બીજા વિશ્વ યુદ્ધ બાદ બ્રિટનમાં મજુર સરકાર આવી ત્યારે તેમણે સ્કૅન્ડીનેવીયન રાષ્ટ્રોમાં પ્રવર્તી રહેલ વૅલ્ફેર સ્ટેટની પદ્ધતિ અપનાવી. વૅલ્ફેર સ્ટેટની ટૂંકી વ્યાખ્યા એવી થઇ શકે કે જે રાષ્ટ્ર તેના દરેક નાગરિકની તેના જન્મથી લઇ મૃત્યુ સુધીની - cradle to graveની જવાબદારી લેતું હોય તે વૅલ્ફેર સ્ટેટ કહેવાય. આ સિદ્ધાંત અંતર્ગત બાળકના જન્મથી તેના પોષણની, તેના અારોગ્યની, તેને પૂરતાં અન્ન-પાણી, રહેઠાણ, ભણતર, નોકરી, બેકારીમાં ભરણ પોષણ મળતાં રહે, તથા વૃદ્ધાવસ્થામાં લોકોની માવજત અને સાર-સંભાળ લેવાય, અને છેલ્લે, અંત્યેષ્ઠીની પણ જવાબદારી સરકારની રહે.
બ્રિટનની સરકારે તેના નાગરિકોની આ બધી જવાબદારીઓ સંભાળી લીધી છે.
વેલ્ફેર સ્ટેટના આ સિદ્ધાંતો બ્રિટનમાં કેવી રીતે કામ કરે છે તેનું વિવરણ અહીં જોઇએ.
અહીં બાળકનો જન્મ થતાં જ તેની માતાને દર અઠવાડીયે Child Benefit નામનું એલાવન્સ મળવા લાગે છે, પછી ભલે તે કરોડપતિ હોય કે અત્યંત ગરીબ અવસ્થામાં. દરેક માતાને તેના દર બાળક દીઠ આ ભથ્થું તેનાં બાળકો અઢાર વર્ષનાં થાય ત્યાં સુધી મળ્યા કરે. આ રકમ બાળકના પોષણ માટે વપરાય તો તેનું આરોગ્ય સારું રહે અને ભવિષ્યનો આ નાગરિક સુદૃઢ અને સશક્ત બને, આ તેનો ઉદ્દેશ. ત્યાર પછી આવે છે તેના ભણતરની વ્યવસ્થા જેમાં તેને હાઇસ્કુલ સુધીનું શિક્ષણ, તેનાં પાઠ્યપુસ્તકો, શાળાનો યુનિફૉર્મ, બૂટ, ગરમ કપડાં, બપોરના ભોજનનો ખર્ચ સરકાર તરફથી કરવામાં આવે છે. આમાંના કેટલાક લાભ - દા.ત. બપોરનું ભોજન, યુનિફૉર્મના પૈસા - means tested હોય છે; એટલે કે તેનું વિતરણ બાળકના વાલીઓની આવક પર આધાર રાખે છે. ૧૯૮૦ના દાયકા અગાઉ તો વિદ્યાર્થીઓને કૉલેજના શિક્ષણ માટે પણ ગ્રાન્ટ અપાતી.
બાળક ૧૮ વર્ષનું થાય અને તેને આગળ અભ્યાસ ન કરવો હોય, કે તેનું શિક્ષણ પૂરૂં થતાં નોકરી મળે ત્યાં સુધી તેને અનએમ્પ્લૉયમેન્ટ બેનીફીટ અથવા ઇન્કમ સપોર્ટ મળવાની શરૂઆત થઇ જાય. નોકરી મળ્યા બાદ તે નિવૃત્ત થાય ત્યારે તેને પેન્શન પણ સરકાર તરફથી મળે. અંતમાં જ્યારે કોઇ વ્યક્તિ મૃત્યુ પામે, અને તેના અંત્યસંસ્કાર કરવા માટે તેના વારસદાર પાસે નાણાં ન હોય તો તેના માટે પણ સરકાર તરફથી ગ્રાન્ટ આપવામાં આવે છે.
બ્રિટીશ સરકાર શબ્દશ: વેલ્ફૅર સ્ટેટ હતું. જિપ્સીએ માલાવીથી આવેલા આપણા એક વૃદ્ધ સજ્જનને કહેતાં સાંભળ્યા છે: “ભૈ, રામરાજ હંાભળ્યું’તું, પણ આંયા આવ્યા પસેં કેવું હોય સે, ઇ ભાળ્યું!" તેમના વિધાનમાં એક પણ શબ્દનો ફેરફાર કર્યો નથી!
વૅલ્ફેર સ્ટેટની જવાબદારી પૂરી કરવા રાષ્ટ્રીય સરકારને નાણાંની જરૂર પડે તેની તથા આ બધી સગવડો કેવી રીતે પૂરી પાડવી તેનું સંક્ષીપ્ત વર્ણન હવે કરીશું.
બ્રિટન નાનકડો દેશ છે, તેથી તેનું વહીવટી વિભાજન રાજ્યોમાં કરવાને બદલે જીલ્લાઓમાં - ‘કાઉન્ટી’માં થયું. ક્રિકેટના શોખીનોને યાદ હશે કે આપણા દેશમાં જેમ દરેક રાજ્યની ક્રિકેટ ટીમ છે તેમ બ્રિટનમાં દરેક કાઉન્ટીની ટીમ હતી.- જેમકે હૅમ્પશાયર, મિડલસેક્સ, લેસ્ટરશાયર (Leicestershire), વૉરીકશાયર (Warwickshire) વગેરે. આ કાઉન્ટીઓમાં સ્થાનિક સરકાર હતી અને તેમને કાઉન્ટી કાઉન્સીલ કહેવામાં આવતી. બર્મીંગહમ, મૅન્ચેસ્ટર, લીડ્ઝ જેવા શહેરોને સિટી કાઉન્સીલ અને મહાનગર લંડનને ગ્રેટર લંડન મેટ્રોપોલિટન કાઉન્સીલનું સ્થાન અપાયું. લંડનની વસ્તી એક કરોડથી વધુ હોવાથી અને તેનું વિભાજન બાવીસ બરો કાઉન્સીલમાં થયું, જેમાં દોઢથી બે લાખથી વધુ વસ્તીવાળા વિભાગો આવે. આમ ગ્રેટર લંડન કાઉન્સીલમાં બ્રેન્ટ, હૅરો, સધર્ક, લૅમ્બથ, વૉન્ડ્ઝવર્થ વગેરે જેવી કાઉન્સીલો નિર્માણ થઇ.
બ્રિટનમાં વૅલ્ફેર સ્ટેટની વ્યવસ્થાનો ભાર રાષ્ટ્રીય સરકાર અને સ્થાનિક (કાઉન્ટી કે સિટી) કાઉન્સીલ વચ્ચે વહેંચાયો છે. દેશની આવકના મુખ્ય સ્રોત ક્યા હોય છે એ તો આપ સહુ જાણો છો. કાઉન્ટી તથા શહેરોની કાઉન્સીલોની આવક બે સ્રોતમાં હોય છે: એક તો કાઉન્ટીમાં આવેલા રહેઠાણ તથા વ્યાપારી સંસ્થાઓના મકાનોના માલિકો પાસેથી કર ઉઘરાવીને, જેને ‘રેટ્સ’ કહેવાય છે. (આને ‘પોલ ટૅક્સ’ પણ કહેવાય છે). બીજી આવક છે મધ્યસ્થ સરકાર પાસેથી મળતી રકમ. આ રકમ રાષ્ટ્રીય સરકારને મળતા ઇંકમ ટૅક્સ, VAT (વૅલ્યુ અૅડેડ ટૅક્સ) વિ.માંથી દરેક કાઉન્ટીને વસ્તી પ્રમાણે ફાળવવામાં આવે છે, જેને ‘રેટ સપોર્ટ ગ્રાન્ટ’ કહેવામાં આવે છે.
આમ બ્રિટનની વૅલ્ફૅર પદ્ધતિનો વહીવટ બે વિભાગમાં વહેંચાયો: રક્ષા, વિદેશ, આારોગ્ય (નૅશનલ હેલ્થ સર્વિસ), સોશિયલ સિક્યોરિટી, ટપાલ વિ. જેવા ખાતાં મધ્યસ્થ સરકારે પોતાની પાસે રાખ્યા. જ્યારે સમાજ સેવા (સોશિયલ સર્વીસીઝ), વસવાટ (હાઉસીંગ), પર્યાવરણ તથા જાહેર સુખાકારી, શિક્ષણ વિગેરેની જવાબદારી શહેરી કાઉન્સીલ અને કાઉન્ટી કાઉન્સીલો પાસે. આ કાર્યવાહીમાં મધ્યસ્થ સરકારનો હસ્તક્ષેપ હોતો નથી, પરંતુ સરકારે નક્કી કરેલ નીતિના માળખામાં રહીને આ વહીવટ કરવાનો હોય છે. જો કે કોઇ પણ સ્થાનિક સરકારમાં બેહદ ગેરરીતી થાય તો મધ્યસ્થ સરકાર તેનો વહીવટ પોતાને હસ્તક લઇ શકે.
આટલી (લાંબી!) પ્રસ્તાવના બાદ બ્રિટનની વેલ્ફૅર પદ્ધતિની વાત કરીએ.
સૌ પ્રથમ મધ્યસ્થ સરકારને આધિન સોશિયલ સિક્યોરિટીની વાત કરીશું.
બીજા વિશ્વયુદ્ધ બાદ બ્રિટનમાં મજુર સરકાર આવી અને તેમણે બે મહત્વના કામ કર્યા. એક તો નૅશનલ હેલ્થ સર્વિસની સ્થાપના કરી. આની અંતર્ગત દેશના દરેક નાગરિકને સંપૂર્ણ રીતે તેને જરૂરી હોય તે આરોગ્ય અને વૈદ્યકીય સેવા મેળવવાનો પૂરો અધિકાર છે. આમાં ટૉન્સીલના અૉપરેશનથી માંડી હાર્ટ-બાયપાસ સુધીની શસ્ત્રક્રિયા મફત મળે. ગમે એટલી મોંઘી દવા હોય તે પણ દર્દીને સરકારે નિયત કરેલી જુજ રકમમાં મળે. દા. ત. કોઇ પણ દવાની કિંમત ૭૫ પાઉન્ડની હોય તો પણ દર્દીને (જિપ્સીના સમયે) ફક્ત સાડાત્રણપાઉન્ડમંા મળતી. બેરોજગાર વ્યક્તિઓ અને પેન્શનરોને પ્રિસ્ક્રીપ્શન્સ મફત મળે છે. દેશની એક પણ વ્યક્તિ આ સેવાથી વંચિત ન રહે તેની પૂરી તકેદારી રાખવામાં આવી છે. આનો ખર્ચ ઉપાડવા માટે નૅશનલ ઇન્સ્યોરન્સ સ્કીમ શરૂ કરી, જેમાં દરેક વ્યક્તિ તેની આવક પ્રમાણે વિમાના પ્રિમિયમની જેમ ફાળો આપે. શરૂઆતમાં આ ‘પ્રિમિયમ’ માટે ટપાલની ટિકીટ જેવી સ્ટૅમ્પ ખરીદવી પડતી તેથી કામદાર વર્ગના લોકો તેને હજી પણ કહે છે, “અમે બધા સ્ટૅમ્પ ભર્યા છે!” ત્યાર બાદ પગારમાંથી જ રકમ કપાવા લાગી. આની સાથે જે સંસ્થામાં લોકો કામ કરતા હોય તેના માલિકોને પણ દરેક કામદાર ભરે તેના પ્રમાણમાં તેનું પોતાનું ‘contribution’ આપવું પડે છે. આમ એકઠી થતી રકમમાંથી લોકોને universal health careનો લાભ મળવા લાગ્યો. આ પદ્ધતિ અનુસાર માણસને નિવૃત્તિનું પેન્શન સરકાર તરફથી અપાય છે. તેમાં સરકારી નોકરિયાત કે ખાનગી પેઢીમાં કામ કરનાર વ્યક્તિ વચ્ચે કોઇ ભેદ રાખવામાં આવતો નથી.
કોઇ વ્યક્તિએ પૂરતા નૅશનલ ઇન્સ્યોરન્સનાં પ્રિમિયમ ન ભર્યા હોય તેના માટે સરકારે નાણાંકીય સીમા રેખા બનાવી છે. જેને ભારત અને અમેરીકા 'Poverty Line' -‘ગરીબી રેખા’ કહે છે, તેને બ્રિટનમાં પ્રજાનું ગૌરવ સચવાય એટલા માટે તેને ‘subsistence level’ નામ આપીને દેશમાં પ્રવર્તતા બજારભાવના આંક પ્રમાણે તથા દરેક પરિવારમાં કેટલી વ્યક્તિઓ છે તે પ્રમાણે ભત્થું નક્કી કરી દરેક પરિવારને અપાતું. એક સમયે આને Supplementary Benefit કહેવામાં આવતું. હાલ તેને Income Support કહેવામાં આવે છે. કોઇ બેરોજગાર વ્યક્તિ પોતાના મકાનમાં રહેતી હોય અને તેને મોરગેજનો જેટલો હપ્તો ભરવો પડતો તે પણ તેને સરકાર તરફથી અપાતો. જે પરિવાર ભાડાના મકાનમાં રહેતો હોય તો તેનું મકાન ભાડું સ્થાનિક સરકાર - એટલે કાઉન્ટી, શહેર અથવા મેટ્રોપોલિટન કાઉન્સીલ તરફથી અપાતું. આ હતો ‘હાઉસીંગ બેનીફીટ’.
અહીં એક મહત્વની વાત એ હતી કે નાગરિકોના વસવાટની જવાબદારી સ્થાનિક સરકારની હોવાથી કોઇ પણ વ્યક્તિ ઘરબાર વગરની હોય, તો કાઉન્સીલે તેમના માટે રહેઠાણની કરવી જ પડે! કાઉન્સીલ તરફથી બંધાયેલા મકાનમાં તેમને રહેવા જગ્યા મળતી અને તેનું ભાડું તે વ્યક્તિની આવક પ્રમાણે ભરવાનું થતું. બેરોજગાર વ્યક્તિ મફત રહી શકે. જો કાઉન્સીલ પાસે મકાન ન હોય તો બેઘર પરિવારોને કાઉન્સીલના ખર્ચે હૉટેલમાં અથવા બેડ-અૅન્ડ-બ્રેકફાસ્ટ જેવા સ્થળોએ રાખવામાં આવતા.
મકાનની બાબતમાં સરકારે નિયમ બનાવ્યા હતા. કોઇ પરિવારને બે બાળકો હોય, તો બન્નેની સંયુક્ત ઉમર ૧૩ વર્ષથી વધુ હોય તો તેમને સૂવા માટે જુદા જુદા ઓરડા હોવા જ જોઇએ. આમ મકાનમાં overcrowding ન થાય તે માટે ખાસ જોગવાઇ કરવામાં આવી હતી.
આ ઉપરાંત દેશનો કોઇ પણ નાગરિક પ્રત્યે નોકરીમાં, મકાનની ફાળવણીમાં કે શિક્ષણમાં વર્ણદ્વેષનો ભોગ ન બને તે માટે સરકારે દરેક કાઉન્સીલમાં Race Relations Officerની નિયુક્તિ કરવાનો આદેશ આપ્યો હતો. તેમનો સીધો સંપર્ક રાષ્ટ્ર કક્ષાના Commission for Racial Equality સાથે રહેતો. કોઇ પણ વ્યક્તિને લાગે કે તે કાઉન્સીલ દ્વારા થયેલા કોઇ ભેદભાવનો ભોગ બનેલ છે, તે સીધો સંપર્ક રેસ રિલેશન્સ સાથે કરીને અને તેના પર તરત અમલ કરાવી શકતો.
બ્રિટનની કલ્યાણકારી રાજ્ય વ્યવસ્થા વિષયક વધુ વાત આવતા અંકમાં!
આભાર, નરેન્દ્રભાઈ.
ReplyDeleteકોઈ પરીકથા વાંચતા હોઈએ એવું લાગે છે !! આ જ લોકોએ આપણા દેશમાં બે કોમોને ઝઘડાવવામાં કાંઈ બાકી રાખ્યું નથી !
This comment has been removed by the author.
ReplyDeleteThis comment has been removed by the author.
DeleteNarendra saheb Aavi Rite Avirat laKhata Rahejo
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDeleteકેપ્ટ.નરેન,
ReplyDelete"કલ્યાણ રાજ" વિષે માહિતી સભર લેખ બદલ આભાર. આવી વ્યવસ્થા ને કારણે જ અંગ્રેજો અને કદાચ યુરોપીયનો પૈસા પાત્ર ભાસતા હોય છે.. અને તેના અભાવે, સ્વતંત્ર ભારત માં લોકો ગરીબ કેમ છે તે હવે સમજાય છે કારણ સરકારે છાપેલા પૈસા પ્રજા સુધી પહોંચ્તાજ નથી. "કલ્યાણ-રાજ " ની યોઉજના ઓ તો છે.. પણ બધી કાગળ ઉપર જ છે. વાસ્તવમાં તેની ગુણવત્તા નિમ્ન કક્ષા ની કે ઉતરતી છે. અને નોકરશાહી ને તો તે વાતમાં રસ જ નથી કે પ્રજા ભણેલી ગણેલી બને. કે જે તેમના અસ્તિત્વ ને પડકારે!! આમ પ્રજા ગરીબ અને અભણ રહે તેજ તેમની "કલ્યાણ-રાજ" ની યોજના છે !!.
છેવટે આમાં થી બહાર નીકળવું રહ્યું।
2014 થી ચુંટણી પર ઘણી મદાર છે.. આશા કરીએ કે આગળ સારું/કલ્યાણ થાય.