Wednesday, August 21, 2013

બ્રિટનની વર્ણ વ્યવસ્થામાં જાગૃતિ


૧૯૮૧ના વર્ષમાં જિપ્સી લંડનમાં હતો તે સમયે ત્યાંના બ્રિક્સટન વિસ્તારમાં વર્ણીય તોફાન ફાટી નીકળ્યા. આ વિસ્તારમાં આફ્રિકન-કૅરીબીયન, જેમને આપણા લોકો તે સમયે ‘જમાઇકન’ નામે ઓળખતા. ખરેખર તો આ પ્રજામાં કેવળ જમેકાના જ નહી, કૅરીબિયન સમુદ્રના જમેકા ઉપરાંત બાર્બેડોઝ, ટ્રિનીડૅડ, ડોમીનીકા, ગયાના વિ. જેવા લગભગ દરેક દેશમાંથી આવીને વસેલા લોકો હતા. લૅમ્બથ કાઉન્સીલના બ્રિકસ્ટન વિભાગમાં કૅરીબીયન પ્રજા ભારે સંખ્યામાં રહેતી હતી. કાઉન્સીલના મકાનોની ફાળવણીમાં, નોકરી, શિક્ષણ - આમ દરેક જગ્યાએ તેમના પર અત્યંત વર્ણભેદ દાખવવામાં આવતો હતો. ગરીબી ચારે તરફ ફેલાઇ હતી અને જ્યાં ગરીબી હોય ત્યાં ગુનાઓ વધે જ એવું સમીકરણ જ બની ગયેલું હોવાથી અહીંના કોઇ પણ અશ્વેત યુવાનને દિવસના કોઇ પણ સમયે પોલીસ મન ફાવે ત્યારે રોકે અને તેમની ઝડતી લે. આ અપમાનાસ્પદ વર્તાવ હદ બહાર કરવામાં આવતો હતો. આખા દેશના તો શું, લંડનના અન્ય વિભાગોના પ્રમાણમાં બ્રિક્સટનમાં stop and searchનું પ્રમાણ અનેકગણું હતું. 

૧૧મી એપ્રીલ ૧૯૮૧ના દિવસે પોલીસ અને એક યુવાન અશ્વેત યુવાન વચ્ચે આવો જ એક પ્રસંગ બની ગયો અને પોલીસ અને બ્રિક્સ્ટનની અશ્વેત પ્રજા વચ્ચે લગભગ યુદ્ધ ફાટી નીકળ્યું. અનેક મકાનો, દુકાનો અને વાહનો આગમાં તારાજ થઇ ગયા. પોલીસે દમનની માઝા મૂકી હતી. આખા દેશમાં હાહાકાર મચી ગયો. 



તે સમયની કૉન્ઝર્વેટીવ સરકારે લૉર્ડ જસ્ટીસ સ્કાર્મનને Brixton Riotsની તપાસ માટે પંચ તરીકે નીમ્યા. તેમના રિપોર્ટમાં લૉર્ડ સ્કાર્મને સ્પષ્ટ રીતે જણાવ્યું કે બિનશ્વેત પ્રજા, ખાસ કરીને આફ્રીકન-કૅરીબીયન પ્રજા પ્રત્યે દરેક બાબતમાં ભારે ભેદભાવ થાય છે. પોલીસ તેમની કાર્યવાહીમાં આ પ્રજાને નિશાન બનાવી હેરાન તો કરે જ છે, પણ ઘણી વાર અમાનુષ વર્તન પર સુદ્ધાં ઉતરી આવે છે. આ પ્રજામાં અસંતોષનો અગ્નિ વધવાનું કારણ રાજ્યની વેલ્ફેર વ્યવસ્થા દ્વારા વર્ણીય દ્વેષને કારણે થતો ભેદભાવ - જે લગભગ તેમને આ લાભમાંથી વંચિત રાખવામાં આવ્યા હતા. Institutionalized Racismનો આ નમૂનો હતો. આ કારણસર બિનશ્વેત પ્રજા ગરીબી, બેકારી અને અભાવથી પીડાતી હતી. લૉર્ડ સ્કાર્મને આ બાબતમાં પૂરી તપાસ તથા અનેક વ્યક્તિઓ તથા સંસ્થાઓની વાત સાંભળ્યા બાદ પૂરાવા એકઠા કર્યા. તેમના રિપોર્ટમાં લૉર્ડ સ્કાર્મને અનેક  ભલામણો કરી, જેમાં પોલીસની કાર્યવાહી સામે તપાસ કરવામાં નિષ્પક્ષ પંચ (Police Enquiries Commission) નીમવામાં આવે. કેવળ બ્રિક્સટનમાં જ નહી, દેશભરમાં ભારતીય સમેત બધી બિનગૌર પ્રજા પ્રત્યે સરકારની બેદરકારીને કારણે થયેલ અધોગતિને રોકવા સક્રિય પગલાં લેવામાં આવે. સરકારે તેમની ભલામણો સ્વીકારી.

બ્રિક્સટનનાં હુલ્લડ તથા લૉર્ડ સ્કાર્મનના રિપોર્ટે આખા દેશને તેમની વર્ણભેદ અંગેની નીતિ અંગે જાગૃતી આણી. દરેક કાઉન્સીલમાં Race Awareness Trainingની શરૂઆત કરવામાં આવી. બ્રિટનના શિક્ષીત અને સજાગ ઉદારમતવાદીઓએ આ અભિગમને અમલમાં આણી તેને ગતિશીલ બનાવ્યો. કેવળ અમુક વિભાગોમાં - જ્યાં બ્રિટીશ નૅશનાલિસ્ટ પાર્ટી જેવી વર્ણવિરોધી સંસ્થાઓનું જોર હતું તે છોડીને બધા વિભાગોમાં રહેતા લોકોમાં એક પ્રકારની સહિષ્ણુતા આવી. 


Race  Awarenessના પ્રશિક્ષણમાં સરકારી તથા સ્થાનિક સરકારના કર્મચારરીઓ માટે વર્ગોયોજવામાં આવ્યા. જુદા જુદા અશ્વેત વર્ણોની સાંસ્કૃતીક વિશેષતા, તેમના આચાર વિચાર, તેમની સામાજીક રુઢીઓ તથા પરસ્પર વહેવારની આમ જનતાને માહિતી આપી તેમના પ્રત્યે લોકોના મનમાં જે ખોટા ખ્યાલ હતા તે દૂર કરવા માટે આ ખાસ પ્રશિક્ષણ વર્ગો ઘણા ઉપયોગી નિવડ્યા. આમ મહદ્અંશે લોકોની વૃત્તીમાં ફેરફાર આવવા લાગ્યો. પણ સંસ્થાકીય વર્ણભેદ (Institutionalized Racism)માં અમુક અંશે ભેદભાવ ચાલુ જ રહ્યો.
નાની કક્ષાની સફેદ કૉલરની નોકરી (સરકારી કારકૂન વિ.)માં આપણા લોકોની ભરતી પર ભાર અપાયો, પણ જ્યાં પ્રમોશનની વાત આવે, ગોરાઓને અગ્રતા અપાતી. આવા સ્થાન પર આપણા લોકોને ગોરાઓ કરતાં બમણી યોગ્યતા - શિક્ષણ, કાબેલિયત, જ્ઞાન એવા દરેક વિભાગમાં હોય તો અમુક અંશે સફળતા મળે! પણ મોટ પદમાં ભાગ્યે જ કોઇ બિનગૌર વ્યક્તિ જોવા મળે!

બ્રિક્સ્ટન બાદ ખાસ કરીને સ્થાનિક કાઉન્સીલોના સમાજ સેવા વિભાગોમાં ભારે બદલાવ આવ્યો. તેમણે ‘એશિયન સ્પેશીયાલિસ્ટ’ અને ‘વેસ્ટ ઇન્ડીયન સ્પેશીયાલિસ્ટ’ સોશિયલ વર્કર્સની જગ્યાઓ ઉભી કરી. ભારતીય ઉપખંડની તથા કૅરીબિયન ટાપુઓની પ્રજાને સોશિયલ સર્વિસીઝ તરફથી ક્યા ક્યા લાભ મળી શકે છે તેની માહિતી આપી તે તેમને મેળવી આપવા માટે unqualified social workers નીમ્યા. એક વર્ષની નોકરી બાદ તેમને પૂરા સમયનું પ્રશિક્ષણ પૂરા પગાર સાથે મળે તેવી વ્યવસ્થા કરી. તેમને એક વધારાનું કામ એ પણ સોંપાયું કે તેમના ખાતામાં કામ કરનારા અન્ય સોશિયલ વર્કર્સ, અૉક્યુપેશનલ થેરાપિસ્ટ, વૃદ્ધ અને અશક્ત નાગરિકોને ઘરકામમાં મદદ કરવા અંગેના ખાસ અધિકારીઓને આપણા સમાજની સાંસ્કૃતીક જરૂરિયાતો સમજાવવી. વળી ખાતામાં ખાલી જગ્યામાં કોઇની નીમણૂંક કરવાની હોય તો આપણા પ્રતિનિધિ તરીકે આ સોશિયલ વર્કર સિલેક્શન પૅનલમાં બેસે અને ખાતરી કરે કે આપણા અરજદાર પ્રત્યે કોઇ ભેદભાવ નથી થયો. બ્રિટનની લગભગ બધી સિટી કાઉન્સીલોમાં આ યોજના અમલમાં આવી. આ ઉપરાંત દરેક કાઉન્સીલમાં ‘Race Relations Section’ની સ્થાપના થઇ અને તેમને વિશેષ અધિકાર આપવામાં આવ્યા. 

આવતા અંકમાં કેટલાક રસપ્રદ અનુભવો રજુ કરવાનો પ્રયત્ન કરીશું.


(નોંધ: અહીં વર્ણવેલી વાતો જિપ્સીના અંગત અનુભવ, સ્થળ પરના અભ્યાસ અને નિરીક્ષણ (on the spot study and observation)ના આધાર પર જણાવવામાં આવી છે.)

7 comments:

  1. બીરેન કોઠારીAugust 22, 2013 at 12:03 AM

    સંસ્થાકીય ભેદભાવ હોય એ એક વાત થઈ, અને તેને દૂર કરવાના સાચા પ્રયત્નો કરવા એ બીજી વાત. ભેદભાવને દૂર કરવાના નક્કર પ્રયત્નો થાય એ આવકારદાયક છે. બાકી આપણે ત્યાં તો કાયદા ઘડાય એ સાથે જ (ક્યારેક તો એ પહેલાં) તેની છટકબારીઓની જોગવાઈ થઈ જાય છે.
    આ આખી સમસ્યાની સુંદર અને મુદ્દાસર રજૂઆત.

    ReplyDelete
    Replies
    1. આપના પ્રતિભાવ માટે આભાર.

      Delete
  2. આદરણીય કેપ્ટ નરેન,

    આપના અનુભવ નું સંકલન સમજવા જેવું છે આટલું સુક્ષ્મ અવલોકન તમારા જેવી અનુભવી કલમ ના જો રે જ વાંચવા મળે।। નહીતો આજ કાલ નું પત્રકારત્વ પણ કક્ષા ગુમાવી ચુક્યું છે તે સહેજ

    આમ તો ભેદ નીતિ ના પ્રણેતા અંગ્રેજો છે તેવું ગણાય છે જોકે "શામ-દામ-દંડ-ભેદ" ના ઉલ્લેખો મહાભારત અને ચાણક્ય નીતિ માં પણ મળે છે પણ આપણને ભેદ ના અનુભવો અને વારસો અંગ્રેજો પાસે થી જ મળ્યા છે __
    જો ધર્મ સચવાય તો આવા કમિશનો ના બેસાડવા પડે કે "રેસ રીલેશન ઓફિસર" ના નીમવા પડે. ધર્મ તો જનાક નું રાજ્ય હતું તેવા રાજ્યમાં જળવાય.. પણ મુડી વાદી લોકશાહી માં ધર્મ સાચવવાની વાત બંધબેસતી નથી તેમાં તો પૈસા ને ઈજારા શાહી ની જ બોલબાલા હોય છે

    એકંદરે પ્રયત્નો સરાહનીય છે પણ કરગર સાબિત થાય તે જોવાનું રહ્યું ...મારા અનુભવે, લખું છું કે બ્રિટીશરો હજુ પણ ગુરુતા ગ્રંથી અને તેના ડર માં જીવે છે ....તમે વર્ણવેલો જે પ્રયત્ન થઈ રહ્યાં છે, તેમાં આજે બ્રિટન જેવો દેશ પણ કંગાલિયત ને આરે ઉભો છે
    કૈંક વધુ પડતું લખાયું હોય તો માફ કરજો .....
    અસ્તુ

    શૈલેષ મહેતા

    ReplyDelete
    Replies
    1. This comment has been removed by the author.

      Delete
    2. આપના પ્રતિભાવ માટે આભાર. આપની વાત સાચી છે. 'ઉદારવાદી' અને 'ન્યાય દેવતાના પૂજારી' ગણાતા બ્રિટન જેવા દેશમાં રાજ્યની ધૂરા છુપી right wing વૃત્તિ ધરાવતા લોકોના હાથમાં છે. ઉપરથી ભલે તેઓ વર્ણભેદ કે વર્ણદ્વેષની વિરૂદ્ધમાં બયાન આપતા હોય, પણ તેનો ઉકેલ લાવવામાં તેમને કોઇ દિલચસ્પી હોતી નથી. તેઓ પણ appeasement of violent forces દ્વારા સામ-દામ-દંડ-ભેદની નીતિ અજમાવે છે. સામ એક ખાસ ધાર્મીક વર્ગ માટે, દામ આમ જનતા માટે, દંડ કેવળ ભારતીય ઉગમના લોકો માટે અને ભેદ તેમના રાજકીય પ્રતિસ્પર્ધીઓ માટે! આ ચાલ ત્યારે પણ ચાલતી હતી અને હજી પણ ચાલે છે.

      Delete
  3. માહિતીસભર લેખ!

    ReplyDelete
  4. sir Tame UK thi USA Kyare gaya tena vishe Janavo

    ReplyDelete