Monday, September 28, 2015

આસપાસ - ચોપાસ (૫) - કાહે કો બ્યાહી બિદેસ

ગીત વિવિધા :  દાદા હો દીકરીનાં ગીતો 

હાલમાં જ દેશ પરદેશમાં ‘પુત્રી દિન’ ઉજવાયો.
સાચું કહીએ તો વિશ્વની પરંપરામાં પુત્રી દિનની ઉજવણી તેના જન્મથી જ માતા પિતાના જીવનમાં દરરોજ ઉજવાય છે! આ ઉત્સવ ભારતમાં સહેજ જુદો હોય છે : આપણે ત્યાં મા-દીકરીનો સંબંધ તો સ્વર્ગથી રચાઈને આવે છે! દીકરીના જન્મ બાદ પણ તેમની વચ્ચેની સૂક્ષ્મ umbilical cord કદી કપાતી નથી. પહેલાં દીકરી રમકડું હોય છે, ત્યાર પછી જીવનભરની સાહેલી. બીજી તરફ બાપ - દીકરીનો સંબંધ એવો જ અજબ હોય છે. ફેર એટલો હોય છે કે બાપ તેની ભાવનાઓને વાચા નથી આપી શકતો! બસ, એ તો દીકરીને હેતભરી દૃષ્ટીથી જોઈ તેના અંતરની અમિવર્ષા તેના પર વરસાવતો રહે છે. પરાકાષ્ઠા ત્યારે આવે છે જ્યારે દીકરીને સાસરિયે વિદાય કરવાનો પ્રસંગ આવીને ઉભો રહે છે. તે સમયે દીકરીના જીવનના પ્રસંગો એવાં શ્રેણીબદ઼ધ સ્વરૂપે પિતાની આંખ સામે તાજાં થાય છે અને ક્યારે તેની આંખો અને હૃદય સજળ થાય તેનો તેને ખ્યાલ નથી રહેતાે. સામાન્ય માણસ તેની ભાવનાઓમાં ખોવાય છે જ્યારે કવિહૃદયી પિતા તેની ભાવનાઓને તેની નોંધપોથીમાં શબ્દો ટપકાવીને અંજલિ આપે છે.

જુના જમાનામાં દીકરીનાં લગ્ન લેવાનો માબાપ વિચાર કરતાં, ત્યારે લગ્ન ક્યાં કરવા છે તે વિશેની અંતરની વાત દીકરી મા પાસે કરતી. ક્યાં નથી કરવા તે બાપને કહેતી! આપે ‘દાદા હો દીકરી’ સાંભળ્યું છે! આ ગીત આપણે સૌ યાદ કરીએ. મનમાં પ્રશ્ન થયો, આવાં ગીતો ભારતના બીજા પ્રદેશોમાં પણ ગવાય છે કે? આજના અંકમાં આ પ્રશ્નના જવાબમાં મળેલાં ગીતોની વાત કરીશું. 

સૌ પ્રથમ આપણું પરંપરાગત ગીત જે હંમેશા આપણી યાદગિરીમાં તાજું રહ્યું છે તેની વાત કરીશું. ‘બાપુ, મારાં લગ્ન વાગડમાં ના કરશો. ત્યાંની સાસુઓ વઢકણી હોય છે…' વાગડમાં જવા ન માગતી દીકરીઓ માટે બીજું કારણ હતું વાગડના ઉજ્જડ પ્રદેશમાં વર્તાતી પાણીની અછત. દૂર દૂર સુધી હેલ્ય ભરવા વહુવારૂઓને પગ દાઝે એવી ગરમીમાં જવું પડતું અને ઘેર આવતાં વેંત વઢકણી સાસુનાં મહેણાં ટોણાં સાંભળવાના! આશાજીએ ગાયેલું ગીત દીકરીની ભાવનાને મૂર્ત સ્વરૂપ આપે છે 

દાદા હો દીકરી


***
લગ્ન ક્યાં નથી કરવા તેની ફરિયાદ કહો કે મીઠો તકાજો દીકરી બાપ પાસે જ કરે ને! ગુજરાતની જેમ ઉત્તરાંચલના કુમાઁયૂં પ્રદેશમાં પણ આવું જ એક ગીત પ્રચલિત છે. આપ નૈનીતાલ, ભીમતાલ, રાનીખેત અને અલ્મોડા જેવા પ્રેક્ષણીય સ્થળોએ ગયા હશો. જિપ્સી મિલિટરીમાં હતો ત્યારે તેને તથા તેના સાથીઓને આ પહાડોમાં પ્રશિક્ષણ માટે જવાનું થયું હતું. એક સ્થળે તેણે એક કિશોરીને તેના વાછરડા પાછળ દોડતી જોઈ. વાછરડું કિશોરી સાથે ગેલ કરતું હતું અને પૂંછડું ઉંચું કરીને ભાગતું હતું અને ઓઢણી પહેરેલી આ કિશોરી એટલી જ ચપળતાથી ડુંગરાઓમાં તેની પાછળ દોડતી હતી. અમે સૌ તેનો આ ખેલ જોતાં રહ્યાં અને જ્યારે તેણે વાછરડાને પકડ્યું, સૌએ તાળીઓ વગાડી. પહાડોમાં સહેલાઈથી દોડતી, ઘાસ કાપીને મોટા ભારા ઉપાડીને ઘર ભણી દોડતી યુવતીઓને બાપનું ઘર છોડી જવાની ઈચ્છા થતી નથી. પિતા દીકરીને સખત મહેનત ન કરવી પડે તે માટે દૂર આવેલા સપાટ ખીણનાં ગામમાં દીકરીને પરણાવવાની વાત કરે છે. બાપુજીનું ઘર છોડી જવું નથી તેથી દીકરી બહાનાં કાઢીને દૂર ખીણમાં લગ્ન ન કરવા વિનવણી કરે છે. આવી એક ખીણનું નામ છે ચાના બિલોરી. દીકરી ગીતમાં પિતાને આર્જવતાપૂર્વક કહે છે, ‘મને ચાના બિલોરીની ખીણના ગામમાં પરણાવશો મા!’ અને તે કારણો આપે છે તે સાંભળીને હસવું પણ આવે! 

અહીં રજુ કરેલા ગીતના ગાનાર છે ગૌરવ પાંડે - કુમાઁયૂંના આધુનિક ગાયક. કેવળ પિયાનોના સાથમાં તેમણે આ લોકગીત ગાયું છે એવી જ પહાડી સરળ, મધુર શૈલીમાં. ગીતની સાથે અંગ્રેજી સબટાઈટલ્સ છે, તેમ છતાં તેનો સાર અહીં આપ્યો છે.
Chaana Bilauri:
બાઉજ્યૂ (બાપુજી) મને ચાના બિલોરીના ગામમાં ના પરણાવતા. ત્યાંનો તડકો મને સહન નહિ થાય! ત્યાંની આવી ગરમીમાં ઘાસ કાપવા દાતરડું પણ હાથમાં નહિ પકડાય. રોટલા તો મારે ત્યાં પણ ચૂલામાં શેકવાના છે, પણ માથા પર પડતી સખત ગરમીમાં આ કેમ કરીને હું કરી શકીશ? બાપુજી, મને ચાના બિલોરીમાં ના પરણાવશો. તમે (એવા પ્રેમથી મને ઉછેરી છે જેથી) મારો ચહેરો ફૂલ જેવો છે તો ચાના બિલોરીની ગરમીમાં તેના શા હાલ થશે? મને ચાના બિલોરી ના પરણાવતા! 


***
ઉત્તર પ્રદેશ અને બિહારની કન્યાઓનાં ગીતો પાછળ એક હૃદયસ્પર્શી ઈતિહાસ છે. ત્યાંની અસહ્ય ગરીબાઈમાં કામધંધો ન મળવાને કારણે યુવાનોને વતન છોડી દૂર કોલકાતા, મુંબઈ, દિલ્હી જેવા સ્થળોએ જવું પડતું - પડે છે. લગ્ન કરીને ગયેલી વહાલી દીકરીને સાસરિયામાં સાસુ-સસરાની સેવામાં કષ્ટ કરવા પડતાં, જ્યારે પતિ દૂર દેશમાં મહેનત મજુરી કરતો હોય. દીકરીઓનાં ગીતો તેમની વિદાયગિરીના સમયથી શરૂ થઈ શ્રાવણ મહિનામાં પિયર જવાની ઝંખનામાં, પતિને મળવાની ખેવનામાં, પિયુના વિરહમાં - સઘળી સ્થિતિમાં ગવાતાં રહ્યાં છે. આ ગીતોનું વૈવિધ્ય ગજબનું છે : નૈહર છૂટવાનો ગમ, ઓણ શ્રાવણમાં તો બાપુ, ભાઈને મોકલી મને પિયર બોલાવી લો! અને પછી તેમના હૃદયમાંથી વહે છે હોરી, કજરી, બસંતનાં ગીતો. આ ગીતોમાંનું સૌથી પ્રખ્યાત નૈહર ગીત તો લખનૌના છેલ્લા નવાબ વાજીદ અલી શાહનું ‘નૈહર છૂટો જાય’ સ્વ. કુંદનલાલ સાયગલના સ્વરમાં આપે અનેક વાર સાંભળ્યું હશે. આજે થોડું ઓછું સાંભળેલું ગીત અનુભવીશું. તેરમી સદીના સૂફી સંગીતકાર અમીર ખુશરોએ લખેલું ગીત “કાહે કો બ્યાહી બિદેસ, અરે લખિયા બાબુલ મોરે, કાહે કો બ્યાહી બિદેસ…” આઠસો વર્ષ પહેલાં પણ દીકરી બાપુ પાસે ફરિયાદ કરતી હતી તે આજે પણ આપણે અનુભવીએ છીએ. પરણીને અમેરિકા કે અૉસ્ટ્રેલિયા જતી દીકરીના અંતરમાંથી નીકળતું આ ગીત આપણે ક્યાં નથી અનુભવ્યું?
આજે આ ગીતના ભાવ રજુ કર્યા છે;


આ ગીત એટલું તો ભાવનાસભર છે, તેનો કડીબદ્ધ ભાવાર્થ ઉતાર્યા વગર રહી ન શકાયું. 

"અમને પરદેશ શા ને વળાવ્યાં, બાપુ, શા માટે અમને પરદેશમાં પરણાવ્યાં?

અમે તો, બાપુ, તમારી વેલની એક કળી છીએ. અમને તો (આસપાસના) ઘર ઘરથી માગાં આવતાં હતાં, તેમ છતાં તમે મને પરદેશ વળાવી?

અમે તો બાપુ, તમારા પીંજરાની મેના છીએ. સવારે કિલ્લોલ કરતાં ખુલ્લામાં ચણવા જઈએ ને સાંજે પાછા ઘેર આવીએ. (હવે તો તમે) અમનેપરદેશ વળાવી. કેમ કરી પાછાં આવીશું?

અમે તો બાપુ, ખિંટીએ બાંધેલી ગૌ સમાન છીએ. જ્યાં દોરીને લઈ જાવ ત્યાં જઈએ, પણ પરદેશ?

અમારા ઓરડામાં ગોખલાે ભરીને ઢિંગલીઓ રાખી છે, તેને પણ મૂકીને જવું પડે છે. એટલું જ નહિ, અમારી અગાશી હેઠેથી અમારી વેલ (પાલખી) નીકળી ત્યારે ભાઈલો બેભાન થઈને પડ્યો તે તમે જોયું, બાપુ?

ભાઈલાને તો બાપુ, તમે બે માળની હવેલી આપી, પણ અમને તો તમે પરદેશ (દેશ નિકાલ) આપ્યો."

અંતમાં બાપ ખુશરૂના શબ્દોમાં કહે છે:
"ખુશરૂ કહે છે, હે મારી લાડલી, હું તો તને સૌભાગ્યવતી જોવા માગું છું! તારૂં લગ્નજીવન ભાગ્યશાળી નિવડે એ જ મારી તને દુઆ છે!
***
આવું જ એક પ્રચલિત પંજાબી ગીત છે. ભારત અને પાકિસ્તાનના પંજાબની દરેક મા તેની દીકરીને આ ગીત શીખવે. સૌથી પ્રખ્યાત રજુઆત સુરિંદર કૌરની હતી. અહીં રિમિક્સમાં હર્ષદીપ કૌરનું ગીત મૂક્યું છે.
લગ્ન પછી આણું વાળવા (જેને હિંદી અને પંજાબીમાં ‘મૂકલાવા’ કહેવાય છે) જમાઈ આવે છે અને તેની પાછળ હૃદયનો કટકો પિતાનું ઘર છોડીને જાય છે. દીકરીના અંત:કરણમાં પિતૃગૃહ છોડતી વખતે જે દર્દ થાય છે, તેનું આ ગીતમાં જુદી રીતે નિરૂપણ કરીને દીકરી ગાય છે - તે પણ એકલતામાં. પતિ એકલો આવે છે. પત્નીને કસૂર (હાલ પાકિસ્તાનનું શહેર)ની પ્રખ્યાત નવી નક્કોર મોજડી (જેને કસુરી જૂતી કહેવાય છે) પહેરાવે છે. વાપર્યા વગરની મોજડી હજી કડક છે અને પગમાં ડંખે છે. આવામાં તેને લેવા આવેલો પતિ ચાલીને લઈ જાય છે. જતી વખતે તો દીકરી કશું કહેતી નથી, પણ આખે રસ્તે તેના હૃદયમાં અને બંધ ન બેસતી જૂતી પહેર્યા બાદ જે તકલીફ થાય છે તે આ ગીતમાં પિતાને ઉદ્દેશીને ગાય છે.

જૂતી કસૂરી, પૂરી પહેરી પણ નહોતી અને હે ભગવાન, અમને તો (લાંબું) ચાલવું પડ્યું.
(જીવનમાં આવેલા) જે રાહનો સાર અમે જાણ્યો નહોતો ત્યાં અમારે વળવું પડ્યું.

સાસરિયાંને ગામ જવાનો રસ્તો લાંબો છે અને ઉતાવળે ચાલવું પડ્યું છે. આટલે દૂર જવું છે તો પણ
‘એણે’ તો ભાડેથી ઘોડાગાડી પણ ન કરી! અને જુઓ, મને પગે ચલાવીને લઈ જાય છે. આવું તે આણું કોઈ વળાવતું હશે? 
એ તો સડક પર (ઝપાટાબંધ) જઈ રહ્યો છે
મને દર્દ થાય છે તે હું કહી પણ નથી શકતી
(કેમ કે) હું અંતરનું દુ:ખ કહેતાં શરમાઉં છું. 
પગમાં તો લાડુ જેવડા ડંખ ફૂલી ગયા છે,
અને તેની સાથે સાથે ચાલી પણ નથી શકતી.
મારૂં કુમળું યૌવન, અને ઉપર સખત બપોરનો તડકો
અને આ મારો પ્રિયતમ, એને તો મારી દયા પણ નથી આવતી!
પગમાં સખત ડંખ પડી ગયા છે, ચહેરો મારો કરમાઈ ગયો છે
પણ મારો વાલીડો તો બસ, આગળ આગળ નીકળી જાય છે
અને મારે તેની પાછળ પાછળ જવું પડે છે.
(શું કરીએ?) કસૂરી જૂતી પૂરી પહેરી નથી 
અને ઓ ભગવાન, અમારે ચાલવું પડ્યું છે.
જે મારગનો અમે સાર પણ જાણ્યો નથી
ત્યાં અમારે વળવું પડ્યું છે!
‘જૂતી કસૂરી’નું આ રિમિક્સ ગાયું છે હર્ષદીપ કૌરે. અભિનેતાઓએ ગીતના ભાવને ન્યાય આપવા પૂરો પ્રયત્ન કર્યો છે.

***

અંતમાં રજુ કરીશું એક પિતાનો દીકરીને વળાવતી વખતે થતો તેના હૃદયનો આર્તભાવ. ગીત ગાયું છે અમિતાભ બચ્ચને અને સંગીત આપ્યું છે સ્વ. આદેશ શ્રીવાસ્તવે. ગીતના રેકૉર્ડીંગ વખતની વાત છે. ગીત શરૂ થયાનું છે કે પૂરૂં થયાનું, સ્ટુડિયોમાં બેઠેલા અમિતજીના ચહેરા પરના ભાવમાં સમસ્ત ગીતનો આત્મા ટપકતો જાય છે. સાંભળનાર તો બસ, સાંભળતો રહે છે.


Friday, September 25, 2015

જિપ્સીની ડાયરી: આસપાસ ચોપાસ (૪) : ક્યારે'ક વાંચેલી વાર્તા - સહપ્રવ...

જિપ્સીની ડાયરી: આસપાસ ચોપાસ (૪) : ક્યારે'ક વાંચેલી વાર્તા - સહપ્રવ...: રોહાના સ્ટેશન સુધી મારો ડબો સાવ ખાલીખમ હતો. ટ્રેન ઉભી રહી અને ડબામાં એક યુવતી ચઢી. તેને મૂકવા તેનાં માતા પિતા આવ્યા હતા. “તને એકલી મોક...

આસપાસ ચોપાસ (૪) : ક્યારે'ક વાંચેલી વાર્તા - સહપ્રવાસિની

રોહાના સ્ટેશન સુધી મારો ડબો સાવ ખાલીખમ હતો. ટ્રેન ઉભી રહી અને ડબામાં એક યુવતી ચઢી. તેને મૂકવા તેનાં માતા પિતા આવ્યા હતા.
“તને એકલી મોકલવા જીવ નથી ચાલતો. જો, ધ્યાન રાખજે. બારીમાંથી બહાર ડોકિયું કરતી નહિ, હોં કે! અને કોઈ અજાણ્યા માણસ સાથે વાત ન કરતી. કોણ જાણે કેવા કેવા લોક ટ્રેનમાં ચઢતા હોય છે અને એકલ દોકલ પૅસેન્જરને…”
“ડૅડ, મમ્મા! તમે ખોટી ચિંતા કરો છો! હવે હું નાની બેબલી થોડી રહી છું? અને આજે ક્યાં પહેલી વાર ટ્રેનમાં જઉં છું?”
“એવું નથી, પણ ધ્યાન રાખજે!”

ટ્રેન ચાલવા લાગી. મારી વાત કહું તો હું અંધ છું.  ડબાના એક અંધારા ખૂણામાં બેઠો હતો. મને તો કેવળ અજવાળાં કે અંધારાનો અણસાર આવતો. બાકી બધી રીતે મારી આંખની બૅટરીઓ ગૂલ હતી! આવી સ્થિતિમાં આ યુવતી દેખાવમાં કેવી હતી તે કેવી રીતે જાણી શકું? અત્યાર સુધી મને તો ફક્ત તેના રબરનાં સ્લિપરનો સટાક-પટાક અવાજ અને તેના અવાજની મીઠાશ સંભળાયા હતા. સાચું કહું તો મને તેનો અવાજ તો ગમ્યો જ પણ તેના સ્લિપરના અવાજમાં પણ માધુર્ય સંભળાયું!
એન્જીને સીટી વગાડી. ટ્રેન ચાલવા લાગી.
આપણે મુસાફરી કરતા હોઈએ ત્યારે સાથી પૅસેન્જર સાથે સામાન્ય વાતચીત થાય તેમ મેં તેને પૂછ્યું, “ક્યાં, દહેરાદૂન જાવ છો?”
એક તો હું ખૂણામાં બેઠો હતો અને ડબામાં થોડું અંધારૂં હતું તેથી મારો અવાજ સાંભળી યુવતી ચમકી ગઈ. પણ બીજી જ ક્ષણે તેણે આશ્ચર્યમિશ્રીત અવાજમાં કહ્યું, “અરે! ડબામાં બીજું કોઈ છે તેની મને ખબર નહોતી!”
હું કેવળ હસ્યો. ઘણી વાર તો સાજી - સારી આંખ વાળા લોકો તેમના વિચારમાં એટલા ડૂબેલાં હોય છે, તેમની નજર સામેની વસ્તુઓ જોઈ શકતા નથી. આ યુવતીની કદાચ આવી જ હાલત હોવી જોઈએ! મારા જેવી ચક્ષુહિન વ્યક્તિ તો તેમની બાકીની ચાર ઈન્દ્રિયોની મદદથી ઘણી વસ્તુઓ સાંભળી - સમજી શકતા હોય છે. મારૂં મિથ્યાભિમાન કહો કે લઘુતાગ્રંથિ, હું આંધળો છું તે મારે આ મધુર અવાજની યુવતીને જાણવા દેવું નહોતું. હું જ્યાં બેઠો હતો ત્યાં જ ભરાઈ રહ્યો.
“હું તો ફક્ત સહારનપુર સુધી જ જઉં છું. મારાં માસી મને લેવા સ્ટેશને આવવાના છે,” તેણે કહ્યું.
“ઓહ, એમ કે! જબરી  માસી કે વહાલી માસી? મારાં મોટાં માસી જબરાં કડક હતાં!” મેં હસીને કહ્યું.
“તમે ક્યાં જાવ છો?” તેણે પૂછ્યું.
“હું દહેરાદૂન જઉં છું. ત્યાંથી આગળ મસુરી.”
“કેટલા નસીબદાર છો તમે! મને તો પહાડો બહુ ગમે. અૉક્ટોબરમાં પહાડોમાં વાતાવરણ કેટલું ખુશનુમા હોય છે!”
“ખરૂં. આ સમયે મોસમ બહુ સરસ હોય છે," મેં કહ્યું. 
મારી દૃષ્ટિ જતાં પહેલાંના મારા અનુભવનો મેં લાભ ઉઠાવ્યો.  “આ મહિનામાં તો આખા પહાડમાં વનરાજિ એવી ખીલી ઉઠે છે! મોટા ભાગનાં સહેલાણીઓ પાછા તેમના વતનમાં ગયા હોય છે તેથી જંગલી ડેલિયાનાં ફૂલોથી સજેલા ડુંગરાઓ જોવાની મજા અનેરી હોય છે. પહાડોએ જાણે રંગીન ફૂલોનો પોશાક પહેર્યો હોય તેવું લાગે. સાંજે ઢળતા સુરજનાં કોમળ કિરણોનો આસ્વાદ લેતાં સૂર્યાસ્ત જોવાનો, ત્યાર પછી ફાયરપ્લેસની સામે બેસીને બ્રાન્ડીનો ગ્લાસ… હા, તમારી વાત સાચી છે. અૉક્ટોબરમાં મસુરી અદ્ભૂત જગ્યા થઈ જાય છે,” મેં કહ્યું.

યુવતી એકદમ ચૂપ થઈ ગઈ. મને થયું હું કંઈ વધારે પડતું બોલી ગયો અને મારી વાતને તેણે કદાચ ઉચ્છૃંખલ ધારી હશે. મને અપરાધભાવ થઈ આવ્યો. તેની શાંતિ જોઈ મને થયું તે હવે બારીમાંથી બહારનું દૃશ્ય જોઈ રહી હતી. મારે તેના સહવાસનો લાભ લેવો હતો તેથી પૂછ્યું, “બહાર કેવું દેખાય છે?” 
તે રૂષ્ટ થઈ હોય તેવું લાગ્યું. “તમે પોતે જોઈ લો ને?”
મેં ફંફોસીને બારીની કળ શોધી અને બારી ખોલી. બહાર જોયાનું ઢોંગ કરી મેં કહ્યું, “જોયું? બહાર તારના થાંભલા સ્થિર છે પણ એવું લાગે છે જાણે તે ભાગે છે અને ગાડી સ્થિર છે,” મેં જુની યાદો તાજી કરીને કહ્યું.
“હા, આવું તો હંમેશા થતું હોય છે,” યુવતીએ કહ્યું.
થોડો સમય અમે બન્ને ફરી ચૂપ રહ્યા. મેં તેની દિશામાં જોઈને કહ્યું, “તમારો ચહેરો એક કિતાબ જેવો છે!  તમારા મનના ભાવ તમારા ચહેરા પર સાફ વાંચી શકાય તેવા છે.”
યુવતી ખડખડાટ હસી પડી. હસવું રોકાયું ત્યારે તેણે કહ્યું, “અત્યાર સુધી મને જે મળે છે, મને કહે છે હું બહુ રૂપાળી છું! ફક્ત તમે એવા નીકળ્યા જેણે પહેલી વાર મારા ચહેરાને પુસ્તક સાથે સરખાવ્યો! આભાર.”
“તમારો ચહેરો સુંદર પણ છે!” મેં પુસ્તી જોડી.
“તમે પણ ખરા ખુશામદખોર છો!” તે ફરીથી હસી પડી.
હું વિચારમાં પડ્યો. તેના હાસ્યમાં મને હવે પર્વતમાંથી ખળખળ કરીને વહેતા ઝરણાંના અવાજની મીઠાશ જણાઈ. કેવી વિવિધ ખુબીઓ ધરાવતી આ યુવતી છે!

આવી ટૂંકી વાતોમાં બે કલાક કેવી રીતે નીકળી ગયા, ખબર ન પડી. હવે એન્જીનની સીટી વાતાવરણને ચીરતી અમારા ડબા સુધી પહોંચી.
“થોડી વારમાં તમારૂં સ્ટેશન આવી જશે,” મેં કહ્યું.
“હાશ! મને ટ્રેનનો પ્રવાસ નથી ગમતો. બે-ત્રણ કલાકથી વધુ ટ્રેનમાં બેસવાનું થાય તો હું કંટાળી જાઉં,” તેણે કહ્યું.
એન્જીને ફરી સીટી વગાડી અને ટ્રેનની ગતિ ધીમે ધીમે ઘટવા લાગી. દસ-પંદર મિનીટ બાદ આંચકા સાથે ટ્રેન રોકાઈ. સહારનપુર આવી ગયું. સ્ટેશન પર મજુરોની બૂમાબૂમ, પૅસેન્જરોની દોડધામ અને ફેરિયાઓનાે ઘોંઘાટ મને ન સંભળાયો. હું તો મારા હૃદયમાં ઉદ્ભવેલી શૂન્યતાનો શાંત સૂસવાટ સંાભળી રહ્યો હતો. કેટલા ઓછા સમયનો આ સંગાથ હતો અા અદ્ભૂત યુવતીનો! પણ તેની વિદાય મને શા માટે અસહ્ય લાગી રહી હતી? મેં તો તેનું નામ પણ નહોતું પૂછ્યું.

પ્લૅટફોર્મ મારી તરફ હતું અને દરવાજો મારી નજીક હતો. યુવતી ધીમે ધીમે મારી પાસેથી નીકળી. બારણા પાસે એક ક્ષણ રોકાઈને તે હળવાશથી બોલી, “આવજો!”

તેના ‘આવજો’ની સાથે તેના કેશમાંથી પમરાતી ખુશબૂ મારી નાસિકામાં પ્રવેશી. મને તેના વાળનેા સ્પર્શ કરવાની ઊર્મિ થઈ આવી, પણ મહામુશ્કેલીએ તે મેં રોકી. મારે તેના સહવાસની સુગંધી, સૌંદર્યમય ઘડીઓને ચિરસ્મણીય સ્વરૂપ આપવું હતું. એક એક ક્ષણ હું વાગોળતો હતો. એક નિ:શ્વાસની જેમ મારા મુખેથી “આવજો’ જેવાે શબ્દ નીકળ્યો અને તે નીચે ઉતરી. તેની વિદાયના વિચારમાં હું ઉદાસી અનુભવું તે પહેલાં એક મુસાફરે જોરથી દરવાજો ખોલ્યો, અંદર આવીને જોરથી બંધ કર્યો. મારી વિચારધારામાં આંચકા સાથે ભંગ પડ્યો.

“મારી ધમાચકડી માટે મને માફ કરજો!” તે બોલ્યો. પછી ઝંખવાણા અવાજમાં તેણે કહ્યું, “હમણાં ઉતરી તે તમારી સહપ્રવાસીની અત્યંત સુંદર હતી. હવે પછીનો તમારો પ્રવાસ આ અણઘડ અને કદરૂપા જણ સાથે તમારે કરવાનો છે,” કહીને તે હસી પડ્યો. 

“મને એક વાત કહેશો? તેના કેશ કેવા હતા? લાંબા હતા કે બૉબ્ડ?” મેં આગંતુક પ્રવાસીને પૂછ્યું. 

“સૉરી, તેના વાળ તરફ મારૂં ધ્યાન ન ગયું, પણ હા, મેં તેની આંખો જોઈ. આવી મોટી, હરણી જેવી  સુંદર આંખો કોઈ યુવતીમાં મેં ભાગ્યે જ જોઈ છે. પણ કુદરતની કરણી જુઓ! આંખોનો તેને કશો ઉપયોગ નહોતો. બિચારી આંધળી હતી.”

Tuesday, September 22, 2015

આસપાસ ચોપાસ - (૩) : એક ગુજરાતી, એક અંગ્રેજી...

ભાવનગરના નુતન વિદ્યાલયમાં ભણતો ત્યારે નિશાળે જવા રાજ્યના શિક્ષણ નિયામક ગજાનન ભટ્ટના બંગલા પાસેથી નીકળતો. શિક્ષણ વિભાગમાં ભટ્ટજી તેમના દબદબા માટે જાણીતા હતા તેના કરતાં વધારે પ્રખ્યાત તેઓ તેમણે લખેલ એક પુસ્તક “માનવકથા” માટે હતા. સદ્ભાગ્યે મને ૧૯૪૭માં તે વાંચવા મળેલું અને તેમાંની કેટલીક વાતો હંમેશ માટે યાદ રહી ગઈ. આજે આ પુસ્તકમાંની વાત ફરી યાદ કરીને રજુ કરૂં છું.
***
ભાવનગર રાજ્યના એક નાનકડા ગામની વાત છે. ગામમાં એક ખેડૂત પરિવાર રહે. તેમાંના મોટા ભાઈ સંત પ્રકૃતિના અને અપરિણીત. આખો દિવસ પ્રભુભક્તિમાં અને ભજન કિર્તનમાં ગાળે. ગામે ગામથી લોકો ભગતને ભજન ગાવા બોલાવે. સાંજે ભગત જે જાય તે ઠેઠ બીજા દિવસે પાછા આવે. કોઈ વાર દૂર ગામના લોકો ગાડું મોકલે અને ન મોકલે તો ભગત ચાલતા આવે ને જાય. 

નાના ભાઈ કુટુમ્બની જમીન ખેડે. રાત દિવસ મહેનત કરે. વરસે પાક ઉતરે તેમાંથી રાજભાગ આપી બાકીની ઉપજમાંથી મોટા ભાઈ કહે તેમ દાનધરમ કરે અને બાકી બચે તેમાંથી કુટુમ્બનું ગુજરાન ચલાવે. ભગવાનની કૃપા એવી, કોઠીમાંનું ધાન કદી ઓછું ન પડે. નાનકડો તેમનો પરિવાર. ભગત પણ નાનાભાઈ, ભાભી અને તેમનાં સંતાનોને આશિષ આપી પોતાની પ્રવૃત્તિમાં મશગુલ રહે. કોઈ કોઈ વાર ભગત નાનાને કહે પણ ખરા, “ભાઈલા, આવો, આજ સત્સંગમાં બેસો!” થાક્યો પાક્યો ભાઈ કહે, “ભગત, આજે તો રે’વા દ્યો. રાતના રખોપું કરવા જાવું છે. ફરી કો’ક દિ.”
ભગતે કહ્યું, “હશે, ભાઈલા.”
“ભગત બસ તમારા આશિષ અમારા માથા પર રે’વા દેજો. જે ભગતિ કરો છો ઇમાં ભગવાનને કહી અમારો ભાગ રાખજો. ભગવાનને હાથ જોડીને કે’જો કે તમારી ભેળાં અમને પણ તમારા પગ પાંહે જગ્યા આપજો!”

ભગતે હસીને કહ્યું, “ભાઈ, તમે કે'દિ અમારી ભગતિમાંથી જુદા રિયા છો? અમારા કરતાં તમારી ભગતિ વધારે હોય છે!”

નાનાભાઈ તનતોડ મહેનત કરી સૌને રોટલા ભેગા કરે છે. સંસાર સુખી છે. 

એક દિવસ ખેતરે પાક લણી નાનાભાઈ સાંજે ગાડું જોતરી ઘરભણી આવતા હતા ત્યાં ગામને પાદર આવેલી નદીના કાંઠે ભગત એક ગાડામાં બેઠાં હતા. ગાડું ઉભું હતું અને ભગત જાણે નાનાભાઈની વાટ જોઈને બેઠાં હતા. નાનાભાઈએ આવું ચમકતું ગાડું પહેલાં જોયું નહોતું. ભગતને તો ગામે ગામથી લોકો બોલાવે. ગાડાંનો શણગાર જોઈને નાનાભાઈ જાણી ગયા કે આ ગાડું નક્કી દરબાર સાહેબે મોકલ્યું લાગે છે! ગાડાંના ચાલકના શિરે મોટું ફાળિયું અને કપાળે મોટું ટિલું હતું અને ભગતની સાથે તે હસીને વાત કરતો હતો. બેઉના ચહેરા પર હરખ વર્તાતો હતો. 

નાનાભાઈને જોઈને ભગત બોલ્યા, “રામ રામ, નાનાભાઈ. તમારી વાટ જોઈને બેઠા’તા. આજે હાલો અમારી ભેગા. આજનો સત્સંગ ખોવા જેવો નથી.”
નાનાભાઈએ કહ્યું, “ના, ભગત. આજે અમે બહુ થાકી ગયા છીએ. ફરી કો’ક દિ. તમતમારે એ’ય ને મજેથી ભજન કરજો. કાલે મળશું. રામે રામ,” કહી નાનાભાઈ ઘર ભણી નીકળ્યા.

દસે'ક મિનીટમાં પટેલ ઘરે પહોંચ્યા અને ડેલીએ મોટું ટોળું જોયું. સ્ત્રીઓ રડતી હતી. ડેલીમાંથી ગામના મુખી બહાર નીકળ્યા અને નાનાભાઈ પાસે જઈને બોલ્યા, “પટેલ, ભગત એક કલાક પે’લાં મોટા ગામતરે પુગી ગ્યા. બસ, હાથમાં તંબૂરો લઈને તાર મેળવતા’તા અને જીવતરના તાર કાયમ સાટુ પરમાત્મા સાથે સંધાઈ ગ્યા!"

મોટા ગામતરે જતાં પહેલાં ભગત નાનાભાઈને આપેલું વચન પાળવા રોકાયા હતા! નાનાભાઈ નિ:શ્વાસ મૂકીને બોલ્યા, "ધન છે ભગત અને ધન છે તમારી ભક્તિ! અને આપેલું વચન પણ પાળવા રોકાણાં હતા!"

***
આજની બીજી વાત છે અૉસ્કર વાઈલ્ડની વાર્તાઓમાંની. અૉસ્કર વાઈલ્ડ મેધાવિ લેખક અને બૌદ્ધીક વ્યક્તિ હતા. તેમનું વ્યક્તિત્વ એવું તો પ્રતિભાશાળી હતું, તેમના પરિચયમાં આવેલ દરેક વ્યક્તિ તેમની અસાધારણ બુદ્ધિમત્તાથી અંજાઈ જતી. તેમણે લખેલી નવલકથા "ધ પિક્ચર અૉફ ડોરિયન ગ્રે" અને નાટક "ઈમ્પૉર્ટન્સ અૉફ બીઈંગ અર્નેસ્ટ", "લેડી વિંડરમીયર્સ ફૅન" તથા લઘુકથાઓ "સેલ્ફીશ જાયન્ટ", "ધ હૅપી પ્રિન્સ" ઘણા લોકપ્રિય થયા હતા. આમાંની છેલ્લી બે વાર્તાઓ અમારા શાળાના અભ્યાસક્રમમાં હતી.  વિશ્વમાં જ્યાં જ્યાં અંગ્રેજી સાહિત્ય શીખવવામાં આવે છે, ત્યાં અૉસ્કર વાઈલ્ડનાં પુસ્તકોનો અભ્યાસ જરૂર થાય છે.  
***
"લૉર્ડ આર્થર સેવિલ્સ ક્રાઈમ" - લે. અૉસ્કર વાઈલ્ડ

લંડનમાં હાલમાં જ આવેલ આ જ્યોતિષી ટૂંક સમયમાં જ પ્રખ્યાત થઈ ગયા હતા. તેમણે ભાખેલ ભવિષ્ય હંમેશા સચોટ નીકળતા. કેટલીક વાર તો જેમનો હાથ તેમણે જોયો હોય તેના જીવનમાં બે દિવસ બાદ શું થવાનું છે તે પણ કહી શકતા હતા! લંડનના ઉમરાવ વર્ગમાં તો તેઓ એવા લોકપ્રિય થઈ ગયા હતા કે ન પૂછો વાત. નહોતા પ્રભાવિત થયા બુદ્ધિજીવી લૉર્ડ આર્થર સેવિલ.

ઉચ્ચ વર્ગના વર્તૂળોમાં જ્યારે ફૅશનેબલ સ્ત્રી પુરુષોનાં ટોળાં જ્યોતિષીને હાથ બતાવવા ઊંચા નીચા થતા હોય, લૉર્ડ સેવિલ દૂરથી તેમને જોઈ હસે. તે વખતે કાં તો તેમના હાથમાંની પ્યાલીમાંથી આસવની ચૂસકી લેતા હોય કે સિગારનો કશ લેતા હોય. તેઓ કદી આ જ્યોતિષી પાસે ન ગયા કે ન કદી તેની ભવિષ્યવાણીમાં રસ લીધો.

એક દિવસ જ્યોતિષીથી રહેવાયું નહિ. તેઓ લૉર્ડ સેવિલ પાસે પહોંચી ગયા અને પૂછ્યું, "લોકોનાં હાથ જોઈને હું જે કહું છું તે તમને મજાક લાગે છે?"
"મજાક નહિ તો બીજું શું? તમે કહો અને તે થાય એ શક્ય જ નથી."

જ્યોતિષી ગુસ્સે થયા.

"એક વાર તમારો હાથ મને જોવા દો. હું કહું છું તેમાંનો એક પણ શબ્દ ખોટો હોય તો આ કામ કાયમ માટે મૂકી દઈશ," કહી તેણે જબરજસ્તીથી તેમનો હાથ ખેંચી તેના પર નજર નોંધી. થોડી વારે તેમના ચહેરા પર ચિંતાનો ભાવ પ્રગટ્યો.
"લૉર્ડ સૅવિલ, પહેલી વાત તો એ છે કે હાલમાં જ તમે એક તરૂણીના પ્રેમમાં પડ્યા છો. એટલું જ નહિ,તેના પર બેસુમાર પ્રેમ કરો છો. તેના વગર જીવવું તમને શક્ય લાગતું નથી. બીજી વાત, તમારા હાથે એક ગંભીર ગુનો થવાનો છે. એટલી હદ સુધી ગંભીર કે તે મોટી લૂંટ કે માનવહત્યા પણ હોઈ શકે છે. જ્યાં સુધી તમારા હાથે ગુનો નહિ થાય, તમારા લગ્ન થઈ નહિ શકે. 

"તમને લાગતું હશે આવા ગંભીર ગુનાની સજામાં અનેક વર્ષની કેદ થઈ શકે તો લગ્ન કેવી રીતે થશે? આ બાબતમાં તમને એક સારા સમાચાર આપું છું કે તમે કરેલો ગુનો કોઈ ઉકેલી નહિ શકે. કોઈને ખબર નહિ પડે કે આ ગુનો તમે કર્યો છે."

લૉર્ડ સેવિલ હસી પડ્યા.

જ્યોતિષીએ તેમને કહ્યું, "ભલે હસો. પણ એક અઠવાડિયામાં તમારા હાથે ખૂન થવાનું છે. ત્યાર પછી તમારા જ્યારે પણ લગ્ન થાય, મને યાદ કરી લેજો," કહી જ્યોતિષી ત્યાંથી નીકળી ગયા.
***
તે વખતે તો સૅવિલ હસ્યા હતા, પણ જ્યોતિષી ગયા બાદ ચિંતામાં પડ્યા. તેમના પ્રેમ સંબંધ વિશે તેમની પ્રેયસી અને તેમના સિવાય બીજા કોઈને જાણ નહોતી. તેમના ખાસ મિત્રને પણ નહિ.  આ જ્યોતિષીને તેની કેવી રીતે જાણ થઈ? 

હવે તેમનું ધ્યાન જ્યોતિષીની બીજી ભવિષ્યવાણી પર ગયું. મોટો ગુનો કર્યા વગર લગ્ન નહિ થાય, એવું તેણે કહ્યું હતું ને? તેઓ પેલી તરૂણીના પ્રેમમાં એટલા ડૂબ્યા હતા, તેના વગર જીવન વ્યર્થ છે તેની તેમની ખાતરી હતી. 

સેવિલ માટે લૂંટ ચલાવવાનો વિચાર હાસ્યાસ્પદ હતો. તેઓ પોતે એટલા સીધા અને સરળ માર્ગી હતા, તે વિશેની યોજના કરવી તેમના માટે શક્ય નહોતું. બીજો ગંભીર ગુનો...? ખૂન? આ કરવા માટે તેમની નૈતિકતા તેમને કદી રજા ન આપે.

તેઓ હવે ચિંતામાં એટલા ડૂબ્યા, રાતની ઊંઘ ઉડી ગઈ. રાતે તેઓ હવે બહાર ફરવા નીકળી પડવા લાગ્યા. મધરાતના જે નીકળે, પરોઢિયે પાછા આવે. આમ ને આમ છ દિવસ નીકળી ગયા. 
એક રાતે તેઓ વેસ્ટમિન્સ્ટર બ્રિજ પર નીકળ્યા. ટાઢ ભયંકર પડી હતી. ટેમ્સ નદીનું ધુમ્મસ આખા પુલ પર છવાઈ ગયું હતું. સામાન્ય રીતે આ વિસ્તારમાં એકાદો બૉબી (પોલીસ) લટાર મારવા નીકળે, પણ આજે ત્યાં કોઈ નહોતું. પૂલના છેડે કોઈ વાર ભિખારી કે હોમલેસ માણસ બેઠા હોય. સૅવિલ ધીમે ધીમે પુલ પર આગળ વધ્યા. અચાનક તેમને એક ઓળો દેખાયો! એક માણસ પુલ પર નદી તરફ ઝુકીને એવી રીતે ઉભો હતો, જાણે આપઘાત કરવાનો વિચાર કરતો હોય! સેવિલે વિચાર કર્યો, જે મરવા માગતો હોય તેને મરવામાં મદદ કરવાથી એક પંથ દો કાજ થઈ જશે! આ જણને સહેજ ધક્કો મારવાથી તે ત્રીસ ફૂટ નીચે પાણીમાં પડી જશે અને તરત મરી જશે. આ પુણ્યનું કામ થશે, અને કહેવાતો 'ગંભીર ગુનો' પણ થઈ જશે. એક પંથ દો કાજ... વિચાર કરતાં કરતાં તેઓ પેલા હોમલેસ માણસ પાસે પહોંચ્યા, અને સહેજ ધક્કો માર્યો. નદીમાં પડતા પેલા માણસની ચીસ પણ હવામાં ઠરી ગઈ. લૉર્ડ સેવિલ ખુદ તે સાંભળી ન શક્યા. તેમણે હવે ચારે બાજુએ જોયું. આસપાસ કોઈ નહોતું. તેઓ ધીમે ધીમે ત્યાંથી નીકળી ગયા અને ચેલ્સીમાં આવેલા તેમના ફ્લૅટમાં પહોંચી ગયા. ઘેર તેમના બટલરે ફાયરપ્લેસ ચેતાવી રાખી હતી. તેની સામેની તેમની પ્રિય આરામખુરશી પર બેઠાં. તેમના હાથે ગંભીર ગુનો થઈ ગયો હતો અને તે કોઈએ જોયો નહોતો! એક 'મહાન' કામ થઈ ગયા પછી ચિંતામુક્ત થયેલા લૉર્ડ સેવિલ ખુરશીમાં બેઠાં બેઠાં જ સુઈ ગયા. છ દિવસે તેમને સરસ નિંદર આવી ગઈ. સાત - આઠ કલાક ત્યાં જ સૂઈ રહ્યા. આટલી સરસ ઊંઘ તેમને ઘણા સમયથી નહોતી મળી.

જ્યારે તેઓ જાગ્યા, બટલર તેમના માટે ટ્રેમાં ગરમાગરમ ચા અને ટોસ્ટ લઈ આવ્યો. ટ્રે પર હંમેશની જેમ ઈસ્ત્રી કરી રાખેલ તે દિવસનું અખબાર હતું. આજે ઊઠતાં વેંત ચ્હાનો ઘૂંટડો લેવા ટેવાયેલા લૉર્ડ સેવિલે પહેલાં અખબાર લીધું. તેમણે પોલિસ રિપોર્ટનું પાનું ખોલ્યું અને નાનકડા કૉલમમાં કોઈ હોમલેસ માણસના મૃત્યુના સમાચાર છે કે નહિ તે જોયું, પણ તેવું કશું દેખાયું નહિ. કદાચ કાલે... તેમણે ઉચ્ચ સોસાયટીના સમાચાર પ્રસિદ્ધ થાય તે પેજ થ્રી તરફ નજર કરી અને ચોંકી ગયા. ત્યાં મોટા અક્ષરોમાં લખ્યું હતું:
"આજે સવારના પહોરમાં શહેરના ઉચ્ચભ્રુ ગણાતા સમાજના પ્રખ્યાત જ્યોતિષીનું શબ ટેમ્સ નદીમાં મળી આવ્યું. પોલિસનું માનવું છે કે તેમણે આત્મહત્યા કરી..."

લૅાર્ડ આર્થર સેવિલ ખડખડાટ હસી પડ્યા. તેમનાે બટલર તેમને નવાઈની નજરે જોતો જ રહી ગયો.
બે અઠવાડિયા બાદ લૉર્ડ સેવિલનાં લગ્ન તેમની પ્રેયસી સાથે ઉત્સાહથી ઉજવાયાં જે કહેવાની આવશ્યકતા ખરી?  Sunday, September 20, 2015

આસપાસ - ચોપાસ કંઈક વાંચેલું (૨)

૧. નાતાલની તે રાત

હું અૉક્સફર્ડ યુનિવર્સીટીમાં અભ્યાસ કરતો હતો ત્યારની વાત છે. મૉડલેન (આની જોડણી તેના ઉચ્ચારથી ‘સહેજ’ જુદી છે : Magdalen) કૉલેજમાં મારો પરિચય એક સ્કૉટીશ વિદ્યાર્થી સાથે થયો. સમય જતાં અમે ગાઢ મિત્રો થયા. એક વર્ષના ડિસેમ્બરમાં તેણે મને પૂછ્યું, “આ વર્ષે નાતાલની રજામાં તું ક્યાંય જવાનો છે?”
મેં ના કહી. 
“અરે, નાતાલનો તહેવાર તો પરિવાર સાથે ગાળવાનો હોય. તું આ વર્ષે અમારે ઘેર આવ. મજા પડશે. અમારી ક્લૅનના લોકો આ વર્ષે અમારે ત્યાં આવવાના છે. તારો પણ સમય સારી રીતે વિતી જશે.”
હું તૈયાર તો થયો, પણ વિચાર આવ્યો, તેના પરિવારના લોકો આવવાના હોય તો મારા માટે તેના ઘરમાં જગ્યાની સંકડાશ….”
“એની ચિંતા ના કરીશ. તારી વ્યવસ્થા થઈ જશે.,” તેણે કહ્યું.
હું તેને ગામ પહોંચ્યો અને તેનું 'ઘર' જોઈને ચકરાઈ ગયો! તેનું ઘર એટલે એક મોટો પુરાતન કિલ્લો હતો! મને ત્યારે ખબર પડી કે તેના પિતા સ્કૉટીશ લૉર્ડ હતા. તેણે મારી ઉતરવાની વ્યવસ્થા પહેલા માળની ડાબી પાંખમાં કરી હતી. તેના એક અનુચરે મારી બૅગ લીધી અને મને તેની પાછળ જવાનું કહ્યું. હું તો જોતો જ રહી ગયો. એક વિશાળ દાદરાનાં પગથિયાં ચઢતી વખતે દિવાલ પર મિત્રના વડવાઓનાં મોટાં તૈલચિત્રો હતાં. લૉબીમાં જુના જમાનાનાં Knightsનાં પુરાં બૉડી આર્મર (આખું શરીર ઢંકાય તેવા લોખંડના બખ્તર), બાજુમાં લાંબા ભાલા અને જુના હથિયાર ગોઠવ્યાં હતાં. લૉબીની બન્ને બાજુએ કમરા હતા. મને મળેલો કમરો ખાસ્સો મોટો હતો અને તેમાં જબરજસ્ત પલંગ અને કિમતી ફર્નીચર હતું.

મિત્રના ઘેર ઉજવાયેલો નાતાલનો ઉત્સવ અનોખાે હતો. ૨૪મીની રાતે કિલ્લામાં આવેલા નાનકડા ચૅપલમાં મધ્યરાત્રીએ ભગવાન ઈસુના જન્મ પ્રસંગની સામુહિક પ્રાર્થનામાં અમે સૌએ ભાગ લીધો. બીજા દિવસે - નાતાલના દિવસે એકબીજાને ભેટ આપી અને ભવ્ય લંચ પાર્ટી થઈ.

ત્યાર પછીના દિવસોમાં અમે મિત્રની એસ્ટેટની મુલાકાત લીધી. સ્કૉટલન્ડમાં સારો એવો બરફ પડ્યો હતો, તેમ છતાં ત્યાંનું સૌંદર્ય અદ્ભૂત હતું. હવે આવી નુતન વર્ષ અગાઉની સંધ્યા. 

તે રાત્રે કિલ્લાના ડાન્સ હૉલમાં ફૅન્સી ડ્રેસ પાર્ટી હતી. નૃત્યમંદિરમાં પ્રથમ બૅગપાઈપ્સ વગાડતા પાઈપર્સ આવ્યા અને તેમની પાછળ મિત્રના માતા- પિતા લેડી અને લૉર્ડ XXX આવ્યા. ત્યાર બાદ જેમ જેમ મહેમાન આવતા ગયા, તેમનો માસ્ટર અૉફ સેરીમનીઝ  તેમનાં નામ પોકારતો ગયો. સૌએ વિવિધ પ્રકારના એટલે સત્તરમી અને અઢારમી સદીમાં ઉમરાવો પહેરતા તેવા, તો કોઈએ ફ્રેન્ચ ઉમરાવના પોશાક પહેર્યા હતાં. હું મારી સાથે જોધપુરી બંધ ગળાનો કોટ, સુરવાલ અને જયપુરી સાફો લઈ ગયો હતો, તે પરિધાન કર્યાં.  સઘળા મહેમાનો આવી ગયા બાદ શરૂ થયા સ્ટ્રીંગ બૅન્ડના સૂર. યુગલોએ જોડી જોડીમાં બૅન્ડના સૂર-તાલમાં બૉલરૂમ-નૃત્ય કર્યાં. કેટલાક લોકો બારમાં બેસી પીણાં સાથે નૃત્ય જોતાં હતા.

મધરાત થઈ. નવા વર્ષનું આગમન જાહેર કરતા ઘડિયાળના ડંકા વાગ્યા અને અમે સૌએ Auld lang syne
ગાયું - જે તેના અર્થ સાથે આપ અહીં સાંભળી શકશો.


 હું થાકી ગયો હતો. મિત્રની માફી માગી હું મારા કમરા તરફ જવા નીકળ્યો. દાદરાનાં પગથિયાં ચઢી મારા કમરા તરફ વળ્યો ત્યાં સામેના ઓરડામાં પ્રવેશ કરવા જતા એક સજ્જન દેખાયા. ફૅન્સી ડ્રેસ પાર્ટી હતી તેથી તેમણે બ્રિટનના રાજા પ્રથમ ચાર્લ્સની ફૅશનમાં બનાવેલો પોશાક પહેર્યો હતો. મેં તેમનું અભિવાદન કર્યું. તેમણે સ્મિત કરીને જવાબ આપ્યો. 
“થાકી ગયા?” તેમણે પૂછ્યું. જેવો જુના જમાનાનો પોશાકની તેવી ભાષા જુના જમાનાની શૈલીની. આ અહીંના લોકોની ખુબી છે. અનુકરણ કરવું તો પૂરી રીતે! 
“સાચું કહું તો મને કંટાળો આવ્યો હતો. બહાનું કાઢીને આવતો રહ્યો. આપ?” મેં પૂછ્યું.
“હું પણ કંટાળી ગયો છું. બધા નૃત્યમાં એટલા મશગુલ છે, કોઈને વાત કરવાનો સમય નથી, અને હું ગપ્પાં મારવાના મૂડમાં છું.”
“તો આવો ને મારા કમરામાં! મારો પણ સમય નીકળી જશે,” મેં કહ્યું.
અમે એક બીજાને અમારો પરિચય આપ્યો. સજ્જને તેમનું નામ જીમ કહ્યું. જીમ એટલે જેમ્સનું ટૂંકું, હુલામણું નામાંતર. અમે ઘણી વાતો કરી. રાતના બે ક્યારે વાગી ગયા તેની ખબર ન પડી. મને હવે ઉંઘ આવવા લાગી હતી. મારી સ્થિતિ જીમ સમજી ગયો હોય તેવું લાગ્યું. તેણે તેના જૅકેટની લાંબી બાંયમાં ગડી કરી રાખેલો રૂમાલ કાઢ્યો અને બગાસું રોકવાનો પ્રયત્ન કરતો હોય તેમ રૂમાલ મોઢા સુધી લઈ જઈને બોલ્યો, “ તમારો ઘણો સમય લીધો. મારે પણ હવે જવું જોઈએ. આવજો ત્યારે. ગુડ નાઈટ!”

જીમ ઉભો થયો અને બારણાની નજીક ગયો ત્યારે મને ખ્યાલ આવ્યો કે બારણાંની ફ્રેમ કરતાં જીમ ઘણો લાંબો હતો.
‘ઓહ, જીમ, જરા માથું સંભાળજો. બારસાખ નીચી છે. ધ્યાન નહિ રાખો તો માથું ભટકાશે,” મેં કહ્યું.

“ચિંતા ના કરશો. બારસાખ નીચી હોય તો હું આમ નીકળું છું, “ કહી જીમે જમણા હાથ વતી પોતાનું ગળું પકડ્યું અને આબાદ રીતે વિજળીનો ગોળો ઉતારતો હોય તેમ માથું ઉતાર્યું અને ડાબા હાથની હથેળી પર રાખ્યું. તેના હાથ પરના તેનાં માથાએ મારા તરફ જોઈ તેની આખી બત્રીસી બતાવતું સ્મિત કર્યું અને ક્ષણાર્ધમાં તે મારા કમરામાંથી હવાની જેમ અદૃશ્ય થઈ ગયો. મારા મોઢેથી ચિસ નીકળી ગઈ. 

એકાદ-બે મિનીટ બાદ મારો મિત્ર અને તેની સાથે એક નોકર મારા કમરામાં દોડતા આવ્યાં. હું હજી ડરના માર્યાં ધ્રુજતો હતો. તેણે મને સાઈડબોર્ડ પર રાખેલી બાટલીમાંથી સ્કૉચનો શૉટ ગ્લાસમાં રેડ્યો અને ગટગટાવી જવા કહ્યું. સ્વસ્થ થયા બાદ ધીમે ધીમે મેં તેને જીમની વાત કરી તો તેણે હસીને કહ્યું, “આેહ, મારે તને અમારા પૂર્વજ સર જેમ્સના ભૂતની વાત કરવી જોઈતી હતી. તારી રૂમ બહારની કૉરીડોરમાં તેમનું અપાર્થિવ શરીર કોઈ કોઈ વાર ભટકતું હોય છે. તું ગભરાઈ જઈશ એટલે તને કહ્યું નહોતું. સર જેમ્સ સાવ નિર્દોષ અને ભલા સજ્જન હતા. તેમના રાજકીય દ્વેષીએ તેમના સમયની રાણી એલિઝાબેથ પ્રથમ પાસે ખોટી ચાડી ખાઈ તેમનો શિરચ્છેદ કરાવ્યો હતો. કોઈ વાર તારા જેવો સાલસ માણસ મળી જાય તો તેની સાથે વાત કરવા રોકાતા હોય છે! આમ જોવા જઈએ તો તું ભાગ્યશાળી કહેવાય. સર જેમ્સને મળવાનું સૌભાગ્ય મને હજી સુધી પ્રાપ્ત નથી થયું!”

***
મારો થરથરાટ હજી ઓછો થયો નહોતો. મારા મિત્રે હવે તેના ગ્લાસમાં વિસ્કી રેડી અને એક ઘૂંટડો લઈને વાત માંડી.

તેં વુધરીંગ હાઈટ્સ વાંચી છે તેથી યૉર્કશાયરના આ moorsના વેરાન પ્રદેશોના વર્ણનથી વાકેફ હોઈશ. આ વગડામાં અમારા દૂરના કાકાનું કન્ટ્રી હાઉસ છે. તેમને મળવા લંડનથી એક સંબંધી ગયા. તેમણે સ્ટેશન પર ગાડી મોકલવા માટે કરેલો તાર તેમના યજમાનને મળ્યો નહોતો, તેથી તેમણે ચાલતાં જવાનું નક્કી કર્યું. હવેલી પાંચ માઈલ જ દૂર હતી. ચાંદની રાત હતી અને વાતાવરણ ખુશનૂમા. સ્ટેશનના ક્લોકરૂમમાં સામાન મૂકી તેઓ નીકળતા હતા ત્યાં સ્ટેશનમાસ્તરે કહ્યું, ‘અહીંના મોસમનો ભરોસો નથી. ગમે ત્યારે વરસાદ, કરા અને બરફ પડવા લાગે છે. આવું થાય તો એક વાતનો ખ્યાલ રાખજો. તમે જાવ છે તે દિશામાં જનારી કોઈ બગ્ગી કે ઘોડાગાડી જતી હોય તો તેને રોકતા નહિ. તમને જોઈ તે રોકાય તો પણ તેમાં બેસતા નહિ.’

મહેમાન શહેરવાસી હતા. તેમણે આ વાત પર ધ્યાન ન આપ્યું અને ચાલવાનું શરૂ કર્યું, તેઓ માંડ બે માઈલ ગયા હશે ત્યાં અચાનક વરસાદ અને કરા પડવા લાગ્યા. આમ તો પાનખર ઋતુ હતી પણ હવે બરફ પડવા લાગ્યો અને તેની સાથે વાવાઝોડું શરૂ થયું. આ શહેરી જણ હેરતમાં પડી ગયા. હવે તો આગળનો રસ્તો પણ વર્તાતો નહોતો. તેવામાં તેમણે ઘોડાંઓનાં ગળામાં બંધાતા ઘૂઘરાંઓનો અવાજ સંાભળ્યો. તેઓ રસ્તાને કિનારે ઉભા રહ્યા અને જોયું તો તેઓ જે જગ્યાએ જઈ રહ્યા હતા તે દિશામાં જઈ રહેલી ચાર ઘોડાંની બગ્ગીના ઓળા દેખાયા. બગ્ગી નજીક આવી ત્યારે તેમણે રસ્તાની વચ્ચે ઉભા રહી તેને રોકવા હાથ હલાવ્યો. ગાડી ઉભી રહી. તેમણે ઝડપથી દરવાજો ખોલ્યો અને અંદર બેસી ગયા. બાજુમાં બેઠેલા સજ્જનનો આભાર માનવા તેમની તરફ જોયું અને તેમનો શ્વાસ થંભી ગયો. કાળા પોશાકમાં બેઠેલા આ ‘સજ્જન’ અને તેમના બે સાથીઓ મૃત વ્યક્તિઓ હતી! બધાં પૂતળાંની જેમ જડ હાલતમાં ફાટી આંખોએ નાકની સામેની દિશામાં જોતી બેઠી હતી. શું કરવું તે સમજાય તે પહેલાં બગ્ગી જાણે હવામાં ઉડતી હોય તેમ ભારે ગતિએ દોડવા લાગી.

“શહેરી પ્રવાસી એક ક્ષણ વિકળ થઈ ગયા. માણસને જ્યારે ભયાનક ડર લાગે, તે થીજી જતો હોય છે. શરીર ઠરીને નિષ્ક્રિય થઈ જાય તે પહેલાંં તેમણે સમયસૂચકતા દાખવી. તેમણે ઝટ દઈને ગાડીનંુ બારણું ખોલ્યું અને બહાર કૂદી ગયા. જમીન પર પડતાં વેંત તેઓ બેભાન થઈ ગયા. બીજા દિવસે તેમને ભાન આવ્યું અને જોયું તો તેઓ તેમના યજમાનની હવેલીની બેડરૂમમાં હતા અને તેમની પાસે ઉભેલા ડૉક્ટર તેમના હાથની નાડી તપાસી રહ્યા હતા.
“તેમના યજમાને કહ્યું, ‘ખરાબ હવામાનને કારણે તમારો તાર અમને મોડો મળ્યો, પણ અમે તરત અમારી લૅન્ડ રોવર મોકલી. તમને રસ્તાના કિનારે પડેલા જોયા અને અમારો શૉફર અને તેનો સાથી તમને ઉંચકીને અહીં લઈ આવ્યા. રસ્તામાં શું થયું કે તમે બેભાન થઈ ગયા?’

“તેમણે જ્યારે વિસ્તારથી વાત કરી ત્યારે તેમણે કહ્યું, ‘આ ભૂતિયા બગ્ગીની આખ્યાયીકાથી અહીંના સઘળાં લોકો વાકેફ છે. સોએક વર્ષ પહેલાં આવું ઘણી વાર થતું અને રસ્તાની પાસે બગ્ગીમાંથી કૂદીને બહાર પડેલા લોકોનાં શબ મળી આવતા. પણ છેલ્લા પચીસ-પચાસ વર્ષથી આવું બન્યું નથી. તમે ભાગ્યશાળી છો કે તમે બચી ગયા!”
***
મારી પોતાની વાત કરૂં તો મારા મિત્રની ‘કથા’ઓ સાંભળી તેના કિલ્લામાં એક દિવસ પણ વધારે રહેવું મારા આરોગ્ય માટે અહિતકર લાગ્યું. બીજા દિવસે સવારના પહોરમાં તેની રજા લઈ હું પાછો અૉક્સફર્ડ જતો રહ્યો. 
હવે તમે જ કહો. આ અનુભવ પછી મારા મિત્રની મહેનમાનગતિ માણવાનું આમંત્રણ મારે સ્વીકારવું જોઈએ?

***
ઉપરની પ્રસંગ કથાઓ ૧૯૫૬ કે ૫૭માં ઈલસ્ટ્રેટેડ વિક્લી અૉફ ઈન્ડિયામાં ‘રોમેશ’ તખલ્લુસથી લખતા એક લોકપ્રિય લેખકની Causerie નામની કટારમાં પ્રસિદ્ધ થઈ હતી. જિપ્સી તે ભુલી શક્યો નથી. બહુુશ્રુત અને વિદ્વાન એવા રોમેશનું સાચું નામ કોઈ જાણી શક્યું નહિ, પણ તેમની વાતો પરથી એવું લાગતું હતું કે તેઓ કદાચ ICS અફસર હતા.