Saturday, March 21, 2015

હોઠોં પે ઐસી બાત…


બચપણમાં અમને બા-બાપુજી સાયગલની ‘દેવદાસ’, કાનનબાલાની ‘જવાબ’, પ્રમથેશ બરૂઆની ‘મુક્તિ’ કે પંકજ કુમાર મલ્લિકની ‘ડૉક્ટર’, વિષ્ણુપંત પાગનીસની 'સંત તુકારામ' જેવી સામાજીક અને ધાર્મિક ફિલ્મો જોવા લઈ જતા. મોટે ભાગે તો અડધી ફિલ્મ ઊંઘમાં નીકળી જતી. જાગૃત સ્થિતિમાં જે જોતાં, તેમાં એટલું જાણવા મળ્યું હતું કે તેમાં નૃત્યો નહોતા. એ તો બસ, સુંદર કથા અને મધુરાં ગીતોનો જમાનો હતો જે સૌએ ભરપૂર માણ્યો. ખેર, બાપુજીના અવસાન પછી સૌરાષ્ટ્ર છોડી અમે અમદાવાદ રહેવા ગયા ત્યારે હું નવ વર્ષનો હતો. તે વખતની પ્રચલિત માન્યતાઓમાં સિનેમા અને ‘હોટલ’માં (એટલે રેસ્ટોરાંમાં!) જવું ખરાબ ટેવમાં આવી જતું. જો કે અમારી વયના કેટલાક કિશોર કોણ જાણે કેમ, સિનેમા જોવા જતાં અને તેની વાતો અમને કહેતા.
“અલ્યા, તેં xyz ફિલ્મ જોઈ? એમાં કક્કુનો ફસ્ ક્લાસ ‘ડેન્સ’ છે! આ પહેલાંની ફિલ્મમાં તો તેના ત્રણ ડેન્સ હતા, પણ ‘અંદાઝ’માં નરગીસ ગાય છે અને કક્કુ નાચ કરે છે, બાપ, મજા આવી ગઈ…” આ કક્કુ કે કુક્કુ કોણ હતી એ અમે જાણતા નહોતા, પણ તેમના 'નાચ'ની વિગતો સાંભળી અમને નવાઈ લાગતી. અમારા લત્તામાં સામાજીક હૉલમાં કાર્યક્રમ થતા, તેમાં નાની બાળાઓને ઉદય શંકરની ટ્રૂપેના એક સભ્ય શ્રી. કામિની શંકરે શીખવેલા નૃત્યો પ્રસ્તુત થતાં. પણ કુક્કુ જેવડી ‘મોટી’ મહિલા નૃત્ય કરે, અને લોકોને તેમાં ‘મજા પડે’ તે વાત અમે સમજી શકતા નહોતા - કારણ કે અમે તે વખતે ‘બહુ નાનાં’ હતા.

તે વર્ષના ઉનાળામાં મારા મસિયાઈ ભાઈ મુંબઈથી ફરવા આવ્યા. તેમને જાણીને નવાઈ લાગી કે અમે ‘અંદાઝ’ ફિલ્મ નહોતી જોઈ. ઘેર કોઈને કહેવાનું નહિ તે શરતે તેઓ અમને આ ફિલ્મ જોવા લઈ ગયા અને અમે પહેલી વાર કક્કુનું નૃત્ય જોયું : ‘ઝુમ ઝુમ કે નાચો, ગાઓ આજ, ગાઓ ખુશી કે ગીત.”
કોણ જાણે કેમ, અમને આ નૃત્યમાં મોહિની ન દેખાઈ કે ન જણાઈ કોઈ પ્રેક્ષણીયતા. આગળ જતાં જાણવા મળ્યું કે કુક્કુ અૅંગ્લોઈંડિયન કૅથલીક - એટલે રૂઢિચુસ્ત સમાજનાં બહેન હતા. તેમણે નૃત્યની કોઈ તાલિમ નહોતી લીધી અને નૃત્ય દિગ્દર્શક બતાવે તે પ્રમાણે તેઓ નૃત્ય કરતા. તે સમયે કમર્શિયલ ફિલ્મો માટે ફૉર્મ્યુલા હતી. ગીતોમાં એક કવ્વાલી, કુક્કુનું નૃત્ય અને જાણીતા સંગીતકારોનું સંગીત હોવું જોઈએ. ખાસ તો જે ફિલ્મમાં કુક્કુનાં નૃત્ય ન હોય તે ફિલ્મ ચાલે નહિ!

કુક્કુબહેન અત્યંત દયાળુ અને પરગજુ મહિલા હતાં. કહેવાય છે કે એક રવિવારે ચર્ચમાં તેમને રંગુનથી આવેલ એક અૅંગ્લોબર્મીઝ ગરીબ પરિવાર મળ્યો. તેમણે તેમની પાસે મદદ માગી. ‘અમારી દીકરીને ફિલ્મમાં કામ અપાવો. અમારો ગુજારો થાય! એક ફિલ્મના નૃત્યમાં કુક્કુએ નિર્માતા-દિગ્દર્શકને કહી આ તેર વર્ષની કિશોરીને કામ અપાવ્યું અને તેની સાથે જે નૃત્ય કર્યું તે જોઈએ : કિશોરીનો સિતારો ચમકી ગયો. નવયુવતી - હેલનની આખા ફિલ્મ જગતમાં ધુમ મચી ગઈ. હેલનની ખુબીઓ સૌ જાણે છે: અભિનય તેમને વરેલો હતો અને તેની સાથે આધુનિક કૅબરેને અનુરૂપ હોય તેવા પોશાકમાં એવા જ bold નૃત્ય પ્રયોગ કરવાની હિંમતને કારણે તેમને જે પ્રસિદ્ધી મળી તે કાયમ માટે તેમનો શિરતાજ બની ગઈ. કમનસીબીની વાત એ નીકળી કે નિર્માતાઓએ કુક્કુને બાજુએ મૂકી હેલનને જ કામ આપવાનું શરૂ કર્યું. કુક્કુ બહેન ભુલાઈ ગયા. મુંબઈમાં એક રૂમના નાનકડા ફ્લૅટમાં કેવળ ૫૪ વર્ષની વયે તેઓ અવસાન પામ્યા. તેમની સ્મશાનયાત્રામાં હેલન સમેત કોઈ ફિલ્મી હસ્તી હાજર નહોતી.
***
બૉલીવૂડની ફિલ્મોમાં ઘણી વાર કથ્થક અને ભરતનાટ્યમ્ જેવા ઉત્કૃષ્ટ દરજ્જાના નૃત્યો રજુ થયા છે. પહેલાં કથ્થક સામ્રાજ્ઞી સિતારા દેવી અને ત્યાર બાદ તેમની મોટી બહેનના પુત્ર ગોપી કૃ્ષ્ણનાં કથ્થક નૃત્યો હજી પણ તાજી હવાની ઝલકની જેમ ખુશીની લહેર ફેલાવે છે. વ્હી. શાંતારામના ચિત્રપટમાં ગોપીકૃષ્ણ અને સંધ્યાએ રજુ કરેલું એક નૃત્ય જોઈએ:
એવી જ રીતે સાઈ અને શુભલક્ષ્મીએ કરેલ ફિલ્મ આઝાદનું ભરતનાટ્યમ્ નૃત્ય એવું તો સુંદર છે, જેમાં બન્ને બહેનોની coordinated movements પ્રેક્ષકને સ્તબ્ધ કરે તેવી છે! 


***
ભારતીય ફિલ્મોમાં વૈજયન્તીમાલા જેવા બેમિસાલ નૃત્યો વહિદા રહેમાન અને માધુરી દિક્ષીત સિવાય કોઈ પણ અભિનેત્રીએ કર્યા નથી. તેમનાં દરેક નૃત્યો અવિસ્મરણીય છે. પ્રથમ વહિદાજીના નૃત્યની વાત કરીએ. આ પહેલાં ‘તિસરી કસમ’ના નૃત્ય ‘પાન ખાયે સૈંયા હમારો’ની રજુઆત કરી હતી એ તો સૌને યાદ હશે. આજે તેમની ફિલ્મ કારકિર્દીના શરૂઆતના વર્ષોનું એક અજાણ્યું - પણ તેમની કળાની અભિવ્યક્તિ કરતું નૃત્ય રજુ કરીશું. ફિલ્મની ક્વૉલિટી સાધારણ છે, પણ નૃત્યની કક્ષા જુઓ!
આવીજ રીતે એક સુંદર નૃત્ય રજુ કર્યું માધુરી દિક્ષીતે: ફિલ્મ ‘દિલ તો પાગલ હૈ’માં કેવળ ડ્રમ્સના તાલ પર રજુ કરેલ કથ્થક પર આધારીત આ પ્રસ્તુતી સુંદર લાગશે!***

થોડા સમય પહેલાં ‘નટરંગ’ નામનું રાષ્ટ્રીય સન્માન પામેલું મરાઠી ચિત્રપટ જોયું. મહારાષ્ટ્રની લોકકલા તમાશાના પાત્રો પર આધારીત આ ચિત્રપટના બે લાવણી નૃત્યોએ દેશમાં ધમાલ મચાવી હતી. તેમાંનું એક નૃત્ય જેની કોરીઓગ્રાફી પ્રસિદ્ધ લોક કલાકાર ફૂલવાબાઈ ખામકરે કરી અને અભિનેત્રી સોનાલી કુલકર્ણીએ તેને જીવંત કરી. ગીત છે, “અપ્સરા આવી! ઈન્દ્રપુરીથી નીચે ભુમિ પર આવી!” અતિ સુંદર નૃત્ય છે. પ્રેક્ષકોએ તેને એટલી હદ સુધી વધાવી લીધું કે કેવળ આ નૃત્યના સેંકડો કાર્યક્રમો મહારાષ્ટ્રના શહેરોમાં યોજવામાં આવ્યા હતા. 


 ***
ભારતીય ફિલ્મોમાં ઘણી નૃત્યાંગનાઓ આવી - અને ગઈ. એક કાળમાં કુમકુમ, (ફિલ્મ ‘કોહિનૂર’માં દિલીપ કુમાર સાહેબે પ્રસ્તુત કરેલ ‘મધુબનમેં રાધિકા’માં નૃત્ય તેમનું હતું), લક્ષ્મી છાયા વિ. તેમની ઝલક બતાવી ગયા, પણ સફળ ન થઈ. ત્યાર પછી સરોજ ખાને શૃંગાર રસના નામે એવા અશ્લીલ નૃત્યો આણ્યા (pelvic thrust નામનો પ્રકાર લાવનારા તેઓ જ હતા!) જે જોઈને નવાઈ લાગે કે આવાં નૃત્યો (દાખલા તરીકે કરીશ્મા કપુર અને ગોવિંદાનું ‘સરકાઈ લો ખટિયા જાડા લગે’) સેન્સર બોર્ડે પસાર કેવી રીતે કર્યા.  આજના અંકમાં સરોજ ખાને શરૂ કરેલા genreનાં નૃત્યોને એટલા માટે સ્થાન આપ્યું નથી. કેમ કે તેમની એક પણ કૃતિને કલા કે શિષ્ટ કહી શકાય તેવું નથી. 

લેખના અંતમાં ફિલ્મ જગતનું all time great નૃત્ય જોઈએ. વૈજયન્તીમાલાનાં નૃત્યો હંમેશા ઉચ્ચકક્ષાનાં અને કલામય રહ્યા છે. આજના અંકનું સમાપન તેમના એ નૃત્યથી કરીશું, જેના પરથી આ લેખનું શિર્ષક લખવાની પ્રેરણા થઈ. ફિલ્મ છે ‘જ્યુવેલ થીફ’. આ ગીત-નૃત્યમાં વૈજયન્તીમાલાએ તેમની કલા, energy અને અભિનયની પરાકાષ્ઠા કરી. દરેક હરકત, હાવભાવ, મુદ્રા અને અભિનયમાં તેમની કલા નિતરતી દેખાશે! આશા છે, આપને તે ગમશે.