Sunday, September 20, 2009

"આયો ગુજરાતી ગોરખાલી!" - શેષ

એક જ યુદ્ધમાં સુરસા રાક્ષસીની જેમ મૃત્યુ બે વાર મ્હોં ખોલીને ઉભું હતું તેનો સામનો કરી પોતાને સોંપાયેલી કામગિરી પૂરી કરવા માટે ભારત સરકારે મેજર ભટ્ટને વીરતા માટે સેના મેડલ એનાયત કર્યો.
5/9 ગોરખા રાઇફલ્સના કમાન્ડીંગ અફસરનો ભાર તેમને સોંપવામાં આવ્યો તે પહેલાં અનેક કારણોસર આ બટાલિયનની હાલત અને જવાનોનું મનોબળ નષ્ટપ્રાય: થઇ ગયા હતા. બટાલિયનનો ચાર્જ લેતાં પહેલાં તેઓ બ્રિગેડ કમાન્ડરને મળ્યા ત્યારે તેમને કહેવામાં આવ્યું કે હાલત એટલી ગંભીર હતી કે બટાલિયનને વિખેરી નાખવાનો - disband કરવાનો- નિર્ણય લેવામાં આવ્યો હતો. બટાલિયન - તથા કર્નલ ભટ્ટ માટે આ છેલ્લી તક હતી કે બટાલિયનનું આમુલાગ્ર પરિવર્તન કરી તેને યુદ્ધ માટે સક્ષમ (battle-worthy) બનાવવામાં આવે.
આપણી સેનામાં કહેવત છે: There are good officers and bad officers, but never a bad soldier. કર્નલ ભટ્ટે ચાર્જ લીધાને એક મહિનો પણ નહોતો થયો કે તેમના ડીવીઝનલ કમાન્ડર બટાલિયનનું ઇન્સ્પેક્શન કરવા આવ્યા. પહેલા જ દિવસે જનરલ સાહેબે હુકમ સંભળાવ્યો: ૬૦ દિવસમાં બટાલિયન યુદ્ધ માટે સક્ષમ પુરવાર ન થાય તો તેમાંના એકેએક જવાનને ઘર ભેગા કરી દેવામાં આવશે અને 5/9 GRનું નામોનિશાન નહિ રહે.
સંરક્ષણની દૃષ્ટીએ ભારત માટે સમગ્ર કાશ્મીરનો પ્રદેશ સંવેદનશીલ છે. તેમાંના પૂંચ-રજૌરી, ઉરી, તંગધાર, કારગિલ અને બાંદીપોરા જેવા વિસ્તાર અત્યંત ભયાનક ગણાય છે. (આમાંના બે વિસ્તાર - રજૌરી અને તંગધારમાં ‘જીપ્સી’ સેક્ટર કમાંડર હતો અને લગભગ દરરોજ પાડોશીઓની ગોળીઓનો અનુભવ કર્યો હોવાથી આ વિસ્તારોની ભયાનકતા વિશેની બાહેંધરી આપી શકું છું!)
કર્નલ ભટ્ટની બટાલિયન ઉરીમાં ફરજ બજાવી રહી હતી. ત્રાસવાદીઓને ભારતમાં ઘૂસાડવા માટે પાકિસ્તાનનું સૈન્ય તેમની સંરક્ષણપંક્તિઓ પર વારંવાર ગોળીબાર કરે. ગોળીઓના વરસાદની આડમાં ગીચ જંગલમાં બનાવેલી કેડીઓ દ્વારા છૂપા રસ્તે ત્રાસવાદીઓને તેમની સેના આપણા પ્રદેશમાં ઘૂસાડવાનો તે વખતે - અને હજી પણ પ્રયત્ન કરે છે. તેમને ઝબ્બે કરવા ગોરખાઓની પેટ્રોલીંગ પાર્ટીઓને ૨૪ કલાક પેટ્રોલીંગ કરવું પડે. આવી કપરી હાલતમાં કામ કરી રહેલી બટાલિયનનું મનોબળ, કાર્યકુશળતા અને યુદ્ધકૌશલ્યમાં શ્રેષ્ઠ પુરવાર કરવા ઉપરાંત તેમના શસ્ત્ર-સરંજામને ચળકતી અને નવા જેવી હાલતમાં કરવાનું કામ કર્નલ ભટ્ટ માટે અસ્ત્રાની ધાર પર ચાલવા જેવું હતું - તે પણ ફક્ત ૬૦ દિવસમાં. ૧૯૬૫ના યુદ્ધમાં તેમણે આ જ બટાલિયનના જવાનોની સાથે રહી જે કામગિરી કરી હતી તેની યાદ જવાનોમાં હજી તાજી હતી. હવે તેમની આગેવાનીએ જવાનોમાં વિજળીક ગતિએ ઉત્સાહ વધાર્યો અને તેમના નેતૃત્વે 5/9 ગોરખા રાઇફલ્સને અગ્નિપરીક્ષામાં સફળતા અપાવી. તેમણે બટાલિયનને disband થવાની નામોશીમાંથી બચાવી એટલું જ નહિ, ઉરીમાં તેમના જવાનોની ઉત્કૃષ્ટ કામગિરી જોઇ ભારત સરકારે કર્નલ ભટ્ટની બટાલિયનને યુનાઇટેડ નેશન્સની શાંતિ સ્થાપક સેના તરીકે લેબનૉનમાં મોકલી.
મહેનત અને કાર્યમાં સંપૂર્ણ સમર્પણ હોય તો માણસ ઘણી ઉંચાઇઓ સર કરી શકે. હવે કર્નલ ભટ્ટને માઉન્ટન બ્રિગેડના ડેપ્યુટી કમાન્ડરનું પ્રમોશન આપી તેમને અરૂણાચલ પ્રદેશમાં ચીનની સીમા પર ૧૪૦૦૦ ફીટની ઉંચાઇ પર મોકલવામાં આવ્યા. આ એવો વિકટ પ્રદેશ છે જેનું વર્ણન કરવું મુશ્કેલ છે. એક તો ત્યાં એટલી અસહ્ય ઠંડી પડે છે કે શરીરની સંભાળ લેવામાં જરા પણ શરતચૂક થાય તો હાથ કે પગમાં frost bight થઇને ત્યાં ગૅંગ્રીન (માંસમાં સડો) થઇ જાય, અને જે હાથ કે પગમાં તેની અસર થઇ હોય તે કાપી નાખવો પડે. રસ્તા પણ એવા દુર્ગમ કે 4 x 4 પાવરના ત્રણ ટન વજન ઉંચકી શકે તેવા ટ્રક એક જ ટન વજન લઇ ૨૫ કિલોમીટરનું અંતર ચાર કલાકમાં પૂરૂં કરી શકતા. એટલું જ નહિ, આવી એક જ ખેપ કર્યા બાદ વાહનને સમારકામ કે મેન્ટેનન્સ માટે ફીલ્ડ વર્કશૉપમાં મોકલવું પડે. અધુરામાં પૂરૂં તેમના બ્રિગેડ કમાન્ડર માંદા પડી ગયા અને તેમને બ્રિગેડ કમાન્ડરનો ચાર્જ લેવો પડ્યો. તેમને સોંપવામાં આવેલ કપરી કામગિરી નિયત સમય કરતાં વહેલી પૂરી કરી. આ કાર્ય માટે ભારત સરકારે તેમને વિશિષ્ઠ સેવા મેડલ એનાયત કર્યો.
ત્યાર બાદ તેમની પદવૃદ્ધિ થતી ગઇ અને મેજર જનરલના પદ પર તેમને આસામમાં આવેલી માઉન્ટન ડિવિઝનના કમાન્ડર તરીકે ૨૦૦૦૦ સૈનિકોની વિશાળ સેનાનો કમાન્ડ આપવામાં આવ્યો. અહીં તેમને ULFA તથા બોડો ત્રાસવાદીઓ સામે અભિયાન ચલાવવાનું હતું. આસામમાં આવેલી પેટ્રોલિયમ રિફાઇનરીની પાઇપલાઇન ઉડાવી મૂકનારા ULFA ત્રાસવાદીઓ તથા બોડોલૅન્ડની માગણી માટે આસામના ચ્હાના બગીચામાં કામ કરનાર મજુરોની નિર્ઘૃણ હત્યા કરનાર ત્રાસવાદીઓ સામે તેમણે આક્રમક પેટ્રોલીંગ, સંરક્ષણ અને ઉગ્રવાદીઓના કૅમ્પ નષ્ટ કરી દેશદ્રોહીઓની પ્રવૃત્તિ પર નિયંત્રણ કર્યું.
મેજર જનરલ પીયૂષ ભટ્ટ, SM, VSM (Retd) હાલમાં અમદાવાદમાં નિવૃત્ત જીવન ગાળી રહ્યા છે.
મારી નજર સામે હજી પણ પાકિસ્તાનના મહારાજકે ગામમાં આવેલી જમરૂખની વાડીમાં પ્રથમ વાર મળેલા હેલ્મેટ,ખુખરી અને રાઇફલધારી કૅપ્ટન મારી સાથે હસ્તધુનન કરી પરિચય આપે છે, “I am Capt. Bhatt..”

Friday, September 18, 2009

"આયો ગુજરાતી ગોરખાલી!" ભાગ ૩

બારામુલ્લા (કાશ્મીર) ૧૯૭૯.

સમયનું વહેણ નદીની ધારા જેવું છે. તેમાં પૂર આવતાં રહે છે અને આપણે તેમાં તણાતા જઇએ છીએ. ક્યારે ક્યાં ફંગોળાઇ જઇશું, ક્યા કાંઠા પર પડીશું તેનો અંદાજ કોઇને આવી શકતો નથી. ૧૪ વર્ષ વિતી ગયા. આર્મર્ડ ડિવિઝન, ગોરખા પલ્ટન, મહારાજકે અને કલ્લેવાલી સમયના વહેણમાં ખોવાઇ ગયા. અત્યારે જીપ્સી બૉર્ડર સિક્યોરિટી ફોર્સમાં ડેપ્યુટી કમાન્ડન્ટના (મેજરના સમકક્ષ) હોદ્દા પર ૧૪૦૦૦ ફીટની ઉંચાઇએ ફરજ બજાવી રહ્યો હતો. એક દિવસ હુકમ આવ્યો કે બારામુલ્લા ખાતે ડિવિઝનના અફસરોનો મેળાવડો યોજવામાં આવ્યો છે, અને તેમાં મારે હાજર રહેવાનું છે.
તે રાતે સખત ટાઢ પડી હતી. હું મારા સાથીઓ સાથે તાપણાં પાસે રમનો ગ્લાસ લઇને ઉભો હતો ત્યાં અચાનક મારી પાસે પીયૂષ ભટ્ટ આવ્યા. તેમણે મને દૂરથી જોયો અને સામે ચાલીને મળવા આવ્યા. હું તો અત્યંત ખુશ થઇ ગયો. મારા સાથીને તેમનો પરિચય કરાવતાં કહ્યું, “આ મારા ઘણા જુના મિત્ર મેજર ભટ્ટ છે. ૧૯૬૫ની લડાઇમાં અમે સાથે હતા...” અને મારૂં ધ્યાન તેમના પર્કા પર કર્નલની રૅંકના ચિહ્નો તરફ ગયું. “સર, માફ કરશો. મને આપની રૅંકનો ખ્યાલ ન રહ્યો.”
કર્નલ ભટ્ટ હસી પડ્યા. “ અરે દોસ્ત, એવી ચિંતા નથી કરવાની. આટલા વર્ષે મળ્યા એનો આનંદ એટલો છે કે બીજી બધી વાતો અનાવશ્યક બની જાય છે.”
“આપ કર્નલ ક્યારે થયા?” મેં પૂછ્યું.
“થોડો જ સમય થયો. આમ તો મારૂં પ્રમોશન એક વર્ષ પહેલાં થયું હતું અને મને અન્ય બટાલિયનનો કમાન્ડ લેવાની અૉફર આવી. મને મારી પહેલવહેલી બટાલિયન 5/9 ગોરખા રાઇફલ્સનો કમાન્ડ જોઇતો હતો, તેથી એક વર્ષ રાહ જોવી પડી.”
મિલીટરીમાં અફસર તરીકે ભરતી થનાર દરેક અફસરની મહેચ્છા હોય છે કે જે બટાલિયનમાં તેમની પ્રથમ નીમણૂંક થાય તેના કમાન્ડીંગ અૉફિસર બનવાનું સદ્ભાગ્ય તેમને મળે. કર્નલ ભટ્ટનો એક વર્ષ સુધી પ્રમોશન મોકૂફ રાખવાનો નિર્ણય તેમની પ્રતિભાને અનુરૂપ હતો.
"૧૯૭૧ની લડાઇમાં અાપ ક્યાં હતા?" મેં પૂછ્યું.
“૧૯૬૫ની જેમ ૧૯૭૧ની લડાઇમાં પણ મજાની વાત થઇ ગઇ..”
૧૯૭૦ના અંતમાં તેમની બદલી મેજરના હોદ્દા પર ભુતાનમાં થઇ હતી ત્યારે તેમણે સ્ટાફ કૉલેજની એન્ટ્રન્સ પરીક્ષા આપી અને પાસ થયા. આ પરીક્ષા અત્યંત કડક હોય છે: તેમાં બેસનારા અફસરોમાંથી કેવળ ૩ કે ૪ ટકા પાસ થતા હોય છે. ૧૯૭૧માં વેલીંગ્ટનમાં આ કોર્સ શરૂ થવાને થોડી વાર હતી તેવામાં યુદ્ધનાં વાદળો છવાયા. કોર્સને મુલત્વી રખાયો અને અફસરોને તેમના યુનિટમાં જવાનો હુકમ અપાયો. મેજર ભટ્ટને ડેરા બાબા નાનક ખાતે આવેલી વિશ્વવિખ્યાત 1/9 ગોરખા રાઇફલ્સમાં રિપોર્ટ કરવાનો હુકમ અપાયો.
મેજર ભટ્ટ ડેરા બાબા નાનક પહોંચ્યા અને પોતાની નવી કંપનીના જવાનોને મળે તે પહેલાં લડાઇ શરૂ થઇ. આપણા સૈન્યમાં અફસર અને તેમના જવાનો વચ્ચે અદૃશ્ય પણ અતૂટ સંબંધ હોય છે. તેનો પાયો હોય છે પરસ્પર વિશ્વાસ, ભાવૈક્ય અને અફસરની નેતૃત્વ શક્તિ. આ ત્રણે વાતોનો સમન્વય થવા માટે મહિનાઓ-વર્ષો લાગી જતા હોય છે, કારણ કે આ સમયમાં તેઓ એક પરિવારની જેમ રણભુમિ જેવી સ્થિતિમાં સાથે રહી, યુદ્ધનો અભ્યાસ કરતા હોય છે. તેમાં જવાનોને ખ્યાલ આવે છે કે તેમના નેતાના ખભા પર પોતાના પ્રાણની રક્ષાનો ભાર મૂકી શકાય કે નહિ. બાકી ખરી પરીક્ષા તો યુદ્ધમાં ગોળીઓના વરસાદમાં નેતા કેવી રીતે તેમને વિજયના પથ પર દોરી જાય છે. શાંતિના સમય દરમિયાન કંપની કમાન્ડર દરેક જવાનના ગામ, પરિવાર, તેની કૌટુમ્બીક પરિસ્થિતિ વિશે માહિતગાર થઇ તેમના પરિવારના સદસ્ય જેવા બની જાય છે. અહીં મેજર ભટ્ટ તેમના જવાનોને મળે, ઓળખે તે પહેલાં યુદ્ધ શરૂ થયું. આગળની વાત તેમના જ શબ્દોમાં:
“1/9 GRની ‘બ્રૅવો’ કમ્પનીનો કમાન્ડ લઇને ત્રણ દિવસ પણ નહોતા થયા અને મને અૅટેક કરવાનો હુકમ મળ્યો. આ ત્રણ દિવસમાં હું ફક્ત મારી કમ્પનીના પ્લૅટૂન કમાન્ડર્સ તથા કમ્પની સાર્જન્ટ મેજરને ઓળખવા લાગ્યો હતો અને ૧૨૦ સૈનિકો - જેઓ મને ઓળખતા નહોતા તેમની આગેવાની થઇ મારે દુશ્મન પર હુમલો કરવાનો હતો.
પંજાબમાં રાવિ નદીના પૂર ખાળવા માટે ધુસ્સી બંધ બાંધવામાં આવ્યો છે. ડેરા બાબા નાનક નજીક પૂરનું જોર ભારે હોવાથી ત્યાં ધુસ્સી બંધની ત્રણ ગોળાકાર હરોળ બાંધવામાં આવી. આ ‘રીંગ બંધ’ના નામથી ઓળખાય છે. દુશ્મને આ ત્રણે હરોળ પર કબજો કર્યો હતો. અમને તેના પર હુમલો કરી, રીંગ બંધની ત્રણે હરોળ પરથી દુશ્મનને ઉખેડી તેને પાછી મેળવવાનો હુકમ મળ્યો. મેં જગ્યાનું છુપી રીતે નિરીક્ષણ કર્યું અને હુમલાની યોજના બનાવી. રીંગ બંધની દરેક હરોળ પર એક પછી એક પ્લૅટૂન દ્વારા હુમલો કરી કબજે કરવાનો નિશ્ચય કર્યો. આ વખતે દરેક પ્લૅટૂનની આગેવાની લેવાનું મેં નક્કી કર્યું. પહેલી હરોળ કબજે કરી જીતની નિશાની અાપતાં બીજી પ્લૅટૂન મારી પાસે આવી પહોંચે, અને તેને લઇ બીજી હરોળ પર ખાબકવાનું! આમ ત્રણે હરોળ પરના હુમલામાં મારા જવાનો સાથે હું રહીશ એવું જણાવતાં જવાનોનો ઉત્સાહ વધી ગયો.
“દુશ્મનને લાગ્યું હતું કે અમે સામેથી હુમલો કરીશું. મેં તેમની ડાબી પાંખ (flank) પર હુમલો કર્યો. અમે ચૂપકીદીથી અૅડવાન્સ કરી દુશ્મનની હરોળથી ૧૦૦ મીટર સુધી પહોંચી ગયા, અને મારી નિશાની પર “આયો ગોરખાલી”ની ત્રાડ પાડી અમે ધારદાર ખુલ્લી ખુખરી વિંઝતા જઇ દુશ્મન પર હુમલો કર્યો. પરમાત્માની કૃપાથી મારી યોજના સફળ થઇ. ઝડપથી અમે રીંગ બંધની ત્રણે હરોળ પરથી દુશ્મનને હઠાવ્યો."
કલ્પના કરી જુઓ: એક ગુજરાતી અફસર ગોરખાઓ સાથે હાથમાં ભયાનક ખુખરી વિંઝતા દુશ્મન પર “આયો ગોરખાલી”ના યુદ્ધ-નિનાદથી દોડી જતો જોવાનું દૃશ્ય કેવું અદ્ભૂત અને રોમાંચકારક હશે!
કર્નલ ભટ્ટે કહ્યું, “મારી કામગિરી આટલેથી અટકી નહોતી. અમને માહિતી મળી કે રાવિ નદીના કિનારા પર આપણી રક્ષાપંક્તિમાં ખામી રહી ગઇ હતી. અમારી બ્રિગેડ તથા અમારા ડાબા પડખા પર આવેલી બ્રિગેડ વચ્ચેના વિસ્તારમાં gap હતો. દુશ્મનને તેની જાણ થતાં તે રાવિ નદી પાર કરી ઠેઠ અમૃતસર તરફ કૂચ કરી શકે તેમ હતું. આવું થાય તો આખા અમૃતસર સેક્ટર તથા ગુરદાસપુર - પઠાણકોટનો ધોરી માર્ગ તેમના હાથમાં પડી જાય તેવી સ્થિતિ હતી. તેથી રાતોરાત મારી જવાબદારીના સેક્ટરમાં આવેલી જગ્યાએ મારી કંપનીને માઇન્સની જાળ બીછાવવાનો હુકમ મળ્યો.
(નોંધ: અહીં વાચકોને કદાચ યાદ હશે કે "ખોવાયેલા સૈનિકોની શોધમાં"ના શિર્ષક હેઠળ જીપ્સીની ડાયરીમાં વર્ણન કર્યું હતું કે ડેરા બાબા નાનકના છ-સાત કિલોમીટરના વિસ્તારમાં જીપ્સીએ આપણી રક્ષાપંક્તિ-વિહીન સ્થાન જોયું હતું અને તેનો રિપોર્ટ બ્રિગેડ કમાન્ડરને આપ્યો હતો. આ માહિતીના પરિણામે તે જગ્યાએ માઇન્સ બીછાવવા ભટ્ટસાહેબની કંપની ગઇ હતી.)
“મારી કંપનીને જ્યાં માઇન્સ બીછાવવાની હતી ત્યાંથી આપણી હિલચાલ પર નજર રાખવા માટે દુશ્મને ખડી કરેલ ‘અૉબ્ઝર્વેશન પોસ્ટ' કેવળ સો મીટર દૂર હતી. માઇનને જમીનમાં પૂર્યા પછી તેને ‘આર્મ’ કરવામાં જરા જેટલી ભૂલ થાય તો માઇન બીછાવનાર જવાનના ફૂરચેફુરચા ઉડી જાય. રાતના અંધકારમાં અમારૂં કામ પૂરૂં થવા આવ્યૂં ત્યાં પરોઢના ભળભાંખડામાં દુશ્મનનો નિરીક્ષક અમને જોઇ ગયો. તેણે તરત જ અમારા પર તોપખાનાના ગોળા વરસાવવાનું શરૂ કર્યું. સામાન્ય રીતે તોપના ગોળાના ફ્યૂઝ તેની ટોચ પર હોય છે, જેથી ગોળો જમીન પર પડે કે તે ફાટે. કેટલાક ફ્યૂઝમાં timer હોય છે જેથી ગોળા હવામાં જ ફાટે અને તેની જીવલેણ કરચ વરસાદની જેમ સૈનિકો પર પડે. દુશ્મને અમારા પર આ પ્રકારના ગોળા છોડવાનું શરૂ કર્યું. આકાશમાં બૉમ્બ ફૂટતાં ઉપરથી ધારિયા જેવી કિલો-બે કિલો વજનની ઘાતક shrapnel વરસાદની જેમ અમારા પર પડવા લાગી. મારા કેટલાય સૈનિકો ઘાયલ થયા અને ઘણા જવાનોએ પ્રાણની આહુતિ આપી. આવી ભારે કરચ સનનન કરતી આવીને મારા શરીરથી બે-ત્રણ ઇંચ નજીક વરસતી હતી. તમે પોતે ૧૯૬૫માં આનો અનુભવ કર્યો છે તેથી તેની ભયાનકતા તમે જાણો છે. આ વખતે પરમાત્માએ મને કદાચ એટલા માટે જીવનદાન આપ્યું કે એક દિવસ કદાચ હું તમને મારી વાત કહી શકું.”
(વધુ આવતા અંકમાં...)

Thursday, September 17, 2009

"આયો ગુજરાતી ગોરખાલી!" ભાગ ૨

કેપ્ટન ભટ્ટ અને લેફ્ટનન્ટ નરેન્દ્ર: એક જ શહેરના રહેવાસી, પણ એકબીજા વિશે અમને ખબર નહોતી. ઝાંસીની આસપાસના જંગલોમાં આ અગાઉ થયેલી એક્સરસાઇઝમાં પણ અમે મળ્યા નહોતા. મળ્યા તો પાકિસ્તાનના ચરવાહ પાસેના મહારાજકે ગામની જમરૂખની વાડીમાં! જ્યાં અમારા પર શત્રુની બૉમ્બવર્ષા ગમે ત્યારે તૂટી પડતી હતી.
ત્યાર બાદ લડાઇએ એવું તે જોર પકડ્યું કે ન પૂછો વાત.
ફિલ્લોરાના યુદ્ધમાં ગોરખા રાઇફલ્સની ફતેહ એક ઐતિહાસીક બનાવ હતો. તેનું વર્ણન 'જીપ્સીની ડાયરી'ના માર્ચ મહિનાના અંકોમાં લખવામાં આવી છે તેથી તેની પુનરાવૃત્તિ નહિ કરૂં. કેવળ કૅપ્ટન ભટ્ટની કામગિરીની વાત કહીશ.
ફિલ્લોરા પરના વિજય બાદ અમારી રક્ષાપંક્તિ પર દુશ્મનની ટૅંક્સ ગોળા વરસાવી રહી હતી. તેમાંની એક ટૅંક અમારી નજીકના ‘No man’s land’માં હતી. શેરડીના ખેતરમાં તેમણે એવી રીતે સંતાડી હતી કે તેને શોધવી મુશ્કેલ હતી. કૅપ્ટન ભટ્ટને આ ટૅંક શોધી તેને ઉડાવી દેવાનું કામ સોંપવામાં આવ્યું. વાઘનો શિકાર કરવા પગપાળા જવા સમાન આ ખતરનાક કામ હતું. સ્વાભાવિક છે કે આ કામ પર જનાર ટુકડીને ‘ટૅંક હન્ટીંગ પાર્ટી’ કહેવામાં આવે છે.
રાતના અંધારામાં કૅપ્ટન ભટ્ટની આગેવાની નીચે તેમના જુનિયર કૅપ્ટન ગાંગુલી અને છ સૈનિકોની ટુકડી નીકળી. અવાજ કર્યા વગર તેઓ શેરડીના ખેતરમાં ઉતરી દુશ્મનની મોરચાબંધીમાં ગયા. ઇન્ફન્ટ્રીની ટુકડીનું આ કામ સહેલું નથી હોતું. બે દિવસ ઉપર છઠી મરાઠા લાઇટ ઇન્ફન્ટ્રીના કર્નલ મનોહર આ કામ પર ગયા હતા અને શહીદ થયા હતા. તે સમયે પાકિસ્તાનની ટૅંક્સ પાસે ઇન્ફ્રારેડ દૂરબીન હતી તેથી તેઓ રાતના અંધકારમાં પણ જોઇ શકતા હતા. કૅપ્ટન ભટ્ટ, ગાંગુલી અને તેમના સૈનિકો ચિત્તાની જેમ ચપળતાથી જમીન પર સરકતા ટૅંકની નજીક પહોંચ્યા અને ટૅંક પર ચઢી, તેનું હૅચ ખોલી તેમાં ગ્રેનેડ નાખીને ત્યાંથી દૂર નીકળી ગયા. ગ્રેનેડના ધડાકાથી ટૅંકની અંદરના દારૂગોળાનો વિસ્ફોટ થયો અને ટૅંક ઉદ્ધ્વસ્ત થઇ. સફળતાપૂર્વક કાર્ય પૂરૂં કરી કૅપ્ટન ભટ્ટ અને તેમના સૈનિકો સહિસલામત પાછા આવ્યા.
ફિલ્લોરાની સફળતા બાદ એક દિવસનો આરામ મળ્યો અને અમને બીજી કામગિરી મળી: કલ્લેવાલી નામના ગામની નજીક દુશ્મનની મોરચાબંધી પર હુમલો કરી તેના પર કબજો કરવાનું. કલ્લેવાલીમાં ફર્મ બેઝ (સુરક્ષાપટ) બનાવ્યા બાદ ત્યાં આવનારી બટાલિયનને આગળ આક્રમક કારવાઇ કરવાની હતી. તેમના પર બૉમ્બવર્ષા ન થાય તે માટે દુશ્મનનું ધ્યાન બીજે દોરવાનું કામ કૅપ્ટન ભટ્ટને સોંપાયું. આ માટે તેમણે કુનેહપૂર્વક યોજના કરી. તેમની થ્રી-ઇન્ચ મૉર્ટર પ્લૅટૂનને લઇ તેઓ ફર્મ બેઝની પૂર્વ દિશામાં ૭૦૦-૮૦૦ ગજ દૂર ગયા. ત્યાં મૉર્ટર્સ ગોઠવી દુશ્મનની હરોળ પર તેજ ગતિથી ગોલંદાજી કરી, તરત જ મૉર્ટર્સ ઉંચકી મૂળ સ્થાનની વિરૂદ્ધ દિશામાં દોડી ગયા. આનું કારણ એ હતું કે દુશ્મન પાસે એવા ઉપકરણ હતા જેની મદદ વડે જ્યાં આપણી તોપનો ગોળો પડે તેનો reverse angle કાઢી આપણી તોપ/મૉર્ટરનું સ્થાન શોધી શકતા હતા અને થોડી મિનીટોમાં જ આપણી પોઝીશન પર ગોળા વરસાવતા હતા. દુશ્મન આ કાર્યવાહી કરે તે પહેલાં કૅપ્ટન ભટ્ટ અને તેમના સૈનિકો બીજા સ્થાન પર પહોંચી જતા, અને ત્યાં પહોંચીને અગાઉની જેમ મૉર્ટરનું શેલીંગ કરી સ્થાન બદલતા રહ્યા. આ કારણે તેઓ પોતે દુશ્મનની તોપથી બચતા ગયા,અને ફર્મ બેઝ પરથી દુશ્મનનું ધ્યાન બીજે દોરતા રહ્યા. આ કામ સહેલું નહોતું: એક એક મૉર્ટરનું વજન ૫૦ કિલોગ્રામ હોય છે, અને તેના એક એક ગોળાનું વજન ૭-૮ કિલોનું હોય છે. આવી ત્રણ મૉર્ટર્સ અને ૩૦ ગોળાઓ ઉંચકીને કૅપ્ટન ભટ્ટ અને તેમના જવાનો પાકિસ્તાનની આપણા માટે સાવ અજાણી એવી એક જગ્યાએથી બીજી જગ્યાએ દોડીને જતા હતા. આનું પરિણામ એ આવ્યું કે દુશ્મન કૅપ્ટન ભટ્ટે ખાલી કરેલી જગ્યા પર ગોળા વરસાવતા રહ્યા અને જ્યાં આપણી સેનાએ 'ફર્મ બેઝ' બનાવ્યો હતો તે સુરક્ષીત રહ્યો.
આપણી સેના અલ્હર સ્ટેશન સુધી પહોંચી હતી અને સિયાલકોટ તરફ આગળ વધીએ તે પહેલાં તાશ્કંદમાં રશિયાની મધ્યસ્થીમાં યુદ્ધવિરામ થયો. આપણી સેનાને શાંતિના સ્થળે જવાના હુકમ અપાયા. મારી બટાલિયન અંબાલા ગઇ અને કૅપ્ટન પીયૂષ ભટ્ટ તથા તેમની ગોરખા પલ્ટન બીજા શહેરમાં ગયા. સમ્પર્ક ન રહ્યો, પણ સ્મૃતી તાજી રહી. વળી વાત અહીં પૂરી નહોતી થઇ.
આગળની રસપ્રદ વાત આવતા અંકમાં!

Wednesday, September 16, 2009

"આયો ગુજરાતી ગોરખાલી!" ભાગ ૧

કૅપ્ટન પીયૂષ: ૬ સપ્ટેમ્બર ૧૯૬૫

મિલીટરીમાં સૈનિકો અને અફસરો બે વસ્તુઓની ચાતકની જેમ રાહ જોતા હોય છે: એક તો ઘેરથી આવતા પત્રની અને વર્ષમાં મળતી બે મહિનાની ‘અૅન્યુઅલ લીવ’ની. આ રજામાંનો એક એક દિવસ પોતાના સ્વજન-પરિવારની સાથે ગાળી તેની યાદને વર્ષના બાકીના દિવસોમાં માતાએ બનાવેલ અથાણાંની જેમ ચલાવવી પડે. કોણ જાણે ફરી ક્યારે રજા મળે!
આવી જ રીતે બે મહિનાની રજા પર ગોરખા રેજીમેન્ટના યુવાન કૅપ્ટન પીયૂષ અમદાવાદ આવ્યા હતા. થોડા દિવસ સગાવહાલાંઓને મળવામાં ગાળ્યા અને એક દિવસ મિત્રની સાથે ફિલ્મ જોવાનું નક્કી કર્યું. સવારે શહેરમાં જઇ ટિકીટનું અૅડવાન્સ બુકિંગ કર્યું અને બપોરનું ભોજન કરવા બેઠા. સાથે રેડીયો અૉન કરી વિવિધ ભારતીમાં સુંદર ગીત સાંભળતા હતા ત્યાં અધવચ્ચે ગીત બંધ થયું અને આકાશવાણીના અૅનાઉન્સરના ગંભીર શબ્દો સંભળાયા:
“એક અગત્યની સૂચના. રજા પર ઘેર ગયેલા બધા સૈનિકો તથા અફસરોને સૂચના આપવામાં આવે છે કે તેમની રજા રદ કરવામાં આવી છે. તેમણે તરત જ પોતાના યુનિટમાં પાછા પહોંચી જવું. આ અંગેના લેખિત હુકમ દરેક સૈનિકને મળી જશે. સૂચના સમાપ્ત થઇ.”
લેખિત હુકમની રાહ જુએ તેવા આ અફસર નહોતા. ભોજન પતાવીને તેમણે સામાન પૅક કર્યો અને સીધા કાળુપુર સ્ટેશન પર પહોંચી ગયા. મિલીટરીના મૂવમેન્ટ કન્ટ્રોલ અૉફિસરને મળી પોતાના યૂનિટનું ‘NRS’ - નીયરેસ્ટ રેલ્વે સ્ટેશન ક્યાં છે તે પૂછ્યું.
“5/9 GR? એક મિનીટ, સર..... તેનું NRS પઠાણકોટ છે.”
નવમી ગોરખા રાઇફલ્સ રેજીમેન્ટની પાંચમી બટાલિયનના આ સંજ્ઞાત્મક અક્ષરો 5/9 GR થી ઓળખાય છે.
લગભગ ચોવીસ કલાકના પ્રવાસ બાદ કૅપ્ટન પઠાણકોટ પહોંચી ગયા. આમ તો તેમને રસ્તામાં જ ખબર પડી ગઇ હતી કે પાડોશી દેશ સાથે લડાઇ શરૂ થઇ ગઇ હતી. સ્ટેશન પર પહોંચતા તેમને કહેવામાં આવ્યું કે તેમનું યુનિટ પાકિસ્તાનમાં કોઇ unknown locationમાં છે. તમારા યુનિટના ‘બી-એશલૉન’ (રણભુમિમાં યુદ્ધ કરી રહેલા સૈનિકો માટે ભોજન, દારૂગોળો, રોજની ટપાલ વિ. તૈયાર કરી આગળ પહોંચાડવા માટેની નિર્ધારીત જગ્યા) સુધી પહોંચાડવાની અમે વ્યવસ્થા કરીશું. ત્યાંથી આગળ યુદ્ધભુમિ સુધી પહોંચાડવાનો બંદોબસ્ત તમારા ક્વાર્ટરમાસ્ટર કરી આપશે.”
કૅપ્ટન પિયૂષ સાંબા જીલ્લામાં પાકિસ્તાનની સીમા પર આવેલ એક ગામના પાદર પર આવેલ તેમના યુનિટના બી-અૅશલૉનમાં પહોંચી ગયા. લડાઇ પૂર જોશમાં ચાલી રહી હતી. યુદ્ધ ક્ષેત્રમાં જરા પણ આપણી સૈનિક કાર્યવાહી દેખાય કે દુશ્મન તરત તોપમારો શરૂ કરતો હતો. તેમના તોપખાનાનો FOO (ફૉર્વર્ડ અૉબ્ઝર્વેશન અૉફિસર) ક્યાંક સંતાયો હતો અને વાયરલેસ પર બૅટરી કમાન્ડરને માહિતી આપી આપણાં વાહનો પર અચૂક મારો કરવાતો હતો. ક્વાર્ટરમાસ્ટરે તેમની બટાલિયન ક્યાં છે તે તો જણાવ્યું, પણ ત્યાં સુધી તેમને લઇ જવા માટે અશક્તિ દર્શાવી. “છેલ્લા ચાર દિવસથી આપણી રાશનની ગાડીઓ બહાર નીકળે કે દુશ્મન તોપમારો કરે છે. તું આવ્યો તે પહેલાં જ તેમના વિમાનોએ ‘સ્ટ્રેફીંગ’ કરી આપણને ભારે નુકસાન પહોંચાડ્યું છે. આજે રાતે મોરચા પર જવાનો ફરીથી પ્રયત્ન કરીશું. તું રોકાઇ જા.”
“બસંતસિંહ, હું રાત સુધી રોકાવા તૈયાર નથી. મારે પલ્ટનમાં તરત પહોંચવું છે. દિવસના અજવાળામાં ચાલી નીકળીશ તો સાંજ સુધીમાં પહોંચી જઇશ.”
બસંતસિંહ આ સુકલકડી પણ ટટ્ટાર બાંધાના પોતાના સાથી અફસર તરફ જોઇ રહ્યો. પીયૂષે સવારમાં મળેલ સિચ્યુએશન રીપોર્ટમાં જોયું કે તેમની બટાલિયન ક્યા સ્થાન પર છે. નકશો જોઇ તેમણે ગ્રીડ રેફરન્સ કાઢ્યો અને નીકળવાની તૈયારી કરી. કૂચ કરવા માટે ૧૭ કિલો વજનની ઇક્વીપમેન્ટ પીઠ પર ચડાવી, રાઇફલ ખભે ટાંગી અને કમર પર ખુખરી બાંધી. બે દિવસનું એમર્જન્સી રાશન, પાણીની બાટલી, નકશો અને પ્રીઝ્મેટીક કમ્પાસ લઇ ભર બપોરના એકલાજ નીકળી પડ્યા. રસ્તામાં બૉમ્બવર્ષા થાય તો ખેતરની પાળ આડે પોઝીશન લે, અને વાતાાવરણ શાંત પડે કે તરત આગેકૂચ શરૂ. વચ્ચે જ રોકાઇને હોકાયંત્રમાં અંશ-કોણ તપાસી યોગ્ય દિશામાં જઇ રહ્યા છે કે નહિ જોઇ તેઓ કૂચ કરતા રહ્યા. રાતના સમયે તેઓ પાકિસ્તાનના મહારાજકે ગામની સીમમાં ખાઇઓમાં ડીફેન્સીવ પોઝીશનમાં બેઠેલી બટાલિયનના હેડક્વાર્ટરમાં પહોંચ્યા ત્યારે કમાન્ડીંગ અૉફિસર કર્નલ ગરેવાલ ચકિત થઇ ગયા. ૩૬ કલાક અગાઉ મોકલાવેલા તારના જવાબમાં કેવળ સો-બસો કિલોમીટરના અંતરે રહેતા અફસર હજી બટાલિયનમાં પહોંચ્યા નહોતા. અહીં તો લગભગ હજાર કિલોમીટરથી પણ વધુ દૂર રહેતા કૅપ્ટન પીયૂષ પાકિસ્તાનમાં અજાણી જગ્યાએ સતત ટ્રેન, ટ્રક અને પગપાળા નકશા-હોકાયંત્રની મદદ વડે પહોંચી ગયા હતા.

જીપ્સીની વાત:

સપ્ટેમ્બરની ૨જી તારીખની રાત હું કદી ભૂલી નહિ શકું. અૉફિસર્સ મેસમાં જમીને મારો સાથી લેફ્ટનન્ટ સમદ્દર (સૅમી) અને હું અમારા તંબુની બહાર બેસી વાતો કરી રહ્યા હતા. અચાનક અમારી બટાલિયન તથા આજુબાજુના યુનિટ્સની વચ્ચે આવેલા મોટા ચોગાનમાં ૪૦-૫૦ કૂતરાં ભેગા થયા. બે કૂતરા ભેગા થાય તો સીધા લડવા લાગે. અહીં તો તેમની જાણે એક કંપની પરેડ ગ્રાઉન્ડ પર આવી ગઇ હોય તેમ શિસ્તબદ્ધ થઇને મોટા કુંડાળામાં બેસી ગયા અને સામુહિક રૂદન શરૂ કર્યું. બચપણમાં મને આવા મૃત્યુપૂર્વે જ ગવાતા હોય તેવા મરસિયા જેવા શ્વાનરૂદનનો દુ:ખદ અનુભવ હતો. મારાથી બોલાઇ જવાયું “Sammy, this is ominous. I think it’s war.”
છેલ્લા છ’એક મહિનાઓથી અમે યુદ્ધ માટે પંજાબમાં તૈયાર હાલતમાં બેઠા હતા, પણ બ્યુગલો વાગતા નહોતા. સૅમીને કહેલા શબ્દો હવામાં વેરાય તે પહેલાં અમારા કમાન્ડીંગ અૉફિસરનો ‘રનર’ (સંદેશ વાહક) ખરેખર દોડતો આવ્યો. તેણે કહ્યું, “જયહિંદ, સર. સીઓ સાહેબે આપને યાદ કર્યા છે.” અમે દોડતા જ હેડક્વાર્ટર્સમાં પહોંચ્યા.
અમારા સી.ઓ. કર્નલ રેજીનૉલ્ડ ગૉન (Gaughan) આયરીશ-ભારતીય હતા. તેમણે અમને ટૂંકા મૌખીક હુકમ આપ્યા. “આર્મર્ડ ડિવિઝન અૅસેમ્બ્લી એરીયા તરફ જવા માર્ચીંગ કરશે. NMB 0500 hours. વિગતવાર હુકમ તમારા કમ્પની કમાન્ડર આપશે.” NMB 0500 hours એટલે ‘નો મૂવ બીફોર ફાઇવ એ.એમ.’
બ્યુગલ વાગ્યું!
(માર્ચ ૨૦૦૯ના “જીપ્સીની ડાયરી”ના અંકોમાં આ વાતનું વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે, તેથી આપને સીધા પાકિસ્તાનના મહારાજકે ગામમાં આવેલી જમરૂખની વાડીમાં લઇ જઇશ.)
પાકિસ્તાનનું મહારાજકે ગામ. ૮ સપ્ટેમ્બર ૧૯૬૫ની સવારે 5/9 GRના સીઓ કર્નલ ગ્રેવાલના બ્રીફીંગમાં મેં એક નવા અફસરને જોયા. મીટીંગ પતી ગયા બાદ હું તેમને મળ્યો અને મારો પરિચય આપ્યો.
“આય અૅમ કૅપ્ટન ભટ્ટ,” સ્મિત સાથે તેમણે પોતાનું નામ કહ્યું
“ભટ્ટ એટલે ગઢવાલના કે કુમાયૂંના?” મેં પૂછ્યું.
ભટ્ટ હસી પડ્યા. “બેમાંથી એકેયનો નહિ. હું ગુજરાતનો છું.”

(વધુ આવતા અંકમાં!)