Monday, December 16, 2013

બ્રિટન - જ્યારે ભારતની સ્ત્રી શક્તી જાગે છે...


કર્મ, સંજોગ, ઇત્તેફાક આ શબ્દો આપણા જીવનમાં અભિન્ન રીતે ગુંથાયા છે. ક્યાં અને ક્યારે કોની સાથે મુલાકાત થશે, કેટલા સમય પુરતો તેમનો સંગાથ રહેશે, તે કોઇ જાણી શકતું નથી. કેટલીક વાર એવી વ્યક્તિઓ સાથે મુલાકાત થતી હોય છે, ભલે તે ક્ષણીક કેમ ન હોય, અવિસ્મરણીય બની જતી હોય છે. તેમણે કહેલા વાક્યો, તેમણે કરેલ કામ જે આપણે દૂરથી જોયું હોય છતાં આપણાં હૃદયોમાં, સ્મૃતીમાં કાયમ માટે અંકાઇ જતા હોય છે. આવું જ કંઇ થતું હોય છે આપણે કશું’ક વાંચ્યું હોય તે બાબતમાં. પુસ્તક કે લેખકનું નામ સુદ્ધાં ઘણી વાર યાદ નથી રહેતું, પણ તેમણે લખેલા વાક્યો આપણા અંતરાકાશમાં તેજસ્વી તારાની જેમ હંમેશા ચમકતા રહે છે અને સ્વર બનીને ગુંજતા રહે છે

મહાન વિચારકો, ઋષી-સંતોએ જેને પોતાની કર્મ ભુમિ માની છે અને ત્યાં રહીને જનસેવા કરી છે, ત્યાં આપણે પગ મૂકીએ ત્યારે એક પ્રકારની દિવ્ય અનુભૂતિ થયા વગર રહેતી નથી. એક એવી વિચાર શક્તિ અને પ્રેરણા આપણા શરીર અને મનને આવરી લેતી હોય છે જેની અસર લાંબા સમય સુધી આપણો સાથ દેતી હોય છે. તીર્થયાત્રાના સ્થળોની મુલાકાત લેતી વખતે આવો અનુભવ સૌને આવી શકે છે.  અહીં ‘તીર્થ’ એટલે કેવળ ધાર્મીક સ્થળ નહી, પણ મહાપુરુષોનાં જન્મસ્થળ, તેમની કર્મભુમિ, જે સ્થળે તેમણે થોડો સમય પસાર કર્યો હોય ત્યાંની જમીન તથા આબોહવામાં એક પ્રકારની અદૃશ્ય જ્યોતિ હંમેશા પ્રકાશ પાથરતી રહે છે. આનો પ્રસાદ સૌને મળી શકે છે. ફક્ત તેને અનુભવી, તેને સ્વીકારવાની શક્તિ આપણામાં હોવી જોઇએ, એવું જાણકાર લોકો કહે છે.

લંડનની કેટલીક જાણીતી, અજ્ઞાત, શિક્ષીત, અશિક્ષીત બહેનોએ સ્ત્રીઓના મતાધિકાર માટે ચલાવેલી લડાઇ એક યજ્ઞ સમાન હતી. સમગ્ર દેશની બહેનોને તેમણે સ્ત્રી-શક્તિમાં વિશ્વાસ અને ગૌરવની ભાવના અાપી હતી. અહીં આપને નેવિલ શૂટ (Neville Shute)ની બીજા વિશ્વયુદ્ધના પ્રસંગો પર આધારીત નવલકથા ‘A Town Called Alice’ પર નિર્મીત ચિત્રપટ સોરીયલ યાદ આવશે. મલાયા (આજના મલેશિયા)માં યુદ્ધબંદી થયેલી અંગ્રેજ બહેનોમાં આત્મગૌરવની ખુમારી હતી તેને જાપાનીઝ અધિકારીઓએ અહંકાર સમજી તેમના પર અનેક અત્યાચાર ગુજાર્યા હતા. ગુલામોની જેમ મજુરી કરાવી તેમના ખમીરને ધ્વસ્ત કરવાનો પ્રયત્ન કર્યો હતો, તેમ છતાં તેમણે હાર માન્યા વગર આ બહેનો શાંતીપૂર્વક તેનો સામનો કરતી રહી અને અંતે વિજયી થઇ હતી. Suffregettesની લડાયક ભાવના બ્રિટનમાં ગયેલી ભારતીય બહેનોમાં ક્યારે અને કેવી રીતે આવી એ વિચારવા લાયક વિષય હતો. 

ભારતવર્ષના ઇતિહાસમાં તેમજ આધુનિક કાળમાં એકલ-માતાઓએ (single parent mothers) આજના સમય, પુરુષપ્રધાન સમાજ તથા સંજોગો સામે લડીને પોતાનાં બાળકોને સ્વમાનભર્યું જીવન જીવવાની શક્તી આપતી રહી છે. અન્યાયી અને જુલમ ગુજારતી વિદેશી સત્તાઓને યુદ્ધનો પડકાર આપ્યો છે, જે કાંઇ બહારથી આવેલી વાત નથી. આ તો તેમના અંતરમાં રહેલી જન્મજાત દુર્ગાની શક્તિનો સાક્ષાત્કાર છે. બ્લૉગરના એક અનુવાદિત પુસ્તક "બાઇ"માં આ વાત જરૂર જોવા મળશે.

લંડનમાં સોશિયલ સ્ટડીઝમાં પોસ્ટ-ગ્રૅજ્યુએશન કરતી વખતે અમૃત વિલ્સન, યાસ્મીન અલીભાઇ જેવી લેખિકાઓ તથા જયાબહેન દેસાઇએ સમગ્ર બ્રિટનમાં દેશવ્યાપી હડતાલ ચલાવી હતી તેનો અભ્યાસ કરતી વેળાએ લેખકના મનમાં બે વાતો ધ્યાનમાં આવી:

એક તો સ્વમાન, આત્મગૌરવ અને સંઘર્ષની શક્તિ પરમાત્માએ ભારતીય સ્ત્રીઓમાં ભરપૂર પ્રમાણમાં બક્ષી છે. પ્રગટ કે અપ્રગટ રીતે પ્રજ્વલિત રહેલી આ શક્તિને ભારતના પુરુષ-પ્રધાન દેશમાં સ્ત્રીઓને આર્થીક રીતે પુરુષ પર આધાર રાખતી કરી દેવામાં આવી છે. બીજી વાત: સદીઓથી આ થતું આવ્યું હોવા છતાં ભુમિગત સરસ્વતિની જેમ આત્મનિર્ભરતાનો પ્રવાહ આપણી મહિલાઓમાં સતત જીવંત રહ્યો છે. બ્રિટનની સોશિયલ સિક્યોરિટી પદ્ધતિ તથા ત્યાંની ઉદારમતવાદી (liberal) વિચારસરણીએ એકલજીવી બહેનોને સ્વમાન તથા આર્થિક સ્વાતંત્ર્યનું શસ્ત્ર આપીને તેમને સમાજમાં વિશિષ્ટ સ્થાન આપ્યું, જેનું મહત્વ આપણી બહેનોએ જાણ્યું. આ જાણે એક catalyst થયું અને તે દ્વારા બહેનોને પોતાની આંતરીક શક્તિને મૂર્ત સ્વરૂપ આપવા મળ્યું. 

આજના અંકમાં આપને બ્રિટનમાં એક સમયમાં વિશ્વવિખ્યાત બનેલા અને હાલ સમયના પડદા પાછળ રહેલી એક મંદ જ્યોતિ સમાન જ્વલંત એવા સ્વ. જયાબહેન દેસાઇનો પરિચય આપીશું. આ લેખ અમદાવાદથી પ્રસિદ્ધ થતા ‘સાર્થક જલસો’ના દિવાળી અંકમાં પ્રસિદ્ધ થયો હતો. તેનું સંક્ષિપ્ત સંસ્કરણ ‘સાર્થક જલસો’ના સંપાદક મંડળના સૌજન્યથી અહીં આપ્યું છે. 
***

૧૯૭૦ના દાયકામાં બ્રિટન આર્થિક મંદીમાં સપડાયું હતું. બેકારી ચારે તરફ વર્તાઇ રહી હતી. એવામાં પૂર્વ આફ્રિકાથી મોટી સંખ્યામાં નિર્વાસીત થયેલા ભારતીય ઉગમના લોકો બ્રિટનમાં આવી પહોંચ્યા હતા. વર્ણદ્વેષની નિમ્નકક્ષાએ પહોંચેલા બ્રિટીશ સમાજમાં પૂર્વ આફ્રિકાથી ગયેલા નિર્વાસીતોની હાલત વર્ણવી શકાય તેમ નથી. સુખવસ્તુ પરિવારની બહેનોને લંડનની કારમી બેકારીમાં પતિ-સમોવડી બનવા નોકરી કરવાનો વારો આવ્યો. ગ્રૅજ્યુએટ થયેલી અને પૂર્વ આફ્રિકામાં અંગ્રેજ કંપનીઓમાં કામ કરી ચૂકેલી આપણી બહેનોને સરકારમાં લોઅર ડિવિઝન ક્લાર્ક (જે તે સમયે અૅડમીન અાસીસ્ટન્ટ કહેવાતા)ની પણ નોકરી ન મળે. પચાસ-સો માણસને કામે રાખનાર કંપનીના મૅનેજર, જેમને આફ્રિકા છોડીને બ્રિટન જવું પડ્યું હતું તેમને unskilled મજુરોનું કામ કરવાની ફરજ પડી. મોટા ભાગની શિક્ષીત બહેનોને ફૅક્ટરીઓની અૅસેમ્બ્લી લાઇનમાં કામ કરવાનો વારો આવ્યો. ટાંઝાનિયાથી લંડન આવેલ ટાયર ફૅક્ટરીના મૅનેજર સૂર્યકાંત દેસાઇ તથા સુખવસ્તુ પરિવારનાં જન્મેલા તેમનાં પત્નિ જયાબેન પણ તેમાંથી બાકાત ન રહ્યા. સૌને ફૅક્ટરી, કપડાં સીવવાની sweatshops અને સુપરસ્ટોરની અભરાઇઓમાં માલ ભરવાનું કામ કરવું પડ્યું.

આવી એક ફૅક્ટરી હતી ગ્રુનવિક ફિલ્મ પ્રોસેસીંગ લેબોરેટરીઝ. લંડનના વિલ્સડન વિસ્તારમાં આવેલી આ કંપનીનો એક પ્લાન્ટ ડૉલીસ હિલ ટ્યુબ સ્ટેશન પાસે આવેલા ચાર્ટર રોડ તથા નજીકના કોબોલ્ડ રોડ પર આવ્યો હતો. Mail Orderથી આવેલી કૅમેરાની ફિલ્મને ધોવાનું તથા તેની પ્રિન્ટ્સ બનાવી ટપાલથી ગ્રાહકોને પાછી મોકલવાનો તેમનો વ્યાપાર બ્રિટનના ફોટો પ્રિન્ટના ક્ષેત્રમાં સૌથી મોટો  ગણાતો. આખા દેશમાંથી દરરોજ હજારોની સંખ્યામાં તેમની પાસે ટપાલ દ્વારા િફલ્મ આવે અને કંપની તેને ડેવેલપ કરી, તેની પ્રિન્ટસ્ ગ્રાહકોને એક અઠવાડિયામાં પાછી મોકલે. કંપનીના માલિક રૂઢીચુસ્ત Conservative Partyના અગ્રગણ્ય  સભ્ય હતા. આ પક્ષ કામદાર સંઘોની સાવ વિરુદ્ધ હતો. પક્ષની નીતિને અમલમાં આણવા આ માલિકે તેમની કંપનીમાં હુકમ કરીને કર્મચારીઓને યુનિયનના સભ્ય થવા પર પ્રતિબંધ મૂક્યો. નિયમનું ઉલ્લંઘન કરનારને તરત જ નોકરી પરથી કાઢી મૂકવામાં આવે. કમરતોડ ગરીબી અને બેકારીને કારણે કોઇ કામદાર આ નિયમનો ભંગ કરવાની સ્થિતિમાં નહોતા.

આપણા લોકોની ગરજ જોઇને ગ્રુનવિકે તેમને અઠવાડિયાના કેવળ ૨૮ પાઉન્ડનું વેતન આપવાનું શરૂ કર્યું. તે સમયે બ્રિટનમાં અઠવાડિયાના ૪૦ કલાક કામનો સરેરાશ દર ૭૨ પાઉન્ડ હતો. તે સમયે સ્ત્રીઓને અસમાન પગાર અપાતો હોવાથી તેમને લગભગ અઠવાડીયાના ૪૪ પાઉન્ડ અપાતા. આફ્રિકા તથા વેસ્ટ ઇન્ડીઝથી ગયેલા લોકો તો અસહ્ય બેકારીના સમયમાં કોઇ પણ કામ મળે, ગમે એટલો ઓછો પગાર મળે, કામ લઇ લેતા. ગ્રુનવિકમાં કામ કરનારા લગભગ ૪૦૦ કામદારોમાંથી લગભગ ૩૫૦ કામદાર ભારતીય મૂળના, ત્રીસે’ક વેસ્ટ ઇન્ડીઝના અને બાકીના હતા તે ગોરા સુપરવાઇઝર અને મૅનેજર. આપણા લોકોની “આજ્ઞાંકિત” વૃત્તિ, ચૂપચાપ જુલમ સહેવાની ટેવને જોઇ છેલ્લે છેલ્લે તો કંપનીએ બિન-એશિયન અરજદારોને કામે રાખવાનું બંધ કરી નાખ્યું.

૧૯૭૬ના વર્ષનો ઉનાળો બ્રિટનમાં સૌથી વધુ ઉષ્ણ હતો. કારખાનાંઓમાં અૅર કન્ડીશનીંગ અથવા પંખા હોવા જ જોઇએ એવા ઇન્વારયર્નમેન્ટ ખાતાના નિયમો હતા. જ્યાં સુધી તેની વ્યવસ્થા ન થાય, કર્મચારીઓ પાસેથી તેમને સોંપાયેલા કામના ક્વોટામાં યોગ્ય ઘટાડો કરવો એવો નિયમ હતો. ગ્રુનવિકમાં અૅર કન્ડીશનીંગ બંધ પડી ગયું હતું. કંપનીએ ખર્ચમાં બચત કરવા તેની અવેજીમાં પંખા મૂકવા - કે અૅર કન્ડીશનરને રિપૅર કરવા કોઇ પગલાં ન લીધા. આની અસર ઉત્પાદન પર થઇ, પણ કંપનીએ કામદારોના ક્વોટામાં કોઇ બાંધ છોડ ન કરી. ૨૦ અૉગસ્ટ ૧૯૭૬ના રોજ દેવશી ભુડિયા નામના કર્મચારીને ગોરા સુપરવાઇઝરે “તું કામમાં ઢીલાશ કરે છે,” કહી તેમનું અપમાન કરી તેમને કામ પરથી કાઢી નાખ્યા. આ અન્યાય અને અપમાનાસ્પદ  વર્તન જોઇ તેમના ત્રણ સાથીઓ મૅનેજરના અસભ્ય વર્તનના વિરોધમાં તેમની સાથે કામ છોડી બહાર નીકળી ગયા. 

કામ પૂરૂં કરવાનો સમય સાંજના પાંચનો હતો તેમ છતાં જયાબેન લગભગ સાત વાગે ઘેર જવા માટે કોટ પહેરવા ગયા, ત્યારે મૅનેજરે તેમની કેબીનમાં બોલાવ્યા. ખુરશી પરથી ઉભા થઇ ગુસ્સે થઇને બરાડ્યા, “અમારી રજા વગર તારૂં કામ પૂરૂં થયું એમ કેમ માની લીધું? તને પણ આ ફૅક્ટરીમાંથી બરતરફ કરવામાં આવે છે.”

ગુસ્સાથી તમતમતા, છ ફીટ ઉંચા,  અલમસ્ત શરીરવાળા મૅનેજર માલ્કમ અૉલ્ડનની સામે ઉભા રહી ૪ ફીટ દસ ઇંચની ઉંચાઇ વાળા ઢીંગલી જેવા જયાબહેને શાંત પણ મક્કમ સ્વરે કહ્યું, “મિસ્ટર મૅનેજર! તમે ચલાવો છો તે ફૅક્ટરી નથી, આ તો પશુ સંગ્રહાલય છે! તમને ખબર હશે કે પ્રાણીસંગ્રહાલયમાં અનેક જાતના જાનવર હોય છે. કેટલાક તમારી આંગળીના ઇશારે નાચતા વાંદરા હોય છે. અમે સિંહ છીએ! ગમે ત્યારે તમને ચાવી જઇશું,” કહી તેમણે પણ વૉક આઉટ કર્યો. જયાબેનની સાથે તેમનો પુત્ર સુનીલ પણ વૉકઆઉટ કરી ગયો.

જયાબેનના આ વાક્યો બ્રિટનના લગભગ દરેક અખબારમાં, રેડીયો પર અને ટેલીવિઝનના સમાચારોમાં અનેક વાર લખાયા, વંચાયા અને કહેવાયા! આજે પણ ઇન્ટરનેટ બ્રાઉઝર પર ‘જયાબેન દેસાઇ’ પર ક્લિક કરશો તો તેમની માહિતીમાં આ વાક્યો જરૂર જોવા મળશે! 

બીજા દિવસે આ છ જણા ફૅક્ટરીની બહાર પિકેટ લગાવીને ખડા થઇ ગયા. સૌથી આગળ હતા જયાબેન. 

બ્રિટનમાં એક તરફ વર્ણદ્વેષી લોકોની બહુમતિ પ્રવર્તતી હતી તો બીજી તરફ ત્યાંની પ્રજામાં સહિષ્ણુ વૃત્તિના ઉદારમતવાદી લોકોનો વર્ગ શાંત પણ સક્રિય છે. ઘણા સમયથી બ્રિટનમાં બિન સરકારી ક્ષેત્રમાં Citizens’ Advice Bureau જનતા માટે વિનામૂલ્ય સલાહકેન્દ્ર ચલાવે. વિલ્સડન હાઇ રોડ પર તેમની એક શાખા હતી તેમાં કામ કરનાર એક મહિલાએ જયાબેનને યુનિયનના સભ્ય થવાની સલાહ આપી. જયાબેન અને તેમના સાથીઓ કામદાર સંઘમાં જોડાયા અને કંપનીની બહાર પિકેટીંગ ચાલુ રાખ્યું. જોતજોતામાં ગ્રુનવિકમાં કામ કરનારી ૧૩૬ બહેનો આ હડતાલમાં જોડાઇ અને પિકેટીંગ કરવા લાગી. રોજ સવારે છ વાગે બહેનો આવે અને ફૅક્ટરીની સામે ખડી થઇ જાય. જયાબેન નજીકના લંડન અંડરગ્રાઉન્ડના ટ્યુબ સ્ટેશનોની બહાર ઉભા રહી પ્રવાસીઓને તેમની હડતાલ વિશે ચોપાનિયાં વહેંચવા લાગ્યા. રાષ્ટ્રીય કક્ષાના અખબારોને નવાઇ લાગી. એક શાંત, સહનશીલ સમાજની સ્ત્રીઓ તરીકે જેમની ખ્યાતિ હતી તેમને આમ અન્યાય સામે અવાજ ઉઠાવતી જોઇ દેશના અખબારોએ “Strikers in Saris”ને વધાવી લીધી. તેમની છબીઓ છપાવા લાગી. 


વિલ્સડનની નજીક જ આવેલી ક્રિકલવૂડની ટપાલખાતાની સૉર્ટીંગ અૉફીસ, જે પોસ્ટ અૉફીસ વર્કર્સ યુનિયનનું સભ્યપદ ધરાવતી હતી, તેના બધા અંગ્રેજ કર્મચારીઓએ તથા એક વેસ્ટ ઇન્ડીયન સભ્યે  જયાબેનનો પક્ષ લીધો. તેમણે જયાબેનની પિકેટ લાઇનને ઓળંગી ગ્રુનવિકની ટપાલની ડિલીવરી કરવાનો ઇન્કાર કર્યો. ગ્રુનવિકનો ધંધો mail orderનો હતો. સૉર્ટીંગ અૉફિસના કર્મચારીઓએ ગ્રુનવિકના હડતાલ પર ઉતરેલા કર્મચારીઓની સહાનુભુતિમાં આગળ જતાં ગ્રુનવિકની ટપાલ - જેમાં કંપનીના ઘરાકના તૈયાર થયેલા ફોટોગ્રાફ્સ હતા, તે પૅકેટ્સ પણ લઇ જવાનો ઇન્કાર કર્યો. હવે તો ધંધામાં ખોટ આવવાની શરૂઆત થઇ. કામદારોને નજીવો પગાર આપીને ૩૦%થી વધુ નફો કમાવનાર કંપની આ કેવી રીતે સાંખી લે? 

હવે ગ્રુનવિકના હડતાલ પર ઉતરેલા સભ્યોએ તેમની હડતાળને રાષ્ટ્રવ્યાપી બનાવવા સંઘર્ષ સમિતી સ્થાપી. હવે તો આખા દેશના અન્ય યુનિયનોના સભ્યો ગ્રુનવિકની હડતાલને સમર્થન આપવા દૂર દૂરથી તેમના સભ્યોને ખાસ બસો ભરી ભરીને લાવવા લાગ્યા. જયાબેન  તેમની આવડે તેવી - પણ જોરદાર અંગ્રેજીમાં ભાષણ આપવા લાગ્યા. “અમારી લડત વધુ વેતન માટે નથી. અમારી માગણી કામદારોના સ્વમાન તથા આત્મગૌરવ માટેની છે,” તેઓ કહેતા.

જયાબેનની હડતાલ તોડવા કંપનીએ ભારે પગારે ગોરા કામદારોને બોલાવ્યા, પણ તેમને ડર લાગ્યો કે પિકેટીંગ કરનાર ‘સાડીધારી હડતાલીયા’ તેમને સ્ટેશન પર જ રોકે તો શું કરવું? ગ્રુનવિકે દરેક ‘નવા’ કામદારોના ઘેર બસ મોકલી. તેમને લઇ ચૅપ્ટર રોડ પર જ્યારે બસ પહોંચી, પિકેટીંગ કરનાર બહેનોએ “SCAB!”નાં પાટિયાં લઇ બસને ઘેરી લીધી. ‘સ્કૅબ’ એટલે હડતાલ પર ઉતરેલા કામદારોનો હક્ક છિનવી તેમનું કામ લઇ લેનાર હલકી કક્ષાના ગદ્દાર! એક પણ નવો કામદાર બસમાંથી નીચે ન ઉતરી શક્યો. બસ પાછી ગઇ. જયાબેનની આ સૌથી મોટી સિદ્ધી હતી, કારણ આ કામદારોને મદદ કરવા છ ફીટથી પણ લાંબા ખાસ પોલીસમેન તેમને ઘેરીને ફૅક્ટરીની અંદર લઇ જવા નીકળ્યા, પણ તે સફળ ન થયા.

અંતે કંપની સમાધાન માટે તૈયાર થઇ: એક શરત પર. કર્મચારીઓ યુનિયનમાં જોડાય નહી. આ શરત કામદારોના મૂળભૂત અધિકારની વિરુદ્ધનો માની સંઘર્ષ સમિતિએ સમાધાન નકાર્યું. ગ્રુનવિકની હડતાલ સમિતિ બ્રિટનની લવાદી સંસ્થા ACAS  પાસે ગઇ. તે સમયે મજુર પક્ષના શ્રી. જેમ્સ કૅલાહાનની સરકાર હતી. તેમણે લૉર્ડ સ્કાર્મનની અધ્યક્ષતા નીચે આ દેશવ્યાપી હડતાળનું સમાધાન કરવા કોર્ટ અૉફ ઇન્કવાયરી નીમી. તપાસ વખતે  જ્યારે ગ્રુનવિકના મૅનેજર જૉન અૉલ્ડનને લૉર્ડ સ્કાર્મને પૂછ્યું કે જયાબેન અને તેમની સાથી બહેનોએ શા માટે ’વૉક આઉટ’ કર્યો, તેઓ જવાબ ન આપી શક્યા. આખરે લૉર્ડ સ્કાર્મને ફરી એક વાર પૂછ્યું, અૉલ્ડને કહ્યું, “કોણ જાણે. પણ અચાનક તે (જયાબેન) ભડકી ઉઠ્યા અને બોલ્યા, “ I want my freedom.” તેમનું આ વાક્ય મારા અંતરમાં કોરાઇ ગયું છે.” 

***


જયાબેને શરૂ કરેલી હડતાલ, ગામે ગામ જઇને તેમણે ભરેલી સભાઓ તથા અખબારો સાથેની મુલાકાતોને પરિણામે યૉર્કશાયરના ખાણમજુરોના પ્રભાવશાળી નેતા આર્થર સ્કારગીલ આ સંઘર્ષમાં જોડાયા અને તેમના યુનિયનના હજારો સભ્યોને લઇ વિલ્સડન પહોંચ્યા. મેટ્રોપોલિટન લંડનના મૂખ્યાલયે નિમ-લશ્કરી સેનાની સ્થાપના કરી અને તેમના સશસ્ત્ર દળોને ગ્રુનવિકની ફૅક્ટરી સામે પિકેટીંગ કરતી બહેનોને રોકવા મોકલ્યા. તેઓ બહેનોનાં વાળ પકડી પોલીસવાન તરફ ઘસડી ગયા. દેશમાં હાહાકાર થયો, પણ કશું વળ્યું નહી. ન તો બહેનોએ પીછેહઠ કરી, ન કંપનીએ નમતું જોખ્યું.

જયાબેન તથા તેમની ‘Strikers in Saris’ ૬૯૦ દિવસ સુધી હડતાલ અને પિકેટીંગ કરતી રહી. રાજકીય પક્ષો દ્વારા ચલાવાતા મજુર મંડળોનો ઉદ્દેશ પોતાનું અસ્તીત્વ ટકાવીને રાજકીય ફાયદો ખાટવાનો હતો. બેઉ શક્યતાઓ નાબૂદ થતાં બ્રિટનના મજુર-મહામંડળ TUCએ જયાબેનનો સાથ છોડ્યો. લગભગ બે વર્ષ સુધી લાંબી લડત બાદ ગ્રુનવિકની હડતાલ પાછી ખેંચાઇ. 

આખી લડતમાં બે વાતો બહાર આવી. 

સ્ત્રી શક્તિ જ્યારે જાગે, તે દુર્ગાનો અવતાર બને છે. તે માટે ભારત દેશમાં જ તેણે અવતરવું જોઇએ એવો નિયમ નથી!

બીજી વાત: જ્યારે જનતાની સ્વપ્રેરિત લડતમાં રાજકારણી ચૌદશિયા જોડાય તો તેનો અંજામ કટુ જ નિવડે. સંઘર્ષમાં જીત થાય તો તેનો યશ આ રાજકીય પક્ષો લઇ પોતાનો સ્વાર્થ સિદ્ધ કરે છે. લડતમાં કદાચ હાર થાય તો તે હાર લડત શરૂ કરનાર યોદ્ધાઓની છે એવું કહી હઠી જતા હોય છે. બન્ને બાજુએ ફાયદો આ પક્ષોને જ થતો હોય છે. જયાબેન દેસાઇની લડતમાં આવું જ થયું. બ્રિટનના વામપંથી અને કમ્યુનીસ્ટ રાજકારણીઓ આ સંગ્રામમાં જોડાયા. તેમણે મોટેથી શોર-શરાબો કર્યો જ્યારે તેમણે જોયું કે આખા દેશનું વલણ માર્ગરેટ થૅચરના નેતૃત્વ નીચે કૉન્ઝરવેટીવ પક્ષ તરફ છે, અને મજુર પક્ષ ખરાબ રીતે હારવાનો છે, તેઓ જયાબેનની લડતમાંથી હઠી ગયા. 

ગ્રુનવિકની લગભગ બે વર્ષની લડતમાં ટાઢ, તડકો, વરસાદ - કશાની પરવા કર્યા વગર જયાબેન દેસાઇ તથા તેમની સાથે લડતમાં ભાગ લેનારી ૪૦૦ જેટલી બહેનોએ સતત ભાગ લીધો. અંતે આ અનિર્ણીત લડત પાછી ખેંચાઇ. આ લડતમાં હાર જયાબેન કે તેમની સાથે લડાઇમાં જોડાયેલી બહેનોની નહોતી. તેમણે તો એક અપૂર્વ જીત હાંસલ કરી હતી. ભારતીય સ્ત્રી એટલે ગરીબડી ગાય, જ્યાં દોરાય ત્યાં જાય, ગમે તેવો સીતમ સહે, એવી બ્રિટનમાં પણ ફેલાયેલી છાપને તેમણે સદંતર દૂર કરી. એક પ્રબળ સત્તા સામે ભારતીય સ્ત્રીઓ પણ ટક્કર લઇ શકે છે તે સાબિત કર્યું. દેશભરમાં ભારતીય-બ્રિટીશ મહિલાઓની અભૂતપૂર્વ પહેચાન કરાવનાર વ્યક્તિના કાર્યને કોઇ હાર કેવી રીતે કહી શકે? અહીં જો કોઇની હાર થઇ હોય તો તે હતી એક વર્ણદ્વેષી સમાજ પદ્ધતિની. તેમની કહેવાતી  બ્રિટનના નિષ્પક્ષ ન્યાયતંત્રની પોકળતાની. 

જયાબેન દેસાઇનું અવસાન ૭૭ વર્ષની વયે ૨૩ ડિસેમ્બર ૨૦૧૦ના રોજ થયું. સમગ્ર બ્રિટનમાંથી તેમને ભારોભાર અંજલિ અપાઇ. 

એક કટાર લેખિકા લિંડસી જર્મને લખ્યું, “On September 2, 1976 these workers, who became known as "the strikers in saris", were dismissed...A thousand workplaces across Britain embraced their cause. By July 11, 1977, 20,000 unionists marched on the (Grunwick) factory.”

બ્રિટનના અગ્રગણ્ય સમાજશાસ્ત્રના લેખિકા યાસ્મિન અલીભાઇ-બ્રાઉને પ્રસિદ્ધ અખબાર ધ ઇન્ડીપેન્ડન્ટમાં લખ્યું, “...Mrs Desai... was tiny, not quite 5ft tall and almost always in a sari and cardigan, carrying a plastic handbag and a coat that couldn't possibly have kept her warm. Her hair was tied in a plait or a bun and between her brows was her tikka, a dot worn by Hindu women. I interviewed her several times – she reminded me of my mum, short too, who wore saris with cardis. Both taught themselves functional English and then used the language, freely and imaginatively, like a rebellious artist does his colour palette.... Like other exiles, they had to do stuff they had never done before, adjust to life in a cold climate and the poverty faced by involuntary migrants. They had to toughen up.”

છેલ્લે જયાબેને તેમના મૅનેજરને કહેલ બીજું વાક્ય યાદ આવે છે: "A person like me, I am never scared of anybody." 


લેખક જ્યારે ૧૯૮૧માં લંડન કાયમી વસવાટ માટે ગયો ત્યારે તેનું કાર્યક્ષેત્ર આ જ વિલ્સડન વિસ્તારમાં હતું. ચૅપ્ટર રોડ અવાવરૂ થઇ ગયો હતો. ડૉલીસ હિલ ટ્યુબ સ્ટેશન વસૂકી ગયેલી ગરીબડી ગાય જેવું બેઠું છે અને સ્ટેશનના દરવાજામાં ચોપાનિયાં વહેંચતા જયાબેનની યાદને જાણે વાગોળતું હોય તેવું લાગે. કોબોલ્ડ રોડ ઉધઇથી ખવાઇ ગયો હોય તેવો લાગે છે. નથી તેમાં લંડનનું એક પરું હોવાનું નૂર કે નથી તેમાં કોઇ રોનક. આ રોનક તો જયાબેન દેસાઇ, તેમની સાથીદાર બહેનો અને ભાઇઓની રવાનગીની સાથે નષ્ટ થઇ ગઇ.

આ વર્ષનો આ છેલ્લો અંક છે. આપ સૌને નાતાલ, નવા વર્ષની શુભેચ્છા. નુતન વર્ષ આપ સૌને સુખદ, સબળ અને સમૃદ્ધ નિવડે એવી પ્રભુ પાસે પ્રાર્થના. નવા વર્ષમાં ફરી મળીશું! 

Sunday, December 1, 2013

લંડનની સોશિયલ સર્વિસીઝના અનુભવો

ભારતીય ઉપખંડમાંથી આવેલા સિનિયર સિટીઝન્સની સંસ્થામાં લગભગ બે વર્ષ કાર્ય કર્યા બાદ જિપ્સીને લંડનના પછાત ગણાતા વિસ્તારમાં આવેલી કાઉન્સીલની સોશિયલ સર્વીસીઝ ડિપાર્ટમેન્ટની કચેરીમાં અંગ્રેજ અને ભારતીય ઉપખંડમાંથી આવેલા નાગરિકો સાથે કામ કરવાની તક મળી. તેના caseloadમાં અરધો-અરધ પાકિસ્તાનના મીરપુર જીલ્લામાંથી આવેલા લોકો હતા. ભારત કરતાં પૂર્વ આફ્રિકામાંથી આવેલા લોકોના કેસ વધુ પ્રમાણમાં હતા. અહીં તેને ઘણા રસપ્રદ અનુભવ આવ્યા. 

સોશિયલ સર્વિસીઝમાં જે Professional Qualification લઇને આવેલા ભાઇ બહેનોમાં વર્ણીય સમાનતા વિશે જે સહિષ્ણુતા જોવા મળી તે ખરે જ આશ્ચર્યકારક હતી. સોશિયલ વર્કર્સ, અૉક્યુપેશનલ થેરાપિસ્ટ જેવા કાર્યકરો આપણાં લોકોની સાંસ્કૃતીક બાબતો જાણવા ખાસ પ્રયત્ન કરતા. કોઇ પણ ક્લાયન્ટની મુલાકાત લેતાં પહેલાં આ બાબતમાં બને એટલી માહિતી મેળવવાનો પ્રયત્ન કરતા. 

પાછલા અંકમાં એક વાચકે બ્રિટનમાં વસતા ભારતીય ઉગમની વ્યક્તિઓ તથા પાકિસ્તાનથી ગયેલા નાગરિકો વચ્ચેના સંબંધો વિશે પૃચ્છા કરી હતી. આ અનુસંધાનમાં અહીં એક case study રજુ કરીશું. આ વાત ‘ડાયરી’ના ત્રણે’ક વર્ષ જુના અંકમાં રજુ કરી હતી તે વાચકોને કદાચ યાદ હશે, પણ નવા સાથીઓની જાણ તેની સંક્ષિપ્ત વિગત નીચે આપી છે. ક્લાયન્ટના નામ તથા સ્થાનમાં ફેરફાર કર્યા છે જેથી તેમની ગુપ્તતા જળવાઇ રહે. 

***


૧૯૮૫નું વર્ષ હતું. નોકરી પર હાજર થયો ત્યારે ટીમ ક્લાર્કે પેન્ડીંગ કેસ ફાઇલ્સનો ગઠ્ઠો ટેબલ પર મૂક્યો અને કહ્યું, “છ મહિનાથી આ કેસ-વર્કની ફાઇલો પડી રહી છે. આપણા આ ‘ક્લાયન્ટ્સ’ને અંગ્રેજી આવડતું નથી તેથી ડ્યુટી સોશિયલ વર્કર્સ તેમના માટે સરખી રીતે કામ કરી શક્યા નથી. તમને સમય મળે તે પ્રમાણે બધી જોઇ જજો.”

જિપ્સીએ એક એક કરીને કેસ ફાઇલ જોવાની શરૂઆત કરી. કામની પદ્ધતિ મુજબ પહેલા પાના પર ‘મિનીટ શીટ’ હતું તેમાં ક્લાયન્ટની મૂળભૂત માહિતી અને ત્યાં સુધીમાં તેમના માટે જે કામ કરવામાં આવ્યું હતું તેની ટૂંકી નોંધ હતી. જિપ્સી તેનો અભ્યાસ કરતો હતો તેવામાં તેનાં ટીમ લીડર તેની પાસે આવ્યા અને કહ્યું, “એક મિનીટ મારી અૉફિસમાં આવશો? " 

તેમની રૂમમાં ગયો ત્યારે બારણું બંધ કરી તેમણે પૂછ્યું, "તમને મિસ્ટર જીની ફાઇલ જોવાનો મોકો કદાચ નહી મળ્યો હોય, પણ તેમના ઘરમાં ફાયર અૅક્સીડન્ટ થયો છે. મિસેસ જીની હાલત ગંભીર છે એવું પોલીસે જણાવ્યું છે. ક્લાયન્ટને પૂરતું અંગ્રેજી નથી આવડતું. કામના પહેલા દિવસે તમને deep endમાં ધકેલું છું તેનું મને દુ:ખ છે. તમે ત્યાં જઇને મિસ્ટર જીને બને એટલી મદદ કરશો. કોઇ તકલીફ જણાય તો મને ફોન કરજો. તમારી સહાયતા માટે એક અનુભવી સોશિયલ વર્કરને મોકલીશ.

જિપ્સીએ ઉતાવળે જ મિસ્ટર જીની ફાઇલ જોઇ. તેમની ટૂંકમાં વિગત આ પ્રમાણે હતી: ઉમર ૭૫; આખું નામ “ મિસ્ટર અહેમદજી”. પરિવારમાં પત્નિ અને ૧૬ વર્ષનો પુત્ર. ટીમ ક્લાર્કે “અહેમદજી”ના ‘જી’ને અટક સમજી ફાઇલ પર નામ લખ્યું ‘મિસ્ટર જી’. 

મિસ્ટર જીના ઘેર જતાં જોયું તો તેમના ઘરની બહાર પોલીસની રોવર અને ફાયર બ્રિગેડનો બંબો હતો. પોલિસના એક સાર્જન્ટ અને એક કૉન્સ્ટેબલ બહાર ઉભા હતા. 

“મિસ્ટર જીના ઘરમાં આગ લાગી ત્યારે મિસેસ જી ઘરમાં એકલા હતાં. ઘરમાંથી ધુમાડાના ગોટા નીકળતા જોઇ તેમનાં પાડોશીએ ફાયર બ્રિગેડ બોલાવી. અમને આની તરત સૂચના મળી. અમને અફસોસ છે કે મિસેસ જીનું હૉસ્પીટલ પહોંચતા પહેલાં જ અવસાન થયું. મિસ્ટર જી મસ્જીદમાં હતા અને અમે તેમને હૉસ્પીટલ પહોંચાડ્યા છે. મુશ્કેલી એ છે કે તેઓ અમારી વાત સમજી શકતા નથી અને અમે તેમની વાત. તમે અમારી મદદ કરી શકશો? મિસ્ટર જીને હજી ખબર નથી કે તેમનાં પત્નિનું અવસાન થયું છે. આ દુ:ખદ સમાચાર પણ તમારે તેમને આપવાના છે. મને આશા છે કે તમે આ મુશ્કેલ પરિસ્થિતિ સંભાળી શકશો.” સાર્જન્ટે કહ્યું.

પોલીસની રોવરમાં બેસી અમે હૉસ્પીટલ ગયા. ત્યાં રિસેપ્શન હૉલના ખુણામાં મિસ્ટર જી બેઠા હતા. અમને જોઇ તે ઉભા થયા. છ ફીટ ઉંચા, સફેદ દાઢી-મૂછ, માથા પર નમાઝ પઢતી વખતે પહેરાતી ટોપી અને જાડી ફ્રેમના ચશ્મા પહેરેલા કાકાના ચહેરા પર ચિંતાની લકીર સ્પષ્ટ દેખાતી હતી. જિપ્સીએ તેમને સલામ કહી ઉર્દુમાં વાત શરૂ કરી અને પરિચય આપ્યો કે તે વિસ્તારના ભારતીય ઉપખંડના નાગરિકોને સહાયતા આપવા માટે તેની નિયુક્તિ થઇ છે. તેમણે સલામનો પ્રત્યુત્તર આપી બનાવ વિશે સવાલ કર્યા ત્યારે જીપ્સી ચકરાઇ ગયો: તેઓ મીરપુરી ભાષામાં વાત કરતા હતા!  જો કે કાશ્મીરમાં નોકરી કરી હોવાથી જિપ્સી ગુજ્જર જાતિની ખાનાબદોશ ભરવાડ કોમના સમ્પર્કમાં હતો તેથી થોડા ઘણા ગુજરી શબ્દો જાણતો હતો. તેનું મિશ્રણ ગામઠી પંજાબીમાં કરી જોતાં જણાયું કે મુશ્કેલીથી કેમ ન હોય, પણ તેઓ વાત સમજી શકતા હતા.આમ સૌ પ્રથમ તો પોલિસની કારવાઇ પૂરી કરી અને ત્યાર બાદ તેમને દુ:ખદ સમાચાર આપ્યા. જૈફ વયે પહોંચેલા મિસ્ટર જી હચમચી ગયા. આ એવી ઘડી હતી જ્યાં વય, સ્થાન, ધર્મ, રાષ્ટ્રીયતા - બધું જ વિલય પામ્યું. બચી ગયા હતા કેવળ બે માનવ. મિસ્ટર જી જિપ્સીના ખભા પર માથું મૂકી રડી પડ્યા અને સોશિયલ વર્કર તેમની પીઠ પર હાથ ફેરવતો રહ્યો. અંગ્રેજ પોલિસ સાર્જન્ટથી રહેવાયું નહિ. તેઓ જલદીથી જઇ પાણીનો ગ્લાસ લઇ આવ્યા. થોડી વારે સ્વસ્થ થયા બાદ ચશ્માં ઉતારી, કાચ સાફ કરી, આંખો લૂછી તેમણે કહ્યું, “પટેલ સા’બ, મારા નાના પુત્તર સજ્જાદને ગમે તેમ કરી બોલાવી આપો. માનો એ બહુ વહાલો દિકરો હતો.”

બ્રિટનમાં સ્ટીરીયોટાઇપ અત્યંત સામાન્ય હકીકત છે. ભારતીય ઉપખંડના લોકો પણ તેમાંથી બાકાત નથી. ગુજરાતી માણસ પટેલ જ હોય! તેથી બિન-ગુજરાતી ભારતીય-પાકિસ્તાની આપણા લોકોને પટેલ જ ધારે. મિસ્ટર જીએ મારૂં નામાભિધાન કર્યું તે અમારા સંબંધ વચ્ચે કાયમનું સંબોધન બની ગયું. હૉસ્પીટલના સ્ટાફના સૌજન્યથી મેં તેમનો ટેલિફોન વાપર્યો અને ક્રિકલવૂડની મસ્જીદમાં સ્થપાયેલ “આઝાદ કાશ્મીર એસોસિએશન”ના અગ્રણી સાથે વાત કરી. તેમને વિનંતી કરી કે તેઓ સજ્જાદને પણ લઇ આવે. એકાદ કલાક પછી સજ્જાદ અને તેમની કોમના અગ્રણી મિસ્ટર અક્રમ મલીક આવી પહોંચ્યા. અક્રમ મલીકની વાત કરવાની છટા અને ચહેરા પરના ભાવ જોઇ તરત જણાઇ આવ્યું કે તેમને ભારતીય લોકો પ્રત્યે ખાસ પ્રેમ નથી. “તમે ઇન્ડીયનો અમારા માટે કશું કરી શકવાના નથી. ભલે તમે સોશિયલ વર્કર હશો, પણ જ્યાં સુધી અમારા જેવા કાશ્મિરીઓ પ્રત્યે.....”

જિપ્સીએ તેમની વાત ત્યાં જ કાપી અને કહ્યું, “જુઓ, હું આપણી એશીયન કોમ માટેનો સોશિયલ વર્કર છું. હું કાઉન્સીલની સોશિયલ સર્વીસીઝનો પ્રતિનિધિ છું, અને મિસ્ટર જી મારા માન્યવર બુઝર્ગ છે.  અત્યારે મિસ્ટર જીને રહેઠાણની જરૂર છે, અને તે પૂરી કરવા મારે કાઉન્સીલના ખર્ચે હોટેલમાં રહેવાનો બંદોબસ્ત કરવા જવું પડશે. બાકી ફ્યુનરલ વિગેરેની વ્યવસ્થા કાલે કરીશ, કારણ કે પોસ્ટ મોર્ટમ કાલે થવાનું છે.” કાયદા પ્રમાણે ‘હોમલેસ’ વ્યક્તિને કામચલાઉ રહેઠાણ આપવાની જવાબદારી કાઉન્સીલની હોય છે તે હું જાણતો હતો. અહેમદજીનું ઘર આગને કારણે રહેવા લાયક રહ્યું નહોતું.

મિસ્ટર મલીક થોડા ઝંખવાણા પડી ગયા. “અરે પટેલ, તમે તો નારાજ થઇ ગયા. જુઓ, અહેમદજીનો મોટો દીકરો વાજીદ તેમનાથી જુદો રહે છે. તે તેમને થોડા દિવસ માટે લઇ જશે. ત્યાં સુધીમાં તમારે જે વ્યવસ્થા કરવાી હોય તે કરજો. બાકી રહી ફ્યુનરલની વાત. આ કામ અમારી મસ્જીદ તરફથી કરીશું. આ અમારી કોમનો મામલો છે. બીજી વાતો માટે તમારા ડીપાર્ટમેન્ટ તરફથી જે કરવું હોય તે કરજો."

સમાજ કલ્યાણ વિષયક કાયદાઓથી જિપ્સી જ્ઞાત હતો તેથી અહેમદજીનું કામ ઝડપથી પૂરૂં થયું. તેમને બે દિવસમાં જ ટેમ્પરરી ફ્લૅટ મળી ગયો. ડિપાર્ટમેન્ટ પાસે નાગરિકોની કટોકટી પરિસ્થિતિને પહોંચી વળવા ખાસ રકમ હતી તેમાંથી તેમના રાશન,ગૅસ, વિજળી વિગેરેની બધી વ્યવસ્થાઓ થઇ ગઇ. ત્રણે’ક મહિનામાં કાઉન્સીલે તેમનો ફ્લૅટ રિપૅર કરી આપ્યો. સોશિયલ સર્વિસીઝ તરફથી તેમને નવું ગૅસ કૂકર તથા અન્ય ઉપકરણો આપવામાં આવ્યા. સજ્જાદ સાથે તેઓ પોતાના ઘરમાં રહેવા ગયા ત્યારે જિપ્સીએ તેમનો કેસ ‘ક્લોઝ’ કર્યો. 

આ હતો જિપ્સીના પહેલા દિવસની ડ્યુટીનો પહેલો કેસ! 

મિસ્ટર જીની વાત અહીં પૂરી નથી થતી. 

એક દિવસ અૉફિસમાં તેઓ આવ્યા.

 “પટેલ સા’બ, સજ્જાદ અઢાર વર્ષનો થયો છે. તેણે હવે લગ્ન કરી લેવા જોઇએ એવું મારૂં માનવું છે. મીરપુરમાં મારા નાના ભાઇની દિકરી સાથે તેના લગ્નની વાત થઇ ગઇ છે. જો લગ્ન થઇ જાય તો આ ડોસાની સેવા થશે અને સાથે સાથે અમને સૌને ત્રણ વખતનું ભોજન પણ નિયમીત મળશે. એક મિત્ર તરીકે તમારો અભિપ્રાય માગું છું.”
“જુઓ ચાચા, સજ્જાદ મારો દિકરો હોય તો હું તેનાં લગ્ન આટલી નાની ઉમરમાં ન કરૂં. તેને સારી નોકરી મળે, સ્થિર-સ્થાવર થાય, પોતાની જવાબદારી સમજે ત્યારે તેના લગ્નનો વિચાર કરવો સારો.” સજ્જાદનો શાળાનો અભ્યાસ પૂરો થયો હતો અને તેના દૂરના સગાની દુકાનમાં જુજ પગારે નોકરી કરતો હતો.

અહેમદજી થોડા વિચારમાં પડી ગયા. અંતે મને ‘ખુદા હાફીઝ” કહી ઘેર ગયા. ત્યાર બાદ છ-સાત મહિના તેમની સાથે સમ્પર્ક ન રહ્યો.
એક દિવસ આઝાદ કાશ્મીર એસોસીએશનના મિસ્ટર મલીક જિપ્સીને મળવા આવ્યા. આ વખતે તેઓ અમારા વૉર્ડમાંથી કાઉન્સીલર તરીકે ચૂંટાઇ આવ્યા હતા.
“તમે અમારી કોમ માટે સારૂં કામ કરો છો એવા મને રિપોર્ટ મળ્યા છે. તમારા ડીપાર્ટમેન્ટની સોશિયલ સર્વિસીઝ કમીટીનો હું મેમ્બર છું. ખેર. પેલા અહેમદજી તમને હજી મળે છે કે? તમને ખબર છે કે તેમની બીબી શાહિનબેગમે ખુદકુશી કરી હતી?”
આ વાતની મને તે સમયે જ જાણ થઇ હતી, પણ મેં તેમને જવાબ ન આપ્યો.
“શાહિન બેગમ બહુ ફેશનવાળી હતી. સિનેમા જોવાનું, શૉપીંગ, સારા પોશાક પહેરી, મેક-અપ કરી બહાર જવાનું તેને બહુ ગમતું....”
“મિસ્ટર મલીક, આ બાબતમાં મારાથી કશું કહી કે સાંભળી ન શકાય. આ નિયમ બહારની વાત છે, તેથી માફ કરશો.....”
“ઓ.કે. પણ અમારા કલ્ચર વિશે તમારે જાણવું જોઇએ એટલે આ વાત છેડી. અમારી કોમના ક્લાયન્ટ આવે અને અમારી રીતભાત જાણો તો આઝાદ કાશ્મીરના લોકોની ફૅમિલી ડાયનેમિક્સનો ખ્યાલ આવે.
“મિસ્ટર જી ઘણા ધાર્મિક વૃત્તિના હતા. દરરોજ પાંચ વારની નમાઝ પઢે. જીવનમાં સાદગી હોવી જોઇએ એવી માન્યતા હતી તેથી પત્નીની આવી ફૅશન-પરસ્તી તેમને ગમતી નહોતી. રોજ ઝઘડા થતા અંતે....” કહી મલીક સાહેબ ઘડીયાળ સામે જોઇ ઉભા થયા અને અગત્યની મીટીંગમાં જવાનું છે કહી ચાલ્યા ગયા.

આ વાતને ચાર-પાંચ મહિના થઇ ગયા. એક દિવસ ક્લાયન્ટને મળવા જિપ્સી બહાર નીકળતો હતો ત્યારે તેણે સજ્જાદને રીસેપ્શનમા જોયો. 
“સૉરી એપૉઇન્ટમેન્ટ વગર તમને મળવા આવ્યો છું. તમારા માટે ગિફ્ટ લાવ્યો છું, “ કહી તેણે ચૉકલેટનો ડબ્બો આપ્યો. “મારાં લગ્ન થઇ ગયા છે. એક તકલીફ છે. તમને કહું કે નહિ એવી ગડમથલમાં છું.”
ચૉકલેટનો ડબ્બો મેં અમારી રિસેપ્શનીસ્ટને આપ્યો. અમને મળતી આવી ગિફ્ટ અમે અમારી અૉફિસમાં કામ માટે આવતી બહેનોનાં બાળકોને અાપતા. જિપ્સી  સજ્જાદને ઇન્ટરવ્યૂ રૂમમાં લઇ ગયો.
“શાદી મુબારક, સજ્જાદ. કહે તો, શું વાત છે?”
“મારી પત્ની પરવીન હાઇસ્કૂલ-પાસ છે. તેની મોટી બહેન પણ અહીં જ લંડનમાં છે. તેની દેખાદેખી પરવીન પણ તેની ફૅશન વિગેરેની નકલ કરે છે. આધુનિક યુવતિ છે ને! મને તો તે ગમે છે, પણ ડૅડીને આ ગમતું નથી. એમને મારી મમી સાથે પણ આ જ પ્રૉબ્લેમ હતો. રોજ ઝઘડા થાય છે. શું કરવું તે મને સમજાતું નથી. તેઓ અત્યંત દુ:ખી છે.”
“તારા ડૅડી વારાફરતી તારા મોટા ભાઇ વાજીદ અને તારે ઘેર રહે તો કોઇ ફેર પડે ખરો?”
“વાજીદ મારો ભાઇ નથી. એ તો અમારા ગામના મુખીનો દિકરો છે. અહીં આવવા માટે ડૅડીએ મુખી પાસેથી કરજ લીધું હતું. બદલામાં તેણે શરત કરી હતી કે વાજીદને પોતાના મોટા દીકરા તરીકે નોંધાવી અહીં બોલાવી લેવો. અંતે થયું પણ એવું જ. નામ સિવાય અમારો તેની સાથે કોઇ સંબંધ નથી” 
૧૯૭૦ના દાયકામાં ખાસ કરીને પાકિસ્તાની પરિવારોમાં આવી અનેક બાબતો થઇ હતી. 
“સજ્જાદ, હું તારા ડૅડી સાથે આ બાબતમાં જરૂર વાત કરીશ. જોઇશું કોઇ હલ નીકળે છે કે કેમ..” સજ્જાદ વિલા મોઢે ત્યાંથી નીકળી તો ગયો, પણ આ બાબતમાં કશું થશે તેની તેને ખાતરી નહોતી થઇ. 
બીજા કે ત્રીજા બુધવારે અહેમદજી મળવા આવ્યા. મેં આ વિષયમાં વાત છેડી.
“ક્યા કરૂં પટેલ સા’બ? છોકરી બહુ હેરાન કરે છે. એના બનેવીનો અહીં ખાનગી ટૅક્સીનો બિઝનેસ છે. પરવીનની બહેન મોંઘી કાર ફેરવે છે અને લાહોરથી મંગાવેલા ડિઝાઇનર સલવાર-કમીઝ પહેરે છે. મારી ન્હૂ (વહુ)ને પણ એવા જ ઘરેણાં અને કપડાં, સિનેમા, રૂઝ-લિપસ્ટીક જોઇએ. સજ્જાદ સુપર માર્કેટમાં કૅશિયર છે. એના ટૂંકા પગારમાંથી પરવીનના શોખ કેવી રીતે પૂરા કરૂં? આ ક્લેશ મારાથી જોવાતો નથી. હું વતન પાછો જઉં છું. જીંદગીના છેલ્લા દિવસ મારા ગામ ટોપા મુર્તુઝામાં શાંતિથી ગુજારવાનો નિર્ણય કર્યો છે.”
ટોપા મુર્તુઝા!

***
મારા મગજમાં ‘બ્લીપ્’ થઇ. મારા અંતર્મનની પરતમાં સંગ્રહાયેલી એક યાદ અચાનક બહાર આવી ગઇ. વર્ષો પહેલાં કાશ્મીરમાં લાઇન અૉફ કન્ટ્રોલ પર બજાવેલી ડ્યુટીના દિવસ યાદ આવી ગયા. નજર સામે આવી પેલી રાત, જ્યાં સીમા પાર થતી શાદીની દાવતની રોશનાઇ જોઇ હતી, અને મીરપુરી ગીતોની રેકૉર્ડનાં આછા સૂર હવામાં તરીને અમારી ચોકી સુધી આવતાં સાંભળ્યા હતા. 
“ચચાજાન, તમારાં મર્હુમ બેગમ તાતા પાની ગામનાં તો નહોતાં?”
આશ્ચર્યની નજરે મારી તરફ જોઇ તેમણે મને પુછ્યું, “તમને કેવી રીતે ખબર પડી? શું સજ્જાદે તમને આ વાત કરી હતી? કે પછી મેં જ કો’ક દિવસે તમને કહ્યું હતું?”
ના, મિસ્ટર જી, આ વાત ન તો મને સજ્જાદે નહોતી કહી. વાત કહેનાર હતો મારી આઉટપોસ્ટ બડા ચિનારની નજીકના ગામનો મુખી ગુલામ હૈદર. લગભગ સત્તર-અઢાર વર્ષ પહેલાં. 
“સરહદ પારના તાતા પાની ગામના મુખીની દિકરીનાં લગન ટોપા મર્તુઝાના અહેમદ મલીક સાથે થયેલા લગ્નનો ભોજન સમારંભ હતો. મલીક સાહેબ લંડનમાં રહે છે અને....”

(નોંધ: જીપ્સીના જીવનની આ પ્રસંગકથા અગાઉ અખંડ આનંદમાં પ્રસિદ્ધ થઇ હતી. તેનું આ સંક્ષીપ્તીકરણ છે.)