Friday, January 20, 2017

આસપાસ ચોપાસ : ફિક્કી દાળ, બળેલી રોટલી... અંતિમ ભાગ.

ફિક્કી દાળનો વિવાદ શરૂ થયો તે BSFના કૉન્સ્ટેબલ તેજ બહાદુર યાદવના વિડિયો પરથી. તેણે ફેસબુક પર મૂકેલ વિડિયો દેશ - પરદેશમાં લગભગ એક કરોડ વાર જોવાયો. છાપાંવાળાંઓએ એટલા જ શબ્દોમાં તેની ચર્ચા કરી. યાદવની દેખાદેખી ભારતીય સેનાના લાન્સ નાયક યજ્ઞપ્રતાપ સિંહે પણ ફરિયાદ કરી, જો કે તેની શિકાયત અફસરના સહાયક તરીકે સેવા બજાવવા વિશે કરી હતી. આપણે યાદવના વિડિયોની વાત કરીશું.

BSFના જવાનોની ફરજ ભારતીય સેનાના જવાનો કરતાં પણ અત્યંત સખત હોય છે. સૈન્યમાં દરેક બટાલિયનને સીમા પર (જેને અૉપરેશનલ એરિયા કહેવાય છે) બે વર્ષ માટે તહેનાત કરવામાં આવે છે. આમ તેમનો બે વર્ષનો અવધિ પૂરો થાય ત્યારે આખી બટાલિયનને Peace Stationમાં, એટલે શહેરોમાં આવેલા કેન્ટોનમેન્ટમાં બે વર્ષ માટે મૂકવામાં આવે છે. ત્યાં જવાનો માટે ફૅમિલી ક્વાર્ટર્સ હોય છે. તેમના રહેઠાણમાં પાણી, વિજળી, જરૂરી મરામત વિગેરે પૂરી પાડવા MES - મિલિટરી એન્જિનિયરીંગ સર્વિસ હોય છે.  મિલિટરીની જે બટાલિયને અતિ સખત વિસ્તારમાં સેવા બજાવી હોય તેને સારામાં સારા ‘પીસ સ્ટેશન’ પર મોકલવામાં આવે છે. તંગધારમાં અમારી બટાલિયનની જોડે જે ગુરખા બટાલિયન હતી, તેના બે વર્ષ પૂરાં થતાં તેમને પુનાના કેન્ટોનમેન્ટમાં મોકલવામાં આવી હતી. ત્યાં બે વર્ષ માટે તેઓ ફક્ત ટ્રેનિંગ અને કઠણ હાલતમાં સેવા બજાવ્યા બાદ થાક ખાવા માટે રોકાયા હતા. અમારી બટાલિયનને તંગધારમાં ત્રણ વર્ષ સેવા બજાવ્યા બાદ બાંગલાદેશની સરહદ પર મોકલવામાં આવી હતી. BSF માટે કદી ‘પીસ સ્ટેશન’ હોતું નથી. 

***
BSFની ચોકીઓમાં રોજિંદી ડ્યુટી નીચે પ્રમાણે હોય છે.

ચોકીમાંના મોટા ભાગના સૈનિકોને રોજ રાતે સીમા પર આવેલા બાઉન્ડરી પિલરના વિસ્તારમાં આતંકવાદીઓ અને દાણચોરોને રોકવા અને પકડવા નાકાબંધી માટે જવું પડે છે. કઈ જગ્યાએ નાકાબંધી કરવાની છે તેની જાણ છેલ્લી ઘડી સુધી તેમને આપવામાં આવતી નથી. 
કચ્છના રણમાં બાઉન્ડરી પિલર નજીક પેટ્રોલિંગ કરતી BSFની ટુકડી

ગુજરાત -  રાજસ્થાનના થારના રણ વિસ્તારમાં BSFની બે ચોકીઓ વચ્ચેનું અંતર પંદરથી વીસ કિલોમિટર હોય છે, જ્યારે પંજાબમાં પાંચથી છ કિલોમિટર. હથિયાર, રાતે અંધકારમાં જોઈ શકાય તેવા ઇન્ફ્રારેડ કિરણના ચશ્મા તથા અન્ય સામગ્રી લઈ સજ્જ થયેલા સૈનિકોને સૂર્યના અસ્ત થતા છેલ્લા કિરણના સમયે તેમને હેડક્વાર્ટર નક્કી કરેલા આંતરરાષ્ટ્રિય સીમા પર આવેલા સ્થળ પર જવાનો હુકમ આપવામાં આવે છે. આ સ્થળ પર ટૅક્્ટીકલ મોરચા બાંધી સૈનિકો આખી રાત ફરજ બજાવે. વહેલી સવારે આ સૈનિકો પાછા ફરે ત્યારે ચોકીની અંદર આખી રાત પહેરો ભરનાર સૈનિકો સીમા પર ‘પગ માર્ક’ (એટલે રાતના સમયે નાકા બંધી કરેલ જગ્યાઓ વચ્ચેના ખાલી ભાગમાંથી કોઈ આતંકવાદી, દાણચોર કે ઘૂસપેઠિયાઓએ આપણી સીમા પાર કરી હોય તો તેમનાં પગલાં તપાસવા અને) નિરિક્ષણ કરવા જતા હોય છે.

સીમા પર નાકાબંધી કરીને પાછા ફરેલ સૈનિકોને સવારની ચ્હા અને શિરામણ આપવામાં આવે છે. બે - ત્રણ કલાકના આરામના સમયમાં તેઓ નાહી-ધોઈ, તાજો યુનિફૉર્મ પહેરી પરેડ પર લાગી જતા હોય છે જેમાં હથિયાર સફાઈથી માંડી અન્ય  કવાયત,  સરહદ પર ફરીથી પેટ્રોલિંગ કરવા જાય કે ચોકીમાં બાંધવામાં આવેલ watch towerમાંથી ચારે તરફ નિરિક્ષણ કરે. સૈનિકો બપોરના ભોજન વારા ફરતી ઊંઘ પૂરી કરવાનો પ્રયત્ન કર્યા બાદ રાતની ડ્યુટી માટે તૈયારી કરે. સાંજ પડતાં ફરી નાકા બંધી, ગિસ્ત, પહેરો શરૂ થઈ જાય.

દરેક ચોકીમાં જવાનો માટે ભોજન રાંધવા એક રસોઈયો અને તેને મદદ કરવા બે જવાનોને ફરજ સોંપવામાં આવે છે. ત્રણ જણાની આ ‘ટીમ’ પરોઢિયે ચાર વાગ્યાથી કામ પર લાગી જાય. સૌ પ્રથમ ચોકીમાં આખી રાતનો ઉજાગરો કરી ચોકી કરનાર સૈનિકોને ચા, ત્યાર બાદ સીમા પરથી આવેલા સૈનિકો સમેત સઘળા સૈનિકો માટે શિરામણ રાંધવાનું. આ કામ પૂરું થતાં વાસણ ધોઈ તરત બપોરનું ભોજન રાંધવાની શરુઆત થઈ જાય. છેલ્લો સૈનિક બપોરનું ભોજન પતાવે ત્યાં બપોરની ચાનો સમય થાય અને રાતનું ભોજન રાંધવાની શરુઆત. આપે યાદવની ‘ક્લિપ’ જોઈ તેમાં રોટલી શેકનાર સિપાઈ પ્રશિક્ષિત રસોઈયો નથી, પણ રસોઈયાને મદદ કરનાર યોદ્ધા છે. જે રીતે તે રોટલી શેકે છે, તેના પરથી આપને ખ્યાલ આવ્યો હશે. જ્યારે રસોઈયો તેના હક્કની વાર્ષિક રજા પર જાય ત્યારે તેની અવેજીમાં કામ કરવા એક યોદ્ધાને મૂકવામાં આવે છે. સ્વાભાવિક છે કે ઘણી વાર બોર્ડર પર સેવા બજાવનાર સૈનિકો માટે તૈયાર થતું ભોજન રસોઈયાને બદલે સામાન્ય સૈનિક રાંધતા હોય છે. ઉપરની ક્લિપમાં જોયું હશે કે કિચનમાં રંધાયેલી દાળ રંગહિન, સ્વાદહિન દેખાતી હતી, પણ શાકના રંગ અને તેના પરના વઘાર પરથી ખ્યાલ આવ્યો હશે કે તે સૈનિકોથી બને એટલી આવડત અને કુશળતાથી બનાવી છે. 

અહીં એક તથ્ય બહાર આવે છે કે જવાનોના ભોજન રાંધવા માટેની વ્યવસ્થામાં ઘણો સુધારો આણવાની જરૂર છે.

હવે જોઈશું BSFના જવાનોના રાશનની વ્યવસ્થા.

જ્યારે BSFને મિલિટરીના અૉપરેશનલ કન્ટ્રોલ નીચે મૂકવામાં આવે ત્યારે તેમને મિલિટરી તરફથી તેમના સ્કેલ પ્રમાણે રાશન આપવામાં આવે છે. અન્ય સ્થળોએ  - એટલે જમ્મુ-કાશ્મિર સિવાય અન્ય જગ્યાએ સેવા બજાવતી BSFની ૭૦થી ૮૦ ટકા બટાલિયનોમાં વ્યવસ્થા જુદી હોય છે. આ યુનિટોને સૈન્યનું રાશન આપવામાં આવતું નથી. જવાનોને દર મહિને ભોજન અેલાવન્સ અપાય છે, જેમાંથી રાશન ખરીદવાની જવાબદારી કંપની કમાંડરની હોય છે. આ કામ કરવા ચારથી પાંચ સભ્યોની મેસ કમિટી ચૂંટાય છે, જે જવાનોએ નક્કી કરેલા menu મુજબ બજારમાંથી મહિનાનું રાશન ખરીદીને લઈ આવે છે. આ રાશન જવાનોને મળતા ભોજન માટેના એલાવન્સમાંથી લેવાતું હોવાથી (જુના જમાનામાં) પોષક તત્વોને સ્ટાન્ડર્ડ ગણવા કરતાં સ્થાનિક બજારમાં મળતી મૂળભૂત વસ્તુઓ પર વધુ ધ્યાન આપવામાં આવતું. તેમાં આવી જાય દાળ, રોટી, શાકભાજી કઠોળ, ચ્હા, ખાંડ અને મસાલા. આમ દર મહિને ખરીદીને લાવવામાં આવતું રાશન દરેક ચોકીમાં મોકલવામાં આવે છે. ગુજરાત - રાજસ્થાનમાં હાલત સૌથી ખરાબ હોય છે. રણમાં આવેલી ચોકીઓમાં તાજાં શાકભાજી મોકલવા મુશ્કેલ છે કેમ કે નજીકથી નજીકનું બજારહાટવાળું ગામ ચોકીથી ૪૦ - ૫૦ કિલોમિટરના અંતરે હોય છે જ્યાં બજેટને કારણે અઠવાડિયામાં એક વાર પણ વાહન મોકલી શકાતું નથી. તાજા દૂધને બદલે મિલ્ક પાવડર કામ ચલાવવું પડે. આનું મુખ્ય કારણ એ છે કે BSFમાં મિલિટરી જેવું infrastructure કે supply chain હોતી નથી.


***

આપે જોયેલી ક્લિપમાં BSFના જવાને એક ગંભીર આરોપ કર્યો હતો કે મિલિટરીના કંટ્રોલ નીચે કામ કરી રહેલ બટાલિયનોમાં રાશન તો સરખી રીતે પહોંચી જાય છે, પણ “ઉપરી” અધિકારીઓ તે બારોબાર વેચી નાખતા હોવાથી તે મને તેમના હકનું રાશન મળતું નથી. અહીં ફક્ત એક વાત કહેવી યોગ્ય ગણાશે કે આક્ષેપ અને આરોપ જ્યાં સુધી પૂરવાર ન થાય ત્યાં સુધી તેના પર વિશ્વાસ ન કરાય. બીજી વાત : આજકાલ સૈન્યમાં ભરતી થનારા અદના સૈનિકો બારમી કે તેથી આગળનો અભ્યાસ કરી ચૂકેલા હોય છે. તેમનામાં પોતાના હક્ક વિશે એટલી જાગૃતિ આવી છે, તે અન્ય કોઈ નહિ તો રાશનની બાબતમાં આ પ્રકારનો ભ્રષ્ટાચાર સાંખી લેતા નથી. વળી અફસરો પોતે જાણતા હોય છે કે સૈનિકોનું મનોબળ જાળવી રાખવા માટે નીચે જણાવેલી ત્રણ બાબતો પર કોઈ જાતની બાંધછોડ કરી જ ન શકાય : ત્રણ વખતનું તેને મળતા રાશન મુજબનું ભોજન, દર મહિનાની પહેલી તારિખે પગાર અને જરૂરિયાત પ્રમાણે જવાનને તેના હક્કની વાર્ષિક રજા મળવા જ જોઈએ. આવું ન થાય તો સૈનિકોના મનોબળ પર પ્રતિકૂળ અસર પડતી હોય છે અને તેનાં પરિણામ ગંભીર સ્વરુપના હોઈ શકે છે. 

ભારતીય સેનામાં જુના સમયથી એક વાત કહેવાતી આવી છે : There are good officers and bad officers, but never a bad soldier. જવાનોના માનસમાં શિસ્ત અને જીવના જોખમે પણ ઉપરી અધિકારીના હુકમનું પાલન કરવાની વૃત્તિ હોય છે અને તે નિયમિત રીતે કેળવવામાં આવે છે. અંગ્રેજોના સમયના ભારતની સેનાના કમાંડર ઇન ચીફ ફિલ્ડ માર્શલ સર ફિલિપ ચૅટવૂડે ભારતીય સેનામાં અફસરોને કેળવણી આપવા માટે સ્થપાયેલી સૅન્ડહર્સ્ટ જેવી ઈન્ડિયન મિલિટરી અેકેડેમીને ધ્યેયસૂત્ર આપ્યું, જે હજી પણ ટ્રેનિંગ બાદ અફસર બનેલા કૅડેટ શપથ તરીકે સ્વીકારે છે:
The safety, honor and welfare of your country come first always and every time.

The honor, welfare and comfort of the men you command come next.

Your own ease, comfort and safety come last, always and every time.

આ mottoનાં મહત્ત્વ પર ભારત સરકારના ગૃહખાતા નીચે આવતા દળોમાં કેટલી હદ સુધી ભાર અપાય છે તે જાણવું અશક્ય છે. જો હોત તો BSFના જવાનની ફરિયાદ જગજાહેર ન થાત. 

આ લેખમાળામાં પહેલાં જણાવ્યા પ્રમાણે દેશની રક્ષા કરનાર જવાનો અને જુજ કિસ્સાઓમાં જુનિયર અફસરો પર થતા અન્યાય કે તેમના અધિકારોની અવગણના પાછળ human element જવાબદાર હોય છે.

મૅનેજમેન્ટ શાસ્ત્રના જાણકારો હંમેશા કહેતા આવ્યા છે કે કોઈ પણ સંસ્થામાં તેના ઉચ્ચ સ્તર પર લેવાતા નિર્ણયો તથા નીતિઓના પાલનમાાં First Line Managers અતિ મહત્વની કડી સમાન હોય છે. તેમના થકી Human Resource Managementની મૂળભૂત નીતિઓ અમલમાં મૂકાતી હોય છે. આનું પાલન થાય છે કે નહિ તે તપાસવા monitoringની વ્યવસ્થા કરવામાં આવે છે. 

આ વાતને સૈન્યના સંબંધમાં જોઈએ તો તેમાં કંપની કમાંડર ફર્સ્ટ લાઈન મૅનેજર હોય છે. જવાનોને પોષક અને સ્વાદિષ્ટ ભોજન મળે છે કે નહિ તે તપાસવાની કંપની કમાંડરની અંગત જવાબદારી હોય છે. આ કામ તેઓ જાતે અથવા તેમના તાબા હેઠળના અધિકારી (પ્લૅટુન કમાંડર) દ્વારા ચકાસતા હોય છે. જો આ અધિકારીઓ તેમની ફરજમાં ચૂકી જાય અને જવાનોમાં અસંતોષ ફેલાય તેનું નિવારણ કરવા અન્ય યંત્રણા હોય છે. બટાલિયનના સેકન્ડ-ઈન-કમાંડ (2IC)ને યુનિટના વેલફેર અૉફિસરની જવાબદારી સોંપાતી હોય છે અને તેમણે આ બાબતમાં થતી ફરિયાદ પર સીધો હસ્તક્ષેપ કરવો જોઈએ.  સિપાઈ તેજ બહાદુર યાદવની બાબતમાં આખી system જ બેદરકારીમાં ડૂબી હતી. કોઈએ તેમની જવાબદારી નિભાવી નહિ. આ વાત સરકારના ધ્યાનમાં આવતાં જ ગઈ કાલના જ - એટલે ૧૯ જાન્યુઆરી ૨૦૧૭ના રોજ ભારત સરકારના ગૃહખાતાએ યાદવની બટાલિયનના સીઓ (કમાંડીંગ અૉફિસર) અને 2ICની તાત્કાલિક બદલી ત્રિપૂરામાં કરી અને ઉચ્ચ કક્ષાની ઈન્ક્વાયરી શરૂ કરી છે. 

***

વિશ્વના સઘળા સૈન્યોમાં નિષ્ઠા અને પ્રામાણિકતા પર અફસરો તથા સૈનિકોના પાયાના શિક્ષણથી જ ભાર અપાય છે. તેમ છતાં સૈન્યમાં ભ્રષ્ટાચાર થવાની વાતો બહાર આવતી રહે છે.  ભારતીય સેનાની વાત કરીએ તો છાપાંઓમાં સુખના જમીન (Sukhna Land Scam), મુંબઈના આદર્શ ફ્લૅટ્સમાં ખુદ સેનાધ્યક્ષની સંડોવણી, શ્રીલંકામાં ભારતીય સેનાને મોકલવામાં આવી હતી ત્યારે તેમને પહોંંચાડવામાં આવનારી રસદની ખરીદીમાં કરોડોનો ભ્રષ્ટાચાર થયો હતો . આ બાબતોમાં થયેલી તપાસ અને કોર્ટ માર્શલમાં આ દુરાચાર માટેના જવાબદાર લેફ્ટેનન્ટ જનરલ અને મેજર જનરલનો હોદ્દો ધરાવનાર અફસરોને સખત સજા કરવામાં આવી હતી. હાલમાં જ અૉગસ્ટા  વેસ્ટલૅન્ડ હેલિકૉપ્ટરના કૌભાંડમાં ભારતીય વાયુસેનાના અૅર ચીફ માર્શલ ત્યાગીની ધરપકડ કરવામાં આવી જે સૌ જાણે છે. 

નીચલા એટલે બટાલિયન લેવલ પર, જ્યાં કમાંડીંગ અફસરથી માંડી અદના સિપાઈઓને ખભા સાથે ખભો મેળવી દુશ્મન પર ધસી જવાનું હોય ત્યાં આવો ભ્રષ્ટાચાર શક્ય નથી. એક તો અધિકારીઓ પાસે નાણંાકિય સાધન કે મિલ્કતની જવાબદારી હોતાં નથી. જવાનોનું રાશન સીધું તેમના હેડક્વાર્ટરમાં પહોંચે તેથી તે બજારમાં વેચાય તે શક્ય નથી. જો એવું હોત તો ભારતીય સેનામાં અનેક વાર બળવો  થઈ ચૂક્યો હોત. આવો ભ્રષ્ટાચાર કદી થયો નથી. કારગિલ જેવા દુર્ગમ ક્ષેત્રમાં સૈનિકોએ તેમના અફસરો સાથે ધસી જઈ, પ્રાણની આહૂતિ આપી દુશ્મનને પરાસ્ત કર્યો તે આ વાતની સાક્ષી પૂરે છે કે ભારતીય સેનાના અફસરો તેમના જવાનોની સુખાકારી માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરી શકે છે. 

ચર્ચાના ઉપસંહારમાં કહી શકાય તેવા કેટલાક કટુ સત્ય છે.

ભારતમાં આપણી રાજ્ય અને શિક્ષણ પદ્ધતિમાં ભ્રષ્ટાચાર એટલી હદ સુધી ફેલાયો છે કે તેના મારની કળમાંથી આપણો સમાજ હજી બહાર આવી શક્યો નથી. મારી દૃષ્ટિએ ગુજરાત રાજ્ય એક અપવાદ છે જ્યાં ભ્રષ્ટાચાર સામે લડવાની વૃત્તિ વધુ સજાગ છે. 

અન્ય પ્રદેશોમાં - ખાસ કરીને વરીષ્ઠ અધિકારી વર્ગમાં systemનો અનુચિત લાભ લેવાની વૃત્તિ વધી ગયા જેવું લાગે. કેન્દ્ર અને રાજ્ય સરકારોના વરીષ્ઠ અને કનિષ્ઠ અફસરોની વાત કરીએ તો Pay Commission દ્વારા અપાતા પગાર વધારાની માત્રા સારી હોવા છતાં કરોડોની અસ્ક્યામતો હાંસલ કરવાની તેમની વૃત્તિ વધતી જ જાય છે. રોજ વાંચવામાં આવે છે કે દેશની પ્રથમ કક્ષાની સેવાઓના અફસરો પાસે કરોડોની દોલત હોવાને કારણે તેમની સામે પગલાં લેવામાં આવ્યા છે. સિવિલ ક્ષેત્રમાં આ વ્યાપક જણાતું હોય પણ સશસ્ત્ર દળોમાં અગાઉ જણાવેલા કેટલાક સ્તર સિવાય અન્ય હોદ્દાઓના અફસરોમાં આવા લાભ મેળવવાની શક્યતા હોતી નથી. બટાલિયનના અફસરોના સ્તર સુધી અન્ય પ્રકારનો અનાચાર જોવા મળે છે; જેમ કે અફસરોના તાબા હેઠળના યોદ્ધાઓનો અંગત નોકરની જેમ ઉપયોગ કરવો અને તેનો ઇન્કાર કરનાર સૈનિકોને સજા આપવી. આ બાબત પર જુદો લેખ લખી શકાય. આવી જ બીજી બાબત છે સરકારી ગાડીઓનો અંગત કામ માટે ઉપયોગ વિગેરે. આ બન્ને વિષયો પર ઘણી વિડિયો ક્લિપ આજકાલ ફેસબુક જેવા સોશિયલ માધ્યમોમાં વહેતી થઈ છે.

અંતે તો સઘળી વાત માણસની વૃત્તિ, તેને મળેલા સંસ્કાર અને મૂલ્યો પર આવીને અટકી જાય છે. 

આપણા એક વાચક શ્રી. પીયૂષભાઈના પ્રતિભાવ મુજબ સઘળી વાતોનું મૂળ Human Elementમાં થયેલા સડાને કારણે છે. આ ‘તત્ત્વ’માં યોગ્ય સંસ્કારો તથા માનવી મૂલ્યોનું સિંચન થાય તો તે કેવળ વ્યક્તિને જ નહિ, સમગ્ર રાષ્ટ્રને એક સ્તર પરથી બીજા સ્તર પર લઈ જાય છે.

***

સૈનિકોનો અંગત નોકરની જેમ ઉપયોગ કરવા વિશે એક વિનોદી વાત : 

ગ્રામ્ય વિસ્તારમાંથી આવેલા એક સૈનિકને અફસરના ‘સહાયક’ની ડ્યુટી મળી. અફસર પત્નીએ તેને રસોડામાં કામે લગાડ્યો. કૂકર પર દાળ ચઢાવી મૅડમે સહાયકને કહ્યું, “બે સીટી વાગે એટલે ગૅસ બંધ કરી નાખજે.”

“ઠીક છે, મેમસા’બ. પણ સીટી કોણ તમે વગાડશો કે સાહેબ?”

Sunday, January 15, 2017

આસપાસ ચોપાસ : ફિક્કી દાળ... ભાગ ૨.

હવે આપણે સૈન્યમાં અપાતા રાશન વિશે ટૂંકમાં વાત કરીશું.

આપણે જોયું હતું કે સેનામાં બે મુખ્ય વિભાગ હોય છે : આર્મ અને સર્વિસ. આમાં રાશનની ખરીદીથી માંડી તેનેે ફ્રન્ટ સુધી પહોંચાડવાની જવાબદારી સર્વિસ વિભાગમાં આવતા આર્મી સર્વિસ કોર (ASC)ની હોય છે. સેનાના મુખ્યાલયમાં આવેલ આ વિભાગ રાશનની ગુણવત્તા (standards) અને આંક (specifications) નક્કી કરવા ઉપરાંત મેદાની ઈલાકા (plains)થી માંડી સિયાચીન જેવા વિસ્તારમાં પૌષ્ટીક આહાર આપવા કયા કયા ખાદ્ય પદાર્થ કેટલી માત્રામાં આપવા જોઈએ તેનું ધોરણ નક્કી કરે છે. તે માટે તેના ખોરાકમાં જરૂરી પ્રોટિન, કાર્બોહાઈડ્રેટ, વિટામિન, ફાઈબર મળી રહે તે માટે દરેક ખાદ્યાન્નની માત્રા (scale) સેનાના ડાયેટિશિયન નક્કી કરે છે. તે પ્રમાણે દરેક જવાનને દરરોજ કેટલો લોટ, ચોખા, દાળ, લીલોતરી, ‘હાર્ડ વેજીટેબલ’ (દુધી, રિંગણાં વિ.), બટેટા, ડુંગળી, માંસ કે માછલી, ચ્હા, દૂધ, ખાંડ, મીઠું, ‘ડાલડા’, ફળ - આવી વસ્તુઓની ઝીણામાં ઝીણી વિગતે માત્રા નક્કી કરવામાં આવે છે. આમાંની કેટલીક - દૂધ જેવી ચીજો ગરમીને કારણે બગડી જતી હોઈ તાજા દૂધને બદલે કન્ડેન્સ્ડ મિલ્કના ડબા અપાય છે. ખોરાક રાંધવા માટે કેરોસિન, લાકડાં વિગેરે પણ તેમાં આવી જાય છે! આમાંની દરેક વસ્તુનું સ્ટાન્ડર્ડ નક્કી કરવામાં આવે છે - જેમ કે સફરજનની સાઈઝ કેટલી હોવી જોઈએ, તાજા શાકભાજીની ગુણવત્તા કેવી રીતે ચકાસવી વિ. 

આ માટેના ટેન્ડર જાહેર કરી તેના કૉન્ટ્રાક્ટ અપાય છે અને તે ASCના સપ્લાય ડેપોમાં પહોંચાડવામાં આવે છે. વિભાગીય અફસરો માલ સ્વીકારતાં પહેલાં દરેક વસ્તુ નક્કી થયેલ સ્પેસિફિકેશન પ્રમાણે છે કે નહિ તે તપાસે. ઘણી વાર શાક ભાજી sub-standard હોય તો તેનો અસ્વીકાર કરવામાં આવે છે અને તે દિવસે જવાનો માટે તેની અવેજીમાં નક્કી કરેલ વસ્તુ અથવા ટિનમાં પૅક કરેલાં શાકભાજી અપાય છે. કેન્ટોનમેન્ટમાં આવેલ દરેક ફોજી યુનિટના ક્વાર્ટરમાસ્ટર તેમના ટ્રક લઈ સપ્લાય ડેપોમાંથી સામાન તોલાવીને લઈ જાય છે અને ત્યાં કંપનીમાં હાજર સૈનિકોની સંખ્યા પ્રમાણે રાશનની વહેંચણી કરે છે. 

ખચ્ચર પર લાદીને લઈ જવાતી સામગ્રી
યુદ્ધની સ્થિતિમાં અને આંતરરાષ્ટ્રિય સીમા પર રાશન પહોંચાડવાની અને વહેંચવાની પદ્ધતિમાં ફેર હોય છે. સામરિક ગુપ્તતાને કારણે આ વ્યવસ્થાનું વિસ્તારપૂર્વક વર્ણન કરી શકાય તેવું નથી. ફક્ત એટલું જ કહી શકાય કે પહાડી વિસ્તારમાં, અને ખાસ કરીને બરફ પડતો હોય તેવા વિસ્તારમાં જવાનોનું રાશન અમુક હદ સુધી ટ્રક દ્વારા અને ત્યાર બાદ તેને ખચ્ચર કે ટટ્ટુઓ પર લાદી અગ્રિમ ચોકીઓ સુધી પહોંચાડવામાં આવે છે. આ કામ મોસમનો
પહેલો બરફ પડે તે પહેલાં પૂરૂં કરવું પડે છે.

જિપ્સી જ્યારે ૧૩૫૦૦ ફિટની ઉંચાઈએ આવેલ ચોકીમાં કાર્યરત હતો ત્યારે આ કામ પ્રત્યક્ષ જોયું છે. માર્ચ કે એપ્રિલ માસમાં બરફ ઓગળે કે અમારી ચોકીઓમાં કેરોસિનની બૅરલ્સ અને રાશનની વણઝાર આવવી શરૂ થઈ જતી. આટલી ઉંચાઈએ હવાનું દબાણ ઓછું હોવાથી દાળ વિ. ચડાવવા પ્રેશર કૂકર આપવામાં આવે, અને એમર્જન્સી રાશનમાં બદામ, સૂકી દ્રાક્ષ જેવી વસ્તુઓ પણ આપવામાં આવતી. ઓક્ટોબર માસ પહેલાં પાંચ - છ મહિનાનું રાશન ઉંચાઈએ આવેલી ચોકીઓમાં પહોંચી જાય તેવી વ્યવસ્થા કરવામાં આવે છે. જે જગ્યાએ ASCની અૅનિમલ ટ્રાન્સપોર્ટની ખચ્ચરોની ટુકડીઓ ન હોય ત્યાં સ્થાનિક પ્રજાના ટટ્ટુઓ તથા પોર્ટર્સનો ઉપયોગ કરવામાં આવે છે. 

જિપ્સી જ્યારે ૧૩૫૦૦ ફીટ ઉંચાઈએ આવેલી ચોકીમાં હતો
ત્યારે ત્યાં પહોંચાડવામાં આવેલ કેરોસિનની બૅરલ્સ. અહીં અફસર અને સૈનિકોનું
સહભોજન - 'બડા ખાના'નું દૃશ્ય છે.
આવી ઊંચાઈ પર જ્યારે વાતાવરણ માઈનસ ત્રીસ - ચાલીસ ડિગ્રી થતું ત્યારે રાશન કરતાં વધુ ઊપયોગી કેરોસિનની બૅરલ્સ થતી. અમને ગરમાવો બક્ષવા બુખારી નામનાં સાધન કેવળ કેરોસિન પર ચાલે! અને મગ ભરી ભરીને પીવાતી ગરમ ચા જવાનોનું અમૃત ગણાતું. 
આમ દરેક જવાનને સુરક્ષિત રાખવા અને તેમને સમયસર સંતુલિત આહાર મળે તે માટે સૈન્યનું મુખ્યાલય અત્યંત કાળજીપૂર્વક વ્યવસ્થા કરે છે.

આટલી સુંદર વ્યવસ્થા હોવા છતાં ઘણી વાર સમસ્યાઓ ઉભી થતી હોય છે જેને કારણે રાશન સમયસર અગ્રિમ ચોકીઓ સુધી પહોંચી શકતું નથી. આમાંની મોટા ભાગની સમસ્યાઓ કુદરતે સર્જેલી હોય છે. વરસાદ, જમીન ધસી પડે અથવા વૃક્ષો પડવાથી રસ્તા ધ્વસ્ત થતા હોય ત્યારે તેનું સમારકામ ન થાય ત્યાં સુધી મુશ્કેલીઓ પડવાની. આવી હાલતમાં હેલિકૉપ્ટર દ્વારા સામાન પહોંચાડવામાં આવે. જો કે તે માટે કુદરતની કૃપા હોવી જોઈએ! નિસર્ગ દેવતા હવામાનને અનુકૂળ કરે તો જ હવાઈમાર્ગે આ કામ થઈ શકે.
***
 પશ્ચિમમાં આવેલા આપણા પાડોશી રાષ્ટ્ર સાથેની સીમા બે પ્રકારની છે : વિશ્વમાન્ય આંતરરાષ્ટ્રિય સીમા - ઈન્ટરનેશનલ બૉર્ડર તથા લાઈન અૉફ કન્ટ્રોલ અથવા LOC. તેમાંની જમ્મુ કાશ્મિરમાં આવતી સીમા અને LOC લગભગ ૧૮૦૦ માઈલ (૨૯૦૦ કિલોમિટર) છે, જેમાં LOC ૪૬૦ માઈલ (૭૪૦ કિલોમિટર) છે.  સમગ્ર જમ્મુ કાશ્મિરમાં ભારતીય સેના તથા બૉર્ડર સિક્યોરિટી ફોર્સની બટાલિયનો ફરજ બજાવે છે. અહીં એટલું જ કહીશ કે એક બટાલિયનમાં આશરે ૧૦૦૦ સૈનિકો હોય છે અને તેમનું વિભાજન કંપનીઓમાં કરવામાં આવે છે. એક કંપનીમાં ત્રણ પ્લૅટુન હોય છે. કાશ્મિરમાં BSFની બટાલિયનોને ભારતીય સેના (Indian Army)ના અૉપરેશનલ કન્ટ્રોલ નીચે મૂકવામાં આવી છે. સરળ ભાષામાં કહીએ તો BSFની જે ટુકડીઓને ભારતીય સેના હેઠળ તહેનાત કરવામાં આવે, તેમના રાશનની માત્રા અને વહેંચણીની જવાબદારી ભારતીય સેનાની હોય છે. તેથી BSFને અપાતું રાશન તથા ઈંધણ ભારતીય સેનાના ASC વિભાગ તરફથી પૂરૂં પાડવામાં આવે છે.

અહીં કરાયેલા વર્ણનથી આપને ખ્યાલ આવ્યો હશે કે દુશ્મનની સામે રાત દિવસ રાઇફલ તાણીને સજાગ રહેલા સૈનિક માટે સમયસર અને રુચિકર ભોજન મળે તે કેટલું અગત્યનું છે, અને તે માટે તંત્ર કેવી કેવી વ્યવસ્થા કરે છે. સવાલ ઉઠે છે તો આ વ્યવસ્થાનો ભૂમિ પર અમલ કરનાર વ્યક્તિઓની તેમના કામ પ્રત્યેની નિષ્ઠા અને શ્રદ્ધાનો. 

અહીં આવે છે માનવી તત્વ - human element. 

આપણે સૌએ જોયેલી, સાંભળેલી અને વાંચેલી વાતો અંતે તો માનવીય ક્ષતિ અથવા બેદરકારી પર આવીને અટકી જાય છે.


આ ચર્ચાનું સમાપન આવતા અંકમાં કરીશું.  

Saturday, January 14, 2017

આસપાસ ચોપાસ : ફિક્્કી દાળ, બળેલી રોટલી અને સેનાના જવાન

છેલ્લા કેટલાક દિવસથી સૈન્યના જવાનો દ્વારા સોશિયલ મિડિયામાં જવાનોને મળતી બળેલી રોટલી, ફિક્કી દાળ તથા તેમને થતા અન્યાય વિશે તેમની ફરિયાદ આવવા લાગી છે. 

 સૈનિકોને અપાતા કામ, તેમને મળતી સુવિધાઓનું તંત્ર અને તે અંગેની વ્યવસ્થા વિશે પૂરી માહિતી ન હોવાથી દેશના નાગરિકોને આ વિશે અનેક પ્રકારની ગેરસમજ ઉભી થાય તે સ્વાભાવિક છે.

ભારતીય સેનામાં તથા બૉર્ડર સિક્યોરિટી ફોર્સમાં જિપ્સીએ અફસર તરીકે વીસ વર્ષ સેવા બજાવી છે, તેથી આ બાબતમાં કેટલીક વાતો કહી આ બાબતનો ખુલાસો કરવાનો પ્રયત્ન કરીશ.

સૌ પ્રથમ ભારતીય સેના વિશે. 

દરેક દેશની સશસ્ત્ર સેનામાં બે મુખ્ય વિભાગ હોય છે. Arm અને Service.  

Armમાં આવે છે ઈન્ફન્ટ્રી (પાયદળ), આર્મર્ડ કોર (ટૅંક્સ), આર્ટિલરી (તોપખાનું) એન્જિનિયર્સ (જેમને અગાઉ Sappers and Miners કહેવામાં આવતા), અને કોર અૉફ સિગ્નલ્સ (સંચાર સેવા). 

બીજો વિભાગ છે Service - જેમાં વાહન, ખાદ્યાન્ન, યુનિફોર્મ, હથિયાર, દારુગોળા જેવી સામગ્રી પૂરી પાડનાર Army Service Corps તથા Army Ordnance Corps જેવા વિભાગ. આ ઉપરાંત સેનામાં આર્મી મેડિકલ કોર, કોર અૉફ ઇલેક્ટ્રીકલ અૅન્ડ મિકેનિકલ એન્જિનિયર્સ, પાયોનિયર્સ વિગેરે જેવા વિભાગ હોય છે. દરેક વિભાગનું કામ વિશિષ્ટ પ્રકારનું હોઈ તેમાં ભરતી કરવામાં આવનાર યુવાનને ભરતીના સમયે જ કહેવામાં આવે છે કે તેને ક્યા વિભાગમાં અને ક્યા પ્રકારના કામ માટે ભરતી કરવામાં આવે છે. ત્યાર બાદ રિક્રૂટને તેની રેજીમેન્ટના ટ્રેનિંગ સેન્ટરમાં મોકલવામાં આવે છે. 

મિલિટરીના દરેક વિભાગ (Arm કે Service)ની સંઘટના તેમની કામગિરીને અનુસાર ઘડવામાં આવે છે. આર્મની વાત કરીએ તો ઈન્ફન્ટ્રીમાં બટાલિયનમાં હેડક્વાર્ટર કંપની  ઉપરાંત ત્રણ રાઈફલ કંપની તથા એક સપોર્ટ કંપની હોય છે. દરેક  કંપનીમાં મોટા ભાગના સૈનિકો Combatants (યોદ્ધાઓ) હોય છે અને જૂજ સંખ્યામાં Non-combatants હોય છે, જેમાં નાઈ, ધોબી, રસોઈયા, સુથાર, સફાઈ કામદાર વિ. હોય છે. તેમણે તેમને અપાયેલ ક્ષેત્રમાં રહીને કામ કરવાનું હોય છે. જો કે તેમના ક્ષેત્ર પર હુમલો થાય તો તેઓ તેમનું પોતાનું સંરક્ષણ કરી શકે તે માટે તેમને પણ આમ સૈનિકની જેમ પ્રશિક્ષણ અપાતું હોય છે. બટાલિયન હેડક્વાર્ટરમાં વહીવટી કામ કરવા માટે કારકૂનો, હેડક્લાર્ક વિ. હોય છે. તેઓ કૉમ્બેટન્ટની કક્ષામાં આવે છે અને તેમને દરેકને વ્યક્તિગત હથિયાર તથા દારૂગોળો આપવામાં આવે છે, અને યુદ્ધ ક્ષેત્રમાં તેમણે પોતાના કામની સાથે યુદ્ધ માટે સાબદા રહેવું પડે છે.

સેનાના દરેક વિભાગમાં નિયુક્ત થયેલા અફસર માટે એક ‘સહાયક’ નીમવામાં આવે છે. આ એક સશસ્ત્ર સૈનિક હોય છે. સહાયકોને અગાઉ અૉર્ડર્લી કહેવામાં આવતા. શાંતિના સમયમાં અને યુદ્ધના સમયમાં તેમનું કામ જુદું જુદું હોય છે. યુદ્ધમાં તેમને ‘રનર’ની કામગિરી સોંપાય છે. રનર હંમેશા અફસરની સાથે રહે છે, અને જ્યારે લડી રહેલા સૈનિકોને વાયરલેસને બદલે મૌખિક હુકમ આપવો પડે ત્યારે આ રનર હુકમ લઈ દોડીને અફસરના હાથ નીચે કામ કરી રહેલ અધિકારીઓને હુકમ સંભળાવી પાછો તેના અફસર પાસે પહોંચે. શાંતિના સમયમાં તેનું સહાયક તરીકેનું કામ તેના અફસરનો યુનિફૉર્મ ઈસ્ત્રીબંધ રાખી, મેડલ વિ. સાથે તૈયાર કરી, તેના સરસામાનને પૉલિશ કરી રાખવાનું હોય છે. આ ઉપરાંત સરકારી કામ માટે તેને મોકલવામાં આવે તો તે પણ કરવાનું હોય છે. જો કે શાંતિના સમયમાં સહાયકનો અફસર પરિણિત હોય તો તેમના માટે બજાર-હાટ કરવા ઉપરાંત ઘરકામમાં મદદ કરવા માટે પણ તેમનો ઉપયોગ કરવામાં આવે છે. જો કે કપડાં ધોવા માટે કંપનીનો ધોબી, સફાઈ માટે સફાઈ કામદાર આવતા હોય છે. અમુક અપવાદ છોડીએ તો અફસરો તેમના સહાયકોનો ઘરકામ માટે બહુ ઉપયોગ કરતા નથી, પણ જે ‘અપવાદ’રૂપ અફસરો છે, તેઓ તેમના સહાયકોને લગભગ ચોવિસ કલાક on call રાખતા હોય છે અને સેવા પણ લેતા હોય છે. 

સહાયકનું કામ કરવા માટે મોટા ભાગે યોદ્ધાઓ તૈયાર હોતા નથી, પણ અનુશાસનના ડરથી તેમને આ કામ કરવું પડે છે.

***
નેપોલિયને કહ્યું હતું કે સૈન્ય તેના પેટ પર કૂચ કરે છે (Army marches on its stomach). આમાં સૈન્યની સફળતા અને ગૌરવનો સીધો સંબંધ આવે છે. સૈનિકની સખત ડ્યુટી તથા કરવો પડતો શ્રમ (જેમાં દરરોજની કસરત, પાંચ માઈલની દોડ, અઠવાડિયે - દસ દિવસે પચાસેક માઈલની પૂરા ત્રીસે’ક રતલના વજનના હથિયાર અને સામગ્રી સાથે કૂચ કરવાની પ્રવૃત્તિને કારણે તેમને દરરોજ ન્યૂનતમ ત્રણ હજાર કેલરીનું ભોજન અને પહાડી ક્ષેત્રમાં ૩૫૦૦ કૅલરીનો ખોરાક આપવામાં આવે છે. જવાનોને સંતુલિત ભોજન મળે તે માટે ફોજના ડાયેટિશિયનોએ નક્કી કરેલા પ્રમાણમાં તેમને દાળ, રોટી, લીલાં શાકભાજી, બટેટા-દૂધી-કારેલા વિ. અને ફળોનું રાશન આપવામાં આવે છે. માંસાહારી માટે અને શાકાહારી સૈનિકોને તેમની જરુરિયાત પ્રમાણે સામાન તથા મસાલા માટે નિયત કરેલી રોકડી રકમ પણ અપાય છે. આ રાશન બટાલિયનના સ્ટોર્સ અૉફિસર (ક્વાર્ટરમાસ્ટર) સૈન્યના સપ્લાય ડેપોમાંથી લાવી દરેક કંપનીના ક્વાર્ટરમાસ્ટરને વહેંચે. કંપનીના રસોઈયા રાંધીને તૈયાર કરેલું ભોજન (વહેલી સવારે મગ ભરીને ચા, સવારની કસરત કરી આવ્યા બાદ બ્રેકફાસ્ટ, લંચ, બપોરની ચા અને રાતનું ભોજન) સૈનિકોને પીરસે અથવા લડાઈના સમયે તે પૅક કરીને આગળના મોરચા પર મોકલે. 

જવાનોને બરાબર ભોજન મળે છે કે નહિ તે તપાસવા માટે દરરોજ નિયુક્ત કરવામાં આવનાર ડ્યુટી અૉફિસરે બટાલિયનના કિચનની મુલાકાત લઈ, ભોજન ટેસ્ટ કરી તેનો લેખિત રિપોર્ટ તેમના કમાંડીંગ અફસરને આપવો પડે છે. જો કે દરેક કંપનીના કમાંડર અને અન્ય અફસરો હંમેશા જવાનોના લંગરની, તેમના રહેવાસના બૅરેક કે મોરચાનું નિયમીત નિરિક્ષણ કરતા હોય છે, જેથી જવાનોની સુખાકારીની ચોકસાઈ સાધી શકાય. આ સિવાય રેજીમેન્ટના મેડિકલ અૉફિસર રસોડાના સ્ટાફની નિયમિત રીતે શારીરિક તપાસણી કરતા હોય છે, જેમાં રસોઈયાના નખ કપાયેલા અને સાફ છે તથા તેને કોઈ ચામડીનો રોગ નથી તેની નોંધ રાખતા હોય છે. 

કોઈ પણ જવાનને તેને મળતા ભોજન, કપડાં, વાર્ષિક કે આકસ્મિક રજા વિગેરે વિશે કોઈ ફરિયાદ હોય તો તેના નિવારણનો પણ સરળ વિધી નક્કી કરેલો છે. સૌથી પહેલાં સૈનિકે પોતાની ફરિયાદ તેના ઉપરી હવાલદાર દ્વારા પ્લૅટુન કમાંડર પાસે રજુ કરી તેનું નિવારણ કરવા માટે માગણી કરવાની હોય છે. પ્લૅટુન કમાંડર સૈનિકની ફરિયાદ કંપની કમાંડર પાસે રજુ કરી સૈનિકની મુલાકાત માટે વ્યવસ્થા કરે.  આવી મુલાકાતને ‘અૉર્ડર્લી રૂમ’ કહેવામાં આવે છે. ફરિયાદને સંબંધિત રજિસ્ટરમાં નોંધી લેવામાં આવે છે અને તે બાબતમાં અફસરે શો નિર્ણય આપ્યો છે તે પણ નોંધવામાં આવે છે. જો ફરિયાદીને આ નિર્ણયથી સંતોષ ન થાય તો તે બટાલિયન કમાંડરનો ઈન્ટરવ્યૂ માગી શકે છે. 

દર મહિને કમાંડીંગ અફસર બટાલિયનના સઘળા સૈનિકો માટે ‘સૈનિક સમ્મેલન’ યોજે છે, જેમાં કોઈ પણ સૈનિક રેજીમેન્ટને લગતા (ભોજન, સ્વાસ્થ્ય, વાર્ષિક રજા) કે તેની અંગત સમસ્યા વિશે સીઓ પાસે રજુઆત કરી શકે છે અને સીઓ તે અંગે કાર્યવાહી કરતા હોય છે.

ભારતમાં કંપની સરકારના સમયથી અંગ્રેજ અધિકારીઓએ ભારતીય સેનામાં દેશી સૈનિકોની મુશ્કેલીઓ જાણવા અને તે દૂર કરવાએક ખાસ વ્યવસ્થા કરી હતી : તેમણે તેમની બટાલિયન કે રેજિમેન્ટમાં એક વિશિષ્ટ હોદ્દો બનાવ્યો હતો. પાયદળ-તોપખાનામાં સુબેદાર મેજર અને રિસાલાઓમાં રિસાલદાર મેજર. આ હોદ્દા પર સૌથી સિનિયર દેશી અફસરની નીમણૂંક થતી. પલ્ટનના નાનામાં નાના હોદ્દા પરના સૈનિકથી માંડી ઉપર સુધીના દેશી અફસરની મુશ્કેલી, ફરિયાદ કે અસંતોષ વિશે જાણકારી મેળવી કમાંડીંગ અફસર સુધી પહોંચાડે, જેથી પલ્ટનમાં ઉપસ્થિત થનારી કોઈ પણ સમસ્યાનો નિકાલ જડમૂળથી થઈ શકે. આ વ્યવસ્થા હજી પણ  ભારતીય સેનામાં ચાલુ છે. (આ વિશે આપે 'ડાયરી'માં પ્રકાશિત થયેલ નવલકથા 'પરિક્રમા'માં વાંચ્યું હશે.)

ભારતના અર્ધલશ્કરી દળ - BSF, CRPF, SSBનું ગઠન (organization) થોડા ઘણા ફેરફાર સાથે ભારતીય સેનાના ધોરણ જેવું યોજાયું છે. મૂળભૂત ફેર એ છે કે આવા અર્ધલશ્કરી દળોના મોટા ભાગના ડીઆઈજી, ઈન્સ્પેક્ટર જનરલ અને સૌથી વડા ડાયરેક્ટર જનરલના પદ પર IPS અફસરોની ડેપ્યુટેશન પર નીમણૂંક થતી હોય છે, જ્યારે ભારતીય સેનામાં કેવળ અને કેવળ સેનાના અફસરો જ નીમાય છે. પરિણામે જેને સંસ્થા અને તેના સૈનિકો પ્રત્યેની નિષ્ઠા - commitment કહેવાય તે કયા દળમાં પ્રમુખતાથી જોવા મળે છે તેનો અંદાજ સહેલાઈથી આવી શકે. 

પ્રશ્ન થશે, આવી સુંદર વ્યવસ્થા હોવા છતાં સોશિયલ મિડિયામાં બીએસએફના તેજ બહાદુર યાદવ અને ભારતીય સેનાના લાન્સ નાયક યજ્ઞપ્રતાપસિંહ જેવાઓની વિતકનો આટલો મોટા પાયા પર હોબાળો કેવી રીતે થયો? 

***

ભારતીય સેના અને અર્ધલશ્કરી દળોના કાયદાઓ (Army Act તથા BSF Act and Rules)માં લેખિત આદેશ છે કે કોઈ પણ સેવારત કે નિવૃત્ત સૈનિક કે અફસર જાહેર માધ્યમ કે અખબારોમાં ખાતાની લેખિત મંજુરી સિવાય કોઈ ઈન્ટરવ્યુ ન આપી શકે કે ન કોઈ લેખ પ્રસિદ્ધ કરી શકે. સોશિયલ મિડિયાના પ્રાદુર્ભાવ પછી Orkut, Face Book, Twitter જેવા ફોરમમાં સૈન્યના અફસરો તથા અન્ય હોદ્દાના સભ્યો જોડાયા. આનો ફેલાવો એટલી હદ સુધી થઈ ગયો કે યોગ્ય ખાતાઓ તેની નોંધ લે ત્યાં સુધીમાં ભારે સંખ્યામાં સૈનિકો આવા ગ્રૂપમાં જોડાઈ ગયા. સમય જતાં લગભગ સઘળા સૈનિકોની પાસે સ્માર્ટફોન આવ્યા અને જે તે એકબીજા સાથે સમ્પર્કમાં આવવા લાગ્યા. આની જાહેર મિડિયા પર આવતા સમાચાર, ચર્ચા અને જાહેર જનતામાં સૈન્ય વિશેના કુતૂહલની અસર તથા તેને જાહેર જનતા તરફથી મળતા પ્રતિસાદની શક્તિનો ખ્યાલ સૈનિકોને આવ્યો. તેઓ તેનો ઉપયોગ કરશે તેની શંકા સુદ્ધાં સેના પ્રમુખોને ન આવી. 

આવતા અંકમાં આપણે હાલમાં ચાલી રહેલી ચર્ચાનું વિશ્લેષણ કરીશું.