Saturday, October 29, 2016

આસપાસ - ચોપાસ : ક્યારેક વાંચેલી કથાઓ


લાંબા સમયની ગેરહાજરી બાદ આપની પાસે ‘આસપાસ - ચોપાસ’માં જિપ્સીએ વાંચેલી વાતોમાંથી હંમેશા યાદ રહેલી બે નાનકડી વાર્તાઓ કહીશ. આજની પહેલી વાર્તા છે ફ્રાંસના પ્રસિદ્ધ લેખક ગી દ’મોપાસાં લિખિત.

“હું ફ્રેન્ચ સરકારના ગૃહખાતામાં કારકૂન છું. અઢાર વર્ષની વયે નિશાળમાથી ગ્રૅજ્યુએટ થયા બાદ કામમાં જોતરઈ ગયો, અને તેમાં જ રમમાણ થઈ ગયો. સવારના સાત -આઠ વાગ્યાનો જે કામે જઉં, રાતના આઠ - નવ વાગ્યા પહેલાં ઘેર આવી ન શકું. સાચું કહું તો મને કામ બહુ વહાલું હતું. 

બાવીસ - ચોવિસ વર્ષનો થયો ત્યારે મારાં લગ્ન થયા. મારાં પત્ની અત્યંત સુંદર હતાં. તેમની ડ્રેેસ સેન્સ એવી તો સરસ, કે હું તેમને સસ્તામાં સસ્તા ડ્રેસ લાવી આપું, તેમાં તે એવું અૉલ્ટરેશન કરતા કે પૅરિસની મોંઘામાં મોંઘી બુટિકમાં મળતા પોશાક કરતાં પણ તે વધુ ખુબસુરત બની જતા, વળી તેમની પહેરવાની અને ચાલવાની સ્ટાઈલ પણ લાલિત્યપૂર્ણ! તેમને બીજો શોખ હતો સાહિત્ય, સંગીત અને થિયેટરનો. ઓપેરામાં ગવાતાં ગીતો તેમને આત્મસાત્ હતા અને તેની તરજ તેઓ રસોઈ કરતી વખતે ગાતાં તે સાંભળી મેં તમને કહ્યું, “હું તો આખો દિવસ કામમાં હોઉં છું. તમે મૅટિની શોમાં અૉપેરા જોવા કેમ જતા નથી?“ 

મૅટિનીની ટિકિટ સસ્તી હોય છે, તેથી હું તેમને મારી બચતમાંથી થોડી રકમ આપતો. શ્રીમતીજી થિયેટર જવા લાગ્યાં.  હવે થિયેટર જવું હોય તો લઘર - વઘર થોડું જવાય? તેમણે મને કહ્યું, “હું બનાવટી ઘરેણાં પહેરું તો તમને વાંધો નથી ને?” મને શો વાંધો હોય? તેઓ ટ્રિંકેટ્સ ખરીદવા લાગ્યાં.

આમ ને આમ ત્રણ - ચાર વર્ષ નીકળી ગયા. હું ભલો ને મારૂં કામ ભલું. શ્રીમતીજીનો સમય પુસ્તકો વાંચવામાં અને થિયેટર જવામાં જાય. બનવા કાળ એક નાનકડી માંદગીમાં તેઓ અવસાન પામ્યા. મને બહુ દુ:ખ થયું. નજીકના સગાંનું અવસાન થાય તો અમારા ખાતા તરફથી એક અઠવાડિયાની રજા મળે. રજામાં મેં ઘણો પશ્ચાત્તાપ કર્યો. પત્ની સાથે ન કદી અૉપેરા જોવા ગયો, ન કદી તેમની સાથે સાહિત્ય વિશે વાત કરી. ખેર, તેમની યાદ ન સતાવે એટલા માટે મેં તેમનાં કપડાં અને કથિરના હાર, મણકા, બનાવટી નંગ તેમજ મોતીના અને બિલોરી કાચના બ્રેસલેટ્સના ઢગલાનો નિકાલ કરવાનું નક્કી કર્યું. કપડાંના પચાસે'ક ફ્રાંક્સ મળ્યા. ઘરેણાં કાઢવા એક સસ્તી દુકાનમાં ગયો તો દુકાનદારે કહ્યું, “સાહેબ, આ આપણી ત્રેવડ બહારની વાત છે. તમે ફાબર્જે જેવા શોરૂમમાં જાવ.” હું ગભરાતો ગભારતો શૉઁ-લીસીમાં આવેલી મોટી દુકાનમાં ગયો, મનમાં બીક હતી રખે તે હસીને મને કાઢી મૂકે!

શો રૂમના આસિસ્ટંટે મને બેસવાનું કહ્યું અને માલિકને બોલાવી આવ્યો. માલિકે મને કહ્યું, “સાહેબ, આ ઘરેણાં અમારા શોરૂમમાંથી જ વેચાતા લેવામાં આવ્યા હતા. અમે તમને મૂળ કિંમત તો નહી આપી શકીએ, પણ તેના સિત્તેર ટકા આપીશું, તમારી ઈચ્છા હોય તો હમણાં જ તમને સાડા દસ લાખ ફ્રંાકનો ચેક લખી આપું.” 
હું રાજી થઈ ગયો. મેં ચેક લીધો અને મારા ખાતામાં જમા કરાવ્યો. બીજા દિવસે મેં અૉફિસમાં જઈ રાજીનામું આપ્યું, લોકોને કહ્યું, મને વીસ લાખ ફ્રાંક્સનો વારસો મળ્યો છે તેથી નોકરી છોડી રહ્યો છું.

એક મહિના પછી મેં બીજા લગ્ન કર્યા. મારાં બીજાં પત્ની બહુ કડક છે, મને નજર બહાર જવા દેતા નથી. બારીમાંથી બહાર જોઉં તો તતડાવી કાઢે. “કઈ બલાને જોતા હતા?”
તેમણે મને ઘણું દુ:ખ આપ્યું, શું કરીએ? સમય સમયને માન છે!

***
શ્રીયુત સર્વજ્ઞ - લેખક ડબ્લયુ. સમરસેટ મૉમ

મને સાગરી પ્રવાસનો ભારે શોખ. હંમેશા પ્રથમ વર્ગની કૅબિનમાં પ્રવાસ કરૂં. આ વખતની અમારી ક્ૂઝ હતી હૉંગકૉંગથી ટોક્યો - વાયા મકાઉની. પ્રથમ વર્ગ કહીએ તો તેના પ્રવાસીઓની વાત જ જુદી. અમારી લાઉન્જમાં પાર્ટીઓ, કૉકટેલ, નૃત્યો, ભોજન સમારંભની શું વાત કરીએ? 

આવા પ્રવાસમાં એક કરતાં એક ચઢિયાતા અમીરો અને તેમની પત્નીઓથી લાઉન્જમાં મહેફિલો જામતી. દરેક પુરુષ પોતાને વિશિષ્ઠ માને. કોઈ ઉમરાવ ઘરાણાંનો તો કોઈ ફોજી અફસર. તેમાં ચાલીસ - પચાસ વર્ષના એક સજ્જને સૌનું ધ્યાન ખેંચ્યું હતું. વિશ્વનો કોઈ પણ વિષય હોય, તેઓ તેના પર અધિકારપૂર્વક મંતવ્ય આપતા અને જરૂર પડે તો તેની માહિતી કયા ગ્રંથના આધારે મળી છે તે કહેવાનું ભૂલતા નહિ. કમનસીબે તેઓ મારી કૅબિનમાં મારા સહપ્રવાસી હતા. સૌ તેમને મિસ્ટર નો અૉલ - શ્રી. સર્વજ્ઞ કહેતા. મને આ માણસ જરા પણ ગમતો નહોતો. કોઈ વાર તેના વર્તનમાં મને અહંકાર પણ જણાતો. એક કૅબિનમાં હોવા છતાં  હું ભાગ્યે જ તેમની સાથે વાત કરૂં.

એક દિવસ અમારૂં નાનકડું ગ્રૂપ ભોજન બાદ ધૂમ્રપાનના કમરામાં બેઠું હતું. પુરુષો હાથમાં બ્રાંડીના ગ્લાસ અને ક્યુબન સિગારનો આસ્વાદ લેતાં બેઠા હતા.  કેટલીક સ્ત્રીઓ લાંબી ભૂંગળીવાળા હોલ્ડરમાં ખોસેલી સિગરેટ સળગાવીને નજાુક કશ લેતી હતી. સર્વજ્ઞની બાજુમાં એક સૌંદર્યવાન યુવતી તેમનાં પતિ સાથે બેઠાંં હતાં. યુવતીએ સુંદર સફેદ રંગનો સૅટિનનો ગાઉન અને તેને શોભે તેવી તેમની હંસ જેવી ગ્રીવામાં મોતીની ભવ્ય સેર પહેરી હતી. 

“મૅડમ, આપના ગળામાં જે મોતીનો હાર છે, તે ખરેખર અત્યંત મૂલ્યવાન છે. કમ સે કમ બે હજાર પાઉન્ડનો હોવો જોઈએ. તે મિકિ મોતોના કલ્ચર્ડ મોતીનો હાર નથી, પણ સાગરમાં ઊંડી ડૂબકી મારીને ખોળી કાઢેલા મોતીઓનું ગ્રેડિંગ કરીને બનાવેલો હાર છે! વાહ, આપની ટેસ્ટને હું દાદ આપું છું!” શ્રી. સર્વજ્ઞ બોલ્યા.

“મિસ્ટર નો અૉલ! તમે તમારા જ્ઞાનના ગમે એટલાં બણગાં ફૂંકો, પણ તમે ઢોંગી છો. આ હાર કલ્ચર્ડ મોતીનો પણ નથી. કેવળ ઈમિટેશન મણકાનો છે! મારાં પત્નીએ મકાઉમાં પચીસ પાઉન્ડમાં ખરીદ્યો છે,” પેલી યુવતીના પતિ તાડૂક્યા અને પત્ની તરફ જોઈને તેમને પૂછ્યું, “ખરૂં છે ને, ડાર્લિંગ? મકાઉમાં શૉપિંગ કરી આવ્યા પછી તમે મને કહ્યું હતું!“

શ્રી સર્વજ્ઞે કહ્યું, “મારો અંદાજ કદી ખોટો નથી હોતો, સાહેબ.”

“લાગી શરત? સો - સો પાઉન્ડની?”

“હા, હું ખોટો પડીશ તો તમને સો નહિ, બસો પાઉન્ડ આપીશ.”

શ્રી. સર્વજ્ઞે તેમના જૅકેટના અંદરના ખિસ્સામાંથી નાનકડો સૂક્ષ્મદર્શક કાચ કાઢ્યો અને હારમાંના એક એક મોતીને તપાસવા લાગ્યા. તેમના ચહેરા પર મક્કમતાના ચિહ્નોને ઉપસતા મેં સ્પષ્ટ જોયા. અચાનક મેં તેમની નજરને પેલી યુવતીના ચહેરા પર અર્ધી ક્ષણ ટિકેલી જોઈ. મારું પણ ધ્યાન તેમની તરફ ગયું. બાકીના બધાં કેવળ શ્રી. સર્વજ્ઞના હાથમાં રહેલા હાર તરફ જોઈ રહ્યા હતા. પેલાં બહેનનો ચહેરો ભયના માર્યા સફેદ પૂણી જેવો થઈ ગયો હતો. શરીર સહેજ કંાપતું હોય તેવું લાગ્યું.

શ્રી. સર્વજ્ઞે હળવેથી હાર પેલી યુવતીને આપ્યો. સૂક્ષ્મદર્શક કાચ ખિસ્સામાં મૂક્યો અને પૅન્ટના પાછળના ખિસ્સામાંથી પાકિટ કાઢીને તેમાંથી પચાસ - પચાસ પાઉન્ડની ચાર નોટો કાઢીને પેલી યુવતીના પતિને આપી અને કહ્યું, “ક્ષમા ચાહું છું. જીવનમાં પહેલી વાર મેં ભૂલ કરી. આ હાર નકલી મોતીનો છે. કબૂલ્યા પ્રમાણે આ રહ્યા બસો પાઉન્ડ.”

યુવતીના પતિએ પોતાની જાંઘ થાબડી અને મોટેથી કહ્યું, “જે વાતનું જ્ઞાન ન હોય તેમાં ચંચૂપાત કરવો મોંઘો પડી શકે છે!” 

લોકોએ તેમને શરત જીતવા માટે અભિનંદન આપ્યા.

બીજા દિવસે સવારે અમે ચ્હા માટે સ્ટુઅર્ડની રાહ જોતા હતા ત્યાં કૅબિનના દરવાજા પર એક હળવો ટકોરો સંભળાયો. શ્રી. સર્વજ્ઞ ગાઉન પહેરીને દરવાજે ગયા અને બારણું ખોલ્યું. આસપાસ જોયું, પણ બહાર કોઈ દેખાયું નહિ. દરવાજાના ઉમરા પાસે એક સફેદ કવર પડ્યું હતું  અને તેના પર ”મિસ્ટર નો અૉલ” લખ્યું હતું.

આશ્ચર્યભરી નજરે તેમણે કવર જોયું અને તે ખોલ્યું તો તેમાંથી બસો પાઉન્ડની નોટો નીકળી. એક નાનકડી ચબરખી પર મોતીના દાણા જેવા અક્ષરોમાં બે શબ્દો હતા : થૅંક યૂ.


તે દિવસે પહેલી વાર મને શ્રી. સર્વજ્ઞ પ્રત્યે અણગમો ન થયો.