“જય મહાકાલી! આયો ગોરખાલી !”
કૅપ્ટન પીયૂષ: ૬ સપ્ટેમ્બર ૧૯૬૫:
મિલિટરીમાં સૈનિકો બે વસ્તુઓની ચાતકની જેમ રાહ જોતા હોય છે: એક તો ઘેરથી આવતા પત્રની અને વર્ષમાં મળતી બે મહિનાની ‘ઍન્યુઅલ લીવ’ની. ઘણી વાર તો સૈનિકોને પૂરી રજા માણવાની તક પણ મળતી નથી, કેમ કે પાડોશી દેશના કોઇ ને કોઇ ઉપદ્રવને કારણે સૈનિકોને રજા પરથી પાછા બોલાવવામાં આવે છે.
આવી જ રીતે બે મહિનાની રજા પર ગોરખા રેજીમેન્ટના યુવાન કૅપ્ટન પીયૂષ અમદાવાદ આવ્યા હતા. થોડા દિવસ સગાવહાલાંઓને મળવામાં ગાળ્યા અને એક દિવસ મિત્રની સાથે ફિલ્મ જોવાનું નક્કી કર્યું. સવારે શહેરમાં જઇ ઍડવાન્સ બુકિંગ કર્યું અને બપોરનું ભોજન કરવા બેઠા. સાથે રેડીયો ઑન કરી વિવિધ ભારતીમાં ગીત સાંભળતા હતા ત્યાં અધવચ્ચે ગીત બંધ થયું અને આકાશવાણીના ઍનાઉન્સરના ગંભીર શબ્દો સંભળાયા:
“એક અગત્યની સૂચના. રજા પર ઘેર ગયેલા બધા સૈનિકો તથા અફસરોને જણાવવામાં આવે છે કે તેમની રજા રદ કરવામાં આવી છે. તેમણે તરત જ પોતાના યુનિટમાં પાછા પહોંચી જવું. આ અંગેના લેખિત હુકમ દરેક સૈનિકને મળી જશે. સૂચના સમાપ્ત થઇ.”
લેખિત હુકમની રાહ જુએ તેવા આ અફસર નહોતા. ભોજન પતાવીને તેમણે સામાન પૅક કર્યો અને સીધા કાળુપુર સ્ટેશન પર પહોંચી ગયા. રજા પર જતાં પહેલાં તેમની બટાલિયન પંજાબના કપુરથલા શહેરમાં હતી. આકાશવાણી પરની સૂચના સાંભળી તેમનબે તરત ખ્યાલ આવ્યો કે બટાલિયન ત્યાંથી સીધી સીમા પર - કે સીમા પાર પહોંચી ગઈ હશે. અમદાવાદના સ્ટેશન પર સેવારત મિલિટરીના મૂવમેન્ટ કન્ટ્રોલ ઑફિસરને મળી પોતાના યૂનિટનું ‘NRS’ - Nearest Railway Station પૂછ્યું.
“તમારૂં યુનિટ 5/9 ગુરખા રાઈફલ્સ છે? એક મિનીટ, સર.....હા, તેનું NRS પઠાણકોટ છે.”
લગભગ ચોવીસ કલાકના પ્રવાસ બાદ કૅપ્ટન પીયૂષ પઠાણકોટ પહોંચી ગયા. આમ તો તેમને રસ્તામાં જ ખબર પડી ગઇ હતી કે પાડોશી દેશ સાથે લડાઇ શરૂ થઇ ગઇ હતી. પઠાણકોટ સ્ટેશન પર મુવમેન્ટ કન્ટ્રોલે તેમને કહ્યું, "સર, આપનું યુનિટ પાકિસ્તાનમાં જ અજાણ્યા સ્થળે આવેલી યુદ્ધભૂમિ પર મોરચો બાંધીને બેઠી છે. તમારી બટાલિયનનો B- Echelon Area ( કિચન અને કોઠારની જગ્યા) સુધી પહોંચાડવાની વ્યવસ્થા અમે કરી છે. ત્યાંથી આગળ યુદ્ધભુમિ સુધી પહોંચાડવાનો બંદોબસ્ત તમારા ક્વાર્ટરમાસ્ટર કરી આપશે,”
કૅપ્ટન પિયૂષ સાંબા જીલ્લામાં પાકિસ્તાનની સીમા પર આવેલ રામગઢ નામના નાનકડા ગામના પાદર પર આવેલ તેમના યુનિટના બી-ઍશલૉનમાં પહોંચી ગયા. લડાઇ પૂર જોશમાં ચાલી રહી હતી. પરિસ્થિતિ એવી હતી કે આપણી સૈનિકોની થોડી પણ હિલચાલ દેખાતાં જ શત્રુના છુપા Observation Post માં બેઠેલા સૈનિકો તેમના તોપખાનાને તેની સૂચના આપી, જગ્યાની એંધાણી આપી આપણા સૈનિકો પર બૉમ્બ વર્ષા શરૂ કરવતા હતા. ક્વાર્ટરમાસ્ટરે તેમની બટાલિયન ક્યાં છે એ તો જણાવ્યું, પણ ત્યાં સુધી તેમને લઇ જવા માટે અશક્તિ દર્શાવી. “છેલ્લા ચાર દિવસથી આપણી રાશનની ગાડીઓ બહાર નીકળે કે દુશ્મન તોપમારો કરે છે. તું આવ્યો તે પહેલાં જ તેમના F-86 વિમાનોએ ‘સ્ટ્રેફીંગ’ કરી આપણા સ્ટોર અને રાશનની ગાડીઓ ઉડાવી દીધી હતી. આજે રાતે મોરચા પર પહોંચવાનો ફરીથી પ્રયત્ન કરીશું. અંધારૂં થાય ત્યાં સુધી અહીં રોકાઇ જા.”
“બસંતસિંહ, હું રાત સુધી રોકાવા તૈયાર નથી. મારે પલ્ટનમાં તરત પહોંચવું છે. દિવસના અજવાળામાં ચાલી નીકળીશ તો સાંજ સુધીમાં પહોંચી જઇશ.”
કૅપ્ટન બસંતસિંહ આ સુકલકડી પણ ટટ્ટાર બાંધાના પોતાના સાથી અફસર તરફ જોઇ રહ્યો. પીયૂષે સવારમાં મળેલ સિચ્યુએશન રીપોર્ટમાં જોયું કે તેમની બટાલિયન ક્યા સ્થાન પર છે. One-inch-to a-mile ના સ્કેલના નકશામાં જોઇ તેમણે ગ્રીડ રેફરન્સ કાઢ્યો અને નીકળવાની તૈયારી કરી. કૂચ કરવા માટે ૧૭ કિલો વજનની ઇક્વીપમેન્ટ પીઠ પર ચડાવી. ખભા પર રાઇફલ ટાંગી. કમર પર ખુખરી અને રાઈફલની ૫૦ ગોળીઓ, બે ગ્રેનેડ્ઝ અને સાઈડ પૅકમાં બે દિવસનું એમર્જન્સી રાશન, પાણીની બાટલી, નકશો અને પ્રીઝ્મેટીક કમ્પાસ (હોકાયંત્ર) લઇ ભર બપોરના એકલા જ પાકિસ્તાનના સિયાલકોટ જીલ્લાના પ્રદેશમાં નીકળી પડ્યા. રસ્તામાં પડતા ગામડાંઓમાં છુપાઈને ગોળીબાર કરતા પાકિસ્તાનના સિપાઈઓ તથા Forward Observation Officer દ્વારા કરાવાતી બૉમ્બવર્ષાથી બચી આગેકૂચ કરત રહ્યા. કોઈ વાર રસ્તમાં રોકાઇને હોકાયંત્ર તથા નકશામાં અંશ-કોણ તપાસી યોગ્ય દિશામાં જઇ રહ્યા છે કે નહિ જોઇ તેઓ કૂચ કરતા રહ્યા. રાતના સમયે તેઓ પાકિસ્તાનના મહારાજકે નામના ગામની સીમમાં સંરક્ષણાત્મક પોઝીશનમાં બેઠેલી બટાલિયનના હેડક્વાર્ટરમાં પહોંચ્યા ત્યારે કમાન્ડીંગ ઑફિસર કર્નલ ગરેવાલ ચકિત થઇ ગયા. ૩૬ કલાક અગાઉ મોકલાવેલા તારના જવાબમાં કેવળ સો-બસો કિલોમીટરના અંતરે રહેતા અફસર હજી બટાલિયનમાં પહોંચ્યા નહોતા. અહીં તો લગભગ હજાર કિલોમીટરથી પણ વધુ દૂર રહેતા કૅપ્ટન પીયૂષ સતત ટ્રેન, ટ્રક અનેનકશા-હોકાયંત્રની મદદ વડે પાકિસ્તાનમાં અજાણી જગ્યાએપગપાળા પહોંચી ગયા હતા.
નરેનની વાત:
સ્થળ: પાકિસ્તાનના સિયાલકોટ જિલ્લાના મહારાજકે નામના ગામની સીમમાં આવેલી જમરૂખની વાડી. તારીખ: ૮ સપ્ટેમ્બર ૧૯૬૫ની સવાર.
રોજ સવારે અફસરોને દિવસના હુકમ તથા યુદ્ધની સ્થિતિની માહિતી મેળવવા માટે અમે 5/9 GRના સીઓ કર્નલ ગ્રેવાલના બંકરમાં જઈએ. તે દિવસના ‘બ્રીફીંગ’માં મેં એક નવા અફસરને જોયા. મીટીંગ પતી ગયા બાદ હું તેમને મળ્યો અને મારો પરિચય આપ્યો.
“આય ઍમ પીયૂષ ભટ્ટ,” તેમણે પોતાનું નામ કહ્યું.
“ભટ્ટ એટલે ગઢવાલના કે કુમાયૂંના?” મેં પૂછ્યું.
ભટ્ટ હસી પડ્યા. “બેમાંથી એકેયનો નહિ. હું ગુજરાતનો છું !”
કેપ્ટન ભટ્ટ અને લેફ્ટનન્ટ નરેન: બન્ને એક જ શહેરના રહેવાસી, પણ એક બીજા વિશે અમને ખબર નહોતી! ૧૯૭૧માં અમદાવાદમાંથી કેવળ ત્રણ ગુજરાતી યુવાનો મિલિટરીમાં અફસર હતા: કૅપ્ટન દિનકર દેસાઈ, કૅપ્ટન પીયૂષ ભટ્ટ અને લેફ્ટેનન્ટ નરેન્દ્ર ફણસે. ઝાંસીની આસપાસના જંગલોમાં ત્રણ મહિના પહેલાં થયેલી યુ્દ્ધકળાના અભ્યાસની એક્સરસાઇઝમાં પણ અમે મળ્યા નહોતા. મળ્યા તો પાકિસ્તાનના ચરવાહ પાસેના મહારાજકે ગામની જમરૂખની વાડીમાં! જ્યાં અમારા પર શત્રુના તોપખાનાના બૉમ્બ ગમે ત્યારે અમારા પર વરસતા હતા.
આ મુલાકાત બાદ પાકિસ્તાનના ફિલ્લોરા ગામ પાસે ઘમસાણ યુદ્ધ થયું. તેમાં આપણી સેનાએ મેળવેલ ફતેહ એક ઐતિહાસીક બનાવ હતો. તેનું વર્ણન અગાઉ જણાવ્યું છે, તેથી તેની પુનરાવૃત્તિ નહિ કરૂં. કેવળ કૅપ્ટન ભટ્ટની કામગિરીની વાત કહીશ.
ફિલ્લોરા પરના વિજય બાદ પીછેહઠ કરી ગયેલી પાકિસ્તાનની સેનાની એક ટૅંક અમારી સામેના ‘No man’s land’માં આવેલા શેરડીના ખેતરમાં સંતાઇને અમારા પર ગોલંદાજી કરીને જગ્યા બદલતા રહેતા હતા. કર્નલે કૅપ્ટન ભટ્ટને આ ટૅંક શોધી તેને ઉડાવી દેવાનું કામ સોંપ્યું. વાઘનો શિકાર કરવા પગપાળા જવા સમાન આ ખતરનાક કામ હતું. સ્વાભાવિક છે કે આ કામ પર જનાર ટુકડીને ‘ટૅંક હન્ટીંગ પાર્ટી’ કહેવામાં આવે છે.
રાતના અંધારામાં કૅપ્ટન ભટ્ટ પોતાની આગેવાની નીચે છ સૈનિકોની ટુકડીને લઈ બહાર પડ્યા. અવાજ કર્યા વગર તેઓ શેરડીના ખેતરમાં ઉતરી દુશ્મનની મોરચાબંધીમાં ગયા. આ કામ સહેલું નહોતું. બે દિવસ ઉપર મધરાતના સમયે 6 Maratha Light Infantryના કર્નલ મનોહર આ કામ પર ગયા હતા. તેમના કમભાગ્યે દુશ્મન પોતાની ટૅંક્સ પર ફિટ કરેલી રાતના સમયે જોઈ શકાય તેવી ઇન્ફ્રા-રેડ કિરણની દૂરબીનથી તેમને જોઈ ગયા હતા. તેમના પર છોડાયેલ મશીનગનના મારામાં કર્નલ મનોહર વીર થયા હતા.
કૅપ્ટન ભટ્ટ આ વાત જાણતા હતા તેથી તેઓ તથા તેમની આગેવાની નીચેના સૈનિકો ચિત્તાની જેમ ચપળતાથી જમીન પર સરકતા ટૅંકની નજીક પહોંચ્યા. કૅપ્ટન ભટ્ટે ટૅંકની
બે દિવસ બાદ અમારી બટાલિયનને બીજી કામગિરી મળી: પાકિસ્તાનના જ કલ્લેવાલી નામના ગામની નજીક દુશ્મનની મોરચાબંધી પર હુમલો કરી તેના પર કબજો કરવાનું. અહીં આવી પહોંચનારી કૂમક આગળ આક્રમક કારવાઇ કરવાની હતી. આમ કલ્લેવાલી ગામની નજીક રાતના સમયે ભારતીય સેનાની બે બટાલિયનોના આ મિલન સ્થાન - firm base પર પહોંચે અને તેમના પર દુશ્મન બૉમ્બવર્ષા ન કરે તે માટે દુશ્મનનું ધ્યાન બીજે દોરવાનું કામ કૅપ્ટન ભટ્ટને સોંપાયું.
આ માટે તેમણે કુનેહપૂર્વક યોજના કરી. તેઓ તેમની થ્રી-ઇન્ચ મૉર્ટર (ઇન્ફન્ટ્રીના ‘મિનિ તોપખાના)ની પ્લૅટૂનને લઇ તેઓ ફર્મ બેઝની પૂર્વ દિશામાં ૭૦૦-૮૦૦ ગજ દૂર ગયા. ત્યાં મૉર્ટર્સ ગોઠવી દુશ્મનની હરોળ પર તેજ ગતિથી ગોલંદાજી કરી. દુશ્મન પાસે અમેરિકાએ આપેલા યંત્રોમાં એવું ઉપકરણ હતું કે તેમના પર પડેલા ગોળાઓના ખાડા પરના કોણ પરથી reverse angle કાઢી શકતા હતા. તેના આધારે કઈ જગ્યાએથી તેમના પર કૅપ્ટન ભટ્ટની મૉર્ટર્સ ગોલંદાજી કરી રહી હતી તેનું ચોક્કસ સ્થાન મેળવી તેના પર ભારે તોપનો મારો કરી શકે તેવી સ્થિતિમાં હતા. દુશ્મન reverse angle કાઢે તે પહેલાં કૅપ્ટન ભટ્ટ પોતાની મૉર્ટર્સ ઉંચકી મૂળ સ્થાનની વિરૂદ્ધ દિશામાં - લગભગ ૩૦૦ - ૪૦૦ મિટર દૂર દોડી ગયા અને ત્યાં પહોંચી મૉર્ટર્સ ગોઠવી અને ફરી ગોલંદાજી કરી. આમા તેઓ સ્થાન બદલતા રહ્યા. આ કારણે તેઓ પોતે અને તેમના સૈનિકો દુશ્મનની ગોલંદાજીથી બચતા ગયા,અને ફર્મ બેઝ પરથી દુશ્મનનું ધ્યાન બીજે દોરતા રહ્યા. આ કામ સહેલું નહોતું: એક મૉર્ટરનું વજન ૫૦ કિલોગ્રામ હોય છે, અને તેના એક એક ગોળાનું વજન ૭-૮ કિલોનું હોય છે. આવી ત્રણ મૉર્ટર્સ અને ૩૦ ગોળાઓ ઉંચકીને કૅપ્ટન ભટ્ટ અને તેમના પચાસ જવાનો પાકિસ્તાનની આપણા માટે સાવ અજાણી એવી એક જગ્યાએથી બીજી જગ્યાએ દોડીને જતા હતા. આનું પરિણામ એ આવ્યું કે દુશ્મન કૅપ્ટન ભટ્ટે ખાલી કરેલી જગ્યા પર ગોળા વરસાવતા રહ્યા અને જ્યાં આપણી સેનાએ 'ફર્મ બેઝ' બનાવ્યો હતો તે સુરક્ષીત રહ્યો, જ્યાંથી આગળના હુમલાઓ સફળ થયા.
૨૩મી સપ્ટેમ્બર ૧૯૬૫ના રોજ પૂરું થતાં હું મારી બટાલિયનમાં પાછો ગયો. મારી બટાલિયન તથા કૅપ્ટન ભટ્ટની બટાલિયન જુદા જુદા સ્થળે ગઇ અને મારો કૅપ્ટન ભટ્ટ સાથેનો સમ્પર્ક તુટી ગયો.
અહીં એક મુદ્દા પર ભાર મૂકીશ. ગુજરાતની પરંપરા રહી છે કે આપણા પ્રદેશમાંથી સૈન્યમાં જોડાયેલા વીર સૈનિકો સમાજના દરેક સ્તર પરથી, દરેક વર્ણમાંથી આવ્યા હતા. એક વાર તેમણે લશ્કરી લેબાસ પહેર્યો, તેમનો વર્ણ એક જ થયો : ક્ષત્રીય. વૈદિક પરંપરામાં વર્ણ માણસના વ્યવસાય પરથી નક્કી થતો હતો. ઋષિ વિશ્વામિત્ર ક્ષત્રીય રાજા હતા અને ગાયત્રી મંત્ર રચી બ્રહ્મર્ષી થયા. ભારતીય સેનાના વિશેષ પાયદળ - જેમ કે શીખ, ગોરખા, જાટ, મરાઠા રેનજીમેન્ટમાં જોડાતા અફસર ગમે તે વર્ણના, ગમે તે પ્રદેશના હોય, કેવળ તેમની રેજિમેન્ટની જ્ઞાતિના ગણાતા.
કૅપ્ટન પીયૂષ ભટ્ટ ગુજરાતી નહોતા રહ્યા. તેઓ ગોરખા તરીકે ઓળખાયા - જે રીતે સુરતના વણિક પરિવારના કૅપ્ટન નાણાવટી, જેમને બીજા વિશ્વ યુદ્ધમાં વીરતા માટે મિલિટરી ક્રૉસ એનાયત થયો હતો, તેઓ મરાઠા તરીકે ઓળખાયા. સુરતના જ જનરલ કાન્તિ ટેલર પંજાબી થયા - તેઓ પંજાબ રેજિંમેન્ટમાં જોડાયા હતા.
કૅપ્ટન ભટ્ટની વાત અહીં પૂરી નથી થતી. આગળની વાત આવતા અંકમાં.
You have written very well here. We read here. like you i have also written top interior designers in ahmedabad
ReplyDeleteYou have written very well here, I have also written Interior designer in Ahmedabad like you.
ReplyDeleteApart from Kark rashi name boy you will also get
i m defence person i real proud of my self and every soilder...
ReplyDelete