Tuesday, February 2, 2016

બંસી કાહેકો બજાઈ - પ્રકરણ ૨૧

ગઈ કાલની વાતથી ચંદ્રાવતી વિચારમાં પડી. બર્વેકાકીને કઈ કઈ વાતોની ખબર પડી છે? નિશાળમાં શેખર - જામુની વિશે કોઈ ચર્ચા થઈ છે કે શું? અને કહેવાની વાત તો એ છે કે વડાં કાંઈ સુકાઈને તેનાં કડા નથી થવાના અને તેની સુકી વડીઓ પણ કોઈની આગળ નથી આવવાની. બધું ‘લાઈનબંધ’ થવાનું છે, બર્વેકાકી! તમે ચિંતા ન કરશો.

હવે તો મારા મનની મુરાદ પણ પૂરી થશે…કોને ખબર? જામુનીનું મન દળદાર ફૂલની જેમ ધીરે ધીરે ખીલવા લાગ્યું છે. પણ શેખરના મનમાં શું છે તેની ખબર કાઢવી જોઈશે…શેખરનું મન તો જેમ ઝૂકાવીશ એવું ઝૂકે તેવું છે…જો કે પહેલાં તો મારે મારો પોતાનો વિચાર કરવો જોઈએ.  અર્ધી જિંદગી મા - બાપની છત્રછાયા નીચે રહેવું મારા માટે કાંઈ યોગ્ય ન કહેવાય…

એટલામાં તેને બાનો અવાજ સંભળાયો. “સાંભળ્યું ને, પેલી બર્વેબાઈ કેવો કસીને તાણો મારી ગઈ? આ ભટાણી મહા વક્રભાષી છે,” હૉલમાં આવતાં જાનકીબાઈએ ચંદ્રાવતીને કહ્યું.

“જવા દે ને બા!  એ તો બબડ્યા કરે.”

“તેના કાન પર કોઈ વાત ગયા વગર આ ગોરાણી આવું થોડું બોલવાની હતી?”

“કઈ વાત?”

“મારો શેખર ભોળા શંકર જેવો છે. આ ત્રણે જણાં એક ઘોડાગાડીમાં સાથે બેસીને જવા લાગ્યા ત્યારથી નિશાળના છોકરાં તેને ચિડાવતા હશે, બીજું શું?”

“બા, તું આવી વાતો પર શું કામ ધ્યાન આપે છે?”

“હું ક્યાં ધ્યાન આપું છું? ધ્યાન તો પેલી બર્વી આપે છે. મારો શેખર તો આ છોકરીઓની સાથે એક ઘોડાગાડીમાં જવા હંમેશા નારાજ રહેતો હતો. જામુનીની બંગલામાં આવ - જા તેને ક્યાં ગમે છે? પણ તું આ છોકરીઓનાં ખોટાં વહાલ કરવાનું છોડ. ખાસ તો પેલી જામુનીનાં લાડ કોડ ઓછાં કર.”

“કેમ?”

“છોકરી જુવાન થઈ છે. અંગારા પાસે માખણ રાખીએ તો તે પીગળ્યા વગર થોડું રહેવાનું છે?”

ચંદ્રાવતી કશું બોલી નહિ, પણ તેનું મન ભટકતું રહ્યું.
શેખર - જામુની વચ્ચે થઈ રહેલ નયનોના વાર્તાલાપનું વિલોભનીય દૃશ્ય તેની આંખોની સામે વારંવાર તરતું હતું અને મનોમન તેનું સુખ અનુભવી તે એકલી સ્મિત કરતી રહી.
‘ઘેર આવેલી સ્ત્રીઓને અત્યંત આદરપૂર્વક હળદર - કંકુ લગાડતી, દાડમી રંગની સાડીમાં ગોરી ગોરી જામુની કેવી શોભી રહી હતી! જામુનીને હળદર - કંકુ લગાડવાનું મેં કહ્યું તેથી બાએ મારી તરફ કરેલા તાતા કટાક્ષ મેં સહજ રીતે ઝીલી લીધાં હતાં. રહી જામુની - શેખરની વાત. બા ગમે એટલી આનાકાની કરે, પણ દીકરાની ઈચ્છા વિરુદ્ધ તે થોડી જશે? અહીં તો ઉચ્ચ કૂળનાં લોહી સાથે ભેળસેળ થવાની બીક નથી કે નથી આવવાનો કોઈ ગરાસ ગુમાવવાનો ડર. અરે, સગાં વહાલાંઓની તમા રાખવાની પણ કશી જરુર નથી. આપણા સમાજમાં છોકરાએ કરેલા હજાર ગુના માફ હોય છે. આવતા ચાર વર્ષમાં - શેખર જામુની સાથે લગ્ન કરે ત્યાં સુધીમાં દુનિયા, ખાસ કરીને અમારા સગાં વહાલાંઓની દુનિયા કેટલી આગળ નીકળી ગઈ હશે!

સવાલ છે શેખરનો. એના મનમાં જામુની વિશે કેવી ભાવના છે તે જાણવું જોઈશે. જ્યાં સુધી મારો સવાલ છે, મારે આ ગામઠી પણ બુદ્ધિમાન છોકરીને કેળવી, પલોટી ચળકાવવાની જરુર છે. અમારા ઘરના રીત - રિવાજ એને શીખવવા પડશે અને ભોજન, પૂજનમાં સ્વચ્છતા કેવી રીતે જાળવવી તે શીખવી બા - બાબાની વહુ તરીકે તેને વાજતે ગાજતે આ બંગલામાં લાવવાની છે…

બસ, આમ કરવાથી જ મારા હાથે થયેલા પાપનું અંશત: પરિમાર્જન થશે. મારા નસીબમાં તો પ્રેમલગ્ન નહોતાં લખાયાં, પણ તે જામુનીના ભાગ્યમાં છે. મને લાગે છે કે એણે તો શેખર પર પોતાનો જીવ ઓળઘોળ કરી નાખ્યો છે.

મામાએ મારા માટે સૂચવેલ મુંબઈના સબનીસ ખાનદાન સાથેની વાત પાકી થાય અને મારાં ત્યાં લગ્ન થાય એટલે મારું અહીંનું જીવન સમાપ્ત થશે. હું સાસરે જઈશ ત્યારે બા પાસે તો કોઈક જોઈશે કે નહિ? શેખર જામુની માટે હઠ કરશે અને હું પહાડની જેમ મક્કમ થઈ તેને સાથ આપીશ.’
***

જાનકીબાઈના સખત અણગમાની પરવા કર્યા વગર ચંદ્રાવતીએ જામુનીને શીખવવાનું ચાલુ રાખ્યું. અભ્યાસ ન હોય તો પણ જામુની બંગલે આવતી રહી. ચંદ્રાવતીના સીલાઈ મશીન પત ચણિયા - ચોળી સીવવા તો કદીક ભરતકામના ટાંકા શીખવા કે સ્વેટર વણવાનું શીખવા. બરાબર તે વખતે શેખરને તેના ખમીસનું બટન સંધાવવા, જીર્ણ થયેલા કૉલરને ઉલટાવવાની જરુર પડે અને બહેનની રુમમાં પહોંચી જાય! આવું થાય ત્યારે ચંદ્રાવતી અર્થપૂર્ણ નજરે જામુની તરફ કટાક્ષ કરે અને જામુની શરમાઈને શેખર તરફ જોઈ તેના હાથમાંથી ખમીસ લે. થોડી વારે જોઈતું સમારકામ કરી ચૂપચાપ શેખરના કમરામાં જામુની જઈ તેને તેનાં કપડાં આપે. ઘણી વાર શેખર બૂમો પાડે : 'મારી પેન જડતી નથી. 'કોઈ' શોધી આપો! અને તે સાંભળી જામુની તેના કમરામાં દોડી જાય અને પેન શોધી આપે. તેના હાથમાં પેન આપતી વખતે જામુનીનો નાનકડો હાથ શેખરના પંજામાં સપડાઈ જાય! ચંદ્રાવતી આ બધું જોતી હતી અને મનમાં ખુશ થતી હતી.

કોઈ વાર સાંજે જાનકીબાઈ હનુમાનજીના મંદિરમાં ગયા હોય ત્યારે શેખર દૂરબીન લઈ અગાસીમાં પહોંચી જાય. તે વખતે ચંદ્રાવતીની રુમમાં અભ્યાસ કરવા કે સીલાઈકામ કરવા આવેલી જામુનીને તેનો અણસાર આવતાં તે ઉપર દોડી જતી. તેની સાથે આવેલી મિથ્લાને ચંદ્રાવતી સીલાઈકામમાં રોકી રાખતી. જાનકીબાઈને મંદિરમાંથી પાછા આવતાં જોઈ ચંદ્રાવતી હળવા સાદે શેખરને બોલાવે અને જામુની ચંદ્રાવતીની રુમમાં આવી સીલાઈકામમાં મશગૂલ થઈ જાય. હવે શરુ થઈ જામુની - મિથ્લા વચ્ચે જુગલબંધી!

“ઈત્તી દેર ઉપર તૂ કા કરત્તી?”

“સિતારે દેખત રહી, પગલી.”

“જબ દેખો મુઝે ટાલતી રહેતી હો, મૈં  ખૂબ જાન ગઈ હૂં.”

“કા જાન ગઈ હો?”

“તુઝે ક્યોં બતાઉં? મૈં તો માં કો હી બતાઉંગી.”

“તો બોલ દે.”

“પરસોં મામાજી આયે થે સહર સે. માં સે ઝઘરે ઔર કહતે થે, પૂરે સારંગપુરમેં ચર્ચા હોત રહી હૈ કી તૂ અપની મોડી કો દખનીકે ઘરમેં દે રહી હો ઔર બિરાદરીમેં અપની નાક કટવા રહી હો. ઈધર સિકત્તર ભી હમેં આતે જાતે ટોકતા રહેતા હૈ,” રડમસ અવાજમાં મિથ્લા બોલી.

“ક્યા બોલતા હૈ સિકત્તર?”

“કહેતા હૈ તેરી જીજી અબ દખની બનનેવાલી હૈ, મિથ્લા. અબ તુઝે તેરી બિરાદરીમેં  કોઈ લડકા પાસ નહિ કરેગા. તુ જનમભર અપને મા-બાપકે ઘરમેં હી પડી રહેગી.”

“ભાડમેં ગયા સિકત્તર.”

ચંદ્રાવતીએ બન્ને બહેનોને સમજાવી શાંત કરી અને મિથ્લાને કહ્યું કે આમાંની કોઈ વાત સત્વંતીકાકીને ન કરવી.  

***
શેખરના મનના અંતરંગની વાત હવે ચંદ્રાવતી જાણી ગઈ હતી. આઠ દિવસ પર જ તેની તેને મનોમન ખાતરી થઈ.

મિથ્લા - જામુનીના હાથમાં મેંદી લગાડવાની હોય તો સત્વંતકાકી જાણે છાણાં થાપતાં હોય તેમ બન્નેનાં હાથમાં મેંદી થાપી દેતાં. આ વખતે મેંદીનો કટોરો લઈ બન્ને બહેનો ચંદ્રાવતી પાસે આવી. “જીજી, અમારા હાથ પર ફૂલદાર ડિઝાઈન બનાવી આપો!”

ચંદ્રાવતીની રુમમાં શેખર પલંગ પર પડ્યો વાંચવાનો ઢોંગ કરી રહ્યો હતો. ખરું તો તે જામુનીની રાહ જોઈ રહ્યો હતો. બન્ને બહેનોને આવેલી જોઈ તે મજાકમાં બોલ્યો, “તમે છોકરીઓને ખરી મઝા કરવા મળે છે! હાથમાં નકશીદાર મેંદી, સારાં સારાં રંગબેરંગી કપડાં - અને અમને સાદા શર્ટ -પૅન્ટ, ઝભ્ભા - લેંઘા અને હવે રોજ દાઢી કરવાની ઝંઝટ!”

“તને મેંદી લગાડી દઉં?” ભાઈ તરફ ગરદન ફેરવી ચંદ્રાવતી બોલી.

“ના રે ના! હું તો તમારી મેંદી લગાડવાની ક્રિયા જોઈ રહ્યો છું.”

“ઓહ, તો એમ વાત છે! અમને લાગ્યું તમારો અભ્યાસ ચાલી રહ્યો છે. જો, હું મારા ડાબા હાથ પર મેંદી લગાડું છું. ત્યાં સુધીમાં જામુનીના હાથ પર તું મેંદી લગાડી આપ. તેના જમણા હાથ પર એક સરસ ફૂલ અને વેલની ડિઝાઈન દોરી કાઢ..”

બહેનની આજ્ઞાનું પાલન કરવા માટે આતુર થઈને બેઠેલા ચાકરની જેમ શેખર તરત પલંગ પરથી નીચે ઉતર્યો. તેણે જામુનીનો જમણો હાથ પોતાના હાથમાં લીધો અને કાગળની ભૂંગળીમાં મેંદી ભરી જામુનીના હાથમાં ફૂલ અને વેલની ડિઝાઈન દોરવા મંડી પડ્યો. તેની મગ્નતા જોઈ ચંદ્રાવતીએ તેના કાનમાં કહ્યું, “આના હાથમાં મેંદી તો લગાવી રહ્યો છે, પણ નિભાવી એટલે થયું!”

“નિભાવી લેવા માટે શું કરવાનું હોય છે?”

“તને બધી ખબર છે! નકામાં ઊઠાં ન ભણાવ મને! જો તો, જામુનીના હાથમાં અંગ્રેજીનો ‘એસ’ અક્ષર ચિતર્યો છે તે મને સ્પષ્ટ દેખાય છે,” ચંદ્રાવતી ખુશીના આવેશમાં બોલી પડી.

મિથ્લા ભાઈ બહેનનું સંભાષણ ધ્યાનપૂર્વક સાંભળતી હતી અને જામુની લજ્જાથી ચૂર ચૂર થઈ ગઈ હતી.

“ના - ના જીજી, એવું કંઈ નથી, હોં કે! આ તો ફૂલનો વેલો દોર્યો છે,” આખર થોથરાતાં બોલ્યો.

“ચાલ હવે, લબાડ ક્યાં નો!”

એટલામાં “શેખ…ર, ગામમાં પંડિતજીને ઘેર જઈ એકાદશીના વ્રતનું કહી આવ એમ કહ્યું હતું ને?"  એવું ઉગ્ર સ્વરમાં કહેતાં જાનકીબાઈ ચંદ્રાવતીના કમરામાં આવ્યાં.

“લે, અા નીકળ્યો જ!” કહી જામુનીના હાથ પર મેંદી લગાડવાનું કામ અધવચ્ચે મૂકી શેખર ઝપાટાબંધ ચંદ્રાવતીના કમરામાંથી બહાર નીકળી ગયો.

(ક્રમશ:)

No comments:

Post a Comment