Tuesday, May 30, 2017

ભારતીય સેના અને ગુજરાત: "આયો ગુજરાતી ગોરખાલી" - ગોરખા બટાલિયનના ગુજરાતી અૉફિસરની અજાણી ગાથા

કૅપ્ટન પીયૂષ: ૬ સપ્ટેમ્બર ૧૯૬૫

મિલિટરીમાં સૈનિકો અને અફસરો બે વસ્તુઓની ચાતકની જેમ રાહ જોતા હોય છે: એક તો ઘેરથી આવતા પત્રની અને વર્ષમાં મળતી બે મહિનાની ‘અૅન્યુઅલ લીવ’ની. ઘણી વાર તો અફસરોને પૂરી રજા માણવાની તક ન મળે, કેમ કે પાડોશી દેશના કોઇ ને કોઇ ઉપદ્રવને કારણે સૈનિકોને રજા પરથી પાછા બોલાવવામાં આવે છે.

આવી જ રીતે બે મહિનાની રજા પર ગોરખા રેજીમેન્ટના યુવાન કૅપ્ટન પીયૂષ અમદાવાદ આવ્યા હતા. થોડા દિવસ સગાવહાલાંઓને મળવામાં ગાળ્યા અને એક દિવસ મિત્રની સાથે ફિલ્મ જોવાનું નક્કી કર્યું. સવારે શહેરમાં જઇ અૅડવાન્સ બુકિંગ કર્યું અને બપોરનું ભોજન કરવા બેઠા. સાથે રેડીયો અૉન કરી વિવિધ ભારતીમાં સુંદર ગીત સાંભળતા હતા ત્યાં અધવચ્ચે ગીત બંધ થયું અને આકાશવાણીના અૅનાઉન્સરના ગંભીર શબ્દો સંભળાયા:
“એક અગત્યની સૂચના. રજા પર ઘેર ગયેલા બધા સૈનિકો તથા અફસરોને જણાવવામાં આવે છે કે તેમની રજા રદ કરવામાં આવી છે. તેમણે તરત જ પોતાના યુનિટમાં પાછા પહોંચી જવું. આ અંગેના લેખિત હુકમ દરેક સૈનિકને મળી જશે. સૂચના સમાપ્ત થઇ.”


લેખિત હુકમની રાહ જુએ તેવા આ અફસર નહોતા. ભોજન પતાવીને તેમણે સામાન પૅક કર્યો અને સીધા કાળુપુર સ્ટેશન પર પહોંચી ગયા. ત્યાં સેવારત મિલિટરી મૂવમેન્ટ કન્ટ્રોલ અૉફિસરને મળી પોતાના યૂનિટનું ‘NRS’ - Nearest Railway Station  પૂછ્યું.

5/9 ગોરખા રાઈફલ્સનો કૅપ બૅજ
“તમારૂં યુનિટ 5/9 GR છે? એક મિનીટ, સર..... તેનું NRS પઠાણકોટ છે.”

નવમી ગોરખા રાઇફલ્સ રેજીમેન્ટની પાંચમી બટાલિયનના આ સંજ્ઞાત્મક અક્ષરો 5/9 GR થી ઓળખાય છે.

લગભગ ચોવીસ કલાકના પ્રવાસ બાદ કૅપ્ટન પઠાણકોટ પહોંચી ગયા. આમ તો તેમને રસ્તામાં જ ખબર પડી ગઇ હતી કે પાડોશી દેશ સાથે લડાઇ શરૂ થઇ ગઇ હતી. પઠાણકોટ સ્ટેશન પર મુવમેન્ટ કન્ટ્રોલે તેમને જણાવ્યું કે તેમનું યુનિટ પાકિસ્તાનમાં કોઇ unknown locationમાં છે. “તમારી બટાલિયનના ‘બી-એશલૉન’ (રણભુમિમાં યુદ્ધ કરી રહેલા સૈનિકો માટે ભોજન, દારૂગોળો, રોજની ટપાલ વિ. તૈયાર કરી આગળ પહોંચાડવા માટેની નિર્ધારીત જગ્યા) સુધી પહોંચાડવાની અમે વ્યવસ્થા કરીશું. ત્યાંથી આગળ યુદ્ધભુમિ સુધી પહોંચાડવાનો બંદોબસ્ત તમારા ક્વાર્ટરમાસ્ટર કરી આપશે,” મુવમેન્ટ કન્ટ્રોલરે તેમને જણાવ્યું.

કૅપ્ટન પિયૂષ સાંબા જીલ્લામાં પાકિસ્તાનની સીમા પર આવેલ રામગઢ નામના નાનકડા ગામના પાદર પર આવેલ તેમના યુનિટના બી-અૅશલૉનમાં પહોંચી ગયા. લડાઇ પૂર જોશમાં ચાલી રહી હતી. યુદ્ધ ક્ષેત્રમાં જરા પણ આપણી સૈનિક કાર્યવાહી દેખાય કે દુશ્મન તરત તોપમારો શરૂ કરતો હતો. તેમના તોપખાનાના FOO (ફૉર્વર્ડ અૉબ્ઝર્વેશન અૉફિસર્સ) તેમના પ્રદેશમાં સંતાઈને વાયરલેસ પર તેના તોપખાનાના કમાન્ડરને માહિતી આપી આપણાં વાહનો પર અચૂક મારો કરાવતો હતો. ક્વાર્ટરમાસ્ટરે તેમની બટાલિયન ક્યાં છે તે તો જણાવ્યું, પણ ત્યાં સુધી તેમને લઇ જવા માટે અશક્તિ દર્શાવી. “છેલ્લા ચાર દિવસથી આપણી રાશનની ગાડીઓ બહાર નીકળે કે દુશ્મન તોપમારો કરે છે. તું આવ્યો તે પહેલાં જ તેમના F86 વિમાનોએ ‘સ્ટ્રેફીંગ’ કરી આપણને ભારે નુકસાન પહોંચાડ્યું છે. આજે રાતે મોરચા પર પહોંચવાનો ફરીથી પ્રયત્ન કરીશું. અંધારૂં થાય ત્યાં સુધી અહીં રોકાઇ જા.”

“બસંતસિંહ, હું રાત સુધી રોકાવા તૈયાર નથી. મારે પલ્ટનમાં તરત પહોંચવું છે. દિવસના અજવાળામાં ચાલી નીકળીશ તો સાંજ સુધીમાં પહોંચી જઇશ.”

કૅપ્ટન બસંતસિંહ આ સુકલકડી પણ ટટ્ટાર બાંધાના પોતાના સાથી અફસર તરફ જોઇ રહ્યો. પીયૂષે સવારમાં મળેલ સિચ્યુએશન રીપોર્ટમાં જોયું કે તેમની બટાલિયન ક્યા સ્થાન પર છે. One-inch-to a-mile ના સ્કેલના નકશામાં જોઇ તેમણે ગ્રીડ રેફરન્સ કાઢ્યો અને નીકળવાની તૈયારી કરી. કૂચ કરવા માટે ૧૭ કિલો વજનની ઇક્વીપમેન્ટ પીઠ પર ચડાવી, ખભા પર રાઇફલ ટાંગી તેમણે કમર પર ખુખરી બાંધી. કમર પર રાઈફલની ૫૦ ગોળીઓ, ગ્રેનેડ્ઝ અને સાઈડ પૅકમાં બે દિવસનું એમર્જન્સી રાશન, પાણીની બાટલી, નકશો અને પ્રીઝ્મેટીક કમ્પાસ (હોકાયંત્ર) લઇ ભર બપોરના એકલાજ પાકિસ્તાનના સિયાલકોટ જીલ્લાના પ્રદેશમાં નીકળી પડ્યા. રસ્તામાં પડતા ગામડાંઓમાંથી છુપાઈને ગોળીબાર કરતા પરદેશી સિપાઈઓ, FOO દ્વારા કરાવાતી બૉમ્બવર્ષા થતાં ખેતરની પાળ આડે પોઝીશન લઈ, વાતાાવરણ શાંત પડતાં તેમની આગેકૂચ શરૂ થતી. વચ્ચે જ રોકાઇને હોકાયંત્ર તથા નકશામાં અંશ-કોણ તપાસી યોગ્ય દિશામાં જઇ રહ્યા છે કે નહિ જોઇ તેઓ કૂચ કરતા રહ્યા. રાતના સમયે તેઓ પાકિસ્તાનના મહારાજકે ગામની સીમમાં સંરક્ષણાત્મક પોઝીશનમાં બેઠેલી બટાલિયનના હેડક્વાર્ટરમાં પહોંચ્યા ત્યારે કમાન્ડીંગ અૉફિસર કર્નલ ગરેવાલ ચકિત થઇ ગયા. ૩૬ કલાક અગાઉ મોકલાવેલા તારના જવાબમાં કેવળ સો-બસો કિલોમીટરના અંતરે રહેતા અફસર હજી બટાલિયનમાં પહોંચ્યા નહોતા. અહીં તો લગભગ હજાર કિલોમીટરથી પણ વધુ દૂર રહેતા કૅપ્ટન પીયૂષ પાકિસ્તાનમાં અજાણી જગ્યાએ સતત ટ્રેન, ટ્રક અને પગપાળા નકશા-હોકાયંત્રની મદદ વડે પહોંચી ગયા હતા.

જિપ્સીની વાત:

(માર્ચ ૨૦૦૯ના “જીપ્સીની ડાયરી”ના અંકોમાં યુદ્ધ શરુ થતાં પહેલાંનું વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે, તેથી આપને સીધા યુદ્ધભૂમિ પર લઇ જઇશ.)

સ્થળ: પાકિસ્તાનના સિયાલકોટ જિલ્લાના મહારાજકે નામના ગામની સીમમાં આવેલી જમરૂખની વાડી.

તારિખ: ૮ સપ્ટેમ્બર ૧૯૬૫ની સવાર.

 રોજ સવારે અફસરોને દિવસના હુકમ તથા યુદ્ધની સ્થિતિની માહિતી મેળવવા માટે અમે 5/9 GRના સીઓ કર્નલ ગ્રેવાલના બંકરમાં જઈએ. તે દિવસના ‘બ્રીફીંગ’માં મેં એક નવા અફસરને જોયા. મીટીંગ પતી ગયા બાદ હું તેમને મળ્યો અને મારો પરિચય આપ્યો.

“આય અૅમ કૅપ્ટન ભટ્ટ,” તેમણે પોતાનું નામ કહ્યું.
“ભટ્ટ એટલે ગઢવાલના કે કુમાયૂંના?” મેં પૂછ્યું.
ભટ્ટ હસી પડ્યા. “બેમાંથી એકેયનો નહિ. હું ગુજરાતનો છું.”

કેપ્ટન ભટ્ટ અને લેફ્ટનન્ટ નરેન્દ્ર: બન્ને એક જ શહેરના રહેવાસી, પણ એકબીજા વિશે અમને ખબર નહોતી! ઝાંસીની આસપાસના જંગલોમાં ત્રણ મહિના પહેલાં થયેલી યુ્દ્ધકળાના અભ્યાસની એક્સરસાઇઝમાં પણ અમે મળ્યા નહોતા. મળ્યા તો પાકિસ્તાનના ચરવાહ પાસેના મહારાજકે ગામની જમરૂખની વાડીમાં! જ્યાં અમારા પર શત્રુની બૉમ્બવર્ષા ગમે ત્યારે તૂટી પડતી હતી.

આ મુલાકાત બાદ પાકિસ્તાનના ફિલ્લોરા ગામ પાસે ઘમસાણ યુદ્ધ થયું. તેમાં આપણી સેનાએ મેળવેલ ફતેહ એક ઐતિહાસીક બનાવ હતો. તેનું વર્ણન 'જીપ્સીની ડાયરી'ના જુના અંકોમાં લખવામાં આવી છે તેથી તેની પુનરાવૃત્તિ નહિ કરૂં. કેવળ કૅપ્ટન ભટ્ટની કામગિરીની વાત કહીશ.

ફિલ્લોરા પરના વિજય બાદ પીછેહઠ કરી ગયેલી પાકિસ્તાનની સેનાની એક ટૅંક તેમણે અમારી નજીકના ‘No man’s land’માં આવેલા શેરડીના ખેતરમાં તેમણે તેને એવી રીતે સંતાડી હતી કે તેને શોધવી મુશ્કેલ હતી. તેના ચાલાક અને બહાદુર સૈનિકો અમારા પર ગોલંદાજી કરીને જગ્યા બદલતા રહેતા હતા. કર્નલે કૅપ્ટન ભટ્ટને આ ટૅંક શોધી તેને ઉડાવી દેવાનું કામ સોંપ્યું. વાઘનો શિકાર કરવા પગપાળા જવા સમાન આ ખતરનાક કામ હતું. સ્વાભાવિક છે કે આ કામ પર જનાર ટુકડીને ‘ટૅંક હન્ટીંગ પાર્ટી’ કહેવામાં આવે છે.
રાતના અંધારામાં કૅપ્ટન ભટ્ટ પોતાની આગેવાની નીચે છ સૈનિકોની ટુકડીને લઈ બહાર પડ્યા. અવાજ કર્યા વગર તેઓ શેરડીના ખેતરમાં ઉતરી દુશ્મનની મોરચાબંધીમાં ગયા. આ કામ સહેલું નથી હોતું. બે દિવસ ઉપર મધરાતના સમયે મરાઠા લાઇટ ઇન્ફન્ટ્રીના કર્નલ મનોહર આ કામ પર ગયા હતા. તેમના કમભાગ્યે દુશ્મન પોતાની ટૅંક્સ પર ફિટ કરેલી રાતના સમયે જોઈ શકાય તેવી ઇન્ફ્રા-રેડ કિરણની  દૂરબીનથી તેમને જોઈ ગયા હતા. તેમના પર છોડાયેલ મશીનગનના મારામાં કર્નલ મનોહર તથા તેમના દસ સિપાહીઓ શહીદ થયા હતા.

કૅપ્ટન ભટ્ટ આ વાત જાણતા હતા તેથી તેઓ તથા તેમની આગેવાની નીચેના સૈનિકો ચિત્તાની જેમ ચપળતાથી જમીન પર સરકતા ટૅંકની નજીક પહોંચ્યા. કૅપ્ટન ભટ્ટે ટૅંક પર ચઢી, તેનું હૅચ (ઢાંકણા જેવી બારી) ખોલી તેમાં ગ્રેનેડ નાખીને ત્યાંથી દૂર નીકળી ગયા. ગ્રેનેડના ધડાકાથી ટૅંકની અંદરના દારૂગોળાનો વિસ્ફોટ થયો અને ટૅંક ઉદ્ધ્વસ્ત થઇ. સફળતાપૂર્વક કાર્ય પૂરૂં કરી કૅપ્ટન ભટ્ટ અને તેમના સૈનિકો સહિસલામત પાછા આવ્યા.

ખુખરી સાથે હુમલો કરતા ગોરખા સૈનિક. તેમનો યુદ્ધનો લલકાર છે
"જય મહાકાલી, આયો ગોરખાલી"
બે દિવસ બાદ અમારી બટાલિયનને બીજી કામગિરી મળી: પાકિસ્તાનના જ કલ્લેવાલી નામના ગામની નજીક દુશ્મનની મોરચાબંધી પર હુમલો કરી તેના પર કબજો કરવાનું. અહીં આવી પહોંચનારી કૂમક આગળ આક્રમક કારવાઇ કરવાની હતી. આમ કલ્લેવાલીમાં રાતના સમયે બે બટાલિયનોના આ બેઝ પર દુશ્મન બૉમ્બવર્ષા ન કરે તે માટે દુશ્મનનું ધ્યાન બીજે દોરવાનું કામ કૅપ્ટન ભટ્ટને સોંપાયું. આ માટે તેમણે કુનેહપૂર્વક યોજના કરી. તેઓ તેમની થ્રી-ઇન્ચ મૉર્ટર (ઇન્ફન્ટ્રીના ‘મિનિ તોપખાના)ની પ્લૅટૂનને લઇ તેઓ બેઝની પૂર્વ દિશામાં ૭૦૦-૮૦૦ ગજ દૂર ગયા. ત્યાં મૉર્ટર્સ ગોઠવી દુશ્મનની હરોળ પર તેજ ગતિથી ગોલંદાજી કરી, તરત જ મૉર્ટર્સ ઉંચકી મૂળ સ્થાનની વિરૂદ્ધ દિશામાં દોડી ગયા અને ત્યાં પહોંચી મૉર્ટર્સ ગોઠવી. આનું કારણ એ હતું કે દુશ્મન પાસે એવા ઉપકરણ હતા જેની મદદ વડે જ્યાં આપણી તોપનો ગોળો પડે તેનો પ્રતિકોણ (reverse angle) કાઢી આપણી તોપ/મૉર્ટરનું સ્થાન શોધી શકતા હતા અને થોડી મિનીટોમાં જ આપણી પોઝીશન પર ગોળા વરસાવતા હતા. દુશ્મન આ કાર્યવાહી કરે તે પહેલાં કૅપ્ટન ભટ્ટ અને તેમના સૈનિકો બીજા સ્થાન પર પહોંચી જતા, અને ત્યાં પહોંચીને અગાઉની જેમ મૉર્ટરના ગોળા છોડી સ્થાન બદલતા રહ્યા. આ કારણે તેઓ પોતે અને તેમના સૈનિકો દુશ્મનની ગોલંદાજીથી બચતા ગયા,અને ફર્મ બેઝ પરથી દુશ્મનનું ધ્યાન બીજે દોરતા રહ્યા. આ કામ સહેલું નહોતું: એક એક મૉર્ટરનું વજન ૫૦ કિલોગ્રામ હોય છે, અને તેના એક એક ગોળાનું વજન ૭-૮ કિલોનું હોય છે. આવી ત્રણ મૉર્ટર્સ અને ૩૦ ગોળાઓ ઉંચકીને કૅપ્ટન ભટ્ટ અને તેમના પચાસ જવાનો પાકિસ્તાનની આપણા માટે સાવ અજાણી એવી એક જગ્યાએથી બીજી જગ્યાએ દોડીને જતા હતા. આનું પરિણામ એ આવ્યું કે દુશ્મન કૅપ્ટન ભટ્ટે ખાલી કરેલી જગ્યા પર ગોળા વરસાવતા રહ્યા અને જ્યાં આપણી સેનાએ 'ફર્મ બેઝ' બનાવ્યો હતો તે સુરક્ષીત રહ્યો.

આપણી સેના સિયાલકોટ શહેરથી કેવળ છ કિલોમિટર સુધી પહોંચી હતી. તેના પર હુમલો કરી શહેર કબજે કરાય તે પહેલાં તાશ્કંદમાં રશિયાની મધ્યસ્થીમાં યુદ્ધવિરામ થયો. આપણી સેનાને શાંતિના સ્થળે જવાના હુકમ અપાયા. મારી બટાલિયન અંબાલા ગઇ અને કૅપ્ટન પીયૂષ ભટ્ટ તથા તેમની ગોરખા પલ્ટન બીજા શહેરમાં ગઇ. સમ્પર્ક ન રહ્યો, પણ સ્મૃતી તાજી રહી. 


જો કે વાત અહીં પૂરી નહોતી થઇ. કૅપ્ટન પીયૂષ ભટ્ટની હજી ઘણી વાતો કહેવાની બાકી છે - જે આવતા અંકમાં કહીશું. 

Thursday, May 25, 2017

“ધેર આાર નો ગુજરાતીઝ ઇન ઇન્ડિયન આર્મી”


૧૯૬૩ની વાત છે. ચીન સામે કારમી હાર અનુભવ્યા બાદ અમદાવાદના અમે કેટલાક મિત્રોએ નક્કી કર્યું કે દેશની સાચી સેવા કરવી હોય તો આપણે મિલિટરીમાં જોડાઈ મોરચા પર લડવા જવું. અમદાવાદના કૅમ્પ વિસ્તારમાં આવેલી મિલિટરીની ભરતી કચેરીમાં અમે તપાસ કરી, જરૂરી ફૉર્મ મેળવ્યા અને જતાં પહેલાં ત્યાંના શીખ રિક્રુટિંગ અૉફિસરને પૂછ્યું, “ભારતીય સેનામાં ગુજરાત રેજિમેન્ટ છે? હોય તો અમારે તેમાં ભરતી થવું છે.”

“ધેર આર નો ગુજરાતીઝ ઇન ઇન્ડિયન આર્મી,” કૅપ્ટન સાહેબ હસીને બોલ્યા. તેમના હાસ્યમાં રમૂજ કરતાં તિરસ્કારની ઝાંય વધુ દેખાતી હતી. 

જિપ્સી ભલે સૌરાષ્ટ્રના ‘Backwoods'માંથી આવ્યો હોય, પણ થોડો ઘણો અભ્યાસ હતો તેથી ચહેરા પર બનાવટી નિર્દોષતા આણી તેણે કૅપ્ટનસાહેબને પૂછ્યું, “સાહેબ, જનરલ મહારાજ રાજેન્દ્રસિંહજી ક્યાંના હતા?”

“જનરલ રાજિંદરસીંઘ? અમારા ભૂતપૂર્વ આર્મી ચીફ વિશે પૂછો છો? અરે, એ તો પંજાબ અથવા રાજસ્થાનના જ હોય. તમે શા માટે પૂછો છો?”

અમે જવાબમાં સ્મિત આપ્યું અને ત્યાંથી નીકળી ગયા. રિક્રુટિંગ અૉફિસર વિમાસણમાં દાઢી પર હાથ ફેરવતા રહ્યા.

***


આ પ્રસંગ લખવાનો એક માત્ર ઉદ્દેશ એ છે કે કેવળ મિલિટરીમાં જ નહિ, આખા દેશમાં - આપણા ગુજરાતમાં સુદ્ધાં એક સ્ટિરિઓટાઈપ થયેલી માન્યતા છે કે ગુજરાતીઓ કેવળ વ્યાપારમાં પાવરધા છે. ભારતમાં  સૌથી સમૃદ્ધ રાજ્ય ગુજરાત છે અને તે આપણી વ્યાપારી અને વ્યાવહારિક કુનેહને લીધે છે. આ પ્રતિષ્ઠા પાછળ આપણી સૈનિક પરંપરા ઢંકાઈ ગઈ છે. ગુજરાતના સૈનિકો તથા સેનાપતિઓએ હંમેશા પોતાની ભારતીયતા જાહેર કરી. તેમના અંગત જીવનની, તેમના ઉછેર, સંસ્કાર તથા તેમની પ્રાદેશિક પાર્શ્વભૂમિ વિશે બહુ ઓછા ભારતીયો જાણતા થયા. તેમાં સૌથી વધુ પ્રખ્યાત પણ ગુજરાતી હોવાની પહેચાન ન ધરાવતા સેનાપતિ હતા જનરલ મહારાજશ્રી રાજેન્દ્રસિંહજી. 

***
જનરલ રાજેન્દ્રસિંહજીનો જન્મ જામનગરના રાજપરિવારમાં સન ૧૮૯૯ની ૧૫મી જુને સડોદર ગામે થયો હતો. તેમના પિતરાઈ નવાનગરના જામસાહેબ રણજીતસિંહ - જેઓ પ્રિન્સ રણજીના નામે ક્રિકેટમાં વિશ્વવિખ્યાત થયા હતા, તેમણે રાજેન્દ્રસિંહજીની રાજકુમાર કૉલેજમાં થયેલી સ્પર્ધામાં બૅટિંગનું કૌશલ્ય જોઈ તેમને ઇંગ્લૅન્ડની ખાનગી શાળા માલ્વર્ન કૉલેજમાં ભણવા મોકલ્યા. તેમની ઇચ્છા રાજેન્દ્રસિંહજી પણ તેમની જેમ ઇંગ્લૅન્ડની રાષ્ટ્રિય ટીમમાં સ્થાન મેળવે.

રાજેન્દ્રસિંહજીનો શોખ જુદો જ હતો. બચપણથી તેમને ઘોડેસ્વારી તથા શિકારમાં રસ હતો. પોલોની રમતમાં તથા નિશાનબાજીમાં તેઓ પાવરધા હતા. તેમને ક્રિકેટને કારકિર્દી બનાવવા કરતાં સૈન્યમાં જોડાવાનું વધુ ગમ્યું. તેમની ઇચ્છા બ્રિટિશ સેનામાં અશ્વદળની સેંકડો વર્ષ જુની રેજીમેન્ટમાં અફસર થવાની હતી. આ માટે તેમણે Surrey કાઉન્ટીમાં આવેલ સુપ્રસિદ્ધ સૅન્ડહર્સ્ટની રૉયલ મિલિટરી અૅકેડેમીમાં સ્થાન મેળવ્યું. ૧૯૨૧માં કેવળ ૨૨ વર્ષની વયે શાહી જીવનશૈલી છોડી સૈનિકનું ખડતલ જીવન પસંદ કર્યું. તે જમાનામાં લશ્કરી તાલિમ મેળવવા સૅન્ડહર્સ્ટમાં ભાગ્યેજ કોઇ ભારતીય જતા. આનાં મુખ્ય કારણ જોવા જઇએ તો જણાશે કે શિયાળાની કારમી હિમપ્રપાત વાળી ઠંડીમાં  વેલ્સના કપરા સ્નોડનના પહાડ તથા યૉર્કશાયરની ભેજભરી bogs અને moors ના નામથી કુખ્યાત એવી ભેંકાર ધરતીમાં પ્રશિક્ષણ લેવું પડતું. સૂવા માટે બરછટ કામળા, વરસાદ અને બરફના તોફાનમાં સતત ૫૦-૬૦ માઈલની કૂચ કરી attack, defence જેવી લશ્કરી કવાયતોનું શિક્ષણ મેળવવા માટે કેવળ પડછંદ શરીર નહીં, પણ તેથી વધુ મજબૂત મનોબળ જોઈએ. આ તાલિમ કેટલી સખત હોય છે તેનો ખ્યાલ આપવા એટલું જણાવીશ કે બ્રિટનનાં રાણી એલિઝાબેથ (બીજા)નાં સૌથી નાના પુત્ર પ્રિન્સ એડવર્ડ સૅન્ડહર્સ્ટમાં અફસર થવા ગયા હતા અને ખડતલ મહેનત કરવા અસમર્થ હોવાથી ફક્ત બે મહિનામાં જ તેઓ મહેલમાં રહેવા પાછા ફર્યા!

બે વર્ષની આ સખત તાલિમ બાદ રાજેન્દ્રસિંહજી પ્રથમ કક્ષામાં ઉત્તિર્ણ થયા અને ભારતની બસો વર્ષની ઝળહળતી પરંપરા ધરાવતી રૉયલ સેકન્ડ લાન્સર્સ - જે ગાર્ડનર્સ હૉર્સ તરીકે પણ ઓળખાય છે, તેમાં સેકન્ડ લેફ્ટેનન્ટના હોદ્દા પર નિમણૂંક થઈ. તે સમયે આ રેજિમેન્ટ - જેના સ્વાર વંશપરંપરાથી દેશી સૈનિકો હતા, તેમાં રાજેન્દ્રસિંહજી એક માત્ર ભારતીય અફસર હતા. આવા ઐતિહાસીક રિસાલા તેમજ રાજપુતાના રાઈફલ્સ (જેમાં ગુજરાતી સૈનિકોની કંપનીઓ સેવારત છે), શીખ, મરાઠા લાઈટ ઇન્ફન્ટ્રી, મદ્રાસ અને ગુરખા રેજિમેન્ટમાં ફક્ત એવા અંગ્રેજ યુવાનોને અફસર થવા મોકલવામાં આવતા જેમના પરિવાર આવી રેજિમેન્ટ સાથે જુના કાળથી સંકળાયા હતા, અથવા તેમની પ્રશિક્ષણ દરમિયાનની કારકિર્દી અભૂતપૂર્વ હતી. આવી રેજિમેન્ટોએ મેળવેલી ગૌરવપૂર્ણ પરંપરા જાળવવા માટે તેમાં નિમણૂંક મેળવનાર અફસરોમાં આ વારસો ટકાવી રાખવાની લાયકાત હોય તેવા યુવાનોને પસંદ કરવામાં આવતા. હજી પણ ભારતીય સેનાના રિસાલાઓ - જેમકે સેકન્ડ લાન્સર્સ, સિંધ હૉર્સ, ફર્સ્ટ હૉર્સ (સ્કિનર્સ), પૂના હૉર્સ તથા ઉપર જણાવેલી ઇન્ફન્ટ્રીની ખાસ પલટનોમાં ત્રણ - ચાર પેઢીઓથી સેવા બજાવી ચૂકેલા પરિવારોમાંથી આવતા યુવાનોને ચકાસી અને પરખીને ભરતી કરવામાં આવે છે. તેમાં પણ ખાસ પસંદગી શીખ, જાટ, ગુજરાતના મોલેસલામ રાજપુત મુસ્લિમ જેવા રાજસ્થાનના કાયમખાની મુસ્લિમ અને રાજપુત યુવાનોમાંથી કરવામાં આવે છે, જેમના બાપ-દાદાઓએ આ રિસાલા કે પલ્ટનમાં સેવા બજાવી હોય.  

૧૯૪૦માં સેકન્ડ લાન્સર્સમાં અશ્વોને સ્થાને ટૅંક્સ આવી. બીજું વિશ્વયુદ્ધ શરૂ થયું ત્યારે મેજર રાજેન્દ્રસિંહજી  સેકન્ડ લાન્સર્સના સેકન્ડ-ઇન-કમાન્ડનો હોદ્દો મેળવી ચૂક્યા હતા. તેમની રેજિમેન્ટને 3rd Motorized Brigadeના અંગ તરીકે લિબિયાના મોરચે મોકલવામાં આવી. તે સમયે જર્મન સેનાના ફિલ્ડમાર્શલ રોમેલ પૂર જોશમાં હતા અને અજેય સેનાપતિ તરીકે પ્રખ્યાત થયા હતા. યુરોપમાં તેમની ટૅંક ડિવિઝનોએ ફ્રાન્સ પર કબજો મેળવ્યા બાદ રોમેલને લિબિયાના મોરચે મોકલવામાં આવ્યા. તેમનો ઉદ્દેશ ઉત્તર આફ્રિકામાં મોરચો બાંધી રહેલી મિત્રરાજ્યોની આઠમી સેના (Eighth Army) પર વિજય મેળવી સુએઝ કૅનાલ પર કબજો કરવાનો હતો. રોમેલના હુમલા સામે આઠમી સેનાની અગ્રિમ કોર, જેમાં લગભગ ૪૦,૦૦૦ સૈનિકો હતા ટકી શકી નહીં. સેનાપતિ જનરલ ગૅમ્બિયર-પેરીએ તેમના હેડક્વાર્ટર્સમાં રહેલા ૧૪૦૦ સૈનિકોને જર્મનોને શરણે જવાનો હુકમ કર્યો. 

3rd Motorized Brigadeને એવો હુકમ હતો કે જો રોમેલની સામે ટકી શકાય તેવું ન હોય તો તેમને શરણે જવા કરતાં તેમના સઘળા સૈનિકોએ આઠમી સેનાના હેડક્વાર્ટર્સમાં પહોંચી જવું અને ત્યાં જીવસટોસટનો મોરચો બાંધવો. જનરલ ગૅમ્બિયર-પેરીનો હુકમ મળ્યો તે સમયે રાજેન્દ્રસિંહજીની રેજીમેન્ટ પાસેની ૩૨માંની ચોવિસ ટૅંક્સ જર્મનોએ નષ્ટ કરી હતી અને રેજીમેન્ટની હેડક્વાર્ટર સ્ક્વોડ્રનમાં  રાજેન્દ્રસિંહજીના આધિપત્ય નીચે આઠ ટૅંક્સ બચી હતી. તેમણે જર્મનોનો ઘેરો તોડી તેમને શરુઆતમાં મળેલા હુકમ મુજબ હેડક્વાર્ટર પહોંચી જવાનું નક્કી કર્યું. તેમણે તેમના સૈનિકોને ઉર્દુમાં હુકમ આપ્યો કે હુમલો કરવાનો લલકાર ‘ચાર્જ’ મળતાં સૌએ તેમની ટૅંક પાછળ કૂચ કરવી અને સામે આવનાર દુશ્મન પર ટૅંકના છેલ્લા ગોળા અને રાઇફલની છેલ્લી ગોળી સુધી લડી લેવું પણ શરણે ન જવું. 

યુદ્ધ શરૂ થતાં પહેલાં રાજેન્દ્રસિંહજીએ કાબેલ સેનાની તરીકે તેમના સમગ્ર વિસ્તારનું જાતે નિરિક્ષણ (Reconnaissance) કર્યું હતું. સહારાના રણ વિસ્તારમાં ક્યા સ્થળો એવા હતા જ્યાં કામચલાઉ મોરચાબંધી કરી, રાતના સમયે કયા માર્ગેથી સેનાના મુખ્ય મથકે પહોંચવું તે તેઓ જાણતા હતા. રાજેન્દ્રસિંહજીની યોજનામાં તેમની સાથે સંપર્કમાં રહેલા તેમની બ્રિગેડના અૉસ્ટ્રેલિયન તથા અંગ્રેજ અફસરોએ તેમની ૩૦૦ સૈનિકોની ટુકડીઓ સાથે તેમના નેતૃત્વ નીચે લડી લેવા માટે હામી ભરી. 

રાજેન્દ્રસિંહજીએ આપેલા હુકમ પ્રમાણે સઘળા સૈનિકોએ તેમના વાહનો પર મશીનગનો ચઢાવી. ટૅંકના બ્રીચમાં તેમના સવારોએ વિસ્ફોટક ગોળા ભર્યા. અન્ય સૈનિકોએ તેમના વ્યક્તિગત હથિયારો સજ્જ કર્યા. “સ્ટાર્ટ એન્જિન્સ”નો હુકમ સાંભળી આ નાનકડી સેનાએ તેમના ટૅંક્સ સમેત સઘળા વાહનો ચાલુ કર્યા. “ચાર્જ”નો હુકમ સાંળતાં સૌએ રાજેન્દ્રસિંહજીની ટૅંક પાછળ પોતાના વાહનોને વ્યૂહાત્મકરીતે દોડાવ્યા. આ શું થઈ રહ્યું છે તેનું જર્મન અફસરોને ભાન થાય તે પહેલાં ગોળા વરસાવતી સેકન્ડ લાન્સર્સની ટૅંક્સ તથા અન્ય વાહનોએ ઘેરો તોડ્યો અને ધખધખતા રણમાં રવાના થયા. અનેક જર્મન સૈનિકો ખુવાર થયા. રોમેલની સેના તેમનો પીછો કરે તે પહેલાં રાજેન્દ્રસિંહજી તેમની ટુકડીઓ સાથે નક્કી કરેલા ગુપ્ત સ્થાન પર પહોંચી ગયા. બીજા દિવસે તેમની શોધમાં નીકળેલી દુશ્મનની ૬૦ સૈનિકોના જથ્થાને ambushમાં કેદ કરી, ૯ દિવસના પ્રવાસ બાદ તેઓ ઇજિપ્તમાં કેરો શહેરની નજીક આવેલા આઠમી સેનાના હેડક્વાર્ટરમાં પહોંચ્યા. ત્યાં સૌ માની બેઠા હતા કે રાજેન્દ્રસિંહજી પણ તેમના જનરલ સાથે કેદ થયા હતા, પણ અહીં જુદી જ હેરતભરી ઘટના થઈ હતી. આ ગુજરાતી અફસર પોતે કેદ થવાને બદલે  જર્મન સૈનિકોને કેદ કરી સાથે લઈ આવ્યા હતા! સરકારે તેમને તે જ ક્ષણે Distinguished Service Order નામનો બહાદુરીનો ચંદ્રક એનાયત કર્યો. બીજા વિશ્વયુદ્ધમાં આ ચંદ્રક મેળવનાર તેઓ પહેલા ભારતીય અફસર હતા. થોડા દિવસ બાદ સેકન્ડ લાન્સર્સની પુનર્રચના કરવામાં આવી. તેમને નવી ટૅંક્સ તથા સાધન-સામગ્રી આપી રેજીમેન્ટની કમાન રાજેન્દ્રસિંહજીને આપવામાં આવી. રૉયલ સેકન્ડ લાન્સર્સના તેઓ પ્રથમ ભારતીય કમાંડીંગ અફસર - લેફ્ટેનન્ટ કર્નલ મહારાજ રાજેન્દ્રસિંહજી - થયા.

***


વિશ્વયુદ્ધ પૂરૂં થયું. દેશ સ્વતંત્ર થયો. જ્યારે ભારતીય સેનાના કમાંડર-ઇન-ચીફ જનરલ સર રૉય બૂચર બ્રિટન જવા નીકળ્યા ત્યારે દેશમાં વિચિત્ર સ્થિતિ ઉભી થઈ હતી. ભારતીય સૈન્યના ઇતિહાસકાર વિંગ કમાંડર રવીંદ્ર પારસનીસના લખણ મુજબ નહેરૂને કરિઅપ્પા પ્રત્યે અણગમો હતો. તેમણે રાજેન્દ્રસિંહજીને બોલાવીને કહ્યું. “તમે ભારતના પ્રથમ C-in-C થાવ એવી મારી ઇચ્છા છે.”  એક ખાનદાન અફસરની જેમ તેમણે પં. નહેરૂના પ્રસ્તાવને નમ્રતાપૂર્વક નકાર્યો અને કહ્યું, “ભારતીય સેનાની પરંપરા મુજબ જનરલ કરિઅપ્પા મારા સિનિયર છે. મારાથી તેમના હક્કનું સ્થાન કદી ન લઈ શકાય.” 

જનરલ કરિઅપ્પા ભારતના C-in-C થયા. રાજેન્દ્રસિંહજી દક્ષિણ ભારતની સેના Southern Commandના સેનાપતિ થયા.
***

૧૯૪૭માં દેશમાં અત્યંત વિકટ પરિસ્થિતિ હતી. હૈદરાબાદના નિઝામને કૅનેડાની જેમ સ્વતંત્ર ‘ડોમિનિયન’ અથવા પાકિસ્તાન સાથે જોડાણ જોઈતું હતું. જુનાગઢના નવાબે પાકિસ્તાનમાં જોડાવાનું નક્કી કર્યું. કાશ્મિરમાં કબાઇલીઓએ આતંક મચાવ્યો હતો અને શ્રીનગર નજીક પહોંચી ગયા હતા.. હૈદરાબાદમાં કાસિમ રિઝવીની આગેવાની હેઠળ રઝાકારોની બે લાખની ફોજ ખડી થઈ હતી.  તેમણે ન કેવળ હૈદરાબાદમાં, પણ તેની સીમા પર આવેલા ભારતીય પ્રદેશોમાં દહેશત ફેલાવવા લૂંટફાટ, સ્ત્રીઓના અપહરણ અને ખૂનામરકી શરૂ કરી હતી. નહેરૂની આનાકાની લાંબો વખત ચાલે તો કાશ્મિર અને હૈદરાબાદ હાથમાંથી જાય તેવી વકી હતી. સરદાર પટેલે કાશ્મિરમાં સૈન્ય મોકલવા માટે જે આગેવાની લીધી હતી, જેનું અગાઉ પ્રસિદ્ધ થયેલ ‘સૅમ બહાદુર” નામના લેખમાં વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે, તે વિશે આપણા દેશવાસીઓ જાણે છે. હૈદરાબાદ માટે સરદારે અસાધારણ કુનેહ દાખવી. દેશમાં Law and Order situation કથળે ત્યારે સ્થાનિક સરકાર મધ્યસ્થ સરકારને મદદ માટે વિનંતી કરે અને તે માટે સરકારે યોગ્ય બળ - મિલિટરી કે પોલિસ પૂરું પાડવું જોઈએ. સરદારે રાજેન્દ્રસિંહજીને ખાસ ટેલિફોન કરી ગુજરાતીમાં સૂચના આપી કે હૈદરાબાદ પર સૈનિક આક્રમણની તૈયારી કરવી. બીજી તરફ કાયદા-કાનૂનની વ્યવસ્થા પર કાબુ આણવા મુંબઈ સ્થિત સરકારને સૂચના આપી કે હૈદરાબાદની સીમા પર યોગ્ય બંદોબસ્ત કરવા કેન્દ્રીય સરકારની સહાયતા જોઈએ તેવું જાહેર કરે.

રાજેન્દ્રસિંહજીએ ‘અૉપરેશન પોલો’ નામથી પ્રખ્યાત આક્રમણનો વ્યૂહ રચ્યો. હૈદરાબાદની પશ્ચિમમાંથી ભારતની 1 Armoured Divisionના કમાંડર મેજર જનરલ ચૌધરીને તથા દક્ષિણમાંથી મેજર જનરલ રૂદ્રની ૧૦મી ઇન્ફન્ટ્રી ડિવિઝનને હૈદરાબાદની સીમા તરફ કૂચ કરવા આદેશ આપ્યો. સરદાર પટેલે Aid to Civil Powerના ઓથા હેઠળ સેનાની મદદ માગતો હુકમ રાજેન્દ્રસિંહજીને મોકલ્યો. તેમણે ઘડેલ ‘અૉપરેશન પોલો’ની વ્યૂહરચના અને planning એવા તો અણિશુદ્ધ હતા કે પાંચ જ દિવસમાં યુદ્ધ પૂરું થયું.

નિઝામના અરબ સેનાપતિ જનરલ એલ અેદ્રૂસની સેના પણ ઉચ્ચ સ્તરની કેળવણી પામેલી હતી. પાંચ દિવસના - પણ અત્યંત ભયાનક અને ઘમસાણ યુદ્ધમાં ભારતના ૬૬ અફસર-સૈનિકોએ પ્રાણની આહૂતિ આપી. ૯૭ સૈનિકો ઘાયલ થયા. આ સામે નિઝામના ૪૯૦ સિપાઇઓએ યુદ્ધમાં માર્યા ગયા અને ૧૨૨ જખમી થયા. નિઝામે શરણાગતિ માગી અને હૈદરાબાદ ભારતમાં વિલિન થયું. 

અૉપરેશન પોલોની સફળતા બાદ જનરલ રાજેન્દ્રસિંહજી (ડાબે) મેજર જનરલ ચૌધરી અને નિઝામ સાથે.
જનરલ કરિઅપ્પા રિટાયર થયા બાદ રાજેન્દ્રસિંહજી ભારતના બીજા C-in-C થયા. રાષ્ટ્રપતિએ જ્યારે Supreme Commander of Armed Forces હોદ્દો ધારણ કર્યો ત્યારે ભારતની સ્થળસેનાના પ્રથમ સેનાપતિના સ્થાન પર રાજેન્દ્રસિંહજીની નિમણૂંક થઈ.

જિપ્સીની આ વાત પેલા શીખ રિક્રુટિંગ અફસર સુધી પહોંચી શકી નથી! ભારતની પ્રજા હવે જાણવા લાગી છે કે હિંમત અને બહાદુરી કોઈ વ્યક્તિ કે પ્રદેશની જાગિર નથી રહી. વળી આ ગુણ કેવળ યુદ્ધક્ષેત્રમાં જ બતાવી શકાય એવું પણ નથી. દેશ માટે અપાતું બલિદાન - પછી તે કોઈ પણ પ્રકારનું કેમ ન હોય, તેનું મૂલ્ય જીવનના બલિદાન જેટલું જ મહત્વનું હોય છે. તેથી જ તો આજે મહારાણા પ્રતાપની સાથે સાથે જીવનભરની કમાઇનું દ્રવ્ય અર્પણ કરનાર શાહસોદાગર ભામાશાનું નામ એટલા જ ભક્તિભાવથી લેવાય છે. 

ગુજરાતની સૈનિક ગૌરવગાથા ઘણી પુરાણી છે. આપ કદીક વેરાવળથી સોમનાથના દર્શને જશો તો સોમનાથ પાટણના સિમાડા પર મહંમદ ગઝનવીના સૈનિકોની સેંકડો કબરો જોવા મળશે. કેટલીક કબર પર જિપ્સીએ ઘોડાની આકૃતિના tomb stone જોયા હતા. ત્યાંના ભોમિયાએ કહ્યું હતું કે આ પાળીયા ગઝનવીના માર્યા ગયેલા સેનાપતિઓના હતા. તેમની સામે યુદ્ધ કરનારા બીજા કોઈ નહિ, ગુજરાતી સૈનિકો હતા.

આવતા કેટલાક અંકોમાં ગુજરાતની સૈનિક પરંપરાની વાતો રજુ કરવાનો પ્રયત્ન કરીશું.


(નોંધ : અખંડ આનંદના માર્ચ ૨૦૦૪ના અંકમાં પ્રસિદ્ધ થયેલ જિપ્સીના લેખનું આ સંક્ષિપ્ત સ્વરુપ છે. અગિયાર જેટલા આધારભૂત ગ્રંથ તથા લેખના સંશોધન બાદ આ માહિતી આપી શકાઈ છે.)

Friday, May 12, 2017

ભારતીય સેના અને ગુજરાત

ગુજરાતની અસ્મિતા એટલે ગુર્જર દેશના રહેવાસીઓ, તેમણે ઘડેલી સંસ્કૃતિ, પરંપરાઓ અને સદીઓથી તેમના વારસોને આપી રહેલા સંસ્કારોની સમૃદ્ધિ. ભારતના અન્ય પ્રદેશોએ કેવળ ગુજરાતની સમૃદ્ધિ અને વ્યાપારી ક્ષેત્રમાં મેળવેલી સિદ્ધીઓ જોઈ છે. ઘણી વાર એવું પણ બને છે કે સર્વાંગીણ વિકાસ સાધવામાં નિષ્ફળ ગયેલા પ્રાંતો અને રાજ્યોને ગુજરાતનો વિકાસ જોઈ જે ઈર્ષ્યા થઈ તેનું બાલીશ પ્રદર્શન “તમે ભલે પૈસાદાર છો, પણ રણભૂમિમાં અમારા જેવી મર્દાનગી તમે ક્યાં દાખવી છે?” એવું વારંવાર ઉચ્ચારી ગુજરાતને નીચું દેખાડવાનો પ્રયત્ન કરતા દેખાયા છે. હાલમાં જ ઉત્તર પ્રદેશમાં ગુજરાતી મુત્સદ્દીઓને હાથે પરાજય પામેલા ત્યાંના સ્થાનિક નેતાઓેએ  બેહુદી વાત કરી : 'ગુજરાતમાંથી કોઈ પણ વ્યક્તિ યુદ્ધના મેદાનમાં શહીદ નથી થયો;' એક જણે તો કહ્યું, ‘ગુજરાતીઓ તો કેવળ હિરા ઘસવાનું કામ કરે છે!’  

હિંદીમાં કહેવત છે, “ખિસિયાની બિલ્લી ખંભા નોચે’ - ખસીયાણી થયેલી બિલાડી થાંભલા સાથે નખ ભેરવે - જેવો આ પ્રકાર થયેલો ગણાય.

આ અઠવાડિયાની બીજી વાત છે, અંગ્રેજીના વેબ સામયિક Quora.com માં કોઈએ પૂછેલા પ્રશ્ન વિશે. સવાલ હતો, ભારતીય સેનામાં ગુજરાતીઓ કેમ નથી જતા? આનો જિપ્સીએ ટૂંકો જવાબ આપ્યો જેને લગભગ પાંચ હજાર વાચકોએ વાંચ્યો.

આજના અંકમાં ફક્ત જિપ્સીએ ઉપર જણાવેલ પ્રશ્નના જવાબનું ભાષાંતર રજુ કરીશું. 

"ભારતીય સેનામાં ગુજરાતીઓ કેમ દેખાતા નથી જેવો પ્રશ્ન પૂછનાર લોકો ગુજરાતીઓ પ્રત્યેનો પોતાનો પૂર્વગ્રહ દૂર કરીને તથ્ય જાણવાનો પ્રયત્ન કરશે તો તેમને જણાશે કે :


પ્રથમ વિશ્વયુદ્ધ (First World War - 1914-18)માં ગુજરાતના સૌરાષ્ટ્ર વિભાગમાં આવેલા રજવાડાંઓના અશ્વદળોને એકત્ર કરી એક કૅવેલ્રી રેજિમેન્ટ ઉભી કરી તેને ઈજિપ્ત તથા પૅલેસ્ટાઈનની રણભૂમિ પર ભાવનગરના કૅપ્ટન જોરાવરસિંહજી - જોરૂભાની સરદારી નીચે યુદ્ધ ખેલ્યું હતું. તેમને તથા તેમના રિસાલદારને રણ મોરચે બહાદુરી દાખવવા માટે મિલિટરી ક્રૉસ એનાયત થયા હતા.


 ભારત સ્વતંત્ર થયા બાદ ભારતીય સેનાના બીજા કમાન્ડર-ઈન-ચીફ (પહેલા C-in-C  જનરલ કરીઅપ્પા હતા) અને C-in-Cનો હોદ્દો રાષ્ટ્રપતિને અપાયા બાદ સૈન્યના પ્રથમ ચીફ અૉફ આર્મી સ્ટાફ જનરલ મહારાજશ્રી રાજેન્દ્રસિંહજી, DSO જામનગરના હતા.  જનરલ રાજેન્દ્રસિંહજી પ્રખ્યાત ક્રિકેટર નવાનગરના જામ રણજીના પિત્રાઈ હતા.  અહીં કહેવું જોઈશે કે બીજા વિશ્વયુદ્ધમાં બહાદુરી માટેનો DSO (Distinguished Service Order) મેળવનાર તેઓ પ્રથમ ભારતીય અફસર હતા. જે જમાનામાં રિસાલા (Royal Cavalry Regiment)માં કેવળ અને કેવળ અંગ્રેજોને જ કમાન્ડીંગ અફસરનો હોદ્દો અપાતો, તેવી રૉયલ સેકન્ડ લાન્સર્સના પ્રથમ ભારતીય કમાંડીંગ અફસર થવાનું માન રાજેન્દ્રસિંહજીને તેમની અસામાન્ય વીરતા અને કાબેલિયતને કારણે અપાયું હતું. 

૧૯૪૭માં હૈદરાબાદના નિઝામે જ્યારે પાકિસ્તાન સાથે જોડાવાનું વિચાર્યું ત્યારે તે વખતની પરિસ્થિતિ (જેનું વર્ણન આવતા અંકમાં કરીશું) જોતાં સરદાર પટેલે જોયું કે લેફ્ટેનન્ટ જનરલ રાજેન્દ્રસિંહજી દક્ષિણ ભારતની સેનાના સેનાપતિ (GOC-in-C, Southern Command) હતા અને હૈદરાબાદ પર આક્રમણ કરી તે કબજે કરવા માટે સક્ષમ અને કાબેલ હતા. સરદારે તેમને આદેશ આપ્યો. રાજેન્દ્રસિંહજીએ યુદ્ધ માટે ‘અૉપરેશન પોલો’નું નિયોજન કરી ફક્ત પાંચ દિવસના ઘોડાપૂર સમા હુમલામાં હૈદરાબાદ કબજે કર્યું. આ ઉપરાંત જામનગરના જ લેફ્ટેનન્ટ જનરલ હિંમતસિંહજી જે આગળ જતાં હિમાચલના ગવર્નર થયા. ભારતીય સેનાની રાજપુતાના રાઈફલ્સના ગુજરાતી અફસર લેફ્ટેનન્ટ જનરલ મહિપતસિંહજી ભારતીય સેનાના  વાઈસ-ચીફ  અૉફ આર્મી સ્ટાફ થયા.  ૧૯૬૫ તથા ૧૯૭૧ના યુદ્ધમાં જિપ્સી સાથે યુદ્ધમાં ભાગ લેનારા બે અફસરો મેજર જનરલના હોદ્દા પર નિવૃત્ત થયા (ગોરખા રાઈફલ્સના મેજર જનરલ પીયૂષ ભટ્ટ, સેના મેડલ, વિશિષ્ટ સેવા મેડલ તથા પંજાબ રેજિમેન્ટના મેજર જનરલ કાન્તિ ટેલર 

 
જેમણે ૨૦ - ૨૦ હજાર સૈનિકોની સેનાના સેનાપતિ તરીકે સેવા બજાવી હતી).  

બીજા વિશ્વયુદ્ધના સમયથી ભારતીય સેનાની વિશ્વ વિખ્યાત રેજિમેન્ટસ્ - રાજપુતાના રાઈફલ્સ (જે Raj Rif ના નામે પ્રખ્યાત છે), ગ્રેનેડિયર્સ અને મહાર રેજિમેન્ટસની ખાસ ટુકડીઓ કેવળ ગુજરાતી સૈનિકોની છે.

ઘણી વાર એક સવાલ પૂછવામાં આવ્યો છે કે ભારતીય સેનામાં ‘ગુજરાત રેજિમેન્ટ’ની રચના શા માટે કરવામાં આવી નથી? આનો સીધો અને સરળ જવાબ છે, દેશ સ્વતંત્ર થયા બાદ સરકારે જાતિ-આધારિત (જેમકે શીખ, મરાઠા, ગઢવાલી, જાટ) કે પ્રાન્ત પર રચાયેલી પંજાબ, મદ્રાસ અને   બિહાર જેવી નવી રેજિમેન્ટ ન બનાવવાનો સરકારે નિર્ણય લીધો હતો. આ કારણે ગુજરાત રેજીમેન્ટની સ્થાપના ન  થઈ અને તેની અવેજીમાં સરકારે ભારતના સઘળા રાજ્યોમાંથી આવતા રિક્રૂટોની બ્રિગેડ અૉફ ગાર્ડઝની રચના કરી. આ ઉપરાંત કુમાયૂઁ તથા મહાર રેજિમેન્ટ જેવી  મહત્વની પલ્ટનોને composite બટાલિયન બનાવી તેમાં ભારતના વિવિધ પ્રદેશમાંથી અાવતા સૈનિકોની કંપનીઓ ભેળવી. આમ તો ગ્રેનેડિયર્સ તથા રાજપુતાના રાઈફલ્સ જેવી સો વર્ષ જુની બટાલિયનોમાં ગુજરાતના સૈનિકોની વિશિષ્ટ કંપનીઓ પહેલેથી અસ્તીત્વમાં છે અને હવે મહાર રેજિમેન્ટમાં પણ ગુજરાતી સૈનિકો જોડાય છે. આ ઉપરાંત કોર અૉફ  એન્જિનિયર્સ, આર્મી સર્વિસ કોર, સિગ્નલ્સમાં ગુજરાતી સૈનિકોની હાજરી અવશ્ય જોવા મળશે.


  
(ઉપર અનુક્રમે મહાર રેજિમેન્ટ, રાજપુતાના રાઈફલ્સ તથા ગ્રેનિડિયર્સના કૅપ બૅજ રજુ કર્યા છે.)

છેલ્લે : ગુજરાતી કોને કહેવાય? જે ગુજરાતી બોલે, ગુજરાતી આચાર - વિચારનું પાલન કરે તે જ ને? આ હિસાબે ભારતના પારસીઓ ગુજરાતી છે, અને ભારતના પ્રથમ ફીલ્ડ માર્શલ સૅમ માણેકશૉ,

 
અૅર ચીફ માર્શલ એન્જિનિયર જેવા અનેક પારસીઓએ જનરલના હોદ્દા પર સેવા બજાવી છે. 

Quoraના સહુ વાચકોને મારી વિનંતી છે કે ભારતીય સેનાનો ગણવેશ ધારણ કરનારા સઘળા સૈનિકોને માન આપો. યુનિફૉર્મ પહેરનાર કોઈ સિપાહી  શીખ, ગઢવાલી, મરાઠા, કુમાંયૂની, જાટ, ગુરખા કે ગુજરાતી નથી. તે કેવળ ભારતીય સેનાનો જવાન છે. આ ગણવેશ પહેરનાર દરેક સૈનિક પોતાને ભારતીય સેનાનો અદનો સિપાહી તેમાં ગૌરવ અનુભવે છે." 

જિપ્સીના લેખના જવાબમાં એક વાચકે આંકડા આપ્યા : ગુજરાતમાં હાલ ૨૩,૫૨૧ ભારતીય સેનામાં પૂરી સેવા બજાવ્યા બાદ રિટાયર થઈને આવેલા ભૂતપૂર્વ સૈનિકો છે.  તેમાંના ૧૯૦૭૨ ઈન્ફન્ટ્રીના સૈનિકો છે. શહિદ થયેલા ગુજરાતી સૈનિકો કુપવાડા, સિયાચિન અને પૂંચ ક્ષેત્રમાં ઘૂસણખોરો સામે લડ્યા હતા, અને તેમને મોતને ઘાટ ઉતાર્યા બાદ જ પ્રાણ ત્યાગ્યા હતા. 

***

આજનો અંક અહીં સમાપ્ત થાય છે. આવતા અંકમાં જિપ્સીએ ‘અખંડ આનંદ’ના માર્ચ ૨૦૦૪ના અંકમાં લખેલ લેખ “ધેર આર નો ગુજરાતીઝ ઇન ઇન્ડિયન આર્મી!”નું સંક્ષિપ્ત સ્વરુપ રજુ કરીશું.