Saturday, February 6, 2016

બંસી કાહેકો બજાઈ : પ્રકરણ ૨૮

સૂર્ય અસ્ત થવાની તૈયારીમાં હતો. પક્ષીઓના કલરવનો ધ્વનિ વધતો જતો હતો. તેજ પવનનો હુંકાર અને આંબા - જાંબુડીનાં પાંદડાઓમાં થતો સળવળાટ પરાકાષ્ઠાએ પહોંચવા લાગ્યો હતો. ચંદ્રાવતીની આંખો અશ્રુઓથી ઝરવા લાગી.

જામુની ક્યાં’ય દેખાતી નહોતી.

ક્યારે આવશે આ જામુની?

ભુલી તો નથી ગઈ ને?

કેમ ભુલે? આજે તેણે આવવું જ જોઈશે. કોઈ પણ હિસાબે મારા મન પરનો બોજ હલકો થવો જ જોઈએ.
એટલામાં લીલાછમ ઘાસ પરની સર્પાકાર પગદંડી પર ચાલીને બીલીની દિશામાં આવતી જામુની દૂરથી દેખાઈ. ઢળતા સૂર્યનાં કેસરી કિરણો જામુની પર પડ્યા અને અંધારાને છિન્નભિન્ન કરી નાખતા પરિવર્તીત કિરણોના ધોધે ચંદ્રાવતીની આંખોને દીપાવી નાખી.

હજી પણ જરીબૂટાની ઓઢણીમાં સજ્જ જામુની એવી જ દેદીપ્યમાન દેખાય છે!

“આઓ, જામુની!” બીલીની પાળ પરથી ઊતરી, પોતાના ચહેરા પરની ઉત્સુકતા છુપાવીને ચંદ્રાવતી બોલી.

“જરા દેરી હુઈ. મા નીકલને કહાં દેતી થી? કહતીથી અબ દિન ડૂબે ઘરસે બાહર જાના અચ્છા નહિ હોતા. મનાના પડા,” જરા હાંફતાં હાંફતાં જામુની બોલી અને આરામથી બીલીની પ્રદક્ષિણા કરવા લાગી.

ચંદ્રાવતીની આતુરતા વધવા લાગી. હે ભગવાન, આની પ્રદક્ષિણા કોણ જાણે ક્યારે પૂરી થવાની છે!

બીલીની અગિયાર પ્રદક્ષિણા કરી લીધા બાદ જામુની બીલીની પાળ પર ચંદ્રાવતીની નજીક બેઠી. લાંબો સમય બન્ને નિ:શબ્દ બેસી રહ્યાં.

“મૈં સોચ ભી નહિ સકતી જામુની, તુમ જૈસી સુંદર લડકી ખેતોમેં કામ કરે!” સ્તબ્ધતાને છેદવાનો પ્રયત્ન કરતાં ચંદ્રાવતી બોલી.

જામુનીએ કોઈ જવાબ ન આપ્યો.

“સચ પૂછો તો ઈશ્વરને તુમ પર ઈતના અન્યાય નહિ કરના ચાહિયે થા.”

“કૈસા અન્યાય, જીજી? ક્યા હમારે ખેતોમેં હમ ક્યા કમ ખુશ હૈં?”

“અચ્છા?”

“ઔર નહિ તો ક્યા? આપકો વહ રંગરેજવાલા ગીત યાદ હૈ? વહી ગીત જો હમ ત્યૌહારોં પર ગાયા કરતે થે?”

“કૌન સા? અરે, સુના ભી દો!”

“આપ પૂરી બંબૈવાલી મેમસાબ બન ગઈ હો. દેહાતકે ગાને ક્યા યાદ રખોગી?”

“તુમ શાયદ ઠીક કહ રહી હો, મગર દેહાત કે ગાને અભી ભી મેરે મનમેં હૈં.”

“આપકે દર્શનકી ખુશીમેં આજ મુઝ પર ગાનોંકી ધૂન સવાર હો ગઈ હૈ, જીજી! કસમ સે! સુનિયે!” કહી જામુનીએ ગીત શરુ કર્યું.

રંગરેજવા મ્હારી ચૂનરી રંગ દે લાલ
ઈક ટક લિખિયો મ્હારો માયકો - ઈક ટક પ્રિય સસુરાલ
ઘૂંઘટ પે લિખિયો મ્હારા દેવરા, મ્હારા હસત - ખેલત દિન જાય!
કટિયન પે લિખિયો બૂરી નનદિયા, ગગરી તલે  કૂચ જાય
પલુઅન પે લિખિયો મોરે બલમવા, હવા લહર લહરાય!

હે રંગરેજ મારી ચૂંદડીને લાલ રંગથી રંગ. તારી પિંછીથી એક તરફ લખ મારૂં પિયરીયું, બીજી તરફ લખ પ્રિય સાસરિયું! ઘૂંઘટ પર મારા નાનકડા દિયરનું ચિત્ર કાઢ જેથી મારા સાસરિયામાંના દિવસ હસતાં રમતાં વહી જાય! કમર પર મને ત્રાસ આપનારી નણંદનું ચિત્ર કાઢ જેથી કેડ પર પાણીથી ભરેલી હેલ મૂકું તો તેના ભાર નીચે તે ચકદાઈ જાય! મારા પાલવ પર મારા પિયુનું નામ લખ, જેથી હવાની લહેર આવે અને પાલવ ફરકે ત્યારે મારું મન તેની યાદમાં જિંદગીભર લહેરાયા કરે!

રંગરેજવાનું ગીત ગાતી વખતે જામુનીની કમળ જેવી આંખોમાંથી બોર બોર જેવડા આંસુ ટપકતા હતા. 

આ જામુની ગમે તેમ કરીને પોતાનું મન તો નથી મનાવી લેતી? આ વિચારથી ચંદ્રાવતીનું મન અધિક અસ્વસ્થ થયું. વ્યાકૂળ થઈને દુ:ખિત અવાજમાં ચંદ્રાવતી બોલી, “તુમ્હારે દુ:ખકા અસલી કારન મૈં હી હું, જામુની. ન મૈં તુમકો બહેકાતી, ન તુમ શેખરકે ફંદે મેં પડતી.”

“હોની કોઈ ટાલ સકતા હૈ ભલા? ઔર બીતી બાતો પર ઈતની પરેશાની ક્યૂં? ઈસમેં આપકા ક્યા કસૂર? પીછલે જનમકે કરમોં કે ફલ ઈસી જનમેં ભુગતને પડતે હૈં. તબ જા કે આદમી કા અગલા જનમ.”

“બસ કરો, જામુની!”

“અચ્છા, બાબા! બસ કિયા! હમેં ઈતના અચ્છા સસુરાલ મિલા, ઈતને સાલોં કે બાદ આપ લોગોં કે દર્શન હુવે - જીસકી હમેં આશા નહિ થી, ઔર હમારી ગોદમેં… યહ સબ હમ ઈશ્વરકી કિરપા સમજતે હૈં.  આદમીકો ઔર ક્યા ચાહિયે? બડે સાહબકા દેહાન્ત હુવા કિ દદ્દા હમેં ભિંડ લે ગયે. વર્ના આપકે ગલેમેં ગલા ડાલ કર ઈસ પર રો ભી લેતે…”

ચંદ્રાવતી એકી ટસે જામુની તરફ જોતી રહી. તેની આંખોમાં અચરજ હતું. 

શેખરે કરેલા દ્રોહના વિષને પચાવતી, ચાર - ચાર વખત થયેલી કસૂવાવડનાં ચિહ્નોને તન અને મન પર ધારણ કરી, ઢોરઢાંખરનાં છાણ - વાસીદાં કાઢી, ખેતરમાં કાળી મહેનત કરી પચાસ માણસના પરિવારનું પાલન કરી એક નિરક્ષર માણસ સાથે સંસાર કરનારી આ નાનકડી જામુનીએ જીવનના અર્થને ખરેખર કેટલો સહેલો કરી નાખ્યો હતો! કે પછી આ તેનું ઉપરછલ્લું આવરણ છે?

અને આટઆટલાં દુ:ખ ભોગવવા છતાં આ છોકરી પ્રફુલ્લિત કેવી રીતે રહી શકે છે? કે પછી આપણે જેને દુ:ખ માનીએ છીએ તેને આ છોકરી પૂર્વ જન્મની લેણાદેણી સમજી તેનો હસતા મુખે સ્વીકાર કરીને હિસાબ પૂરો કરી રહી છે?

“હમ દોનોં યહાં બૈઠે હૈં. સામને જામુનકા પેડ હૈ. હવા ઝકઝોર હૈ. જામુની, તુમ્હેં હરિયાલી તીજકી યાદ આતી હૈ?” પરાણે હસવાનો પ્રયત્ન કરી ચંદ્રાવતી બોલી.

“આપકો તો સિર્ફ  યાદ આતી હૈ. હમને તો રાધા બન કર ઝૂલે પે ઝૂલ ભી લિયા!” ચંદ્રાવતીનો જમણો હાથ હાથમાં લઈને જામુની બોલી. ચંદ્રાવતીએ હળવેથી પોતાનો હાથ જામુનીના ખરબચડા હાથમાંથી કાઢી લીધો.

“મૈં તો બંગલેમેં ભી ઘૂમ આઈ! આપકે કમરેમેં ભી હો આઈ ઔર ખિડકીમેંસે બહાર ઝાંક ભી લિયા. મન હી મન.” તાળી વગાડીને જામુનીએ કહ્યું. એક ક્ષણ થંભીને તેણે કહ્યું, “કહ દૂં મૈંને ખિડકીમેંસે ક્યા દેખા?”

“કહ દે.”

“ઠંડી સડક પર દો ઘૂડસવાર દેખે. એક થા રાજા કા બેટા, ઔર દૂસરા…” વાક્ય અધવચ્ચે મૂકી જામુનીએ ચંદ્રાવતી તરફ જોઈ જમણી આંખ મીંચી!

“તુમ્હેં કૈસે પતા ચલા?” ચંદ્રાવતી ચકિત થઈ, પણ બહાર નિર્વિકાર ભાવ લાવીને બોલી.

“સિકત્તર રોજાના આ કર મેરી માં સે કાનાફૂંસી કરતા થા. મૈં ચોરી ચોરી સૂન લેતી થી!”

“ક્યા કહતા થા સિકત્તર?”

“બસ યહી, ફૂલોં કે બહાને આપકા બડે ભોર બગિચેમેં જાના, એક દૂસરે કો ઈશારે કરના…ફિર ગનેશ બાવડી પર ઉનસે આપકી મુલાકાત…” ‘ઉનસે’ શબ્દ પર ભાર આપતાં જામુનીએ કહ્યું. 

જામુનીના શબ્દોથી જાણે ચંદ્રાવતીના મન પર પુષ્પવૃષ્ટી થઈ. ક્ષણભર બન્ને એકબીજાને ભુલી ગયાં અને યાદોના સાગરમાં આકંઠ ડૂબી ગયા. જામુની જમીન પર પગ વતી ઠેકો આપી ગાવા લાગી :

બંસી કાહે કો બજાઈ, ઈત્તી ક્યા પડી થી?
મામાજીકે હાથ મેરે સુહાગકી સાડી થી
દરવજ્જે કે આગે મેરે સસૂરજીકી ગાડી થી
બંસી કાહે કો બજાઈ…

ચંદ્રાવતીએ હળવેથી પોતાનો હાથ જામુનીના ખભા પર મૂક્યો. ગીત અધવચ્ચે ખોવાઈ ગયું…હાથમાંથી છટકી ગયેલા ક્ષણની જેમ.

સંધ્યાટાણું થવા આવ્યું હતું. આકાશ ઘેરા નીલા રંગનું થઈ ગયું. ક્ષિતીજમાં એકા’દ બે તારલા ઊગી નીકળ્યા હતા…ચંદ્રાવતીના મનમાંના અનુત્તરીત પ્રશ્નોની જેમ.

જામુનીને શેખર પ્રત્યે ખરેખર શી લાગણી હતી? 

શેખરની યાદ તેના મનમાં હજી પણ ઝંખના જગાડતી હશે?

“જામુની, હમારે વે દિન કિતને અચ્છે થે ના? ક્યા તુમ્હેં યાદ આતે હૈં?”

“હમારે ખેતોમેં કામ કરતે કરતે મુઝે સબ યાદ આતા હૈ. હરિયાલી તીજ, જનમ આઠે, નૌરાત્રી, દખની હલદીકુંકૂ…”

“ઔર શેખરકી યાદ?”

“વે તો ઐ…ન સપનોમેં દિખત,” જામુની સ્વગત બોલતી હોય તેમ પોતાના ગોરા ગોરા પગ પર નજર ઠેરવી સ્થિર થઈ ગઈ. 

થોડી વાર શાંત રહ્યા પછી તેણે કહ્યું, “સપનોંકે દરવાજે બંધ નહિ કિયે જાતે, જીજી.”

ચંદ્રાવતી નિરુત્તર થઈ ગઈ.

“ચલો, અબ જાના હોગા. શામ ઢલ ગઈ. માં ચિંતામેં ડૂબ ગઈ હોગી.”

“ચલ, મૈં હી તુઝે તેરે ઘર તક પહુંચા દુંગી.”

ચાંદનીના ખીલતા પ્રકાશમાં તેઓ ચાલવા લાગ્યાં. ઘાસ વચ્ચેની પગદંડી ઝાંખી પડી ગઈ હતી. બન્ને પોતપોતાના વિચારોમાં ઊંડે સુધી ડૂબી ગયાં હતાં.

ઘણી વાતો કરવી હતી પણ રહી ગઈ અને તેનો વસવસો ચંદ્રાવતીના મનમાં રહી ગયો. આવી હાલતમાં સુદ્ધાં તેનું વિચાર ચક્ર ચાલતું રહ્યું.
***
‘આ વખતે શેખર - જામુની મળશે, તો મળ્યા બાદ તેઓ એકબીજા સાથે કેવી રીતે વર્તશે? દબાયેલી ભાવનાઓનાં ભાર નીચે કે ખુલ્લા મનથી? હસી - ખુશીથી?

મોકળા મનથી બડે બાબુજીના ઘેર જઈ આત્મકેંદ્રી શેખર જામુનીને પોતાને ઘેર આવવાનું નિમંત્રણ આપશે ખરો? અને જો તે ખુદ ન જાય તો આવા ‘બુલવ્વા’ વગર આ માનિની શેખરના ઘેર જશે ખરી? આવા આમંત્રણ વગર જામુની-શેખર-ઉમાની મુલાકાત કેવી રીતે થશે?

જવા દો. આમે’ય બન્નેની મુલાકાત થઈને એવો તે કયો ફરક પડવાનો છે? આપણે શા સારુ આ બધી ચિંતા અને દુનિયાની ફિકર કરવાની જરુર છે? 

એક પરીકથા પૂરી થઈ ગઈ, તેમ છતાં મારું સંવેદનશીલ મન આ સત્ય સ્વીકારવા હજી તૈયાર નથી. આ સત્યને ખુદ જામુનીએ સ્વીકારી લીધું છે, અને તેની પરીકથાના રેશમી દોરાનું સુંદર એવું તોરણ બનાવીને દરવાજા બહાર બાંધી દીધું છે. અને હું! હું હજી પણ આ રેશમી દોરાને ફાંસીના ફંદો બનાવી મારા ગળા ફરતો બાંધી રહી છું.

સત્વંતકાકીનું ઘર આવી ગયું. ડેલી બહાર બન્ને રોકાયાં. જામુની ચિત્રની જેમ સ્તબ્ધ, આત્મ-મગ્ન થઈ ગઈ. થોડી વાર પહેલાં ડહોળાયેલાં જળ હવે સ્થિર થઈ ગયાં હતાં. બોલવા માટે કોઈ પાસે શબ્દો નહોતાં.

હવે ફરી ક્યારે મળાશે?

હવે શાનું મળવાનું? શેખરની અહીંથી દૂર કોઈ પણ જગ્યાએ બદલી થઈ જશે.

જામુનીને ચંદ્રાવતીના દીકરા તથા પતિની છબિ જોવી હતી. શેખરના હૉલમાંના ટેબલ પર રાખેલા આલ્બમમાંથી સાચવીને કાઢી રાખેલા ફોટા ચંદ્રાવતીએ પર્સમાં રાખ્યા હતા, તે બતાવ્યા વગર જેમના તેમ રહી ગયા. જામુનીને તેની યાદ ન આવી અને તે પોતે પણ તે ભુલી ગઈ. બેઉ જણાં આઠ - દસ વર્ષ પહેલાનાં કાળમાં આકંઠ ડૂબી ગયા હતાં. 

ચંદ્રાવતીના હાથને સ્પર્શ કરી જામુનીએ નજરથી જ 
ચંદ્રાવતીની રજા લીધી. ચંદ્રાવતી વળી વળીને પાછળ જોઈ સમગ્ર અંધકારયુક્ત પરિસરને ઉલેચી પોતાની આંખોમાં ભરી રહી હતી.

પ્રેમનાં જુદી જુદી જાતનાં કેટલા સ્તર હોય છે! સત્ય એવું છે કે દરેક સ્તર વ્યક્તિગત હોય છે. વ્યક્તિની ભાવનાશીલતા પ્રમાણે આ સ્તર બદલાતાં હોય છે.

મારી પોતાની વિશ્વાસ પ્રત્યેની પ્રીત હજી મને ઘણી વાર વ્યાકુળ કરે છે.

અને શેખર? ‘ખાસ કંઈ જ થયું નથી’ એવો એનો દૃષ્ટિકોણ છે. 

જામુનીએ હસતાં હસતાં સ્વીકારેલા પોતાના ભાગ્યના લેખ અને તેના વિચારોનું સ્તર પણ એક વિશીષ્ઠ કક્ષાનું છે.

પોતાના પરાજયનો બોજ પાલવમાં બાંધતી ચંદ્રાવતી પગદંડી પર ધીરે ધીરે ચાલવા લાગી.

જામુની સાથે મુલાકાત થવી જ નહોતી જોઈતી.
વિશ્વાસ, જામુની, મિથ્લા, સત્વંતકાકી, બડે બાબુજી, દદ્દા, સિકત્તર -  આ બધા પાત્રો હવે રંગમંચ પરથી ચાલ્યા ગયા છે. બચ્યાં છે કેવળ મારા મનમાં ઘૂમનારાં અનંત વિચારચક્રો.
ચંદ્રાવતીનું ધ્યાન તેના કાંડા ઘડિયાળ પર ગયું. તેમાંના રેડિયમના કાંટા ચમકતા હતા. ભારે થયેલાં પગલાં હવે ઉતાવળે ઉપાડીને તે આગળ વધવા લાગી.

પાછળ રહી ગયું હતું રત્નજડિત નીલાંબર આકાશ…

અને આપસમાં ગુફતેગો કરી રહેલ કમ્પાઉન્ડમાંનાે પેલાે આંબાે અને તેની નિકટની સાથી, જાંબુડી.

(સંપૂર્ણ)

બંસી કાહેકો બજાઈ - પ્રકરણ ૨૭

જામુની સારંગપુર આવી છે તે શેખરને કહેવું કે નહિ?

જો કે તે આવી છે કે નહિ તે જાણીને શેખરને ક્યાં ફેર પડવાનો હતો? જામુનીના હૃદયમાં ગૂંથાતા પ્રણયની ભાવનાના ધાગા એક ક્ષણમાં, એક નાનકડી ચબરખીના ઘાથી તોડીને એ મોકળો થઈ ગયો હતો. વિચારું છું, પ્રેમના આ રેશમી દોરાના તાણાવાણા બન્નેનાં મનમાં સાથોસાથ ગૂંથાતા હતા? કે પછી તે મારા મનની રમત હતી? 

મારી જ ભુલ થઈ…જામુનીના મનમાં શેખર પ્રત્યે ફૂટેલા નાજુક શા અંકૂરને મારે પોષવાે જોઈતો નહોતો. હવે શેખરને દૂષણ દેવામાં કોઈ અર્થ છે? મારે આ નિર્દોષ કિશોરીને ગલત રસ્તા પર દોરી જવાની જરૂર નહોતી. બાનું કહેવું તે વખતે મને રુચ્યું નહોતું. હવે લાગે છે કે બા સાચી હતી. 

દુનિયામાં એકાદ માણસ એવો પણ નીકળે છે જે માટીને અડકે તો માટીનું સોનું થઈ જાય. મેં સોનું હાથમાં લીધું અને તેની ધૂળ થઈ ગઈ. હું પોતે મારા પ્રેમમાં અસફળ નીકળી, પણ શેખર - જામુનીના માધ્યમથી મારાં અપજશ ધોઈ કાઢવાની આ બાલીશ જીદ મારે કરવી જોઈતી નહોતી. મારા હૃદય પર લાગેલો આ ડંખ મુંબઈમાં ઘણી વાર તાજો થઈ આવે છે. અહીં, સારંગપુરમાં આવ્યા પછી, ખાસ કરીને આજે જામુનીને મળ્યા પછી આ ડંખ અધિક તીવ્ર થયો છે. અને આ ઘેલી જામુનીને જુઓ! એ તો હજી સુધી પેલી કાગળની ચબરખી સંભાળીને બેઠી છે! પિયર આવીને આ ચિઠ્ઠીમાંની “પ્યારી જામુની” ની પંક્તિ વાંચીને ભૂતકાળમાં ખોવાઈ જતી હોય છે!

ચિઠ્ઠીમાંની આ લીટી પર આંગળી રાખીને તેણે મારી સામે જોયું ત્યારે તેની આંખો ભિની થઈ હતી? થઈ જ હશે.  આજે સાંજે મળશે ત્યારે હું મારી ભુલ કબુલ કરીશ અને કહીશ, ‘જામુની, હું તને ગલત રસ્તા પર લઈ ગઈ હતી. મને માફ કર.”

જામુની પાસે આ ભુલની કબુલાત કર્યા વગર મારા મન પરનો ભાર હલકો નહિ થાય. આ અસહ્ય ભાર લઈ મારે મુંબઈ પાછા નથી જવું. અહીંનો ભાર અહીં જ ઉતારવો જોઈશે.

વિચારોના આ વમળમાં તે શેખરના ઘરના વળાંક સુધી પહોંચી. શેખરને બપોરના ભોજન માટે દવાખાનેથી ઘેર આવતાં જોઈ રોકાઈ ગઈ. તે નજીક આવ્યો ત્યારે ચંદ્રાવતીએ ધીમા અવાજે, પણ ઉત્સાહમાં આવી જઈને કહ્યું, "સારું થયું તું અહીં એકલો જ મળી ગયો.”

“કેમ, જીજી?”

“તને કહેવું હતું કે જામુની આવી છે.”

મને લાગ્યું જ કે તે આવી છે.”

“એટલે?”

“ગઈ કાલે સાંજે બંગલાનું ચક્કર મારી ગામમાં હૉસ્પિટલ ભણી જતો હતો ત્યારે બીલીવૃક્ષની પાળ પાસે એ દેખાઈ હતી.”

“તો પછી તેની સાથે વાત કેમ ન કરી?”

“કેવી રીતે વાત કરું? એણે તો મને જોઈને એક હાથ લાંબો ઘૂમટો પોતાના ચહેરા પર ખેંચી લીધો.”

“તો પછી એમ જ વાત કરી લેવી હતી.”

“ઓ બાઈસાહેબ, આ સારંગપુર છે, મુંબઈ નથી.”

“તેં એને ઓળખી એ જ બહુ થયું.”

“એટલે? જીજી, તને એવું લાગે છે કે હું તેને ભુલી ગયો છું?”

“અલ્યા, એવું નથી મારા ભાઈ! તું તેને કેવી રીતે ભુલી શકે? પણ હવે તે નાનપણની જામુની નથી રહી. પ્રૌઢ સ્ત્રી થઈ ગઈ છે.”

“ગયા વર્ષે તે અહીં આવી હતી ત્યારે પણ તેણે ઓળખાણ બતાવી નહોતી.”

“તને કેવી રીતે ખબર પડી કે તે જામુની જ હતી.”

“આ નાનકડા ગામમાં કોણ આવે છે, કોણ જાય છે, સૌને ખબર પડી જતી હોય છે. તું અહીં આવી છે તે આખું ગામ જાણે છે.”

“એ જવા દે, પણ ગયા વર્ષે તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો હતો?”

“ગામમાં જતી વખતે આમ જ બે-ત્રણ વાર મળી હતી. બીલીવૃક્ષની પાળ પાસે. હું વાત કરવા ઊભો રહ્યો, પણ એણે ઘૂંઘટ તાણ્યો અને મારી ઊપેક્ષા કરીને મારી પાસેથી નીકળી ગઈ. હું કેવી રીતે તેની સાથે વાત કરું? તું અહિંયા છે તો તેને બોલાવી હોત, પણ આજ રાતની ગાડીમાં તું પાછી જાય છે.”

“હું ન હોઉં તેથી શું થયું? મારા ગયા પછી તેને બોલાવને!”

“અને ‘અમારે ઘેર બેસવા આવ’ એવું કહેવા કોણ જાય? ઉમાએ તેને કે બડે બાબુજી - કાકીને જોયાં પણ નથી. અચાનક તેમના દરવાજે તે કેવી રીતે જાય?”

“તો તું જ જા.”

“જવાય એવું નથી, જીજી.”

“કેમ?”

“તને તો ખબર છે મારાથી શા માટે નહિ જવાય.”

“બડે બાબુજીને રીતસરનું આમંત્રણ નહોતું આપ્યું તેથી?”

“God knows,” વિષય ટાળવા શેખર બોલ્યો.

ચંદ્રાવતીને શેખરનો નાનપણનો એક ફોટો યાદ આવ્યો. તેણે ફોટો પડાવવા માટે મખમલનાં કોટ-પાટલૂન અને ટોપી પહેર્યા હતા. કપડા પર અને ટોપી પર જરીના તારથી ભરતકામ કરવામાં આવ્યું હતું. આ પોશાકમાંથી નીકળેલા તારનો એક અણીદાર છેડો તેને ભોંકાયો હતો અને તેને દર્દ થયું હતું. આવો જ કોઈ જરીના તારનો સુશોભિત છેડો અત્યારે તેના શરીર કે મનમાં ભોંકાતો હશે? આ વિચારમાં જ ઘર આવી ગયું.

“મને આવતાં જરા મોડું થઈ ગયું, ઉમા. જો ને, સત્વંતકાકી નીકળવા જ નહોતાં દેતાં. શેખર મને અહીં ઘરના દરવાજા પાસે જ મળી ગયો.

***
મુંબઈ પાછા જવા માટે સામાન પૅક કર્યા પછી બીલીવૃક્ષના દર્શનના બહાને ચંદ્રાવતી બહાર નીકળી. રસ્તે ચાલતાં ડાબી અને જમણી તરફ વળી વળીને તેણે સારંગપુરનું છેલ્લી વારનું દર્શન પોતાના નયનોમાં સંકોર્યું અને પગદંડી પરથી બીલીવૃક્ષ તરફ જવા નીકળી.

જામુની વાટ જોતી હશે.

આજે તો જામુની આગળ મારી ભુલની કબુલાત કરવી જ રહી. પણ તેની શરુઆત કેવી રીતે કરવી?

શેખર હજી તેને ભુલ્યો નથી આ વાત તેને કહું કે નહિ? 

પણ શેખર તેને ભુલ્યો નથી તેનો અર્થ શું? ભૂતકાળમાં શેખર અને જામુની વચ્ચે જે કાંઈ થયું અને અત્યારે જે થઈ રહ્યું છે એ બધો શું મારા મનનો ભ્રમ હતો અને છે? શેખરના મનમાં શું આમાંની કોઈ ભાવના નહોતી?  જે કોઈ વાત હતી તે શું મારા મનની રમત હતી?

શેખરના મનમાં હજી જામુની નિવાસ કરે છે તે જાણી મારા મનમાં કેવી ભાવના થઈ? આનંદની?

આનંદ તો થયો જ હતો ને મને! 

‘જે થઈ ગયું તે ગંગાર્પણ' કહી મુક્તિ માણતા શેખર પર આટલા વર્ષ હું નારાજ હતી…તેમાં પણ શેખરે  તે વખતે બેદરકારી ભરી સહજતાથી વાત ઉડાવી નાખી હતી તેથી તેના પ્રત્યેની મારી નારાજીમાં વૃધ્ધિ થઈ હતી, બીજું શું?

આજે સવારે શેખરના મુખમાંથી નીકળેલા શબ્દો - ‘તને શું લાગ્યું, હું જામુનીને ભુલી ગયો છું?’ સાંભળીને મારા મનમાં ઊપજેલા આનંદ પર ખિન્નતાનો જાડો લેપ શા માટે ચઢ્યો હતો?

ચાલો, જે થયું તે ઠીક થયું…પણ શેખરના ઉમા સાથેના આદર્શ લગ્નજીવનને કોઈની નજર ન લાગવી જોઈએ…

ચંદ્રાવતીએ બીલી ફરતી પાળ પર નજર નાખી. જામુની હજી આવી નહોતી.

બીલી પાસે જઈને ચંદ્રાવતીએ નમસ્કાર કર્યા અને પાળ પર બેસી બંગલા તરફ એક ટસે જોતી રહી...દસ -બાર વર્ષ પહેલાંનો તે ચૈત્ર મહિનાના હળદર - કંકુનો સમારંભ બાના સૌભાગ્યવતી સ્ત્રી-જીવનનો છેલ્લો શુભ પ્રસંગ હતો. નાકમાં નથ, ગળામાં ચંદ્રહાર અને લાલ ગુલબાસી રંગના સાળુમાં સજ્જ એવી બાના ચહેરા પર અપૂર્વ તેજ વર્તાતું હતું. અને…અને દાડમી રંગની સાડીમાં ચૌદ - પંદર વર્ષની છટાદાર જામુની…

અને તે દિવસે મેં જોયેલી જામુની - શેખરની એકબીજા પ્રત્યે થયેલી કંપન-સભર નજરાનજર…


 (ક્રમશ:)

Friday, February 5, 2016

બંસી કાહેકો બજાઈ - પ્રકરણ ૨૬

પ્રકરણ ૨૬

કેવી દેખાતી હશે જામુની? મારી સાથે કેવી રીતે વર્તશે? કેવી રીતે વાત કરશે? શેખરને મળશે ત્યારે તેમના બન્નેનાં મનમાં કોઈ સંવેદના ઊપડશે ખરી? જામુનીના અંતરમાં યાતના ઉપજશે? તેને જોઈ ઉમાને કેવું લાગશે? શેખર શાંત, સંયત અને સ્વસ્થ ચિત્તનો માણસ છે…છતાં તે પણ તેને મળીને કંપી જશે. શેખરને મળીને અસ્વસ્થ અને વ્યાકૂળ થયેલી જામુની કદાચ મારા ખભા પર મસ્તક ટેકવી ચાર આંસું ગાળી લેશે અને હું તેના મસ્તક પર વહાલથી હાથ ફેરવીશ…જામુનીના મનમાં શેખર પ્રત્યે અંકૂરિત થયેલા પ્રેમને મેં જ ખાતર-પાણી આપ્યાં હતા. તેને અંગ્રેજી ભણાવવાની શરુઆત પણ મેં જ કરી હતી. મરાઠી પણ શીખવી. તેનાં ગ્રામ્ય સંસ્કાર દૂર કરી સરખી રીતે કપડાં પહેરાવવાની શરુઆત કરી…આપણા ઘરમાં ભાભી બનાવીને લાવવાની મારી સ્વપ્નશીલ ઉમરમાં મેં મારા મનમાં રંગેલું સ્વપ્નચિત્ર કેવળ શમણું જ રહી ગયું અને એ છિન્નભિન્ન થયેલા સ્વપ્નને હૈયાસરસું  ચાંપી જામુની પણ કદી’ક અંતરમાં યાતના અનુભવતી હશે ખરી?

મુંબઈમાં સંસારચક્રની ઘાણીમાં જોડાયા પછી આ વાતનો એટલો અહેસાસ થયો નહિ, પણ અહીં આવીને આ શેતૂરના ઝાડ તરફ નજર પડતાં જ મને તો સવાર, બપોર અને સાંજ - ત્રણે વખત આંખે અંધારાં આવે છે. જીવ તડફડે છે…રાજમહેલની ઉપરના હવામહેલ તરફ નજર સરખી ન કરવાની તકેદારી રાખવી પડે છે…

આ વિચારચક્રમાં જ ચંદ્રાવતી ઘેર પહોંચી ગઈ.

બપોરનું ભોજન પતાવ્યા બાદ તેણે કહ્યું, “શેખર, હું બડે બાબુજીને ત્યાં જઈ આવી, હોં કે!”

“એમ? કેમ છે બેઉ જણાં?”

“મજામાં છે.” એકાદ ક્ષણ રોકાઈને તેણે ભાવવિહીન અવાજમાં કહ્યું, “કહેતા હતા, એક બે દિવસમાં જામુની અહીં આવવાની છે. ડિલિવરી માટે,” અને શેખર તરફ જોતી રહી,

“એમ કે? તો પછી તેને આપણે ત્યાં બોલાવવી જોઈશે, હોં કે!” ઉમા તરફ જોઈ શેખર બોલ્યો.

***
સારંગપુર આવીને ચંદ્રાવતીને ચાર દિવસ થઈ ગયા હતા.  ચોથા દિવસે સવારે તે ફરી સત્વંતકાકીને મળવા ગઈ. જામુની આવી નહોતી. વિલાયેલા ચહેરે તે પાછી ઘેર આવી.
ફરીથી જામુનીની તપાસ કરવા જવું કે નહિ તે સંભ્રમમાં હોવાં છતાં તેના પગ આપોઆપ સત્વંતકાકીના ઘર તરફ વળ્યાં. આંગણાની ભીંતમાં પડેલા બાંકોરામાંથી તેણે અંદર નજર કરી. જામુનીનાં કોઈ ચિહ્ન દેખાયાં નહિ.

‘યોગ્ય સમયે જે થવું જોઈએ તે મારા જીવનમાં કદી થાય જ નહિ એવા યોગ મારી કુંડળીમાં લખાયા લાગે છે! હવે કપરી અગ્નિપરીક્ષામાંથી નીકળ્યા વગર મને કશું પ્રાપ્ત નહિ થાય એવા વિધાતાના લેખને શરણે આ વખતે તો નહિ જઉં’ એવો તેણે નિર્ણય કર્યો. ‘જામુનીને મળ્યા વગર પાછી મુંબઈ નહિ જઉં.’ એવું મનમાં બબડી.

જમતી વખતે તેણે ભાઈને કહ્યું, “શેખર, મારું રિઝર્વેશન કૅન્સલ કરી નાખ.”

“કેમ? હવે શા માટે કૅન્સલ કરવું છે?” ઉમા તરફ આંખ પટપટાવતાં શેખર બોલ્યો.

“જામુની હજી આવી નથી.”

“વાહ, ભઈ વાહ! અમે આટલો આગ્રહ કરતા હતા કે બીજા આઠ દિવસ રોકાઈ જા, તો કહેતી હતી, ‘મારે જવું જ પડે એમ છે’; હવે તારી વહાલી જામુની આવવાની છે એટલે બાઈસાહેબ રિઝર્વેશન કૅન્સલ કરવા નીકળ્યાં છે! શું તારે મુંબઈ સુધી ઊભાં ઊભાં પ્રવાસ કરવો છે? ટ્રેનમાં કેટલી ભીડ હોય છે, તેનો તને અંદાજ નથી. ફરી રિઝર્વેશન કરાવવા બીજા દસ દિવસ રોકાવાની તારી તૈયારી છે?”

“ના રે ભાઈ! માંડ માંડ આઠ દિવસની રહેવાની રજા મળી એ જ ઘણું થયું.”

***
છઠ્ઠા દિવસે સવારે સત્વંતકાકીને ઘેર જવાની પ્રબળ ઈચ્છા હોવા છતાં તેણે તે ટાળ્યું. ‘આવવાની હશે તો આવશે, નહિ તો નહિ આવે. તેના આવવાના રસ્તા પર આંખો ચોંટાડીને બેસવા જેટલી નિકટતા અમારા વચ્ચે હવે ક્યાં રહી છે? અને મળીને પણ શું બોલવાનાં છીએ? એનું વિશ્વ જુદું, મારી દુનિયા અલગ.

‘ઘરકામની રામાયણમાં, ગાય - ભેંસના છાણ મૂતરમાં ખેતરની કાળી મજુરીમાં આ નાજુક, ભાવનાશીલ, સંવેદનાથી સભર અને હોંશિયાર જામુનીનું જે નુકસાન થવાનું હતું તે અત્યાર સુધીમાં પૂરી રીતે થઈ ગયું હશે. હવે જામુની મળશે તો પણ તેના મનના તારનો મેળ મારા મનની સિતાર સાથે કેવી રીતે થશે?

જામુની સાથે મુલાકાત ન થાય તો સારું. એક અખંડ પથ્થરને કોતરી તેમાંથી  ઘડાયેલ સુંદર શિલ્પ પર કાળ અને પરિસ્થિતિનાં ઘા પડ્યા પછી તેની જે સ્થિતિ થઈ હશે તે મારાથી નહિ જોઈ શકાય.

‘જામુની મળે કે  મળે, પરમ દિવસની રાતની ગાડીથી મુંબઈ જવું જ રહ્યું’

***

“સારું થયું, જીજી. આજે ગણેશ બાવડીના દર્શનનો યોગ આવ્યો. કાલે તમે જવાના. મેં કહ્યું, ગામમાં બધાં ઓળખીતાંઓને મળ્યા, ચંદેરી સાડીઓની ખરીદી થઈ, પણ ઘરની સાવ નજીક આવેલી વાવડીમાંના ગણેશજીનાં દર્શન રહી ગયા હતા. ગણેશજીનાં ચરણોમાં મુન્નાનું માથું નમાવવાનું બાકી રહી ગયું હતું. ફોઈના આશિર્વાદથી મારી એ ઈચ્છા પણ પૂરી થઈ ગઈ,” ગણેશબાવડીના સિમેન્ટના રસ્તાનો ઢાળ ચઢતાં ઉમા બોલી.

ઉમા, તારા લીધે મને આ યોગ મળ્યો એમ કહે. મેં તો ટેકરીની નીચેથી જ નમસ્કાર કરી લીધા હતા. આપણાં ઘરમાંની ગણપતિની જુની મૂર્તિમાં અને બાવડીના ગણેશજીમાં ક્યાં ફરક હોય છે?”

“ઘેર નમસ્કાર કર્યા તેથી શું થયું, જીજી? સ્થાનનું પણ મહત્વ હોય છે ને!”

રસ્તામાં અધવચ્ચે રોકાઈને ચંદ્રાવતીએ કહ્યું, “હું ઠેઠ સુધી નથી આવતી. તું જઈને દર્શન કરી આવ.”

“કેમ? થાકી ગયાં?”

“ના, થાક નથી લાગ્યો. થયું, હવે શા માટે, કયા ઉદ્દેશથી જઉં?” મનમાં ઉપજેલી ગ્લાનિની ભાવના વ્યક્ત કર્યા વગર ચંદ્રાવતીએ કહ્યું.

“ના, જીજી, એ નહિ ચાલે. અહીં સુધી આવ્યા છો તો ચાર ડગલાં વધુ ચાલી નાખો. પૂજા કરશો, વાવને કાંઠે બે ઘડી બેસશો તો સારું લાગશે.”

અંતે ચંદ્રાવતી ઉમા સાથે ઉપર જઈ આવી.

***

સારંગપુર આવીને મનમાં ધારેલાં સઘળાં કામ કરી લીધા હતા. ફક્ત જામુનીને મળવાનું બાકી રહ્યું હતું.  રાતની ટ્રેનમાં મુંબઈ જતાં પહેલાં કંઈ નહિ તો સત્વંતકાકીને મળી લઈશ, એવા વિચાર સાથે સવારનું ભોજન કરતાં પહેલાં તે બડે બાબુજીના ઘેર જવા નીકળી.

તડકો બરાબર જામ્યો હતો. આંગણામાં સૂકવવા મૂકેલા ઘઉં પર કાકી હાથ ફેરવી રહ્યાં હતાં.

“અરી બિટિયા, કલ સ્યામ નંદ-ભોજાઈ કિત્તૈ ગઈ હતી? હમને સૂરદાસકે મોડેકે હાથન સંદેસા ભેજા હતા. રૂપમતી આ ગઈ હેંગી.”

“સચ? કબ આયી?”

“કલ દોપહર. પૂછત્તી, જીજી કૈસી દીખત? કૈસી બોલત? કૈસી ચલત? મૈં કઈ, તુ અપની આંખસે દેખ લે. તેરી જીજી બડે અફસરકી ઘરવાલી બની હૈ. ફૈસનદાર! કારો ચશ્મો પહેરત, હાથ પર મર્દોં જૈસી ઘડી લગાઉત હેંગી,” જમણો હાથ ઘઉં પર ફેરવતાં અને ડાબા હાથે ઓઢણીનો પાલવ મ્હોં પર લગાડી સત્વંતકાકી ખડખડાટ હસવા લાગ્યાં.

“કહાં હૈ રૂપમતી?” આંખો પરથી કાળા ચશ્માં ઉતારી, પર્સમાં મૂકતાં ચંદ્રાવતીએ પૂછ્યું.

“બેલ કો દિયા ચઢાને ગઈ હૈ. બૈઠ જા ખટિયન પે.”

ચંદ્રાવતી લીમડીના ઝાડ નીચે ઢાળેલા ખાટલા પર જઈને બેઠી. તડકો ચઢવા લાગ્યો હતો. આકાશ સ્વચ્છ અને ચકચકિત દેખાતું હતું. હવામાં લીંબોળીઓની મીઠી - કટૂ એવી મિશ્ર મહેક ફેલાઈ હતી. આંગણાંમાં લીમડીનં નાજુક સફેદ ફૂલોની ચાદર બિછાઈ હતી અને હવાની એક લહેર આવતાં આ ફૂલ સાગરના તરંગની જેમ વહેતાં હતાં. ચંદ્રાવતીની નજર આંગણામાંના બારણાં પર ટીકી હતી. બારણાંની સાંકળ ખખડતાં કમરને ઝટકો દઈ ઊઠવાનો પ્રયત્ન કરતા સત્વંતકાકીને રોકી, ચંદ્રાવતી ડેલીના દરવાજા તરફ દોડી અને દરવાજો ખોલ્યો.

એક અજાણી વ્યક્તિ તરફ જોતી હોય તેમ ચંદ્રાવતી તરફ નજર ફેંકી જામુની ઉમરો ઓળંગી અંદર આવી. 

ઊંચી દેહયષ્ટિ, ગોરો ગુલાબી વાન અને તાજા દૂધ પરની મલાઈ જેવી ગર્ભવતિની કાંતિ, સેંથીમાં ચળકતા નંગ જડેલું બોર અને જરીનાં ફૂલ ભરેલા ઘાઘરા ઓઢણીમાં સજ્જ જામુની સાવ જુદી દેખાતી હતી. ઘરથી ચાર ડગલાં પર આવેલા બીલીવૃક્ષ સુધી જવા માટે આટલો બધો શણગાર! ચંદ્રાવતીને આશ્ચર્ય થયું. જામુનીને જોઈ તેનાથી રહેવાયું નહિ.

“જામુની!” ચંદ્રાવતીએ લગભગ ચીસ પાડી.

“જીજીકી રટન લગાઉત રહત્તી દોઉ જની. અબ જીજી સામને ઠાઢી ભઈ તો પહચાન નહિ પાવત!” બારણા પાસે આવતાં સત્વંતકાકી બોલ્યાં. ચંદ્રાવતી અને જામુની ખડખડાટ હસી પડ્યાં અને હાથમાં હાથ પરોવી અંદરના ઓરડામાં ગયાં. 

જામુની રસોડામાં ગઈ અને લીલાછમ ઘઉંના પોંકથી ભરેલી રકાબી લઈ આવી અને ચંદ્રાવતી સામે ધરી અને કહ્યું, “લો જીજી, ખેતકા મેવા ખાઓ.”

“કહો, કૈસી હો, જામુની?”

“મજે મેં”

“સચ્ચી, જામુની, અગર તૂ મુઝે રાસ્તેમેં મિલ જાતી તો મૈં તુઝે પહેચાન નહિ પાતી. અભી દરવાજા ખોલતે હી મૈંને કહા, યહ કૌન સુંદરી આ ગઈ ઈતની સજ ધજ કે! આજ કોઈ ત્યોહાર હૈ?”

“આપ લોગોંકે દર્શન - યહી હમારા ત્યૌહાર! જો ભી સજના-ધજના હૈ, હમ મૈકે આ કર હી કર લેતે હૈં”

“ક્યોં?”

“ક્યોં કી ખેતોમેં સજ ધજ કે કામ નહિં કિયા જાતા.”

“તુમ્હેં સચમુચ ખેતોમેં કામ કરના પડતા હૈ?”

“તો ક્યા, હમારી હથેલિયોં પર મહેંદી રચા કર હમેં બિઠલાયા જાતા હૈ?” ચંદ્રાવતી સામે જોઈ જામુનીએ પૂછ્યું. બન્ને સૂચક રીતે હસી.

“મૈકે આકર હમારી આરઝૂ પૂરી કર લેતે હૈં. ઈસી બાત પર હમારે દેહાતમેં એક ગાના ભી ગાયા જાતા હૈ,”

“સુના દો, જામુની, સુના દો વહ ગાના,”  ચંદ્રાવતીએ ઉત્સુકતાથી કહ્યું.

“સુનો જીજી,” કહી જામુની ધીમા સાદે ગાવા લાગી :

ચલો સખિયે બાજાર બનારસકી
સૌદા-સૂદ મોય કછુ નહિ ભાવત
તનિક ઝલક મોય બિંદિયનકી
થોરી લલક મોય કજરનકી

ગીત પૂરું થતાં ચંદ્રાવતીએ કહ્યું, “આનો અર્થ એવો જ ને, કે મારે બનારસની બજારમાં જવું છે, પણ કશું ખરીદવું નથી. કોઈ રિબેટ પણ નથી જોઈતો ફક્ત મારી બિંદીની ઝલક અને કાજળની લલક બતાડવી છે. પણ કોને?

“ઈસકા મતલબ સરલ હૈ, જીજી. દુનિયાસે હમેં કુછ લેના નહિ. હમેં તો સિર્ફ દુનિયાકો આનંદ દેના હૈ. ખુશિયાં બાંટની હૈ.” હાથ પરની સુંદર ડિઝાઈનની મેંદી પર બીજો હાથ મૃદુતાપૂર્વક ફેરવતાં જામુની બોલી.

“અરે, તુ તો બડી પંડતાઈન બન ગઈ! તેરે ઘરવાલે ભી પંડત હોંગે?” ચંદ્રાવતી ઉતાવળે બોલી ગઈ.

“મૈં કાહે કી પંડતાઈન, જીજી? આપકી કિરપાસે થોડી બહુત અંગ્રેજી પઢ લેતે હૈં. ખેતીકા હિસાબ-કિતાબ દેખ લેતે હૈં. ઔર વે બેચારે કહાં કે પંડત? અંગ્રેજીકી બાત છોડિયે, ઉન્હેં તો હિંદી ભી પઢના નહિ આતી.”

“ક્યા?” ચંદ્રાવતીએ લગભગ ચીસ પાડી. આવા અશિક્ષીત માણસ સાથે જામુની  કેવી રીતે સંસાર કરતી હશે!

“ઉનકી ક્યા બાત કરેં! દસ સાલકે હોને તક ઉનકે લાડ પ્યાર હોતા રહા. આગે સ્કૂલમેં ભર્તી કિયા, દો દર્જે પઢ ભી લિયે કી ખેતીકે કામોંમેં જૂટાયે ગયે, સબસે બડે જો ઠહરે! અબ સબ કારોબાર ઉન્હીંકે હાથોમેં હૈ. ખેત-ખલિહાન, બડે-બૂઢોંકી દેખભાલ વે સ્વયં હી કરતે હૈં. કહા ના, સબસે બડે જો ઠહરે!” જામુની અભિમાનપૂર્વક બોલી.

થોડી વાર શાંત રહ્યા બાદ તેણે કહ્યું, “જીજી, આપકે આનેકી હમ મુદ્દતસે સુન રહે થે. તબસે આપકે દર્શન કે લિયે તરસતે રહે. સસુરજી બિમાર પડે, સો દો દિન રુકના પડા. ઉનકા બુખાર ઉતરા સો દેવરકો સાથ લેકે ચલ પડી!”

“કહાં હૈ તેરે દેવર?”

“સહર ગયે હૈં. ઔજાર ખરીદને.”

“તુમ્હારે ઘરવાલે ક્યોં નહિ આયે તુમ્હેં છોડને? હમ ભી દેખ લેતે ઉન્હેં!”

“વે ભલા કૈસે આ સકતે થે? ગેહુંકી ફસલ જો કાટની હૈ.”

“તુમ્હારે સસુરાલવાલે કૈસે હૈં?”

“બડે સમજદાર હૈં. સાસ, સસુર, ચચેરે સસુર, સાસ ઔર મેરે આઠ દેવર, પાંચ નનદે -“

“બાપ રે બાપ!”

“ગયે સાલ મિથ્લાકે ઘરવાલેકી ભી ફિરસે શાદી કરવા દી મૈંને.”

“સચ્ચી?”

“તો ક્યા મૈં ઉન્હેં વૈસા હી બૈઠાતી? તૈયાર કહાં થા વહ! અબ મજેમેં હૈં દોનોં જને.”

ચંદ્રાવતી આશ્ચર્યચકિત થઈને જામુની તરફ જોવા લાગી.

“તુમ્હારી પાંચ નનદેં. લડતી -ઝઘડતી નહિ તુમસે?”

“ઝઘડતી ક્યોં નહિ, આખિર નનદે જો ઠહરીં?”

“ઔર તુમ ભોજાઈ, ઝઘડાલુ…“

“સબસે બડી ભોજાઈ!” જામુનીએ ચંદ્રાવતીનું વાક્ય પૂરું કર્યું.

“સુના હૈ તુમ્હારે હુક્મકે બિના પેડકા પત્તા ભી નહિ હિલ પાતા તુમ્હારે ઘર…ક્યું, સચ હૈના ચાચી?”

“અરે બિટિયા, મૈંને કઈ નઈ તો સે? રુપમતી રાજાકી રાની બને બૈઠી હૈ.” સત્વંતકાકી અભિમાનથી બોલ્યાં. 

“માં કી બાત રહેને દો, જીજી, આપકી સુના દો.”

“મજેમેં! એક લડકા હૈ, નૌ સાલકા. ઉસે ઉસકી દાદીમા કે પાસ છોડ કર આઈ હું.  આજ રાત ગ્યારહ બજેકી ગાડીસે વાપસ બંબઈ જા રહી હું.”

“ક્યા? આપ આજ હી જા રહીં હૈં?” જામુનીએ ચિત્કાર કર્યો.

“ઘર કે લોગ રાહ દેખ રહે હોગે. ઉમાભાભી ભી બાટ જોહ રહી હોગી. જાના હોગા.” ચંદ્રાવતીએ ઘડિયાળ જોઈને કહ્યું.

“જીજી, આપકી કિતાબે હમને રામાયણકી પોથી સરીખી બાંધ રખ દી હૈં. આઈયે, દેખ લિજિયે,” ચંદ્રાવતીનો હાથ પકડી તેને અંદરની રુમમાં લઈ જતાં જામુની બોલી.

ઓરડામાં જામુની અને મિથ્લાના પલંગ હજી પણ જેમનાં તેમ રાખવામાં આવ્યા હતા. બન્ને પલંગ પર સ્વચ્છ ચાદર અને ઓશિકાનાં ગલેફ હતાં.

“ઉસ પલંગ પર મત બૈઠના, જીજી. માં કો ભરમ હૈ કી મિથ્લા રાતકો આ કર સો જાયેગી કભી કભી ઉસ પલંગ પર. ઉસ પર કિસીકો બૈઠને નહિ દેતી.”

જામુનીએ લાલ કપડામાં લપેટેલા પુસ્તકો કાઢ્યાં. ‘Fairy Tales of the World’, ‘Little Red Riding Hood’, ‘Radiant Way’ ના અનેક ભાગ, અને સૌથી નીચેના તળિયે ’Gulliver’s Travels’માંથી ફાડીને કાઢેલું રંગીન ચિત્ર!

“યહાં આ કર એક એક કિતાબ પઢ લેતે હૈં તો માનો દસ સાલ પીછે હો લેતે હૈં…બંગલે કે ચક્કર કાટ લેતે હૈં…” જામુની હળવે’કથી બોલી. 

એક ચોપડીમાંથી પીળો પડી ગયેલો ગડી વાળેલો કાગળ સરકીને જમીન પર પડ્યો. જામુનીએ ઝડપથી તે કાગળ પાછો પેલી ચોપડીમાં મૂકી દીધો.

“વહ ક્યા થા, જામુની?”

“સેખરકી ચિઠ્ઠી…”

“ફાડ ક્યૂં નહિ દેતી?” કહેતાં તો કહી નાખ્યું અને તે વિચારમાં પડી ગઈ. ‘શેખરનો પહેલો અને આખરી પત્ર જામુનીએ હજી સુધી સાચવી રાખ્યો હતો!’

જામુનીએ પત્રની ગડી ખોલી અને તેમાંની પહેલી પંક્તિ પર આંગળી મૂકી.

“પ્યારી જામુની…”

જામુનીએ મ્લાન હાસ્ય કર્યું અને પત્ર પુસ્તકમાં મૂકી, કપડામાં બધા પુસ્તકો બાંધી નાખ્યાં.

“અબ હમેં વિદા કરો, જામુની,” જામુનીના પલંગ પરથી ઉઠીને ચંદ્રાવતી બોલી.

“ઠહર જાઓ, જીજી. અભી હમારા દીલ નહિ ભરા. આપ આજ રાતકી ગાડીસે ન જાતીં તો હમ દોનોં એક દૂસરેસે જી ખોલ કર બાતેં કર લેતે.”

“તુમ ચલી આના શેખરકે ઘર, દો પહરકો - અગર ચાહો તો!” જામુનીના મનનો અંદાજ લેવા ચંદ્રાવતીએ કહ્યું.

“સેખરકે ઘર?  મેરી માં કો મુંડનકા બુલવ્વા કિસ ઢંગ કા ભેજા, ક્યા આપ નહિ જાનતી, જીજી?”

“ફિર ક્યા કિયા જાય? હમ ભી તુમસે બાતેં કરના ચાહતે હૈં. શેખરકે ઘર ચલી આઓ!”

“બગૈર બુલવ્વે સેખરકે ઘર હમ નહિ જાયેંગે. વે ખુદ હમારે ઘર આ કર હમેં બુલાયેંગે તો હમ જાયેંગે. ઐસા ક્યૂં નહિ કિયા જાય? બેલ પર દિયા ચઢાને કે બહાને હમ ચલે આયેંગે. આપ ભી ચલી આના. કિસી કે ઘર જાને સે બેલ કે તલે બૈઠ કર બાત કરના અચ્છા,” જામુનીએ જાણે ચંદ્રાવતીના મનની વાત કરી.

“બાત પક્કી?” કહી ચંદ્રાવતીએ હાથ લાંબો કરી ઉત્સાહથી પૂછ્યું.

“પક્કી!” કહી ચંદ્રાવતીનો હાથ જોરથી દબાવતાં જામુનીએ કહ્યું. ચંદ્રાવતીને કંપારી છૂટી. એક સમય અતિ નાજુક હાથ ધરાવતી જામુનીનો હાથ આટલો કઠણ થઈ ગયો?

ચંદ્રાવતીએ તેની રજા લીધી અને ઘેર ગઈ.

બંસી કાહેકો બજાઈ - પ્રકરણ ૨૫

ડૉક્ટરસાહેબના અવસાન બાદ પરિવારને સારંગપુર છોડીને વર્ષો વિતી ગયા હતા. તેઓ હવે ઈંદોરમાં વસી ગયા હતા. 

ચંદ્રાવતી ડિલિવરી માટે પિયર આવી હતી. હિંચકા પર બેસી તે આતુરતાથી પતિના પત્રની રાહ જોઈ રહી હતી. દેવડીના દરવાજામાં પોસ્ટમેન બે પત્રો નાખી ગયો અને તે લેવા ચંદ્રાવતી દેવડી તરફ દોડી.

“અલી, જરા હળવેથી. આમ તોફાની બારકસની જેમ દોડે છે શાની?” ઉપરના માળેથી મોટાં કાકીએ ચંદ્રાવતીને દબડાવી. ચંદ્રાવતીએ તેમની સામે જોઈ સ્મિત કર્યું અને જમીન પર પડેલા પત્રો ધીમેથી ઉપાડ્યા.

આજે પણ પતિનો પત્ર નથી. વિલાયેલા ચહેરે  અંદરના ઓરડામાં આવીને ચંદ્રાવતી બોલી, “આ બે’ય પત્રો તારાં છે બા. તેમાં એક કંકોત્રી જણાય છે,” પૂજાની ઓરડીમાં બેઠેલાં જાનકીબાઈને તેણે પત્રો આપ્યાં.

“તું જ વાંચ. પણ મુંબઈથી કોઈ કાગળ?”

“ના રે ના! આજે પણ એમનો કાગળ નથી. પત્ર લખવાની તકલીફ કોણ લે? અહિંયા તમે ગમે એટલી રાહ જોઈને બેસો. એક દિવસ અચાનક આવીને ઉભા રહેશે. પોતાને દીકરો કે દીકરી થઈ છે તેનો તાર હાથમાં પડે એટલી વાર. પછી જો જે તું. તારી તો એવી દોડધામ શરુ થઈ જશે!”

“ભલે દોડધામ કરવી પડે, મારો એક નો એક જમાઈ છે, અને એ’ય તો મોટ્ટો હોદ્દેદાર! તેમની યોગ્ય સરભરા કરવી જોઈએ કે નહિ?”

“એ હોદ્દેદાર છે તેથી સરભરા કરવાની?”

“એવું થોડું છે? તને તો વાતનું વતેસર કરવાની ટેવ પડી છે,” પુત્રી તરફ વહાલભરી નજરે જોતાં જાનકીબાઈ બોલ્યાં. ત્યાં સુધીમાં ચંદ્રાવતી એક પત્ર વાંચી ચૂકી હતી.  

“બડે બાબુજીનો પત્ર છે. “

“શું કહે છે?”

“જામુની અને મિથ્લાનાં લગ્ન છે. તેમણે લગ્નમાં પધારવાની તને આગ્રહભરી વિનંતી કરી છે. આ રહી કંકોત્રી.”

“છોકરીઓને ક્યાં આપી?”

“બનારસ જિલ્લાના દુર્ગાપુરની નજીકના ગામડામાં સાસરિયું છે. એક જ ઘરમાં બે ભાઈઓને દીકરીઓ આપી. ખેતીવાડી છે એમની.”

“લગ્ન ક્યાં છે?”

“સારંગપુરમાં જ.”

“સારું થયું. જ્યાં વરાવી, ત્યાં ગઈ છોકરીઓ. માબાપના માથા પરનો ભાર ઓછો થયો,” જપ કરતાં કરતાં માળા ફેરવવાનું બંધ કરી તેમણે દીકરી તરફ જોયુું - જાણે તેનો અભિપ્રાય માગતાં હોય.

મા તરફ ધ્યાન નથી એવું દર્શાવતાં ચંદ્રાવતીએ ટેબલ પર થાળીઓ ગોઠવવાનું શરુ કર્યું.
બન્નેએ જમવાનું આટોપ્યું. જાનકીબાઈ પાછાં પૂજાની ઓરડીમાં ગયાં અને ‘દાસબોધ’ વાંચવાનું શરુ કર્યું અને ચંદ્રાવતી પાછી હીંચકા પર જઈને બેઠી.

થોડી વારે કંઈક યાદ આવ્યું હોય તેમ તે ઊઠી અને ટેબલ પરનાં પત્રો ઉપાડી રસોડાના જાળીવાળા કબાટ પરના ચા ખાંડના ડબા પાછળ સંતાડ્યા,

બપોરના દોઢે’કના સુમારે શેખર મેડિકલ કૉલેજમાંથી આવ્યો. ચંદ્રાવતીએ ભાણું પીરસ્યું. શેખરે તેની હંમેશની ટેવ મુજબ ચૂપચાપ જમવાનું શરુ કર્યું.

ભોજન પતાવ્યા બાદ ચંદ્રાવતીએ ડબા પાછળનાં પત્રો કાઢ્યાં અને શેખર સામે ધર્યાં અને કહ્યું, “અરે, તને કહેવાનું રહી જ ગયું. મિથ્લા - જામુનીનાં લગ્નની આમંત્રણ પત્રિકા આવી છે. બડે બાબુજીનો બા ને પત્ર પણ આવ્યો છે. બહુ આગ્રહ કર્યો છે તેમણે, કહે છે, બધા લગ્નમાં જરુર આવજો.”

બડે બાબુજીનો પત્ર વાંચતાં શેખરનો ચહેરો સહેજ કરમાઈ ગયો હોય તેવો ચંદ્રાવતીને આભાસ થયો. મનોમન તે ગભરાઈ ગઈ. શેખરે પત્રની ગડી વાળી અને કંકોત્રી અને પત્ર પાછાં કવરમાં મૂકી તટસ્થ ભાવથી ચંદ્રાવતીના હાથમાં મૂક્યા.

“શેખર!” ભાઈ તરફ આંસુંભરી આંખે જોઈ ચંદ્રાવતી હળવેથી બોલી.

“હં…”

“તને દુ:ખ થશે, તું કદાચ જમીશ પણ નહિ એવું લાગ્યું તેથી જમ્યા પછી તને આ પત્રો આપ્યાં. બાબા ગયા અને બધ્ધું હતું ન હતું થઈ ગયું. નહિ તો કોઈ ને કોઈ માર્ગ નીકળી શક્યો હોત.”

“શાનો માર્ગ?”

“મારા કપ્પાળનો માર્ગ!” શેખર તરફ તીખો કટાક્ષ નાખતાં ચંદ્રાવતીએ કહ્યું.

“બાકી જામુનીને સારો, ભણેલો વર મળવો જોઈતો હતો, નહિ? ક્યાં એ બનારસ નજીકનું ગામડું… દદ્દાએ જામુનીનો સત્યાનાશ કર્યો.”

“આ તું શું બોલી રહ્યો છે, શેખર!”

“પણ જીજી, તું શા માટે આટલું બધું ખોટું લગાડી લે છે? છોડો, યાર! જે થયું તે ગંગાર્પણ. બીજું શું?” હસતાં હસતાં શેખર બોલ્યો; “અને સાંભળ, સાંજે ઘેર આવતાં મોડું થશે, એક દોસ્તને ત્યાં પાર્ટી છે,” સાઈકલ બહાર કાઢતાં આંગણામાંથી શેખરે બૂમ પાડી.

ચંદ્રાવતી માટે હવે કેવળ પોતાના ભાવનાશીલ હૃદયની દયા ખાવાનું બાકી રહ્યું હતું. હીંચકાની સાંકળ મજબૂત પકડી, હાથ પર મસ્તક ટેકવી તે લાંબા સમય સુધી આઘાતપૂર્ણ સ્થિતિમાં બેસી રહી. હીંચકો એની મેળે જ ઝુલી રહ્યો હતો.

“બહુ થયું હવે. પૂરા દિવસ થવા આવેલી ગર્ભવતિ સ્ત્રીએ ભર બપોરના વખતે આમ કપાળ પર હાથ મૂકીને બેસવાનું ન હોય. જા, જરા પલંગ પર આડી પડીને આરામ કર જોઉં!” દાસબોધ અધવચ્ચે મૂકી અંદરના ઓરડામાં આવીને જાનકીબાઈએ દીકરીને કહ્યું.

***
અઢી વર્ષ પહેલાં ચંદ્રાવતી શેખરના લગ્નપ્રસંગે ઈંદોર ગઈ ત્યારે તેને મિથ્લાના મૃત્યુની ખબર જાનકીબાઈ પાસેથી મળી હતી. શેખરના સારંગપુરના મિત્રે પત્ર લખીને આ વાત જણાવી હતી. મિથ્લાને જબરજસ્ત ‘સીતલામાતા’ નીકળ્યાં હતાં. ત્યાંના ઠાકુર લોકોના રીતરિવાજ મુજબ શીતળાદેવીના પૂજાપાઠ કરવામાં, તેમની આરતી ઉતારવામાં અને લીમડાની ડાળીઓ વડે વિંઝણાં વિંઝવામાં તેમણે સમય વીતાવ્યો. શીતળાદેવીના ગીતો - ભજનો ગાવામાં તેમણે ધન્યતા અનુભવી અને તેમાં વીસ - બાવીસ વર્ષની મિથ્લાએ પ્રાણ ત્યાગ્યાં.

‘આઠ દિવસના મારા સારંગપુરના વાસ્તવ્યમાં મારે બડે બાબુજીને મળી આવવું જોઈએ. તેમની સાથે આપણો કેટલો ઘરોબો હતો! બાબાની પાછળ તેમના સગા ભાઈની જેમ સતત ખડે પગે ઊભા રહેતા હતા. એમની જુવાનજોધ દીકરી મૃત્યુ પામી તેનો આઘાત આ ઢળતી વયે તેમણે અને સત્વંતકાકીએ કેવી રીતે ઝીલ્યો હશે? આજે તો તેમના ઘેર જવું શક્ય નથી. સાંજે પાવરહાઉસ જોવા અને રાતે ડૉક્ટર મિશ્રાને ઘેર જમવા જવાનું પહેલેથી નક્કી કરવામાં આવ્યું છે!

શેખર પણ કેવો નીકળ્યો! દીકરાના મુંડન વખતે ગામ આખું ભેગું કર્યું. ચા-પાણી, ખાણી-પીણી, ગાવા - બજાવવાનું…કશામાં તેણે કમી નહોતી રાખી. નાઈને ચાંદીની કાતર આપી અને મુન્નાના વાળ એકઠા કરવા આવેલી આયાને નવાં સાડી - બ્લાઉઝ અાપ્યાં. સરસ! બહુ સુંદર! ઘણું સારું કર્યું કહેવાય. આટલું બધું કર્યું પણ સાદ પાડતાં સંભળાય એટલા અંતરે રહેતા બડે બાબુને આમંત્રણ આપવું શેખરને કેમ યોગ્ય ન લાગ્યું? જે થઈ ગયું તેને હૃદયની અમૂલ્ય અમાનત તરીકે કેટલો વખત સાચવવાની હોય? જો કે શેખરે તેને કદી અમાનત માની હતી? એણે તો સ્પષ્ટ કહ્યું હતું કે જે થયું તેને ગંગામૈયાને અર્પણ કરીને તે મોકળો થઈ ગયો હતો. જે થયું તેને હું એકલી સંભાળીને બેઠી છું…ભલે એ તને 'ગંગામૈયાને અર્પણ’ કરવા જેવું લાગ્યું હોય. પણ વિચાર કર, જો તેં ખરેખર આ નાજુક સંબંધ ગંગામૈયાને અર્પણ કર્યો હતો તો તટસ્થ ભાવથી બડે બાબુજીને નિમંત્રણ કેમ ન આપ્યું? ભુલ તો મારી પણ થઈ. મુંડનનો સમારંભ ચાલી રહ્યો હતો ત્યારે જ મને આ યાદ આવવું જોઈતું હતું. તે ઘડીએ જ શેખર અને ઉમા પાસેથી મેં આ વાતનો ખુલાસો માગી લીધો હોત…હજી પણ સમય છે. બડે બાબુજીને આ અગત્યના પ્રસંગ પર શા માટે નિમંત્રણ ન મોકલ્યું તે હું શેખરને ખખડાવીને પૂછી લઈશ…

શેખરનું ઘર આવ્યું. ચાની કિટલી ટેબલ પર મૂકતાં ઉમાએ ચંદ્રાવતીને હૉલના બારણામાં જ પૂછ્યું, “જીજી, બ્રેકફાસ્ટમાં શું લેશો?”

***
ડૉ. મિશ્રાના ઘેર ભોજન પતાવીને આવ્યા બાદ ચંદ્રાવતીએ ઉમાને પૂછ્યું, “મુન્નાના મૂંડન સંસ્કારનું નિમંત્રણ સત્વંતકાકીને મોકલ્યું જ હશે, ખરું ને?”

“મોકલી તો આપ્યું હતું…હા, આપણે ત્યાં પાણી ભરનારા સૂરદાસના છોકરાના હાથે…” શેખરે અલીપ્ત ભાવે કહ્યું.

“તમે પોતે કેમ ન ગયા?” ઉમાએ પતિને પ્રશ્ન પૂછ્યો.

“મને ક્યાં ટાઈમ હતો?”

“તો મને કહેવું હતું ને! હું પોતે ગઈ હોત. વડીલોને આપણે જાતે જઈને નોતરું દેવું જોઈએ.”

શેખરે જવાબ ન આપ્યો, પણ ભાભીના કથનથી ચંદ્રાવતીનું મન શાંત થયું.

***

બીજા દિવસે સવારે ચ્હા પીતાં શેખર સામે જોઈ ચંદ્રાવતીએ કહ્યું, “કહું છું, બડે બાબુજીને ઘેર જઈ આવું.”

“હા, જરુર જઈ આવ. તેમને સારું લાગશે. હું એક વાર તેમને ત્યાં જઈ આવ્યો હતો. તેમની આંખનું અૉપરેશન થયું ત્યારે.”

શેખર હૉસ્પિટલમાં રાઉન્ડ લેવા ગામમાં ગયા બાદ ચંદ્રાવતી નાહી - ધોઈને બડે બાબુજીના ઘેર જવા નીકળી. બહાર સ્વચ્છ તડકો પડ્યો હતો. તેણે પર્સમાંથી ગૉગલ્સ કાઢીને પહેર્યાં. માથા પર નીલા આકાશનો ચંદરવો દમકતો હતો. પગદંડીની બન્ને બાજુ ઘાસ પર હવાની લહેરથી લીલી તરંગો ઊઠતી હતી. વચ્ચે જ પીળા અને જાંબલી રંગના જંગલી ફૂલો ડોકિયું કરી રહ્યા હતા. દવાખાનાના કૂવા પર ચાલતા કોશનો ‘કિચૂડ, કિચૂડ’ અવાજ  આવતો હતો. હનુમાનજીના મંદિરમાંથી ઘંટનો મંદ સ્વર અને મંદિરમાં બળતા તેલના દીવાના વાસની સાથે અગરબત્તીની સુગંધ એકત્ર થઈને એક વિશીષ્ટ ખુશબૂ વાતાવરણમાં પમરાઈ હતી.

લાંબો સમય ડેલીની સાંકળ ખખડાવ્યા બાદ સત્વંતકાકીના પગમાંની ઝાંઝરનો છમ્મ - છમ્મ અવાજ સંભળાયો અને બંધ દરવાજાની પાછળ સત્વંતકાકીની મંદ થયલી ચાલ ચંદ્રાવતીએ મહેસૂસ કરી.

સત્વંતકાકીએ હળવેથી બારણું ખોલ્યું અને પગથિયા પર ઊભી ચંદ્રાવતી સામે ઝીણી આંખો કરી તેને જોતાં રહ્યાં. ચંદ્રાવતી તેમને એક મજેની ભાવનાથી જોતી રહી. દસ વર્ષ પહેલાંની તૂરી - કડવી યાદો તેના મનની પાટી પરથી સાવ ભૂંસાઈ ગઈ હતી અને કાકીના ઘરના આંગણામાંના લિંબોડીના ઝાડ નીચે એકલી જ પાંચીકે રમતી મિથ્લા તેની આંખો સામે ઉભરવા લાગી.

કાકીના વાળ સાવ સફેદ થઈ ગયા હતા. બદામના આકારનાં તેમનાં સુંદર નયનોની રોશની હવે ઝાંખી પડી ગઈ હતી. હાથ પર કરચલીઓ પડી ગઈ હતી, તેમ છતાં તેમનો વૃદ્ધ ચહેરો તેમના સૌંદર્યનાં ચિહ્નો હજી સુધી સાચવી રહ્યો હતો. ધારદાર નાક અનેસૌંદર્ય રેખા-સમા તેમના હોઠ હજી તેવાં જ રહ્યા હતાં.

“પહિચાનત નાહી, ચાચી?”

“કઊન?” આંખોને વધુ ઝીણી કરી, ભમ્મર પર હથેળી રાખી સત્વંતકાકીએ પૂછ્યું.

“મૈં ચંદર.”

“અરી ચંદર બિટિયા! મૈં ડોકરી તાકતી હી રૈ ગૈ! મો કો લગો, ઈ કઉન મેમસાબ આન ઠાઢી ભઈ હમરે દુઆરે! આ જા બિટિયા, આ જા, ગલે લગ જા!”

ચંદ્રાવતી તેમને ભેટી પડી.

કો'ક સમયે સત્વંતકાકીના હાથે ગાયના છાણથી લીંપાતું જે ચકચકીત આંગણું હતું, તે હવે ઉબડ ખાબડ થઈ ગયું હતું. લાલ માટીની ભીંતમાં એક મોટું બાંકોરું પડી ગયું હતું. આંગણાના બે ખૂણાઓમાં કોઈ કાળે જામુની અને મિથ્લાનાં જુદાં જુદાં ઢિંગલી ઘર હતાં, અને જેમાં ચંદ્રાવતી રમકડાં ગોઠવી આપતી, તે જગ્યા હવે ખાલી પડી ગઈ હતી.

સત્વંતકાકી ચંદ્રાવતીનો હાથ પોતાના હાથમાં લઈ અંદરના લંબચોરસ ઓરડામાં લઈ ગયાં. અંદરની રુમમાં પલંગ પર સૂતેલા બડે બાબુજીને ચંદ્રાવતીના આગમનની ખબર અતિ ઉત્સાહથી આપવા લાગી ગયાં. આંખો પર પાટા બાંધેલા બડે બાબુજી લાકડીના ટેકે તેમના ઘરના મોટા લંબચોરસ ઓરડામાં આવ્યા. કાકીએ તમને આરામ ખુરશી પર બેસાડ્યા.

“નમસ્તે, બાબુજી,” ચંદ્રાવતી હાથ જોડીને બોલી.

“જીતી રહો! કહો બિટિયા, કૈસી હો?”

“અચ્છી હું. શેખરકે મુન્નાકે મૂંડનકે લિયે ચલી આઈ.”

“સેખર કહ રહા થા તુમ સાયદ આ જાઓગી. અચ્છા હુઆ તુમ આ ગઈ,” બડે બાબુજી મંદ સ્વરે બોલ્યા.

“અરી, હમે ભી મૂંડનકા બુલવ્વા ભેજા હતા. કિસકે હાથન ભેજા હતા, તૂ પૂછ લે બિટિયા! સુરદાસ પનિહારેકે મોડે કે હાથ. ઐસે બુલવ્વે પર કોઊ જા સકત હૈ, ભલા? મૈં બાટ જોહતી રૈ ગૈ - મૈંને કહા, સેખર ખુબ બુલવ્વા દેને આવૈગા. સેખરકો હમને બડા કિયા, ઈત્તૈ -ઊત્તૈ નંગા ઘૂમત્તા. અબ ઉ કો બચ્ચા આયા. બિટિયા, ઈન્હેં અકેલા છોડ કર ભી મૈં ડોકરી ચલી જાતી…ઢંગકા બુલવ્વા આતા તબ.” ચ્હા બનાવવાનું કામ અધવચ્ચે મૂકી સત્વંતકાકી ઓરડામાં આવી ઠસ્સાથી બોલ્યાં.

બડે બાબુનો ચહેરો ત્રાસેલો જણાયો.

“અજી રહેન દો, ચાચી. ગલતી હો જાતી હૈ બચ્ચોં સે.”

“સો તો તૂને ઠીક કહી ચંદર, પર ફિર ભી…ઠહર મૈં ચાય બના કે લાતી હું.” સગડી પર ચાનું પાણી ઊકળવા લાગ્યું હશે તેની યાદ આવતાં સત્વંતકાકી રસોડામાં ગયાં.

“બડે બાબુજી, આપકી તબિયત કૈસી હૈ?” ચંદ્રાવતીએ પૂછ્યું. બડે બાબુજીએ ડોકું હલાવીને ‘ઠીક છે’ નો ઈશારો કર્યો અને પૂછ્યું, “બડીબાઈજીકી તબિયત કૈસી હૈ?” 

“ઠીક નહિ હૈ, બાબુજી. દો સાલ પહલે દીલકા દૌરા પડા. ઈંદૌરકે ડાક્ટરને ઈધર - ઉધર જાને સે મના કિયા હૈ.”

“બડે સાહબ અચાનક ચલ બસે, ઔર હમારા સહારા ટૂટ ગયા. ખૈર, ઈશ્વરકી ઈચ્છા. કહો, તુમ્હારે ઘરવાલે મજેમેં હૈં ના? સૂના હૈ તુમ્હેં બહુત અચ્છા ઘર મીલા.  ખૂબ પઢે લીખે અફસર આદમી હૈ!” બાબુજીએ અાદરથી પૂછ્યું.

“સબ ઠીક હૈ, બાબુજી, આપકી દૂઆ સે!”

“ચલો અચ્છા હી હુઆ. કાશ, તુમ્હારી ખુશિયાં દેખને બડે સાહબ જિવીત હોતે! પર હોની કો કોઈ ટાલ સકતા હૈ ભલા? અકેલે આઈ હો?”

“જી હાં. એક લડકા હૈ, નૌ સાલ કા. ઉસે ઉસકી દાદીમાંકે પાસ છોડ આઈ હું. આપ કૈસે હૈં?”

“હમારા ક્યા? અબ હમારે કિત્તે દિન બાકી બચે હૈં?”

“અભી તો બહુત સાલ બાકી હૈં. આપ બૂઢે થોડે હી લગતે હો?”

બડે બાબુજીએ કરુણ હાસ્ય કર્યું.

“દદ્દા કૈસે હૈં?” ચંદ્રાવતીએ અચકાતાં પૂછ્યું.

“ઠીક હી સમજો. અબ ભગત બને ઘૂમતે હૈં. આજકલ વે હરદ્વારમેં હૈં.”

“અરી ચંદર, તેરા ઘરવાલા કિત્તા કમા લેત હૈ?” રસોડામાંથી બૂમ પાડીને કાકીએ પૂછ્યું.

“પેટ પલ જાતા હૈ, ચાચી.”

“કા બાત કરત હો! બડી અફસરાઈન બની બૈઠી હો અઉર કહત હો પેટ પલ જાતા હૈ! છી છી છી!” ચંદ્રાવતી પ્રત્યે અત્યંત અભિમાનપૂર્વક જોઈ કાકી બોલ્યાં.
“તોહે સાસ સસુર હેંગે?”

“સસુર ગુજર ગયે. સાસ હૈં.”

“સબ એક સાથ રહત હો?”

“સાસ કભી મેરે પાસ, કભી દેવર કે પાસ રહેતી હૈં”

“ક્યા બંબઈમેં જનમદાત્રી ભી બાંટી જાતી હૈ?”

“ઐસા નહિ, ચાચી…”

“બંબઈકા મકાન કિત્તા બડા હૈ? તૂ તો બંગલેમેં પલી!”

“તીન કમરે હૈં.”

“હાય રામ! તીન કમરોંમેં કૈસા ગુજારા હોતા હૈ?”

“હો જાતા હૈ, જૈસા વૈસા.”

“સેખરકી બહુ પઢી લિખી હેંગી?”

“બી.એ. પાસ હૈ.”

“દહેજમેં કા મિલો?”

“પતા નહિ, ચાચી.”

“અરી તુ સેખરકી ઈકલૌતી બહિન, તોહે પતા નાહી?”

“કસમસે ચાચી!”

“અરી કસમ ઝોંક દે સમંદર મેં. બડી કસમ ખાને વાલી…હાં, અચ્છી યાદ આઈ! કહ દે, બિટિયા, સમંદર પે તોહે લતા મંગેસ મિલત?”

“મિલ જાતી હૈ, કભી કભી,” જવાબ આપતાં ચંદ્રાવતીએ હસવું દબાવ્યું તે બાબુજીના ધ્યાનમાં આવ્યું.

“અચ્છા ગા લેત હેંગી મોડી. રામબાજેમેં નીકલત ઉઇ કો ગાનો. અબકી મીલે તો કહિયો, જુગ જુગ જીયો,” કહી કબાટ તરફ અંગુલીનિર્દેશ કતીને કાકી બોલ્યાં. ફૂટેલા કાચના કબાટની ઉપર રેડિયો રાખવામાં આવ્યો હતો - સત્વંતકાકી કહેતા હતા તે - રામબાજા!

ચ્હાના લાંબા પિત્તળના પ્યાલાને મસોતા વતી પકડી સત્વંતકાકી રસોડાનો ઊંચો ઉમરો અત્યંત તકલીફથી ઓળંગીને ઓરડામાં આવ્યાં અને પ્યાલાને શેતરંજી પર મૂકી ધબ દઈને જમીન પર બેસી ગયાં.

પોતાના સાંધાના દુ:ખાવાની રામકહાણી સંભળાવતાં અચાનક યાદ આવ્યું હોય તેમ તે બોલ્યાં, “મેરી ડોકરી કી રૈન દે તુ. તુ તો બડી ખુસ દિખત. ચલો, ભગવાન સબૈકો ખુસ રાખૈ,” કહી તેમણે હવામાં હાથ જોડ્યાં.

ભીંત પરનો ચૂનો ઠેકઠેકાણેથી ખરી પડ્યો હતો. જામુની - મિથ્લાનાં દફતર ટાંગવાની ખીંટી પર બડે બાબુની મેલી બંડી લટકતી હતી.

“બાઈજીકી ભૌત યાદ આઉત હેંગી. મેરો તો એક ઘર ઈસવરને મીટા દૌ…” ઓઢણીનો પાલવ આંખે લગાડતાં કાકી બોલ્યાં.

“ચાચી જામુની કૈસી હૈ?”

“કઉન? મેરી રૂપમતી? બગલાની જેમ ગરદન ઉંચી કરી સત્વંતકાકીએ અભિમાનપૂર્વક પૂછ્યું. જામુનીનેા ઉલ્લેખ રૂપમતી ન કર્યો તે માટે ચંદ્રાવતીએ મનમાં જ જીભ કચડી.

“રૂપમતી કા ક્યા કહને! અરી બિટિયા, ઈકી તો તૂ પૂછ જીન! ઈ તો રાજાકી રાની બને બૈઠી હેંગી. પચાસ આદમિયનકા કુનબા! ઘર-બાર, ખેતી ખલિહાન, ગૈયાં, ભૈંસે - ભૌત ખુસ હેંગી મેરી રૂપ. ભરે ભંડારકી કૂંજી ઈ કે હાથન હોત!”  પોતાની ઝાંખી થયેલી આંખો ચંદ્રાવતીની આંખો સાથે ભીડાવતાં હોય તેમ તેની તરફ જોઈ કાકી બોલ્યાં.

શેખર પર મૂક પ્રેમ કરનારી, અમારા પરિવારના બંગલાના ઉમરા પરનું ચોખાનું પાત્ર પગ વતી ઠેલી, વાજતે ગાજતે ગૃહપ્રવેશ કરવાનાં સ્વપ્ન જોનારી અને આ સ્વપ્નો માટે દદ્દાની ચાબૂકના ફટકા પોતાની પીઠ પર ઝીલનારી, ઘઉં અને મરચાં ભરડવાની શિક્ષા ભોગવનારી, ચૌદ -પંદર વર્ષની ગભરાયેલા સસલા જેવી જામુની! હવે તિજોરીની ચાવીઓનો જબરજસ્ત ઝૂડો કમરમાં ખોસી, પચાસ માણસોના સંયુક્ત પરિવારમાં એક ગૃહિણીની જેમ અહીંથી ત્યાં ફરતી જામુનીનું ચિત્ર ચંદ્રાવતીની નજર સામે તરવા લાગ્યું.

મિથ્લાના અવસાન માટે કાકીને સાંત્વનના બે શબ્દ બોલે તે પહેલાં કાકી બોલ્યાં, “મરનેવાલીને ઈસવરસે ભૌત કમ ઉમ્ર માંગી…કલેજે કો આગ લગત હેંગી, આ...ગ!”

“ઉસકી બાત છોડો ચાચી. હમેં ભી બહુત દુ:ખ હોતા હૈ. અબ રૂપમતીકી ઔર દેખો. ઉસકે બાલબચ્ચોમેં જી બહેલાઓ.”

“અરી કાહે કે બાલબચ્ચે? ચાર બાર કચ્ચી જની. અબકી બાર સાતવાં મહિના હેંગા.”

“યહાં આનેવાલી હોગી ના? ડિલિવરી કે લિયે?”

“પહલા બચ્ચા મૈકેમેં હી હોઊત. એક દો રોજમેં રૂપમતી આ જાવેગી. બેલકી માનતા માની થી સો સફલ ભઈ.”

જામુનીને બીલીવૃક્ષ ફળ્યાં. એણે કરેલી માનતા ફળી. બાને બીલીવૃક્ષની માનતા ફળી હતી તેમ.

“અરી ચંદર, ઈસ સહરકી કિત્તી બહુ-બેટિયાં પુત્રબતી ભઈ ઈ બેલમહારાજકી દુઆ સે, તૂ પૂછ જીન. બડી બાઈજી માનો દેઈજીકા ઔતાર. લગત હૈ, ઝટસે ઊડ જાઉં અઉર ઉનકે ચરન છૂ લૂં!”

“તો ઈંદોર ચલી જાના, ચાચી.”

“અબ કાહેકા આના જાના? અબ બડે ઘર જાના!”

“બડે ઘર જાને કો અભી બહુત સમય પડા હૈ.”

“તુ કિત્તે દિન ઠહરને વાલી હૈ? અબ ઈત્તી દૂર આઈ હૈ તો ઠહર જા મહિનાભર.”

“નહિ ચાચી, મેરા વાપસી કા ટિકટ રિઝર્વ હો ચૂકા હૈ. યહાં આ કર ચાર દિન હુએ. અબ અગલે તીન દિનમેં રૂપમતી આ ગઈ તો મિલ લેંગે. વૈસે શેખર ઔર ઉસકી બહુ ભી હમેં છોડને કો કહાં તૈયાર હૈં? પર ઘરકા ખ્યાલ ભી તો કરના પડતા હૈ, ચાચી.”

“અબ તૂને ઠીક કહા. ઔરત જાતકો ઘરકા ખ્યાલ ઈસ્વરસે ભી બઢ કર હોઊત. ચાહે તુમ કિત્તા ભી પઢ લીખ લો!”ચંદ્રાવતી મનમાં જ હસી. સત્વંતકાકી અને બા! કેવા એક સરખા વિચાર છે બેઉ જણીનાં!
***
કાલ કે પરમ દિવસ સુધીમાં જામુની અહીં આવી જશે. દસ - બાર વર્ષમાં તૂટેલાં સ્નેહનાં બંધન પાછાં બંધાશે - ફરીથી તૂટી જવા માટે જ તો! તેમ છતાં જામુનીને મળવાની સંભાવનાનો આનંદ મનમાં જ માણતી ચંદ્રાવતી ઘર તરફ જવા નીકળી. 

બંસી કાહેકો બજાઈ - પ્રકરણ ૨૪

“હવે અહીં છોકરા - છોકરીઓની સંયુક્ત કૉલેજ શરુ થઈ છે, સાંભળ્યું કે?” ચંદ્રાવતીને સ્ટેશનથી ઘોડાગાડીમાં ઘેર લઈ જતાં શેખર બોલ્યો. ઘોડાગાડીની પાછળ પાછળ સાઈકલ ચલાવતાં શેખર સારંગપુર શહેરમાં થયેલ પરિવર્તનની રસપ્રદ અને આશ્ચર્યપૂર્ણ વાતો કરી રહ્યો હતો. 

ઈંદોરની મેડિકલ કૉલેજમાં ડૉક્ટર થયા બાદ શેખરની સારંગપુરના ગવર્મેન્ટ હૉસ્પિટલમાં નીમણૂંક થઈ હતી. રજવાડાં ભારતમાં વિલીન થયા બાદ અગાઉનું રાજા વીરેન્દ્રસિંહ હૉસ્પિટલનું નામ સેન્ટ્રલ ગવર્મેન્ટ હૉસ્પિટલમાં પરિવર્તિત થયું હતું. 

“તને અહીં સારંગપુરમાં જ નોકરી મળશે અને દસ વર્ષ બાદ આપણે અહિંયા આવીશું એવો તો મને સ્વપ્ને પણ ખ્યાલ નહોતો,” સારંગપુરની કાયાપલટને આંખોમાં સમાવતાં ચંદ્રાવતી બોલી.

“ડૉક્ટર થયા પછી મધ્યપ્રદેશમાં મને ગમે ત્યાં નોકરી મળે તેમ હતું. તેમ છતાં મેં સારંગપુર જ પસંદ કર્યું. બાબાના નામનો અહીં હજી પણ દબદબો છે. તેમના આશિર્વાદથી જ તો મને અહીં નોકરી મળી. હવે પછી ક્યાં બદલી થશે કોણ જાણે. પણ જીજી, તમે આખા પરિવાર સાથે આવ્યા હોત તો બહુ મઝા આવત. કમ સે કમ તારા નાનકડા શ્રીરંગને સાથે લાવવો જોઈતો હતો.”

“તેને શાળામાંથી ગેરહાજર રહેવું પડ્યું હોત,” ચંદ્રાવતીએ કોઈ જાતના ઉત્સાહ વગર જવાબ આપ્યો. “અને એમની તો વાત જ કરીશ મા. એ કંઈ આઠ દિવસની રજા લે? અશક્ય!”
“આટલે દૂરથી તું આવી એ જ અમારા માટે ઘણું છે. મુન્નાના વાળ ઉતારવાના પ્રસંગે તેની એકની એક ફોઈ આવી ન હોત તો અહીંના લોકોમાં આપણી તો બેઈજ્જતી થઈ જાત, હોં કે!”
“કોઈ તારી નિંદા કરે એ મારાથી કેવી રીતે સહન થાય? એટલે તો હું દોડતી આવી છું,” ચંદ્રાવતીએ હસતાં હસતાં જવાબ  આપ્યો.

સવારના સાડા નવનો સમય હતો. સૂર્યનાં કિરણોમાં હજી કોમળતા હતી. વાતાવરણની ગુલાબી ઠંડી શરીરને ધ્રૂજાવતી હતી. ચંદ્રાવતીએ શરીર પરની શાલ વધુ ખેંચીને લપેટી લીધી.

ગામ બહારથી ચક્કર લગાવીને ઘોડાગાડી સ્ટેશનથી હૉસ્પિટલના કમ્પાઉન્ડમાં આવેલા શેખરના ક્વાર્ટર તરફ દોડવા લાગી. ઠંડી સડકની બન્ને બાજુનાં ખેતરોમાં ઘઉં અને ચણાનો પાક ઝળુંબી રહ્યો હતો. રસ્તાના કિનારા પરનાં વૃક્ષો પર સુગરીના માળાઓની વસાહત થઈ હતી. ખેતરોનાં શેઢા પર લીમડા કે પીપળાના ઝાડ ફરતા થડા પર એકાદી નાનકડી, સુંદર દેરી દેખાતી હતી. દેરીના કળશની બાજુમાં ભગવા રંગના બે ત્રિકોણવાળા ધજાગરા ફરકતા હતા. 
શાકભાજીની વાડીઓમાં ફૂલેવર, કોબી, વટાણાં અને મેથી ખીલીને ઉપર આવ્યાં હતાં.  જમરૂખની વાડીઓ ફળથી લચી રહી હતી. ઠંડી હવા સાથે પમરાઈને આવતા ફળની મધુર સુવાસ ચંદ્રાવતી પોતાના શ્વાસમાં સમાવી રહી હતી. રસ્તામાં ચળકતા ઘડા અને બેડાંની ઉતરડ માથા પર ઊંચકી ઘર તરફ જતી ઘુંઘટ વગર ચાલતી વહુવારુઓની પલ્ટન જોઈ. વચ્ચે જ ગાડી રોકીને ચંદ્રાવતીએ ભાઈને આંખ ભરીને જોઈ લીધો. 

ખેતરો અને વાડીઓ ફરતી વાડ તરીકે ઉગાવેલાં વૃક્ષો પર જેટલાં પાંદડાં એટલાં ફૂલ લટકતા હતા. આછા જાંબુડા રંગનાં પુષ્પ, તેમાંથી પ્રસરતી ઉગ્ર પણ મધુર સુગંધ હવામાં ફેલાઈ હતી. સડકની પેલી પાર આવેલી ઝૂંપડીઓની લાલ માટીની દીવાલ પર સફેદ, આસમાની અને પીળા રંગથી ચીતરેલા મૂછાળા રામ - લક્ષ્મણના અને ઘાઘરા - ઓઢણીમાં સજ્જ સીતાજીનાં પૂર્ણાકૃતિ ચિત્રો હતાં. કોઈ જગ્યાએ મુરલીધર તો કોઈ ઠેકાણે ભાલાવાળા સૈનિક અને ચોપદારનાં ચિત્રો હતાં. ક્યાં’ક  ગાય તો ક્યાંક વાઘ અને સિંહના ચિત્રો હતાં. 
ઝૂંપડીની બહાર લીમડાની નીચે ઢીલી થયેલી કાથીના ખાટલામાં જાણે ખાડો પડી ગયો હોય, તેમાં જીર્ણ કપડાં પહેરેલા જૂની પેઢીનાં વડિલોને બેસીને હુક્કો પીતા ને ઉધરસ કરતાં જોયા. આંબા આંબલીની ડાળ પરથી લટકતા હિંચકા પર ઝૂલવા માટે ભેગા થયેલા નાગાં-પૂગાં બાળકોની ભીડ અને કુમળા તડકામાં ઝાડ ફરતા થડા પર પાંચીકા અને ઠીકરાં સાથે નાનાં ભાઈ બહેનોને રમાડતી જટાની જેમ ગૂંચવાઈ ગયેલા વાળવાળી ફાટેલા કપડાં પહેરેલી  છોકરીઓને જોતાં જોતાં ચંદ્રાવતી આગળ વધી.

ઘોડાગાડી ડાબી બાજુએ વળી અને અચાનક સલવાર - કમીઝ અને સ્વેટર પહેરેલી, વાળમાં ફૂલોનો શણગાર કરી સાઈકલ પર બેઠેલી છોકરીઓનું ઝૂંડ ગામ વચ્ચેની સડક પરથી વળીને ઠંડી સડક પર આવ્યું.
“અરે વાહ! હવે તો અહીંની છોકરીઓ સાઈકલ પર ફરવા લાગી છે ને શું!” ઊંઘમાંથી અચાનક જાગી હોય તેમ ચંદ્રાવતી બોલી.

“અરે, સાઈકલ પર સવારી કરતી છોકરીઓનું અચરજ કરવા જેવું ક્યાં રહ્યું છે? હવે તો અહીંની છોકરીઓ હાફ-પૅન્ટ અને શર્ટ પહેરીને  છોકરાઓની ટીમ સાથે હૉકીની મૅચ રમતી થઈ છે! હાલ હૉકીની સિઝન ચાલે છે. મુન્નાનો મુંડનવિધિ પતી ગયા પછી આપણે મૅચ જોવા જઈશું.

“આ છોકરીઓ ક્યાં જાય છે?”

“મેડિકલ કૉલેજમાં. રાજમહેલની પાછળ રાણીમાનો રાધાવિલાસ પૅલેસ હતો ને? ત્યાં હવે મેડિકલ કૉલેજ થઈ છે.”

“સરસ!” કહી ચંદ્રાવતી ચારે તરફ જોવા લાગી. મેમસાબની કોઠી, રાવરાજાનો ક્લબ પાછળ મૂકી તેઓ આગળ વધ્યા. હવે તેને તેમના બંગલાનો પરિસર દેખાવા લાગ્યો. શેખરે ઘોડાગાડીનું હૅન્ડલ પકડી લીધું અને તેની સાઈકલ ગાડીની સાથે દોડવા લાગી.

“બંગલામાં હજી સાવન તીજ, ઝૂલાબંધન ઊજવાય છે?” કોઈ પંખી હળવેથી સીટી વગાડે એવા સ્વરથી ચંદ્રાવતીએ પૂછ્યું.

“હવે તો બધું બંધ થઈ ગયું છે. બિનસાંપ્રદાયીક રાજસત્તા આવી છે ને!”

“ખરું?”

“મેમસાબની કોઠીમાં હવે પબ્લિક લાઈબ્રેરી ખોલવામાં આવી છે. સેન્ટ્રલ લાઈબ્રેરી કહેવાય છે. ગામ પણ સુધરી ગયું છે, હોં કે!”

“એમ?”

“લક્ષ્મીચોકમાં મોટો ફૂવારો બાંધવામાં આવ્યો છે. રોજ સાંજે તેના પર રંગીન રોશની થાય છે. સાંજે જોવા જઈશું.”

“જરુર.”

“લક્ષ્મીચોકમાં પવારની હવેલીને એ લોકોએ આર્ટ્સ કૉલેજ માટે દાનમાં આપી દીધી. ત્યાં કો-એજ્યુકેશન છે. હવે તો ત્યાં એમ.એ. સુધીના ક્લાસ ચાલે છે,” સહજ ભાવે શેખર બોલ્યો.

“સરસ.”

“ત્રણ વર્ષ પહેલાં પોતાની મિલકત જાયદાદનો નિકાલ કરી વિશ્વાસ ઈંગ્લૅન્ડ વાપસ જતો રહ્યો. તેની સાથે તેની પત્ની અને બાળકો પણ આવ્યા હતા,” શેખર જાણે ઠંડી સડક સાથે વાત કરતો હોય તેમ બોલ્યો અને હળવેથી તેણે બહેન તરફ જોઈ લીધું.

“એમ કે?”

બંગલાની નજીક પહોંચતાં ચંદ્રાવતી ગરદન ફેરવી ડુંગરાની ટોચ પર આવેલા સોનગીરનાં જૈન મંદિરો જોવા લાગી.
બંગલાની લાલ ઈંટની વંડી શરુ થઈ ગઈ. બંગલો નજીક આવ્યો. શેખર જુએ નહિ તે રીતે ચંદ્રાવતીએ આંસુથી છલોછલ થયેલી આંખો લૂછી લીધી.

ઘોડાગાડી શેખરના ઘર પાસે ઊભી રહી. મુન્નાને કેડ પરથી નીચે ઉતારી શેખરની પત્ની ઉમાએ ચંદ્રાવતીને ઝૂકીને નમસ્કાર કર્યા.

***

મુંડનના બીજા જ દિવસે વહેલી સવારે શરીર પર શાલ લપેટી પગ છૂટા કરવાનું બહાનું કરી ચંદ્રાવતી બંગલા પાસે આવી પહોંચી. દબાતા પંજા વડે દૂધની તપેલી સુધી બિલાડી પહોંચે અને ચારે બાજુ નજર નાખી લપ-લપ કરતી દૂધ પીએ તેમ બંગલાને નિહાળી, ઠંડી સડક પરથી તે હળવે રહીને બંગલાની ફાટક પાસે પહોંચી. ધીરેથી ફાટક પાર કરી બગીચો વટાવી ઠેઠ બીલીવૃક્ષ પાસે જઈને તેની પાળ પર બેસી ગઈ. પાળ પરનો સિમેંટ સાવ ઊખડી ગયો હતો. વચ્ચે વચ્ચેની ઈંટો ઢીલી થઈ ગઈ હતી. બીલીના થડ પાસેની માટીમાં ચાર - પાંચ કોડિયાં હતા, જેમાં ટચલી આંગળી જેવી જાડી વાટ હતી. આજુબાજુ અર્ધી બળેલી અગરબત્તીના ટુકડા પડ્યા હતા અને મંકોડાની હાર લાગી હતી. ચંદ્રાવતી ધ્યાનમગ્ન સ્થિતિમાં ઊભી હતી ત્યાં અચાનક ‘ટક ટક’ કરતો ઘંટડીવાળી લાકડી પછડાવાનો અવાજ અંભળાયો. ચંદ્રાવતી ચોંકી ગઈ. પાછળ વળીને જોયું તો તન પર જાડો કામળો લપેટીને આવતો બંગલાનો દરવાન તેની દિશામાં આવી રહ્યો હતો.

“જૈ રામજી કી! આપ કૌન સાહિબા?”

“મૈં છોટે ડાગદરસા’બકી બહિન. ઘૂમને નીકલી થી, સો યહાં આ ગઈ. બંગલા બંધ દિખતા હૈ.”

“માલિક તીન સાલ પહલે આફ્રિકા ચલે ગયે, બ્યૌપાર કરને. વે બંગલા બેચ રહે હૈં. બંગલા ખોલ કર દીખાદૂં?”

“જી નહિ. મારે બંગલો ખરીદવો નથી. અહીં પાળ પર બે - ચાર મિનિટ બેસીને જતી રહીશ.”

દરવાન બંગલાનું ફાટક ખોલી બહાર જતો રહ્યો.

ચંદ્રાવતી લાંબો વખત બીલીના થડા પર નિશ્ચલ બેસી રહી. ધુમ્મસમાં નાજુક શો છેદ કરી સૂર્યનાં કોમળ કિરણો ઝાડની ટોચ પર પડવા લાગ્યા અને વાતાવરણમાં હૂંફ આવવા લાગી. ચંદ્રાવતીની નજર બંગલા પર ચોંટી રહી. બંગલાની આગળની બાજુએ કોઈ ફેર નહોતો પડ્યો. અગાઉ ખુલ્લા રહેતા વરંડા પર હવે જાળી લગાડીને તે બંધ કરવામાં આવ્યો હતો. જાળીની બહારના દરવાજા પર જબરજસ્ત તાળું હતું. બગીચો સાવ ઉજ્જડ થઈ ગયો હતો. આંબા અને જાંબુના ઘેરા ઘટાદાર વૃક્ષો પોતાની જુની અદામાં સળસળાટ કરી રહ્યા હતા પણ જાઈ - જુઈના વેેલાનાં મંડપ, જાસૂદ, મોગરાનાં છોડ અને દર્ભના ક્યારા, લીલા ચંપાનું ઝાડ, બંગલાના કમ્પાઉન્ડ પર પોઢી રહેતી બોગનવિલિયાની વેલ - તેમાંથી કોઈનું કે કશાનું નામોનિશાન નહોતું રહ્યું. ફક્ત ફાટક પાસેનું શેતૂરનું ઝાડ હજી જેમનું તેમ ઊભું હતું. જાણે તેની રાહ જોઈ રહ્યું હોય તેમ!

બીલીની પાળ પરથી ઊઠીને તે બંગલા ફરતી ઘૂમી વળી. પાછળ દૂર સુધી નજર ફેંકી. બંગલાની પાછળના ક્યારાઓમાં જંગલી વેલા ઊગી નીકળ્યા હતા. તેમાંના કાંટાળા છોડ પરનાં કોમળ પત્તાં બે - ત્રણ બકરીઓ બેં બેં કરીને ખેંચી રહી હતી. વેલાઓ અને છોડ પર પીળા અને સફેદ પતંગિયા ઉડી રહ્યા હતા. બંગલા પાછળ આંબાવાડિયું હતું તે અદૃશ્ય થઈ ગયું હતું અને તેની જગ્યાએ એક સંચાના બીબામાંથી ઢાળીને કાઢ્યા હોય તેવા બંગલાઓની કતાર ફૂટી નીકળી હોય તેવું લાગતું હતું.

‘અહીં બડે બાબુજીનું ઘર હતું તે ક્યાં ગયું?’ તેણે તે દિશામાં ધારી ધારીને જોયું તો અચાનક પેલા બંગલાઓની વચ્ચોવચ આવેલું તેમનું લાલ માટીનું બેઠા ઘાટનું મકાન નજરે આવ્યું.
શું હજી તેઓ ત્યાં રહેતા હશે?

તેણે સામેની દિશામાં નજર ફેંકી. સૂર્ય પ્રકાશમાં ગણેશ ટેકરી પર જતો સિમેન્ટ - કૉંક્રીટનો રસ્તો હવે તેને સ્પષ્ટ દેખાવા લાગ્યો. ટેકરી પરની ઘનઘોર ઝાડી હવે સાવ આછી થઈ ગઈ હતી અને ટેકરી પર હૉટેલ જેવી એક ઊંચી ઈમારત ખડી થઈ હતી.

બંગલાની પ્રદક્ષિણા કરી ચંદ્રાવતી પાછી બીલીની પાળ પર આવીને બેઠી. નજીકની જાંબુડીમાં બેઠેલી કોયલના ટહૂકાર તેણે સંાભળ્યા અને દસ વર્ષ પહેલાંની સૃષ્ટિ તેની સામે સાકાર થઈને ઊભી થઈ.

બડે બાબુજી; જામુની ; મિથ્લા : સત્વંતકાકી ; સિકત્તર ; ઝૂલા બંધન ; રાધા ;  કૃષ્ણ ; ગોપી અને ઝૂલાની ચારે કોર ફેરો લઈને સાવન-ગીત ગાતી રંગબેરંગી ઘાઘરા-ચોળી પહેરેલી કન્યાઓ…

‘બંસી કાહે કો બજાઈ - ઈત્તી ક્યા પડી થી?
નીમ તલે મૈં તો મેરે આંગનમેં ખડી થી.”

ગીતની એકાદ - બે કડીઓનો અપવાદ છોડતાં આ ગીત તો હવે ચંદ્રાવતીના મનની સીમા બહાર ફેલાઈ ગયું હતું. વચ્ચે જ કોઈ વાર આ ગીતની એકા’દ પંક્તિ તેના મનના ઊંડા અંતરાળના સમુદ્રમાંથી કૂદીને કિનારા સુધી આવી પહોંચતી અને મુંબઈના ધમાલિયા વાતાવરણમાં પણ તેની નજર સામે નજર ભીડાવીને અદૃશ્ય થઈ જતી.

તડકો ચઢવા લાગ્યો હતો. ચંદ્રાવતી બીલીવૃક્ષની પાળ પરથી ઊઠી. બંગલાની જમણી બાજુએ ચક્કર લેતાં તે પોતાની રુમની બારી પાસે આવીને ઊભી રહી. ગરદન ઊંચી કરીને તેણે બંધ બારી તરફ જોયું. આખરે પગદંડી પરથી શેખરના ઘર તરફ ચાલવા લાગી. અર્ધે રસ્તે સાઈકલ ઝાલી હૉસ્પિટલમાં રાઉન્ડ લેવા જતો શેખર મળ્યો.

“આટલો વખત ક્યાં હતી, જીજી? બ્રેકફાસ્ટ તૈયાર છે અને ઉમા તારી રાહ જોઈ રહી છે,” બહેનની નજીક જઈ શેખર બોલ્યો.

“ખુલ્લી હવામાં સહેજ ફરવા નીકળી હતી. અરે, બડે બાબુજીનું ઘર આ નવા મકાનોની વચ્ચે દેખાયું જ નહિ! શું તેઓ હજી અહીં રહે છે?”

“અહિંયા જ તો હોય છે! એક વાર મળ્યા પણ હતા. જો, સાંજે આપણે નવું ઈલેક્ટ્રીક પાવર  હાઉસ જોવા જવાનું છે. લલિત તિવારી આવીને ખાસ આગ્રહ કરી ગયો છે. તું આવી છે તે જાણીને તને પાવર હાઉસ જોવા લઈ જવાનો કાર્યક્રમ બનાવ્યો છે.”

“લલિત તિવારી?”

“અલી, લલિત - મારો નિશાળના સમયનો દોસ્ત! બંગલે ઘણી વાર આવતો. તું ભુલી ગઈ?”

“એમ કેમ ભુલું?”

“રાતે ડૉક્ટર મિશ્રાએ જમવાનું આમંત્રણ આપ્યું છે.”

“સરસ!”  ચહેરા પર ખુશીનો બનાવટી લેપ ચઢાવી ચંદ્રાવતી બોલી અને ઝપાટાબંધ ઘર ભણી ચાલવા લાગી.
હંમેશ મુજબ તેનું મન વિચારોના ચકડોળે ચઢ્યું : હું પણ કેવી છું! આજે ઉમા પાસે બેસી ભત્રીજાના લાડ લડાવવાનું બાજુએ રહ્યું અને હું આટલો વખત અમારા જુના બંગલા ફરતી ભમરાની માફક ગુંજારવ કરવા બેઠી! ઉમાને કેવું લાગ્યું હશે?

શેખરના ઘરની બાજુએ વળતાં તેને બડે બાબુજીનું લાલ માટીનું બેઠા ઘાટનું મકાન ફરીથી દેખાયું. તેમના આંગણામાં દેખાતા લીમડાનાં પાંદડાં સવારના તડકામાં ચાંદલિયાની જેમ ચળકતા હતા.

હા, આ જ બડે બાબુજીનું ઘર! 

બડે બાબુજીના ઘર તરફ ફરી એક વાર વળીને જોઈ તેણે શેખરના ઘર ભણી જતી પગદંડી પર ચાલવાનું શરુ કર્યું.

***