Monday, October 31, 2011

જિપ્સીનો વિસામો: 'આજ જાનેકી ઝીદ ના કરો'!

તારીખ ૩૦ જુન ૨૦૧૦. સ્થળ કામાણી અૉડીટોરીયમ, દિલ્હી. હૉલના દરવાજા પર ‘હાઉસ ફૂલ’નું પાટિયું હતું તેમ છતાં સેંકડો સંગીતપ્રેમીઓ કાર્યક્રમના સંયોજકોને વિનંતિ કરી રહ્યા હતા. “અમને અંદર આવવા દો. એક ખુણામાં ઉભા રહીને, શાંતિથી કાર્યક્રમ સાંભળીશું.” જવાબ હતો, “માફ કરશો, અંદર તો ઉભા રહેવાની પણ જગ્યા નથી. અરે, ચાલવાની કૉરીડોરમાં પણ લોકો બેઠા છે!”

કાર્યક્રમ હતો ફરીદા ખાનુમનો.

આપણા દેશની પ્રજાએ કલાની કદર કરવામાં કદી પણ ભેદ ન રાખ્યો કે કલાકાર ક્યા દેશનો વતની છે. આપણે તો મુક્ત હૃદયે તેમના પર બધું ન્યોચ્છાવર કર્યુ: માન, ધન, મહેમાન-નવાઝી, કશામાં કમી ન રાખી. ફરીદા ખાનુમ પર ભારતે વિશેષ સ્નેહ દર્શાવ્યો. અને કેમ નહિ? તેમનો જન્મ ભારતમાં-કોલકાતામાં થયો હતો ને! અખબારી મુલાકાતમાં તેમણે પોતે કહ્યું હતું કે તેઓ પિયરની મુલાકાતે આવ્યા હતા! અને તેમનો આનંદ વ્યક્ત થતો હતો તેમણે ભારતમાં પેશ કરેલા દરેક કાર્યક્રમમાં.

ફરીદા ખાનુમના અવાજનું માધુર્ય સૌથી પહેલાં ઓળખ્યું હોય તો તેમનાં મોટા બહેન મુખ્તાર બેગમે. મુખ્તાર બેગમ પોતે જ લોકપ્રિય ગાયિકા હતા અને ‘બુલબુલે-પંજાબ’નું બિરૂદ પ્રાપ્ત કર્યું હતું. તેમણે નાની બહેનને પાસે બેસાડી સંગીતની તાલિમ આપી. તેમનો potential જોઇ તેમના અમૃતસરના વાસ્તવ્ય દરમિયાન પટિયાલા ઘરાણાંના ઉસ્તાદ આશિક અલી ખાં, ખાંસાહેબ બડે ગુલામ અલીખાં સાહેબ તથા તેમના નાના ભાઇ બરકત અલીખાં પાસે સંગીતની તાલિમ મેળવી. દેશના ભાગલા થયા અને પરિવાર સાથે તેઓ પાકિસ્તાન ગયા, પણ તેઓ કદી કોલકાતા, બનારસ અને અમૃતસરને કદી ભૂલ્યા નહિ. ન ભૂલ્યા ભારતીય સાડીને! જાહેરમાં કોઇ પણ કાર્યક્રમ હોય, તેમણે હંમેશા સાડી પરિધાન કરી અને સંગીતને વધારાનો ઓપ ચઢાવ્યો.

જિપ્સીની પંજાબમાં બદલી થઇ ત્યારે પાકિસ્તાન ટેલીવિઝનના પ્રસારીત થતા ખાસ કાર્યક્રમોમાં મેહદી હસન સાહેબના કાર્યક્રમ બાદ થયેલા એક કાર્યક્રમમાં ફરીદા ખાનુમનો કાર્યક્રમ આવ્યો ત્યારે પહેલી વાર તેમને સાંભળ્યા. જ્યારે તેમણે ‘આજ જાનેકી ઝીદ ના કરો‘ ગાયું, તેમના ચાહકોના લિસ્ટમાં એક વધારે નામ નોંધાઇ ગયું! ત્યાર પછી તેમણે ‘વહ ઇશ્ક જો હમસે રૂઠ ગયા’ ગાયું અને બસ, અૉફિસર્સ મેસમાં બેઠેલા પલ્ટનના અફસરો મંત્રમુગ્ધ થઇ સાંભળતા જ ગયા.

ફરીદા ખાનુમનું ‘આજ જાનેકી ઝીદ ના કરો’ તેમના ગળાના હારની જેમ કાયમ માટે આરોપાઇ ગયું. દુનિયાના કોઇ પણ દેશમાં તેમનો કાર્યક્રમ થાય, આ ગઝલ વગર કાર્યક્રમ અધુરો જ ગણાતો. મજાની વાત એ હતી કે આ ખાનદાની મહિલાને જ્યારે પણ દાદ મળતી, એટલા આભારવિવશ થઇ, ગૌરવથી આદાબ કરવા હાથ ઉંચો કરતાં તે જોવું પણ એક લહાવો બની ગયું.

અહીં એક મજાની વાત કહીશ. ફરીદા ખાનુમનો મુંબઇમાં કાર્યક્રમ થયો ત્યારે તેમનો પરિચય આપવાનું કામ કોઇને નહિ અને શત્રુઘ્ન સિન્હાને સોંપાયું. આપને સૌને યાદ હશે કે યુવાનીના જોશમાં શત્રુઘ્ન પોતાને 'શૉટગન સિન્હા' તરીકે ઓળખાવવા લાગ્યા હતા. એક ફિલ્મ વિવેચકને આ ઉપનામનું મહત્વ પૂછ્યું ત્યારે તેમણે કહ્યું, "સરળ શબ્દોમાં કહીએ તો big bore and loud noise, તેથી!" શૉટગનની નળીનો પરીઘ એક ઇંચનો (બંદૂકમાં સૌથી મોટો બોર) હોય છે, અને તેમાંથી ગોળી છોડવામાં આવે ત્યારે તેનો ધડાકો કાનના પડદા ફાડી નાખે તેવો. શૉટગન સિન્હાએ ફરીદા ખાનુમનો પરિચય આપવાને બદલે પોતાની મહત્તા બતાવવાનું શરૂ કર્યું. અધવચ્ચે ગૅલેરીમાંથી તાળીઓ શરૂ થઇ - 'બંધ કરો તમારો બકવાદ. અમે ફરીદા ખાનુમને સાંભળવા આવ્યા છીએ.' મહાશય મોઢું બંધ કરવાને બદલે ઉશ્કેરાઇ ગયા, ત્યારે આખો હૉલ તાળીઓથી છવાઇ ગયો અને લોકોએ બૂમાબૂમ શરૂ કરી. અંતે કાર્યક્રમના આયોજકોને સ્ટેજ પર જઇ તેમને વિંગમાં લઇ જવા પડ્યા!

જ્યારે ફરીદા ખાનુમે સ્ટેજ પર આવીને સૂર પકડ્યો, હૉલ ફરી એક વાર તાળીઓના ગડગડાટથી ગર્જી ઉઠ્યો. આપ જાણી ગયા હશો કે કઇ ગઝલનો આ સૂર હશે!'આજ જાનેકી ઝીદ ના કરો!'

ત્યાર પછી તેમણે ગાયેલી ગઝલ 'વહ ઇશ્ક જો હમસે રૂઠ ગયા'ને લોકોએ એટલા જ ઉત્સાહથી વધાવી લીધી.

રાબેતા મુજબ આજે તેમના જીવનચરિત્રની તારીખો કહેવાને બદલે તેમને સાંભળવાનો લહાવો લઇશું. અહીં ઉતારેલી ગઝલ - મેરે હમનફસ, મેરે હમનવા - આપે ગયા અંકમાં બેગમ અખ્તરને આપેલી અંજલિમાં સાંભળી હશે. શકીલ બદાયુંની આ ગઝલ અહીં ઉતારવા પાછળનો આશય સરખામણી કરવાનો નથી; કેવળ ફરીદા ખાનુમે કરેલા તેના interpretationનો આનંદ માણવા માટે છે. વળી તેમણે પોતે જ કહ્યું હતું કે બેગમ સાહિબાએ ગાયેલી આ ગઝલ તેમની પ્રિય ચીજોમાંની એક છે.

ફરીદા ખાનુમ તેમની ઉમરના ૭મા દશકમાં અને લોકપ્રિયતાના સાતમા આસમાનમાં બિરાજી રહ્યા છે. પાકિસ્તાનની સરકારે તેમને રાષ્ટ્રીય સન્માનના બીજા નંબરનો ઇલ્કાબ આપ્યો. ભારત તથા પાકિસ્તાનના સંગીતપ્રેમીઓએ તેમને પોતાનાં હૃદયોમાં પ્રથમ સ્થાન આપ્યું છે.

ભારતની વિદાય લેતાં પહેલાં ફરીદા ખાનુમે એક ઇચ્છા વ્યક્ત કરી હતી: લતા મંગેશકર સાથે ગીત ગાવાની. તે પૂરી થશે કે નહિ એ તો પરમાત્મા જાણે, પણ તેમની મુલાકાત જરૂર થઇ!

(છબી: સૌજન્ય ટાઇમ્સ અૉફ ઇન્ડીયા)

7 comments:

  1. ખૂબ સુંદર વાતો
    થોડી વધુ વાતો માણીએ
    ભારત અને પાકિસ્તાનને એક કરી શકે તેવી કોઈ બાબત હોય તો તે કવિતા અને સંગીત છે. ગઝલ જેટલી ભારતમાં હૃદયસ્પર્શી બને છે એટલી જ પાકિસ્તાનમાં હૃદયદ્રાવક બને છે. પાકિસ્તાનની ગઝલ ગાયિકા ફરીદા ખાનુમ કહે છે કે આ બંને દેશો વચ્ચેના ભેદ નિરર્થક છે. હૃદયથી તો તે એક જ છે અને તેનું ઉદાહરણ સ્વયં ફરીદા ખાનુમ છે. પાકિસ્તાનની આ શ્રેષ્ઠ ગઝલ ગાયિકાએ અમૃતસર અને કોલકાતામાં પોતાના શિક્ષણનો પ્રારંભ કર્યો. પતિયાળા ઘરાનાના ઉસ્તાદ આશિકઅલી ખાન, ઉસ્તાદ બડે ગુલામ અલીખાન અને એમના નાના ભાઈ ઉસ્તાદ બરકત અલીખાન પાસે ફરીદાએ તાલીમ મેળવી. બેગમ અખ્તરનો ફરીદા પર મોટો પ્રભાવ. ફરીદા ફૈઝ અહમદ ફૈઝ, આગા હશર કાશ્મીરી અને સૂફી તબ્બસુમની ગઝલો હોંશે હોંશે ગાય છે, પરંતુ એમાં પણ સિત્તેર વર્ષની ફરીદા આજે જયારે ફૈઝસાહેબની ગઝલો ગાય છે ત્યારે એનો અંદાજ જુદો હોય છે. ભારતમાં એ સતત સંગીતની મહોબ્બતનો અનુભવ કરે છે અને છેલ્લાં પચીસ વર્ષથી રવિશંકર, હરિપ્રસાદજી અને અમજદઅલી ખાનના સંગીતને માણે છે. એમની શકિતને ફરીદા દૈવી શકિત કહે છે અને સૌથી વઘુ તાજુબ તો એ લતા મંગેશકરની બાબતમાં થાય છે. પાકિસ્તાનના ઉગતા ગાયકોને ફરીદા સતત એ વાત કરે છે કે એમણે લતા મંગેશકર જેવી સંગીતની તાલીમ લેવી જોઈએ.
    ફરીદા ખાનુમે જણાવ્યું હતું કે હું અંતરાત્માથી પ્રભુને પ્રાથના કરૂ છું કે રહેમાન ઓસ્કાર જીતે. આ માત્ર ઐતિહાસિક ક્ષણ જ નહિ બની રહે પરંતુ સંગીત જગતમાં પણ તે ગૌરવપૂર્ણ બાબત બનશે. રહેમાનને ઓસ્કારમાં બેસ્ટ ઓરીજીનલ સોંગ 'જય હો' અને 'ઓ સાયા' માટે તેમજ બેસ્ટ ઓરીજીનલ સ્કોર માટે નોમિનેશન પ્રાપ્ત થયું છે.આજ જાનેકી જીદ ન કરોના શબ્દો સાથે માણશો તો આનંદાનુભૂતિ થશે आज जाने की जिद ना करो (३)
    यूँही पहलू में बैठे रहो (२)
    आज जाने की जिद ना करो
    हाय मर जायेंगे, हम तो लुट जायेंगे
    ऐसी बातें किया ना करो
    आज जाने की जिद ना करो (२)
    हाय मर जायेंगे, हम तो लुट जायेंगे
    ऐसी बातें किया ना करो
    आज जाने की जिद ना करो

    तुम ही सोचो ज़रा, कयूँ ना रोके तुम्हे
    जान जाती है जब उठ के जाते हो तुम (२)
    तुमको अपनी क़सम जान-ए-जान
    बात इतनी मेरी मान लो
    आज जाने की जिद ना करो
    यूँही पहलू में बैठे रहो (२)
    आज जाने की जिद ना करो
    हाय मर जायेंगे, हम तो लुट जायेंगे
    ऐसी बातें किया ना करो
    आज जाने की जिद ना करो

    वक़्त कि क़ैद में जिन्दगी है मगर (२)
    चन्द घड़ियाँ येही हैं जो आज़ाद हैं (२)
    इनको खोकर मेरी जान-ए-जान
    उम्र भर ना तरसते रहो
    आज जाने कि जिद ना करो
    हाय मर जायेंगे, हम तो लुट जायेंगे
    ऐसी बातें किया ना करो
    आज जाने की जिद ना करो

    कितना मासूम रंगीन है यह समां
    हुस्न और इश्क कि आज मैंराज है (२)
    कल कि किसको खबर जान-ए-जान
    रोक लो आज की रात को
    आज जाने की जिद ना करो
    यूँही पहलू में बैठे रहो (२)
    आज जाने की जिद ना करो
    हाय मर जायेंगे, हम तो लुट जायेंगे
    ऐसी बातें किया ना करो
    आज जाने की जिद ना करो
    પ્રજ્ઞાજુ

    ReplyDelete
  2. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  3. @ પ્રજ્ઞાજુ:
    વાહ! ક્યા બાત હૈ! અાપના પ્રતિભાવે મૂળ બ્લૉગની અચકન પર સોનાનો મેડલ બક્ષ્યો છે! ફરીદા ખાનુમ વિશે ખૂટતી કડીઓ તથા 'આજ જાનેકી ઝીદ ના કરો'ની ગઝલના પૂરા શબ્દો આપી વાચકોની અણકથી આશા પૂરી કરી છે તે માટે હાર્દીક આભાર!

    આજે આપને મેઇલ મોકલવા માટે gmail ખોલી, એ પૂછવા માટે કે આપના વિસ્તારમાં બરફના અભૂતપૂર્વ તોફાનને કારણે આપ સહુ ક્ષેમકુશળ છો, અને આપનો પ્રતિભાવ જોઇને ખાતરી થઇ કે આસપાસ ગમે તેવી પ્રતિકૂળ પરિસ્થિતિ હોય, આપની સ્થિતપ્રજ્ઞતાને કારણે આપના પર તેની કોઇ અસર નહિ થાય.

    ફરી એક વાર આભાર!

    ReplyDelete
  4. "ફરીદા ખાનુમ" ની ગઝલ સાંભળી એક "અનોખો" આનંદ અનુભવ્યો.

    તમે પોસ્ટરૂપે કંઈક લખ્યું..અને પ્રજ્ઞાજુબેનના પ્રતિભાવથી વધુ જાણ્યું.

    આ પોશ્ત ગમી.

    >>>ચંદ્રવદન.


    આ હતો મારો પ્રતિભાવ..હજુ નથી એથી એ કદાચ "ડીલીટ" થયો હશે.

    >>>ચંદ્રવદન
    DR. CHANDRAVADAN MISTRY
    www.chandrapukar.wordpress.com
    Inviting you to my Blog Chandrapukar.

    ReplyDelete
  5. વિસામામાં દરેક ગીતકાર,ગાયક્નાઆટ્લા સુન્દર,માહિતિસભર લેખો,

    અને વળી તેમાં પ્રજ્ઞ્નાબહેન દ્વારા ઉમેરાતી પુરક વાતો,

    જાણે શણગાર-garnish સાથેની સ્વાદિષ્થ વાનગી!

    હેમંતકુમારનુ`તુમ...પુકાર લો..`-ખામોશી-ગીતકાર ગુલઝાર,

    અતિ પ્રિય ગીત યાદ આવી ગયુ.

    ReplyDelete
  6. વિસામામાં દરેક ગીતકાર,ગાયક્નાઆટ્લા સુન્દર,માહિતિસભર લેખો,

    અને વળી તેમાં પ્રજ્ઞ્નાબહેન દ્વારા ઉમેરાતી પુરક વાતો,

    જાણે શણગાર-garnish સાથેની સ્વાદિષ્થ વાનગી!

    હેમંતકુમારનુ`તુમ...પુકાર લો..`-ખામોશી-ગીતકાર ગુલઝાર,

    અતિ પ્રિય ગીત યાદ આવી ગયુ.

    ReplyDelete
  7. વાહ ,નરેનભાઇ , મજા આવી ગઈ "ફરીદા ખાનુમ" ની ગઝલો માણી ને .

    "ફરીદા ખાનુમ" અને બેગમ અખ્તર જેવી ગાયિકાઓ અને ગાયકોએ બે દેશો વચ્ચે કડીનું નામ કર્યું છે .

    ReplyDelete