Friday, November 11, 2011

GYPSY'S DIARY- VETERANS' DAY

ભારતમાં જેમ 'ધ્વજ દિન' ઉજવાય છે, તેમ અમેરિકામાં વેટેરન્સ ડે ઉજવાય છે. દેશ માટે જીવન ન્યોચ્છાવર કરનારા સૈનિકોની યાદમાં. આજે તેમને શ્રદ્ધાંજલિ આપવા જિપ્સી તેની ડાયરીમાંથી બે પ્રસંગો ફરી ઉતારે છે. પહેલો છે -

"રેડ ઓવર રેડ! રિપીટ, રેડ ઓવર રેડ"
એક વાર સૈનિક યાદોના કુંજવનમાં પ્રવેશ કરે તો તેમાં તે ખોવાતો જ જાય છે. આ ડાયરીમાં અન્ય સ્થળે વર્ણવેલી બુર્જની લડાઇ, ખોવાયેલા સૈનિકોની શોધમાં ગયેલો જીપ્સી, યુદ્ધ દરમિયાન તેને મળેલા પ્રચંડ વીરતા અને ધૈર્ય ધરાવતા નમ્ર અને નિરભિમાની યોદ્ધાઓ - આ બધાની તેને હંમેશા યાદ આવે છે.
આજની વાત એવા અફસરો અને જવાનોની છે જે સમયના પુસ્તકના પાનાંઓમાં ખોવાઇ ગયા છે. દુશ્મન સામે બહાદુરીથી જંગ જીતનારા રણમેદાનમાં મૃત્યુ પામેલા કે જીવિત રહેનારા સૈનિકોને પ્રજાસત્તાાક દિવસની ઉજવણી સમયે અપાયેલા બહાદુરીના ચંદ્રકોના લિસ્ટમાં તેમનાં નામ છાપાંઓમાં છપાય છે. અખબારમાં "સ્થળના અભાવે" જીવનની અંતિમ પળ સુધી લડનારા અને પોતાની રક્ષાપંક્તિ ન છોડનારા યોદ્ધાઓએ પોતાની ફરજ કેવી રીતે નિભાવી હતી તેની પૂરી વાત ભાગ્યે જ છપાતી હોય છે. આવા રણબંકાઓને આપણે જાણતા નથી.
જીપ્સી એ નથી કહેવા માગતો કે જે શહીદ થયા છે એમની કુરબાનીને યાદ કરી દરરોજ આંસુ વહાવતા રહીએ. વર્ષમાં એક વાર શ્રાદ્ધપક્ષમાં પૂર્વજોને યાદ કરી તેમને અંજલિ આપીએ, તેમ આપણાં સૈનિકોને એકા’દ વાર યાદ કરી તેમના પ્રત્યે ઋણ અથવા ગૌરવની ભાવના આપણા અને આપણા વારસોના મનમાં જન્માવી શકીએ તો આપણા સૈનિકોનું મનોબળ જરૂર વધી જશે.
‘જીપ્સીની ડાયરી’માં આપે બુર્જની લડાઇ, ખોવાયેલા સૈનિકોની શોધમાં ગયેલા જીપ્સીની વાતનો અનુભવ કર્યો હતો. બુર્જ પરથી દુશ્મનની ૪૩મી બલૂચ રેજીમેન્ટને આપણી સેનાએ ૬ ડીસેમ્બર ૧૯૭૧ના ભારતભુમિ પરથી તગેડી મૂક્યા હતા. આ કારમી હાર તેઓ ભુલી શક્યા નહોતા. તેમનું લક્ષ્ય હતું અમૃતસર. તેઓ અમૃતસર જતી પાકી સડક પર કબજો કરવાનો પ્રયત્ન કરશે તેની સંભાવના ઓછી થઇ નહોતી. આપણી બુર્જ ચોકીની સામે પાકિસ્તાનની ફતેહપુર નામની ચોકી ધુસ્સી બંધને લગભગ અડીને જ બંધાઇ હતી. દુશ્મનની આ ચોકી ભારતની મુખ્ય ભુમિ -mainland સાથે જોડાયેલી હતી. રાવિ નદીનો વળાંક પાકિસ્તાનમાં ઉંડે સુધી ગયો હતો તેથી તેમની સેના અને જરૂર પડે તો ટૅંક્સને પાર કરવા કોઇ અટકાવી શકે તેમ નહોતું. વળી રાવિના કિનારા પર સરકંડા (elephant grass)ના ૮થી ૧૦ ફીટ ઉંચા ઘાસના જંગલમાં તેમની હિલચાલ જોઇ શકાતી નહોતી. બુર્જમાં હાર પામ્યા બાદ દસ દિવસ સુધી તેમના તરફથી કોઇ પ્રત્યુત્તર મળ્યો નહોતો, તેનો અર્થ એવો નહોતો કે આપણી સેના આરામ કરવા લાગી હતી. યુદ્ધનું મુખ્ય અંગ હોય છે patrolling. આ અભિયાનમાં આપણી ટુકડીઓ કોઇ કોઇ વાર દુશ્મનના પ્રદેશમાં પણ જઇને તપાસ કરતી હોય છે કે તેમની સેના કોઇ હિલચાલ કરી રહી છે કે કેમ. આ અત્યંત ખતરનાક અભિયાન હોય છે, જેમાં આપણી આખી ટુકડી દુશ્મને લગાવેલ માઇનફીલ્ડમાં કે તેમના સાણસા વ્યૂહની ઘાતમાં સપડાઇને કતલ થઇ શકે છે. કારગિલમાં કૅપ્ટન સૌરભ કાલીઆની પૅટ્રોલ પાકિસ્તાનીઓના વ્યૂહમાં સપડાઇ ગઇ હતી અને તેમની તથા તેમના બધા સૈનિકોની દુશ્મને ક્રૂર અને ઘાતકી રીતે રીબાવીને હત્યા કરી હતી.

બુર્જની લડાઇ બાદ કરવામાં આવેલા પેટ્રોલીંગ દરમિયાન આપણી ટુકડીએ જોયું કે પાકિસ્તાનની એક બટાલિયન તેમની ફતેહપુર ચોકી પર જમા થઇ રહી હતી. આનો નિષ્કર્ષ સ્પષ્ટ હતો. તેઓ ફતેહપુરને Firm Base (લૉચીંગ પૅડ) બનાવી ત્યાંથી ભારત પર હુમલો કરવા માગતું હતું. ત્યાંથી અમૃતસર જતી પાકી સડક કેવળ ૧૦ કિલોમીટર દૂર હતી. આવી હાલતમાં દુશ્મન કોઇ કાર્યવાહી કરે તે પહેલાં અાપણે જ તેમના પર હુમલો કરી તેમને ફતેહપુર પરથી મારી હઠાવવા એવો બ્રિગેડ કમાંડરે નિર્ણય લીધો.
સમય સાવ ઓછો હતો. તે સમયે રિઝર્વમાં સિખ લાઇટ ઇન્ફન્ટ્રીની ૮મી બટાલિયન (8 Sikh LI) હતી. બ્રિગેડ કમાન્ડરે તેના કમાન્ડીંગ અૉફિસર (CO) કર્નલ પાઠકને ફતેહપુર ચોકીને સર કરવાની જવાબદારી સોંપી.
સામાન્ય રીતે લક્ષ્યના સ્થાનપર દુશ્મન જેટલી સંખ્યામાં હોય તેના કરતાં હુમલો કરનારની સંખ્યા ત્રણ ગણી હોવી જોઇએ. સંરક્ષણ પંક્તિમાં બેઠેલા સૈનિકો મજબૂત મોરચામાં લગભગ સુરક્ષીત સ્થિતિમાં હોય છે, જ્યારે હુમલો કરનાર સેના ખુલ્લા આકાશ નીચે, કોઇ પણ જાતના બખ્તરબંધ કવચ વગર ધસી જતા હોય છે. તેમની સામેનું સ્થાન તોપખાનાએ નોંધેલું હોય છે, તે ઉપરાંત સામે માઇન્સ પણ બીછાવેલી હોય છે. આપ કદાચ જાણતા હશો કે માઇન્સ બે પ્રકારની હોય છે: Anti-personnel તથા Anti-tank. પહેલી માઇન પર વીસ રતલ વજન - એટલે કોઇનો પગ પડે તો આખો પગ ઉડી જાય. અૅન્ટી ટૅંક માઇન પર ૨૦૦ રતલ વજન પડે તો તેનો સ્ફોટ થાય. આમ તેના પર કોઇ વાહનનું પૈડું કે ટૅંકનો પાટો પડે તો તે ઉધ્વસ્ત થાય. ટૅંક અટકી પડે અને અૅન્ટી ટૅંક રૉકેટનો ભોગ બને. આવી હાલતમાં હુમલો કરવા ધસી જનાર સૈનિકો સૌ પ્રથમ માઇનફીલ્ડમાંની માઇન્સથી, દુશ્મનની મશીનગન દ્વારા થતી ગોળીઓની વર્ષામાં તથા તોપમાંથી પડતા ગોળાઓનો ભોગ થઇ શહીદ થતા હોય છે કે મરણતોલ ઘાયલ થતા હોય છે. આવી કાતિલ હાલતમાં 8 Sikh LIએ હુમલો કરવાનો હતો.

ફતેહપુર ચોકીની રચના એવી હતી કે તેની ઉલટા U આકારમાં ત્રણ તરફ ૧૨ ફીટ ઉંચી પાળ જેવી દિવાલ હતી. તેની સામે એક ચોક સમાન ખુલ્લું મેદાન હતું. 'દિવાલ'ની ત્રણે પાળ પર તેમના સૈનિકોએ કિલ્લેબંધી જેવા સુરક્ષીત મોરચા બનાવ્યા હતા. એક તરફથી તેમના મનમાં ધરપત હતી કે ભારતીય સેના આવા ‘કિલ્લા’ પર હુમલો કરી નહિ શકે, કારણ કે અહીં તો સામી છાતીએ, frontal attack કરવો પડે. આવો હુમલો કરનાર સૈનિકોમાંથી ૩૫-૪૦% જેટલા casualty થાય.આટલા ભારે પ્રમાણમાં થનારી કૅઝ્યુઆલ્ટી કોઇ પણ કમાન્ડર સ્વીકાર કરવા તૈયાર ન થાય.
૧૭મી ડીસેમ્બરની રાતે કર્નલ પાઠક તથા તેમના કંપની કમાન્ડરોએ કરેલા નિરીક્ષણમાં એવું તારણ નીકળ્યું કે દુશ્મનને પરાસ્ત કરવા માટે ‘frontal attack’ વગર બીજો કોઇ પર્યાય નહોતો. હુમલાની ગુપ્તતા રાખવા તેમણે હુમલો મધરાત અને પરોઢિયાની વચ્ચેના સમયમાં કરવાનું નક્કી કર્યું. દુશ્મનની સંખ્યા જોતાં અહીં આખી બટાલિયને હુમલો કરવો આવશ્યક હતો.
૧૮મીની રાતે 8 Sikh LIની ત્રણ કંપનીઓને COએ ત્રિશૂળના પાંખીયાની જેમ દિશા આપી. કર્નલ પાઠક પોતે મુખ્ય, સામેના લક્ષ્ય પર જતી કંપની સાથે રહ્યા. 'ચાર્જ અૉફ ધ લાઇટ બ્રિગેડ' જેવો હુમલો કરવા સિખ લાઇટ ઇન્ફન્ટ્રીના જવાન તેમના પંજાબની રક્ષા કરવા તત્પર હતા. સ્મશાનવત્ શાંત મેદાનમાં બટાલિયન પહોંચી ગઇ અને કર્નલ પાઠકના નિનાદ “બોલે સો નિહાલ”નો આખી બટાલિયને “સત્ શ્રી અકાલ”ની આવેશપૂર્ણ ત્રાડમાં જવાબ આપ્યો અને હુમલો શરૂ થયો.
ફતેહપુર પોસ્ટ પર દુશ્મન પણ તૈયાર બેઠો હતો. તેમણે ગોળીઓની રમઝટ બોલાવી. તેમની મૉર્ટર્સ સિખ સૈનિકો પર ગોળા વરસાવવા લાગી. સુરક્ષા માટે પાથરેલી માઇન્સ પર સિખો રાઇફલ પર બેયૉનેટ ચડાવી દુશ્મન પર હુમલો કરવા દોડી રહ્યા હતા. અૅન્ટીપર્સનેલ માઇન્સના ધડાકામાં ઘવાયેલા સૈનિકોના કપાયેલા પગ ઉંચે ઉડતા હતા. આખા મેદાનમાં દુશ્મનની બંદુક અને મશીનગન્સમાંથી નીકળતા લાલ રંગના ટ્રેસર રાઉન્ડથી મેદાનમાં મોતની રેખાઓ ખેંચાતી જતી હતી. અહીં આપણે કર્નલ એચ.સી. પાઠકના શબ્દોમાં વાત સાંભળીએ:
“ગોળીઓના મારામાં જમીન પર પડતા મારા જવાનો કણસવાને બદલે કહેતા હતા, ‘સાઢી પરવા ન કરના, કર્નૈલ સાબ. બસ, ઇન્હાંનૂં છડના નહિ.‘ (અમારી પરવા ના કરશો, કર્નલ સાહેબ. બસ, આ લોકોને છોડતા નહિ!) કેટલીક વાર તો મારી સામે ઢળી પડેલા જવાન પરથી કૂદીને આગળ વધવાનું હતું. મારા સુબેદાર મેજરને ગોળી વાગી અને જમીન પર પડતાં પહેલાં તેમણે મને કહ્યું, ‘સાબ’જી, ઓબ્જેક્ટીવ આ ગયા. મેરી પરવા મત કરના.’ આ એવો સમય હતો કે જખમી થયેલા સૈનિકોને સહાનુભૂતિના બે શબ્દ કહેવા પણ રોકાઇ શકાય તેવું નહોતું. ગોળીઓના વરસાદમાં અમારે કેવળ ત્વરીત રીતે લક્ષ્ય પર પહોંચી દુશ્મનને ખતમ કરવાનો હતો. અંતે અમે દસ ફીટ ઉંચા બંધ પર પહોંચી ગયા. બેયૉનેટ લગાવેલી રાઇફલ વડે દુશ્મન સાથે હાથોહાથની લડાઇ થઇ. સિખ સૈનિકોના ઝનૂન સામે દુશ્મનને તેમનું સ્થાન છોડવું પડ્યું. ફતેહપુર સર થયું. મારા લગભગ ૩૨૫ જવાનો અને અફસરો ઘાયલ થયા. કેટલાય જવાનો શહીદ થયા.

“હુમલો અહીં પૂરો નહોતો થયો. દુશ્મન પાસેથી જીતેલી જગ્યાથી થોડે આગળ અમે નવા મોરચા બાંધ્યા. અમને ખબર હતી કે દુશ્મન counter attack કરશે જ. મેં મારી રિઝર્વ કંપની કમાન્ડર મેજર તીરથસિંહને જવાબદારી સોંપી, તેમને યોગ્ય આદેશ આપ્યો અને તેમણે મોરચાબંધી કરી. અમને આપણા તોપખાનાનો સપોર્ટ હતો તેથી તીરથસિંહે નક્કી કરેલ સ્થાનોનો ગ્રીડ રેફરન્સ તેમણે નોંધ્યો અને બધી તોપોને તે પ્રમાણે align કરી. આમાંનું અંતિમ લક્ષ્ય-સ્થાન હતું - તેમની પોતાની ટુકડીના મોરચા. જ્યારે દુશ્મન મરણીયો થઇને હુમલો કરતાં કરતાં તીરથસિંહની ટ્રેન્ચ સુધી પહોંચે, તો તેને ત્યાં રોકવા માટે આખી રેજીમેન્ટની બધી તોપ તેમણે પોતાની ખાઇ સમેત નિર્ધારીત કરેલા બધા વિસ્તારમાં ગોળાઓ વરસાવે. આનો વાયરલેસનો આદેશ હોય છે, ‘રેડ ઓવર રેડ.’ આ આદેશ બે વાર આપવાનો હોય છે.

“ધાર્યા પ્રમાણે દુશ્મને જબરજસ્ત કાઉન્ટર-અૅટેક કર્યો. મેજર તીરથસિંહની કંપની આખરી જવાન, આખરી ગોળી સુધી લડતી હતી. હું કૂમક મોકલવાનો હુકમ આપતો હતો ત્યાં તોપખાનાના વાયરલેસ પર તીરથસિંહનો આદેશ સંભળાયો.

“રેડ ઓવર રેડ, રિપીટ, રેડ ઓવર રેડ.”

“આપણા તોપખાનાએ હુકમ પાળ્યો. બૉમ્બ વર્ષા પૂરી થઇ અને તીરથસિંહની કૂમક માટે કંપની ત્યાં પહોંચી. તેમની સાથે હું પણ ગયો હતો. મોરચા પરની અમારી ખાઇઓ પર અને સામે દુશ્મનના અનેક સૈનિકોના શબ પડ્યાં હતા. મારા પોતાના કેટલાય સૈનિકો શહીદ થયા હતા અને ઘણા ઘાયલ અવસ્થામાં હતા. મેજર તીરથસિંહના પાર્થિવ દેહ પાસે જખમી અવસ્થામાં તેમના સેકન્ડ-ઇન કમાન્ડ તથા કંપની સાર્જન્ટ મેજર બેઠા હતા. કોઇએ પોતાનું સ્થાન છોડ્યું નહોતું.”

ફતેહપુર સર કર્યાના બીજા દિવસે - ૧૯મી ડીસેમ્બરની સવારે કર્નલ પાઠકને અભિનંદન તથા સહાનુભૂતિ આપવા મારા કમાન્ડન્ટ ગુરઇકબાલસિંહ સાથે ગયેલા જીપ્સીને કર્નલ પાઠકે અમને આ વાત કહી. તે સમયે મિલીટરીની અૅમ્બ્યુલન્સ અમારી નજર સામે તેમના ઘાયલ સૈનિકોને લઇ જતી હતી. રણભુમિ હજી પણ રક્તરંજિત હતી.

* * * * * * * * *

‘જીપ્સીની ડાયરી’ની શરૂઆતમાં અમદાવાદના મેજર દારા મિસ્ત્રીનો ઉલ્લેખ કર્યો હતો તે આપને યાદ છે?
૧૯૪૮માં કાશ્મિરના પૂંચ વિસ્તારમાં હુમલો કરી રહેલા પાકિસ્તાની સેનાના અફસરોની આગેવાની નીચેના કબાઇલીઓ સામે લડતાં દારાશા મિસ્ત્રી શહીદ થયા હતા. તેમના વિશે સંશોધન કરતાં જાણવા મળ્યું કે તેઓ તોપખાનાના Forward Observation Officer હતા અને સૌથી મોખરાની ટુકડીઓ સાથે તેમની ખાઇમાં બેસી તોપખાનાને ગોળા દુશ્મન પર વરસાવવા માટે વાયરલેસથી દિશા સૂચન કરતા હતા. જ્યારે દુશ્મન તેમની ખાઇ સુધી પહોંચ્યા, તેમના કમાન્ડરે તેમને પોતાની જગ્યા છોડી પાછળ આવવાનો હુકમ કર્યો. દારા મિસ્ત્રીએ જોયું કે દુશ્મનની સંખ્યા ઓછી થઇ હતી અને તેમના પર રેજીમેન્ટની બધી તોપ ગોળા વરસાવે તો તેઓ તેમના સ્થાન પર કબજો કરી શકે તેમ નહોતા. તેમણે પોતાની ખાઇ છોડવાનો ઇન્કાર કર્યો અને હુકમ આપ્યો:

“રેડ ઓવર રેડ... રિપીટ. રેડ ઓવર રેડ.”

પરિણામ એ આવ્યું કે દુશ્મન પૂંચ પર કબજો કરી ન શક્યા. ત્યાં મેજર દારા મિસ્ત્રીની બહાદુરીએ અને તેમના આત્મસમર્પણે સંરક્ષણની અભેદ્ય દિવાલ ઉભી કરી હતી.

કર્નલ પાઠકને ફતેહપુરની લડાઇમાં મહાવીર ચક્ર, મેજર સાધુસિંહને મરણોપરાન્ત વીર ચક્ર તથા'આપરા' દારાશા મિસ્ત્રીને ૧૯૪૮માં મહાવીર ચક્ર એનાયત થયું હતું. અખબારમાં શું આવ્યું?

આવા યોદ્ધાઓનાં નામ તથા બહાદુર સિખોના આત્મસમર્પણની વાત કહેવાને બદલે કેટલીક 'માસ મેઇલ'માં આવે છે 'સરદારજી જોક્સ'! અમદાવાદના એક દાક્તરસાહેબને આવી જોક્સ ન કરવા વિશે જીપ્સીએ વિનંતી કરી તો તેઓ છંછેડાઇ ગયા. 'અમે ગુજ્જુુઓની પણ જોક્સ કહીએ છીએ, તો સિખોની જોક કરવાનો અમને અધિકાર છે,' કહી તેમણે મારું નામ તેમના મેઇલીંગ લિસ્ટમાંથી કાઢી નાખ્યું!

ડીસેમ્બર મહિનો આવી રહ્યો છે. આ વખતે ૧૯૭૧ના ડીસેમ્બરમાં મેળવેલી જીતને ૩૮ વર્ષ પૂરા થશે. આપ સૌને યાદ આવશે આપણા સૈનિકોના રણ નિનાદ:
“આયો ગોરખાલી!”
“બોલે સો નિહાલ, સત્ શ્રી અકાલ!”
“છત્રપતિ શિવાજી મહારાજકી જય! હર હર મહાદેવ!”
“ભારત માતાકી જય!”
"જાટ બલવાન, જય ભગવાન!"
અને રાજપુતાના રાઇફલ્સની બીજી બટાલિયનનો યુદ્ધ ઘોષ -"નારા એ હૈદરી, યા અલી, યા અલી!"

અને સદીમાં એકા'દ-બે વાર વાયરલેસના સ્ટૅટીક વચ્ચેથી આછો પણ મક્કમ સંદેશ:

“રેડ ઓવર રેડ, રિપીટ, રેડ ઓવર રેડ.”

ત્યાર પછી ફેલાશે શાંતિ.

****

Tuesday, November 8, 2011

જિપ્સીનો વિસામો: સાગરમાં વિરમેલા સૂર

એ કયા ગાયક હતા જેમણે નેતાજી સુભાષચંદ્ર બોઝના ઇન્ડીયન નૅશનલ આર્મીના સૈનિકો માટે ‘કદમ કદમ બઢાયે જા, ખુશી કે ગીત ગાયે જા‘ જેવા કૂચ-ગીતને સંગીત આપ્યું? જેના તાલ પર આઝાદ હિંદ ફોજના સૈનિકો ઇમ્ફાલ સુધી પહોંચી ગયા હતા?

ક્યા ગાયકે કાઝી નઝરૂલ ઇસ્લામના ગીત ‘સાવન રાતે જદી’ને અમર કર્યું, જેને તેમના બાદ હેમંતદા’ સમેત અનેક ગાયકોએ ગાયું?

એ ક્યા ગાયક હતા જેમણે એક ગીત દ્વારા અનેક અનભિજ્ઞોને ‘મેઘદૂત’ વાંચવાની પ્રેરણા આપી?

ક્યા ગાયકે ૧૯૪૦-૫૦ના દાયકામાં (અને ત્યાર પછી પણ) લાખો યુવક-યુવતિઓને તેમના પ્રેમનો ઇજહાર કરતા પ્રિતી-ગીતોની ભેટ આપી? એવા ગીતો, જે તેમણે તેમની મનની છુપી સંદૂકમાં કાયમ માટે સંઘરી રાખ્યા અને જ્યારે પણ યુવાનીની મધુર યાદો આવે ત્યારે તેનો સ્મૃતી-સૌરભ માણવા આ ખજાનો ખોલતા હતા?
ક્યા ગાયકને તેમની સંગીત જીવનની કારકિર્દીમાં ફક્ત એક જ ફિલ્મમાં સંગીત આપવાની તક મળી હતી? અને તેમાં લતાજીએ ગાયેલું ગીત તેમના સર્વોત્કૃષ્ટ ગીતોમાંનું એક ગણાય છે, પરંતુ હાલ ભુલાઇ ગયું છે?

ક્યા ગાયકને ખુદ ગાંધીજીએ નવું નામ આપ્યું જે તેમની સાથે કાયમ માટે જોડાયું અને જગપ્રસિદ્ધ થયું?

એવા ક્યા ગાયક છે, જેમના નામે અહીં જણાવેલી અને લોકમાનસમાં છવાયેલી અનેક સિદ્ધીઓ હોવા છતાં તેમના અવસાનની કોઇએ નોંધ સરખી ન લીધી?

નથી ખ્યાલ આવતો?

આપ સાંભળીને ચોંકી જશો. જિપ્સી સૂરસાગર જગમોહનની જ વાત કરે છે. તેમણે ગાયેલ ભજન અને દેશભાવનાનાં ગીત સાંભળી ખુબ ગાંધીજીએ તેમનું નામ જગતને મોહી લેનાર ગાયક - જગમોહન નામ આપ્યું હતું.

*
જગમોહનનું જન્મ નામ હતું જગન્મય મિત્ર. તેમનો જન્મ ૧૯૨૬માં એક શ્રીમંત જમીનદાર પરિવારમાં થયો હતો. તે સમયના જમીનદાર પરિવારોમાં સંગીત સાંભળવામાં આવતું, ગવાતું નહિ. જગન્મયના સંગીત શોખને પોષવા માટે કોઇ પ્રોત્સાહન અપાયું નહિ. સંગીત તથા દેશભક્તિના રંગમાં તેઓ એવા રંગાયા કે તેની પાછળ તેમણે પરિવારનો ત્યાગ કર્યો.

૧૯૩૦નો દાયકો બંગાળી ગીતોનો ‘રોમૅન્ટીક’ યુગ હતો. વાણીકુમાર, પ્રણવ રૉય તથા મોહિની (કુમાર) ચૌધુરી જેવા ગીતકારોનાં ગીતોને સંગીત આપનાર એવા જ પ્રખ્યાત પંકજ કુમાર મલ્લીક, કમલ દાસગુપ્ત અને તેમના ભાઇ સુબલ દાસગુપ્ત તથા રાયચંદ બોરાલ સંગીતકાર હતા. તે યુગમાં જગમોહને રવીંદ્ર સંગીત તથા નઝરૂલ ગીતી ગાવાનું શરૂ કર્યું. કાઝી નઝરૂલ ઇસ્લામનું ‘સાવન રાતે જદી...‘નું રેકોર્ડીંગ કર્યું અને રાતોરાત તેઓ પ્રખ્યાત થઇ ગયા.

૧૯૪૦ના દાયકામાં જગમોહને ફૈયાઝ હાશમી (તે સમયે ફૈયાઝ ટીનએજર હતા!) લિખીત ગીત ‘દિલકો હૈ તુમસે પ્યાર ક્યું’ ગાયું અને હિંદી બિનફિલ્મી જગતમાં તેઓ પ્રકાશી ઉઠ્યા. આ યુગમાં સિને સંગીત અને બિન ફિલ્મી સંગીત લગભગ એકબીજાને સમાંતર ચાલી રહ્યા હતા. બન્ને જુદા genreનાં હતા તેથી તેમનો ચાહક વર્ગ જુદી કક્ષાનો, પણ એટલો જ વિશાળ હતો. જગમોહન, હેમંત કુમાર, તલત મહેમૂદ (તેમણે પણ ફૈયાઝ હાશમીના ‘તસવીર તેરા દિલ મેરા બહેલા ન સકેગી’થી શરૂઆત કરી હતી) એટલા જ લોકપ્રિય થઇ ગયા હતા જેટલા સાયગલ, નવા આવેલા મોહમ્મદ રફી, કૃષ્ણ ચંદ્ર ડે થયા હતા. જો કે જગમોહનની વાત જ જુદી હતી. યુવાનો તેમનાં ‘દિલકો હૈ તુમસે પ્યાર ક્યું’ અને ‘મુઝે ન સપનોંસે બહેલાઓ’ જેવા ગીતો ગાતા રહેતા અને યુવતિઓ સાંભળતી રહેતી! અને એક તરફી પ્રેમ કરનારાઓ દૂરથી તેમની પ્રિયા (!)ને જોઇ ‘આંખોમેં બસા હૈ ...’ અથવા 'પ્યારી તુમ કિતની સુંદર હો' ગણગણતા, અને તેના પ્રેમથી અણજાણ એવી કન્યાનું લગ્ન થઇ જાય ત્યારે પ્રેમભગ્ન થઇ ‘દિલ દે કર, દર્દ લિયા..’ ગાતા રહેતા!

સંગીતના રસિકોને જગમોહનનાં બધા જ ગીતો ગમતા. ‘ઉસ રાગકો પાયલમેં જો સોયા હૈ...‘માં તેમને નૃત્યાંગના દેખાતી અને આ ગીત સાંભળીને જાણે ઝાંઝરમાંથી તેમનો પ્રિય રાગ ઝણકાર કરીને બહાર નીકળશે એવું લાગે! અને તેમણે ‘મેઘદૂત’માં ગાયેલું ‘ઓ વર્ષાકે પહલે બાદલ, મેરા સંદેશા લે જાના..’ સાંભળતાં શ્રોતા મંત્રમુગ્ધ થઇ આંખ બંધ કરે તો તેને પીત વસ્ત્ર પરિધાન કરેલ યક્ષ નજર આવે અને બન્ને હાથ ઉંચા કરી આષાઢના પહેલા દિવસે દૃશ્યમાન થતા મેઘને આર્જવતાપૂર્વક વિનંતિ કરતો દેખાય! તે સમયે એવું સાંભળવામાં આવ્યું હતું કે આ ગીતથી પ્રેરીત ઘણા યુવાનોએ મેઘદૂત વાંચવાની ઇચ્છા પ્રદર્શીત કરી હતી!

લેખની શરૂઆતમાં જણાવ્યા પ્રમાણે જગમોહને ફક્ત એક ફિલ્મ ‘સરદાર’માં સંગીત આપ્યું હતું. તેમાં લતાજીએ ‘પ્યારકી યે તલ્ખીયાઁ’ એટલી સુંદરતાથી ગાયું, તેમના સર્વશ્રેષ્ઠ ગીતોમાં તેની ગણના થઇ. સમયના વહેણમાં આ ગીત ખોવાઇ ગયું પણ તેમાં લતાજીએ જે નજાકતથી એક તાન લગાવી છે, સાંભળીને સાંભળનારાના રોમે રોમ ખડા થઇ જાય.

જગમોહન ઘણા ભાવુક સ્વભાવના સજ્જન હતા. તેમને જનતાએ અપૂર્વ સ્નેહ આપ્યો અને આ સ્નેહને પ્રતિસાદ આપવા તેમણે તેમના ચાહકોના આગ્રહથી તેઓ જ્યાં બોલાવે ત્યાં જઇ કાર્યક્રમ આપતા. સંગીતને તેમણે ધન ઉપાર્જન કે આજીવિકાનું સાધન માન્યું નહિ તેથી ફિલ્મ જગત પ્લેબૅક કે સંગીત નિર્દેશન તરફ ધ્યાન આપ્યું નહિ. તેમને સૌથી વધુ સ્નેહ આપ્યો હોય તો ગુજરાતની પ્રજાએ. ગુજરાતમાં તેમના અનેક કાર્યક્રમો થયા. તેમની પાસે તેમનું પોતાનું ઘર નહોતું. ગુજરાતના સાહિત્યકાર અને સંગીતના દર્દી શ્રી. રજનીકુમાર પંડ્યાએ તેમને પોતાને ઘેર બોલાવ્યા, જ્યાં તેમણે બે વર્ષ સુધી તેમની મહેમાનગતિ આનંદી. ત્યાર પછી તેમણે ગીતામંદિર નજીક ફ્લૅટ લીધો અને ત્યાં તેઓ એકલા રહ્યા. આપણા વરીષ્ઠ પત્રકાર તુષારભાઇ ભટ્ટે તેમની મુલાકાત લીધી હતી, જેનું તેમણે સુંદર વર્ણન પ્રસિદ્ધ કર્યું હતું. નવાઇની વાત તો એ છે કે તેમના ગીતામંદિરના વાસ્તવ્ય દરમિયાન તેમના પાડોશીઓ પણ જાણતા નહોતા કે સૂરસાગર તરીકે જાણીતા થયેલા ભારતના એ વખતના સૌથી વધુ લોકપ્રિય થયેલા ગાયક તેમની બાજુમાં રહેતા હતા!

જિપ્સી જાણતો નથી કે કેવા સંજોગોમાં સૂરસાગર જગમોહન અમદાવાદ છોડી મુંબઇ ગયા. મુંબઇમાં તેઓ કોને ત્યાં અને કેવી હાલતમાં રહ્યા તે બહુ ઓછા લોકો જાણે છે. તેમના અવસાનની માહિતી પણ ‘આવાઝકી દુનિયાકે દોસ્તો’ સુધી પહોંચી નહિ. લોકોએ એટલું જ જાણ્યું કે સપ્ટેમ્બરના બીજા અઠવાડીયામાં જગમોહન આ દુનિયા છોડી ગયા. આપણે તેમને શ્રદ્ધાંજલિ આપીએ અને પ્રાર્થના કરીએ કે તેઓ કૈલાસ ધામમાં ચિરંતન સ્થાન પામે અને નટરાજના દરબારમાં તેમના સંગીતથી નટેશની અર્ચના કરતા રહે.

Monday, November 7, 2011

જિપ્સીનો વિસામો: ડૉ. ભુપેન હઝારીકા

ગુવાહાટીમાં યોજાયેલા જાહેર કાર્યક્રમમાં ગાયક તન્મયતાથી ગાઇ રહ્યા હતા. વરસતા વરસાદમાં શ્રોતાઓ એટલી જ તન્મયતાથી સાંભળી રહ્યા હતા. કાર્યક્રમ પૂરો થવાની જાહેરાત કરવા કાર્યક્રમના સંચાલક સ્ટેજ પર આવ્યા, ત્યારે તેમની પાસે 'ફક્ત એક ખાસ ગીતની ફરમાએશ આવી. સંચાલકે સહિ જોઇ, ચિઠ્ઠી મોકલનાર તરફ જોયું, માનથી ગરદન હલાવી અને તરત ગાયક પાસે ગયા. વિનંતિ રજુ થઇ અને ગાયકે આસામીયામાં ગીત ગાયું, 'મોઇ એતી જાજાબોર..'

ગાયક હતા ડૉ. ભુપેન હઝારીકા. ફરમાયેશ મોકનાર હતા ભારતના તે સમયના પ્રધાન મંત્રી અટલ બિહારી વાજપેયીજી. વાહ તે ગાયક અને વાહ તેમના ચાહક!

જિપ્સી ભુપેનદાને અંજલિ આપવા માટે લેખ લખવા બેઠા અને તેમના મિત્ર શ્રી. ગજાનન રાવલે તેમને બિરેન કોઠારીએ તેમના પોતાના બ્લૉગમાં લખેલ લેખ તરફ ધ્યાન દોર્યું. બિરેનભાઇનો લેખ અપ્રતિમ ચિત્રફલક જેવો છે અને તેમાં ભુપેન'દાને અપાયેલ અંજલિ એવી તો પરિપૂર્ણ છે, જિપ્સી તેમાં કશું ઉમેરી શકે તેમ નથી. તેથી તે બિરેનભાઇના બ્લૉગની મુલાકાત લેવા આપને ખાસ વિનંતિ કરે છે.

અને અંતમાં અટલજીની વિનંતિથી ભુપેનદા'એ ગાયેલ ગીત - હું એક યાયાવર - જિપ્સી છું, 'મોઇ એતી જાજાબોર' સાંભળીશું. બિરેનભાઇના બ્લૉગમાં "આમિ એક જાજાબોર' છે તે મૂળ અસમીયા ગીતનું બંગાળી ભાષાંતર છે

Saturday, November 5, 2011

જિપ્સીનો વિસામો: હેમંત કુમાર - 'તુમ્હારા ઇન્તઝાર હૈ!'

હેમંતકુમાર - જેમને આપણે સહુ હેમંતદા’ના નામે ઓળખીએ છીએ, એન્જીનીયરીંગ કૉલેજમાં દાખલ થયા હતા. સંગીતના શોખના કારણે તેમણે ઇજનેરીનો અભ્યાસ છોડ્યો. પરમાત્માએ તેમને પત્થરના પુલ બનાવવાને બદલે માનવ હૃદયોને જોડવાનાં ભાવનાત્મક પુલનું નિર્માણ કરવાનું કામ સોંપ્યું હોય તેવું લાગે છે. શરૂઆતમાં તેમણે શાસ્ત્રીય સંગીતનું શિક્ષણ ખાંસાહેબ ફૈયાઝખાનસાહેબ પાસે લીધું, પરંતુ ખાંસાહેબના નિધનને કારણે શાસ્ત્રીય સંગીત અધવચ્ચે મૂકીને રવીંદ્રસંગીત તથા બંગાળના આધુનિક સંગીત તરફ વળ્યા. રવીંદ્ર સંગીતમાં તેમણે ગાયેલા ગીતો બેજોડ ગણાયા. ખાસ કરીને ‘મોને રોબે કિના રોબે આમારે’, ‘પાગલા હવા, બાદલ દિને’, ‘મન મોર મેઘેર સંગી, ઉડે ચલે દિગ્ દિગંતેર પાને’ તેમના પછી અનેક ગાયકોએ ગાયા. એટલું જ નહિ, અમારી અૉફિસર્સ મેસમાં થતી પાર્ટીઓમાં બંગાળી મહિલાઓ અને અફસરો આ ગીતો શોખથી ગાતાં, અને હજી પણ ગાય છે! પણ હેમંતદા'એ જે રીતે કવિગુરૂના શબ્દોને, સંગીતને મૂર્ત બનાવ્યું, વાહ! આ ગીત તો હેમંતદા'નું જ ગણાય!
તેમણે સૌથી પહેલું હિંદી ગીત ગાયું હોય તો તે ફૈયાઝ હાશમીનું ‘કિતના દુ:ખ ભુલાયા તુમને, પ્યારી!’ (ગયા અંકમાં જિપ્સીએ તેની માન્યતા પ્રમાણે લખ્યું હતું કે તેમનું પહેલું ગીત 'આંચલસે ક્યું બાંધ લિયા' હતું. કદાચ તે ભુલ ભરેલી માન્યતા હોય!)

હેમંતદા’ના સમકાલિન ગાયકો હતા જગન્મય મિત્ર - જેમને આપણે સુરસાગર જગમોહનના નામે ઓળખીએ છીએ, ધનંજય ભટ્ટાચાર્ય (જેમણે ‘યાત્રિક’માં ‘તુ ખોજતા હૈ જીસકો, બસતી હૈ યાદ મનમેં/વહ સાંવરા સલોના રહતા હૈ તેરે મનમેં’ ગાયું હતું) જેવા ગાયકો. અંગ્રેજી સાહિત્યમાં જેમ Romantic Period હતો, તેવો તે સમયે બંગાળમાં રોમૅન્ટીક, પ્રેમ ગીતોનો યુગ હતો. જગમોહન - ખેર, આજની વાત હેમંતદા’ની છે. જગમોહનની વાત ફરી કદી! તેઓ તો સુરસાગર જ હતા! બન્નેએ જુદા જુદા માર્ગ અપનાવ્યા અને બન્ને પોતપોતાના ક્ષેત્રમાં અનન્ય નીવડ્યા. ગમે તે હોય, હેમંતદા’ની વાત નિરાળી જ છે.

હેમંતદા’એ હિંદી ફિલ્મોમાં ગીતો ગાયા અને લોકોના હોઠે રમવા લાગ્યા! તેમણે ફિલ્મ અનારકલીમાં ગાયેલી બાગેશ્રી ‘જાગ દર્દે ઇશ્ક જાગ/દિલકો બેકરાર કર’ પણ એવું ગીત છે, કોઇ તેને કદી ભુલી શક્યું નથી. તેમનો forté હતો ઉર્દુ શાયરોની આર્દ્રતાભરી ગઝલ પેશ કરવાનો. અગાઉ જણાવ્યા પ્રમાણે તેમણે ગાયેલું ‘પત્થરકી તરહ હો દિલ જીસકા‘ તો આપે સાંભળ્યું જ હશે. પણ ત્યાર બાદ તેમણે ગાયેલ ‘જાને વો કૈસે લોગ થે..‘ એવી હૃદયસ્પર્શી હતી, રસિકો ઘણી વાર વિમાસણમાં પડતા કે હેમંતદા’એ ગાયેલી આ ગઝલને કારણે, સચીન દેવ બર્મનના સંગીત, ગુરૂ દત્તના અભિનયને લીધે કે પછી કવિની કરૂણાંતિકા-કથાને કારણે ‘પ્યાસા’ ફિલ્મ પ્રખ્યાત થઇ હતી. હકીકત તો એ છે કે આ બધા કલાકારો-સર્જકોએ તેના સર્જનમાં પોતાની ભાવનઓનું તેમાં સિંચન કર્યું હતું, તેથી. ત્યાર પછી હેમંતદા’એ ગાયેલી ‘તુમ પુકાર લો, તુમ્હારા ઇન્તઝાર હૈ’, હજી પણ શ્રોતાને તેના સ્નેહ જગતમાં લઇ જાય છે. છેલ્લા અંતરામાં તેઓ એવી હળવાશથી કહે છે, ‘મુખ્તસરસી બાત હૈ, તુમસે પ્યાર હૈ..’ સાંભળીને કોઇ પણ યુવતિ યુવાનના પ્રેમનો સ્વીકાર કરી લે! આપને તેમનું 'યહ નયન ડરે ડરે હુવે' યાદ છે?' કેવી હળવાશથી તેઓ જાણે પ્રેયસીના કાનમાં આ વાત ન કહેતા હોય! જિપ્સીને તેની કિશોરાવસ્થામાં સાંભળેલ તેમનું ગીત 'મૈં સાઝ બજાઉં, તુમ ગાઓ!' તેના પ્રિય ગીતોમાંનું એક બની ગયું છે.

હેમંતદા"એ સંગીતકાર તરીકે baton સંભાળ્યો, ત્યારે તેમણે ‘નાગિન’ જેવી સામાન્ય કથાને એવી હિટ ફિલ્મ બનાવી, ફિલ્મ રિલીઝ થતાં પહેલાં જ તેનાં ગીતોની રૅકર્ડ્ઝના વેચાણમાંથી જ ફિલ્મનો ખર્ચ નીકળી ગયો! ત્યાર પછી હેમંતદા’ના સંગીત પર વૈજયન્તીમાલાએ કરેલા નૃત્યો અભૂતપૂર્વ ગણાયા. ખાસ કરીને ‘મૈં આયી રે તેરે લિયે સારા જગ છોડકે’ ગીત પર કરેલા તેમનાં નૃત્યે તો ધમાલ મચાવી હતી. (અહીં વૈજયન્તીમાલાના નૃત્યની વાત કરીએ તો હેમંતદા’એ રચેલા આ ગીત બાદ તેમણે કોઇ ફિલ્મમાં ઉત્તમ નૃત્ય કર્યું હોય તો તે ‘જયુએલ થીફ’માં ‘હોઠોંપે ઐસી બાત’ હતું જેને જિપ્સી ન ભૂતો ન ભવિષ્યતિ ગણે છે! આવાં નયનરમ્ય, કલાપૂર્ણ નૃત્યો ફરી કદી રૂપેરી પરદા પર રજુ થયા નથી.) તેમણે સંગીતબદ્ધ કરેલી ફિલ્મ 'ખામોશી'નાં ગીતોએ તો માનવીની ભાવનાઓને સૂરમય બનાવી દિધી. તેમના નિર્દેશનમાં કિશોરકુમારે ગાયેલ ગીત 'વો શામ, કુછ અજીબ થી'હજી પણ 'તે' સંધ્યાને તાજી બનાવી દે છે. આવો હતો હેમંતદા'નો જાદુ! તેમને પ્રત્યક્ષ સાંભળવાનો જેમણે લહાવો લીધો છે તેઓ જેટલી તેમના ગીતોના આસ્વાદથી અભિભૂત થયા એટલા જ તેમની વિનમ્રતાથી ગદ્ગદ્ થયા છે. આપણા મિત્ર શ્રી. માર્કન્ડભાઇએ ગયા અંકમાં આની વાત લખી છે તે આની સાક્ષી પૂરે છે.

હેમંતદા’ના સંગીતની શી વાત કરીએ! અને તેમણે ગાયેલાં ગીતોની! તેમના સંગીતને આપણે માણી શક્યા તે આપણું સદ્ભાગ્ય જ ગણાય.

Tuesday, November 1, 2011

જિપ્સીનો વિસામો: આંચલસે ક્યું બાંધ લિયા...

“શાને બાંધ્યો મને સ્નેહના તાંતણે?”
આપણી મુગ્ધાવસ્થામાં કોઇ સુંદર કન્યાએ આપણી સામે જોઇને કરેલું મોહક સ્મિત ચિત્તમાં જેમ કાયમ માટે ચિત્રીત થાય, તે રીતે કેટલાક ગીતો પણ મનના ટેપ રેકોર્ડરમાં કાયમ માટે અંકાઇ જતા હોય છે. બસ, કોઇ વાત, કોઇ શબ્દ અથવા હવાની એવી લહેર આવીને મન, ચિત્ત અને હૃદયના તાર પર હળવો સ્પર્શ કરી જાય, તે સ્મિત, ગીત અને પ્રસંગ ફરી એક વાર અંતરની આંખ - ‘inward eye’ સામે અભાવિત રીતે ઉપસ્થિત થાય છે, તેના સૂક્ષ્મ સૂર કાનનાં પડદાને ઝંકારી જાય છે. હોઠનાં ખૂણાં થોડા મરકી ઉઠે. આવું થાય ત્યારે કોઇ પૂછે, ‘અરે ભાઇ, ક્યાં ખોવાઇ ગયા છો?’ તેને કેમ કરીને કહેવાય કે ભાઇ, જાગૃતાવસ્થાનું સ્વપ્ન, જેને કવિઓ reverie કહે છે, તે આ જ હોય છે? કેવી રીતે તેને સમજાવીએ કે વિતેલા જીવનમાં અનુભવેલા પ્રેમ, વિયોગ, ભગ્ન હૃદયની વિષમ અવસ્થાને ફરીથી કોઇ યાદ કરાવે છે? વિચારો આવે છે:

કેટલું રમ્ય એ બાલપણ હતું?

સ્નેહના તાંતણે આ પરદેશીના પ્રેમને તમે શા માટે બાંધી લીધો? આવતી કાલનું પ્રભાત ઉગે તે પહેલાં તો હું ચાલ્યો જવાનો છું!

પાષાણ સમું જેમનું હૃદય હોય, તેને હૃદયમાં સ્થાન આપીને શું કરીશું?

આ રજની, આ ચાંદની ફરી ક્યારે મળશે? અરે, આજે તો તમે મારા હૃદયની કથની સાંભળતા જાવ!

વ્યક્ત-અવ્યક્ત પ્રેમ, ઝંખના, વિયોગને કવિએ શબ્દ આપ્યા, તેને જીવંત કર્યા હેમંત કુમાર મુખોપાધ્યાયે. હા આપણા હેમંતકુમારે!

રવીંદ્રસંગીતમાં બંગાળી અને પ્રવાસી બંગાળીઓ (Non Resident Bengali!)નાં ચહેતા આ ગાયકે પહેલી વાર હિંદી ગીત ગાયું ત્યારે બિનફિલ્મી ગીતોના જગતમાં વિદ્યુલ્લેખા ચમકી. વિજળીનો આ તરંગ એવો હતો કે તેની ચમક અનેક વર્ષો સુધી સંગીત-નભમાં દમકતી રહી. ગીત હતું, ‘આંચલસે ક્યું બાંધ લિયા, મુઝ પરદેસીકા પ્યાર!’
આ ગીત સાંભળતાં આંખની સામે ફિલ્મ ‘જવાબ’નું દૃશ્ય જરા જુદી રીતે ઉભું થતું. અહીં પરદેશી યુવાન સ્મૃતીભ્રંશથી પીડાતો નથી. નાનકડા wayside stationના સ્ટેશન માસ્તરની મુગ્ધમનની યુવતિ તેને નયનો દ્વારા સ્નેહને તાંતણે બાંધી લે છે, પણ કહી શકતી નથી કે તે યુવાનને ચાહે છે. યુવાન જાણે છે કે સૂર્યનાં પહેલાં કિરણો ક્ષિતીજમાંથી ડોકિયું કરે તે પહેલાં તેને જતાં રહેવાનું છે અને .... બસ આગળ તો આપે આ ગીત સાંભળવું જ રહ્યું! હેમંતકુમારે કેટલી ઉત્કટતા અને સમજથી ગીત ગાયું કે રેકૉર્ડ બહાર પડતાં જ સંગીત નભમાં એક તેજસ્વી તારાનો ઉદય થયો!

ત્યાર પછી ‘ભલા થા કિતના અપના બચપન’ આવ્યું. કોઇ કોઇ ઠેકાણે અપદ્યાગદ્ય જેવી લાગતી પંક્તિઓનું આ ગીત કેમ ન હોય, રસિકોએ તેને ક્ષુધાતુર ચાતકની જેમ માણ્યું. અને પછી સિલસીલો શરૂ થયો:
પત્થરકી તરહ હો દિલ જીસકા, ઉસે દિલમેં બસા કર ક્યા કરેં?’

હેમંતબાબુની repertoire તથા ગાન-ક્ષિતિજ એટલાં વિસ્તીર્ણ હતા, કે તે સમયે તેમણે ગાયેલ ભક્તિગીતમાં પણ તેમના હૃદયનો ભાવ સ્પષ્ટ થતો અનુભવાતો. કોઇ પણ સુગમ સંગીતના ગાયક બાગેશ્રીમાં કોઇ ગીત ગાય, જિપ્સીને તો હેમંતબાબુએ ગાયેલું ‘મધુબનમેં ન શ્યામ બુલાવો‘ યાદ આવી જતું. તેમાં પણ તેઓ આર્તસ્વરે ગાતાં, “બેબસ કો દુનિયા ઠુકરાયે, તુમ તો નહિં ઠુકરાવો‘ ગાઇ સમ પર આવે ત્યારે શ્રોતાને રોમાંચ થઇ આવે! અને બીજા અંતરામાં ‘જીસ દિલમેં તુમ્હારા પ્યાર બસા, ફિર સૂના મન ગુલઝાર બના/તુમ બસંત બન કર આઓ..‘ સાંભળીએ તો ખરેખર રાધિકાના હૃદયમાં વસંત કેવી રીતે ખિલી ઊઠ્યો હશે તેનો અંદાજ આવી જાય! બંગાળીમાં ‘અદ્ભૂત’ શબ્દ છે, પણ સાચે જ કોઇ અદ્ભૂત વાત જોવામાં કે સાંભળવામાં આવે, તેઓ બોલી ઉઠે છે, ‘ચોમોત્કાર!’ હેમંતબાબુનું ‘મધુબનમેં..’ ગીત પૂરૂં થાય ત્યારે આ જ શબ્દ મુખમાંથી નીકળે: ચોમોત્કાર!

હેમંતબાબુની ભાવથી નિતરતાં ગીત ગાવાની શૈલી પણ આગવી જ. ફિલ્મ જગતમાં આવ્યા બાદ તેમણે ગાયેલા ગીતો હજી હૃદય હલાવી દે. વર્ષો વિતી ગયા છતાં તેમણે ગાયેલા ગીતોને હજી પણ ‘ભૂલે બિસરે ગીત’માં સ્થાન આપવાની કોઇની હિંમત નથી ચાલી. તેમણે જે ફિલ્મોમાં ગીતો ગાયા, કોઇ ભુલી શક્યું નથી. અરે, સાવ અજાણી ગણાતી ફિલ્મ ‘બાદબાન’ (મહાનાયક અમિતાભ બચ્ચનનું નહિ, પણ ખુદ અમિતાભ જેમને મહાનાયક કહે છે તે દિલીપસાહેબની ફિલ્મ)માં તેમણે ગાયેલું, “કૈસે કોઇ જીયે?’ યાદ છે આપને? તેમાં જે રીતે તેમણે ‘ઊઠા તુફાન, આસકે સબ બુઝ ગયે દિયે..’ ઉપાડ્યું, દિલમાં તીવ્ર કસક ઉપડે. ખાસ તો છેલ્લા અંતરામાં‘પ્યાસે પપિહરે...’ ઉચ્ચારે છે ત્યારે દિલીપકુમારના ભાવ અને તેને સંપૂર્ણ રીતે ઓપી ઉઠે તેવા સૂરમાં હેમંતબાબુએ આ ગીત ગાયું. આ ગીતના સંગીતકાર તિમીરબરને આ સાંભળીને ‘ચોમોત્કાર’ જરૂર કહ્યું હશે.

હંમેશની જેમ જિપ્સી કલાકારના જીવનની તારીખોમાં ઉલઝાવાને બદલે તેમની કલાનો આપની સાથે મળીને રસાસ્વાદ કરવામાં માને છે. કવિનો કલામ બંધ મહેફીલમાં સંકોચાઇ ન રહે તે માટે સૂરસર્જક તેને melody - બંદીશમાં ઢાળે અને શ્રેષ્ઠ ગાયકની ખુબી કવિ તથા સૂરસર્જકના ભાવ, તેમનાં સંવેદનોને સમજી તેમાં પોતાના પ્રાણ ઉમેરવામાં હોય છે. પછી ભલે તેમને અંતરાની ચારે’ક પંક્તિઓ ગાવાનું કહેવામાં આવે કે આખું ગીત. પંડિત હૃદયનાથ મંગેશકરે સંગીતબદ્ધ કરેલું માછીમારોનું કોંકણી ગીત ‘મી ડોલકર, દર્યાચા રાજા’ તેમણે હેમંતબાબુ તથા લતાદિદિ પાસે ગવડાવ્યું તે હજી ગવાય છે, સંભળાય છે, કદી ભુલાયું નથી અને ભુલાશે નહિ!

હેમંતબાબુના ‘હિટ‘ થયેલા ગીતો અસંખ્ય છે. કયા ગીતને અહીં રજુ કરીએ, ક્યા ગીતને ફરી ફરી સાંભળવાનું મન થાય, મન અચંબામાં પડી જાય. એક એક ગીતની પંકતી મનના દરવાજા પર સાંકળ ખખડાવે છે, અને કહે છે, અમને અંદર આવવા દો! ખાસ કરીને પૂર્ણ કળાએ ખિલેલી ચાંદનીમાં સમુદ્રની લહેરો સાથે આવતા મંદ પવનમાં ગિટારના ઝણકાર સાથે હેમંતબાબુએ ગાયેલું, સચિન દેવ બર્મને સુરબદ્ધ કરેલું ‘યે રાત યે ચાંદની ફિર કહાં....’ કદી ભૂલાશે?

હેમંતબાબુ વિશેની વાત જિપ્સી અહીં પૂરી કરશે તો તેમના પ્રત્યેના આદરમાં અપૂર્ણતા મહેસૂસ થશે. હજી તો કેટલીયે વાતો કરવી છે, ગીતો સાંભળવા છે, જેને તે આવતા અંકમાં રજુ કરશે.

આજે તો અહીં વાત પૂરી કરવી પડશે! જતાં જતાં તેમણે live concertમાં ગાયેલું ગીત “ઝીંદગી કિતની ખુબસુરત હૈ...” સાંભળીશું. આવા સંગીતકારોનાં ગીતો આપણાં જીવનમાં જ્યાં સુધી છે, જીવન હંમેશા સૌંદર્યપૂર્ણ રહેશે.

(વધુ આવતા અંકમાં)