવતીના ચહેરા પર અર્ધી ક્ષણ ટિકેલી જોઈ. મારું પણ ધ્યાન તેમની તરફ ગયું. બાકીના બધાં કેવળ શ્રી. સર્વજ્ઞના હાથમાં રહેલા હાર તરફ જોઈ રહ્યા હતા. પેલાં બહેનનો ચહેરો ભયના માર્યા સફેદ પૂણી જેવો થઈ ગયો હતો. શરીર સહેજ કંાપતું હોય તેવું લાગ્યું.

શ્રી. સર્વજ્ઞે હળવેથી હાર પેલી યુવતીને આપ્યો. સૂક્ષ્મદર્શક કાચ ખિસ્સામાં મૂક્યો અને પૅન્ટના પાછળના ખિસ્સામાંથી પાકિટ કાઢીને તેમાંથી પચાસ - પચાસ પાઉન્ડની ચાર નોટો કાઢીને પેલી યુવતીના પતિને આપી અને કહ્યું, “ક્ષમા ચાહું છું. જીવનમાં પહેલી વાર મેં ભૂલ કરી. આ હાર નકલી મોતીનો છે. કબૂલ્યા પ્રમાણે આ રહ્યા બસો પાઉન્ડ.”

યુવતીના પતિએ પોતાની જાંઘ થાબડી અને મોટેથી કહ્યું, “જે વાતનું જ્ઞાન ન હોય તેમાં ચંચૂપાત કરવો મોંઘો પડી શકે છે!” 

લોકોએ તેમને શરત જીતવા માટે અભિનંદન આપ્યા.

બીજા દિવસે સવારે અમે ચ્હા માટે સ્ટુઅર્ડની રાહ જોતા હતા ત્યાં કૅબિનના દરવાજા પર એક હળવો ટકોરો સંભળાયો. શ્રી. સર્વજ્ઞ ગાઉન પહેરીને દરવાજે ગયા અને બારણું ખોલ્યું. આસપાસ જોયું, પણ બહાર કોઈ દેખાયું નહિ. દરવાજાના ઉમરા પાસે એક સફેદ કવર પડ્યું હતું  અને તેના પર ”મિસ્ટર નો અૉલ” લખ્યું હતું.

આશ્ચર્યભરી નજરે તેમણે કવર જોયું અને તે ખોલ્યું તો તેમાંથી બસો પાઉન્ડની નોટો નીકળી. એક નાનકડી ચબરખી પર મોતીના દાણા જેવા અક્ષરોમાં બે શબ્દો હતા : થૅંક યૂ.


તે દિવસે પહેલી વાર મને શ્રી. સર્વજ્ઞ પ્રત્યે અણગમો ન થયો.

Saturday, September 17, 2016

અદૃષ્ટ


જગતમાં કેટલીક એવી વ્યક્તિઓ વસે છે જેમને અસ્તીત્વમાં ન હોય તેવી વ્યક્તિઓ દેખાતી હોય છે અને અન્ય કોઈને ન સંભળાય તેવા અવાજ તેઓ સાંભળતા હોય છે. આ એક માનસિક વ્યાધિ છે અને નિષ્ણાતો તેને સ્કિત્ઝોફ્રેનિયા કહે છે. જેમની નજર સામે વ્યક્તિ, તેની ભાવના, અવાજ - સઘળું હોવાં છતાં તેમને દેખાતું કે સંભળાતું ન હોય તેને શું કહેવાય? આ કોઈ રોગ છે ખરો?
ઘણાં વર્ષ પહેલાંની વાત છે. અમદાવાદમાં હું સાવ નવો હતો. સૌરાષ્ટ્રના નાનકડા શહેરમાં બી. કૉમ. કર્યા બાદ નોકરી શોધવા હું અમદાવાદ આવ્યો હતો. એલિસબ્રીજના માદલપુર વિસ્તારમાં મારા દૂરના મામા રહેતા હતા. તેમણે મને રહેવાની કામચલાઉ સગવડ કરી આપી હતી. તે સમયે એલિસબ્રીજ વિસ્તાર વિકસ્યો નહોતો. સી.જી. રોડનું નામોનિશાન નહોતું. વાણિજ્ય અને ઉદ્યોગોની અૉફિસો ગાંધી રોડ, રિલીફ રોડ અને મિર્ઝાપુર વિસ્તારમાં હતી. ‘પદયાત્રા’ની ટેવ નાનપણથી જ હતી તેથી રોજ સવારે નવ વાગ્યાના સુમારે માદલપુરથી ચાલીને શહેર જતો. એલિસબ્રીજ પસાર કરી, ભદ્રના કિલ્લા પાસેથી નીકળીને લાલ દરવાજા, રિલીફ રોડ, ગાંધી રોડ પર આવેલી બૅંકો, વિમા કંપનીઓ તથા નવી નવી ખુલતી વિદેશી કંપનીઓની શાખાઓમાં નોકરીની શોધમાં કે ઈન્ટર્વ્યૂ માટે જતો. 
ભદ્રના કિલ્લાની પાછળ એક બસ સ્ટૅન્ડ હતું. લાલ દરવાજાથી નીકળતી ઘણી બસો અહીં રોકાતી. વાહન વ્યવહારનો આ ધોરી માર્ગ હોવાથી જીવ બચાવવા તથા હાડકાં - પાંસળાં સુરક્ષીત રાખવા માટે હું ફૂટપાથ પર ચાલવાનું પસંદ કરતો. વળી મ્યુનીસીપાલિટીએ ઠેકઠેકાણે “પગથી ઉપર ચાલો”નાં પાટિયાં પણ લગાડ્યાં હતા. પહેલાં મને પગથી ઉપર કેમ ચલાય તે ન સમજાયું, પણ તરત ખ્યાલ આવ્યો કે ગુજરાતમાં પણ ડૉ. રઘુવીર જેવા કોઈ પંડિત હતા જેમણે ફૂટપાથનું ગુજરાતી ભાષાંતર ‘પગથી’ કર્યું હતું.
એક દિવસ ભદ્રના આ બસ સ્ટૉપ પર મેં એક યુવતી જોઈ. તેણે પીળા રંગના સાદા પ્રિન્ટેડ સુતરાઉ સ્કર્ટ પર લાલ રંગનો ટૉપ પહેર્યો હતો. આવો પોશાક તે સમયે કેવળ ગોવાનીઝ કે અૅંગ્લોઈન્ડિયન સ્ત્રીઓ પહેરતી. હું તેની નજીકથી પસાર થયો ત્યારે એક ક્ષણના હજારમા ભાગ જેટલા સમય માટે અમે એકબીજા તરફ જોયું. યુવતીનો વર્ણ ગૌર હતો, પણ ચહેરા પર કોઈ જાતનું રંગરોગાન નહોતું. ઉમર પણ સત્તર - અઢાર વર્ષથી વધુ નહોતી લાગતી. તેના ચહેરા પર એક જાતનું ઔદાસ્ય કહો કે ચિંતા જેવો ભાવ દેખાયો. બીજી ક્ષણે મને મારા પર શરમની ભાવના થઈ. કોઈ યુવતી તરફ ‘આવી’ રીતે નિરખીને જોવામાં અશિષ્ટતા હતી તે હું જાણતો હતો. તેમ છતાં કોણ જાણે કેમ જોવાઈ ગયું.
બીજા દિવસે મેં તેને એ જ બસ સ્ટૉપ પર જોઈ. મારાથી પહેલાં જેવી ભૂલ ન થાય તે માટે હું તેની પાસેથી નીચે જોઈને નીકળી ગયો. ત્રીજા દિવસે તેને ત્યાં જ અને તે સમયે જોઈ. ત્યાર પછી મેં રસ્તો બદલ્યો.
ઘણાં પ્રયત્નો કર્યા બાદ મામાજીની લાગવગથી એક મોટી બૅંકમાં મને નોકરી મળી. બૅંકનું નામ જુદું હતું પણ કર્મચારીઓ તેને ‘પારસી બૅંક’ કહેતા. અમારી શાખામાં પારસી કર્મચારીઓની સંખ્યા સારી એવી હતી. મારી નીમણૂંક ફૉરીન એક્સચેન્જ ખાતામાં હતી તેથી કાઉન્ટર્સની પાછળના જુદા કમરામાં બેસવાની વ્યવસ્થા હતી. મારા ટેબલની બાજુમાં એક ટાઈપિસ્ટ બહેન બૅપ્સી ખંભાતાનું ડેસ્ક હતું. ઉમરમાં તેઓ મારાં કરતાં દસેક વર્ષ મોટાં. તેમનો સ્વભાવ અત્યંત મિલનસાર હોવાથી મારી સાથે તેમને પહેલા દિવસથી જ સારૂં ફાવવા લાગ્યું હતું. પરિચય વધતાં ટી-બ્રેકમાં અમે ચ્હા અને કોઈ કોઈ વાર લંચ પણ સાથે લેતાં. હું જાણે તેમનો નાનો ભાઈ હોઉં, મને ‘તું’ કહીને બોલાવતાં.
થોડા સમય બાદ અમારી શાખાનું વિસ્તરીકરણ થયું. ઘણાં નવા કર્મચારીઓ આવ્યા. તેમાં એક ખાસ જુદી તરી આવે તેવી એક યુવતી હતી ; શ્યામલ વર્ણની, અપૂર્વ બુદ્ધિમત્તાના તેજથી દીપતી રાજશ્રી તિવારી. તેની નિયુક્તિ મારા સેક્શનમાં જ થઈ અને તેને કામ શીખવવાની જવાબદારી મને આપવામાં આવી. 
પહેલાં બૅપ્સી, હું અને અન્ય સાથી બી.કે. દેસાઈ સાથે ચ્હા કે લંચ લેતાં. હવે તેમાં રાજશ્રી જોડાઈ. લંચનો એક કલાક મળતો તેથી અમારૂં જૂથ ઘણી વાર નજીકના રેસ્ટોરાંમાં જતું. એક વર્ષ આમ જ નીકળી ગયું. 
એક દિવસ બૅપ્સી કામ પર ન આવી. લંચના સમયે રાજશ્રીએ કહ્યું, “અરવિંદ આજે નાસ્તો કરવા બહાર જઈશું?” બી.કે. કામના દબાણને કારણે અમારી સાથે આવી ન શક્યા.
અમે શેફાલી સિનેમા પાસે આવેલા રેસ્ટોરાંમાં ગયા. અૉર્ડર અપાઈ ગયા પછી રાજશ્રીએ મારી સામે ક્ષણભર જોયું. તેના ગાલ પર શરમના શેરડા પડ્યા અને નજર ઝુકાવીને બોલી, “અરવિંદ, હું તને ચાહું છું.” 
મારા મસ્તક પર જાણે વીજળી પડી. હું આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયો. રાજશ્રી ઉત્તર પ્રદેશના ગર્ભશ્રીમંત અને રૂઢિચૂસ્ત કાન્યકુબ્જ બ્રાહ્મણ પરિવારની હતી. અમે હતા ગુજરાતના નાનકડા શહેરના રહેવાસી. રાજશ્રીએ મારામાં કોણ જાણે શું જોયું, ક્યાં તથા કેવી રીતે તેને ઠેસ વાગી અને જ્યાં ન પડવું જોઈએ ત્યાં -  પ્રેમની ગર્તામાં પડી? એવું નહોતું કે રાજશ્રી મને અપ્રિય લાગતી હતી. તેનું વ્યક્તિત્વ, સાડી પરિધાન કરવાની તેની ઢબ અને હિંદી લઢણમાં ગુજરાતી બોલવાની રીતમાં એક વિશેષ આકર્ષણ હતું. અમારી બૅંકના ઘણા અપરિણીત સાથીઓ તેની સાથે પરિચય વધારવા કોશિશ કરતા હતા, પણ તેણે કોઈને દાદ આપી નહોતી. 
જીવનમાં પહેલી વાર કોઈ યુવતીએ મારા પ્રત્યે પ્રેમ જાહેર કર્યો હતો. આમ જોવા જઈએ તો અમારા સામાજીક સ્તરમાં ભારે ફેર હતો. રાજશ્રીનો સંયુક્ત પરિવાર ધનિક હતો. અમારો પરિવાર સાધારણ મધ્યમ વર્ગનો. ઘરમાં સૌથી મોટાં બા અને હું તેમનો મોટો દીકરો. એસ.એસ.સી.માં હતો ત્યારે પિતાજીનું અવસાન થયું હતું.  મારાથી નાની બહેન કુસુમ અને નાનો ભાઈ વિક્રમ હજી શાળામાં ભણતા હતાં. હું મારી આર્થિક અને પારિવારીક મર્યાદાઓ જાણતો હતો તેથી મારા જીવનમાં પ્રેમ અને લગ્નને પ્રાથમિકતા નહોતી. પણ પ્રેમ કદી કોઈનું આર્થિક સ્તર, જાતિ બંધન, સમાજે સર્જેલી અભેદ્ય ગણાતી દિવાલો તરફ થોડું જ જુએ છે? અને પ્રેમમાં ન પડવું એવાે નિશ્ચય કદી કોઈ લઈ શકે? 
રાજશ્રીનો એકરાર સાંભળી અમારા સહવાસના બે વર્ષમાં પ્રથમ વાર મેં તેને જુદી દૃષ્ટીથી નિહાળી. તેના ચહેરા પરની આર્જવતા તથા આંખમાંથી નિતરતા સ્નેહને મારૂં હૃદય અવગણી શક્યું નહિ. મેં તેના પ્રેમનો સ્વીકાર કર્યો પણ તેને કહ્યું કે હું બે વર્ષ સુધી લગ્ન નહિ કરી શકું.  કુસુમ એસએસસીમાં હતી. અમારી જ્ઞાતિમાં છોકરીઓનાં લગ્ન બહુ વહેલાં લેવાતાં. બાએ તો અત્યારથી તેના લગ્નની વાત ચલાવી હતી! બીજી વાત મારી અંગત મહેચ્છાની હતી. જ્યાં સુધી હું પ્રથમ વર્ગનો અફસર ન બનું ત્યાં સુધી હું લગ્ન કરવા તૈયાર નહોતો. બૅંકમાં અા પ્રમોશન માટે મેં ચાર્ટર્ડ બૅંકર્સ ઈનસ્ટીટ્યૂટની પરીક્ષાઓ આપી હતી ફેલોશિપની પરીક્ષાને એક વર્ષ બાકી હતું. મારા વિચારને રાજશ્રીએ માન આપ્યું. અમે બે વર્ષ સુધી લગ્નનો વિચાર ન કરવાનું નક્કી કર્યું. બૅંકમાં અમે કેવળ સહકારીઓ જેવું ઔપચારીક વર્તન રાખ્યું. 
બીજી તરફ બૅપ્સી કેટલાય વખતથી મારી પાછળ પડી હતી કે મારે બૅંક ક્લાર્કની નોકરી છોડીને કોઈ વિદેશી કંપનીમાં નોકરી જોવી.  “અરવિંદ, તું આય બૅંકમાં ટાઈમ વેસ્ટ કરે છ.” પછી અંગ્રેજીમાં કહ્યું, “તારી ઈન્ટેલીજન્સ, તારા અંગ્રેજીના જ્ઞાનની અને પર્સનાલિટીની કદર આ બૅંકમાં કદી નહિ થાય. મારો મોટો ભાઈ બહેરામ મુંબઈમાં જે. વૉલ્ટર થોમસનમાં ડાયરેક્ટર છે. હાલ માયજીને મળવા અહીં અાવ્યો છે. તું એવું કર, કાલે શનિવાર છે. સાંજે તું અમારે ઘેર ચ્હા માટે આવ. મેં બહેરામ સાથે તારા વિશે વાત કરી રાખી છે.”
જે. વૉલ્ટર થોમસન એટલે અમેરિકાની વિશ્વવિખ્યાત અૅડવર્ટાઈઝીંગ કંપની. બૅપ્સીની વાતને માન આપી હું ખાનપુરમાં તેમના બંગલે ગયો અને દરવાજા પરની કૉલબેલની ઘંટડી વગાડી. અર્ધી મિનીટ પણ થઈ નહિ હોય અને દરવાજો ખુલ્યો. હું ‘હૅલો બૅપ્સી’ કહેવા જતો હતો અને રોકાઈ ગયો, કારણ કે દરવાજો ખોલનાર બીજું કોઈ નહિ પણ મેં બે - અઢી વર્ષ પહેલાં ભદ્રના કિલ્લાની નજીકના બસ સ્ટૉપ જોયેલી પેલી ગોવાનીઝ યુવતી હતી. મને જોઈને તેના ચહેરા પર આશ્ચર્ય સ્પષ્ટ દેખાતું હતું. મીઠું હસીને ઘંટડી જેવા સ્વરે સ્વચ્છ ગુજરાતીમાં બોલી, “અરવિંદભાઈ, ખરૂં ને? હું અૅન્જેલા છું. આવો. બૅપ્સી અને બહેરામ તમારી રાહ જોઈને બેઠાં છે.” 
હું અંદર ગયાે. બૅપ્સીએ મારી ઓળખાણ તેનાં માયજી, બહેરામ અને આ યુવતી સાથે કરાવી. “આ અૅન્જી છે. અમારી પાડોશમાં રહે છે. મારાથી ખાસ્સી નાની છે પણ છે મારી ખાસ બહેનપણી!”
અમે વાતો કરવા બેઠાં. થોડી વારે પગની ઘૂંટી સુધીનો લાંબો ફ્રૉક અને અૅપ્રન પહેરેલાં મહિલા હાથમાં ટ્રે લઈને હૉલમાં આવ્યાં. અૅન્જેલા એકદમ ઉભી થઈ ગઈ અને તેમના હાથમાંથી ટ્રે લઈ તેમની સાથે કોંકણીમાં કશું’ક બોલી. મને તેમાંના ફક્ત થોડા શબ્દ સમજાયા. “મા!” અને “મને કેમ ન બોલાવી?” મહિલાએ ફક્ત તેની સામે જોઈને સ્મિત કર્યું. બૅપ્સીએ ઉભા થઈ તેમના ખભા પર હાથ મૂકી મારી તેમની સાથે ઓળખાણ કરાવી. “આ મિસેસ જી - મિસેસ ગોન્સાલ્વીસ છે. માયજીનાં ફ્રેન્ડ, કમ્પેનિયન અને અૅન્જેલાનાં મમી. માયજીને મદદ કરવા આવે છે,” કહી તેમને બેસવા કહ્યું. તેમણે હસીને ના પાડી અને ગોવાનીઝ-હિંદીમાં કહ્યું, “જાના પડેંગા. બો’ત કામ પડેલા હૈ,” કહી અંદર ગયાં.
આ જોઈને મને ઘણું કુતૂહલ થયું. આ બાબતમાં બૅપ્સીને ક્યારેક પૂછીશ એવું નક્કી કર્યું. ત્યાર પછી બહેરામ સાથે મારી ઘણી લાંબી વાત થઈ. અંગ્રેજી સાહિત્યથી માંડી યુરોપિયન ચિત્રકારો, સંગીત, લોકકથાઓ જેવા વિષયો પર ચર્ચા થઈ. બૅપ્સી અને અૅન્જેલા અમારી વાતચીત રસપૂર્વક સાંભળી રહ્યાં હતા. 
“તમે કહો છો તમે નાનકડા શહેરથી આવ્યા છો. આ બધી વાતોનું આટલું ઊંડાણથી જ્ઞાન કેવી રીતે મેળવ્યું તેની મને નવાઈ લાગે છે. અમને તો મુંબઈમાં પણ આ વિષયો પર આવા અધિકારથી વાત કરનાર લોકો ક્વચિત મળે છે,” બહેરામે પૂછ્યું.
 હવે હું તેને ટૂંકમાં કેવી રીતે કહું અમારા અંગ્રેજી અને ગુજરાતીના પ્રાધ્યાપકોએ અમારા માટે વિશ્વની સંસ્કૃતિઓની બારીઓ ખોલી આપી હતી? પ્રખર ચિત્રકાર સોમાલાલ શાહ, તેમના શિષ્ય ખોડીદાસ પરમાર અને જાણીતા આધુનિક ચિત્રકલાના કલાકાર અંજન તથા તેમના સાહિત્યરસીક ભાઈ ગિરીશ સાથે મારો ઘનીષ્ટ પરિચય હતો? કેમ કરીને કહું કે અમે કેટલાક મિત્રો નિયમીત રીતે મળીને ઈમ્પ્રેશનીસ્ટ ચિત્રકારો, સમરસેટ મૉમ અને જેમ્સ જોઈસ જેવા સાહિત્યકારોનાં પુસ્તકોની ચર્ચા કરતા હતા? આત્મશ્લાઘાના દોષમાંથી બચવા મેં જવાબમાં કેવળ સ્મિત કર્યું.
“જુઓ, અમને ઈમેજીનેટીવ કૉપીરાઈટર્સની જરૂર છે. અમેરિકાની મોટી કંપનીઓ ભારતમાં મોટા પાયા પર પ્રવેશ કરવાની તૈયારીમાં છે અને તેમાંની ઘણી કંપનીઓ અમેરિકામાં અમારી જુની ક્લાયન્ટ્સ છે. આજની આપણી વાતને હું ઈન્ટરવ્યૂ ગણું છું. તમે મુંબઈ આવો અને અમારા પર્સનેલ મૅનેજરને મળી તમારા કૉન્ટ્રૅક્ટની વિગતો પૂરી કરી લેજો. અને હા, કૉપીરાઈટરને અમે xxxxx પગાર આપીએ છીએ. તમને અૅક્સેપ્ટેબલ હોય તો…”
કૉપીરાઈટરનું કામ શું હોય છે તે હું જાણતો હતો. બહેરામે કહેલો પગાર મને હાલ બૅંકમાં મળતા પગાર કરતાં લગભગ ચાર ગણો હતો! મુંબઈના જીવનધોરણને પહોંચી વળાય તેના કરતાં પણ આ રકમ વધારે હતી. મેં વિચાર કરવાનો સમય માગ્યો.
બહેરામની અૉફર અત્યંત આકર્ષક હતી, પણ પરિસ્થિતિ એવી હતી કે મારાં બા અને ભાઈ બહેન હજી હાલમાં જ અમારા ગામથી અમદાવાદ શિફ્ટ થયા હતા. ભાઈ બહેનને શાળામાં દાખલ કરીને બહુ સમય નહોતો થયો. આવી હાલતમાં મારા માટે મુંબઈ જવું શક્ય નહોતું. મેં બહેરામને ફોન કરી મારી અશક્તિ જણાવી. બૅપ્સીને માઠું તો લાગ્યું પણ મારી પરિસ્થિતિ જાણતી હોઈ ઉદાર હૃદયે મને દરગુજર કર્યો.
આ વાતને એકાદ મહિનો થયો હશે અને અૅન્જેલાને અમારી બૅંકમાં ટાઈપિસ્ટની નોકરી મળી. બૅપ્સીએ મને કાનમાં કહ્યું, બહેરામે અમારા પારસી મૅનેજર સાથે વાત કરીને તેને નોકરી અપાવી હતી. બૅપ્સીએ અૅન્જેલાના પરિવાર વિશે વાત કરી. અૅન્જેલાનાં પિતા લાલ દરવાજા પાસે આવેલ બ્રિટિશ કાર ડીલરશિપની ગૅરેજમાં હેડ મિકૅનીક હતા. માયજી સાથે તેમનાં પત્નીની ખાસ મૈત્રી. એક અકસ્માતમાં મિસ્ટર ગોન્સાલ્વીસનું અવસાન થયું. અૅન્જેલા અને તેનો ભાઈ સાવ નાનાં હતાં. મિસેસ જી ખાસ ભણેલાં નહોતાં. માયજીએ તેમને હર રીતે મદદ કરી અને ત્યારથી તેઓ તેમને ઘેર હાઉસકીપરનું કામ કરવા લાગ્યાં હતા. માયજીએ તેમને દોસ્તની જેમ જ સાચવ્યાં અને તેમને આર્થિક તથા ભાવનાત્મક આધાર આપતા રહ્યાં. અૅન્જીના અભ્યાસમાં પણ તેમણે આર્થિક મદદ કરી હતી.
અૅન્જેલા કામે આવવા લાગી અને અમારું ગ્રુપ મોટું થયું. બૅપ્સી, બી.કે., રાજશ્રી અને અૅન્જેલા. હવે અમે તેને અૅન્જી કહીને બોલાવતા. કોઈ કોઈ વાર અમે બધાં એકબીજાને ઘેર પણ જતાં.
***
૧૯૬૨માં થયેલા ચીન સાથેના યુદ્ધ વિશે સૌ જાણે છે. સરકારે મોટા પાયા પર અફસરોની ભરતી શરૂ કરી. મારો મિત્ર સમુદાય દેશભક્ત હતો. અમે સૌએ સૈન્યમાં ભરતી માટે અરજી કરી. મિલિટરીમાં સિલેક્શનનું સ્તર અત્યંત સખત હોય છે તેથી સર્વિસીઝ સિલેક્શન બોર્ડમાં અમારામાંથી કેવળ બે જણા યશસ્વી થયા. તેમાંનો એક હતો અરવિંદ ઝાલા - એટલે હું - અને બીજો મારો મિત્ર વિન્સેન્ટ મૅકવાન.
ટ્રેનીંગ માટે મારે છ મહિના માટે દહેરાદુન જવાનું હતું. અૉફિસમાં રાજશ્રી સાથેના મારા સંબંધની જાણ ફક્ત બૅપ્સી અને અૅન્જીને હતી. દહેરાદૂન જતાં પહેલાં એક સાંજે હું રાજશ્રીને મળ્યો. તેની આંખમાંથી આંસું સૂકાતાં નહોતાં. મેં તેને આશ્વાસન આપ્યું કે છ મહિનાની તો વાત છે. ત્યાર પછી મને મળનારી દરેક રજામાં તેને મળવા આવીશ. મારો પ્રથમ નિર્ણય - અફસર થવાનો - હાથવેંતમાં પૂરો થવાનો હતો. બાએ કુસુમ માટે મૂરતિયો જોઈ રાખ્યો હતો અને એક વર્ષ બાદ તેનાં લગ્ન લેવાનું નક્કી કર્યું હતું. આમ બધી રીતે અમારી સમસ્યાઓનો ઉકેલ આવી ગયો હતો. અમે એકબીજાને દર અઠવાડિયે એક પત્ર લખવાનું વચન આપ્યું અને અમે જુદા પડ્યાં. 
અમારી ટ્રેનીંગ સખત હતી. કહેવાય છે કે સ્નેહીઓ વચ્ચે ભૌતિક અંતર જેટલું વધુ એટલું જ તેમનાં હૃદયો વચ્ચેનું અંતર ઘટીને નહિવત્ થઈ જાય છે! ટ્રેનિંગના બીજા સત્રના છેલ્લા એક મહિનામાં મને રાજશ્રીનો એક પણ પત્ર ન મળ્યો, જો કે રાજશ્રીના હૃદયના ધબકાર મેં જરૂર અનુભવ્યા. ટ્રેનીંગ કાળની મારી સિદ્ધીઓ જોતાં મારી નિયુક્તિ આપણાં xx લાન્સર્સ નામના રિસાલામાં થઈ. તેમાં પસંદગી પામવા સારૂં નસીબ જ કામ આવે! આને મેં ભવિષ્યનાં એંધાણ સમજ્યાં. ટ્રેનીંગ પૂરી થઈ અને લેફ્ટેનન્ટના હોદ્દા સાથે મળેલી બે અઠવાડિયાની રજા લઈ હું ઘેર પહોંચ્યો. 
બીજા દિવસે લંચના સમયે હું મારા નવા નક્કોર યુનિફૉર્મમાં રાજશ્રીને તથા મારા અન્ય સાથીઓને મળવા બૅંક ગયો. રાજશ્રીની સીટ તરફ નજર કરી તો તે દેખાઈ નહિ. બૅપ્સી અને અૅન્જીએ એકબીજા તરફ વિષાદપૂર્ણ નજરે જોયું અને કહ્યું, “ઘણા સમય પછી આવ્યો છે તો ચાલ ચ્હા પીવા જઈએ.”
અમે અમારા હંમેશના સ્થળે ગયા. બૅપ્સી અને અૅન્જેલાએ એક બીજા સામે જોયું. બન્નેની અંાખોએ છાની વાત કરી. બૅપ્સીએ માથું હલાવી અૅન્જીને સંકેત કર્યો, ‘તું જ કહે!’ 
અૅન્જેલાએ મને કહ્યું, “સૅારી, અરવિંદ. આ વાત તમને કેવી રીતે કહેવી તે સમજાતું નથી. અમે બન્ને હજી આઘાતમાં છીએ.”
“કેમ? ઘેર તો બધાં ઠીક છે ને?” મેં ચિંતીત સ્વરે પૂછ્યું.
“હા, અમારે ત્યાં તો બધું ઠીક છે, પણ રાજશ્રી…”
હવે મારી ચિંતા એકદમ વધી ગઈ. “કેમ, શું થયું રાજશ્રીને? મને પણ એક મહિનાથી તેનો પત્ર નથી…”
“એક દિવસ તારી યાદમાં તારાં પત્રો વાંચતાં વાંચતાં ઉંઘી ગઈ. બત્તી બંધ કરવા તેનાં મમી ગયા ત્યારે તેમણે આ પત્રો જોયાં. બસ, બીજા દિવસે તેની પાસેથી રાજીનામું લખાવી તેને વતન લઈ ગયા.”
મારા પર જાણે વજ્રાઘાત થયો. બે મિનીટ હું ચૂપ રહ્યો. ફક્ત એટલું પૂછી શક્યો, “તમારી પાસે તેનું સરનામું છે?”
“કોઈ ફાયદો નહિ થાય. તેેમણે તેનાં લગ્ન કરી નાખ્યાં. અત્યારે કોઈને ખબર નથી કે તે બનારસ છે કે અલ્લાહાબાદ. તેણે મને ચોરીછૂપીથી કરેલા અર્ધી મિનીટના ટેલીફોનમાં આ બધી વાત કહી,” બૅપ્સીએ કહ્યું.
મારી હાલતનું વર્ણન શું કરૂં?
***
એક વર્ષ બાદ રજા પર આવ્યો ત્યારે લંચના સમયે બૅપ્સી અને અૅન્જેલાને મળવા બૅંકમાં ગયો. બૅપ્સી મુંબઈ ગઈ હતી. અૅન્જેલાએ મને કહ્યું, “અરવિંદ, ખોટું ન લાગે તોે એક વાત કહું?”
“ના, અૅન્જી. બૅપ્સી અને તારી કોઈ વાતનું દુ:ખ મને નહિ થાય.”
“રાજશ્રીના વિયોગથી તમને થયેલી તમારી વ્યથા હું સમજી શકું છું, પણ મારી વાત માનો. તમે લગ્ન કરી લો. તમારા સુખ - દુ:ખમાં સહભાગી થાય તેવી યુવતી આપણી અૉફિસમાં છે. તમે પહેલી વાર યુનિફૉર્મ પહેરીને અૉફિસમાં આવ્યા હતા ત્યારે તેણે તમને જોયા અને બસ, તેને લવ અૅટ ફર્સ્ટ સાઈટ થઈ ગયો. ત્યારથી તે તેના સ્પૅર ટાઈમમાં, લંચના સમયે, બૅપ્સી અને મારી પાસે આવે અને તમારા વિશે પૂછ પૂછ કરે. તમારા આવવાની ચાતકની જેમ રાહ જુએ છે. આ જુઓ, તે અહીં અાવી રહી છે!”
યુવતીનું નામ હતું ઈશિતા ત્રિવેદી. અત્યંત રૂપાળી અને સંસ્કારી. તેણે મધુર હાસ્ય હસીને નમસ્તે કર્યા. અમે કૅન્ટીનમાં ગયા.
સાચું કહું તો રાજશ્રી મારા જીવનમાંથી ગયા બાદ મને લગ્નમાં રસ નહોતો રહ્યો. ઈશિતાને ખોટી આશામાં રાખવું મને ગમ્યું નહિ. મેં તેને મારો નિર્ણય કહ્યો ત્યારે તે રડી પડી. તેની સાથે અૅન્જેલા પણ. મને પારાવાર દુ:ખ થયું, પણ શું થાય? ઈશિતાના અનુભવ પછી રજા પર આવવાનું થાય ત્યારે અૉફીસમાં જવાને બદલે મિત્રોને મળવા તેમને ઘેર જતો.
બીજા બે વર્ષ વિત્યા. બાની તબિયત સારી નહોતી રહેતી. તેમણે મને લગ્ન કરવા ઘણો આગ્રહ કર્યો. પિતાજીના અવસાન બાદ બાને જરા જેટલું દુ:ખ ન થાય તેવો પ્રયત્ન મેં હંમેશા કર્યો હતો. આ વખતે તેમની આંખોમાં ઝળઝળીયાં જોઈને હું લગ્ન માટે તૈયાર થયો. કન્યા બાએ પસંદ કરી રાખી હતી!
ત્યાર બાદ પંદર વર્ષ કેવી રીતે વિતી ગયા ખ્યાલ ન રહ્યો. બૅંકના જુના મિત્રો સાથે સમ્પર્ક ન રહ્યો. એક રજામાં મેં બૅપ્સીને ફોન કર્યો. એ રિટાયર થયાં હતા. તેમણે મને મળવા ઘેર બોલાવ્યો. 
એક સાંજે તેમના ઘેર ગયો. શ્રીમતીજી આવી ન શક્યા. બૅપ્સીએ ઘણી વાતો કરી અને ‘લેટેસ્ટ’ સમાચાર આપ્યા. 
રાજશ્રીના લેવાયેલા લગભગ 'ઘડિયાં' લગ્ન પછી પતિ સાથે અમેરિકા ગઈ હતી. 
ઈશિતાનાં લગ્ન થઈ ગયા હતા.
“બૅપ્સી, અૅન્જેલા કેમ છે?”
“તને દુ:ખ ન પહોંચે એટલે તેની વાત નહોતી કરતી,” બૅપ્સીએ કહ્યું. 
“કેમ, શું થયું અૅન્જીને? એ ઠીક તો છે ને?” મેં ચિંતાના સ્વરમાં કહ્યું. 
“અૅન્જીનાં લગ્ન તેની કોમમાં થયા હતા. તું તો જાણે છે કે તે સીધી, સાદી ચોખ્ખા મનની છોકરી હતી. આડોશી-પાડોશી અને જરૂરતમંદ લોકોને ખુલ્લા દીલથી મદદ કરતી. તેણે કદી જાતિ ધર્મનો ભેદ માન્યો જ નહોતો. એ તો કદી ચર્ચમાં પણ નહોતી જતી. લોકોની સહાયતા કરવા હંમેશા તે દોડી જતી. બસ, આ જ વાત તેને નડી. તેના સાસુ સસરા અત્યંત રૂઢિચુસ્ત હતા. ચર્ચમાં ન જનારી તેમની વહુને તેમણે ધર્મભ્રષ્ટ થયેલી સમજી પહેલાં તો તેની પાસેથી પ્રાયશ્ચિત કરાવ્યું. લેન્ટના દિવસોમાં કડક અપવાસ કરવાની ફરજ પાડી અને દર રવિવારે ચર્ચમાં જવાનું અને બાકીના દિવસોમાં કન્ફેશન… ખેર! અૅન્જીનો પતિ ભલો માણસ હતો, પણ માબાપ સામે લાચાર હતો. આમ ને આમ વર્ષો વિતી ગયા. અૅન્જીને બે બાળકો અવતર્યા. બન્ને તેના જેવા ખુબસુરત. માની ‘ખરાબ’ અસર તેમના પર ન પડે એટલા માટે સાસુએ બાળકોને તેનાથી દૂર રાખી. ટૂંકામાં કહીએ તો સઘળી વાતોનું પરિણામ છુટાછેડામાં આવ્યું. કમનસીબે અૅન્જીને બાળકોની કસ્ટડી ન મળી. અંત સુધી તેણે પ્રયત્ન કર્યો…”
હું ધ્રુજી ગયો.
“અંત સુધી એટલે?” મેં પૂછ્યું.
“બાળકોની કસ્ટડી માટેની તેની સતત બે વરસની મહેનત નિષ્ફળ ગઈ. બિચારી ભાંગી પડી. એક વહેલી સવારે હાર્ટ અૅટેકમાં તે ગુજરી ગઈ ત્યારે તેની પાસે કોઈ નહોતું. બિચારી છુટી. મને દુ:ખ તો બહુ થયું, પણ શું કરીએ? અને તારૂં તો કશું ઠેકાણું નહોતું. કૅર અૉફ 56 APO ના સરનામા પર તને કેવી રીતે ફોને કરૂં કે તાર કરીને તને જણાવું?”
હું નિ:શબ્દ હતો.
પશ્ચાત્તાપથી મારૂં મન વિલાઈ ગયું. બૅપ્સી અને અૅન્જી સાથે સમ્પર્ક ન રાખવા માટે મારા મનમાં થયેલી અપરાધની ભાવનામાં હું એવો ડૂબી ગયો, આંખ ભીની થઈ ગઈ અને મને તેનો ખ્યાલ પણ ન આવ્યો. 
મને મારા સ્વાર્થીપણાની શરમ આવી.
“અરવિંદ, એક વાત પૂછું તો તને ખોટું નહિ લાગે ને?” બૅપ્સીએ નરમાશથી પૂછ્યું.
“ના, જે પૂછવું હોય તે પૂછો.”
“તારા મનમાં અૅન્જી પ્રત્યે એક વાર પણ પ્રેમની ભાવના થઈ હતી?”
“કેવી વાત કરો છો! અૅન્જી તો કેવળ મિત્ર હતી. તમારા જેવી.”
“તું બી બધા મિલિટરીવાળાઓ જેવો મગજ મેટ નીકળ્યો,” બૅપ્સીએ નરમાશથી પારસી ભાષામાં મને ઠપકો આપ્યો. “એ વર્ષોથી તારા પર પ્રેમ કરતી હતી! તને કદી તેનો ખ્યાલ પણ ન આવ્યો? કેવો કમનસીબ માણસ છે!
“ અૅન્જી અઢાર વર્ષની હતી ત્યારે તેણે તને પહેલી વાર જોયો હતો. તે ભદ્ર પાસેના બસ સ્ટૉપ પર ઉભી હતી અને તું તેની નજીકથી નીકળ્યો હતો. તારી સાથે વાત કરવાનો ચાન્સ તેને અમારે ઘેર મળ્યો. બહેરામ સાથે વાત કરતી વખતે તેણે તારી મીઠી, ચિકણી બોલી સાંભળી અને તે તારા પર લપસી પડી. ત્યારથી તારા પર પ્રેમ કરવા લાગી હતી.”
“અૅન્જીએ મને એક વાર પણ તેનો અણસાર ન આપ્યો!”
“એ તો હંમેશા તારા પર unrequited (અપ્રતિઘોષીત) પ્રેમ કરતી રહી. તું બી ખરો નીકળ્યો! પહેલાં રાજશ્રી, પછી પેલી ઈશિતા…કદી’ક તેની આંખોમાં તારા પ્રત્યે છલકતો સ્નેહ તું જોઈ શકીશ તે આશામાં અૅન્જી જીવી હતી. છૂટાછેડા પછી એકલી હતી ત્યારે એક દિવસ તેણે મને આ વાત કરી. તું લગ્ન કરવાનો છે એ તેણે જાણ્યું હોત તો કદાચ તેનો જીવ બચી જાત. ઓ ખોદાયજી!”
હું અવાક હતો. 
અૅન્જી આખી જિંદગી મારી નજર સામે સતત  હતી, પણ મારાથી અદૃષ્ટ. એવો જ તેનો પ્રેમ હતો - અદૃશ્ય.



***

Tuesday, August 2, 2016

જિપ્સીની ડાયરીના સહયાત્રીઓને સહર્ષ ભેટ!



આપ સૌના પ્રોત્સાહનને કારણે 'જિપ્સીની ડાયરી' સૌ પ્રથમ આ બ્લૉગમાં અવતરી. આપનો સાથ અને સહકાર ન હોત તો કદાચ તે પુસ્તક તરીકે પ્રકાશિત કદી ન થાત. આપના આગ્રહને કારણે પુસ્તક છપાયું અને આપે તેને વધાવી લીધું. પુસ્તકને મળેલા અપ્રતિમ આવકારને કારણે ગુજરાત સરકાર દ્વારા સંચાલિત ગાંધીનગર સ્થિત ગુજરાત સાહિત્ય અકાદમીએ તેેને ૨૦૧૨ સાલમાં પ્રસિદ્ધ થયેલ આત્મકથા વિભાગમાં દ્વિતિય પુરસ્કાર આપ્યો.

આ પુરસ્કાર પર પહેલો અધિકાર આપનો છે તેથી તેનો નીચે બતાવેલ plaque આપને અર્પણ કરતાં જિપ્સીને અત્યંત આનંદ થાય છે. 



આ બાબતમાં એક વધુ ખુશીની વાત એ હતી કે "ડાયરી"ના પ્રકાશક ગુર્જર ગ્રંથરત્નએ પુસ્તકની રૉયલ્ટી અંગે લેખકને પચીસ હજાર રૂપિયા આપ્યા હતા, જે આપ સૌના વતી આપણે બૉર્ડર સિક્યોરિટી ફોર્સના યુદ્ધભુમિ પર શહીદ થયેલા પરિવારો માટેની કલ્યાણનિધિમાં મોકલ્યા.

ફરી એક વાર જિપ્સીની યાત્રામાં જોડાવા માટે આપનો હાર્દિક આભાર.

ભારતથી "જિપ્સીની ડાયરી" તથા જિપ્સીનું અગાઉનું (હાલ અપ્રાપ્ય) પુસ્તક "બાઈ" મંગાવવામાં મુશ્કેલી નડતી હોવાથી તેમને ઈ-બૂક સ્વરૂપે શ્રી. અપૂર્વભાઈ આશરની સંસ્થા Cygnetએ નજીવા દરથી પ્રકાશિત કર્યા છે. આપ તેને ઈ-શબ્દડૉટકૉમ પાસેથી મેળવી શકો છો. બન્ને ઈ બૂકની આવક પણ ભારતીય સેનાના જવાનો માટે મોકલવામાં આવશે.

આપના સહકાર માટે ફરી એક વાર આભાર!


'જિપ્સી'

Saturday, July 30, 2016

ઇગ્નરન્સ ઈઝ બ્લિસ - અર્થાત, ન જાણવામાં નવ ગુણ

એક દિવસ હું બસ સ્ટૉપ પર ઊભો હતો. લંડનમાં અમને સિનિયરોને કાઉન્સિલ તરફથી બસ અને લંડન અંડરગ્રાઉન્ડ (જેને સામાન્ય રીતે ‘ટ્યૂબ’  કહેવામાં આવે છે તે)માં મફત પ્રવાસ કરવાના પાસ મળતા હોય છે. શરત માત્ર એટલી કે સવારના નવ પછી જ તે વાપરી શકાય. અમે બુઢિયાઓને વહેલા ઉઠીને કામ પણ શું કરવાનું હોય? આપણે તો બાપુ, આરામથી ઉઠી બસ પકડીને વેમ્બ્લીના ઈલિંગ રોડ પર જઈએ. ત્યાં આપણા લોકોની ભીડ, રંગ -બેરંગી કપડામાં ફરવા આવતા લોકો અને મુખ્ય તો  ત્યાંની કેટલીક રેસ્ટોરાંમાં પાંચ પાઉન્ડમાં મળતી દાળ - રોટલાની પ્લેટનું ભોજન પતાવી સાંજનો ટ્રાફિક શરૂ થાય તે પહેલાં ઘેર પહોંચી જઈએ.  

આજે ક્યાં જમવા જવું તેનો વિચાર કરતો હતો ત્યાં બસ સ્ટૉપ પર એક મોટી ઉમરનાં બહેન આવ્યાં. મને જોઈ તેમણે થેલીમાંથી પડિકું કાઢી મને કહ્યું, “ઠાકોરજીનો પરસાદ છે,” અને હું કંઈ કહું તે પહેલાં પેલા જુના છાપાના પડિકામાંથી મગસનો કકડો કાઢી મારી સામે ધર્યો. હું બહુ ધાર્મિક નથી, અને ઠાકોરજીને ચઢાવેલો ભોગ મારો ભોગ લઈ શકે તેમ છે કે કેમ તેનો વિચાર કરતો હતો ત્યાં એક મોંઘી લેક્સસ કાર બસ સ્ટૉપ પાસે ઉભી રહી. તેની પૅસેન્જર સીટની બારી ખુલી અને અંદરથી અવાજ આવ્યો, “એ, મગનભાઈ, હાલો, ક્યાં જાવું છે? વેમ્બ્લી જાતા હો તો આવી જાવ, ભેગા જાશું.” 

મેં જોયું તો ભૂરા રંગના સૂટમાં સજ્જ એવા પ્રભાવી ચહેરાવાળા સજ્જન મને બોલાવી રહ્યા હતા. વિસે'ક સેકન્ડ ધારી ધારીને જોયા બાદ મેં તેમને ઓળખ્યા. પૂર્વ આફ્રિકાના સમયના આ મારા મિત્ર હતા. તે વખતની તેમની સિકલ અને અત્યારે તેમાં થયેલું મેટામોર્ફોસીસ જેવું પરિવર્તન કોઈને પણ ચકરવામાં નાખી દે તેવું હતું. પહેલી વાર કેન્યામાં તેમને મળ્યો ત્યારે તેમના ચહેરા પર એક પ્રકારની લાચારી દેખાતી હતી. શ્રીમંત ઘરની છોકરી સાથે ગરીબ વ્યક્તિના લગ્ન થાય ત્યારે તેના જે દેદાર હોય તેની કલ્પના કરો તો હું શું કહેવા માગું છું તે સમજાશે. લગ્ન પછી તેમની અંગત હાલત - એટલે સ્વમાનને લાગેલા ક્ષયરોગ વિશે સાંભળ્યું હતું. તેમનો ઉત્સાહ વધારવા હું તેમને બાના-કૂબા એટલે 'માન્યવર સજ્જન'ના સમકક્ષ સ્વાહિલી શબ્દથી બોલાવતો. 

બાના કૂબાના દાદા ૧૯૩૦ના દાયકામાં પૂર્વ આફ્રિકા ગયા હતા. તેમના પિતા અને ત્યાર બાદ તેમનો પોતાનો જન્મ પણ આફ્રિકામાં. અમારે ત્યાં - એટલે પૂર્વ આફ્રિકામાં ઘેર ભલે ગુજરાતી બોલાય, પણ તેમાં સ્વાહિલી શબ્દોનો ઊપયોગ વધુ થતો. દાખલા તરિકે થાળીને ‘સાની’, વાટકીને ‘બાકુડી’, રસોડાને ‘સકોની’ અને મહેમાનો માટે ‘મગેની’ શબ્દ વપરાય. ઊંડા અર્થ વાળા આપણા તળ ગુજરાતી શબ્દ પ્રયોગથી લગભગ સૌ અજાણ્યા હતા. મને ગુજરાતી સાહિત્યનો શોખ એટલે મારી વાત સહેજ જુદી હતી. એક વાર તો ઉત્સાહના માર્યા મેં પચાસ પાનાંની ચોપડી લખી અને મારા ખર્ચે તેની પાંચસો નકલ છપાવી હતી. પુસ્તકનું નામ હતું “ઘેર બેઠાં કિ-સ્વાહિલી શીખો”. ચોપડી વેચાવા કરતાં વહેંચાઈ વધુ હતી. ’સહર્ષ ભેટ’ આપવામાં લગભગ બધી નકલ જતી રહી હતી. મને તેના બે મોટા ફાયદા થયા : એક તો મોટી સંખ્યામાં લોકો મને ઓળખવા લાગ્યા હતા. બીજું, મારૂં નામ હવે મગન દેસાઈમાંથી મગન સ્વાહિલી થઈ ગયું.  

પુસ્તકની વહેંચણીમાં મારા આ મિત્રનો મોટો ફાળો હતો. તેઓ તેમના શ્વશુરની સોના-ચાંદીની દુકાનમાં કામ કરતા હોવાથી તેમના વિશાળ ગ્રાહક વર્ગમાં આ ચોપડી સહેલાઈથી વહેંચાઈ ગઈ હતી. આમ મારું નામ પ્રખ્યાત કરવામાં તેમનો મોટો ફાળો હોવાને કારણે પણ હું તેમને ‘બાના - કૂબા’ કહીને બોલાવતો.

આજે બદલાયેલી સિકલવાળા અને આટલી મોંઘી કારના માલિકની અદાથી તે ચલાવતા હોવાથી હું ઘણો પ્રભાવિત થયો. હું મોટરમાં બેસી ગયો અને અમે ઉપડ્યા વેમ્બ્લીના કાલબાદેવી - ઈલિંગ રોડ તરફ. 
“આ કાર…?”
“આપડી જ છે!”
“ક્યારે લીધી?”
“ગયા મહિને જ જોડાવી. પડિકા-બંધ,” ગૌરવથી સ્ટિયરિંગ પર હાથ ફેરવતાં બાના કૂબા બોલ્યા.
“એમ?”
“ભૈ સમય સમયને માન છે!”
“અરે વાહ! શું તમને કોઈ લૉટરી કે ભાભીના પિતાનો વારસો…?”
“અરે, જાવા દ્યોને, બાના! આ લૉટરીયૂં કંઈ રેઢી પડી છે? તમે તો જાણો છો કે અમે થિગડાં સોની હતા બાપાની દાગિના રીપેર કરવાની અને તેમાં ટાંકા મારવા કે પાણી ચઢાવવાની દુકાન હતી. હું ન્યાં કામ કરતો. મારા સસરા ઘરેણાં સોની. મોટી દુકાન, પણ એમનો વારસો એમના દીકરાંવને.  આ તો જાત મે’નત અને અમારાં સદ્ગત્ પત્નીની કૃપાથી બધું પ્રાપત થયું છે.
“એટલે?”
“તમને ટાઈમ હોય તો નિરાંતે વાત કરીએ.”
Image result for perrier water limeમારી પાસે તો ટાઈમ જ હતો. બાના કૂબા મને વેમ્બ્લીની હિલ્ટન હૉટેલની લાઉન્જમાં લઈ ગયા. હૉટેલના બારમાં અમે જઈ લાઈમ પેરિયેની લીલી બાટલીઓ લઈને ખૂણાના ટેબલ પર જઈને બેઠા.” ગુજરાતની પાનની દુકાનોમાં મળતી સોડાની બાટલીમાં લિંબુની સુગંધ આવતી હોય તેવી આ મોંઘી સોડાની ચૂસ્કી લેતાં બાના કૂબા બોલ્યા, “અમારા લગન વખતે તમે નાઈરોબી નો’તાં ને?”
“ના. હું ઇન્ડિયા ગયો’તો, મારી ચોપડી છપાવવા.”
“લોકા તો મને આ લગન કરવાની ના પાડતા’તા. એમણે તો કી’ધું પણ ખરૂં કે કાન્તા હારે તને નૈ ફાવે. એક તો મટાટો કરવાની એને ટેવ છે. દિ’માં એક - બે મટાટા ન કરે તો તેને રાતે ઉંઘ નો આવે.”

મટાટો એટલે  ઝઘડો. તમે લાયન કિંગ જોયું હશે તો તેમાં તમે તેમાં એક ગાયન સાંભળ્યું હશે, “હકૂના મટાટા…”

“લોકાએ તમારો એક ગુજરાતી શબ્દ વાપરીને તેની આદત વિશે વાત કી’ધી'તી. આપડે તો ગુજરાતી ખાસ ભણ્યા નો’તા તેથી તેની ફિકર નો કરી.”

મારૂં કામ તો બાના કૂબાની વાત સાંભળવાનું હતો. હું ચૂપચાપ સાંભળતો રહ્યો.

“લગન પછી બાના, આપડે ડબલ કામ થઈ ‘ગ્યું. સવારે વે’લા ઉઠીને કાંતાને ચા આપી, નાસ્તો તૈયાર કરી પેઢીએ જાવાનું. કાંતાની બાનું ઘર નજીક હતું તેથી તેમનો બૉયટો અાવી ઘર કામ કરી જતો. પણ રોજ હાંજે ખાવાનું બનાવવાનું, વાસણ-પાણી કરવાનું કામ આપડે જ.”

“તો પછી…?”

“બાપુ, ઈ’જ તો લંડન આવીને કામ આવ્યું. આંયા બૉયટા ક્યાં? સવારની ચા અને બ્રેકફાસ્ટ આપડે તૈયાર કરી ફૅક્ટરીમાં કામે જાતાં. ઘર પાંહે’જ હતું તેથી લંચ અવરમાં જલદી ઘેર જઈ સાદું લંચ બનાવું. બિચારી કાંતાને તો કામની ટેવ નૈ, તેથી વાસણ-પાણી કરીને કામે જતો. સાંજે મજાનાં દાળ-ભાત-શાક રોટલી…”
“એમ? કાન્તાભાભીને એ ફાવે…?”
“અરે ના, ભાઈ. આપડે જ.”
“તો પછી આ મોટર…”
“ભૈ, ઘરમાં સાફ -સફાઈ, રસોઈ પાણી, ગ્રોસરી શૉપિંગ, કપડાં, વાસણ કરી કરીને તેમાં એવો પાવરધો થયો…”
“પણ આ મોટર, પૈસા…”
“તમે હજીયે નો સમજ્યા. આ બધો અનુભવ મને કામ આવ્યો કાઉન્સિલની નોકરીમાં. અહીં સોશિયલ સર્વિસિઝમાં ઘરડા અને અપંગ લોકાને ઘરકામમાં મદદ કરવા, સાફ સફાઈ કરવા ‘હોમ હેલ્પ’ માં નોકરીયૂં અપાય છે. આપડા લોકાંને મદદ કરવા ગુજરાતી - ઉડદૂ બોલનાર કરમચારી જોઈએ. મારી ફૅક્ટરીની નોકરી ગઈ એટલે મને આ નોકરી મળી…”

“પણ બાના કૂબા, આ નોકરીમાં કેટલી આવક…?”

“જુઓ, ચાર વરહ કાઉન્સિલનું કામ કરિયું ત્યાં સુધીમાં કાઉન્સિલ પાસે પૈસા ખૂટ્યા. તેમણે હોમ હેલ્પની સેવા પ્રાઈવેટાઈઝ કરવાનું નક્કી કર્યું. આપડો સ્વભાવ તો તમે જાણો છો. અમારા ખાતામાં સૌને હું ગમતો. એમની સૌની નોકરી ગઈ એટલે મેં સૌનાં નામ-સરનામા લીધા અને કીધું કે હું કૉન્ટ્રાક્ટ લેવા અરજી કરું છું. મલે, તો મારી હારે કામ કરશો? મારા વાલીડા, સૌ તૈયાર હતા. આપડે તો બાપુ, બિટ મૂકી અને કૉન્ટ્રૅક્ટ મલી ગ્યો. વર્ક ફોર્સ તૈયાર જ હતું!”

“અરે વાહ, બાના! તમે તો કમાલ કરી.”

“કમાલ તો પછી થઈ. એક કૉન્ટ્રૅક્ટ મળ્યો, ત્યાર પછી બીજી, અને ત્રીજી કાઉન્સિલનો. અત્યારે આપડી પાહેં છ કાઉન્સિલના કૉન્ટ્રક્ટ છે.” ઈમાં જ આ ગાડી, રિકમૅન્સવર્થમાં ડિટૅચ્ડ બંગલો અને…”
“કાન્તાભાભી તો ખુશ હશે!” મેં ક્યું.
“એ બિચારી તો પાંચ વરહ પે’લાં ગુજરી ગઈ.”
“તો…”
“મેં તમને કી’ધું ને, કે એને કામ કરવાની આદત ન’તી, અને તેથી આપડે એક્સપર્ટ થઈ ગયા હતા. બીજી ખાસ વાત તમને ન’તી કી’ધી તે અમારા લગન પે’લાંની. લોકા મને કાન્તા હારે લગન કરવાની ના પાડતા’તા અને એના સ્વભાવ હાટુ એક શબ્દ કિધો તો. એનો અરથ તે વખતે ન’તો જાણતો, તેથી તેની પરવા નો કરી અને લગન કઈરા.”
“એમ? કયો શબ્દ?”
“લોકા કે’તા તા, કાન્તા ફૂવડ છે. મને લાગ્યું ઊંઘ નો આવવાની બિમારી કે ડિસેબિલિટી હશે. મેં ધ્યાન નો આઈપું."
“એ વખતે તમને કોઈએ એનો અર્થ કીધો હોત તો?”

ઈ વખતે આ શબ્દનો અરથ કે મરમ જાણતો હોત તો એની હારે લગન નો કઈરા હોત. એક તો બિચારી ફૂવડ, અને ઉપરથી મટાટો કરવાની ટેવ. અટલે જ તો તેને કોઈ પૈણતું ન’તું. પણ હવે એની Bright side કહું. આ જાણતો ન'તો તેથી જ તો આપડી પાંહે આ મોટર, બંગલો, પૈંયા, ઈજ્્જત -હંધુ'ય છે."

કોણ કહે છે Ignorance is not bliss?

Wednesday, July 13, 2016

આસપાસ ચોપાસ : ચા - સા અને આ વખતે કાશ્મિરી ગુલાબી ચા!


ચાનો વિષય ચા જેટલો જ લહેજતદાર. બ્લૉગમાં પહેલા બે ભાગમાં ‘ચાય પે ચર્ચા’ થયા બાદ તેને પૂરી કરવાનો વિચાર હતો. પણ ચાને કોઈ દિવસ - કે કોઈ સમયે ના કહી શકાય?

‘ચા - સા’ના લેખ પ્રસ્તૂત થયા બાદ સૌ પ્રથમ જિપ્સીની ભાવનગરની કૉલેજના તેના સિનિયર - ગુરુબંધુનો પત્ર આવ્યો તેનો ઉલ્લેખ કર્યા વગર નહિ રહેવાય. શ્રી. સુધાકરભાઈ શાહ અમારી મંગળદાસ જેસિંગભાઈ કૉલેજ અૉફ કૉમર્સના અગ્રગણ્ય વિદ્યાર્થી હતા. તે સમયે અમારી કૉલેજનો ઉલ્લેખ અમે સૌ વિદ્યાર્થીઓ વહાલથી મં.જે.કો.કો. કરતા. કો.કો. એટલા માટે કે સૌરાષ્ટ્રમાં કોઈ અક્ષર પર પહોેળો ‘અૉ’ હોય તેનો પણ ઉચ્ચાર ‘ઓ’ જ કરવામાં આવે છે. તેથી કૉ. કૉ.નું કો.કો. થયું - જે રીતે ‘હૉલ’નો ઉચ્ચાર ‘હોલ’ અને ‘ડૉલ’નો ઉચ્ચાર ડોલ કરવામાં આવે છે! ખેર, ચાની વાતમાં કોકો - એટલે કોમર્સ કોલેજને વચ્ચે નહિ લાવું. પત્રમાં સુધાકરભાઈએ ચાના બાર જેટલા સુંદર કપ રજુ કર્યા તેમાંનો એક જોઈશું.  
ત્યાર પછી ગુજરાતી સાહિત્યના પ્રખર લેખક શ્રી. રજનીકુમાર પંડ્યાએ લખી મોકલાવેલ પ્રતિભાવ. આપે પણ ‘લશ્કરી’ ચા વિશે જોયું કે વાંચ્યું હશે. ચાને ગમે તે નામ આપીએ તો પણ તેમાં રહેલ ‘લક્ઝરી’ ભર્યો સ્વાદ હંમેશા તાજો રહે છે!
"બહુ રસપ્રદ લેખ છે. અભિનંંદન.
​​
1955-57 હું ભાવનગર એમ જે  કૉલેજ ઓફ કોમર્સમાં ભણતો હતો ત્યારે ઘોઘા સર્કલ પાસે બે ગાળાની હોટેલ હતી  (નામ કદાચ ઇંદ્રભુવન) તેમાં 'લશ્કરી' ચા મળતી. મૂળ નામ તો લક્ઝરી હશે પણ ઉચ્ચારાંતરે એમાંંથી લશ્કરી થઇ ગયું હશે એવો મારો તર્ક છે. ( એ આપ આપના લિસ્ટમાં ઉમેરી શકો) વળી 'ભીની ભેળ' પણ ભાવનગરની પ્રસાદી.એ પછી 1960-61 માં સરકારી ઑડિટર તરીકે નોકરીમાં ભાવનગર આવ્યો ત્યારે ખારગેટ પર ધોબીની શેરીમાં સનાતન હાઇસ્કૂલના નિવૃત્ત શિક્ષક કમલકાંત ડી મહેતાના મકાનમાં ચોથે માળે એક ઓરડીમાં રહેતો ,જો કે એને નાનકડી અગાસીનો લાભ મળતો.એ કમલકાંતદાદાની દોહિત્રી એ આજની સુવિખ્યાત ટીવી અભિનેત્રી અપરા મહેતા, જે એ વખતે મા સાથે મુંબઉથી આવતી ત્યારે મારા ખોળામાં રમતી,
એ ધોબીવાળા ખાંચાની નાકે મેન રોડ પર શિખંડ સમ્રાટની દુકાન હતી  એમાં શિખંડ ઉપરાંંત કેસરી ગરમા ગરમ દૂધ પણ  મળતું . અવરનવાર આ વૈકલ્પિક પસંદગી કરવાની મૂંઝવણ થઇ આવતી.  જો કે શિખંડ પર પહેલી પસંદગી ઉતરતી.
આપના સુંદર ભાવનગરી લેખને કારણે ઘણી બધી યાદો ઊમટી આવી."

***
આપે ચાના જુદા જુદા પ્રકાર વિશે વાંચ્યું અને જાણ્યું હશે, પણ કાશ્મિરી ચા વિશે કદાચ નહિ સાંભળ્યું હોય! આ ચામાં કાશ્મિરની ખીણની સોશિયોલૉજી આવી જાય છે.

***
જ્યારે જિપ્સીની બદલી કાશ્મિરની13000 ફિટની ઊંચાઈએ આવેલી પર્વતરાજિ પર થઈ, ત્યારે તેનો Base Camp ચૌકીબલ નામના ગામડા પાસે હતો. ચોકી પર જતાં પહેલાં અમે એક અઠવાડિયું બેઝ કૅમ્પમાં રોકાયા ત્યારે ત્યાંના તહેસીલદાર અને ગામડાના માતબર લોકો સાથે પરિચય થયો. તેમાંના એક વૃદ્ધ સજ્જને જિપ્સીને ચા પીવા ઘેર બોલાવ્યો. કાશ્મિરના interiorમાં અાવેલા કોઈ સ્થાનિક સજ્જનના ઘરમાં જવાનો આ પહેલો મોકો હતો. 
Image result for traditional houses in karna, kashmirઅહીંના મકાન ઘણા સુંદર હોય છે. ૧/૪ કે ૧/૨ એકરના પ્લૉટમાં બે -ત્રણ અખરોટના અને આડુ કે નાસપતિના વૃક્ષ હોય અને વચ્ચોવચ લાકડાનું બે માળનું મકાન. મકાનના ભોંયતળિયામાં ગમાણ, તેની ઉપર મૅઝેનાઈન જેવું માળિયું. માળિયામાં ઘાસના પૂળાનો ગોઠવેલા હોય. મકાનની બહાર કાશ્મિરી મરચાંના હારડા બનાવીને સૂકાવા માટે ટાંગ્યા હોય. શિયાળામાં બરફના થર જામેલા હોય અને જમીનમાંથી ઉપર આવતી અસહ્ય ટાઢને રોકવા માટે આ ગમાણ અને માળિયામાંનું ઘાસ insulationનું કામ કરે. ઉપરના માળ પર પરિવાર રહે. 
Image result for kashmiri samovarસમોવાર એટલે પિત્તળની સિરોહી જેવું વાસણ, જેની નીચે સળગતા કોયલા રાખવામાં આવે. ગૃહિણીઓ સમોવારમાં પાણી, દૂધ અને લીલી ચા નાખતી રહે અને ચા ઉકળતી રહે. સમોવારમાં એક વખતે ઓછામાં ઓછી દસ - પંદર કપ ચા ઉકળતી હોય અને ઘરના લોકો સવારથી સાંજ તેમાંથી ચા પીતા રહે. પાણી ઓછું થાય ત્યારે સ્ત્રીઓ તે replenish કરે.
તહેસીલદાર સાથે અમે ઉપર ગયા ત્યારે સરપંચ અને તેમના પરિવારના પાંચે’ક જેટલા પુરુષો એક મોટા સમોવારની આસપાસ પાથરેલા નમ્દા (ભરતકામ કરેલા કામળા) પર બેસીને હુક્કો પીતા હતા. 

અમે ગયા ત્યારે ગૃહિણીઓ ત્યાં હાજર નહોતી. સરપંચે નાનકડા કપમાં ચા રેડી - જે જોઈને હું ચકિત થઈ ગયો. અમદાવાદની ઈરાની રેસ્ટોરન્ટમાં અમે ‘ગુલાબી’ નામની ચા મંગાવતા, તે ચાનો રંગ સોનેરી હતો. આજની કાશ્મિરી ચાનો રંગ પરોઢના સૂર્યકિરણો કે કાશ્મિરના જ નાનકડા બાળકના અતિ ટાઢને કારણે જેવા મોહક ગુલાબની કળી જેવા  થયેલા ગાલના રંગની આ ચા હતી! હું તો ચાનો રંગ જોઈને ખુશ થઈ ગયો ! ઈમ્પિરિયલની ચાની અપેક્ષાથી તેનો પહેલો ઘૂંટડો લીધો અને…મોઢું કટાણું થઈ ગયું. સભ્યતાને ખાતર મુખમાંથી ugh શબ્દ ન નીકળે તે માટે મોઢું સિવી લીધું. 
ચા ખારી હતી.
તેમાંથી બકરીના દૂધની સુવાસ આવતી હતી.
આપણી મસાલાની ચાયને બદલે તેમાં કોઈ વિચીત્ર પ્રકારના ક્ષારનો સ્વાદ આવતો હતો. 
અમારા મેજબાન ઉત્સુકતાથી અમારું મોઢું જોતા હતા.
“કેમ સાહેબ, અમારી કાશ્મિરી ચા પસંદ પડી?”
મોઢા પર કૃત્રિમ હાસ્ય લાવીને અમે કહ્યું, “વાહ! બહુ interesting ચા છે!”
“અમારાં બેગમ આવે એટલે બીજો રાઉન્ડ શરુ કરીશું. તેઓ આવીને સમોવારમાં પાણી નાખશે એટલે…”
અમને સમજાયું નહિ.  ચહેરા પર પ્રશ્નાર્થ ચિહ્ન જોઈ તેમણે કહ્યું, “બેગમ અને અમારી ન્હૂં (વહુ) જંગલમાં ઘાસ કાપવા ગયાં છે. આવતાં જ હશે. આવતી વખતે નીચેના હૅન્ડ પમ્પથી પાણી લાવશે ત્યારે….આ જુઓ, તેઓ આવી રહ્યા છે !”
મને વિચાર થયો, આ ઘરમાં ઘરડા સરપંચની સાથે તેમના ત્રણ જુવાનજોધ દીકરા છે, તેમ છતાં સમોવારમાં પાણી નાખવા માટે મહિલાઓની રાહ શા માટે જોવી પડતી હશે?

વિચાર કરતો હતો ત્યાં એક જુવાન બોલી ઉઠ્યો, “આ જુઓ, આવી જ ગઈ…”

 અમે બારીની નજીક પાસે બેઠા હતા. બહાર જોયું તો જંગલમાંથી નીકળતી પગદંડી પર દસ - પંદર કાશ્મિરી સ્ત્રીઓ આવી રહી હતી. જાડા કાપડની સલવાર, ઘૂંટણની નીચે સુધી પહોંચતી કાશ્મિરી ‘ફિરન’, માથા પર અસ્સલ કાશ્મિરી ઢબથી બાંધેલો સ્કાર્ફ. કેટલીક બહેનો માથા પર લાકડાંનો ભારો અને કેટલીક શિર પર ઘાસની મસમોટી ગંજી જેવડી ગાંઠ લઈને આ બહેનો ઝડપથી ચાલતી હતી. તેમાંની ત્રણ બહેનો જે સરપંચના પરિવારની હતી, તેમણે નીચે ગમાણમાં ઘાસ અને લાકડાં નાખ્યાં. બાકીની બહેનો પોતપોતાને ઘેર ગઈ. સરપંચના પરિવારમાંની એક બહેને હૅન્ડ પમ્પથી ડોલમાં પાણી ભર્યું. બીજી બહેનો ઘાસના પૂળા ગમાણની ઉપર બનાવેલા મેઝેનાઈનમાં ચઢાવવા લાગી. ત્રણે બહેનો ઉપર આવતાં અરસ પરસ સલામ -  વાલેયકૂમ - થયા. પાણી લાવનાર બહેને સમોવારમાં પાણી ભર્યું અને થોડી વારે પાણી ગરમ થતાં તેમાં ઘેરા લીલા રંગની ચા, મીઠું અને સોડા-બાઈ કાર્બ નાખ્યો. ચા ઉકળવા લાગતાં તેમાં તાજું દોહીને આણેલું બકરીનું દૂધ પડ્યું. એક બહેન તાસકમાં તલ લગાડેલા બન-પાઉં લઈ આવ્યા, ચા ફરીથી ઉકળવા લાગી અને ચાનો બીજો દોર શરૂ થયો. સાથે સાથે વાતો.
“સા’બજી, હુક્કા..?” 
મેં ના પાડી.
“અમારી ચા કેવી લાગી?“
“બહુ ઈન્ટરેસ્ટીંગ ચા છે. અમે બનાવીએ તેનાથી સહેજ જુદી, પણ છે મજાની ! ક્યાંથી મંગાવો છો?”
“ઇન્ડિયાથી. અમારી જરુરિયાતને ધ્યાનમાં રાખી તેઓ ખાસ અનપ્રોસેસ્ડ ચા અમારા કાશ્મિરમાં મોકલે છે.”
હું વિચારમાં પડી ગયો અને સ્વગત બોલ્યો, “ઇન્ડિયાથી? તો પછી કાશ્મિર ક્યા દેશમાં છે?” (આ વાત ૧૯૮૦ની છે!)
“ચામાં આવો સુંદર રંગ કેવી રીતે આવે છે?”
“કાશ્મિરી ચાનો લીલો રંગ, તેમાં પડેલું મીઠું, સોડા બાઈકાર્બ અને દૂધનું અજબ રસાયણ થાય છે. તેનો આ રંગ છે.”
“ચામાં સોડા નાખવાનું પ્રયોજન?”
“આ તો વર્ષો જુનો રિવાજ છે. અમને તો ખબર નથી, પણ તેનાથી ચાના ઝાયકામાં વધારો થતો હોય છે.”
બીજો - અને ત્રીજો કપ (ત્રણ કાશ્મિરી કપ એટલે આપણા દોઢે’ક કપ) થયા પછી અમે સરપંચનાે અને તેમના પરિવારનો આભાર માન્યો અને રજા લીધી.

બહાર નીકળ્યા બાદ તહેસીલદાર (મામલતદાર) કહેવા લાગ્યા, “મેજર સા’બ.  તમે સોડા-બાઈકાર્બનો સવાલ પૂછ્યો, તેમાં અને અમારી ચામાં અમારા સમાજની સોશિયોલોજી સમાઈ છે.” હું BSFમાં ડેપ્યુટી કમાન્ડન્ટ હતો તેથી તે મારી રૅંકનો અશોક સ્થંભ જોઈ તેઓ મને મેજરસા’બ કહેતા.
“હું સમજ્યો નહિ,” મેં કહ્યું.
“અમારા વિસ્તારમાં લોકોનો ગુજારો તમારી મિલિટરીના આધારે ચાલે છે. વસંત ઋતુની શરૂઆત થતાં ઉપરના પહાડોમાં આવેલી તમારી ચોકીઓમાં માલ-સામાન પહોંચાડવા અહીંનો પુરુષ વર્ગ કુલીઓનું કામ કરે છે. તમારે ત્યાં બાબુઓને પગાર મળે તેથી વધુ તેમને મજુરી મળે છે. જેમની પાસે માલવહન કરવા ટટ્ટુ હોય તે મહિનાના બે - ત્રણ હજાર કમાય.” આ રકમ તે સમયે અમારા જવાનના પગાર કરતાં દસ-બાર ગણી થતી.
“તો પછી આ લોકો ઘણા શ્રીમંત હોવા જોઈએ.”
“જી ના. આ કમાણી કેવળ ત્રણ કે ચાર મહિના માટે હોય છે. પહેલો બરફ પડતાં જ તેમની વણઝાર બંધ પડી જાય છે. આ ચાર મહિનામાં કમાય તેમાં આખું વરસ કાઢવું પડે.”
“તો પણ કમાણી તો સારી…”
“અરે સાહેબ, આ કમાણી બૈરી લાવવા ભેગી કરવામાં આવે છે.” મારા ચહેરા પરનું પ્રશ્ન ચિહ્ન જોઈ તેમણે કહ્યું, “અા વિસ્તારમાં કન્યાના બાપને પચાસ- સાઠ હજાર રૂપિયા આપવા પડે છે. રોકડા.”
મારા ચહેરા પરનું પ્રશ્ન ચિહ્ન વધુ લાંબું ખેંચાયું.
“અબ્બી હાલ તો તમે જોયું કે ચા પીવા સમગ્ર પુરુષ વર્ગ પલાંઠી વાળીને સમોવાર ફરતો બેઠો હતો, જ્યારે સ્ત્રીઓ રસોઈ માટે લાકડાં કાપવા અને ગાય માટે ઘાસ વાઢવા જંગલમાં ગઈ હતી. સવારના પહોરથી સ્ત્રીઓ કામ કરે. ગમાણ સાફ કરવાનું, પશુને નિરણ-પાણી,  મરદ લોકો માટે ભોજન રાંધવાનું, વાસણ ધોઈ, ઝરણાંને કાંઠે કપડાં ધોવા જવાનું, ત્યાર પછી બપોરે જંગલમાં લાકડાં કાપવા, ઘાસ વાઢી લાવવા, હૅંડ પમ્પ હોય તો નસીબ નહિ તો ચશ્મા પર જઈ પાણી લઈ આવવાનું - આ બધું કામ સ્ત્રીઓ જ કરતી હોય છે. આમ સ્ત્રીઓનું મૂલ્ય અમારે ત્યાં…”
“તો પછી શિયાળામાં જ્યારે કામ ન હોય ત્યારે પુરુષ વર્ગ તેમને મદદ નથી કરતો?”
“સ્ત્રીઓને ઘરકામમાં મદદ કરવી હોય તો તેમના બાપને આવડી મોટી રકમ આપવાની જરૂર શી?.”
“સમજ્યો. પણ તહેસીલદાર સાહેબ, ચામાં સોડા-બાઈકાર્બનો મરમ સમજાયો નહિ. તે એક પ્રકારનો ક્ષાર જ હોય છે. કાશ્મિરી ચામાં ખાંડને બદલે મીઠું પડતું હોય છે તો વધારાનો ક્ષાર…?”
તહેસીલદાર સાહેબે હળવું હાસ્ય કર્યું. મારી સામે જોઈ તેમણે કહ્યું, “મેજર સા’બ, તમે જોયુું નહિ સરપંચના ઘરમાં પુરુષ વર્ગ શું કરી રહ્યો હતો? તેઓ સવારના પહોરથી આખો દિવસ સમોવારની સામે બેસી રહે છે, ચા પીએ, બન ખાય, હુક્કો પીએ અને ભોજનનો સમય થતાં મહિલાઓ ભોજન બનાવી લાવે ત્યારે જમે છે. રાતે સમોવારની આસપાસ જ સુઈ જાય છે. બહુ બહુ તો ફિરનની અંદર કાંગડી લઈને બહાર ભાઈબંધને મળવા ચક્કર મારી આવશે. બહારનું બધું કામ સ્ત્રીઓ કરે તેથી તેમને તો પૂરતી કસરત મળી રહે છે. આ આળસુ લોકો બેસી રહે તો તેમને ખાવાનું હજમ કેવી રીતે થાય? આનો સરળ ઊપાય છે ચામાં સોડા બાઈકાર્બ નાખવો. તેનાથી તો એમનો હાજમો ઠીક રહે છે.”
***
વર્ષો પહેલાં નિશાળમાં અમને અંગ્રેજીના પાઠ્યપુસ્તકમાં W. Somerset Maugham લિખિત એક નિબંધ હતો : Beast of Burden in China. તેમાં ચીનના કુલીઓનું સવિસ્તર વર્ણન હતું. કેવી રીતે તેઓ કાવડમાં ભારે માલ સામાન ભરી, ખભા પર ઉઠાવીને લઈ જતા હોય છે. મૉમે થોડી અતિશયોક્તિ કરી હતી કે નાનપણથી આવી કાવડ ઉપાડવાથી ચીનાઈ કુલીઓના ખભા પર ખાંચો પડી જાય છે, જેમાં કાવડ બરાબર ‘ફિટ’ થતી હોય છે!
કાશ્મિરી સ્ત્રીઓના મસ્તક પર આખી જીંદગી વજન ઉપાડવાથી તેમના મગજમાં કોઈ અસર થઈ હશે?
અને પુરુષો? કાશ્મિરમાં સ્ત્રીઓ આખો દિવસ તનતોડ મહેનત કરતી હોવાથી જ શું પુરુષોનાં ટોળાંઓને પત્થરબાજી કરવા, વારે વારે હડતાલ પડાવવા, હુલ્લડબાજી કરવા માટે સમય મળતો હોય છે?
***
ચાનો વિષય ઘણો રસપ્રદ છે. ચામાં કલા છે, સ્વાદ છે, રહસ્ય છે, ઈતિહાસ છે. તેમાં સમાજશાસ્ત્ર અને રાજકારણ ભળેલાં છે એ કાશ્મિરમાં રહ્યા પછી જ સમજાયું.


તો બાપુ થઈ જાય ચા? કેવી લેશો? ઈંગ્લીશ ટી કે ઇન્ડિયન ચાઈ? કે પછી હર્બલ અથવા કાશ્મિરી?