Follow by Email

Tuesday, January 27, 2009

માનવતાનું મૂલ્ય

જીપ્સીની ડાયરીમાંથી......
માનવતાનું મૂલ્ય

૧૯૬૫માં તાશ્કંદની સંધિ બાદ અમારી આર્મર્ડ ડિવિઝન પાકિસ્તાનમાંથી પાછી આવી કાશ્મિરના સાંબા જીલ્લામાં પડાવ નાખીને અમારા શાંતિના સ્થળે જવાની તૈયારી કરી રહી હતી. તે દરમિયાન અમે કોઇ વાર સિનેમા જોવા જમ્મુ જતા. મારી બટાલિયનના કૅપ્ટન રામ પ્રસાદ શર્મા અમદાવાદમાં લાંબો સમય રહ્યા હતા તેથી ગુજરાતી સારૂં બોલતા. નવરાશના સમયમાં તેઓ મને મળવા આવતા અને પેટ ભરીને વતનની વાતો કરતા.
કૅપ્ટન શર્માનું એક યુનિટ વિજયપુરની નજીક હતું, અને ત્યાંથી જમ્મુ બહુ દૂર નહોતું. એક વાર તેમણે જમ્મુ જવાની પરવાનગી લીધી અને વળતાં તેમના યુનિટની મુલાકાત લેવાનું નક્કી કર્યું. હું પણ તેમની સાથે ગયો. જમ્મુમાં થોડી ઘણી ખરીદી કરી પાછા વળતાં યુનિટમાં ગાડી લેવાને બદલે તેમણે સડકના કિનારે જીપ પાર્ક કરી તેઓ ચાલતા જ તેમની પ્લૅટૂનમાં ગયા. હું જીપની બૉનેટ પર બેસી શિયાળાની સાંજના સૂર્યના કોમળ તડકાનો આસ્વાદ લેતો હતો. દસે’ક મિનીટ બાદ મેં વિજયપુરની શાળાના વિદ્યાર્થીઓને સાયકલ પર આવતાં જોયાં. મોટે મોટેથી વાતો કરતા બાળકોના ઉલ્લાસપૂર્ણ અવાજ સાંભળી હું તેમની તરફ જોતો રહ્યો. તેવામાં તેમની વિરુદ્ધ દિશામાંથી આવતા ૧૪મી ઇન્ફન્ટ્રી ડિવિઝનના ટ્રકને જોઇ બાળકોએ સાયકલો સડકને કિનારે ઉતારી. કિનારા પર કપચી પડી હતી, તેમાં એક બાળકની સાયકલ લપસી અને તે ટ્રકના મડગાર્ડ સાથે અથડાયો. અકસ્માતના આઘાતથી તે બેશુદ્ધ થયો અને તેના ગાલ પરથી લોહી વહેવા લાગ્યું. ટ્રક ડ્રાઇવર ગભરાઇ ગયો અને ત્યાંથી રફુચક્કર થઇ ગયો. મેં તેનો નંબર નોંધી લીધો. પાંચે’ક મિનીટ બાદ એ જ ડિવિઝનનો મિલીટરી પોલિસમૅન તેની મોટર સાયકલ પર આવી પહોંચ્યો. તેણે મારી પાસેથી સઘળી બિના જાણી, મારી પાસેથી પેલા ટ્રકનો નંબર લઇ પુરપાટ તેની પાછળ ગયો.
હું બાળકની હાલત જોઇ ચિંતામાં પડી ગયો. અમારા યુનિટનું અૅડવાન્સ ડ્રેસીંગ સ્ટેશન (નાના મોટા જખમની સારવાર કરવાનું કેદ્ર) ત્યાંથી ત્રીસ કિલોમીટર દૂર હતું, જ્યારે વિજયપુર કેવળ ત્રણ કિલોમીટર પર. ત્યાં થોભેલા એક બાળકને મેં પુછ્યું, “વિજયપુરમાં સરકારી દવાખાનું છે?”
“જી સાબ. ત્યાં સરકારી ડિસ્પેન્સરી છે. ચાલો હું તમને ત્યાં લઇ જઉં.”
આ વાત થતી હતી ત્યાં કૅપ્ટન શર્મા આવી પહોંચ્યા. તેમણે સમગ્ર હાલત જોઇને કહ્યું, “નરેન, આ આપણો પ્રૉબ્લેમ નથી. જીપમાં બેસ અને આપણે યુનિટમાં પાછા જઇએ. અહીં એક મિનીટ પણ રોકાવા જેવું નથી.”
“આ બાળકની હાલત જોઇ આપણે કેવી રીતે જઇ શકીએ? પહેલાં આપણે તેને ડિસ્પેન્સરીમાં પહોંચાડીએ પછી યુનિટમાં જઇએ તો કેવું?”
“સાંભળ, આ લફરામાં આપણે પડવું નથી. અહીંના લોકોને તું જાણતો નથી. આવા લુચ્ચા અને manipulative લોકો તને દુનિયાના કોઇ દેશમાં નહિ મળે,” કહી તેઓ જીપમાં બેઠા. અાખરે મારી વિનંતીને માન આપી તેમણે બાળકને વિજયપુર લઇ જવાનું નક્કી કર્યું. અમે બાળકને જીપના પાછળના ભાગમાં સૂવડાવ્યો, અને વિજયપુર તરફ જવા જીપ વાળવાનો પ્રયત્ન કરીએ તે પહેલાં બાળકના ગામના લોકોનું ટોળું દોડતું આવ્યું અને અમારી જીપને વિંટળાઇ વળ્યું. છોકરાનો બાપ બુમો પાડીને કહેવા લાગ્યો, “અરેરે! મારા દીકરાને મારી નાખ્યો! હવે તેની લાશનો નિકાલ કરવા આ મિલીટરીવાળા તેને ઉપાડી અહીંથી ભાગે છે. અરે ગામ લોકો, પકડો આમને! જ્યાં સુધી આ લોકો મને ‘મુઆવજો’ આપવાનું લેખિતમાં ન કબુલે ત્યાં સુધી તેમને જવા દેશો મા!” કહી તેણે પોક મૂકી અને અમારી જીપની સામે સુઇ ગયો!
મેં લોકોને પૂરી વાત કહી અને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે અકસ્માત અમારી સાથે નહોતો થયો. અમે માણસાઇના સંબંધે બાળકને સરકારી ચિકિત્સાલયમાં લઇ જતા હતા. પણ કોઇ મારી વાત સાંભળવા તૈયાર જ નહોતું! અંતે એક ભલા માણસે મારી વાત સાંભળી. તેણે કહ્યું, “પહેલાં બાળકનો જીવ બચાવવાનો પ્રયત્ન કરીએ, ત્યાર પછી મુઅાવજાની વાત.” ‘મુઆવજો’ એટલે તેને થયેલા “નુકસાન”ની ભરપાઇ! આ માણસને પોતાના પુત્રનો પ્રાણ બચાવવા કરતાં મિલીટરી પાસેથી મોટી રકમ પડાવવી હતી! શર્માએ મારી તરફ અર્થપૂર્ણ રીતે જોયું. મારી પાસે બોલવા જેવું કશું રહ્યું નહોતું.
અંતે અમે બાળકને વિજયપુર લઇ જવામાં સફળ થયા. બાળકને શારીરિક નુકસાન ઓછું અને માનસિક આઘાત વધુ લાગ્યો હતો. વિજયપુરની ડિસ્પેન્સરીમાં તેને ઉતાર્યો તે પહેલાં જ તે ભાનમાં આવી ગયો! ડિસ્પેન્સરીમાં કમ્પાઉન્ડર હતો તેણે બાળકના જખમ પર ડ્રેસીંગ કર્યું. બાળક હવે પૂરેપૂરો હોશમાં આવી ગયો હતો તેથી અમે અમારા યુનિટમાં પાછા ગયા, પણ વાત ત્યાં પૂરી ન થઇ. બીજા દિવસે બાળકનો બાપ તથા તેનાં સગાં અમારા જનરલ પાસે પહોંચી ગયા. આ ચાલાક લોકોએ અમારી ગાડીનો ટૅક્ટીકલ તથા બ્રૉડ અૅરો (રજીસ્ટ્રેશન) નંબર નોંધી લીધો હતો! તેણે અમારી વિરુદ્ધ ફરિયાદ કરી કે તેના બાળકને ટક્કર માર્યા બાદ આર્મર્ડ ડિવિઝનના અફસર તેને મરેલો સમજી નાસી જવાનો પ્રયત્ન કરી રહ્યા હતા! યુદ્ધમાં ‘ફખ્ર-એ-હિંદ’નો ઇલ્કાબ જીતનાર બ્લૅક એલીફન્ટ ડિવિઝને ૧૯૬૫ની લડાઇમાં ઉંચું નામ કમાવ્યા બાદ દેશનો જ નાગરિક તેની સામે આવી ગંભીર ફરિયાદ કરે તે અમારા જનરલને મંજુર નહોતું. તેમણે પોતાના ADCને જાતે આની પૂરી તપાસ કરવાનો આદેશ આપ્યો. જ્યારે સત્ય સામે આવ્યું ત્યારે અમે હાશ અનુભવી! અહીં મને અમારા રેજીમેન્ટલ મેડીકલ અૉફિસર ડૉ. પ્રમોદ મોહાન્તીની વાત યાદ આવે છે: “સર, સચ્ચાઇનો દીપક હંમેશા પ્રજ્વલીત રહે છે.”
આ બનાવ થયા બાદ લાંબા સમય સુધી મારા મનમાં તાત્વિક પ્રશ્ન પર તુમુલ્લ યુદ્ધ થયું. આવા પ્રસંગ જીવનમાં દરેક વ્યક્તિની સમક્ષ ક્યારેક તો આવતા જ હોય છે. લોકો ‘આ મારો પ્રૉબ્લેમ નથી, મારે તેમાં ઇન્વૉલ્વ નથી થવું, ક્યાંક હું પોતે મુસીબતમાં આવી પડું તો મને કોણ બચાવશે’ જેવી દ્વિધામાં આવી જઇ કશું ન કરે તો તેમને દોષ આપી શકાય? મારી પોતાની જ વાત કરૂં તો જ્યારે પેલા ઘાયલ અને બેહોશ અવસ્થામાં પડેલા બાળકને અમે જીપમાં મૂકતા હતા ત્યારે મારા પોતાના મનમાં તો બાળકને બચાવવા સિવાય બીજો કશો જ વિચાર નહોતો આવ્યો. હું કોઇ અફલાતુન પરોપકારનું કામ કરી રહ્યો છું કે મારો ‘આવતો ભવ’ સૂધારવાનો પ્રયત્ન કરૂં છું એવો ખ્યાલ પણ મગજમાં નહોતો આવ્યો. ફક્ત એક જ ઝંખના હતી કે બાળકને તાત્કાલિક ઉપચાર મળે અને તેનો જીવ બચી જાય. અાવી સંકટની સ્થિતિમાં તેના પિતાને ‘મુઆવજા’ની પડી હતી, અને જે રીતે અમારી જીપની સામે ચત્તો સુઇ ગયો હતો તે જોઇ હું ખરે જ હેબતાઇ ગયો હતો.
હળવી પળોમાં મને પંજાબની કહેવત યાદ આવે છે: “ભલાઇ કર, કુંએં વિચ્ચ ડાલ” - ભલમનસાઇ કરી તેને કુવામાં ફેંકો. અમારા માટે “ભલાઇ કર અૌર કુંએંમેં કૂદ,” જેવું થયું હતું!
લાંબા સમય સુધી આ પ્રસંગનો વિચાર કરતો રહ્યો અને ઘણી વાર એવા નિર્ણય પર આવ્યો કે ભવિષ્યમાં આવો બનાવ બને તો આગળ જવું નહિ. પરંતુ આત્મામાં રહેતા રામનો અવાજ આવ્યો કે આવા પ્રસંગે દૂર રહેવાની ભાવના જ માનવતાનાં મૂલ્યોનો અંત લાવશે.Counters

Free Counter