Saturday, January 31, 2009

નરેનની વાત - નિવેદન

જીપ્સી નામનો ઘરબાર વિનાનો અસ્થાયી ભારતીય વર્ષો પહેલાં દેશ છોડીને પરાયી ભુમિ પર ભટકતો રહ્યો છે.જીવ નપથ પર તે ભલે ચાલતો રહ્યો હોય, પણ પોતાની પાછળ એવાં પગલાં નથી છોડી શક્યો જેને ‘સમયની રેતી પર પડેલાં પદચિહ્ન’ કહી શકાય! આ લેખનકારની વાત કરીએ તો એટલું જરૂર કહી શકાય કે તેના જીવનમાં કેટલાક મહાન આત્માઓએ પોતાના સાન્નિધ્યના તેજનો તેના પર અજાણતાં છંટકાવ કર્યો. માતાપિતા તથા પૂર્વજોએ આપેલા સંસ્કાર, શિક્ષકોએ આપેલી નુતન દિશા અને નિ:સ્વાર્થ િમત્રોએ કરેલી સહાયતાથી તેને માનવતાના અનન્ય દર્શન થયા. જીવનમાં બે-ચાર એવા પ્રસંગો આવ્યા જેની અનુભુતિ કરી તે ધન્ય થયો. નિસર્ગનું અનંત સૌંદર્ય, તેની વિશાળતા અને કાર્ય-કારણની સીમાની પાર થયેલા અદ્ભૂત ચમત્કાર જોઇને તેણે જીવનની યથાર્થતા અનુભવી. આ મહાનુભાવો તથા પ્રકૃતિની જીવંત શક્તિએ તેના પર કૃપા કરી છે તેની આભારવંદના નહિ કરે તો તેનું જીવન અધુરૂં રહેશે એવું તેને લાગ્યું. આ સામુહિક ઊપકારની સ્વીકૃતિમાં જન્મ પામી છે જીપ્સીની ડાયરી.
એક રીતે જોવા જઇએ તો જીપ્સીનું અસ્તિત્વ ઉપગ્રહ સમાન છે. તેને પોતાનો પ્રકાશ નથી. એ તો કેવળ તેના માતૃગ્રહના પ્રકાશને પરાવર્તિત કરે છે. એવું ન હોત તો તે અવકાશમાં રહેલા અનેકાનેક એસ્ટેરૉઇડમાંનો એક અદૃશ્ય, અજાણ્યો, દિશાહિન ભટકતો ખડક હોત. જીપ્સી ભ્રમણ કરે છે પણ આ બહુરત્ના વસંધરા સમા પુણ્યાત્માના પ્રતાપે તેના પરિભ્રમણને દિશા મળી. હજી તેના ભ્રમણને અંત નથી. અશ્વત્થામાની જેમ તે ભટકતો રહે છે.
મારી વાતો તથા અનુભવોને ગમે તો સત્ય અથવા યુદ્ધસ્ય રમ્યા: કથા: ગણજો. મારી પોતાની વાત કરું તો આ મારૂં જીવન હતું - અને છે. બધી ઘટનાઓ ત્યારે પણ સત્યહતી અને જીવનની સંધ્યાએ હજી જીવંત છે!
સંધ્યા સમયે અંજલી આપવાનો રિવાજ છે. જીપ્સી અહીં તેના જીવનમાં આવી ગયેલ બધાંને - ખાસ કરીને બાઇ અને પિતાજી - બાબા’સાને ઋણ-સ્વીકારની અંજલી અર્પણ કરે છે. મારા ગુરૂસ્વરૂપ સ્વ. લેફ્ટનન્ટ કર્નલ સી.સી બક્ષી - અમારા ‘દાદુ’એ કરાવેલ આધ્યાત્મિક પથદર્શન માટે તેમનો અહીં આભાર માન્યા વગર રહી શકતો નથી.
ચાલો, તો હવે જઇએ જીપ્સીની વાત સાંભળવા.

*********

૧૯૬૩: સમરાંગણની પૂર્વ ભુમિકા

શાળા અને કૉલેજમાં અભ્યાસ કરતી વખતે સૈનિક થવાનો મારા મનમાં કદી વિચાર આવ્યો ન હતો. તે વખતે ચીલા ચાલુ વ્યવસાય એટલે સરકારી “પેન્શનેબલ” નોકરી, અથવા લાગવગ મળે તો બૅંકમાં સારા પગારે નોકરી કરવી એ મહત્વાકાંક્ષા ગણાતી. ૧૯૪૯માં જ્યારે એનસીસીમાં મારી શાળાના વિદ્યાર્થીઓ ગયા ત્યારે મારા મનમાં તેના વિશે જરા જેટલું કુતૂહલ ન થયું. મારો સમવયસ્ક પિત્રાઇ ભાઇ જ્યારે એનસીસીમાં જોડાયો ત્યારે મારા કાકાએ અાખા પરિવારને બોલાવી ગૌરવથી કહ્યું, “અાપણા કૂળની સદીઓ જુની લડાયક પરંપરાને તેણે આ યુનિફૉર્મ પહેરીને જાળવી છે. આપણા માટે આ એક અભિમાનાસ્પદ ઘટના છે!” તે વખતે પણ મારા મનમાં ગણવેશ પહેરવાનો ઉત્સાહ જન્મ્યો નહોતો.
મિલીટરીને કારકિર્દી ન ગણવા પાછળ એક કારણ એ પણ હતું કે ૧૯૪૨માં કલકત્તા, મુંબઇ તથા અન્ય શહેરોમાં ઉદ્દામવાદીઓની સ્ફોટક પ્રવૃત્તિઓને તથા શાંત સત્યાગ્રહીઓના સરઘસોને જે રીતે પોલીસે તથા મિલીટરીએ કચડી નાખ્યા હતા તેના ગીતો - ‘બેતાલીસકા લગા જમાના ભારત ખેલે હોલી, પોલીસ ચલાયે ગોલી તો જન કરે હૃદયકી ઝોલી’ - ઠેઠ ૧૯૪૪-૪૫ સુધી દેશભરમાં ગવાતા હતા. હું જ્યાં રહેતો હતો તે વિસ્તાર કૉંગ્રેસનો ગઢ હતો. અમારા લોકપ્રિય નેતા સ્વ. વસંતરાવ હેગીષ્ટેએ અંગ્રેજ રાજ્યના દમનના વીરોધમાં કરેલ શાંત આંદોલનના કારણે તેમને લાંબા સમય સુધી જેલમાં રાખવામાં આવ્યા હતા. તેમણે અમારા બાલ મન પર ઘેરી અસર કરી હતી. મિલીટરીની ‘દેખો ત્યાં ઠાર કરો’ની વાતોમાં વાસ્તવિકતા હતી તેનાં કરતાં તેની અફવાઓએ જનતાના મનમાં એટલી દહેશત ફેલાવી હતી કે ગુજરાતમાં પોલીસ તથા મિલીટરી પ્રત્યે ઊંડો અણગમો ઉદ્ભવ્યો હતો.
૧૯૪૮માં કાશ્મિરમાં ઠેઠ શ્રીનગરના અૅરોડ્રોમ સુધી પહોંચેલા પાકિસ્તાનના કબાઇલીઓએ કરેલ હુમલાને ભારતીય સેનાએ પરાસ્ત કયર્યા. પાકિસ્તાનીઓએ આપણી જનતા પર આદરેલા અમાનુષી અત્યાચાર, બલાત્કાર, લૂંટ અને કતલની વાતો જગજાહેર થઇ હતી, અને આપણી સેનાએ તેનો વીરતાપૂર્વક અંત આણ્યો હતો. આ યુદ્ધમાં કર્નલ રણજીત રાય અને મેજર સોમનાથ શમર્માએ આપેલ બલિદાનના આપણા અખબારોમાં પ્રસિદ્ધ થયેલા અહેવાલોને કારણે મિલીટરીની છબી બદલાઇ ગઇ હતી. ત્યાર પછી આખા દેશમાં એવી છાપ ઊભી થઇ ગઇ કે આપણા સૈન્યમાં નિષ્ઠા અને શિસ્તનાં મૂલ્યો પૂરી રીતે જળવાયા છે. વતન માટે જીવનનું બલિદાન આપવામાં પાછી પાની ન કરનાર સૈનિકોનાં તન-મન કોઇ વિશીષ્ટ માટી અને દિવ્ય તત્વથી બને છે અને તે આપણી પાસે નથી એવી ધારણા કોણ જાણે કેમ મારા મનમાં સ્થિર થઇ હતી.

રાજકીય નેતાઓની વાત આવતી ત્યારે મારા માટે સરદાર પટેલ અાદર્શ હતા. ૧૯૪૭માં દેશી રાજ્યોના વિલિનીકરણનો પ્રશ્ન આવ્યો ત્યારે સૌરાષ્ટ્રમાં અમારા મહારાજસાહેબ બાપુ કૃષ્ણકુમારસિંહજી પ્રથમ રાજવી હતા જેમણે ભાવનગર રાજ્યને ભારતમાં વિલીન કરવા સરદારશ્રીને નિમંત્રણ આપેલું. જ્યારે સરદારશ્રી ભાવનગર આવ્યા અને મહારાજસાહેબ બાપુ સાથે ખુલ્લી મોટરકારમાં નિલમબાગ જવા નીકળ્યા ત્યારે ગામના તળાવના કિનારે બા સાથે હું પણ તેમને જોવા ગયો હતો. બાએ મને કહેલા શબ્દો હજી યાદ છે: “જો નરેન, સરદારનો ચહેરો કેટલો તેજસ્વી છે!”

તે વખતે મને લાગ્યું હતું કે દેશની સાચી સેવા કરવી હોય તો સરદારશ્રીની જેમ સર્વસ્વ દેશને અર્પણ કરવું. આના માટે કૉંગ્રેસ પક્ષમાં જોડાઇ દેશની નિ:સ્વાર્થ સેવા કરવી. જો કે સરદારશ્રીના અવસાનના કેટલાક વર્ષો બાદ એક ઘટના એવી થઇ, જેના સમાચાર અખબારોમાં વાંચી અનેક લોકોને અચંબો થયો.

દેશના એક અગ્રગણ્ય રાજપુરુષની આ વાત છે.અનેક વર્ષ દેશસેવા કરી,૧૯૪૨માં જેલવાસ ભોગવી અને દેશની આઝાદી તથા આઝાદી બાદ લોકસભામાં તેમણે મોટો ફાળો આપ્યો હતો. અચાનક તેમનું અવસાન થયું. અાખો દેશ શોકમાં ડૂબી ગયો, પણ થોડા જ દિવસોમાં આ શોકનું પરિવર્તન વિસ્મયમાં થયું. તેમના મૃત્યુ બાદ અખબારોમાં સમાચાર આવ્યા કે તેઓ પોતાના સંતાનો માટે ૪૦-૫૦ લાખ રૂપિયાનું ટ્રસ્ટ ફંડ છોડી ગયા હતા. તે જમાનામાં સરકારી ક્લાર્કનો માસિક પગાર ૮૦થી ૯૦ રૂપિયાનો હતો તેથી ૨૫ વર્ષ સુધી સતત સત્યાગ્રહના રાજકારણમાં ભાગ લીધા બાદ સ્વતંત્ર ભારતની સેવામાં આટલી મિલ્કત કેવી રીતે એકઠી કરી શકાય તે અમને સમજાયું નહિ. શક્ય છે કે તેમની પાસે આઝાદીની લડત પહેલાંના વ્યવસાયની અને વારસાગત સંપત્તિ હતી. ગુજરાતમાં આ સમાચાર છપાયા, અને ત્યાર બાદ પ્રશસ્તિપત્રકોના પૂરમાં આ વાત ભુલાઇ પણ ગઇ. એક વાત સાચી કે તેમણે મૃત્યુ બાદ કેમ ન હોય, પ્રામાણિકતાથી પોતાની મિલ્કત જાહેર કરી હતી. આજે આપણા નેતાઓ ખુલ્લી રીતે કરોડોના કૌભાંડ કરે છે, તેમ છતાં કૅબિનેટના મંત્રીમંડળમાં બેઠા છે. આવા રાજપુરૂષોની કેટલી મિલ્કત સ્વિસ બૅંકોમાં અને અન્ય સ્થળે કેટલી માત્રામાં છુપાઇ છે તે જાણવું અશક્ય છે. ગમે તે હોય, મારા મનમાં એક વાત ઘર કરી ગઇ હતી કે પ્રાચિન ઋષી-મુનિઓએ તથા ચાણક્ય જેવા તત્વજ્ઞાનીઓએ રાજકતર્તાઓ માટે આંકેલા ચારિત્ર્ય, નિષ્ઠા અને પ્રામાણિકતાના મૂળભૂત મૂલ્યો સદીઓ સુધી ભારતીય જનતાએ જાળવ્યા હતા, તે લુપ્તપ્રાય થઇ હવે િમલીટરીમાં જ બાકી રહ્યા છે. દેશની સાચી, નિ:સ્વાર્થ સેવા કરવાનો આદર્શ ધરાવનાર યુવાનો સેનામાં જોડાવા લાગ્યા હતા. આનું પ્રત્યક્ષ ઊદાહરણ મને નાની ઉમરમાં જ જોવા મળ્યું.

ગુજરાતના મોટા ભાગના બાળકોની જેમ કિશોરાવસ્થા મારા વૈચારીક ઘડતરના દિવસો હતા. તે સમયે મિત્રો સાથે હું ખાનપુરમાં સર ચિનુભાઇ બેરોનેટના બંગલામાં ઉદયનભાઇ દ્વારા વિનામૂલ્યે ચલાવાતા બૉક્સીંગ ક્લબમાં જતા. ત્યાં અમારો આદર્શ કેકી નામનો પારસી યુવાન હતો. સ્વરુપવાન, મજબૂત અને ગુજરાતનો સવર્વોત્કૃષ્ટ - મિડલ વેઇટ બૉક્સીંગ ચૅમ્પિયન કેકી મિલીટરીમાં અૉફિસર થયો. કાશ્મિર મોરચે દુશ્મનો સામે લડતાં તે વીરગતિ પામ્યો અને તેને મરણોપરાંત વીરચક્ર એનાયત થયું. તેના અવસાનના સમાચાર આવ્યા ત્યારે અમે અત્યંત શોકગ્રસ્ત થયા હતા. કેકીની યાદ હજી પણ મનમાં તાજી છે. તેના મૃત્યુ બાદ તેના કુટુમ્બીજનોની શી હાલત થઇ હશે તેનો વિચાર કરવાની અમારી હિંમત નહોતી. કદાચ આ પણ એક વાત હતી જેના કારણે મિલીટરીને વ્યવસાય કે કારકિદર્દી તરીકે અપનાવનાર અમદાવાદના કૅપ્ટન કેકી, ભાવનગરના કૅપ્ટન જોરાવરસિંહ, જામનગરના જનરલ રાજેન્દ્રસિંહજી તથા માણાવદરના રાજકુમાર મેજર શેખ જેવા વીરલા જ હોય. ત્યાં સામાન્ય માણસનું કામ નહિ, એવી માન્યતા ગુજરાતમાં પ્રસરી હતી.

તે સમયે મારા મોટા ભાઇઓ રાજકારણમાં ઉંડો રસ લેતા. તેઓ માનવેન્દ્ર નાથ રૉયની ક્રાન્તિકારી માનવતાવાદ - Radical Humanismને અનુસરતા હતા. તે સમયના પ્રખ્યાત ધારાશાસ્ત્રી ચંદ્રકાન્ત દરુ આ વિચારધારાના ગુજરાત ક્ષેત્રના મુખ્ય સંયોજક હતા. બાપુજીની હવેલીના હૉલમાં સો’એક જેટલા લોકો બેસી શકતા, તેથી તેમની ઘણી સભાઓ હવેલીમાં યોજાતી. આ ઉપરાંત શ્રી. દરુ દર પંદર વીસ દિવસે તેમને મળવા આવતા. હું કિશોર વયનો હતો અને તેમની વાતચીતમાં હાજરી આપતો તેની સામે તેમણે કદી વાંધો લીધો નહોતો, તેથી તેમની ચચર્ચાઓનો મારા પર ઘણો પ્રભાવ પડ્યો હતો. શાળાના છેલ્લા ત્રણ વષર્ષોમાં મારા ગુજરાતી અને અંગ્રેજીના શિક્ષક સ્વ. શ્રી. અરૂણકાંત દિવેટિયા પણ ‘રૉયીસ્ટ’ મતના હતા. વર્ગમાં થતી ચચર્ચાઓમાં માનવેન્દ્ર નાથની વિચારધારાનો તેઅો હંમેશા ઉલ્લેખ કરતા. સામ્યવાદમાં માનવ કરતાં પક્ષને સવર્વોપરી માનવામાં આવે છે, તેમજ તે પક્ષના પૉલીટબ્યુરો દ્વારા લેવાતા નિર્ણય સામે પક્ષના અન્ય કોઇ પણ સભ્યનો વિચાર કે મત પૂછવામાં આવતો નથી. આથી સામ્યવાદમાં સર્વસામાન્ય સભ્યના વ્યક્તિગત વિચાર અને તેમનાં વાણી સ્વાતંત્ર્ય સાવ હણાય છે. આ જાણે ઓછું હોય, પક્ષના શક્તિશાળી નેતાની સલાહ વિરુદ્ધ કોઇ પોતાનો મત પણ જાહેર કરે તો તેને મારી નાખવામાં આવતા - જે રીતે રશિયામાં માર્ક્સવાદી-લેનિનવાદીઓએ ટ્રૉટ્સ્કીને તથા તેમના અનુયાયીઓનો વધ કરીને બતાવી આપ્યું હતું. પક્ષની એકહથ્થુ સરમુખત્યારશાહી સામે ઉદારમતવાદી લોકશાહીની વિચારધારા અને તેમાં અદની વ્યક્તિના વિચાર અને વાણીસ્વાતંત્ર્યને રૉયીસ્ટ વિચારધારા મહત્વનું ગણતી હતી, જેની મારા મન પર ઘેરી અસર થઇ હતી. તે વખતે મારાથી મોટા મધુ’દાએ મને God that Failed’ નામનું પુસ્તક વાંચવા આપ્યું હતું. માર્ક્સની ક્રાન્તિકારક સમાજવાદી વિચારસરણીથી પ્રભાવિત થયેલા પશ્ચિમના મેધાવી વિચારકો સામ્યવાદી પક્ષમાં જોડાયા હતા. જ્યારે તેમને સામ્યવાદી વિચારોના અમલમાં પક્ષની એકહત્થુ સત્તાની અસલિયતનો ખ્યાલ આવ્યો ત્યારે તેમણે પક્ષત્યાગ કયર્યો. તેમના મતે માનવતાવાદી વિચાર સ્વાતંત્ર્ય પર કોઇ રાજકીય પક્ષનું કે પક્ષની નીતિઓ ઘડનાર વ્યક્તિસમૂહનું અાધિપત્ય ન હોવું જોઇએ. તેમણે લખેલા નિબંધોનો સંચય આ પુસ્તકમાં હતો, અને તે વાંચી તેમની વાત હું દૃઢતાપૂર્વક માનવા લાગ્યો હતો. લોકોના બહુમતથી લેવાતા નિર્ણયો સર્વમાન્ય હોય ત્યાં સાચી લોકશાહી છે એવું હું માનતો થયો અને તે કારણસર કેંદ્રિય જુથની એકહત્થુ સત્તામાં માનતા સામ્યવાદી પક્ષ અને સામ્યવાદી રાજસત્તા સામે મારો કટ્ટર વીરોધ હતો.

ભારત પ્રજાસત્તાક રાજ્ય થયું ત્યાં સુધીમાં પંડિત નહેરુ યુવાનોના આદર્શ બની ચૂક્યા હતા. તેમના આકર્ષક વ્યક્તિત્વ અને આદર્શવાદનો દેશભરમાં એવો જુવાળ ફેલાયો હતો કે તેઅો કહે તે પૂર્વ દિશા માનવા લોકો તૈયાર હતા. હિંદી-ચીની ભાઇ-ભાઇ, પંચશીલ, બિનજોડાણ તથા બિનસાંપ્રદાયીકતા અંગેના તેમના વિધાનો એક વાત કહેતા હતા અને હકીકતમાં જે થઇ રહ્યું હતું તે સાવ જુદું હતું. જ્યાં ‘બિનજોડાણ’ની વાત આવી, ત્યાં નહેરુ ખુલ્લી રીતે સામ્યવાદી રશિયા અને ચીનનો સાથ આપવા લાગ્યા હતા. પરિણામ એ આવ્યું કે અમેરિકાએ પાકિસ્તાનને શસ્ત્રાસ્ત્ર આપવા ઉપરાંત આર્થિક સહકાર આપવાનું શરુ કર્યું. પાકિસ્તાન તે સમયથી જ અમેરિકા તરફથી મળતા હથિયાર ભારત સામે વાપરવા માટે એકઠા કરી રહ્યું હતું તેની અમેરીકન સરકારને જાણ હતી. તેમ છતાં રશિયા પ્રત્યે પં. નહેરુની સહાનુભૂતિ અને પ્રેમને કારણે અમેરીકા ભારત પર નારાજ હતું અને આ ગુસ્સો દેખાડવા પાકિસ્તાનને સઢળ હાથે મદદ કરતું રહ્યું. બીજી તરફ પં. નહેરુ પંચશીલના પાલનમાં દેશને નિ:શસ્ત્ર બનાવી રહ્યા હતા. વિશ્વમાં અપ્રતિમ શૌર્ય માટે પહેલા અને બીજા વિશ્વયુદ્ધમાં પ્રખ્યાત થઇ ચુકેલ ભારતીય સેનાને પંડિતજી હવે એક બિનજરુરી બોજ સમજવા લાગ્યા હતા. વિશ્વની સેનાઓના જવાનો પાસે સેમી અૉટોમેટીક રાયફલ્સ આવી ચૂકી હતી, જ્યારે ભારતના સૈનિકોને હજી પણ બીજા વિશ્વયુદ્ધના સમયની ‘લી એન્ફીલ્ડ’ની બોલ્ટ અૅક્શનની ધોકા જેવી રાયફલ્સ વાપરવાની ફરજ પાડવામાં આવી હતી. પં. નહેરુના મગજમાં એક એવો ભ્રમ રૂઢ થઇ બેઠો હતો કે ભારતને ચીન તરફથી કોઇ ભય નથી, તથા યુનાઇટેડ નેશન્સમાં પોતાની અંગત શાખને કારણે પાકિસ્તાને કાશ્મીરમાં આચરેલ ઘુસણખોરી અને હિંસક ગતિવિધીઓ પર તેઓ નિયંત્રણ લાવી શકશે. આવા ભ્રામક ખ્યાલથી તેમને આપણી સશસ્ત્ર સેનાનું આધુનિકીકરણ કરવાની જરુર લાગી નહિ. અધુરામાં પુરૂં તેમને સામ્યવાદના ‘સહયાત્રી’ કૃષ્ણ મેનન જેવા વિદેશ પ્રધાન મળ્યા!

નેપોલિયને એક વાર કહ્યું હતું, “ચીન ઉંઘે છે તેને ઉંઘવા દો. જે દિવસે તે જાગશે, દુનિયા દુ:ખી થઇ જશે.” માઓના નેતૃત્વ નીચે ચીન જાગ્યું અને તેની પહેલી ઝાળ કોઇને લાગી હોય તો તેના પોતાના નાગરિકોને જ. ત્યાર બાદ ચીનના સામ્યવાદી સામ્રાજ્યવાદે તિબેટ પર કબજો કયર્યો અને પ.પૂ. દલાઇ લામાને ૧૯૬૦માં ૮૦,૦૦૦થી વધુ અનુયાયીઓ સાથે પોતાનો દેશ છોડી ભારત આવવું પડ્યું. દેશમાં આવું વાતાવરણ હતું ત્યાં ચીને પોતાના દેશની સામ્યવાદી નિતીઓ હેઠળ સાધેલી આર્થિક, સાંસ્કૃતીક તથા અૌદ્યોગિક પ્રગતિનું પ્રચંડ પાયા પર જાહેરાત કરવાનું અભિયાન ચલાવ્યું. ભારતની બધી મુખ્ય ભાષાઓમાં ‘ચાઇના ટુ-ડે’ના અઠવાડિક અંકની લાખો નકલ મફત વહેંચવાની શરુઆત કરી. ભારતના લેખક, કવિ અને કલાકારોના મોટા મોટા જુથોને મફત ચીન-દર્શન કરાવ્યું. સમગ્ર ભારત ઉપરાંત આખા વિશ્વમાં ચીનની વાહ વાહ થવા લાગી.

‘ભારત શંાતિપૂર્ણ દેશ છે. અમે જગતને મહાત્મા ગાંધીનો શાંતિનો સંદેશ પહોંચાડવા માગતા હોવાથી અમે કોઇ સમસ્યાનો હલ શસ્ત્ર દ્વારા લાવવા માગતા નથી. પંચશીલની ઘોષણા દ્વારા અમારી આ નીતિની જાહેરાત કરીએ છીએ!’ જેવા અનેક સંદેશ નહેરુ જગતને આપતા રહ્યા. આદશર્શોના સ્વપ્નપ્રદેશમાં તેઓ એટલા મગ્ન થઇ ગયા કે તેઅો માનવા લાગ્યા કે ભારત જેવા શાંતિપ્રિય દેશને સેનાની જરુરિયાત નથી. એક વાર તો તેઓ સેનાને બરખાસ્ત કરી તેના સ્થાને પોલિસને મૂકવાનો વિચાર કરવા લાગ્યા હતા! તેમની અા વિચારધારાને ટેકો મળ્યો એક કાશ્મિરી પંડિત સેનાપતિ - મેજર જનરલ બી. કે.કૌલનો, જેઓ તે વખતે પંડિત નહેરૂના બિન-અધિકૃત અંગત સલાહકાર બની ચૂક્યા હતા.
વડાપ્રાધાનની વિચારસરણી કેટલી ‘આધુનિક’ અને ‘વ્યાવહારિક’ છે તે સિદ્ધ કરવા જનરલ કૌલે તેમની કમાન નીચેની ૪થી ઇન્ફન્ટ્રી ડિવિઝનને યુદ્ધના અભ્યાસ માટે કરવા જોઇતા આક્રમણ, સંરક્ષણ અને અન્ય વ્યુહાત્મક પ્રશિક્ષણ આપવાનું બંધ કર્યું. શાંતિ પ્રિય ભારતને સૈન્યની જરૂર નથી તેવી નહેરુની વિચારધારાને ટેકો આપવા આ માઉન્ટન ડિવિઝનના વીસ હજાર યોદ્ધાઓનો ‘અૉપરેશન અમર’ નામના પ્રશિક્ષણના જુઠા શિર્ષક હેઠળ જવાનોની બૅરેક્સ તથા અન્ય મકાનો બાંધવા માટે મજુર અને કડિયા તરીકે અંબાલામાં લગભગ બે વર્ષ સુધી ઉપયોગ કયર્યો. કડિયાકામ એક કળા છે અને વાસ્તુશાસ્ત્રમાં તેને મહત્વનું સ્થાન અપાયું છે. તેમાં નૈપુણ્ય પ્રાપ્ત કરવા આપણા દેશમાં તો ઠીક, પરદેશમાં પણ લોકો કુમારાવસ્થાથી વષર્ષો સુધી apprenticeship કરીને કૌશલ્ય પ્રાપ્ત કરી શકે છે. ગમે તે માણસ આ કામ કરી શકે નહિ. સૈનિકોની વાત કરીએ તો તેમનું પ્રશિક્ષણ તથા શારીરિક અને માનસિક ઘડતર સાવ જુદા પ્રકારનું હોય છે. દિવસ કે રાત, વરસાદ કે બરફનાં તોફાન અને કચ્છ અને રાજસ્થાનના બળબળતા રણ અને ત્યાંના અસહ્ય તડકાની પરવા કયર્યા વગર દેશ અને દેશવાસીઓનું રક્ષણ કરવા પ્રાણનું બલિદાન આપવા માટે તૈયાર રહેવું પડે છે. તેથી તેમના અફસરોની જવાબદારી રહે છે કે તેમની કમાન હેઠળના સૈનિકોનું મનોબળ તથા યુદ્ધ માટેની તૈયારી ઉચ્ચ સ્તરનાં રહે. સૈનિકો પોતાનો વ્યવસાય ગૌરવતાપૂર્વક કરી શકે છે. જ્યારે અંબાલાના ‘અૉપરેશન અમર’માં તેમનો બાંધકામ માટે મજુરની જેમ ઉપયોગ કરવામાં આવ્યો, ત્યારે સૈનિકોને પોતાની માનહાનિ થતી જણાઇ. તેમને પોતાનું યુદ્ધકૌશલ્યનું પ્રશિક્ષણ બે વર્ષ સુધી ભુલવું પડ્યું હતું. નવાઇની વાત તો એ હતી કે આ એ જ ડિવિઝન હતી જેણે વિશ્વભરમાં ‘રેડ ઇગલ્સ’ તરીકે બહાદુરી માટે ખ્યાતિ મેળવી હતી અને ફિલ્ડમાર્શલ રોમેલને બીજા વિશ્વયુદ્ધમાં પરાજય આપવામાં મુખ્ય ભાગ ભજવ્યો હતો! અલ-અલામેનની લડાઇમાં જર્મન સેનાનું મુખ્ય મથક જીતીને ‘રેડ ઇગલ્સ’-ભારતની આ ચોથી ઇન્ફન્ટ્રી ડિવિઝને ફીલ્ડ માર્શલ રોમેલના રહેઠાણ તરીકે વપરાતા કૅરેવાનને કબજે કર્યું હતું. અંબાલામાં મારી બદલી થઇ હતી ત્યારે આ કૅરેવાન જોવાનું મને સદ્ભાગ્ય પ્રાપ્ત થયું હતું.

મેજર જનરલ કૌલ હવે પં. નહેરુના પ્રિયપાત્ર બની ગયા. તેમની ‘વફાદારી’ અને જી-હજુરીના ઇનામ તરીકે તેમના કરતાં વધુ કાબેલ અને રણભુમિમાં શૌર્ય બતાવી ચૂકેલા અન્ય જનરલોને સુપરસીડ કરી નહેરૂએ જનરલ કૌલને લેફ્ટનન્ટ જનરલનું પ્રમોશન આપ્યું અને પૂર્વ ભારતની સેના (4 Corps)ના સેનાપતિ બનાવ્યા. કૌલનું હેડક્વાર્ટર શિલૉંગ હતું, પણ નહેરુજીની ‘સેવા કરવા’ લગભગ આખો સમય દિલ્લીમાં જ વ્યતિત કરતા રહ્યા.

ચીન એક તરફ ‘ભાઇ ભાઇ’ની ઘોષણા કરતું રહ્યું, પણ બીજી તરફ તેણે ભારત-ચીનની સીમા પર સેનાનો ખડકલો કરવાની શરુઆત કરી. જ્યારે તૈયારી પૂરી થઇ કે તરત જ તેણે તિબેટ-ચીનની સીમા રેખા - મૅકમેહન લાઇનને નામંજુર કરી. આ જાણે ઓછું હોય, હાલનું અરૂણાચલ ચીનનો ભાગ છે એવો દાવો કયર્યો. આમ ચીનની વધતી જતી આક્રમકતાને ધ્યાનમાં રાખી, આમર્મી હેડક્વાર્ટર્સએ ભારતના પૂર્વ ક્ષેત્રમાં આ બહાદુર અને ખુંખાર યોદ્ધાઓની આ ડિવીઝનને તેની પુરાણી ખ્યાતિને ધ્યાનમાં લઇ તેને પર્વતીય ક્ષેત્રમાં મોકલવાનું નક્કી કર્યું.

કોઇ પણ યુદ્ધક્ષેત્રમાં સેનાને મોકલવામાં આવે તે પહેલાં તેના સૈનિકોને સંબંધિત ક્ષેત્રનું ભુમિતળ, આબોહવા તથા ત્યાં કોઇ અભિયાન કરવું પડે તો તે કુશળતાપૂર્વક કરી શકાય તે માટે તેમને acclimatization કરવા માટે એવા જ સ્થળે મોકલવામાં આવે છે. ત્યાં ગયા બાદ નક્કી કરાયેલા ક્ષેત્રમાં કરવી પડે તેવી યુદ્ધની ગતિવિધીઅોનો સઘન અભ્યાસ કરવા માટેનું પ્રશિક્ષણ આપવા ઉપરાંત તેમને અાધુનિક શસ્ત્રો તથા આબોહવા અને અન્ય પ્રાકૃતિક પરિસ્થિતિને અનુકૂળ પોશાક તથા ઉપકરણો પ્રાપ્ત કરાવી આપવાની જવાબદારી સેનાપતિની હોય છે. જનરલ કૈાલે પોતાની સેનાને હિમાલયની ગિરીકંદરાઓમાં રહેવાનો અભ્યાસ, ત્યાં સંદેશ-સંચાર અને યુદ્ધની સ્થિતિનો અભ્યાસ કરાવવો જોઇએ તેને બદલે આખી ડિવીઝન પાસેથી ફરી એકવાર શિલોંગમાં પણ બાંધકામ કરાવી લીધું! આ સમય એવો હતો જ્યારે ચીન ‘હિંદી-ચીની ભાઇ ભાઇ’ની ઘોષણા પૂર જોશમાં પોકારતું હતું, પણ છાની રીતે ભારતની સીમા પર ‘લાલ સેના’ - રેડ આમર્મીનો ખડકલો કરી રહ્યું હતું. ભારતના કમનસીબે આપણા સવર્વોપરી નેતા પોતાના ‘હિંદી ચીની ભાઇ-ભાઇ’ના સ્વપ્નમાં રાચતા રહ્યા. ચીનના મૈત્રીના દાવા પાછળ રહેલી પોકળતા જોઇ શક્યા નહિ.

૧૯૬૨ની લડાઇમાં સમગ્ર ભારતને ચીને એવી લપડાક લગાવી કે સૌ પ્રથમ તો પં. નહેરુ પોતે ભાંગી પડ્યા. આખો દેશ સ્તબ્ધ થઇ ગયો. તિબેટ પર કબજો કયર્યા બાદ ભારત સામે યુદ્ધ કરી ચીને પોતાના સામ્યવાદી સામ્રાજ્યવાદનો અસલ ચહેરો પ્રદર્શિત કયર્યો. ભારત-ચીનની લડાઇ વિશે અનેક પુસ્તકો લખાયા છે. જનરલ કૌલે પોતાની કેફિયત “અનટોલ્ડ સ્ટોરી” દ્વારા રજુ કરી. પરંતુ યુદ્ધ કેવી રીતે શરૂ કરાયું અને કેવી રીતે જનરલ કૌલે બ્રિગેડિયર દળવીને તથા તેમની સાથે આખી 4 Mountain Divisionને યુદ્ધમાં ઝીંકી પોતે “માંદા” થઇને દિલ્લી જતા રહ્યા તે અંગે મોરચા પર જંગ કરતાં યુદ્ધબંદી થયેલા બ્રિગેડિયર જૉન દળવીએ લખેલ “ધ હિમાલયન બ્લંડર” સૌની આંખ ઉઘાડે તેવું છે. સમગ્ર ભારત માટે ચીન પાસેથી મળેલ નામોશીભરી હાર શરમની પરાકાષ્ઠા હતી. આ પરાજય માટે ભારતીય સેનાને જવાબદાર ન ગણી શકાય. પંજાબની ૪૦ ડીગ્રી સેલ્સિયસની ગરમી માટે અપાતા સુતરાઉ યુનિફૉર્મ અને બૂટ પહેરી જવાનોને શૂન્યની નીચે એટલે માઇનસ ૩૦ ડીગ્રીની અસીમ ટાઢમાં રણબંકા સૈનિકોને જનરલ કૌલે બીજા વિશ્વયુદ્ધની બોલ્ટ અૅક્શન રાઇફલ લઇ લડવા મોકલ્યા હતા. આની સામે ચીનના સૈનિકો પાસે આધુનિક ગરમ અને રૂનાં પડવાળા કોટ, બરફમાં ચાલી શકાય તેવા ખાસ બૂટ તથા સેમી અૉટોમેટીક રાયફલો હતી. અહીં મને ફીલ્ડ માર્શલ સૅમ માણેકશૉની યાદ આવે છે. ૧૯૭૧ના માર્ચ મહિનામાં શ્રીમતી ઇંદીરા ગાંધીએ દેશના સેનાપતિ માણેકશાને પૂર્વ પાકિસ્તાન (હાલનું બાંગ્લાદેશ) પર હુમલો કરવાનો આદેશ આપ્યો હતો. જનરલ માણેકશૉએ “મારી સેના પુરતી સામગ્રી વગર અને અત્યારની રણભુમિની ભૌતિક હાલત જોતાં યુદ્ધ માટે તૈયાર નથી,” એવું સ્પષ્ટ જણાવ્યું હતું. યોગ્ય સમય અને સામગ્રી મળતાં તેમણે ફક્ત બે અઠવાડિયામાં પૂર્વ પાકિસ્તાન અને તેના ૯૦,૦૦૦ સૈનિકોની શરણાગતિ વડાપ્રધાનને ભેટ ધયર્યા હતા. અહીં તો જનરલ કૌલે રાજપુરૂષોને ખુશ કરવા માટે રણબંકા ભારતીય સૈનિકોનું બલિદાન આપ્યું હતું. અનેક સૈનિકો અપૂરતા ગરમ કપડાંને કારણે ફ્રૉસ્ટ-બાઇટનો ભોગ બન્યા અને તેમને હાથ અથવા પગ ગુમાવવા પડ્યા હતા. ભારત-ચીન યુદ્ધનું સકારાત્મક પરિણામ એ આવ્યું કે તેણે દેશને ઘેરી ઊંઘમાંથી જગાડ્યો. નમાલા રાજપુરુષો તથા ખુશામતખોર જનરલો ખુલ્લા પડ્યા અને જનતા પોતાની ક્રિયાહીન અને આત્મસંતુષ્ટ વૃત્તિમાંથી જાગૃત થઇ.

દેશની સુરક્ષા સંબંધી જરુરિયાતો પૂરી પાડવા ‘રક્ષા કોષ’માં દાન આપવાની સરકારની અપીલના જવાબમાં ગુજરાતે વડાપ્રધાનના કોષને છલકાવી દીધો. બહેનોએ પોતાનાં ઘરેણાં ઉતારી આપ્યા. ગરીબમાં ગરીબ વ્યકતિએ પણ પોતાનો એક દિવસની આવક સરકારને ચરણે ધરી.
અમારા મિત્ર મંડળ માટે આ જુદા પ્રકારનો પડકાર હતો. ચીન સામે થયેલું યુદ્ધ કેવળ મેકમેહન રેખાની માન્યતા પૂરતું મર્યાદિત નહોતું. અમારા મતે આ બે વિચારસરણીઓ વચ્ચેનું દ્વંદ્વ હતું. ચીન પૂરવાર કરવા માગતું હતું કે એશિયામાં લોકશાહી ઉચિત પયર્યાય નથી. વિશાળ વસ્તી ધરાવતા ગરીબ દેશો માટે કેવળ સામ્યવાદ જ સફળ અને શક્તિશળી રાજકીય ઉકેલ છે, તે ચીન જગત સામે સિદ્ધ કરવા માગતુ હતું. આપણા દેશની લોકશાહી પ્રણાલીમાં કૃતિશીલતા દશર્શાવવાને બદલે કેવળ વાતો વગોળતા રાજપુરુષો ભારત જેવા વિશાળ દેશ માટે યોગ્ય નેતૃત્વ આપી શકે તેમ નથી, તે સિદ્ધ કરવા ચીને ભારતને સજ્જડ હાર આપી, અને એક તરફી યુદ્ધવિરામ જાહેર કયર્યો. આપણા દેશને આમ બેવડી લપડાક પડી હતી.

અમારૂં મિત્રમંડળ એવા નિર્ણય પર આવ્યું કે લોકશાહી પ્રણાલીને જીવંત રાખવી હોય તો શબ્દોને બદલે પ્રત્યક્ષ કર્મ કરી બતાવવું જોઇએ. આવા સમયે યુવાનોએ તો દેશની હાકલને માન આપી સૈન્યમાં જોડાઇને ચીન જેવા દેશનો સામી છાતીએ સામનો કરવાની જરુરિયાત છે. અમે પાંચ મિત્રો - ખાડિયાના વિરેન્દ્ર લાખિયા, જનક રાવળ, રાયખડના સિડની ફ્રાન્સીસ, માર્ટિન ચિટનીસ અને હું એકદમ તૈયાર થઇ ગયા. મેં કૅમ્પમાં જઇ મિલીટરીમાં ભરતી થવા માટેના ફૉર્મ લાવવાની જવાબદારી સ્વીકારી. મઝાની વાત તો એ હતી કે મને કે મારા મિત્રોને મિલીટરી વિશે કશી જ માહિતી નહોતી! અમારામાંથી કોઇએ ન તો એનસીસીની ટ્્ેનિંગ લીધી હતી કે નહોતી અમને મિલીટરીના હોદ્દા વિશે કશી જાણકારી. અમને ફક્ત એક જ માહિતી જરૂરી લાગી: દેશને સૈનિકોની જરૂર છે અને તેના માટે અમારે સેનામાં ભરતી થઇ રણમોરચે સેવા બજાવવા જવું.
(વધુ આવતી કાલે!)

3 comments:

 1. આજે સમય મળ્યો . રસપુર્વક વાંચી ગયો.
  એક સુચન ..
  યોગ્ય જગ્યાએ વીભાગ કરી, લખાણ 700-800 શબ્દો જેટલું ટુંકું રાખશો તો નેટ પર વાંચનારને વધુ અનુકુળ રહેશે.

  ReplyDelete
 2. I read this post today...very detailed post & nice but I agree wth the opinion of Sureshbhai that it will be better to make the posts shorter as many of the readers may be not interested for reading long posts......only a suggesstion ....keep dong what is nice to you.Dr. Chandravadan Mistry
  www.chandrapukar.wordpress.com

  ReplyDelete
 3. તો પણ આજે નહેરૂ નાલાયલ રાજપુરૂષ હતા તેવું સત્ય ઉચ્ચારણ સંભળાતુ નથી અને કોટમાં ગુલાબનું ફુલ ખોચેલા નેહરૂને બાળકોના પ્રિય ચાચા અને ઉત્તમ રાજનેતા દર્શાવાઈ રહ્યા છે તે આ દેશનું દુર્ભાગ્ય છે.

  ReplyDelete