Follow by Email

Wednesday, October 29, 2014

સંબંધોનો સેતુ (૩)આજનું મનોયત્ન કરતાં પહેલાં ગયા બે અંકમાં જે વાતો કહી હતી તેના કેટલાક મુદ્દા ફરી તપાસીએ: 

આ કાર્ય પુસ્તકનો હેતુ આપણા સંબંધોની પુન: શોધખોળ કરવાનો છે. સૌ પ્રથમ આપણે આપણા જીવનમાં જે મહત્વની વ્યક્તિઓ છે, તેમને આપણાં અસંખ્ય પરિચીતોમાંથી અળગા પાડી તેમને આપણા હૃદયમાં ગૌરવ ભર્યા સ્થાનમાં મૂક્યા છે. તેથી જ તો આપણે તેમને આપણા ગ્રહ મંડળના નકશામાં મૂક્યા છે. આમ આપણા જીવનના મહત્વના સ્થાને રહેલા કેટલાક સગાં-સંબંધીઓ સાથેના આપણા સંબંધો એવા છે જે માટે તેમના પ્રત્યે આપણે ગૌરવ ધરાવીએ છીએ, અને અમુક એક કિસ્સાઓમાં આપણે તેમની સાથેના આપણા સંબંધો વિશે  થોડા ઘણા ચિંતીત છીએ. આમ આ એક જાત તપાસ છે, જેની  મદદ વડે આપણે આપણને આપણાં સંબંધો અંગેના કેટલાક મુંઝવતા પ્રશ્નોના જવાબો શોધી શકીશું.

આપણી યાત્રાના કેટલાક સહયાત્રીઓએ તેમના ઝળહળતા ગ્રહમંડળ વિશે પ્રતિભાવ મોકલ્યા ત્યારે એવું લાગ્યા વગર રહેતું નથી કે આવું અદ્ભૂત ગ્રહમંડળ આપણાં આપ્તજનોમાં જરૂર મળી આવશે. સાથે સાથે એ પણ શક્ય છે કે તેમાં કેટલાક એવા મિત્રો કે સ્નેહીઓ હોઈ શકે છે જેમની સાથેનાં સંબંધોમાં કોઈ અજાણ્યા કારણસર કચાશ આવી છે અથવા તેમાં તિરાડ પડી છે. આ કાર્ય પુસ્તકનો ઉદ્દેશ આવા સંબંધોના પાયાની તપાસ કરી, તેમને મજબૂત કરવામાં સહાયતા કરવાનો છે.

આપણાં સંબંધોના મૂલ્યાંકનમાં આપણે કરેલું પ્રથમ અને મહત્ત્વનું સોપાન તે આપણે તૈયાર કરેલું આપણું ગ્રહ મંડળ. આજનું કામ કરતાં પહેલાં વિચાર કરવો જરૂરી છે કે તેમાં કોઈ મહત્વની વ્યક્તિ બાકી તો નથી રહી ગઈ ને? જો અત્યાર સુધીમાં તેમનું નામ સુઝ્યું ન હોય તો તે આપણા માટે મહત્વના ન હોઈ શકે. અને હોય તો આ આપણા માટે છેલ્લો મોકો છે કે તેમનું નામ તેમાં નોંધી લઈએ.

આજે આપણે બનાવેલા આપણા સૂર્યમંડળમાં બે વાતોનો ઉમેરો કરવાનો છે. સૌથી પહેલાં કેન્દ્ર સ્થાને સૂર્ય - એટલે કે મારા વર્તુળથી દરેક વ્યક્તિના ગ્રહ સુધી નીચે પ્રમાણે રેખાઓ દોરવાની છે.  

ગાઢ સંબંધ દર્શાવવા માટે: ____________ (આ રેખા બને એટલી ઘેરી બનાવવી)

સારો સંબંધ પણ એટલો મજબૂત નહિ:   __________ (અહીંં પાતળી રેખા દોરવી.)
કાચો પડતો સંબંધ :                         - - - - - - - - - - (આ રીતે દોરશો)                          
તૂટેલો - કે તૂટવાની અણી પર આવેલો સંબંધ:   -  -  - -  // - - - - - આવી રીતે દર્શાવવાનો છે.

એક વાર ઉપર મુજબ રેખાઓ દોરાઈ જાય તો તેને બદલવી નહિ. આનું ખાસ કારણ એ છે કે મનમાંથી નીકળેલી પ્રથમ ભાવના સાચી હોય છે. કોઈ એક ખાસ વ્યક્તિના સંબંધ વિશે એક વાર લાઈન દોરાઈ ગયા બાદ તેના પર ફરીથી ઊંડો વિચાર કરવાથી હાલની પરિસ્થિતિને બદલે ભૂતકાળ દિવસોમાં તે સંબંધ કેવો હતો તેના આધારે તેમાં ફેરફાર કરવાની ઈચ્છા થશે ; અને તેવું કરવાથી અત્યારની સ્થિતિમાં તેની શી હાલત છે, અને તે બાબતમાં આપણે આગળ શું કરવાનું છે તેની કાર્યવાહી નક્કી નહિ કરી શકાય.. 

આ બાબતમાં એક દાખલો જોઈશું.

લંડનના અમારા એક ક્લાયન્ટ માજીને એક ૪૫ વર્ષનો સફળ વેપારી દીકરો અને તેનાથી નાની ત્રણ દીકરીઓ હતી. ત્રણે પુત્રીઓ પરિણીત હતી, તેમને બાળકો હતા અને લંડનમાં જ રહેતા હતા. માજી ૭૦ વર્ષનાં હતા અને મ્યુનીસીપલ કાઉન્સિલના વૃદ્ધાશ્રમમાં રહેતા હતા. એક ના એક પુત્ર સાથે ન રહેવાનું કારણ માજીને અને પુત્રવધુને એકબીજા સાથે ફાવતું નહોતું. બન્ને વચ્ચે હંમેશા લડાઈ થતી રહેતી. પુત્ર સાથે ઊંડાણથી વાત કરતાં જણાયું કે તેમનાં લગ્ન બાદ એક વર્ષ સંસાર મજેથી ચાલ્યો. ત્યાર પછી તેમના કહેવા પ્રમાણે બહેનોની ચઢવણીથી માતાનો પુત્રવધુ સાથે અણગમો વધતો ગયો. તેમની સાથે રહેતી સૌથી નાની બહેનનાં લગ્ન થઈ ગયા બાદ પુત્ર અને પુત્રવધુને લાગ્યું કે હવે બહેનો પતિગૃહે ગઈ છે તો તેમની ઉશ્કેરણી ઓછી થશે અને સાસુ-વહુ વચ્ચેનાં સંબંધમાં સુધારો થશે. તેવું થયું નહિ. આખો દિવસ બહેનો માતાને ટેલીફોન કરતી રહેતી અને અંતે વાતાવરણ એટલું બગડી ગયું કે સંબંધોમાં વિસ્ફોટ થયો. માતાને વૃધ્ધાશ્રમમાં મોકલ્યા અને બહેનો સાથેનો સંબંધ તદ્દન સમાપ્ત થયો. 

હવે અમારા કહેવાથી આ ભાઈએ સંબંધોના સેતુ પર કામ શરૂ કર્યું. ગ્રહ મંડળમાં તેમણે માતા, પત્ની, ત્રણે બહેનો, બનેવીઓ, મિત્રો  અને આ કાઉન્સેલરનું નામ પણ ઉમેર્યું! બીજા ચિત્રમાં માતા અને બહેનો સાથેના સંબંધોનું પહેલું ચિત્ર બનાવ્યા બાદ થોડી વારે ફરી વિચાર કરી તેમાં સુધારા કર્યા. વળી પાછો વિચાર કરી તેમાં ફરી સુધારા કર્યા. આમ ત્રણ ચાર વાર થયા પછી પણ તેઓ નક્કી કરી શક્યા નહિ કે બહેનો અને માતા સાથેનાં સંબંધ ઘેરી લાઈનથી કે પાતળી અથવા તૂટક લાઈનથી બતાવવા. 

ભાઈ જ્યારે સોળ વર્ષના હતા ત્યારે તેમના પિતાનું અવસાન થયું હતું. લગ્ન પહેલાં માતા અને ભાઈબહેનો વચ્ચેના સંબંધો આદર્શ હતા. એક બીજા વગર જમવા પણ નહોતા બેસતા. ભાઈ બહેનો સાથે મળીને ગીતો ગાતાં, ઉજાણીએ જતા અને માતા પર વહાલનો વરસાદ વરસાવતા. સંબંધોનો સેતુ બનાવતી વખતે તેમને આ જુની વાતો યાદ આવતી હતી, જેની સાથે ચાલુ પરિસ્થિતિનો મેળ બેસતો નહોતો. શું કરવું તે સમજાતું નહોતું. જિપ્સીએ તેમને સલાહ આપી કે જુનાં સંબંધોનો વિચાર કરવાને બદલે હાલના સંબંધો દર્શાવતો નકશો બનાવાય તો જ તેમનાં સંબંધોનું બાંધકામ કરવા વિશે ઉપાય શોધી શકાય. ભૂતકાળના સંબંધોનો ઉપયોગ કદાચ સંબંધોના રિપેરીંગમાં કરી શકાય, પણ તે આગળની વાત હતી. જો કે તેમ કરતાં પહેલાં પરિવારના બધા સદસ્યોએ પોતપોતાનાં સંબંધોના સેતુ પર કામ કરવું જોઈશે, એવું પણ જણાવ્યું. 

આમ હાલની સ્થિતિને નકશામાં ઉતારવી અત્યંત જરૂરી હોય છે. તેમ કરવાથી આપણા જીવનમાં મહત્ત્વનો ભાગ ભજવતાં પાત્રો અને તેમની સાથેનો સંબંધ હવે સ્પષ્ટપણે દૃશ્યમાન થશે. 

આ પ્રક્રિયા પૂર્ણ થતાં મારા એક મિત્રે તેમના સંબંધોનું માનચિત્ર તૈયાર કર્યું તે નીચે પ્રમાણે છે. 


અહીં થયેલ ચર્ચા મુજબ તમે બનાવેલા તમારા ગ્રહમંડળમાં સંબંધોની રેખાઓ બનાવશો.

તમારૂં આ કામ પૂરૂં થઈ ગયા પછી એક બ્રેક લેવો જરૂરી છે. આગલો પ્રયોગ ખુબ સમજી, વિચારીને કરવાનો છે.

***

બ્રેક કે બાદ....

સંબંધોના નકશાનો પહેલો ભાગ તો તમે પૂર્ણ કરી લીધો. હવે એ જ નકશા પર આગળનું કામ કરવાનું છે. 

આ મનોયત્નમાં આપણે વિચારપૂર્વક નક્કી કરવાનું છે કે આપણા સૂર્ય મંડળના ગ્રહ સાથેના સંબંધમાં આપણા તરફથી કેટલો ફાળો આપવામાં આવ્યો છે. આ ફાળો આર્થિક, ભાવનાત્મક કે પ્રત્યક્ષ મહેનત દ્વારા આપ્યો છે તેનું સંયુક્ત ભાવ પ્રદર્શન સૂર્ય તરફથી એક તીરનું નિશાન બનાવી જે તે તારક સાથે જોડવાનું છે. જો તમને લાગતું હોય કે તમારો ફાળો સો ટકા હકારાત્મક છે, તો આ તીરની રેખા જાડી કરશો. કોઈ વ્યક્તિ પ્રત્યે સંબંધ સારો હોય, પણ એટલો ઘનિષ્ઠ નથી તેમના માટે રેખા પાતળી કરવી. જ્યાં સંબંધ નબળો હોય તેમના માટે તીરની રેખા તૂટક બનાવવી. 

કોઈ એક સંજોગોમાં એવું પણ બની શકે છે કે આપણે જેમની સાથે કાચો અથવા ભગ્ન થયેલો સંબંધ જોઈએ, તેમાં પણ આપણું પોતાનું યોગદાન મોટા પ્રમાણમાં હોય એવું આપણને લાગે. આવા સંજોગોમાં તો આપણે આપણા રોકાણનો જ વિચાર કરી આ રેખાને જાડી કરવી ઘટે. આનું કારણ આગળના મનોયત્નમાં દેખાશે.

આ કામ અત્યંત કઠણ છે. તે કરવા માટે ઊંડો વિચાર કરવો જોઈશે. આપણા જીવનના લાંબા અરસાનો હિસાબ કાઢી આપણે દરેક સંબંધમાં સિંચેલ આપણા દરેક પ્રકારના ફાળાનો વિચાર કરી આપણા આ સગાં કે સંબંધીમાં કરેલ રોકાણનું આ તીર દ્યોતક છે. ઘણી વાર તો એક બેઠકમાં આ માનચિત્ર તૈયાર થઈ શકે તેવું ન હોય તો બે કે ત્રણ વ્યક્તિઓમાં કરેલ આપણા રોકાણનાં તીર નોંધી બાકીના બીજા દિવસે કરવા. એક વાર તીર નોંધાઈ ગયા પછી તેમાં ફેરફાર કરવા નહિ. પહેલી વાર જે મનમાં ભાવ ઉપસી આવે છે તે બહુધા આંતરીક અને પ્રામાણીક હોય છે. 

આ કામ પૂરૂં થતાં આપણું સૂર્ય મંડળ કંઈક આવું દેખાશે.
આજે બસ આટલું જ. હવે પછીનું મનોયત્ન આવતા અઠવાડિયામાં કરીશું.