Friday, September 13, 2013

રામરાજ્ય અને રામની પ્રજામાં રહેતા કેટલાક અદ્વિતિય પ્રજાજનો!


ગયા એક અંકમાં આપણા એક વડીલના શબ્દો આપને યાદ કરાવું: રામ રાજ્ય સાંભળ્યું હતું, પણ કેવું હતું ઇ આંયા આવીને જોયું. અને તેમના ઉદ્ગાર સાચે જ અહીં લાગુ પડતા હતા. જો કે મારા લંડનમાંના ટ્રિનીડૅડવાસી મિત્ર રૉબર્ટ ગ્લાઉડનના શબ્દો વારે વારે સાંભરે છે: “You cannot get something for nothing!” રામરાજ્યના લાભ મેળવવા તેની જે કિંમત ચૂકવવી પડતી હતી તે ત્યાંના સમાજના કેટલાક ઘટક દ્વારા અજમાવવામાં આવતી વર્ણભેદની પદ્ધતિ હતી. તેમ છતાં પ્રજા સુખી હતી. 
ભારતીય વંશના લોકો માટે અતિ મહત્વની વાત એ હતી કે લોકોને પરાવલંબી થવાની, સગાં સંબંધીઓના ઉપકાર લઇ તેમની લાચારી ભોગવવાની જરૂર નહોતી. પરંપરાગત ભારતીય સમાજમાં સ્ત્રીઓ માટે આ અતિ મહત્વની વાત હતી. સાસરિયામાં ગુજારવામાં આવતો ત્રાસ સહન કરવામાંથી તેમને મુક્તિ મળી હતી અને સ્વમાનભેર જીવન જીવવામાં અહીંની વેલ્ફેર પદ્ધતિ ઘણી ઉપકારી નીવડી.

વેલફેર બેનિફિટના વિતરણમાં સૌથી મહત્વની વાત એ હતી કે કોને ક્યા બેનિફિટ મળી શકે તથા તેની માગણી કરવાની જવાબદારી નાગરિકો પર મૂકવામાં આવી હતી. સરકારે સઘળા બેનિફિટની માહિતી તેમના ચોપાનિયાંઓ દ્વારા બેનિફિટ અૉફીસમાં મૂક્યા હતા, પણ આપણાં ભાઇબહેનોનું અંગ્રેજીનું જ્ઞાન અપૂરતું હોવાથી અનેક લાભથી વંચિત રહેવું પડતું હતું. સરકારે ગ્રાન્ટ આપીને સિટીઝન્સ અૅડવાઇસ બ્યુરો નામની સંસ્થાને દેશભરમાં અૉફીસ ખોલવા ઉત્તેજન આપ્યું હતું. જો કે ત્યાં પણ ભાષાનો પ્રશ્ન ઉભો થતો હતો. 

આવી જ રીતે સ્થાનિક કાઉન્સીલોએ NGO ક્ષેત્રમાં લોકોપયોગી સેવાઓને મોટા પ્રમાણમાં Grants આપવાનું શરૂ કર્યું. આમાં બહેનોને તેમના પતિ દ્વારા થતી શારીરીક હિંસામાંથી બચાવવા માટે સ્થપાયેલી સંસ્થાઓને સહાયતા આપવાનું શરૂ કર્યું. આપણી બહેનોએ મળીને આવા શહેરમાં કેટલાક મહિલા સુરક્ષાગૃહ સ્થાપ્યા.

જિપ્સીને સોશિયલ સર્વીસીઝ ખાતામાં ‘એશિયન સ્પેશીયાલીસ્ટ’ના સ્થાન પર નોકરી મળી ત્યારે તેના ટીમ લીડર કુ. લિઝ વેબ તરફથી તેને ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશથી આવેલા નાગરિકો માટે દર બુધવારે સલાહ કેન્દ્ર શરૂ કરવાની રજા મળી. આમાંના કેટલાક અનુભવો અહીં રજુ કરીશ. 

‘રામરાજ્ય’માં લોભી, ક્રોધી અને લેભાગુ લોકો હતા. આવા કેટલાક મહાનુભાવોની વાત કરીશ.

સરકારી લાભ મેળવનારા લોકોને રહેવા માટે કાઉન્સીલ તરફથી પૂરૂં ભાડું ‘હાઉસીંગ બેનિફિટ’ની અૉફિસમાંથી મળે. એક સજ્જન સલાહ કેન્દ્રમાં આવ્યા અને આ લાભ મેળવવાનાં ફૉર્મ ભરવામાં મદદ માગી. ફૉર્મ ભર્યા પછી તેમણે લુખ્ખું હસીને કહ્યું, “આ વાત કોઇને કહેશો નહી. આમ તો હું મારા દિકરાની સાથે જ તેના મકાનમાં રહું છું. પણ દર અઠવાડીયે ચાલીસ પાઉન્ડ મફત મળતા હોય તો તે શા માટે જવા દેવાય? આપણા લોકોમાં ઈર્ષ્યા ઘણી હોય છે તેથી ચાડી ખાતા હોય છે. મારી સામે કોઇ નનામી ફરિયાદ કરે તો માથાકૂટ થાય. જો કે અમે તો એનો પણ બંદોબસ્ત કર્યો છે! એક નાનકડી રૂમમાં જુનું કૂકર અને નાનકડું ફ્રિજ રાખ્યું છે. કાઉન્સીલવાળા આવે તો તેમને બતાવી શકીએ કે હું અહીં મારી રસોઇ કરૂં છું! 

“આ અંગ્રેજોએ આપણા દેશને ખુબ લૂંટ્યો છે. હવે તેમની પાસેથી પૈસા કઢાવવાનો આપણો વારો છે. લોકો ભલે કહે આ ગલત વાત છે. અમે દર વર્ષે મુંબઇના હરે કૃષ્ણ મંદીરમાં બસો-અઢીસો પાઉન્ડ આપીએ છીએ. એટલું જ પૂણ્ય. અને આ તો તરત દાન ને મહા પૂનની વાત જેવું છે. આટલી રકમ આપીએ તો તેમના ગેસ્ટ હાઉસમાં એક અઠવાડીયું-દસ દિવસ મફત રહેવા મળે છે. તમને તો ખ્યાલ હશે કે મુંબઇની હોટેલમાં રોજના કેટલા પૈસા લેવાય છે!” આ ૧૯૮૫ની વાત છે.

આવા અનેક કિસ્સા થયા બાદ કાઉન્સીલે હાઉસીંગ બેનીફીટ આપવાની બાબતમાં એટલી સખત શરતો મૂકી, ઘણા ભાઇઓ તથા ખાસ કરીને બહેનોને ફૉર્મ ભરવા ઉપરાંત જાતજાતના પ્રમાણપત્રો લાવવા પડતા, અને મુશ્કેલીઓનો સામનો કરવો પડતો.

***
જે વ્યક્તિઓને વિપરીત શારીરીક હાલતને કારણે ચાલવામાં મુશ્કેલી પડતી હોય તેમને કાઉન્સીલ તરફથી બસ તથા લંડન અંડરગ્રાઉન્ડ ટ્રેનમાં મફત પ્રવાસ કરવાનો પાસ મળે. આમાંની એક શરત એવી હતી કે અરજદાર કોઇની મદદ વગર ૨૫ ગજથી વધુ ચાલી ન શકે. એક બહેન દર વર્ષે મફત બસ પાસની અરજી કરે અને તે મંજુર ન થાય. કારણ કે તેમની શારીરીક હાલત એવી નહોતી કે તેમને આ લાભ મળી શકે. ત્રીજા વર્ષે તેઓ પતિના ખભા પર હાથ મૂકી, દરેક પગલે કણસતા કણસતા આવ્યા. રો-કકળ કરી, તેમના ઘૂંટણ ‘વા’ના કારણે સાવ ‘નકામા’ થઇ ગયા હતા તે જાહેર કર્યું. જ્યારે તેમને કહ્યું થોડું ચાલી બતાવો ત્યારે ત્રણે’ક પગલાં ચાલીને જમીન પર બેસી ગયા અને રડવા લાગ્યા. મારાં અંગ્રેજ સાથી બહેનને દયા આવી. ‘આ બહેનની હાલત ખરેખર બૂરી છે. આપણે તેમની અરજી મંજુર કરવી જોઇએ.” અમે તેમની અરજી મંજુર કરી.

બીજા અઠવાડીયે મારાં આ જ સાથી બહેને મને કહ્યું, “આજે ચમત્કાર જોયો! આપણે જે બહેનને બસ પાસ આપ્યો તેમને મેં બસ પકડવા દોડીને જતા જોયા! આ પાસનો ચમત્કાર છે કે પછી..?”

આવા અનેક કેસ બાદ કાઉન્સીલે નક્કી કર્યું કે બસ પાસ માટેની લાયકાત પૂરી કરવા હવેથી અરજદારે તેમના ડૉક્ટર પાસેથી સર્ટીફીકેટ લાવવું જોઇશે!

***
આપણે ત્યાં કહેવત છે કે સીધી અાંગળીએ ઘી ન નીકળે તો...

આવું જિપ્સીને એક હાલતમાં કરવું પડ્યું.

ભારતથી તાજા આવેલ એક બહેનને તેમના મૂળ માલાવીના વતની અને ક્વોટા પર આવેલ ભારતીય મૂળના સજ્જન પતિ તરફથી નાની નાની વાત પર માર પડતો. પતિને હાર્ટ-બાય સર્જરી કરવી પડી હતી. બૂટ કાઢવા નમવું પડે તો છાતીમાં કળ આવે એવું કહેતા અને પોતાના બૂટ કાઢવા માટે પત્નિને કે બાળકોને ત્રાડ પાડીને બોલાવે. બાળકો તેમના સ્વભાવથી અને મારની બીકે થરથરે. માતા પર અત્યાચાર થતો જોઇ તેમને આવો ડર લાગે તે સ્વાભવિક હતું.

અમારા સલાહકેન્દ્રની વાત સાંભળી આ બહેન મળવા આવ્યા. “દિકરીને નિશાળે મૂકવાના બહાને આવી છું. આ વાતની કોઇને જાણ ન કરશો. મારી આ હાલતમાં શું કરવું સમજાતું નથી,” કહી તેઓ રડી પડ્યા.

“સલાહ-સમાધાન થાય તેવું નથી. હું ભારત પાછી જતી રહું કે કેમ તેનો વિચાર કરૂં છું. માર્ગ સુઝતો નથી એટલે તમારે ત્યાં આવી છું.”

આમ તો બહેન તેમના હૃદયની વ્યથા ઠાલવવા આવ્યા હતા, પણ તેનાથી તેમની સમસ્યાનો કોઇ ઉકેલ આવવાનો નહોતો. હિંસક પતિ અને માનવ રક્ત ચાખેલ શ્વાપદમાં કોઇ ફેર નથી હોતો. આનો ઉપાય એટલો અસરકારક હોવો જોઇએ કે તેનું પુરાવર્તન ન થાય.

આ પ્રસંગ પછી ફરી એક વાર આ બહેન આવ્યા. તેમની હાલતનું વર્ણન નહી કરૂં. પણ તેમને એક સલાહ આપી. આ સિવાય બીજો કોઇ રસ્તો નહોતો. બહેન માની ગયા.

અમારા એક ભારતીય મહિલા કાર્યકરની મદદથી એક શુક્રવારની બપોરે અમે આ બહેન તથા તેમનાં બે બાળકોને પીડીત મહિલાઓના સંરક્ષણગૃહમાં મોકલી આપ્યા. અમે તેમના સમ્પર્કમાં સતત રહીશું અને ફક્ત ચાર દિવસમાં તેમની સઘળી સમસ્યાનો ઉકેલ લાવીશું તેની બાહેંધરી આપી. 

સોમવારે તેમના પતિ સવારના સાત વાગ્યાથી અમારી અૉફિસના દરવાજા પર આવીને બેઠા હતા. અમે આઠ વાગે પહોંચ્યા ત્યારે તેઓ મોટેથી રડવા લાગ્યા. “મારી કુસુમ (આ તેમનું સાચું નામ નથી) અમારા બાળકોને લઇ ક્યાંક જતી રહી છે. તમે સોશિયલ સર્વિસવાળા છો તેથી તમારી પાસે પહેલાં આવ્યો છું. પોલીસમાં જઇશ તો સમાજમાં અમારી બદનામી થશે. તમે મદદ કરો ને!”

“ભાઇ અમે અત્યારે તો કશું કરી શકીએ તેમ નથી. તમે સાંજે ચાર વાગે આવો. ત્યાં સુધીમાં તપાસ કરી કંઇક ખબર મળે છે કે કેમ તે જોઇશું.”

તેઓ તો અમારી અૉફિસમાં જ બેસી રહેવા માગતા હતા. અમે તેમને ના કહી અને તેમને ઘેર મોકલી આપ્યા. બપોરે ત્રણ વાગ્યાથી ભાઇ અૉફીસ બહાર આંટા મારવા લાગ્યા અને બરાબર ચારના ટકોરે અૉફિસમાં આવી ગયા.  

અમે તેમની સાથે બેસીને તેમના પારિવારીક જીવન વિશે વાત કરી. પ્રથમ તો તેમણે ઇન્કાર કર્યો કે તેમણે કદી પત્નિ પર હાથ ઉપાડ્યો હતો. ત્યાર બાદ કબુલ થયા અને રડતાં રડતાં કહ્યું કે પવિત્ર પુસ્તક પર હાથ મૂકી શપથ લેશે કે ફરી આવો પ્રસંગ નહી થાય.

આપણે ત્યાં કહેવત છે કે કાયર પતિ બૈરી પર શૂરો. ભાઇને પાઠ મળી ગયો. ત્રણ દિવસ એકલાં રહેવું પડ્યું ત્યારે તેમને ખ્યાલ આવ્યો કે અહીં સ્ત્રીઓને સરકાર તરફથી સુરક્ષા મળી શકે છે. બાળકો સાથે તે જુદી રહેવા જાય તો તેને મકાનની ફાળવણીમાં  અગ્રતા મળે અને બેનિફિટ પણ ઊંચા દરથી મળે. ભાઇને આ વાતની જાણ હતી, અને તેમને એવું લાગ્યું હતું કે ભારતથી આવેલી અંગ્રેજીના જ્ઞાન વગરની કુસુમ તેમની વર્તણુંક સહન કરી લેશે! તેણે સંરક્ષણગૃહમાં જવાની હિંમત કરી તેથી તેઓ ગભરાઇ ગયા હતા. તેમણે શીખેલો આ પાઠ એવો હતો કે તેમને ખ્યાલ આવી ગયો કે આ ભારત કે માલાવી નથી. બ્રિટનમાં સ્ત્રીઓની સુરક્ષા માટે અનેક વ્યવસ્થાઓ છે. તે સાંજે જ અમારા કાર્યકર્તા બહેને તેમને તેમના પરિવાર સાથે પુનર્મિલન કરાવી આપ્યું.

બે વર્ષ પછી આ બહેન અચાનક મળ્યા ત્યારે તેમના ચહેરા પરની ચમક અનેરી હતી. ‘સર્વત્ર: સુખીનોસન્તુ’ તો થયું જ પણ ચમત્કાર સિવાય આ નમસ્કાર શક્ય નહોતો!

આપને હેમંતી દાસની વાત હશે. તેમની તો આથી વધુ ગંભીર કથની હતી. તેમની વાત જિપ્સીની ડાયરીના જુલાઇ ૨૦, ૨૦૧૧ના અંકમાં પ્રસિદ્ધ થઇ હતી.

આ બ્લૉગના જુનાં અંકોમાં સોશિયલ સર્વિસીઝ વિશે વિસ્તારથી લખ્યું છે. આવતા અંકથી અન્ય વાત!