Tuesday, February 25, 2014

નવું પ્રસ્થાન

લંડનના કિલ્બર્ન (Kilburn, London NW6) વિસ્તારમાં જિપ્સી કાર્યશીલ હતો ત્યારે તેને મળવા મૂળ ગુજરાતના અને બ્રિટનમાં નવા જ આવેલા લગભગ નેવું વર્ષની વયના વલીમોહમ્મદ મળવા આવ્યા. તેમનું કામ પૂરૂં થતાં તેમને આપણા શિષ્ટાચાર પ્રમાણે બારણા સુધી મૂકવા ગયો ત્યારે તેમણે કહ્યું, "તમે મારૂં કામ કરી આપ્યું તે માટે આભાર. હવે મારૂં એક અંગત કામ કરી શકશો?"
"બનશે તો જરૂર કરીશ."
"તમે જ્યારે પણ ઇન્ડીયા જાવ, મારા માટે પંડિત સુંદરલાલનું 'ભારતમાં અંગ્રેજી રાજ્ય' લાવી શકશો? પુસ્તકની કિંમત હું તમને અત્યારે જોઇએ તો આપું."
"ના, વલીકાકા. પૈસાની વાત તો પુસ્તક લાવ્યા પછી કરીશું."
બનવાજોગ વાત એવી થઇ કે ત્રણે'ક મહિના બાદ મારે ભારત જવાનું થયું. વલીકાકાનું પુસ્તક ક્યાંયે મળ્યું નહી. છેક છેલ્લા દિવસે અમદાવાદના ત્રણ દરવાજે આવેલ મહાદેવ રામચંદ્ર જાગુષ્ટેની દુકાને ગયો. તેના માલિક જૈમિનિભાઇ જાગુષ્ટે અમારા વડીલ સમાન હતા. તેમણે કહ્યું, "આ તો ઘણો મૂલ્યવાન ગ્રંથ છે અને હાલ ક્યાંય ઉપલબ્ધ નથી. અમારી પાસે કેટલીક નકલ બાકી છે તો તને એક સેટ આપી શકીશ." આ દળદાર ગ્રંથ બે ભાગમાં હતો. કૂલ એક હજારથી પણ વધુ પાનાં. જૈમિનીભાઇએ ક્હયું, 'તારા સામાનમાં જગ્યા ન હોય તો તને ટપાલ દ્વારા મોકલી શકીશ," અને તે સમયની પડતર કિંમતે આ સેટ લંડન મોકલી આપ્યો.
પુસ્તકો આવતાં જ જિપ્સી વલીકાકાને ઘેર ગયો તો જાણવા મળ્યું કે તેઓ લંડન છોડી લેસ્ટર ચાલ્યા ગયા હતા. બ્રિટનના હિસાબે નજીવી કિંમતે મળેલ આ પુસ્તક જિપ્સી પાસે પડી રહ્યું.
ત્રણ-ચાર મહિના બાદ તેને થયું, જોઇએ તો ખરા એવું તે શું છે પુસ્તકમાં જે પ્રકાશિત થતાં જ તે સમયની અંગ્રેજ સરકારે તેને જપ્ત કર્યું હતું?  જેમ જેમ પુસ્તક વાંચતો ગયો, તેમાં વલીકાકાનો દેશપ્રેમ દેખાતો ગયો: અંગ્રેજોએ ભારતની પ્રજા પર કરેલા સિતમ - અને ખાસ કરીને ૧૮૫૭ના સમયમાં જે અત્યાચાર કર્યા હતા તેનું તાદૃશ ચિત્ર આ પુસ્તકમાં પ્રદર્શિત થતું હતું.
૧૮૫૭ના નેતાઓનો ઇતિહાસ વાંચતી વેળા એક વ્યક્તિ તરફ જિપ્સી સૌથી વધુ ભક્તિભાવ ધરાવતો થયો. પટણાની નજીક આવેલ જગદીશપુર નામની નાનકડી રિયાસતના રાજા - જેઓ બાબુ કુંવરસિંહના નામે વધુ પ્રખ્યાત હતા, તેમનું જીવન ચરિત્ર અને અંગ્રેજો સામે કરેલ યુદ્ધો વિશે વાંચી આશ્ચર્યચકિત થઇ ગયો. ૮૦ વર્ષની વયના બાબુ કુંવરસિંહે  જે રીતે યુદ્ધો ખેલ્યા અને લૉર્ડ માર્ક કર (Lord Mark Kerr) જેવા ક્રાઇમીયન યુદ્ધના કાબેલ અંગ્રેજ સેનાપતિઓને કારમી હાર આપી તે વાંચી રોમાંચ અનુભવ્યો. છેલ્લે તો ગંગા નદી પાર કરતી વખતે તેમના હાથની કોણીએ અંગ્રેજ સિપાઇની ગોળી વાગી અને હાડકાંનો કચ્ચરઘાણ થયો. ત્યાંનો જખમ વકરીને ગૅંગ્રીન ન થાય એટલા માટે તેમણે પોતે જ પોતાની તલવારથી હાથ કાપીને ગંગામાં પધરાવી દીધો. બનવા કાળ એ જખમ પર ધનુર્વા થયો અને બાબુ કુંવરસિંહનું અવસાન થયું.
બાબુ કુંવરસિંહની શૌર્યગાથા વાંચી જિપ્સીનું મન ચકડોળે ચઢ્યું. ઇતિહાસના અનેક પ્રસંગો તથા એક સમયની સમૃદ્ધ બિહારની પ્રજાની આર્થિક અવનતિની વાતોનો અભ્યાસ કર્યા બાદ એક કથાનો તેના માનસમાં જન્મ થયો. તેમાં ઉમેરાઇ બિહારના ભોજપુર જિલ્લામાંથી ગયાના, ટ્રિનિડાડ જેવા દેશોમાં ગયેલા ગિરમિટિયાઓની સાહસકથાઓ. નવલકથાના રૂપમાં આ બધી વાતો અવતાર લે તે માટે વિસ્તૃત સંશોધન શરૂ કર્યું. બ્રિટીશ લાયબ્રરી, SOAS (સ્કુલ અૉફ ઓરિએન્ટલ અૅન્ડ આફ્રિકન સ્ટડીઝ)નાં પુસ્તકાલયો તથા અન્ય ગ્રંથોનો અભ્યાસ થયો અને કથા જન્મી: Full Circle. લગભગ અગિયાર વર્ષના અભ્યાસ અને લેખન-પુનર્લેખન અને પુન:-પુનર્લેખન  - ઓછામાં ઓછા ત્રીસ આખી કથા ફરી ફરી લખીને તૈયાર થયેલ મુસદ્દો આખરે ગયા અઠવાડિયે પ્રસિદ્ધ થયો. Amazon.comની શાખા CreateSpaceએ તેને પુસ્તકાકારે પ્રકાશિત કર્યું, અને Smashwords.com એ તેને eBookના સ્વરૂપે પ્રસિદ્ધ કર્યું. આ પુસ્તકનાં કેટલાક પ્રકરણો અહીં click કરવાથી વાંચી શકાશે.

આ નમ્ર રજુઆત પુસ્તક વેચવાના ઉદ્દેશથી નથી કરી. આપે તો તેનું ગુજરાતી સંસ્કરણ આ બ્લૉગમાં 'પરિક્રમા' શ્રેણીમાં વાંચ્યું જ છે. વાત કહેવા પાછળનો ઉદ્દેશ છે, કુલપતિ ક.મા. મુન્શી, સ્વ. ગુણવંતરાય આચાર્ય, સ્વામી આનંદ, લોકશાયર સ્વ. ઝવેરચંદ મેઘાણી અને કાકાસાહેબ કાલેલકર જેવા મહાન લેખકોની સાહિત્યકૃતિઓનાં પંચામૃતનો આસ્વાદ કરી, જીવનમાં મેળવેલા અનુભવોને સાકાર સ્વરૂપ એક સામાન્ય સૈનિક પ્રયત્ન કરી શકે, તો આપ જેવા રસિક વાચકો તેનાથી એક પગલું આગળ જઇને મા ગુર્જરીની સાહિત્ય દ્વારા સેવા  કરી શકો છો એ જ કહેવાનું છે. ઓછામાં ઓછું, આપણા બાળકોમાં આપણી માતૃભાષા પ્રત્યે પ્રેમ જન્માવી શકીશું તો તે પણ એક મહાન કાર્ય થશે.
આતા અંકમાં મળીશું તે પહેલાં એક વાત કહીશ. પુસ્તકનું મુખપૃષ્ટ બિહારની ધરતીમાંથી જ ઉપજ્યું છે. મધુબનીની ચિત્રશૈલી વિશ્વવિખ્યાત છે, કારણ કે તે મુખ્યત્વે ત્યાંની મહિલાઓનું સર્જન છે. આ ચિત્રનું શિર્ષક Tree of Life છે. મધુબનીના નાનકડાં ગામ જિતવારપુરનાં શ્રીમતિ ઉર્મિલાદેવી પાસવાને દોરેલું આ ચિત્ર કથાને એટલું સુંદર રીતે આવરી લે છે, તે લેખક માટે આશ્ચર્યની વાત છે. આશા છે આપને પણ તે ગમશે!Friday, February 7, 2014

બ્રિટન: ભારતીય મહિલાઓની સમસ્યાઓબ્રિટનના વાસ્તવ્ય દરમિયાન જિપ્સીને ભારતીય મહિલાઓમાં સ્ત્રી-શક્તિના દર્શન થયા, અને સોશિયોલોજીના અભ્યાસ દરમિયાન તેમની શક્તિના સ્રોતના ઉગમ તપાસવાની તક પણ મળી. આજે જોઇએ તેનું સંક્ષીપ્ત વિવરણ.

આમ જોવા જઇએ તો ભારતીય મહિલાઓમાં પરિવાર પ્રત્યેની પારંપરીક નિષ્ઠા તથા મૂલ્યોનું સિંચન હજારો વર્ષોથી થતું આવ્યું છે. તેમનામાં ધીરજનો અખૂટ ભંડાર છે. આપણા સંસ્કૃત સાહિત્યમાં અને સુભાષીતોમાં બહેનો માટે "यत्र नार्यस्तु पूज्यन्ते रमन्ते तत्र देवता" - જ્યાં સ્ત્રીઓનો આદર (પૂજા) થાય છે ત્યાં દેવતાઓ નિવાસ કરે છે, એવું અનેક વાર કહેવાયું છે. આની સાથે એક 'જ્ઞાની'એ એ પણ કહ્યું છે કે, “स्त्रीयश्चरित्रम् पुरूषस्य भाग्यम् देवो न जानाति कुतो मनुष्यम्”! સ્ત્રીઓનું ચારિત્ર્ય અને પુરૂષોનું ભાગ્ય કેવું હોય છે, એ તો દેવો પણ જાણી શક્યા નથી! આવું જ્યારે વાંચીએ ત્યારે એવું જરૂર લાગે કે જગતના પુરૂષપ્રધાન સમાજનું બળ સમાજના નિર્બળ અંગની પ્રતિકારશક્તિના અભાવમાંથી નિપજે છે! 

લેખકના અનુભવમાં એક વાત સ્પષ્ટ રીતે ઉભરી આવી છે કે કોઇ પણ મહિલાનો તેજોવધ કરવા માટે અન્ય કોઇ સાધન ન રહે ત્યારે પુરૂષ (અને કેટલીક વાર તો મહિલાઓ પણ) સ્ત્રીના ચારિત્ર્ય પર શંકા કે આરોપ કરીને પોતાનું વેર લઇ શકે છે. આપણા એક પાડોશી દેશમાં તો કાયદો છે કે કોઇ પરિણીત મહિલા બલાત્કારનો ભોગ બની હોય, અને તે પોલીસમાં ફરિયાદ કરે તો તેણે તેની ફરિયાદ સાચી છે તે માટે કોર્ટમાં ચાર પુરૂષો સાક્ષી તરીકે લાવવા પડે. જો આ મહિલા સાક્ષી ન લાવી શકે તો તેના પર જ વ્યભિચારનો આરોપ લગાવી જેલમાં પૂરવામાં આવે છે. આવી અનેક મહિલાઓ તે દેશની જેલોમાં સબડતી રહી છે અને આખા વિશ્વમાં તેની વિરૂદ્ધમાં પોકાર થતા રહ્યા હતા. અહીં જણાવેલી વાત તો એક extreme હાલત છે, પણ તે અહીં રજુ કરવાનું કારણ એક જ છે, કે ભારતીય ઉપખંડના કાયદાઓમાં કે કાયદાનો અમલ કરનાર રક્ષકોમાં હજી સુધી એવી કોઇ જોગવાઇ નથી કે મહિલાઓ સાચી સુરક્ષાનો અનુભવ કરી શકે. નારીઓની પૂજા અને આદર તો બાજુએ રહ્યા.

બ્રિટનમાં એક વાતનો અહેસાસ તો જરૂર થયો કે મહિલાઓની સુરક્ષા માટે સમાજસેવાના કાયદાઓ તથા અન્ય સામાજીક પરિબળોના સામર્થ્યને કારણે મહિલાઓમાં સુરક્ષાની ભાવના તથા કાયદા દ્વારા મળતા સંરક્ષણને કારણે મહિલાઓમાં સ્વાભિમાન તથા સ્વાવલંબનની ભાવના ઘણી પ્રબળ છે. શરૂઆતમાં બ્રિટનમાં આવેલા નવા વસાહતી ભારતીયોમાં આની માહિતીનો અભાવ હતો તેથી તે સમયે ભારતીય મહિલાઓ પર આપણા સમાજનું પરંપરાગત દબાણ ઘણું હતું. બીજી તરફ બ્રિટનનની મહિલાઓનાં વ્યક્તિસ્વાતંત્ર્ય, લગ્ન કરતાં પહેલાં પુરૂષ મિત્રને પૂરી રીતે જાણી, ઓળખી તે જીવનસાથી બનાવવા યોગ્ય છે કે નહી તેની ખાતરી કરવાની પ્રથાનો ઘણા ભારતીય યુવકોએ ગેરફાયદો લીધો. સોશિયલ સર્વીસીઝમાં કામ કરેલું હોવાને કારણે જિપ્સીને ઘણી અંગ્રેજ મહિલાઓએ વાત કરી હતી કે ભારતીય સંસ્કૃતિથી આકર્ષીત થઇને તેમણે આપણા ઘણા યુવાનો સાથે સંબંધ બાંધ્યો હતો. આપણા યુવાનોને પણ ગોરી ‘ગર્લફ્રેન્ડ’ રાખવી ગમતી, પણ જ્યારે લગ્નનો સવાલ આવતો ત્યારે તેમને હિંદી ફિલ્મોમાં વપરાતો શબ્દસમૂહ ‘સીધી-સાદી, ભોલી-ભાલી સંપૂર્ણ ભારતીય કન્યા’ જ જોઇએ! 

જિપ્સીના એક નજીકના મિત્રને તેમના પુત્ર માટે ‘દુલ્હન વહી જો પિયા મન ભાયે’ જેવી સર્વ ગુણ સમ્પન્ન વહુ જ જોઇતી હતી! તેમનાં પત્નીનો સ્વભાવ એવો હતો કે તેમને કોઇ કન્યા પસંદ જ આવતી નહોતી! તેમનો પુત્ર ૩૫ વર્ષનો થયો પણ લગ્ન નહોતાં થતા! જિપ્સીએ આ યુવાનને એક રમુજી વાત કહી: તેના જેવી પરિસ્થિતિ સહન કરતા યુવાનને કોઇકે એવી સલાહ આપી, 'તારાં માતુશ્રી જેવા રૂપ-ગુણ વાળી કન્યા પસંદ કર તો તેઓ તારાં લગ્ન તેની સાથે તરત કરાવી દેશે.' છોકરાએ જવાબ આપ્યો, “કાકા, મેં એ પણ કરી જોયું. બરાબર બા જેવી કન્યાનો સંબંધ આવ્યો હતો. બા તો તરત તૈયાર થઇ ગઇ, પણ મારા બાપુજીએ તેનો જોરદાર વિરોધ કર્યો.' અંતે આ યુવાને તેના માતા-પિતાને કહ્યા વગર તેને જે કન્યા પસંદ આવી, તેની સાથે લગ્ન કરી લીધા. તેના માતા-પિતાએ આ લગ્ન તોડવા અનેક પ્રયત્નો કરી જોયા. અંતે યુવાને કંટાળીને જુદો રહેવા ગયો. 

બીજી તરફ એવું પણ જોવામાં આવ્યું હતું કે પરદેશનો મોહ ધરાવતી ‘દેશી’ યુવતીઓ લગ્ન કરીને બ્રિટન આવતી, અને પતિના તેવર જોઇને ઘણી દુ:ખી થતી. દેશની આર્થીક હાલતને કારણે પતિ-પત્ની બન્નેને નોકરી તો કરવી પડે, પણ સ્ત્રીને સવારના વહેલાં ઉઠી સાસુ-સસરા માટે શિરામણ-બપોરનું ભોજન બનાવવું પડે, પતિ માટે સૅન્ડવિચીઝ પૅક કરી આપવી પડે. સાંજે કામ પરથી આવ્યા બાદ રાત્રીભોજનની તૈયારી, પીરસવું અને ઠામ-વાસણ કરીને સૂવા જવાનું. રાત્રે પતિ સેવા! 

આમાં પતિનો role કેવો હતો તેની કલ્પના કરવી નકામી છે, કારણ કે હકીકત કંઇક આવી હતી: 

પતિ ઘણી વાર કામેથી સીધા મિત્રો સાથે pubમાં જાય. ઘેર આવીને જમ્યા બાદ વાસણ વગેરે સાફ કરવામાં પત્નીને મદદ કરવાનું તેનું કામ નહી - ‘આ મરદ માણસનું કામ નથી!’ કહેનાર સાસુ-સસરા હાજર જ હોય. દર શનિવારે લૉન્ડ્રેટમાં કપડાં ધોવા બહેનો જાય જ્યારે પતિ તેના મિત્રો સાથે રીજન્સી ક્લબ જેવા ભારતીય પબમાં ફૂટબૉલની કે ક્રિકેટની મૅચ જોવા જાય. અઠવાડીક ગ્રૉસરી શૉપીંગ પણ બહુધા સ્ત્રીઓ જ કરે. બાળકો થોડા મોટા હોય તો તે મમીની સાથે જાય. અા કદાચ આપને stereotype જેવું લાગે, પણ તે મહદંશે સાચું હતું. આના બે ઉદાહરણ તો સોશિયલ વર્કરની નોંધપોથીમાંથી અગાઉના અંકમાં (હેમંતી દાસ, શાહીન બેગમ) ઉતારવામાં આવ્યા હતા. કોઇ સ્ત્રી વિરોધ કરે તો ઝઘડો તો થાય જ, પણ પતિ મારકૂટ પર પણ ઉતરી આવે. જિપ્સી લંડનની એક કાઉન્સીલના સોશિયલ સર્વિસીઝમાં કામ કરતો હતો તે વિસ્તારમાં ભારતીય મહિલાઓ માટે બે આશ્રય સ્થાન હતા. દરેકમાં લગભગ દસ-દસ બહેનો રહેતી હતી.  પતિ તથા તેના પરિવાર દ્વારા કરવામાં આવતા દમન, માનસિક ત્રાસ અને મારકૂટથી નાસીને બહેનો ત્યાં આવીને રહે અને આગળની વ્યવસ્થા કરે. તેમને છૂટા છેડા લેવા હોય તો તે અંગે કાયદાની વિનામૂલ્ય સેવા આપતી સંસ્થાઓ આ કામમંા, કાઉન્સીલનું મકાન તથા સોશિયલ સિક્યોરિટીના પૈસા મેળવી આપવામાં મદદ કરે.  લંડનમાં આવા અનેક આશ્રયગૃહ છે. 

અમેરીકા આવ્યા બાદ જિપ્સીના આશ્ચર્યનો પારાવાર ન રહ્યો કે અહીંના યુવાનોમાં પણ ‘પતિવૃત્તિ’ લગભગ બ્રિટનના યુવાનો જેવી જ હતી. ફેર માત્ર એટલો હતો કે તેઓ સાંજે કે વીકએન્ડમાં પબમાં ન જાય, પણ પત્નીને ઘરકામમાં મદદ કરવાનું કામ તેમનું નહી. ડિશ વૉશરમાં પણ ઠામ-વાસણ કે તેમની પોતાની એંઠી પ્લેટ ડિશ વૉશરમાં ન મૂકે. વૉશીંગ મશીનમાં પોતાનાં કપડાં અને ગંદા અંડરવૅર પણ મૂકવાનું કામ પણ પુરૂષે કરવાનું ન હોય! કોઇ સમજદાર પતિ પત્નીને કામમાં મદદ કરવા જાય તો તેની સાથે રહેનારા તેના માતા પિતા વહુને ધમકાવે: ‘વર પાસેથી આવું કામ કરાવવા તારો જીવ કેમ ચાલે છે, હેં?” આ વાત કલ્પીત નથી. ખુદ જોયેલી વાત છે. વર્ષો પહેલાં સિલીકૉન વૅલીમાં ચાલતા ઇન્ટરનેટના એક forum માં અનેક શિક્ષીત બહેનો લગભગ આવા જ અનુભવો વર્ણવતી હતી.

બ્રિટનની વાત કરીએ તો જેમ જેમ સમય વિતતો ગયો. ભારતીય સમાજમાં રહેતી બહેનોને સમજાવા લાગ્યું કે ઘરમાં અસહ્ય એવી સ્થિતિ ઉભી થાય તો સ્ત્રીઓને ઘર છોડીને આશ્રયસ્થાનમાં રહેવા જવાની જરૂર નથી. મોટા ભાગની બહેનો નોકરી કરતી હોવાથી આર્થીક રીતે સ્વતંત્ર હતી, પણ પારિવારીક સૌખ્ય  અતિ મહત્વનું છૈ, અને તે માટે જ્યાં સુધી પતિને તેનું મહત્વ મહેસૂસ ન થાય ત્યાં સુધી તે શક્ય નથી તે જાણતી હતી. સ્ત્રીઓ પુરૂષ સમોવડી બની છે, પણ સ્ત્રી જેવી સહનશક્તિ, સામંજસ્ય અને સામુહીક જવાબદારી સ્વીકારવાનું કામ પુરૂષ ક્યારે કરશે? જ્યારે ધીરજનો અંત આવે, અને ઝઘડાનો પહેલો તણખો નિપજે ત્યારે પુરુષે જ પહેલ કરવાની જરૂર હોય છે. આ વાતનો અહેસાદ પુરુષોને કદી ન થયો. અંગ્રેજીમાં કહીએ તો 'Women were always taken for granted.'

બ્રિટનમાં આપણા સમાજમાં ઉત્પન્ન થયેલા આ પરિમાણની સોશિયલ સર્વીસીઝને જેવી જાણ થઇ, તેમણે વિનામૂલ્યે સેવા આપતા પ્રશિક્ષીત મૅરેજ કાઉન્સેલરની સેવાઓ ઉપલબ્ધ કરી આપી. શિક્ષીત ભારતીય ભાઇબહેનોને વિનામૂલ્યે કાઉન્સેલીંગનું પર્શિક્ષણ આપવાની શરૂઆત કરી. શરત એક હતી કે આવી રીતે કેળવાયેલા યુવાન-યુવતિઓ બે વર્ષ સુધી આંશીક રીતે વિનામૂલ્યે સેવા આપે. આ સેવાનો લાભ મેળવીને આપણા યુગલો આંતરીક કલહનું સુખદ સમાધાન કરવા લાગ્યા અને વિદેશમાં પણ ભારતીય લગ્નસંસ્થાના મૂલ્યો સ્થિર થતા ગયા.  

એક વાત પર જરૂર ભાર આપવો જોઇશે કે બ્રિટીશ સમાજમાં એકલ માતાને અનેક પ્રકારના સંરક્ષણ અને રાજ્ય દ્વારા અપાતા લાભમાં અગ્રેસરતા અપાય છે, એટલું જ નહી, તેમના તરફ માનની નજરે જોવાય છે. એકલ પંડે બાળકોને ઉછેરતી બહેનો ગૌરવભેર જીવન જીવી શકે છે. 

ભારતમાં એકલું જીવન જીવનાર કે એકલ પંડે બાળકો ઉછેરતી બહેનો આપણા પુરૂષ પ્રધાન સમાજ પાસેથી આવા વર્તનની આશા રાખી શકે? 

કહેવાય છે કે અઢારમી સદીમાં Rule of Thumbનું અર્થઘટન કરવામાં આવ્યું હતું કે સ્ત્રીઓ કોઇ ગંભીર ભુલ કરે તો તેમને શિક્ષા કરવામાં આવે, અને તે માટે તેમને જે લાકડીથી ફટકા મારવામાં આવે, તે એક અંગુઠાથી વધુ જાડી ન હોવી જોઇએ! બસો વર્ષ પહેલાંની Rule of Thumbની બ્રિટીશ માન્યતા અને આપણી બે હજાર વર્ષથી પણ જુની यत्र नार्यस्तु पूज्यन्तेની પરંપરા અને આજના આધુનિક આચરણમાં કેટલો ફેર આવ્યો છે તે ખરેખર આશ્ચર્યજનક છે. 

આજે Rule of Thumb વાળા બ્રિટનમાં કે પશ્ચીમના કોઇ દેશમાં ચાલતી બસમાં કે કારમાં બહેનો પર સામુહિક બલાત્કાર કે તેમનાં ખૂન, તેમના ચહેરા પર અૅસીડ ફેંકવાના કે તેમને જીવતી બાળી નાખવા જેવા હિચકારા બનાવ થતા નથી. અહીં તેમને કોઇએ સદીઓ જુનું વાક્ય - यत्र नार्यस्तु पूज्यन्ते શીખવ્યું નથી.  


આ બાબતમાં માત્ર એટલું જરૂર કહીશ કે આપણી સંસ્કૃતીને અનુરૂપ यत्र नार्यस्तु पूज्यन्ते-નું આચરણ ભારતમાં લાવવા આપણી શિક્ષણ પદ્ધતિ, ન્યાય અને પોલીસ તંત્ર સંગઠીત થઇને સામુહીક પ્રયત્ન કરે તે અત્યંત જરૂરી છે. આ ત્યારે જ શક્ય બને જ્યારે આપણા સભ્ય સમાજમાં રહેનાર દરેક નાગરિક આ દિશામાં પગલાં ભરે. શિક્ષકો બાલમંદિરથી માંડી હાઇસ્કૂલ અને કૉલેજ સુધી આ વાતની જુદા જુદા સ્તર પર ચર્ચા કરે અને વિદ્યાર્થીઓના ચારિત્ર્ય અને શિસ્તબદ્ધતા પર ભાર મૂકે. માનસશાસ્ત્રીઓ માને છે કે સંસ્કારો સદીઓથી મનુષ્યના માનસમાં વંશ પરંપરાગત રીતે ઉતરતા હોય છે. કેટલીક વાર સંજોગોનો તેના પર પડદો પડી શકે છે, પણ જો શિક્ષણ અને સક્રિય સામાજીક જાગરૂકતાનો સમાગમ થાય તો આ પ્રકારનું આવરણ દૂર થઇ શકે છે. નિર્ભયા જેવા બનાવો ફરી કદી ન થઇ શકે.

બ્રિટનના અનુભવોની શ્રેણી આજે અહીં પૂરી થાય છે. આવતા અંકથી જિપ્સીએ વાંચેલી, આનંદેલી અને અનુભવેલી લલિત કથાઓ અને ફિલ્મો આપની સાથે share કરશે. આપને પણ કોઇ વાત કહેવી હોય તો તે આપણા સાથીઓ સાથે વહેંચી લઇશું.