Saturday, October 26, 2013

બ્રિટન - ભારતીય અાગંતુક અને નોકરીની સમસ્યા: ૧૯૮૦-૯૦

પુખ્ત વયના લોકો જ્યારે ભારતથી પરદેશ કાયમી વસવાટ માટે જાય ત્યારે તેમની પરિસ્થિતિ વિચીત્ર હોય છે. દેશમાં તેમનો હોદ્દો, હોદ્દાનું માન તથા તેમના હાથ નીચે કામ કરનાર લોકોની સંખ્યા સારી એવી હોય છે. આવી હાલતમાં બ્રિટન જવું કે નહી તેવી દ્વિધા તેમના મનમાં થાય તે સ્વાભાવીક છે. બ્રિટનમાં પ્રવર્તતી વર્ણદ્વેષી પરિસ્થિતિ તથા ત્યાંની બેકારીને કારણે તેમને તેમના શિક્ષણ કે હોદ્દાને અનુરૂપ નોકરી મળવાની શક્યતા નહીવત્ હોવા છતાં તેમને દેશ છોડીને બ્રિટન જવાનો તેમનો નિર્ણય કેવળ પારિવારીક સૌખ્ય માટે હોવાથી તેમને જવું પડે તે સ્વાભાવિક છે. 

જિપ્સીને પોતાને તો આવી ઘણી વિટંબણાઓમાંથી પસાર થવું પડ્યું હતું, પણ તેને મળેલા એક સદ્ગૃહસ્થ - શ્રી. દવે (આ તેમનું સાચું નામ નથી)ની વાત સાંભળીને તેને પારાવાર દુ:ખ થયું.

શ્રી. દવે ભારતમાં બ્રિટનના ડેપ્યુટી હાઇકમીશ્નરની અૉફિસમાં આસીસ્ટન્ટ ઇમીગ્રેશન અૉફિસર હતા. તેમની પ્રામાણીકતા અને કર્તવ્યપરાયણતા માટે ઘણા જાણીતા હતા. મુંબઇની અૉફિસમાં મિસ્ટર XX જેવા અંગ્રેજ અફસર તો વર્ણદ્વેષી હતા, પણ તેમનાથી વધુ દ્વેષીલી રિસેપ્શનીસ્ટનું કામ કરનારી કેટલીક પારસી બહેનો હતી. અંગ્રેજો કરતાં વધુ તોછડી અને ઉદ્ધત એવી આ સ્ત્રીઓ પ્રત્યે આપણા લોકોમાં ઉહાપોહ હતો, પણ તેમના અંગ્રેજ સાહેબો ઘણા ખુશ હતા. તેમનું મોટા ભાગનું 'કામ' આ સ્ત્રીઓ જ કરી લેતી હતી. હાઇકમીશનના રિસેપ્શન હૉલમાં બેસેલા ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રમાંથી કાયદેસર વસાહતીઓ વિઝાની અરજી કરવા જતા, અને તેમને પૂરતું અંગ્રેજીનું જ્ઞાન ન હોય તેવા ભાઇબહેનો ન તો તેમનો વિરોધ કરી શકતા, ન કોઇ ફરિયાદ. આવામાં આ મૃદુભાષી શ્રી. દવેનો સ્મિતપૂર્ણ ચહેરો જોઇ આપણા લોકોમાં એક ભાવના થતી કે કોઇ તો સજ્જન અહીં છે, જે તેમની સાથે માનપૂર્ણ વર્તન દાખવે છે. જિપ્સીની તેમની સાથેની પહેલી મુલાકાત મુંબઇમાં જ થઇ હતી. લગભગ ૨૫ વર્ષની ગૌરવપૂર્ણ સેવા બાદ અંગ્રેજ સરકારે તેમને પેન્શનની સાથે બ્રિટનનું નાગરિકત્વ આપ્યું અને શ્રી. દવે લંડનના એક પરામાં આવીને વસ્યા.

દવે સાહેબને લંડનમાં યોગ્ય નોકરી ન મળી. અંતે ત્યાંની એક મૂળ ગુજરાતના લોકો દ્વારા સ્થપાયેલી એક નૉન-ગવર્મેન્ટ સંસ્થાએ તેમના ઇમીગ્રેશનના અનુભવને ધ્યાનમાં લઇ સલાહકારની નોકરી આપી. પગાર અલ્પ જ હતો, પણ થોડું ઘણું પેન્શન હતું તેથી તેમનું કામ ચાલવા લાગ્યું.

એક દિવસ તેઓ જિપ્સીને અચાનક એક શૉપીંગ મૉલમાં મળ્યા. ખબરઅંતર પૂછતાં તેમની આંખમાં આંસુ આવ્યા. “ગમે તે થાય, અાપણા લોકોની નોકરી કદી કરશો મા. બ્રિટનનો વિઝા લઇને આવવા માગતા આપણા લોકોમાં હું જાણીતો માણસ હતો તેથી મારા અનુભવને કારણે મને ત્યાં નોકરી મળી ગઇ. થોડા દિવસ બાદ મારી સંસ્થાની મૅનેજમેન્ટ કમિટીના સભ્યોનું મારા પ્રત્યેનું વલણ બદલાઇ ગયું. તેઓ મારી સાથે તેમની દુકાનના નોકર તરીકે પિયૂન અને ગુમાસ્તાની જેમ અપમાનાસ્પદ વર્તણુંક કરવા લાગ્યા. તેમના કોઇ સગાં સલાહ માટે આવે તો તેમની તેમને મારી પાસે મોકલવાને બદલે મને હાક મારીને બોલાવે છે. એક વાર તો બૂમ પાડીને મને કહ્યું, “એ ય દવે, અહીંયા આવો. આ મારા સગા છે તેમને સલાહ આપો અને જોઇતા ફૉર્મ ભરી આપો!” મેં તેમને કહ્યું, 'ફૉર્મ મારી અૉફિસમાં છે અને તે ભરવા માટે જરૂરી સવાલ પૂછવા પડશે. ભાઇને મારી સાથે મોકલો તો બધું કામ થઇ જશે.”

“આ તમારી બ્રિટીશ હાઇકમીશનની અૉફિસ નથી, સમજ્યા? તમે  ફૉર્મ લઇ આવો અને અમારી સામે જ ભરો. તમને પગાર શાનો મળે છે? આ આવ્યા છે તે અમારા વેવાઇ છે, તમારા નોકર નથી! ચાલો જલદી જઇને ફૉર્મ લઇ આવો. અમારા મે’માન પાસે ટાઇમ નથી.' હું હેબતાઇ ગયો. આવું બે-ત્રણ વાર થયા બાદ મેં નોકરી છોડી દીધી. મુંબઇમાં અંગ્રેજોએ પણ કદી મારી સાથે આવી રીતે વાત કરી નહોતી."

આવી જ વાત ભારતથી બ્રિટન ગયેલ એક આદર્શવાદી વ્યક્તિએ કહી. 

લંડનના ગરીબ અને વંચિત વિસ્તારમાં રહેતા આપણા વડીલો માટે તેમના વિસ્તારની કાઉન્સીલે એક આપણા એક NGOને ગ્રાન્ટ આપીને એક ડે-સેન્ટર સ્થાપ્યું હતું. સિનિયર સિટીઝન્સ માટે સલાહકેન્દ્ર ચલાવવા ઉપરાંત તેમના માટે રોચક પ્રવૃત્તિઓ ચલાવવી, તેમને કાઉન્સીલ તથા સરકાર તરફથી મળતા લાભ પ્રાપ્ત કરાવી દેવા અને ખાસ તો સ્થાનિક લોકો સાથે સમન્વય સાધીને બ્રિટનની પ્રજાના મુખ્ય પ્રવાહમાં ભાગ લેવા પ્રેરવાના ઉદ્દેશથી કમ્યુનીટી ડેવેલપમેન્ટ અૉફિસરની નીમણૂંક માટે પૂરતું અનુદાન આપ્યું.  ગાંધીજીની વિચારધારામાં માનનાર આ ગૃહસ્થને તેમાં નોકરી મળી. ભાઇનું માનવું હતું કે જાહેર સંસ્થાના હિસાબમાં પાઇ-પાઇનો હિસાબ અરીસા જેવો સ્વચ્છ હોવો જોઇએ. તેમને મૅનેજરની જગ્યા મળી હતી તેમ છતાં  સંસ્થાના તમામ વહિવટમાં મૅનેજમેન્ટ કમિટીને empower કરી લોકશાહી પ્રક્રિયાથી તેમના Facilitator કે Enablerનું કામ કરવાની તેમની ધગશ હતી.

સંસ્થાની મૅનેજમેન્ટ કમિટીના પ્રમુખ પણ આદર્શવાદી વડીલ હતા. તેમની સાથે ભાઇને કામ કરવામાં ઘણો આનંદ આવ્યો અને અનેક નવી પ્રવૃત્તિઓ શરૂ કરી. કમભાગ્યે છ મહિના બાદ પ્રમુખશ્રીનું અવસાન થયું અને તેમની જગ્યાએ જે ગુણવાન (!) આવ્યા તે જુની શેઠ-વાણોતરની વૃત્તિના હતા. પ્રમુખપદની ચૂંટણીમાં તેમનો manifesto સાવ સાદો હતો: હું ચૂંટાઇ આવીશ તો સભ્યોને દરરોજ ગાંઠિયા-જલેબી ખવડાવીશ! તેમની સામે એક પ્રતિષ્ઠીત શિક્ષક ઉભા હતા તેથી ગાંઠિયા-જલેબીનો ઢંઢેરો શ્રી. ગુણવાનને કામ લાગે તેવો નહોતો. એક કુશળ-કુટિલ રાજકારણીની જેમ તેમણે બીજી સંસ્થાના મૅનેજર સાથે ‘ગઠબંધન‘ કર્યું.  આ મૅનેજર સાહેબ તેમની પત્નિને તેમની જ સંસ્થામાં આસિસ્ટન્ટ મૅનેજરના પદ પર નીમવા માગતા હતા. “તમે સિલેક્શન કમિટીમાં પ્રમુખ તરીકે આવો અને અમારા મિસીસને અૅપોઇન્ટ કરો તો હું ખાતરીપૂર્વક તમને તમારી સંસ્થામાં પ્રમુખ બનાવીશ." એવું કહ્યું. અને થયું એવું જ. 

ચૂંટણીમાં આ મૅનેજર સાહેબને મૅનેજમેન્ટ કમિટીએ પ્રિસાઇડીંગ અૉફિસર તરીકે બોલાવ્યા. ચૂંટણીના દિવસે તેમણે શિક્ષકશ્રીની ઉમેદવારીને ગેરકાયદેસર ગણી તેમની અરજી રદબાતલ ઠરાવી. નિયમ અનુસાર સંસ્થાનો કોઇ કર્મચારી મૅનેજમેન્ટ કમિટી કે સંસ્થાના કોઇ પદ માટે ચૂંટણી લડી શકે નહી. શિક્ષક બે વર્ષ પહેલાં સંસ્થામાં પગારદાર તરીકે કામ કરી ચૂક્યા હતા, તેથી તેમની ઉમેદવારી કૅન્સલ કરવામાં આવી! કમ્યુનિટી ડેવેલમેન્ટ અૉફિસરે પ્રિસાઇડીંગ અૉફિસરના નિર્ણય સામે વાંધો લીધો અને સભામાં નિયમની સમજુતી આપી કે નોકરીમાં ચાલુ હોય તેવા કર્મચારીને ચૂંટણીમાં ઉભા રહેવા સામે પ્રતિબંધ હતો. ભૂતપૂર્વ કર્મચારી પર આવો કોઇ પ્રતિબંધ નથી. ગાંઠિયા-જલેબીના સમર્થકો ઉભા થઇ ગયા અને હોબાળો કર્યો. “કમ્યુનીટી ડેવેલપમેન્ટ અૉફિસર સંસ્થાના કર્મચારી હોવાથી તેમને સભામાં બોલવાનો અધિકાર નથી!” નરમ સ્વભાવના શિક્ષકશ્રી આવા હુમલાથી હેબતાઇ ગયા અને સભામાંથી બહાર નીકળી ગયા. પરિણામ જાણવું છે?

શિક્ષકશ્રીને એટલો આઘાત લાગ્યો કે ઘેર ગયા બાદ તેમના પર પક્ષાઘાતનો હુમલો થયો અને શરીરનો એક ભાગ લકવાગ્રસ્ત થઇ ગયો. બે વર્ષ બાદ તેમનું અવસાન થયું.

સંસ્થામાં ગાંઠિયા-જલેબીની જ્યાફત શરૂ થઇ ગઇ. કમ્યુનીટી ડેવેલપમેન્ટ અૉફિસરે આ ખર્ચ ગેરકાયદેસર કહી તેની સામે વિરોધ કર્યો ત્યારે નવા પ્રમુખશ્રીએ મૅનેજમેન્ટ કમિટીમાં ઠરાવ પાસ કરી આ ખર્ચ અધિકૃત બનાવ્યો. જોહુકમી વધી ગઇ. અંતે આપણા ભાઇ પણ નોકરી છોડી ચાલ્યા ગયા.

બે વર્ષ બાદ આ સંસ્થા બંધ પડી ગઇ, કારણ કે પ્રમુખશ્રીના વલણથી સભ્યો કંટાળી ગયા અને ત્યાં જવાનું બંધ કરી નાખ્યું. એક જમાનામાં જ્યાં દરરોજ ૪૦-૪૫ વડીલો ભેગા થતા હતા, ત્યાં પ્રમુખશ્રી, તેમનાં પત્નિ (જેઓ ઉપપ્રમુખ તરીકે ચૂંટાયા હતા) અને તેમના દૂરનાં સગા, જે ‘નવા’ અૉફિસર તરીકે નીમાયા હતા, એવા ત્રણ જણ સંસ્થામાં હાજર રહેવા લાગ્યા હતા. કાઉન્સીલે આ જોઇને સંસ્થાની ગ્રાન્ટ બંધ કરી નાખી.

ત્રીજી વાત હતી એક ભારતીય બૅંકના મૅનેજરની. તેમના એક ક્લાયન્ટનો મોટો વ્યવસાય હતો. મૅનેજરની કાબેલિયત જોઇ ‘ક્લાયન્ટે’ તેમને કહ્યું, ‘આ બૅંકની નોકરી છોડી અમારે ત્યાં આવો. આફ્રિકામાં અમે અમારા બાહોશ કર્મચારીને એકા’દ બે વર્ષ બાદ રૂપિયે એક આનીના ભાગીદાર બનાવતા, તેવી સુવિધા તમને પણ આપીશું.”

મૅનેજર સાહેબ પોતાની બૅંકની નોકરી છોડી વ્યાપારીની પેઢીમાં જોડાયા. ત્રણ વર્ષ  વિતી ગયા પછી તેમને ‘એક આની’ તો શું એક પૈસાનો પણ ભાગ ન મળ્યો. સદ્ભાગ્યે તેમને બીજી બૅંકમાં મૅનેજરના પદની અૉફર આવી અને તેઓ નોકરી છોડી ગયા.

આ હતી આપણા જ લોકોની આપણી પ્રજા પ્રત્યેની વૃત્તિ. તેમ છતાં તેઓ સમૃદ્ધ થતા જ ગયા. આનું કારણ પણ એ જ હતું - સ્થાનિક પ્રજાનું વર્ણદ્વેષી વલણ, જેના કારણે આપણા લોકોને નોકરી મળે નહી. ‘દેશી’ પેઢીમાં કામ કરવા જાય તો ત્યાં exploitation તો થાય, પણ બે વખતની રોટલી જેટલો ગુજારો મળે, તેમાં આમ જનતા સંતોષ માનતી. આ વાત જિપ્સીના બ્રિટનના વાસ્તવ્ય દરમિયાનની છે. 

સમય ગયો. આપણાં નવયુવાનો વર્ણભેદ સામે લડીને ઉચ્ચ શિક્ષણ મેળવવા લાગ્યા. પોતાની કાબેલિયત, કેળવણી અને ઉદ્યમથી અંગ્રેજ પેઢીઓમાં જ કામ મેળવતા થયા. ડાયરેક્ટરની જગ્યા સુધી તેઓ પહોંચી ગયા પછી ભલે તેમને મૅનેજીંગ ડાયરેક્ટરનું પદ ન મળે, પણ કાર્યકૂશળતાને કારણે પ્રતિષ્ઠા અને સન્માન મળતાં, વેતન અને અન્ય લાભ ઉત્કૃષ્ટ માત્રામાં મળતાં તે જુદાં.

જિપ્સીને એક ભારતીય સિવિલ સર્વન્ટ સાથે મુલાકાત થઇ. એક્ઝેક્યુટિવ અૉફિસરના પદ પર પહોંચેલા આ સજ્જનને નિવૃત્તિ પહેલાં તેમના અદ્વિતીય કાર્ય માટે સરકારે તેમને MBE - મેમ્બર અૉફ ધ બ્રિટીશ એમ્પાયરની પદવીથી સન્માનીત કર્યા હતા. તેમણે કહેલી વાત હંમેશ માટે યાદ રહી ગઇ.

“હું ભારતના એક ગરીબ બ્રાહ્મણ પરિવારમાંથી આવું છું. અભ્યાસમાં અત્યંત હોંશિયાર એવી મારી શાખ હતી અને મારા પરવિારને મારા પર ઘણી આશા હતી, પણ ક્યાંય નોકરી મળતી નહોતી. આફ્રિકાના એક સુખવસ્તુ પરિવારે મને તેમની પુત્રી માટે પસંદ કર્યો અને આફ્રિકા લઇ ગયા. ત્યાંથી અમે લંડન આવ્યા. આમ ત્રણે દેશોના અનુભવ બાદ એટલું જ કહીશ કે ભારતમાં તને તારી લાયકાતને અનુરૂપ નોકરી કે પગાર ત્યાં સુધી નહી મળે જ્યાં સુધી તારી સરકાર દરબારમાં  વગ નથી. આફ્રિકામાં તો ભણેલા માણસોની અછત હતી તેથી અમારી લાયકાત કરતાં પણ વધુ પગારની નોકરીઓ મળી જતી. બ્રિટનની વાત જુદી છે. શરૂઆતમાં નોકરી મેળવવી મુશ્કેલ હોય છે, પણ એક વાર મળ્યા બાદ તારી લાયકાતને અનુરૂપ નોકરી અને પગાર મળતા જ રહેશે. અમુક સ્તર સુધી પદોન્નતિ પણ મળશે. પણ ભૂલે ચૂકે તું એક ભારતીય પેઢીમાં નોકરી કરીશ તો બસ, તને એવું લાગશે કે આના કરતાં દેશમાં રહ્યો હોત તો વધુ સુખી થાત!”


સ્વ. શ્રી. જોષીની વાતને જિપ્સી કદી ભુલી શક્યો નથી. તેમણે કહેલા (આફ્રિકા સિવાયના) બધા અનુભવોમાંથી તે પસાર થઇ આવ્યો. એક કાઉન્ટી કાઉન્સીલમાં સર્વિસ ડાયરેક્ટરના પદ સુધી તો પહોંચ્યો, પણ તેને તેની શાખાના મુખ્ય ડાયરેક્ટરનું પદ વર્ણભેદને કારણે ન મળ્યું. આ જગ્યા માટે તે બધી દૃષ્ટીએ અનુરૂપ હતો જેમ કે આ સ્થાન માટે મૂળભૂત જરૂરિયાત સોશિયલ વર્કની પદવીની જરૂર હતી. તે ન હોવા છતાં એક અંગ્રેજને તે સ્થાન અપાયું. જિપ્સી ઇંડસ્ટ્રીયલ ટ્રાઇબ્યુનલમાં ગયો, પણ સફળતા ન મળી. 

દેશ માટે બે લડાઇઓ લડી ચૂકેલા એક સૈનિકના મતે જીવન પણ એક યુદ્ધ જ છે. તેમાં હારજીત તો થતી જ રહે છે. હારવામાં કોઇ ખોટી વાત નથી. લજ્જા ત્યારે જ મહેસૂસ થાય જ્યારે માણસ વગર લડ્યે હાર માને. આપણા સમાજમાં આવી હજારો લાખો વ્યક્તિઓ છે જેમણે જીવનમાં સંજોગો સામે યુદ્ધો ખેલ્યા છે. કેટલાક જીત્યા છે અને કેટલાકમાં સફળતા મળી નથી. પણ વગર લડાઇએ યુદ્ધમાં હાર કબુલ કરનાર વ્યક્તિ ગુજરાતમાં ભાગ્યે જ મળી આવશે.


7 comments:

 1. ગાંઠીયા–જલેબી ઝીંદાબાદ ! નૈતીકતાની સામે વર્ગભેદ એ આ દેશની કેવી મોટી બીમારી છે ! એક સમયનો આદર્શોમાં જીવતો દેશ કેટલો નીચે ઉતરી શકે છે ! આજે તો હવે નસેનસમાં ભ્રષ્ટાચાર વ્યાપી ગયાના અનુભવો સર્વત્ર છે.

  આંખ ઉઘાડનારી વીગતો આપે રજુ કરી છે. – જુ.

  ReplyDelete
 2. Am I surprised by the uncivilized rude behavior in an Indian company? Not really, to the contrary I would have been surprised if it weren't so! I love your narrative and knack of bringing people you life, feels like I know them personally. Great story telling. Vijay Joshi

  ReplyDelete
 3. NGO nu bharat Ma pan Aavuj Se.
  Gandhiji dvara chalu Karaveli sahakari Mandari na president banva india Ma pan Fafda Jalebi vahechay se te pan Rupia ma

  ReplyDelete
 4. ખૂબ સુંદર ઘટનાઓ


  'જીવન પણ એક યુદ્ધ જ છે. તેમાં હારજીત તો થતી જ રહે છે. હારવામાં કોઇ ખોટી વાત નથી. લજ્જા ત્યારે જ મહેસૂસ થાય જ્યારે માણસ વગર લડ્યે હાર માને. આપણા સમાજમાં આવી હજારો લાખો વ્યક્તિઓ છે જેમણે જીવનમાં સંજોગો સામે યુદ્ધો ખેલ્યા છે. કેટલાક જીત્યા છે અને કેટલાકમાં સફળતા મળી નથી. પણ વગર લડાઇએ યુદ્ધમાં હાર કબુલ કરનાર વ્યક્તિ ગુજરાતમાં ભાગ્યે જ મળી આવશે.'
  કાશ !નજીકના ભવિષ્યમા ગુજરાતીની વેદના રંગ લાવે!
  પ્રજ્ઞાજુ

  ReplyDelete
 5. પ્રિય જિપ્સી,
  લાલચોળ અંગારો કાંઈ બધાએ અડીને અનુભવ કરવો જરૂરી નથી........ આપની સ્વાનુભવને આપેલ વાચા રૂપે રજુ થનાર, પારિવારીક સંબંધોમાં પડતા વિક્ષેપ તથા સંબંધોનાં પુનર્નિર્ર્માણ અંગેની Self-help Workbook કેવળ બ્રિટન જ નહી, પરંતુ મોટાભાગના વિદેશના અન્ય દેશોમાં વસતા ભારતીય ઉગમના લોકોને નોકરી તથા વ્યવસાય અંગે જે સમસ્યાઓ નડી શકે છે તેની વાતો અતિ રસપૂર્ણ અને દીવાદાંડી પુરવાર થશે તેમાં કોઈ શક નથી. પ્રિય જિપ્સી, ઈશ્વર આપને ઈશ્વર ખુબ ખુબ ઉત્તમ લેખન શક્તિ અને તંદુરસ્ત જીવન આપે તેવી અભ્યર્થના સાથે..........
  સ્નેહ અને આદર સહ,
  આપનો
  નિરંજન

  ReplyDelete
 6. બીરેન કોઠારીOctober 28, 2013 at 1:17 PM

  વેધક અને અધિકૃત રજૂઆત! જાણીને, જો કે, દુ:ખ અવશ્ય થાય, પણ આશ્ચર્ય થતું નથી.

  ReplyDelete