Saturday, January 11, 2014

૨૦૧૪ના વર્ષમાં આપનું સ્વાગત!

આપણા સહ-પ્રવાસમાં આવેલા એક નવા સિમાચિહ્ન - ૨૦૧૪માં આપણે પ્રવેશ કરીએ તે પહેલાં આપ સૌનો આભાર માનીને આગળ વધીશ! આ પાંચ વર્ષનો પ્રવાસ આપના સાથ અને સહકાર, મૂલ્યવાન સૂચનો તથા પ્રતિભાવ વગર ચાલુ શક્યો ન હોત. 

નવા વર્ષના પ્રવાસમાં આપનું સ્વાગત અને સાથે સાથે અભિનંદન. અભિનંદન એટલા માટે કે 'જિપ્સીની ડાયરી' શરૂ થઇ ત્યારથી આપ સૌએ તેને સુંદર રીતે વધાવી અને ઉત્સાહદાયક પ્રતિભાવ આપ્યા. કેટલાક સહયાત્રીઓએ તો તેને પુસ્તકાકારે પ્રસિદ્ધ કરવા પ્રેરણા આપી. પરિણામે ૨૦૧૨માં ‘જિપ્સીની ડાયરી’ આપણા વરીષ્ઠ પ્રકાશક શ્રી. શિવજીભાઇ આશર પાસે મોકલી. તેમણે ગુર્જર ગ્રંથરત્નના શ્રી. મનુભાઇ પાસે મોકલ્યું અને પુસ્તક બહાર પડ્યું.

પુસ્તક પ્રકાશિત થતાં જ તેને સારો આવકાર મળ્યો. અમદાવાદના ‘ગુજરાત સમાચાર’ના કટાર લેખક શ્રી. ઉર્વીશ કોઠારીએ તેનું અવલોકન આઠ કૉલમના લેખમાં આપ્યું. ત્યાર બાદ ન્યુ યૉર્કથી પ્રસિદ્ધ થતા ‘ગુજરાત ટાઇમ્સ’ના સંપાદક શ્રી. હસમુખભાઇ બારોટે તેનું અવલોકન લખ્યું. બન્ને અવલોકનોમાં પુસ્તકને સુંદર શબ્દોમાં વધાવી તે મારા સહયાત્રીઓ, આપને અર્પણ કરૂં છું. આપના પ્રતિભાવ વગર જિપ્સીનો સિગરામ એક માઇલ તો શું, એક તસુભર પણ ચાલી શક્યો ન હોત. પુસ્તકનું શ્રેય આપને જાય છે તે નમ્રતાપૂર્વક કહીશ.


જિપ્સીની ડાયરીના ૨૦૧૪ના પ્રથમ અંકમાં ઉપર જણાવેલા બન્ને અવલોકનો આપને જિપ્સી દ્વારા અપાતી હૃદયપૂર્વકની અંજલી સાથે રજુ થાય છે. આશા છે આપ મારૂં આભારદર્શન સ્વીકારશો.



ઘણા વાચકોએ પુસ્તક મેળવવા વિનંતી કરી હતી, પણ logistics તથા infrastructureની કમીને લીધે તે થોકબંધ મંગાવી વહેંચવું શક્ય બન્યું નહોતું. પુસ્તકને eBookમાં પ્રકાશિત કરવાનો પ્રયત્ન શરૂ છે અને તે ઉપલબ્ધ થતાં આપ સમક્ષ રજુ થશે.