Wednesday, August 24, 2011

સોશિયલ વર્કરની નોંધપોથી: છેલ્લું પ્લેસમેન્ટ

હોમલેસ ફૅમિલીઝનો પહેલો પરિચય જીપ્સી માટે આઘાતપૂર્ણ હતો. એમ્સફર્ડમાં આવેલી મોટેલમાં કામ કરવા જતાં પહેલાં ચાઇલ્ડ પ્રોટેક્શન સર્વિસના સોશિયલ વર્કરની સાથે તે બ્રૉંક્સમાં આવેલ એક મોટેલમાં ગયો હતો. આ વિસ્તાર એટલે urban decayના સૌથી ઉતરતા દરજ્જાનો નમૂનો હતો. અહીં હતા બિસ્માર હાલતના મકાનો, રસ્તાના ખૂણે નશીલા પદાર્થનું સેવન કરીને બેસેલા કે પડી રહેલા લોકો અને ભંગારમાં મોકલવા લાયક જુની મોટર કાર્સ. ફૂટપાથ પર કેટલાક બંધાણી પૂંઠાના પાટિયા પર 'બેઘર અને ભૂખ્યો' (Homeless and Hungry) લખી, પોતાની સામે ડબલું મૂકી ઝોકાં ખાતા હતા. અહીં એક પાંચ માળની મોટેલ હતી. આને મોટેલ કહેવા કરતાં કિલ્લો કહેવો વધુ યોગ્ય ગણાશે. મોટેલના પગથિયા પર ચાર ભયંકર સ્વરૂપના પહેલવાન ચોકીદાર બેઝબૉલની બૅટ્સ લઇને ઉભા હતા અને મોટેલમાં જવા માગતા લોકોનાં તેઓ પહેચાન પત્ર તપાસતા હતા. સોશિયલ સર્વીસીઝની ચાઇલ્ડ પ્રોટેક્શન સર્વિસ કેટલી શક્તીશાળી હોય છે તેનો અનુભવ ત્યારે આવ્યો જ્યારે જીપ્સીની સાથેનાં બહેને પોતાનું ઓળખપત્ર કાઢી, એક પહેલવાનને અધિકારપૂર્ણ શબ્દોમાં કહ્યું, “ I am from the CPS,” અને તરત પેલા પહેલવાને તેમને માનપૂર્વક “પધારો મૅડમ,” કહી મોટેલનો લોખંડનો તોતિંગ દરવાજો ખોલ્યો. આ દરવાજો ટલો મજબૂત હતો કે તેને અંદરથી ખોલવામાં ન આવે તો અંદર પ્રવેશ કરવો મુશ્કેલ હતું. અંદર ભારે રાઇફલ તથા અૉટોમેટીક પિસ્તોલથી લદાયેલા બીજા બે પહેલવાન હતા. સામાન્ય રીતે મોટેલના રિસેપ્શનીસ્ટનું કાઉન્ટર અને ડેસ્ક ખુલ્લું હોય, તેની જગ્યાએ આ રિસેપ્શન મજબૂત લોખંડના પાંજરા પાછળ હતું. અહીં પણ અમને ઓળખપત્ર બતાવી કોને મળવા આવ્યા છીએ તે કહેવું પડ્યું, પણ CPSનો દબદબો ઓછો નહોતો!
અમે CPSના ક્લાયન્ટને મળીને પાછા વળ્યા અને બહાર જોયું તો મોટેલની બહાર જ એક નાનકડો ગ્રોસરી સ્ટોર હતો. દુકાનના પાટીયા પર મોટા અક્ષરોમાં લખ્યું હતું, “અહીં વેલ્ફેરના ચેક વટાવી શકાય છે અને ફૂડ સ્ટૅમ્પ્સ સ્વીકારાય છે."
CPSના સોશિયલ વર્કરને પૂછ્યું તો જાણવા મળ્યું કે આ મોટેલ 'સારા ન કહી શકાય તેવા લોકસમૂહની માલિકીની' હતી. હાલમાં જ તેમને પાંચ વર્ષનો કરાર મળ્યો હતો, અને હંમેશની જેમ રૂમ દીઠ રોજના ૯૦ ડૉલર લેતા હતા. મોટેલ અંદરથી ગંધાતી હતી અને કૉરીડોરની કાર્પેટ લગભગ ઘસાઇ ગયેલી હતી. અહીં રહેનારા લોકો મોટા ભાગે ક્રૅકના બંધાણી હતા. કહેવાતું હતું કે આ પદાર્થ તેમને મોટેલના કાઉન્ટર પર જ મળી જતો. રોકડા પૈસા અાપો તો ‘માલ’ મળે. પૈસા ન હોય તો બંધાણી સ્ત્રીઓ ગમે તે કરવા તૈયાર થાય. સામેની દુકાન પણ મોટેલ માલિકની જ હતી. બધું કામ સરળ. વેલફેરનો ચેક મળે કે તરત સામેની દુકાને જઇ 'રોકડી' કરી લેવાની અને સીધા મોટેલના કાઉન્ટર પર.
અમે જે ‘ક્લાયન્ટ’ને જોવા ગયા હતા તે બહેનની અને તેમના એક વર્ષના બાળકની હાલત ન વર્ણવીએ તો સારૂં. આપ તેને સહન નહિ કરી શકો. બાળકની મા પલંગ પર ક્રૅકના નશામાં બેહોશ પડી હતી અને બાળક ગંદા નૅપીમાં... સોશિયલ વર્કરે મહા મહેનતે તેમનાં ક્લાયન્ટ સાથે સંભાષણ કર્યું અને કહ્યું કે તેની ખરાબ હાલત જોઇ તેના બાળકને કાઉન્સીલના કબજામાં લઇ પાલક પરિવાર પાસે મોકલવું પડશે, અને તેને 'રિહૅબીલીટેશન'માં. અર્ધા ઘેનમાં હોવા છતાં આ બહેન રડવા લાગ્યા: 'મારી બેબીને મારાથી દૂર ન કરશો, પ્લીઝ!"
હોમલેસ પરિવારોનો આ એક અંતિમ-મલિન કક્ષાનો નમૂનો હતો.
બીજી તરફ જ્યાં જીપ્સીને એક મહિના માટે કામ કરવાનું હતું તે 'મોટર લૉજ' ઘણી સારી હાલતમાં હતી. અહીં રહેતા પરિવારો ખરેખર મહેનતુ હતા અને મંદીનો ભોગ બન્યા હતા. દરેક પરિવારને મોટેલનો એક એક સ્વીટ મળ્યો હતો. તેમાં એક બેડરૂમ, બાથરૂમ, નાનકડી પૅન્ટ્રી જેમાં નાનકડો સ્ટોવ અને માઇક્રોવેવ અવન હતાં. મોટેલ એવી જગ્યાએ હતી, ત્યાં બાળકોને રમવા માટે કોઇ ખુલ્લી જગ્યા નહોતી. બે મકાનોની વચ્ચે જે સડક હતી ત્યાં તેમણે બાસ્કેટબૉલનાં થાંભલા અને બોર્ડ લગાવ્યા હતા. ત્યાં અર્ધાથી વધારે હિસ્પૅનીક અને અશ્વેત પરિવાર હતા. સારા વિસ્તારમાં આવેલી હોવાતી આ મોટર લૉજનું સ્તર જરા સારૂં ગણી શકાય. સડકને પેલે પાર ફાસ્ટ ફૂડની દુકાનો હતી. આશ્ચર્યની વાત તો એ હતી નજીકમાં જ અતિ મોંઘી કિંમતો માટે જાણીતો સુપર સ્ટોર 'નૉર્ડસ્ટ્રોમ' હતો!આજુબાજુનો વિસ્તાર કેટલો સમૃદ્ધ હતો તેની આ નિશાની હતી.
પ્રોજેક્ટ હોપને જે કામ સોંપવામાં આવ્યું હતું તે આમ જોવા જઇએ તો સ્પષ્ટ હતું. ફેડરલ સરકારે વેસ્ટચેસ્ટર કાઉન્ટીને ત્યાં રહેતા હોમલેસ પરિવારો માટે ત્રણ સ્તરનું કામ સોંપ્યું હતું. એક તો ત્યાં રહેનારા ભાઇ બહેનોનાં જુના અનુભવના આધારે તેમને ક્યું કામ મળી શકે, અને તેમાં કોઇ વધુ પ્રશિક્ષણની જરૂર હોય તો તે મેળવી આપવું. કાઉન્સીલ તેના પૈસા આપશે. બીજું કામ હતું આવા પરિવારોના પાંચ વર્ષની નીચેનાં બાળકોને નર્સરી અથવા crecheમાં મોકલવાનું. આના માટે કાઉન્સીલે એક પ્રખ્યાત ચાઇલ્ડ ડે કૅર આપનારી સંસ્થાને કૉન્ટ્રેક્ટ આપ્યો હતો. સંસ્થા રાહ જોઇને બેઠી હતી કે ક્યારે પ્રોજેક્ટ હોપના કાર્યકરો બાળકોને ત્યાં મોકલવાનું શરૂ કરે! ત્રીજું કામ હતું કોઇ પરિવારના સદસ્યને કામ મળે તો તેમના માટે મકાન શોધી આપવાનું. આ મકાનોના માલિકોને ફેડરલ સરકાર તરફથી હાઉસીંગ રેગ્યુલેશનના સેક્શન ૮ મુજબ મોટા ભાગનું ભાડું અપાય, અને બાકીનું ભાડવાતે આપવાનું. નવું કામ મેળવેલા લોકો માટે આ વ્યવસ્થા આશિર્વાદ જેવી હતી.
કાઉન્સીલે પ્રોજેક્ટ હોપને ડેડલાઇન આપી હતી કે નિશ્ચીત કરેલી તારીખ સુધીમાં આ કામ પૂરૂં થવું જોઇએ, કારણ કે કાર્યક્રમના 'ઉદ્યાપન' માટે વૉશીંગ્ટન ડીસીથી આસિસ્ટન્ટ સેક્રેટરી આવવાના હતા.
જીપ્સીએ જોયું કે મોટેલમાં કામ કરનારા પ્રોજેક્ટ હોપના કર્મચારીઓ BSWના વિદ્યાર્થીઓ હતા. તેઓ ટૂંકા પગારે વેકેશન પૂરતું કામ કરવા આવ્યા હતા. તેમને સુપરવીઝન આપવા તેમની સંસ્થામાંથી કોઇ આવતું નહોતું. કોઇને સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યા નહોતા કે ક્યા સોશિયલ વર્કરે ક્યું કામ કરવાનું હતું. વળી કોઇને કામની deadline આપવામાં આવી નહોતી. ત્યાં કામ કરવા પ્રોજેક્ટના ત્રણ કર્મચારીઓ અને કાઉન્સીલના વૉલન્ટીયર સર્વીસીઝના એક કો-ઓર્ડીનેટર હતા. વૅકેશન-વર્કર મોટેલના રહેવાસીઓ સાથે કાઉન્સેલીંગનું કામ કરતા અને કિશોરો માટે પર્યટન યોજવાનું કામ કરતા.
જીપ્સીને બે કામ સોંપવામાં આવ્યા હતા. એક તો ન્યુયૉર્ક અને ખાસ કરીને વેસ્ટચેસ્ટર કાઉન્ટીમાં હોમલેસનેસની સમસ્યાનો અભ્યાસ કરવો અને બીજું, મોટેલમાં કામ કરી રહેલ પ્રોજેક્ટ હોપના કર્મચારીઓના સિનિયરની સાથે રહી તેઓ કેવી રીતે કામ કરે છે તેનું નિરીક્ષણ કરી તેમની સાથે કેવી રીતે કામ કરવાની રીત શીખવી.
અા કામ દરમિયાન તેની નજરમાં આવ્યું કે પંદર દિવસ બાદ ફેડરલ સરકારના ઉપપ્રધાન ખાસ તો આ કાર્યક્રમમાં સફળ થયેલા એટલે કે જેમને કામ મળ્યું હતું અને સરકારે કરેલી વ્યવસ્થા અનુસાર સેક્શન ૮ના મકાનોમાં જવા માટે તૈયાર હતા, તેમને મકાનની ચાવી તથા ‘કાર્યક્રમ સફળતાપૂર્વક પૂરો કર્યો છે‘ તેનું પ્રમાણપત્ર આપવા માટે આવવાના હતા. કમભાગ્યે તેમાંનું એક પણ કામ પૂરૂં થયું નહોતું. એટલું જ નહિ, પ્રોજેક્ટના કાર્યકરોએ ત્યાં રહેનારા ભાઇબહેનોનું રજીસ્ટર પણ બનાવ્યું નહોતું. કોની પાસે કઇ શૈક્ષણીક લાયકાત છે તથા કઇ જાતના કામનો અનુભવ છે તેની નોંધ નહોતી. રહેવાસી પરિવારોને કેટલા બાળકો છે, તેમનાં નામ તથા તેમના વયમાન પ્રમાણે જુથ બનાવી કેટલા બાળકોને નર્સરીમાં, કેટલાને ક્રેશમાં મૂકવાની જરૂર હતી તેનું વર્ગીકરણ થયું નહોતું. આમાં કાર્યકરોનો દોષ નહોતો. તેઓ તો સોશિયલ વર્કની કૉલેજમાં પડેલી બે મહિનાની રજામાં પૈસા કમાવવા આવ્યા હતા. પ્રોજેક્ટના સંચાલકોને સસ્તા કર્મચારી મળ્યા હતા. ખરૂં કામ તેમનું હતું કે પ્રોજેક્ટ પ્લાનીંગ તથા તેના પર અમલ કરવા માટેની પદ્ધતિસરની યોજના બનાવી, દરેક કાર્યકરનું Job Description તથા કામ અંગેના milestones તથા કેટલા સમયમાં આ દરેક કામ પૂરૂં કરવાનું હતું તે જણાવી તેનું monitoring કરવાનું હતું.
જીપ્સીએ તેના પ્રૅક્ટીસ સુપરવાઇઝર મિસેસ બૉયર સાથેની અઠવાડીક મિટીંગમાં આનો અહેવાલ આપ્યો ત્યારે તે ચોંકી ગયા.
“અરે, મંત્રી મહાશયને આવવાને દસ દિવસ રહ્યા છે અને કશું કામ નથી થયું એવું તમે કહો છો?”
“હા, જી.”
મિસેસ બૉયર ચોંકી ગયા. તેમણે તત્કાળ કાઉન્ટી કાર કઢાવી જીપ્સીને લઇ મોટેલ પર ગયા. વાત સાચી નીકળી!
“તમે તો અમારી આબરૂ બચાવી! આસિસ્ટંટ સેક્રેટરી આવ્યા હોત તો અમારી બેઇજ્જતી થઇ જાત.”
તેમણે સૌ પ્રથમ મંત્રીજીની મુલાકાત મુલત્વી કરાવી અને જાતે જઇને કામ શરૂ કર્યું. તેમણે પોતે રહેવાસીઓનાં તથા બાળકોનાં રજીસ્ટર બનાવવાનું શરૂ કર્યું. જે નર્સરી સાથે કરાર કર્યો હતો તેમની પાસે બાળકો ન જાય તો તેમને પૈસા ન મળે, તેથી તેમના કારકૂનને બોલાવી બાળકોને નર્સરીમાં લઇ જવાની વ્યવસ્થા શરૂ કરાવી. સરખું સુપરવિઝન ન હોય તો કામ કેટલી હદ સુધી બગડી શકે તેનો આ અજબ નમૂનો હતો.
તે અરસામાં વોલન્ટરી વર્ક કોઓર્ડીનેટરે સુંદર કાર્યક્રમ યોજ્યો. તેમણે વેસ્ટચેસ્ટર કાઉન્ટીમાં આવેલા જનરલ ફૂડ્ઝ, નેસલે વગેરે જેવા મોટા કૉર્પોરેશનના પ્રેસીડેન્ટ્સને મળી બાળકો માટે ગિફ્ટ પાર્સલની યોજના કરી. શાળાઓ શરૂ થવાની હતી તેથી મોટેલમાં રહેનાર દરેક બાળકને બે જોડી જીન્સ, બે ટી શર્ટ, ટ્રેઇનર્સ તથા બૅકપૅકનાં પાર્સલ બનાવડાવ્યા. અમે સૌ નેસલેના કૉર્પોરેટ કૅફેટેરીયામાં ગયા, જયાં બાળકોને આ ભેટ આપવામાં આવી. અન્ય કોઇના ધ્યાનમાં આવ્યું કે નહિ તે કોણ જાણે, પણ કૅફેટેરીયાના ઉપરના મજલા પર (જયાં ઘણું ખરૂં નેસલેના ઉચ્ચ અધિકારીઓ માટે ભોજનની વ્યવસ્થા હતી) ત્યાં કંપનીના પ્રેસીડેન્ટ, વી.પી. તથા ડાયરેક્ટરોનાં બાળકો હતા અને નીચે બેઘર બાળકોના હર્ષ અને ઉલ્લાસને ઉત્સુકતાપૂર્વક જોઇ રહ્યા હતા. તેમની સાથે તેમની માતાઓ હતી અને નીચે આનંદથી નાચતાં બાળકો તરફ અંગુલી નિર્દેશ કરી કશું કહેતી હતી. કદાચ, "તમે કેટલા નસીબદાર છો..." કહેતી હશે. તેમની જ ઉમરના આ કમનસીબ બાળકો સાથે સહાનુભૂતિના બે શબ્દો બોલવા તેમની માતાઓ તેમને નીચે મોકલવા તૈયાર નહોતી.
નીચે કંપનીના PRO ધડાધડ ફોટા પાડતા હતા. ગમે તે હોય, પણ આવી શ્રીમંત કંપનીઓએ જે કામ કર્યું, ગરીબ બાળકોને નવાં નકોર અને ઉંચી કંપનીઓએ બનાવેલા પોશાક અને શાળામાં કામ આવી શકે તેવી વસ્તુઓ આપીને ઉત્કૃષ્ટ કામ કર્યું હતું. જીપ્સીને યાદ આવ્યું: ૧૯૬૫ની લડાઇ બાદ જવાનોને અને અફસરોને આવા ગિફ્ટ પાર્સલ આખા ભારતમાંથી કેવળ એક ઉદ્યોગસમૂહે મોકલ્યા હતા: ટાટા ફાઉન્ડેશને. હૃદય તો દરેક વ્યક્તિને હોય છે. દરેકના શરીરમાં તે લોહીનું પ્રસરણ કરવા તેનો પમ્પ ચાલે છે. કેવળ ટાટા અને આપણા ગુજરાતના અરવિંદ મફતલાલ જેવા ઉદ્યોગપતિઓનાં હૃદયમાંથી લોહીની સાથે કરૂણા વહે છે. ઉત્તર ગુજરાતના રણપ્રદેશમાં દુકાળ વખતે ફેલાયેલા ભૂખમરા વખતે અરવિંદ મફતલાલ ગ્રુપ તરફથી સેંકડો મણ સુખડી વહેંચવામાં આવી હતી. જીપ્સી તે વખતે સુઇગામ સેક્ટરમાં કાર્યરત હતો અને તેણે આ નજરે જોયું છે.

આ છેલ્લા અઠવાડીયાનું કામ પતાવી જીપ્સી પાછો લંડન ગયો. છેલ્લા પ્લેસમેન્ટના રિપોર્ટ બાદ કોર્સની પૂર્ણાહૂતિ થઇ. જીપ્સીને પોસ્ટગ્રૅજ્યુએટ ડિપ્લોમા તથા સર્ટીફીકેટ અૉફ ક્વૉલીફીકેશન ઇન સોશિયલ આપવામાં આવ્યું.
હવે તેને ‘ક્લૉલીફાઇડ’ સોશિયલ વર્કરની માન્યતા મળી.
આગળની દિશાના માર્ગ હવે દેખાવા લાગ્યા હતા! આ માર્ગ પર શીતળ છાયા હતી અને તે મળી રહી હતી ગુજરાતી સાહિત્યના મીઠાં વૃક્ષોની. આની વાત જીપ્સી આગળ જતાં કહેવાની કોશિશ કરશે.

Monday, August 22, 2011

સોશિયલ વર્કરની નોંધપોથી: ન્યુયૉર્કની હોમલેસ ફૅમીલીઝ સાથે


હવે છેલ્લે બાકી રહ્યું હતું unassessed placement. આ વિદ્યાર્થીની પસંદગીના સ્થળે કરી શકાય.
જીપ્સીએ ન્યુયૉર્કની વેસ્ટ ચેસ્ટર કાઉન્ટીના વાઇટ પ્લેન્સની સોશિયલ સર્વિસીઝમાં જગ્યા માગી. તેના નજીકનાં સગાં વેસ્ટ ચેસ્ટર કાઉન્ટીમાં જ કામ કરતા હતા તેથી તેમના ઘેર રહેવાની તથા પ્લેસમેન્ટના સ્થળે જવા આવવાની વ્યવસ્થા તેમણે જ કરી હતી.
વેસ્ટચેસ્ટરનો અનુભવ ઘણો રસપ્રદ રહ્યો. અહીં કેટલીક ચોંકાવનારી તો કેટલીક વિચીત્ર પદ્ધતિઓ જોવામાં આવી. પહેલા બે અઠવાડીયા ‘રિઓરીએન્ટેશન’ના હતા, જેમાં ન્યુયૉર્ક રાજ્યની સોશિયલ સર્વિસીઝ પદ્ધતિનું માળખું તથા કાર્યપદ્ધતિનો પરિચય આપવામાં આવ્યો. ત્યાર પછીનો એક મહિનો બાળસંરક્ષણ સેવા (Child Protection Service), અૅડોપ્શન અૅન્ડ ફોસ્ટરીંગ તથા સિનિયર સર્વીસીઝમાં પ્રત્યક્ષ કામ કર્યું.
બ્રિટન અને અમેરિકાની સોશિયલ સિક્યુરિટી પદ્ધતિમાં ઘણો તફાવત છે. બ્રિટનમાં હાઉસીંગ, સોશિયલ સર્વિસીઝ કાઉન્ટીના વહિવટ હેઠળ મૂકવામાં આવી છે, જ્યારે આરોગ્ય તથા વેલ્ફેર બેનીફીટ મધ્યસ્થ સરકારને હસ્તક. વળી હૉસ્પીટલ તથા ડૉક્ટર NHS (નૅશનલ હેલ્થ સર્વિસ) હેઠળ હોવા છતાં તેનું વિકેન્દ્રીકરણ કરેલું હોવાથી આરોગ્યસેવાઓ સુલભ છે. આપ સૌ જાણતા હશો કે બ્રિટનમાં universal health care છે અને એક જ સંસ્થા - NHS બધી આરોગ્ય સેવાઓ પૂરી પાડે છે. જ્યારે અમેરિકામાં વેલ્ફેર બેનીફીટ, સોશિયલ સર્વિસીઝ, ફૂડ સ્ટૅમ્પ્સ કાઉન્ટીના સોશિયલ સર્વીસીઝ ખાતાને હસ્તક છે. મેડીકલ ખાનગી ઇન્સ્યુરન્સ દ્વારા તથા જેમની આવક FPL (ફેડરલ પૉવર્ટી લેવલ)ની નીચે હોય તેમને 'મેડીકેઇડ'ની જોગવાઇ હેઠળ મળે છે. જ્યાં હોમલેસ લોકોનો સવાલ આવે છે, ત્યાં બન્ને દેશોમાં સહેજ જુદી પદ્ધતિ છે. બ્રિટનમાં બીજા વિશ્વયુદ્ધ બાદ સ્થાનિક કાઉન્સીલોએ સરકારની મદદ વડે મોટા પ્રમાણમાં મકાનો બાંધ્યા હતા. તેમણે ત્રણચાર માળના મકાનોની એસ્ટેટ્સ જુદા વિસ્તારોમાં બાંધી, જે રીતે ગુજરાતમાં હાઉસીંગ બોર્ડ દ્વારા બાપુનગર, મેઘાણીનગર વગેરે સ્થળોએ મકાનો બાંધવામાં આવ્યા. અમેરિકામાં આવી એસ્ટેટ્સ કદી બાંધવામાં આવી નહિ, કારણ કે સ્થાનિક લોકો સાથેના consultative processમાં દરેક ગામ, શહેર, લત્તા અને શેરીના લોકોએ હોમલેસ લોકોને તેમની નજીક વસવા દેવા માટે સાફ ઇન્કાર કરતા હતા. અરે, સરકારી અને કાઉન્સીલની માલિકીની જમીનમાં પણ તેમણે મકાન બાંધવાના પ્રસ્તાવનો વિરોધ કર્યો. “Homeless people? Not in my backyard!” ઠરાવ લગભગ આખા અમેરિકામાં સામાન્ય બની ગયો હતો.
અમેરિકાની રાજકીય પદ્ધતિ પણ વિચીત્ર છે. ભારત જેવી ‘વોટ બૅંક’ની રાજનીતિ અહીં પણ ચાલે છે. હોમલેસ લોકો કોઇ પણ કાઉન્સીલના વોટર રજીસ્ટરમાં નથી હોતા, કારણ કે એક સ્થળેથી બીજા સ્થળે, જ્યાં જગ્યા મળે ત્યાં તેમને ફેરવવામાં આવે છે. જેમને મત આપવાનો અધિકાર ન હોય, તે પોતાનો મત, પોતાની જરૂરિયાત કે તેમને લગતા અતિ મહત્વના પ્રશ્નો પર ધ્યાન આપવા ક્યા પ્રતિનિધિ પર દબાણ લાવી શકે?
હોમલેસ લોકોને કોઇ જગ્યાએ વસાવવાનો વિચાર કરવામાં આવે તો તે વિસ્તારમાં થનારા કન્સ્લ્ટેટીવ પ્રોસેસમાં સ્થાનિક મતદારોનો અભિપ્રાય લેવામાં આવે છે. કોઇ પણ કાઉન્સીલર, કૉંગ્રેસમૅન કે સેનેટર ગમે એટલો ઉદાર મતવાદી હોય, હોમલેસ પરિવારોને અને તેમનાં બાળકોના હિતનો વિચાર કરનારા હોય, તેમને મદદ કરવાની હિંમત ન કરી શકે. તેમની કારકિર્દી જનતાના મત પર આધાર રાખે છે અને હોમલેસ પરિવારોની તરફેણમાં મત જાહેર કરવાનો વિચાર પણ કરી શકે. બીજી તરફ ઘરબારવિણાં પરિવારોનાં નામ વોટર્સ લિસ્ટમાં ન હોવાથી તેઓ કોઇ ચૂંટણીમાં મત આપી શકતા નથી. આમ અમેરિકાની લાખો હોમલેસ વ્યક્તિઓ disenfranchised છે, એવું કહીએ તો તેમાં અતિશયોક્તિ નથી.
આમાંના અસંખ્ય પરિવારોને ઉજ્જડ પડેલા કે કામમાં ન લેવાતા મિલિટરીનાં મકાનો અને ક્વાર્ટર્સમાં રાખવામાં આવતા. નજીકના ગામ કે શહેરમાંની કોઇ મોટેલ કે હોટેલના માલિકો તેમને જગ્યા આપવા રાજી થાય, તો તેમને ત્યાં રહેવાની જગ્યા અપાતી.
લોકોમાં અફવા હતી કે ખોટમાં ચાલતી કે ભાંગી પડવાની હાલતમાં આવેલી મોટેલોને સ્થાનિક માફીયા સસ્તી કિંમતે વેચાતી લઇ લેતા અને સામ-દામ-દંડ-ભેદનો ઉપયોગ કરી કાઉન્સીલ સાથે લાંબા ગાળાનો કરાર કરી લેતા અને દરેક રૂમના $૧૦૦થી માંડી ૨૦૦ સુધી પ્રતિદિનના હિસાબે ભાડું લઇ હોમલેસ લોકોને ત્યાં વસાવતા. આમ કાઉન્સીલની જવાબદારી હેઠળ આવેલા લોકોને આવી મોટેલ, જ્યાં ૩૫-૪૦ ડૉલરમાં પણ કોઇ રહેવા ન જાય ત્યાં જગ્યા અપાતી. સ્થાનિક લોકો હિંસાના ડરથી આવા શક્તિશાળી માફીયાઓનો વિરોધ ન કરી શકે. ગરીબ પરિવારો તેમને મળેલા આવાસને કારણે ખુશ રહે.

અહીં કોઇના મનમાં પ્રશ્ન ઉઠી શકે છે: પરિવારો કેવી રીતે ઘરબાર વિહોણાં થઇ જતા હશે? આનો જવાબ ‘અમેરિકન સ્વપ્ન’ માં(જેને જેમ્સ ટ્રસ્લો અૅડમ્સે નીચેના શબ્દોમાં વર્ણવ્યું છે: "life should be better and richer and fuller for everyone, with opportunity for each according to ability or achievement" regardless of social class or circumstances of birth” (સૌજન્ય: Wikepedia).), તેમજ આજકાલની અર્થવ્યવસ્થામાં મળી આવશે. દરેક વ્યક્તિની ઇચ્છા હોય છે કે તેને સારી નોકરી કે ઉદ્યમ હોય, તેનું પોતાનું ઘર હોય અને પરિવાર. આ માટે પતિપત્ની બન્ને પ્રયત્નશીલ રહે છે. કમનસીબે અર્થવ્યવસ્થા ભાંગી પડે કે મંદી આવે ત્યારે લોકોની નોકરી જતી રહે, ઘરનાં મૉરગેજનાં હફ્તા ન ભરાતાં ઘર foreclose થઇ જાય અને આખો પરિવાર રસ્તા પર આવી પડે. આવા પરિવારોને ફરી પગભર કરવા કેટલીક કાઉન્સીલો પ્રયત્નશીલ રહે છે.
જીપ્સીના પ્લેસમેન્ટમાં આવા હોમલેસ પરિવારો માટેના કાર્યક્રમમાં કાર્ય કરવાનું હતું. અહીં કાઉન્સીલ દ્વારા જે સેવાઓ આપવાની હતી તેને કાઉન્સીલે પ્રોજેક્ટ હોપ નામની NGO સંસ્થાને outsource કરી હતી. જીપ્સીએ પ્રોજેક્ટ હોપના કર્મચારીઓ સાથે મળીને તેમાં ભાગ લેવાનો હતો.
આની વિગતવાર ચર્ચા આગળના અંકમાં!

Thursday, August 18, 2011

સોશિયલ વર્કરની નોંધપોથી: છેલ્લી પરીક્ષા!

કોર્સના અંતમાં વિદ્યાર્થીએ ક્યા વિષય પર પ્રબંધ લખવો તેની ચર્ચા ડાયરેક્ટર સાથે થઇ. જીપ્સીને વિષય મળ્યો ‘Community based Social Security in India.”
આ વિષયની ચર્ચામાં પહેલાં બ્રિટનમાં સોશિયલ સિક્યુરિટીના ઉગમ, વિકાસ તથા હાલની સ્થિતિનું વર્ણન જરૂરી હતું. કઇ પદ્ધતિ સારી કે ખરાબ તેનો વિચાર કરવામાં તેની સરખામણી કરવા કોઇ મોજુદ હોય તેવી ‘બેન્ચમાર્ક’ પદ્ધતિને જાણવી અને ઓળખવી આવશ્યક છે.
બ્રિટનમાં અનૌપચારીક ‘વેલ્ફેર પદ્ધતિ’ જુના જમાનામાં ચર્ચ દ્વારા ચલાવવામાં આવતી હતી. ચર્ચના પાદરી ગરીબોને પૈસાની તથા અન્નવસ્ત્રાદિની મદદ આપતા. આ દેવળો પાસે મોટી જમીનો હતી. તેમાંથી આવતી આવકમાંથી ગરીબોને મદદ અપાતી. આઠમા હેન્રીએ કૅથલીક ચર્ચ સાથે છેડો ફાડ્યો અને પોતાનું ચર્ચ અૉફ ઇંગ્લંડ સ્થાપ્યું. કૅથલીક ચર્ચની જમીનો ખાલસા કરી અને પરિણામે અનેક લોકો કામધંધા વગરના થયા. રોજી રોટી માટે ભટકતા લોકોને vagrants તથા beggarsના નામથી નવાજી તેમની વિરૂદ્ધ કાયદાઓ ઘડવામાં આવ્યા. ભિખારીઓનાં ટોળાં કોઇ ગામમાં ભીખ માગવા જતા ત્યારે કૂતરાં ભસવા લાગતા, અને તેના પરથી જોડકણું સર્જાયું: Hark, hark, the dogs do bark/Beggars are coming to the town. ભટકતા લોકો (vagrants)ના પગ ગામના ચોકમાં મૂકેલી (જુઓ લિંક) હેડમાં બાંધી, ત્રણ દિવસ રોટી અને પાણીનો ખોરાક આપી તડીપાર કરવામાં આવતા.ખોરાકનો ખર્ચ સરકાર તરફથી અપાતો. (જીપ્સીએ આવી હેડ ભાવનગર જીલ્લાના વાવેરા ગામના ચોરામાં જોઇ હતી. એક કેદીને ત્યાં ‘પૂરવામાં’ આવ્યો હતો. હેડ એટલે લાકડાનાં બે મોટા બીમ હોય. તેમાંનો એક બીમ ચોરાની જમીનમાં ખીલા મારીને જકડી લેવામાં આવે. તેમાં પગની ઘૂંટી સમાઇ શકે તેવા ગોળ છેદ કરવામાં અાવે. કેદીના બન્ને પગ બીમનાં છેદમાં રાખી, તેના પર બીજો બીમ મૂકી, બીમના બેઉ છેડે ખંભાતી તાળાં મારવામાં આવે.)

પંદર અને સોળમી સદીથી બ્રિટનમાં Poor Laws અમલમાં હતા, જેના કેટલાક સારા અને મોટા ભાગે ખરાબ પરિણામ આવ્યા. ‘પુઅર લૉ’માં એક સિદ્ધાંત ઉભરીને બહાર આવ્યો, તે હતો ‘Deserving Poor’નો. આ કાયદામાં ગરીબ લોકોને લાભ આપવાની બાબતમાં બે ભાગ પાડવામાં આવ્યા. લાયક ગરીબ, એટલે સશક્ત ગરીબ વ્યક્તિઓ, જેઓ કામ કરવા માગે છે પણ તેમને કામ મળતું નથી. આની સામે Undeserving Poorમાં એવા માણસો આવી જતા જેઓ સશક્ત હોવા છતાં આળસુ વૃત્તિને કારણે કામ કરવા માગતા નહોતા અને મફતમાં મદદ માગવા માતી રહ્યા હતા. આ નક્કી કરવાની જવાબદારી જસ્ટીસ અૉફ પીસને આપવામાં આવી હતી. મુસીબતની વાત એ હતી કે માનસિક રીતે બિમાર, મંદબુદ્ધિ એવી વિકલાંગ વ્યક્તિઓ જેમની મુશ્કેલીઓ કોઇના મુખ તરફ જોઇ નક્કી ન કરી શકાતી હોય, તેમને પણ undeserving poor ગણવામાં આવ્યા. આવા લોકો એક ગામથી બીજે ગામ રખડી, ભીખ માગી અતિ વિષમ પરિસ્થિતિમાં જઇવન જીવતા. તેમનો પણ સમાવેશ vagrantમાં થયો. સક્ષમ વ્યક્તિઓને કામ કરવા માટે વર્ક હાઉસમાં મોકલવામાં આવતા, જ્યાં તેમને ભોજન, રહેઠાણ અને પોશાક સિવાય બીજી કોઇ સુવિધા કે મહેનતાણું નહોતું અપાતું. આવા વર્ક હાઉસમાં બાળકોને પણ મોકલવામાં આવતા. આપે ચાર્લસ્ ડિકન્સની નવલકથાઓમાં તેનું વર્ણન વાંચ્યું હશે.
બીજા વિશ્વયુદ્ધ બાદ મજુરપક્ષની સરકારે સિડની તથા તેમની પત્નિ બીટ્રીસ વેબ જેવા ઉદાર મતવાદી વિચારકોની અસર નીચે નવી નીતિ ઘડી અને તેને અમલમાં લાવવાની જવાબદારી અર્નેસ્ટ બેવનને સોંપી. નૅશનલ હેલ્થ સર્વિસ, આવાસ તથા ભરણપોષણની જોગવાઇ આ નવા કાયદામાં કરવામાં આવી. બ્રિટનમાં વેલફેર સ્ટેટનો પ્રારંભ થયો.
નવા કાયદાઓ અમલમાં આવ્યા તે અગાઉ જુના Poor Lawમાં જેમ જસ્ટીસ અૉફ પીસને જવાબદારી સોંપવામાં આવી હતી કે તેમણે નિર્ણય લેવો કે કોને “લાયક” અરજદાર ગણવા અને કોને નહિ, હવે તેની જવાબદારી ડિપાર્ટમેન્ટ અૉફ સોશિયલ સિક્યોરિટીના કર્મચારીઓને સોંપવામાં આવી.
આ પરિસ્થિતિ હતી બ્રિટનની. પુઅર લૉથી માંડી આધુનિક કાયદાઓ સુધીનો આ પ્રવાસ હતો.
શું ભારતની સ્થિતિ જુદી હતી જેથી દેશમાં રાજ્ય તરફથી Poor Law જેવા કાયદાની જરૂર ન પડી? આ શું રાજકર્તાઓ દ્વારા ગરીબોને 'અદૃશ્ય' ગણી તેમની ઉપેક્ષા કરવામાં આવી હતી કે કેવળ લાપરવાહી હતી?
ભારતનો ઇતિહાસ જોઇએ તો પુરાતન કાળથી - ઠેઠ સપ્તસિંધુના સમયથી વર્ણાશ્રમ પદ્ધતિની સ્થાપના અને અનુસરણ થયું હતું. તેમાં સૌથી અગત્યનો આશ્રમ હતો ગૃહસ્થાશ્રમ. આમાં સંયુક્ત પરિવારના કર્તાનું કર્તવ્ય કેવળ સંયુક્ત પરિવારના સદસ્યો પૂરતું મર્યાદીત ન રહેતાં દૂર તથા નજીકનાં ગરીબ સગાં, વિધવાઓ તથા બાળકોને આવરી લઇ, તેમના માટે કોઇને કોઇ જાતની સહાયતાની જોગવાઇ કરવામાં આવતી. સુખવસ્તુ પરિવાર જ્ઞાતિના બાળકોના ઉચ્ચ શિક્ષણ માટે શહેરમાં બોર્ડીંગ બાંધવામાં ફાળો આપતા. ધનાઢ્ય લોકો પોતાની જ્ઞાતિની પેલે પર જઇ ગામમાં સદાવ્રત, ધર્મશાળા, દવાખાનાં બાંધી તે ચાલુ રહે તે માટે નાણાંની જોગવાઇ કરતા. રાજકર્તાઓ સડક બાંધી ઠેર ઠેર પ્રવાસીઓ માટે મુસાફરખાનાં કે ધર્મશાળા બાંધતા. ગરીબ અને અન્નવિહોણાં, દુકાળગ્રસ્ત લોકો માટે સદાવ્રતોમાં રોટીની વ્યવસ્થા હતી. કાયમી રહેવાસની સગવડ થાય ત્યાં સુધી ધર્મશાળામાં મકાનની સગવડ હતી. માંદગીથી પીડાતા લોકો માટે સખાવતી દવાખાનાં હતા.
વર્ણાશ્રમ પદ્ધતિ ભારતમાં ધર્મ અને જાતિ પૂરતી સીમિત ન રહેતાં સર્વધર્મવ્યાપી થઇ. ભારતીય ઇસ્લામ આથી જ વિશ્વના અન્ય દેશોમાં પળાતા ઇસ્લામ કરતાં જુદો છે. ભારતનાં મૂલ્યોએ બધા જ ધર્મોમાં પરિવાર, સમાજ તથા દેશ કલ્યાણ માટેનાં આચરણનાં પરિમાણ બનાવ્યા અને તે જાળવી રાખ્યા. ગુજરાતની વાત કરીએ તો વડોદરા, ભાવનગર, ગોંડલ, જામનગર, જેવા રાજ્યોએ લોક કલ્યાણનાં એવાં કામ કર્યા જેનો લાભ હજી સુધી લોકો લઇ રહ્યા છે. હજારો વર્ષ સુધી હિંદુ-મુસલમાન-ખ્રિસ્તી-પારસી-જૈન વચ્ચે કદી વૈમનસ્ય થયું નહિ. આ એટલા માટે કહેવું પડે છે કે ભારતમાં મોગલોના રાજ્ય દરમિયાન ઔરંગઝેબ જેવા ધર્માંધ શહેનશાહનું રાજ્ય હતું, જેમાં બિનમુસ્લિમો પર જઝીયા જેવા ક્રૂર કર લાદવામાં અાવ્યા હતા, તેમ છતાં સમાજમાં એકબીજાની પાડોશમાં રહેનારા જુદા જુદા ધર્મના લોકો વચ્ચે કદી ભેદ નહોતો, કે નહોતી કોઇ વેરની ભાવના. આ મૂલ્યો જો બદલાતા ગયા હોય તો તે ભારતની સ્વાતંત્ર્યતાની ચળવળ દરમિયાન. દેશ તથા ધાર્મિક સહિષ્ણુતાના હૃદય પર કટારનો ઘા કરનારા તો મૃત્યુ બાદ જ્યાં જવાના હોય ત્યાં ચાલ્યા ગયા. પણ દેશમાં જનપ્રેરીત સેવાભાવનાથી સર્જાયેલી સમાજકલ્યાણની ભાવના નષ્ટ કરતા ગયા. ભારતમાં નથી આવી પશ્ચિમના દેશો જેવી રાજ્ય સંચાલીત સોશિયલ સિક્યોરિટી પદ્ધતિ અને સમાજ દ્વારા ચાલતી સેવાઓ બંધ પડી ગઇ.
જીપ્સીએ તેના પ્રબંધમાં આ વિચારો વ્યક્ત કર્યા હતા અને હાલની સ્થિતિનું વર્ણન અને વિશ્લેષણ કર્યું. તેના સદ્ભાગ્યે નિબંધ સ્વીકારાયો અને તેને તેમાં ઉત્તિર્ણ ગણવામાં આવ્યો!
ભારતમાં પશ્ચિમ જેવી વેલ્ફેર સ્ટેટની બેનીફીટ પદ્ધતિ આવી શકે? કે પછી લોક કલ્યાણની પ્રવૃત્તિ, જેમાં BPL (ગરીબીની રેખા) નીચે જીવી રહેલા લોકોને ગૌરવથી જીવવા માટે નૅશનલ ઇન્સયુરન્સ પદ્ધતિની સાથે સાથે સમાજ તથા અતિશ્રીમંત લોકોની ભાગીદારીમાં કોઇ સર્વવ્યાપી વેલ્ફેર પદ્ધતિ સ્થાપી શકાય?

Tuesday, August 16, 2011

સોશિયલ વર્કરની નોંધપોથી: કૉલેજનું છેલ્લું સત્ર

કૉલેજમાં હવે છ મહિના બાકી રહ્યા હતા. તેમાં છેલ્લો પ્રબંધ રજુ કરવાનો હતો અને ત્યાર બાદ ‘અનએસેસ્ડ પ્લેસમેન્ટ’. આ શરૂ કરીએ તે પહેલાં એક બનાવ બની ગયો.
એક વિષયમાં નિબંધ રજુ કરવાનો હતો તેમાં જીપ્સીએ કરેલા બે કે ત્રણ વિધાનોનો સંદર્ભ આપવાનું રહી ગયું હતું. તે વિષયના લેક્ચરર બ્રિટનની હાઇકોર્ટના જજ લૉર્ડ xxxનાં ભત્રીજી હતા. આમ તો તેઓ ‘કૉમોનર’ હોય તેવો આભાસ કરાવતા હતા, પણ તેમની અંતરની ભાવના સૌથી અજાણી હતી. જીપ્સીના નિબંધમાં આ સ્પષ્ટ જણાઇ આવ્યું. જીપ્સીને ‘C’ ગ્રેડ અાપવા ઉપરાંત તેમની ટિપ્પણીમાં તેમણે લખ્યું, “તમારા દેશની શિક્ષણ પદ્ધતિમાં સંદર્ભ વગરનાં વિધાન કરવાનું ભલે ચાલતું હોય, પણ આ દેશમાં અમે તે ચલાવી લેતા નથી. આનું પરિણામ તમને અપાયેલ એસેસમેન્ટમાં જણાઇ આવશે.”
આ આપણી શિક્ષણ પદ્ધતિનું અપમાન હતું. વાત ઉપર સુધી લઇ જતાં પહેલાં જીપ્સીએ તેમને નમ્રતા પૂર્વક પત્ર લખી આ ટિપ્પણીનો ખુલાસો માગ્યો. તેમણે તેની ઉપેક્ષા કરી પંદર દિવસ સુધી જવાબ ન આપ્યો. જીપ્સીએ તેના કોર્સ ડાયરેક્ટર મિસ ક્રિસ્ટીન વાઇગર્સની મુલાકાત લીધી અને લેક્ચરરની ટિપ્પણી તથા જીપ્સીએ તેમને લખેલ પત્ર બતાવ્યા.
“This is just not acceptable,” મિસ વાઇગર્સે કહ્યું. “આ તમારા દેશની શિક્ષણ પદ્ધતિનું વર્ણદ્વેષી સ્વરૂપનું અપમાન છે,” કહી તેમણે અમારા લેક્ચરરને ફોન કરી તેમની અૉફિસમાં તરત આવવા હુકમ કર્યો. તેઓ આવ્યા ત્યારે તેમને તેમણે લખેલી ટિપ્પણી તથા જીપ્સીએ લખેલ પત્ર બતાવી તેની સામે જ ખુલાસો માગ્યો.
“માફ કરશો, કઇ હાલતમાં મારાથી આ લખાઇ ગયું તેનો ખ્યાલ ન રહ્યો. મારો ઉદ્દેશ તમારી શિક્ષણ પદ્ધતિની ઉપેક્ષા કરવાનો કે તેને નીચી દેખાડવાનો નહોતો.”
મિસ વાઇગર્સે જીપ્સીને કહ્યું, “તમે કહેતા હો તો હું લેક્ચરર બહેનને લેખિતમાં તમારી માફી માગવાનો આદેશ આપીશ.”
લેક્ચરર બહેને પણ હકારમાં માથું હલાવ્યું.
“ના, અમારા સંસ્કારમાં અમે શિક્ષક સામે મસ્તક નમાવતા હોઇએ છીએ. તેમની પાસેથી માફી મગાવવાનો અમે સ્વપ્ને પણ વિચાર ન કરીએ. તેમણે અમારી શિક્ષણ પદ્ધતિ પ્રત્યે બતાવેલા પૂર્વગ્રહ વિશે દિલગીરી દર્શાવી એ મારા માટે પૂરતું છે,” કહી જીપ્સીએ તેમની રજા લીધી. આજે પણ મિસ ક્રિસ્ટીન વાઇગર્સની યાદ આવે છે, મસ્તક આપોઆપ ઝુકી જાય છે.
આ અરસામાં અમારા ડાયરેક્ટરે જીપ્સી પાસેથી ભારતીય સમાજની કુટુમ્બ પદ્ધતિ, સમાજના જુદા જુદા ધર્મમાં પણ જણાઇ આવતો સાંસ્કૃતીક સમન્વય અને એકસુત્રતા વિશે સેશનલ લેક્ચર્સ કરાવ્યા. હિંદુ કહો કે મુસલમાન અને ખ્રિસ્તી સમુદાય, ચાર આશ્રમની પદ્ધતિ મહદ્ અંશે બધા સમુદાયોમાં જણાઇ આવે છે, અને તેની અપેક્ષા બાળક, ગૃહસ્થ તથા વડીલ વર્ગ પાસેથી કરવામાં આવે છે તેનું વર્ણન અને ચર્ચા સૌને ગમી. સોશિયલ વર્કમાં આ માહિતીનો ઉપયોગ કેવી રીતે કરી શકાય તેની વિશદ ચર્ચા થઇ. અંગ્રેજ વિદ્યાર્થીઓમાં અન્ય ધર્મ વિશે માહિતી નહિવત્ હતી. તેથી તેમને સમજાવવામાં આવ્યું કે ફોસ્ટરીંગમાં કોઇ મુસ્લીમ બાળકને અન્ય મુસ્લીમ પરિવાર સાથે મૂકવાનો હોય તો એ જાણવું જરૂરી હતું કે બાળક ક્યા પંથનું છે અને તેના પાલક માતાપિતા ક્યા પંથના. ઝુલ્ફીકાર અલી ભુટ્ટોના સમયથી અહેમદીયા સમુદાયને ગૈર-મુસ્લીમ ગણવામાં આવ્યા હતા, તેથી અહમદીયા બાળક માટે પ્લેસમેન્ટ શોધવું હોય તો તેના હિતને ખાતર તેની તથા પાલક પરિવારની માન્યતા પહેલેથી જાણી લેવી જોઇએ. બાળકના હિત માટે આ અત્યંત જરૂરી હતું. આવો જ વિચાર શિયા અને સુન્ની બાળકો માટે કરવાની આવશ્યકતા હતી. આ ઉપરાંત ખાસ કરીને પાકિસ્તાનના મુસ્લીમોમાં જ્ઞાતિભેદ ખાસ જોવામાં આવતો હતો. તેમનામાં જાટ (તેમની અટક પણ જાટ શીખની જેમ બાજવા, સહોતા, મિન્હાસ હોય છે, અને રાજપુત, ભટ્ટી, ડોગરા જેવી જ્ઞાતિઓ અસ્તીત્વમાં છે.
સાથી વિદ્યાર્થીઓને નવાઇ તો એ વાતની લાગી કે જાતિ-વિહીન ગણાતા ધર્મોમાં પણ ભારતમાં વસેલા આ ધર્મના લોકો જાતિભેદ પાળતા હોય છે! દાખલા તરીકે ગોવા તથા કેટલાક પ્રાંતોમાં ખ્રિસ્તી થયેલા મૂળ બ્રાહ્મણ ખ્રિસ્તીઓ પોતાને કહેવાતી નીચલી જાતિમાંથી ખ્રિસ્તીઓ કરતાં ઉંચા માની તેમની સાથે રોટી બેટીનો વ્યવહાર નથી રાખતા! યહુદીઓ તથા પારસીઓમાં પણ ઓછા અંશે કેમ ન હોય, જાતિભેદ ચાલે છે. જેમ કે આઠમી સદીમાં ભારત આવેલા યહુદીઓ ખાસ કરીને કેરળની પ્રજા સાથે એટલા ભળી ગયા હતા તેમણે મલયાલમ ભાષાને માતૃભાષા તરીકે સ્વીકારી એટલું જ નહિ, ત્યાંના ભારતીય આચારવિચાર અને પોશાક સુદ્ધાં અપનાવ્યા. બારમી સદીમાં આવેલા ગૌર વર્ણના યહુદીઓ તેમને ‘મલબારી જ્યુ‘ કહેવા લાગ્યા અને પોતાને ‘અશ્કનાઝી’. મલબારી યહુદીઓ તેમને 'બગદાદી' અથવા ‘પરદેસી જ્યુ’ કહી જુદો વાડો કર્યો. તેમની વચ્ચે પણ રોટી બેટીનો વહેવાર નથી! આ પ્રમાણે સૌ પ્રથમ સંજાણ આવેલા પારસીઓ ‘શહેનશાહી’ કહેવાય છે, અને ત્યાર પછી અનેક વર્ષો બાદ આવેલા ‘કાડમી’. જો કે પારસીઓ વચ્ચે અન્ય કોઇ ભેદભાવ નથી હોતો.
કોર્સ પૂરો થયા બાદ પણ જીપ્સીને આ વિષયમાં લેક્ચર આપવા માટેનું આમંત્રણ મળતું રહ્યું. રસપ્રદ વાત એ હતી કે કૉલેજના અન્ય લેક્ચરર પણ આ ‘પાઠ’ સંાભળવા આવતા હતા!
આવતા અંકમાં છેલ્લા પ્રેઝન્ટેશનની અને અંતિમ પ્લેસમેન્ટની વાત!

Monday, August 15, 2011

સોશિયલ વર્કરની નોંધપોથી: હૅમીલ્ટન રોડ ટેનન્ટસ એસોસીએશન (૨).

ઇંગ્લંડમાં જેમ બિનગોરા લોકો પ્રત્યે વર્ણદ્વેષ પ્રવર્તે છે, તેનાથી ઓછી માત્રામાં કેમ ન હોય, આયરીશ લોકો પ્રત્યે વધતી ઓછી માત્રામાં ભેદભાવ જોવામાં આવે. એક દિવસ જીપ્સીના સલાહ કેન્દ્રમાં મિસેસ ડૉરથી એનરાઇટ નામના ત્યક્તા આયરીશ બહેન આવ્યા. તેમની સૌથી નાની દિકરીને જન્મત: ખરજવું હતું. આ રોગ કોઇ કાળે મટે નહિ, અને તે માટે સરકારી બેનિફીટ પર નભતા લોકોને કે તેમનાં બાળકોને આ રોગ હોય તો તેમને ખાસ એલાવન્સ આપવામાં આવતું. આની અંતર્ગત તેમના માટે ખાસ ખોરાક, દિવસમાં બે-ત્રણ વાર બદલવા પડતા કપડાં અને સાબુ માટે આ ભત્થું અપાતું. ડૉરથીને આ બેનીફીટ મળતો નહોતો, કારણ કે સરકારી કચેરીએ તેની પાસેથી અનેક જાતની માહિતી માગી હતી. કેટલાય પ્રયત્ન કરવા છતાં બે વાર તેનો ક્લેમ મંજુર નહોતો થયો. હવે કાયદો બદલાય તે પહેલાં તેનો ક્લેમ મંજુર ન થાય તો તે રકમ તેના બેનીફીટમાં જોડીને વધારાની રકમ ન મળે.
જીપ્સીએ ઝીણવટથી સરકારી કચેરીના પત્રનો અભ્યાસ કર્યો. તેણે ડૌરથીને એક લિસ્ટ બનાવી આપ્યું અને કહ્યું કે સેન્સબરી તથા ટેસ્કો નામના મોટા ગ્રોસરી સ્ટોરમાં જઇ તેની કિંમત કઢાવી આવે. સાથે સાથે તેણે તેના ડૉક્ટરને ફોન કરી તેમની દિકરીના રોગ વિશે વિગતવાર રિપોર્ટ માગ્યો. આની સાથે કન્સલ્ટન્ટનો પણ રિપોર્ટ હતો. આ બધા દસ્તાવેજ ભેગા કરી તેણે સોશિયલ સિક્યોરિટીની સ્થાનિક કચેરી તથા રિજનલ અૉફિસને મોકલ્યા. તેમાં એ પણ લખ્યું કે જો અાનો સંતોષકારક નિવેડો નહિ લાવવામાં આવે તો અમે અમારા MPને પત્ર લખીશું. એક અઠવાડીયામાં જીપ્સીને ફોન આવ્યો કે મિસેસ એનરાઇટનો ક્લેમ મંજુર થયો છે અને અમે કરેલ માગણી અનુસાર તેમણે કરેલા પહેલા ક્લેમની તારીખથી પૈસા આપવામાં આવશે. વધુમાં તેને મળનારી વધારાની રકમને તેના ઇંકમ સપોર્ટમાં ભેળવી દેવામાં આવશે. તેમના ક્લેમની બૅક ડેટથી કૂલ રકમ ૧૬૦૦ પાઉન્ડ થતી હતી, જેનો ચેક તે મહિલાને મોકલી દેવામાં આવશે.
જીપ્સીએ ડૉરથીને ફોન કર્યો. બહેન રસોઇ કરતા હતા. તેમની દિકરી, જે તેમની સાથે સલાહ કેન્દ્રમાં આવી હતી તેણે ફોન ઉપાડ્યો. તેને ક્હયું કે તારી મમીને ફોન પર બોલાવ તો તેણે બુમ પાડીને માને બોલાવી: “મૉમ, પેલા એડવાઇસ સેન્ટરના પૅકીનો ફોન છે!”
આ સાંભળીને જીપ્સી સ્તબ્ધ થઇ ગયો! આ બાળકી સાત કે આઠ વર્ષની હતી. તેને તો ખ્યાલ પણ નહોતો કે ‘પૅકી’ શબ્દ વર્ણદ્વેષી છે. તેના માટે તો બધા એશિયનો માટે વપરાતું આ સામાન્ય નામ હતું.
અમે સેન્ટર સેવન્ટી દ્વારા શાળાના મુખ્ય શિક્ષક સાથે વાત કરી. તેમણે કહ્યું, ‘બાળકો તેમના peer group પાસેથી શાળાના રમતના મેદાનમાં અથવા તેમના ઘરના માહોલમાં આવી નઠારી વાતો શીખે છે! આના માટે શિક્ષકો શું કરે?’ વર્ણદ્વેષ કહો કે જાતિવાદ, બન્ને માનવ સમાજ પરનાં કલંક છે. આને મૂળમાંથી નષ્ટ કરવા હોય તો તે માટે બુનિયાદી શિક્ષણના સ્તર પર જ્ઞાનની ખુરપી વાપરવી જોઇએ. શાળાનાં આચાર્યાએ ‘બાઇ બાઇ ચારણી’ના ખેલ જેવું વલણ લીધું! આવા સમાજમાંથી દુષણો કેવી રીતે નાબુદ કરી શકાય?

*
ભારતમાં અંગ્રેજીના શબ્દોનો ઉપયોગ તથા અર્થ સ્થાનિક હાલત પર અવલંબે છે એવું કહું તો અતિશયોક્તિ નહિ થાય.
વર્ષો અગાઉ અમારા ભાવનગરના ડૉન બિલ્ડીંગ પાસે બે કિશોરીઓ વચ્ચે થતી ગુસ્સાભરી વાતચીત સાંભળી.
“જ્યારે પણ હામે આવે છે, ઢેમ બિલાડીની જેમ બાધે છે!”
“ઢેમ બિલાડી તો તું છો! તારા નખ્ય તો જો! ઉપરથી મને ઢેમ બિલાડી કે’ છે!”
આ અપશબ્દોનો લાંબા સમય સુધી વિચાર કર્યા બાદ મૂળ અંગ્રેજી શબ્દ સમજાયા, જે સભ્ય અંગ્રેજ સમાજમાં વપરાતા નથી.
અમુક કપડાંને આપણે આપેલા નામ એટલા રૂઢ થયા છે કે તેના મૂળ અંગ્રેજી વપરાશને ભુલી ગયા. એક શબ્દ છે ‘ગંજીફરાક’ અથવા સાદા શબ્દોમાં કહીએ તો ‘ગંજી’. મૂળ શબ્દ હતો Guernsey Frock. બીજો શબ્દ છે જર્સી - એક જાતના ગરમ સ્વેટરને જર્સી નામથી ઓળખાય છે. ગર્નઝી અને જર્સી ઇંગ્લીશ ચૅનલમાં આવેલા ટાપુઓ છે, જે ચૅનલ આયલેન્ડ્ઝ તરીકે પ્રખ્યાત છે.

આવો જ એક શબ્દ છે ‘નીકર’. આખા ભારતમાં હાફ પૅન્ટને નીકર કહેવાય છે અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ખાખી ગણવેશની હાફ પૅન્ટને લીધે તેમના સ્વયંસેવકો માટે ‘નીકરધારી’ જેવો અપમાનાસ્પદ શબ્દ વપરાય છે.

એડવાઇસ સેન્ટરમાં આવેલા એક અતિ વૃદ્ધ અંગ્રેજ સજ્જન ફૉર્મ ભરાવવા આવ્યા હતા. પ્રશ્નાવલીમાં ‘ક્લોધીંગ અલાવન્સ’ માટે જે કપડાંઓનાં નામ હતા, તેમાં એક હતું ‘નીકર’. જીપ્સીએ તેમને પૂછ્યું, “તમે નીકર પહેરો છો?” જીપ્સીને લાગ્યું આ હાફ પૅન્ટ ઉનાળાના પોશાકમાં આવી જતું હશે.
કાકાએ તેમના dry English humorમાં હસીને કહ્યું, “દિકરા, આ ઉમરે હવે સ્ત્રીઓની પૅન્ટી પહેરવાનો શોખ કેળવવાની મને જરા પણ ઇચ્છા નથી. તું ‘ના’ લખી દે!”
જેને આપણે હાફ પૅન્ટના અર્થમાં નિકર કહીએ તે અંગ્રેજી ભાષામાં સ્ત્રીઓના અંત:વસ્ત્રનું નામ છે!

આ જ રીતે એસ્ટેટમાં રહેનારા રિટાયર્ડ સૈનિકો અને કામદારો હતા. જીવનના ૪૫થી ૫૦ વર્ષ સુધી કામ કરીને પોતાનું પૂરેપૂરૂં પેન્શન કમાવેલા આ ગૌરવશાળી વૃદ્ધો સરકારી બેનીફીટ પર જરા પણ આધાર રાખવા માગતા નહોતા. આમાંના કેટલાક લોકો એવા હતા કે તેઓ ખાસ પ્રકારના (મૉબિલિટી કે અૅટેન્ડન્સ અૅલાવન્સ જેવા) બેનીફીટ મેળવવા માટે પૂરો હક્ક ધરાવતા હતા તેમ છતાં તેમણે તેની માગણી કરવાની ચોક્ખી ના કહી. તેમને સમજાવવા પડ્યા કે તેમણે આખા જીવન દરમિયાન નૅશનલ ઇન્સ્યુરન્સમાં પૂરા પૈસા ભર્યા હતા તેથી તેઓ આ મેળવવા હકદાર હતા. “તમે કાર ખરીદવા માટેના હફ્તાઓના પૂરા પૈસા આપ્યા હોય અને ડિલીવરી લેવાનો સમય આવે ત્યારે તે લેવાનો ઇન્કાર કરવા જેવું તમે કામ કરો છો,” એવું સમજાવ્યું ત્યારે તેમણે અનિચ્છાએ કેમ ન હોય, ફૉર્મ ભર્યા.

આ સત્ર પૂરૂં થયું, અને સામાજીક પ્રવૃત્તિઓ શરૂ થઇ. વસંતોત્સવ, સામુહીક ભોજન સમારંભ શરૂ થયા. કૉન્ટ્રૅક્ટમાં નહોતા તેમ છતાં બે કામ શરૂ કર્યા, પણ અધવચ્ચે મૂકવા પડ્યા. એક હતું પોલિસ ખાતા તરફથી વધારાનું પેટ્રોલીંગ. આ વિસ્તારમાં ગુનાઇત પ્રવૃત્તિમાં ભાગ લેનારી કેટલીક ગુંડા ટોળીઓ હતી. લોકોના ઘરમાં ઘુસી જઇ છરીની અણીએ લૂંટફાટ કરવા સુધી તેમની હિંમત થઇ હતી. પોલિસ તરફથી ખાસ મદદ મળતી નહોતી તેથી દરેક રહેવાસી પોતાના ફ્લૅટમાં રૉટવાઇલર, જર્મન શીપડૉગ તથા બુલ ટેરીયર જેવા ખતરનાક કૂતરાં રાખવા લાગ્યા. લોકો મોડી સાંજે કે રાતે કૂતરાંને ‘ફેરવવા’ લઇ જતા. રસ્તામાં તેઓ ગંદકી કરે તો તે ઉપાડવાનું કામ કાઉન્સીલના સફાઇ કામદારો પર છોડતા - જો કે આમ કરવું ગેરકાયદેસરનું હતું. આના માટે એક કાઉન્સીલ તરફથી મફત પ્લાસ્ટીકની બૅગ્ઝ પૂરી પાડવાનું, પોલિસ તરફથી ઝડપી ‘રિસ્પૉન્સ’ માટે શું કરવું તે માટે જનતા અને પોલિસ વચ્ચે સહકાર વગેરેની યોજના કરવાનો પ્રોજેક્ટનું પ્લાનીંગ કર્યું. બન્ને કામ માટે તથા સ્થાનિક વિસ્તારમાં બસ સર્વિસ શરૂ કરવા માટે આખા વિસ્તારના રહેવાસીઓમાં સર્વે શરૂ કર્યો. છસો જેટલા રહેવાસીઓએ પ્રશ્નાવલી ભરીને પાછી મોકલી. તેનું વિશ્લેષણ તથા રિપોર્ટ કરવાનું બાકી રહ્યું હતું ત્યાં પ્લેસમેન્ટનો સમય પૂરો થયો. આ કામ કૉન્ટ્રૅક્ટમાં નહોતું, પણ ૯૦% જેટલું પૂરૂં થયું હતું તેથી માર્કે કહ્યું કે બે અઠવાડીયા બાદ પ્લેસમેન્ટ પર આવનારા નવા વિદ્યાર્થીઓ પાસેથી આ કામ પૂરૂં કરવામાં આવશે.
આમ ત્રીજું મહત્વનું પ્લેસમેન્ટ સફળતાપૂર્વક પૂરૂં થયું. ત્રણે પ્લેસમેન્ટમાં સફળતા મળી હોવાથી હવે જીપ્સીને તેના છેલ્લા ડિસર્ટેશનમાં સફળતા મેળવવાની બાકી રહી. ચોથું અને છેલ્લું પ્લેસમેન્ટ ‘અનએસેસ્ડ’ હતું અને વિદ્યાર્થીની મરજીથી કરવાનું હતું. આની વાત ફરી કદી’ક!

Sunday, August 14, 2011

સોશિયલ વર્કરની નોંધપોથી: હૅમીલ્ટન રોડ ટેનન્ટસ એસોસીએશન.

વેસ્ટ નૉરવૂડનું પ્લેસમેન્ટ

જીપ્સીની કૉલેજે તેના પ્લેસમેન્ટ ટીચર માર્ક ગમ્સુ સાથે ‘કૉન્ટ્રૅક્ટ’ કર્યો તેમાં ત્રણ મુખ્ય કામ હતા. રોમાની રોડ એસ્ટેટમાં હૅમીલ્ટન રોડ ટેનન્ટ્સ એસોસીએશનને કાઉન્સીલમાન્ય સંસ્થા બનાવવી. બીજું તેમના માટે મકાનની વ્યવસ્થા કરી આપવી. છેલ્લે એવા કાર્યક્રમ યોજવા જેથી એસ્ટેટમાં રહેનારા નાગરિકો તેમાં લાભ લેતા થાય. આ ઉપરાંત કોઇ પણ કામ થાય તે બોનસમાં!
પહેલું કામ સરળ હતું. જીપ્સીએ એલ્ડર્સ ગ્રુપમાં કામ કર્યું હતું અને ‘બોલતા અખબાર’ની સ્થાપના, બંધારણ તથા ચૅરીટી કમીશન પાસે મેળવેલી માન્યતાનો અનુભવ હતો તે અહીં ઘણો કામ આવ્યો. બીજું કામ મુશ્કેલ હતું. લગભગ અસાધ્ય. આનું કારણ જાણવા દૂર જવું ન પડ્યું.
આમ જોવા જઇએ તો સ્થાનિક ચર્ચ આવી પ્રવૃત્તિઓમાં સક્રિય રસ લેતા હોય છે. તે સમયે ચર્ચમાં જનારાઓની સંખ્યા એટલી ઓછી થઇ હતી કે ઘણા દેવળો બંધ પડ્યા હતા. તેનું મેન્ટેનન્સ તથા અન્ય ખર્ચ ખાસ કરીને પ્રોટેસ્ટન્ટ, બૅપ્ટીસ્ટ અને ચર્ચ અૉફ ઇંગ્લંડના દેવળોને પોસાતા નહોતા. લંડનમાંના ઘણા દેવળો વેચાઇ ગયા હતા અને ત્યાં કાં તો મસ્જીદ બની ગઇ હતી નહિ તો ચર્ચના સત્તાવાળાઓએ તેને છોડી દીધું હતું. આવામાં જે દેવળમાં આછીપાતળી હાજરી હોય ત્યાં લોકોપયોગી કાર્યક્રમ યોજી રવિવારની સર્વિસ માટે આકર્ષવાનો પ્રયત્ન કરતા.
રોમાની રોડના ચર્ચના પાદરીએ જીપ્સીની વાત શંતિથી સાંભળી, પણ ‘ટેનન્ટ્સ એસોસીએશન માટે ચર્ચના હૉલનો ઉપયોગ અઠવાડીયામાં એક કલાક માટે પણ આપવાની પણ ના પડી.
બીજો પર્યાય હતો એસ્ટેટમાં જ આવેલ રોમાની રોડ કમ્યુનીટી સેન્ટર. અમારા વિસ્તારમાં પચીસ-ત્રીસ ખાનગી માલિકીના મકાન હતા. ત્યાં રહેનારા લોકો આમ તો મૂળ વર્કીંગ ક્લાસના હતા, પણ ભણીગણીને અૉફિસમાં સારા પગારની નોકરી કરીને થોડા ઘણા ‘સ્ટેટસ’વાળા થયા હતા. કાઉન્સીલની એસ્ટેટમાં રહેનારા બેકાર તથા બેનીફીટ પર આધાર રાખતા લોકો, અને ખાસ કરીને અશ્વેત પ્રજા તથા સિંગલ પૅરન્ટ બહેનો પ્રત્યે તેઓ અત્યંત હીન ભાવનાથી જોતા હતા. સેન્ટરની કમિટીના ચૅરમેન એક ગ્રોસરી સ્ટોરના રિટાયર્ડ મૅનેજર હતા. કમ્યુનીટી વર્કર બહેન પોતાને મિડલક્લાસના, એટલે કે બાકીના લોકો કરતાં ઊંચા ગણતા. તેમની કમિટીએ નિયમ બનાવ્યા હતા તેમાં સેન્ટરમાં કોને આવવા દેવા તે વિશે કડક શરતો રાખી હતી. તેમણે જીપ્સીને ઘસીને ના કહી: અમારા સેન્ટરમાં સિંગલ પૅરેન્ટ સ્ત્રીઓને સ્થાન નથી. અહીં પ્રતિષ્ઠીત અને મોભાદાર લોકો આવે છે.
બ્રિટનમાં ‘ક્લાસ સીસ્ટમ’ કેટલી રુઢીચુસ્ત તથા દંભી છે તેનો સૌને ખ્યાલ હશે જ. અહીંના સમાજમાં social mobility નથી. વર્કીંગ ક્લાસના લોકોને મિડલ ક્લાસ કદી નહિ સ્વીકારે. તે પ્રમાણે મધ્યમ વર્ગના લોકોને ‘રૂલીંગ ક્લાસ’ કે જમીનદાર વર્ગની ‘gentry’માં પ્રવેશ ન મળે. જે આપે જેન અૉસ્ટેનની કે બ્રૉન્ટે બહેનોની નવલકથાઓમાં વાંચ્યું છે, તે હજી પણ જોવામાં આવતું હતું.
કમ્યુનિટી સેન્ટરના ચૅરમૅન મિસ્ટર શૉએ જીપ્સીને સ્પષ્ટ ના કહી. “I do not want single parent women lining up outside MY center!”

સદ્ભાગ્યે તે સમયે બે બનાવ થયા જે અમારા કામમાં ઉપયોગી નીવડ્યા. પ્લેસમેન્ટના પહેલા અઠવાડીયા દરમિયાન કાઉન્સીલના ગ્રાન્ટ આપનારા જે મૅનેજર સાથે સમ્પર્ક સાધ્યો હતો, તે ઘણા ભલા માણસ હતા. તેમણે કહ્યું કે ટેનન્ટસ એસોસીએશનને કાઉન્સીલ માન્યતા આપે તો તેઓ આ બાબતમાં હસ્તક્ષેપ કરી શકશે. બીજી વાત થઇ તેને પ્રારબ્ધ ગણી શકાય. તે સમય બ્રિટનની સોશિયલ સિક્યોરિટીની બેનીફીટ પદ્ધતિમાં ફેરફાર થયો. એક મહિના બાદ સરકાર ઘણાં બેનીફીટ રદ કરવાની હતી. (આપને નવાઇ લાગશે કે સરકાર તે વખતે પરિવારોને કપડાં ધોવા માટે Laundry Allownce અાપતું હતું!). જેમને આ બેનીફીટ મળતા હતા, તેઓ એક મહિનાની અંદર ખાસ ફૉર્મ ભરીને તે ચાલુ રાખવાની વિનંતિ કરે તો એટલી રકમ મુખ્ય ભત્થામાં મેળવી દેવામાં આવશે તેવી સરકારે જાહેરાત કરી હતી. આનો ફાયદો લઇ જીપ્સીએ રોમાની રોડ સેન્ટરની કમિટી પાસે પ્રસ્તાવ રજુ કર્યો. સેન્ટરમાંના એક ઓરડામાં તેઓ જીપ્સીને તેમના સભ્યોને મદદ કરવાની રજા આપે તો તે વિનામૂલ્યે તેમની અરજીનાં ફૉર્મ ભરી વધુમાં વધુ બેનીફીટ મળે તેવો પ્રયત્ન કરશે. શરત એ હતી કે તેમના વિસ્તારમાં આવેલી કાઉનસ્ીળની એસ્ટેટમાં રહેનારા લોકોને તેનો લાભ મળવો જોઇએ. એક રૂમમાં જીપ્સીની ‘સર્જરી’ ચાલે, અને એક ઓરડાને વેઇટીંગ રૂમ તરીકે વાપરવાની રજા આપવી જોઇશે. તેણે કમિટીને સમજાવ્યું કે આ કામ નહિ કરવામાં આવે તો તેમના સભ્યોને ભારે આર્થિક નુકસાન થઇ શકે તેમ છે.
તેમણે મંજુરી આપી! આપણે ત્યાં કહેવત છે, “લાલો લાભ વગર લોટે નહિ!”
શરૂઆતના એક અઠવાડીયામાં ‘પ્રતિષ્ઠીત’ લોકોનું કામ પતી ગયું. એસ્ટેટમાં કાર્ડબોર્ડના પાટીયાં લટકાવી એડવાઇસ સેન્ટરની જાહેરાત થઇ અને લોકોની કતાર લાગી ગઇ. રોજના બે કલાક આ કામ અને બાકીના સમયમાં ટેનન્ટ્સ એસોસીએશનની સંઘટના, બંધારણ, કમિટીની સ્થાપના વગેરે કરવાનું શરૂ કર્યું. એક મહિનો પૂરો થતાંમાં કમિટીની ચૂંટણી થઇ ગઇ અને જે કમરામાં વેઇટીંગ રૂમ રાખ્યો હતો, તે અમારા એસોસીએશનને કાયમ માટે એલૉટ થઇ ગયો.
આપે અૉડ્રી હેપબર્નનું ‘My Fair Lady’ જોયું હશે. અમારા વિસ્તારમાં એક વૃદ્ધા રહેતા હતા, જે તેમની યુવાનીમાં Flower Girl હતા. એલાઇઝા ડૂલીટલ જેવી કાળી શાલ, તેણે પહેર્યો હતો તેવો મોટા ઘાઘરાવાળો ડ્રેસ અને માથા પર બૉનેટ અને હાથમાં ફૂલોની છાબડીનો ફોટો લઇ આ બહેન આવ્યા અને જીપ્સીને બતાવ્યો. તેના પરથી એક વિચાર આવ્યો, આ ફોટો સ્થાનિક છાપાંઓમાં છપાય તો અમારી સંસ્થાને સારી પબ્લીસીટી મળે. તેણે કમિટીને વાત કરીને મંજુરી લીધી કે ટેનન્ટસ એસોસીએશનની સ્થાપનાનો દિવસ ઉજવવામાં આવશે! સ્થાનિક કાઉન્સીલરોની હાજરીમાં ડેપ્યુટી મેયરને ઉદ્ઘાટન કરવા બોલાવ્યા અને રિપોર્ટર્સ્ને આમંત્રણ આપ્યું. અમારી Flower Girl, કમિટીના સભ્યો તથા સેન્ટર સેવન્ટીના હોદ્દેદારોની હાજરીમાં પ્રસંગ ઉજવાયો! અખબારોમાં છબીઓ છપાઇ અને એસોસીએશનનું કામ ધમધોકાર શરૂ થઇ ગયું.
બેનીફીટ એડવાઇસ સેન્ટરના બે અનુભવો આવતા અંકમાં!

Friday, August 12, 2011વેસ્ટ નૉરવૂડની લાયબ્રરીની મુલાકાત લીધા પછી જીપ્સીના મનમાં એક તુમુલ્લ યુદ્ધ લડાયું. એક તરફ કામનું દબાણ અને બીજી તરફ માતૃભાષાના ગુરુત્વાકર્ષણે ખેંચેલું તેનું મન, જે કોઇ પણ હિસાબે તે ટાળી શકે તેમ નહોતો. સાંજે ટ્રેનમાં ઘેર જતી વખતે તેણે લખવાની શરૂઆત કરી, તેનું પહેલું પાનું તેના જ ૩૦મી માર્ચ ૧૯૮૮ના દિવસે લખેલું હતું તે નીચે ઉતાર્યું છે. તેનો શેષ અંશ અહીં ટાઇપ કરીને મૂકાયો છે.આજનો અનુભવ જુદો જ હતો. ટેમ્સ નદીને પેલે પાર આવેલ ઊપનગર લૅમ્બથ. લૅમ્બથનું નાનું પરૂં વેસ્ટ નૉરવૂડ અને તેમાં આવેલું નાનકડું પુસ્તકાલય - જેમાં વિશ્વની આઠમી અજાયબી સમાન ગુજરાતી ભાષાનાં પુસ્તકો જોઇ મારાં પગલાં થોડા સુસ્ત થયા. ભાવનગરની બાર્ટન લાયબ્રરી, અમદાવાદનું માણેકલાલ જેઠાલાલ પુસ્તકાલય, જા્યાં કલાકોના કલાક ગાળ્યા હતા તેની યાદ આવી ગઇ.તેમ છતાં લંડનની ઉતાવળભરી જીંદગીથી ટેવાયેલો આ જણ હંમેશની જેમ આ સામે ઉભેલા મિત્રથી નજર છુપાવી, ઓળખાણનું સ્મિત આપવાનું તો બાજુએ રહ્યું, પણ પરિચયનો એકરાર કરતું મસ્તક હલાવવાનું પણ છોડીને ભાગવાનો પ્રયત્ન કર્યો. તેથી જ કે કેમ, મારો ડાબો ખભો આ ત્રણ ઘોડાઓમાં સમાયેલા "ગુજરાતી વિભાગ"ને સ્પર્શી ગયો. અને એક ચમત્કાર સમાન આ પાષાણ થયેલા હૃદયનો અહલ્યા-ઉદ્ધાર થયો. સો-દોઢસોથી પણ ઓછા પુસ્તકો પાસે ઉભો રહ્યો અને એવું લાગ્યું કે માતૃવાત્સલ્ય સમા આ પ્રિતીસ્રોતમાં જીપ્સી નહાઇ રહ્યો હતો. પુસ્તકોના શ્વાસોચ્છ્વાસમાં પમરાતી આ મૃદુ સુગંધને આંખો મિંચીને માણતો રહ્યો. જતાં પહેલાં પુસ્તકો સામે એક મીટ માંડી અને એક પુસ્તકે ટહૂકો કરીને મારૂં ધ્યાન ખેંચ્યું. પુસ્તકનું નામ હતું "ગાયે ચલા જા". લેખક શિરીષ કણેકર અને અનુવાદક હતા જયા મહેતા. મોડું થતું હતું તેમ છતાં પુસ્તક લઇ પાછો લાયબ્રેરીયન પાસે ગયો, કાર્ડ કઢાવ્યું અને પુસ્તક લઇ સેન્ટરમાં ગયો.
બસ, ત્યારથી માણસાઇમાં પાછા આવેલા જીપ્સીએ સાહિત્યના ક્ષેત્રમાં પુનર્જીવન પ્રાપ્ત કર્યું. આવળ બાવળના જંગલમાંથી તેણે સંસ્કારજગતમાં પ્રવેશ કર્યો. હવે પછી જીપ્સીની ડાયરીમાં સોશિયલ વર્કના અનુભવોની સાથે તેના નવજીવનના પ્રવાસના સંસ્મરણો વતનને અંજલિ સ્વરૂપે આપવાનો પ્રયત્ન કરશે. આશા છે આપ તેને સ્વીકારશો.

ઇન્ટર્નશિપ હોય કે કામનું સ્થળ, સોશિયલ વર્કર માટે આવશ્યક હોય છે કે જનતાની સુવિધા માટે સરકારે તથા કાઉન્સીલે તેમના વિસ્તારમાં કઇ અને કેવી સેવાઓનું આયોજન કર્યું છે. આ સ્થળોની મુલાકાત લઇ ત્યાંના અધિકારીઓ કે કાર્યકરો સાથે સમ્પર્ક સાધવો અને પોતાનો પરિચય આપવો.
આની અંતર્ગત જીપ્સીએ પહેલાં લૅમ્બથ કાઉન્સીલની સોશિયલ સર્વીસીઝ, અર્બન ડેવેલપમેન્ટ તથા યૂથ સર્વિસીઝ વિભાગની મુલાકાત લીધી. અહીં તેને ૧૯૮૧માં લૅમ્બથના બ્રિક્સ્ટનમાં થયેલા તોફાનો વિશે ઘણી માહિતી મળી.
આપે સમાચારમાં જોયું અને સાંભળ્યું હશે કે તાજેતરમાં એટલે ગયા અઠવાડીયે જ કેવળ બ્રિક્સટન નહિ, લગભગ આખા લંડનમાં તેમજ બર્મિંગહમ જેવા શહેરોમાં ભારે હિંસક તોફાનો થયા અને ભારે પ્રમાણમાં લૂંટફાટ થઇ. તેથી આજની પોસ્ટમાં આનું સંક્ષેપમાં વિવરણ આપવાનો પ્રયત્ન કરીશ. તે માટે બ્રિટનની હાલતની પૃષ્ઠભુમીનું વર્ણન કરવું આવશ્યક છે. કંટાળો ઉપજે તો ક્ષમા કરશો!

બ્રિટન વસાહતવાદી શક્તિ (colonial power) તરીકે ઉભરી તે પહેલાં ત્યાંનો સમાજ ત્રણ વર્ગમાં વહેંચાયો હતો: સત્તાધારી (ruling class), રૈયત (peasants) તથા મધ્યમ વર્ગ. સત્તાધારી વર્ગમાં રાજઘરાણાં, ઉમરાવ તથા મોટા જમીનદારો હતા. રૈયતમાં આવી જતા જમીનની માલિકી વિહોણા ખેડૂત, ખેત મજુર તથા અમીરોનો નોકરવર્ગ. આ બન્નેની વચ્ચે દુકાનદાર, વહીવટી નોકરીયાત, આડતીયા વગેરેથી બનેલો મધ્યમ વર્ગ. રૈયત ગરીબીમાં ઉંડી ઉતરતી ગઇ, ત્યારે રાજાશાહી સરકારે કેટલાક કાયદાઓ ઘડ્યા, જેમકે Poor Law વગેરે. તેનાથી લોકોને મદદ થવાને બદલે જેલ જેવા Work Housesમાં જઇ દિવસના અઢાર કલાક સુધી કામ કરવું પડતું, જેના બદલામાં તેમને ભાગ્યે જ કોઇ મહેનતાણું મળતું. ફ્રાંસમાં આવી જ પરિસ્થિતિ હતી, અને તેથી ત્યંા ક્રાન્તિ થઇ. બ્રિટનમાં સત્તાધારી વર્ગે રૈયતને વૈચારીક અફીણ આપ્યું: વિશ્વના અર્ધાથી વધુ ભાગમાં બ્રિટનનું રાજ ચાલે છે. આ રાજ સ્થાપવા માટે રૈયતે આપેલ યોગદાન જવાબદાર છે. વળી રૈયત ભારત, વેસ્ટ ઇંડીઝ, આફ્રિકાના દેશો કરતાં વધુ બળવાન, શિક્ષીત અને સર્વોપરીતાના ગુણ ધરાવે છે તેથી તેઓ આ યશના હકદાર છે!
આ વિચારથી રૈયતમાં એક સર્વોપરીતા - racial superiorityની ભાવના આવી ગઇ, અને ત્યાંથી શરૂ થયો વર્ણદ્વેષ.
બ્રિટનમાં વર્ણદ્વેષ બે સ્તર પર રૂઢ થયો. એક તો સંસ્થાકીય - Institutional Racism તથા બીજો અંગત, Personal Racism. ૧૯૬૦ના અરસામાં જ્યારે બ્રિટનમાં full employmentની સ્થિતિ થઇ, ત્યારે ફૅક્ટરી, કાપડની મિલો, ધાતુ ગાળવાની foundry, બસ તથા ટર્ેન ચલાવવાના હલકા ગણાતા કામ કરવા અંગ્રેજો તૈયાર નહોતા. તેમને વધુ સારા પગારના અને ઉચ્ચ કક્ષાનાં કામ મળતા હતા. પીટરબરો, વેલીન ગાર્ડન સિટી, મિલ્ટન કીન્સ જેવા નવા શહેરો ઉભા થતાં લંડનના ઇસ્ટ એન્ડમાં રહેતા અંગ્રેજો ત્યાં ચાલ્યા ગયા. તેમણે ખાલી કરેલી નોકરીઓ તથા મકાનો ભરવા માટે સરકારે ભારત, પાકિસ્તાન, વેસ્ટ ઇંડીઝના દેશોમાંથી ભારે સંખ્યામાં લોકોને ભરતી કરવાની શરૂઆત કરી. ‘ફુલ એમ્પ્લૉયમેન્ટ’નો દોર સમાપ્ત થયો અને મંદીની હાલતમાં લોકોને નોકરી પરથી કાઢવાની શરૂઆત થઇ, સૌથી પહેલાં આફ્રિકન કૅરીબીયન તથા ભારતીય ઉપખંડના અશ્વેત લોકો તેનો ભોગ બન્યા. સંસ્થાકીય વર્ણદ્વેષને કારણે સરકારી અને મ્યુનીસિપલ આવાસમાંથી અશ્વેત લોકોને બાકાત રાખવાની શરૂઆત થઇ. બ્રિટનની ઉગ્રવાદી શ્વેત સર્વોપરીતાનો ઝંડો ઊઠાવતી BNP -બ્રિટીશ નેશનિલસ્ટ પાર્ટીએ મોટા વર્ણદ્વેષી પોસ્ટર લગાડ્યા. બેઘર લોકોને સરકારી આવાસ અપાવાનું બંધ થયું. લોકો નાના મોટા ગુના કરવા લાગ્યા અને તેમને ભારે સજા અપાવા લાગી. બ્રિટનની જેલો અશ્વેત લોકોથી ભરાવા લાગી. આ ભેદભાવની અનીતિ એટલી હદ સુધી વધી ગઇ કે લોકોની ધીરજનો અંત આવ્યો. ૧૯૮૧માં બ્રિક્સ્ટનની રેલ્ટન સ્ટ્રીટમા એક બનાવ બની ગયો, જેમાં એક જમેકન યુવાન પર પોલિસે અત્યાચાર કર્યો. લોકો વિફર્યા અને ગલીઓ તથા શેરીઓમાં જનતા વિરૂદ્ધ પોલીસ એવા યુદ્ધ શરૂ થઇ ગયા. સફેદ ગુંડાઓની ટોળીઓ અશ્વેત રહેઠાણો પર હુમલા કરી આગ લગાડવા લાગી. આ તોફાનો એટલી હદ સુધી વકર્યા કે માર્ગરેટ થૅચરની સરકારને આ વર્ણીય સમસ્યાનું નિવારણ કરવા િમસ્ટર જસ્ટીસ લૉર્ડ સ્કાર્મનનું પંચ નીમ્યું .
આને થોડા વર્ષ વિત્યા હશે ત્યાં હૅરીંગે કાઉન્સીલના બેકારી તથા નાના મોટા ગુનાઓને કારણે કુખ્યાત બનેલ ટૉટનહમ વિસ્તારમાં આવેલ બ્રૉડવૉટર ફાર્મ હાઉસીંગ એસ્ટેટમાં પોલીસે કરેલ બિનગોરાઓ સામેના અત્યાચારે અભૂતપૂર્વ તોફાનોનું સ્વરૂપ ધારણ કર્યુ. ફરી એક વાર ગોરા પોલિસ અફસર અને તેમની સામે લડનારા બિનગોરી પ્રજા વચ્ચે હિંસા ભડકી ઉઠી.
દસેક વર્ષની શાંતિમાં અશાંતિ ફેલાવાનું કારણ જગતમાં ફેલાયેલી મંદીનું મોજું બ્રિટનમાં પણ ફરી વળ્યું. વધુ ને વધુ લોકો સરકારી બેનિફીટ પર આધાર રાખતા થયા. કાઉન્સીલોએ પૈસાની અછતને કારણે નાગરિકોને અપાતી સેવાઓ ઓછી કરવાની શરૂઆત કરી. પુસ્તકાલયો, યુવાનો માટેના રમતગમતના તેમજ યુવાકલ્યાણની સેવાઓ બંધ કરવાની શરૂઆત થઇ. પતિપત્નીને જે મળે તે કામ કરવા બહાર જવું પડતાં તેમનાં બાળકોને ઘરમાં સંભાળવા માટે કોઇનો સહારો નહોતો રહ્યો. બ્રિટન હવે મૂખ્યત્વે ન્યુક્લીયર ફૅમિલી પ્રથા બની ગયું છે. તેમાં પણ સિંગલ પૅરન્ટ પરિવાર વધી ગયા હોવાથી માતા કામ પર હોય ત્યારે બાળકોને રેઢા રહેવું પડવા લાગ્યું. બાળકોની સંભાળ માટે કાયદો છે કે નાનાં બાળકોની સંભાળ રાખવા તેમની સાથે ૧૨ વર્ષથી મોટી વ્યક્તિનું ‘સુપરવિઝન’ હોવું જ જોઇએ. અગાઉ તેમના માટે કાઉન્સીલની ગ્રાન્ટથી ચાલતી સ્વયંસેવી સંસ્થાઓ હતી. હવે તે પણ બંધ થઇ ગઇ. બાળકોનાં દાદા-દાદી અને નાના-નાની વૃદ્ધાશ્રમમાં કે તેમનાં પોતાના ગામમાં રહેતા હોવાથી બાળકો પર નિયંત્રણ કે પ્રેરણાદાયી વાતાવરણ રહ્યું નહિ.
આ જાણે ઓછું હોય, લોકોમાં આધુનિક ઉપકરણ તથા મનોરંજનના સાધનો (iPad, iPod, મોંઘા સેલ ફોન, ટીવી સેટ) મેળવવાની સ્પર્ધા લાગી છે. ધનના અભાવે લોકો શોરૂમ તરફ મીટ માંડીને તેની ખેવનામાં પડ્યા રહેતા હતા.
આવી હાલતમાં ટૉટનહામમાં ફરી એક વાર ભડકો થયો. એક અશ્વેત વ્યક્તિની પોલિસે હત્યા કરી. આ વખતે શરૂઆતમાં જે હિંસા ફાટી નીકળી, તે વર્ણીય હતી. લોકોએ પોલિસની ગાડીઓને આગ ચાંપી - જે સરેઆમ ફેલાવા લાગી. લોકોએ જોયું કે પોલિસ પ્રબંધ અપૂરતો છે, લોકોનાં ધાડાં રસ્તા પર ઉતરી આવ્યા અને કરી’ઝ જેવી ઇલેક્ટ્રૉનિક્સ વેચતા મોટા સુપર સ્ટોર્સને લૂંટવા લાગ્યા. આ લૂંટમાં કેવળ ટીન એજર્સ નહોતા. ૪૦-૫૦ વર્ષના સભ્ય ગણાતા ગોરા લોકો પણ આ લૂંટ કરવા લાગ્યા. બ્રિટનના સમાજ માટે આ શરમજનક વાત છે એવું ત્યાંના રાજકર્તાઓ કહેવા લાગ્યા, પણ તેની પાછળના સામાજીક કારણો પાછળ કોઇએ ધ્યાન ન આપ્યું.
જીપ્સીના એક નજીકનાં મિત્ર ગ્રેટર લંડનની કાઉન્સીલના કાનુની સલાહકારનું કામ કરે છે. તેમણે વ્યથાપૂર્ણ સ્વરમાં કહ્યું કે કાઉન્સીલે તેમને બાકી બચેલી લોકસેવાઓ, જેમાં પુસ્તકાલયો તથા વિનામૂલ્યે ચલાવાતા સ્નાનાગાર તથા રમતગમતના કેંદ્રો બંધ કરી તેના કર્મચારીઓને છૂટા કરવા વિશે પગલાં લેવાની સૂચના આપી હતી. આ સેવાઓનો લાભ લેનારા બાળકો તથા કિશોરોને નવરાશના સમયમાં હવે કોઇ પ્રવૃત્તિ રહી નથી. તેનું પરિણામ શું આવશે તેનો વિચાર કોણે કરવો જોઇએ?

જીપ્સીને એક પ્રશ્ન મુંઝવે છે: વિકાસના માર્ગ પર જઇ રહેલા ભારતે બ્રિટન તથા અમેરિકાને પોતાનાં આદર્શ માન્યાં છે. તેમનું અનુસરણ કહો કે અનુકરણ, આપણા દેશમાં ‘ન્યુક્લીયર’ પરિવારો વધતા જાય છે, અને તેની સાથે સાથે વૃદ્ધાશ્રમની સંખ્યામાં વૃદ્ધી થઇ રહી છે. જે બ્રિટનમાં થયું તે ભારતમાં થશે?

મારા જીવનસાથી કહે છે ભારતમાં તે શક્ય નથી. ત્યાં ‘સુખી’ પરિવારની બહેનોને કામ કરવાની જરૂર નથી, તેથી તેમનાં બાળકોને ઘરમાં કોઇને કોઇ પ્રવૃત્તિમાં રોકી રાખવા તેઓ ઘરમાં હોય છે. તેમને બાળકોનાં દાદા-દાદીને સાથે રાખવાની જરૂર નથી. આધુનિક ઉપકરણો, મોંઘા સેલફોન, ઇલેક્ટ્રૉનીક રમકડાં, કમ્પ્યુટરની રમતો લોકો સહેલાઇથી મેળવી શકે છે, કારણ કે 'ઉપર'ની આવક પગાર કરતાં વધુ હોય છે. દેશમાં લાંચરૂશ્વત આપણા જીવનની એક સબ-સીસ્ટમ બની ગઇ છે; જે રીતે શ્વાસોચ્છ્વાસ અને રુધિરાભિસરણ આપણા શરીરમાં છે તે રીતે કરપ્શન ભારતીય જીવનનું અવિભાજય અંગ બની ગયું છે. પ્રજામાં અન્યાયનો પ્રતિકાર કરવાની શક્તી નષ્ટ થઇ ગઇ છે. અન્યાયનો સામનો કરવા પણ લોકો લાંચરૂશ્વતનો ઉપયોગ કરતા થઇ ગયા છે.
મારી પાસે આનો જવાબ નથી. આપની પાસે હોય તો પ્રતિભાવરૂપે આપશો?

Wednesday, August 10, 2011

સોશિયલ વર્કરની નોંધપોથી: 'રોમાની' જીપ્સીની દાસ્તાન

ગઇ કાલની પોસ્ટમાં જીપ્સીના ભારતીય ઉદ્ગમનો ઉલ્લેખ કર્યો ત્યારે મિત્રોના મનમાં જીપ્સી લોકો વિશે વધુ જાણવાની જીજ્ઞાસા થઇ.
ઇતિહાસકારો તથા નૃવંશશાસ્ત્રી (genetic scientists)ના મત અનુસાર જીપ્સીઓ મૂળ ભારતના છે. કેટલાકે વૈજ્ઞાનીક તેમજ ઐતિહાસીક સંશોધન દ્વારા જણાવ્યું છે કે તેઓ મૂળ રાજસ્થાન કે મધ્યભારતના વતની હતા. આ લડાયક પ્રજા હતી અને મહંમદ ગઝનીની સામે પણ તેમના યોદ્ધા લડ્યા હતા.
અહીં કેટલીક રસપ્રદ વાતો મૂકીશ.
જીપ્સીઓને યુરોપમાં 'રોમાની' કહેવાય છે, જેનું મુખ્ય કારણ તેમની ટોળીના પુરૂષો 'રોમ' કહેવાય છે - જેને કેટલાક લોકો મર્યાદા પુરુષોત્તમ રામનો તળપદી ઉચ્ચાર માને છે. તેમના કબીલાના સરદાર 'Bara Rom' અથવા બડા રોમના નામથી ઓળખાય છે. નીચે વિકીપીડીયાના અંશ ઉતાર્યા છે જેમાં સ્પષ્ટ કહેવાયું છે (આપણા વાચક શૈલેષભાઇ તથા ચિરાગે આ બાબતમાં પૃચ્છા કરી છે) કે તેમની મૂળ ભાષા સંસ્કૃતમાંથી ઉતરી આવી છે. નીચેનો લેખ વિકીપીડીયામાંથી ઉતારવામાં આવ્યો છે, જે માટે તેમના સંપાદકશ્રીનો આભાર માનું છું.

Origin

First arrival of Gypsies outside Bern in the 15th century, described by the chronicler as getoufte heiden"baptized heathens" and drawn wearing Saracene style clothes and weapons (Spiezer Schilling, p. 749).
The absence of a written history has meant that the origin and early history of the Romani people was long an enigma. Indian (mixed) origin, was suggested on linguistic grounds as early as 200 years ago. One theory suggests that the name ultimately derives from a form ḍōmba- 'man of low caste living by singing and music', attested in Classical Sanskrit.
Linguistic evidence indicates the Romanies originated from the Rajasthani people, emigrating from India towards the northwest no earlier than the 11th century. Contemporary populations sometimes suggested as sharing a close relationship to the Romani are the Dom people of Central Asia and the Banjara of India.
Genetic evidence is connecting the Romani people and the Jat people, the descendants of groups, which emigrated from India towards Central Asia during the medieval period. There are serological similarities shared with several populations that linked the two people in a 1992 study.
In 2007 a limited medical survey of haplotypes frequently found in the Jat Sikhs and Jats of Haryana, and those found in the Romani populations revealed no matches.

Language origins

The cause of the Romani diaspora is unknown. However, the most probable conclusion is that the Romanies were part of the military in Northern India. When there were repeated raids by Mahmud of Ghazni and these soldiers were defeated, they were moved west with their families into the Byzantine Empire. This occurred between AD 1000 and 1030.[citation needed]
This departure date is assumed because, linguistically speaking, the Romani language is a New Indo-Aryan language (NIA) − it has only two genders(masculine and feminine). Until around the year 1000, the Indo-Aryan languages, named Middle Indo-Aryan (MIA), had three genders (masculine, feminine and neuter). By the turn of the 2nd millennium, they changed into the NIA phase, losing the neuter gender. Most of the neuter nouns became masculine while a few became feminine. For instance, the neuter अग्नि (agni) in the Prakrit became the feminine आग (āg) in Hindi and jag in Romani. The parallels in grammatical gender evolution between Romani and other NIA languages is proposed to prove that the change occurred in the Indian subcontinent.
It is therefore not considered possible that the ancestors of the Romani people left India prior to AD 1000. They then stayed in the Byzantine Empire for several hundred years. However, the Muslim expansion, mainly made by the Seljuk Turks, into the Byzantine Empire recommenced the movement of the Romani people.
Until the mid-to-late 18th century, theories of the origin of the Romani were mostly speculative. In 1782, Johann Christian Christoph Rüdiger published his research that pointed out the relationship between the Romani language and Hindustani. Subsequent work supported the hypothesis that Romani shared a common origin with the Indo-Aryan languages of Northern India, with Romani grouping most closely with Sinhalese in a recent study.
The majority of historians accepted this as evidence of an Indian origin for the Romanies, though some scholars maintained that the Romanies acquired the language through contact with Indian merchants.
Domari and Romani language

Domari was once thought to be the "sister language" of Romani, the two languages having split after the departure from the Indian subcontinent, but more recent research suggests that the differences between them are significant enough to treat them as two separate languages within the Central zone (Hindustani) group of languages. The Dom and the Rom are therefore likely to be descendants of two different migration waves out of India, separated by several centuries.
Numerals in the Romani, Lomavren and Domari languages, with Hindi forms for comparison.

Hindi Romani Lomavren Domari
1 ek ekh, jekh yak, yek yika
2 do duj lui dī
3 tīn trin tərin tærən
4 cār štar išdör štar
5 pāñc pandž, pendž pandž
6 che šov šeš šaš
7 sāt ifta haft xaut
8 āţh oxto hašt xaišt
9 nau inja nu na
10 das deš las des
20 bīs biš vist wīs
100 sau šel saj sajEurope

Around 1360, a fiefdom (called the Feudum Acinganorum) was established in Corfu. It mainly used Romani serfs and the Romanies on the island were subservient.
By the 14th century, the Romanies had reached the Balkans and Bohemia; by the 15th century,Germany, France, Italy, Spain and Portugal; and by the 16th century, Russia, Denmark, Scotland and Sweden (although DNA evidence from mid-11th century skeletons in Norwich suggest that at least a few individuals may have arrived earlier, perhaps due to Viking enslavement of Romani from the eastern Mediterranean or liaisons with the Varangians).
Some Romanies migrated from Persia through North Africa, reaching Europe via Spain in the 15th century. The two currents met in France. Romanies began immigrating to the United States in colonial times, with small groups in Virginia and French Louisiana. Larger-scale immigration began in the 1860s, with groups of Romnichal from Britain. The largest number immigrated in the early 20th century, mainly from the Vlax group of Kalderash. Many Romanies also settled in Latin America.

According to historian Norman Davies, a 1378 law passed by the governor of Nauplion in the Greek Peloponnese confirming privileges for the "atstingani" is "the first documented record of Romany Gypsies in Europe." Similar documents, again representing the Romanies as a group that had been exiled from Egypt, record them reaching Braşov, Transylvania in 1416; Hamburg, Holy Roman Empire in 1418; and Paris in 1427. A chronicler for a Parisian journal described them as dressed in a manner that the Parisians considered shabby, and reports that the Church had them leave town because they practiced palm-reading and fortune telling.
In Wallachia, Transylvania and Moldova, Romanies were enslaved for five centuries, until abolition in the mid-19th century.
In the late 19th century, the Romani culture inspired in their neighbors a wealth of artistic works. Among the most notable works are Carmen and La Vie de Bohème.

Settlement

In 1758, Maria Theresa of Austria began a program of assimilation to turn Romanies into ujmagyar (new Hungarians). The government built permanent huts to replace mobile tents, forbade travel, and forcefully removed children from their parents to be fostered by non-Romani. By 1894, the majority of Romanies counted in a Hungarian national census were sedentary. In 1830, Romani children in Nordhausen were taken from their families to be fostered by Germans.
Russia also encouraged settlement of all nomads in 1783, and the Polish introduced a settlement law in 1791. Bulgaria and Serbia banned nomadism in the 1880s.
In 1783, racial legislation against Romanies was repealed in the United Kingdom, and a specific "Turnpike Act" was established in 1822 to prevent nomads from camping on the roadside, strengthened in the Highways Act of 1835.

Pre-war organization
In 1879, a national meeting of Romanies was held in the Hungarian town of Kisfalu (now Pordašinci, Slovenia). Romanies in Bulgaria set up a conference in 1919 to protest for their right to vote, and a Romani journal, Istiqbal (Future) was founded in 1923.
In the Soviet Union, the All-Russian Union of Gypsies was organized in 1925 with a journal, Romani Zorya (Romani Dawn) beginning two years later. TheRomengiro Lav (Romani Word) writer's circle encouraged works by authors like Nikolay Aleksandrovich Pankov and Nina Dudarova.
A General Association of the Gypsies of Romania was established in 1933 with a national conference, and two journals, Neamul Tiganesc (Gypsy Nation) andTimpul (Time). An "international" conference was organized in Bucharest the following year.

During World War II, the Nazis murdered 220,000 to 1,500,000 Romanies in an attempted genocide referred to as the Porajmos.[34] Like the Jews, they were sentenced to forced labor and imprisonment inconcentration camps. They were often killed on sight, especially by the Einsatzgruppen on the Eastern Front.

પૂરો લેખ વાંચવા માટે નીચેની લિંક જોવા વિનંતિ છે.
જીપ્સીને સેન્ટર સેવન્ટીમાં મળેલું પ્લેસમેન્ટ ગમ્યું. એક તો તેને કમ્યુનીટી ગ્રુપમાં કામ કરવાનો અનુભવ હતો, અને બીજું, તેની ઇચ્છા, ખેવના હંમેશા માનવસેવાની રહી હતી. કાઉન્સીલની એસ્ટેટમાં કામ કરી ત્યાંના જનજીવનમાં જે થોડો ઘણો સેવા કરવાનો મોકો મળે, તેમાં જીવનની સાર્થકતા અનુભવાશે એવું માની તે ત્યાં ગયો.

વેસ્ટ નૉરવૂડ જવા માટે ઉત્તર લંડનમાં આવેલા તેના ઘરથી ત્રણે'ક માઇલ દૂર આવેલા એજવેર સ્ટેશનથી ટ્રેન દ્વારા પહેલાં ટેમ્સ નદીને પેલે પાર બ્રિક્સટન અને ત્યાંથી બસ લઇ સેન્ટર સેવન્ટી. આ એ જ બ્રિક્સટન હતું જ્યાં ૧૯૮૧માં અને બે દિવસ પહેલાં ૭ અૉગસ્ટ ૨૦૧૧ની રાતે ભયંકર તોફાન ફાટી નીકળ્યા હતા. ૧૯૮૮માં એટલે જીપ્સીના પ્લેસમેન્ટ દરમિયાન આ વિસ્તાર શાંત હતો, પણ લૅમ્બથનો આખો બરો ગરીબીની હાલતમાં સપડાયેલો હતો. બ્રિટનમાં આર્થિક રીતે સૌથી પછાત અને rundown ગણાતા વિસ્તારોમાં લંડનના લૅમ્બથ, હેરીંગે, ટાવર હૅમ્લેટ્સ જેવા બરો ગણાય. આ બધા બરોમાં બેકારી, ગરીબી, દારૂ તથા નશીલા પદાર્થોની લે-વેચ, જેને અંગ્રેજીમાં urban decay કહેવાય છે, તેની ભરમાર છે. એક તણખો દાવાનળમાં બદલાઇ શકે. ૧૯૮૧માં જે થયું તે હાલમાં એટલે બે દિવસ પહેલાં થયું. આ બરોમાં પ્લેસમેન્ટ મળ્યું તેથી જીપ્સીને રોમાંચ થયો. તેમાં પણ એવી હાઉસીંગ એસ્ટેટમાં, જ્યાં બેકારી લગભગ ૭૦ ટકા લોકો ભોગવી રહ્યા હતા, જ્યાં સિંગલ પૅરન્ટ્સ (ખાસ કરીને ત્યક્તાઓ) તેમનાં એક કે બે બાળકોને એકલે પંડે ઉછેરી રહ્યા હતા ત્યાં તેમના સંગઠનનું કામ કરી, તેમનો અવાજ કાઉન્સીલ સુધી પહોંચાડવા માટે એકસુત્રતા લાવવાનું કામ હતું.
આ જાણે ઓછું હોય, બ્રિટનના બેનીફીટના કાયદાઓમાં ફેરફાર થઇ રહ્યો હતો. લોકો તેમાં નમૂદ કરેલી બાબતોને નિયત સમયમાં સરકારી ફૉર્મ્સમાં લેખિતમાં ન આપે તો તેમને ભારે આર્થિક નુકસાન ભોગવવું પડે તેમ હતું. આ એસ્ટેટમાં વિકલાંગ તથા અપંગ વૃદ્ધો પણ મોટી સંખ્યામાં રહેતા હતા. ખાસ કરીને વૃદ્ધો બીજા વિશ્વ યુદ્ધમાં ભાગ લઇ ચૂક્યા હતા અને તે માટે તેમનામાં અખૂટ અભિમાન તથા ગૌરવની ભાવના હતી. તેમને તેમના અધિકારનો ઉપયોગ કરવા પ્રવૃત્ત કરવાનું કામ પણ જીપ્સીના કાર્યક્ષેત્રમાં સમાવી લેવામાં આવ્યું હતું.
સેન્ટર સેવન્ટીમાં જીપ્સીની કૉલેજના ત્રણ વિદ્યાર્થીઓ હતા. દરેકને જુદું જુદું કામ સોંપવામાં આવ્યું હતું.
જીપ્સી જ્યારે તેના પ્રૅક્ટીસ ટીચર માર્ક ગમ્સુ પાસે ગયો, તેણે કહ્યું, “તારા માટે આ મૅનેજ ન થઇ શકે તેવી બ્રીફ છે. તારાથી બની શકે એટલું જ કામ કરજે. અત્યારે તાતી જરૂર એક જ છે. ટેનન્ટ્સ એસોસીએશન માટે તેમની પાસે કોઇ જગ્યા નથી. હાલ એસોસીએશનની કો-ઓર્ડીનેટર કેટી અૅડમ્સના કિચનમાં મિટીંગ થતી હોય છે.”
અહીં એક મજાની પરિસ્થિતિ હતી!
વેસ્ટ નૉરવૂડની એસ્ટેટ્સ જ્યાં બંધાઇ હતી ત્યાં અગાઉ ખુલ્લું મેદાન હતું. આ મેદાનમાં જીપ્સીઓ તેમના સિગરામ લાવી રહેતા. ત્યાં થોડો સમય રોકાઇ બીજા સ્થાને જતા રહેતા. છ’એક મહિના બાદ દેશ વિદેશ ફરી તેઓ પાછા આ જગ્યાએ આવતા અને કૅમ્પ બનાવી ત્યાં રહેતા. જે રસ્તાનો તે ઉપયોગ કરતા, તેનું નામ રોમાની રોડ થયું. આપ સૌ જાણતા જ હશો કે જીપ્સીઓને ‘રોમાની‘ પણ કહેવાય છે! અહીં લૅમ્બથ કાઉન્સીલે સ્થાનિક નાગરિકોના ઉપયોગ માટે એક સેન્ટર બાંધ્યું, અને તેને નામ આપ્યું ‘રોમાની રોડ કમ્યુનીટી સેન્ટર’.
જીપ્સી - એટલે આ બ્લૉગના પ્રસ્તુતકર્તાને તેના મિલિટરીના વાસ્તવ્ય દરમિયાન તેના ‘રોમાની’પણાની અનુભૂતિ થઇ હતી. ત્યારથી તેને જીપ્સીઓ વિશે કુતૂહલ હતું. તેણે તેમના ઉગમ અંગે અભ્યાસ કરવાનો પ્રયત્ન કર્યો હતો, પણ વિશેષ માહિતી નહોતી મળી. તે ફક્ત એટલું જાણતો હતો કે આ લોકસમુદાય સમગ્ર યુરોપમાં હડધૂત થયેલો સમાજ હતો. કોઇ દેશ તેમને સ્થાયી થવા દેવા માગતો નહોતો. રશિયાથી માંડી સ્પેન, પોર્ટુગલ અને બ્રિટનમાં તેમને હંમેશા જાકારો મળતો રહ્યો. એ દેશમાંથી બીજા દેશમાં તેમના કબિલા તેમના સિગરામમાં રખડતા. હિટલરે તેમને યહુદીઓથી પણ હલકા સમજ્યા અને લાખો જીપ્સીઓની કતલ કરી હતી. સામ્યવાદી રશિયાએ તેવું જ વલણ અપનાવ્યું હતું.
આખરે આ જીપ્સી, આ રોમાની કોણ હતા?
બ્રિટન આવ્યા બાદ આ નિવેદકે તેનો અભ્યાસ કર્યો અને જે જાણવા મળ્યું તેનાથી તે ચોંકી ગયો.
જીપ્સી સમુદાય મૂળ ભારતવાસી હતો.
એટલું જ નહિ, તેઓ મહારાણા પ્રતાપના સૈનિકો હતા.
અકબરની મોગલ સેનાના આક્રમણ બાદ રાજપુત સૈનિકો ચિતૌડ છોડી વનવગડામાં રખડતા રહ્યા. મહારાણાએ આદેશ આપ્યો હતો કે જ્યાં સુધી મોગલોને હરાવી મેવાડ પાછું ન જીતાય ત્યાં સુધી તેઓ તથા તેમના સૈનિકો કોઇ એક સ્થાને નિરાંતે નહિ રહે. પથારીમાં નહિ સૂએ. તેમનું કામ હથિયાર સજાવવાનું. જે દિવસે મેવાડ જીતાશે, રાણાના સૈનિકો દેશમાં પોતાના મકાનમાં રહેશે અને સ્થાયી થશે. મહારાણાના સૈનિકોની કેટલીક ટોળીઓ વિખુટી પડી ગઇ. રાણાજી સાથેનો સમ્પર્ક છૂટી ગયો અને રખડતાં, ફરતાં તેઓ ખૈબર ઘાટ પાર કરી અફગાનીસ્તાન, ઇરાન થઇ યુરોપમાં ગયા. મહારાણાના આદેશની રાહ જોતા રહ્યા અને બસ, રખડતા રહ્યા. હજીયે તેઓ ભટકે છે.
આજે પણ આ રોમાની લોકો પોતાની માતૃભુમિને શોધે છે. પરમાત્માને ‘દેવ’ કહે છે. અને તેની કૃપા માગતા રહ્યા છે.

*

બ્રિટનના વેસ્ટ નૉરવૂડમાંથી તેઓ જે ગયા, પાછા ન આવ્યા. પણ નામ છોડતા ગયા. અને આજના યુગના આ જીપ્સીને એ જ ક્ષેત્રમાં કામ કરવાનો મોકો મળ્યો.

Tuesday, August 9, 2011

સોશિયલ વર્કરની નોંધપોથી: સોશિયલ વર્કના સિદ્ધાંતની વાત!

ત્રીજા સેમેસ્ટરમાં ક્લાયન્ટ્સ સાથે કામ કરવાની પદ્ધતિની ચર્ચા થઇ.
આજના યુગમાં માનવને અનેક પ્રકારની સમસ્યાઓ નડતી હોય છે. જન્મથી જ તેના ઘડતરમાં, તેની પરવરીશમાં, પર્યાવરણ તથા તેના બચપણના, શાળાના તથા કામના સ્થળના સાથીઓના વર્તન તેમજ આપસી વ્વવહાર, જીવનમાં આગળ વધવાની હરિફાઇ વ. જેવા અનેક દબાણ આવતા હોય છે. આનું તેની પોતાની વૃત્તિ તથા આચરણ પર પ્રતિબિંબ પડ્યા વગર રહેતું નથી. તેમાંની એક કે બધાની સામુહિક અસર તેના માનસ પર પડે તે સ્વાભાવિક છે. આવું થાય ત્યારે તેના અંગત જીવનમાં એટલી સમસ્યાઓ ઉભી થતી હોય છે, જેના કારણે તેનું જીવન અસ્તવ્યસ્ત થઇ જાય છે. કામ પ્રત્યે ઉદાસિનતા, પત્નિ તથા બાળકોને મારપીટ, એકલતા, અને અંતે માનસિક તણાવ કે માંદગી તરફ પ્રસ્થાન શરૂ થાય. તેમના કેસ સોશિયલ સર્વિસીઝ પાસે આવે ત્યારે તેમની સમસ્યાઓનું નિદાન, એટલે કે એસેસમેન્ટ, તેની સમસ્યાઓનું નિવારણ કરવા માટે જુદી જુદી સેવાઓ - જેમકે નાણંાકીય સમસ્યાઓ દૂર કરવી, માનસિક તણાવ દૂર કરવા માનસોપચારની વ્યવસ્થા, બાળકોના શિક્ષણમાં સહાય વગેરેનું આયોજન કરવા જે યોજના થાય તેને Care Plan કહેવામાં આવે છે તે કરવાની જરૂર પડે. આમાં સોશિયલ વર્કર કૅર મૅનેજર થાય. તે જ્યારે તેના ક્લાયન્ટ સાથે કામ કરવામાં જે પદ્ધતિ વાપરે તેનું શિક્ષણ Social Work Methodsમાં આપવામાં આવતું.
આ બ્લૉગ સોશિયલ વર્કના બે વર્ષના કોર્સનું શિક્ષણ વર્ણવવા માટે નથી, તેથી તેનું પૂર્ણ વિવરણ ન આપતાં આ કાર્યપ્રણાલીનાં નામ આપશે.
સોશિયલ વર્ક પદ્ધતિઓમાં મુખ્યત્વે Psycho-social, psycho-dynamic, Systems અને છેલ્લે community social work methodનો ઉપયોગ થાય છે.
બ્રિટનમાં તે સમયે સોશિયલ સર્વિસીઝ તથા નેશનલ હેલ્થ સર્વિસ અંગેના કાયદામાં ફેરફાર થઇ રહ્યો હતો. તેની અંતર્ગત કમ્યુનીટી સોશિયલ વર્ક તથા કૅર ઇન ધ કમ્યુનીટી પર વધુ ભાર અપાઇ રહ્યો હતો.
કમ્યુનિટી સોશિયલ વર્કમાં સમસ્યાગ્રસ્ત વ્યક્તિને સમાજમાં ઉપલબ્ધ હોય તે સેવાઓનું સંયોજન કરી તેને પૂરી મદદ કરવી. આમાં કાઉન્સેલીંગ તથા સ્વાસ્થ્યસેવાઓને સઘન રીતે સાંકળી લેવામાં આવે છે. સાથે સાથે તેના ઘરમાં મદદ કરવા માટે સોશિયલ સર્વિસીઝના કર્મચારીઓ (હોમ કેર વર્કર, ફૅમિલી એઇડ, મીલ્સ અૉન વ્હીલ્સ) પૂરી પાડવામાં આવે છે. આમ તેને સમાજથી દૂર રાખવાને બદલે સમાજમાં રહીને બને એટલી મદદ કરી તેનું સમાજમાં પુનરૂત્થાન કરવામાં આવે.
અહીં Systems Method જણાવીશ.
જેમ માનવ શરીર તેનામાં રહેલ વિવિધ sub-systems, જેમકે શ્વાસોચ્છ્વાસ, પાચન, લોહીનું ભ્રમણ, રક્તચાપ, નર્વસ-સીસ્ટમ વગેરેને કારણે આપોઆપ ચાલતું રહે છે, તેમ માનવ જીવનમાં sub-systems હોય છે. શરીરમાંની એક સબ-સીસ્ટમ માંદગી કે કોઇ ક્ષતિને કારણે વ્યાધિગ્રસ્ત થાય તો પણ શરીરની બીજી પદ્ધતિઓ ચાલુ રહે છે. જો કે વ્યાધિગ્રસ્ત સબ-સીસ્ટમનો સમયસર ઇલાજ ન થાય તો તેની અસર બીજી પદ્ધતિ પર પડતી જાય છે અને અંતે આખું શરીર ભાંગી પડે છે. તેથી જે રીતે વ્યાધિગ્રસ્ત સબ-સીસ્ટમનો ઉપચાર તરત થવો જોઇએ તેમ માનવ જીવનમાં ઘણી સબ-સીસ્ટમ હોય છે તેનો પણ સમયસર ઉપચાર થવો જોઇએ. દાખલા તરીકે માણસનું લગ્નજીવન, તેનાં સંતાન, તેના કામનું સ્થાન, મિત્ર સમુદાય - આ બધા તેની સબ-સીસ્ટમ્સ છે. ઉદાહરણ તરીકે તેને કામ પર નડતી સમસ્યાઓ, તેનું દબાણ તેના પરિવાર તરફના વ્યવહાર તરફ પડી શકે છે. આનું નિવારણ ન થાય તો તેની અન્ય સબ-સિસ્ટમ પર વિપરીત અસર પડી શકે છે. આવી હાલતમાં સોશિયલ વર્કરને તેના ક્લાયન્ટનું સર્વાંગીણ એટલે કે holistic assessment કરવું જરૂરી હોય છે. તેની સમસ્યાનું નિદાન થાય તે પ્રમાણે તેને આવશ્યક હોય તેવી સેવાઓનું આયોજન કરી શકાય. આ કામમાં માણસના વર્તનમાં તથા વૃત્તિમાં ફેરફાર (behavioral change) લાવવા માટે ચર્ચા અને કાઉન્સેલીંગ કરવો, જે સાયકો-સોશિયલ પદ્ધતિમાં આવે, ફ્ૉઇડની માનસોપચારની પદ્ધતિને અનુસરતી સાયકો-ડાયનેમીક પદ્ધતિ વગેરે જેમાં આવી જતા તે છે સોશિયલ વર્ક મેથડઝનો સારાંશ!
ફીલ્ડવર્ક માટે વિદ્યાર્થીઓ જાય તે પહેલાં આનો અભ્યાસ થયો. આ વખતે જીપ્સીને કમ્યુનીટી સોશિયલ વર્કમાં જરૂરી ગણાય તે કમ્યુનીટી નેટવર્ક ઉભું કરવા માટેનું ફીલ્ડવર્ક (ક્ષેત્રીય કાર્ય)નું પ્લેસમેન્ટ મળ્યું. આ હતું દક્ષીણ લંડનના લૅમ્બથ વિસ્તારમાં આવેલ ‘હાઇ રાઇઝ‘ કાઉન્સીલની ચાલીઓ જેવા પાંચસો મકાનોમાં રહેતા ભાડવાતોનું સંગઠન કરી તેમનું ટેનન્ટ્સ એસોસીએશન ઉભું કરવું. આ ભાડવાત સંઘ કાઉન્સીલના હાઉસીંગ ડિપાર્ટમેન્ટ, સફાઇ ખાતું, પોલીસ તથા આરોગ્ય વિભાગના સત્તાવાળઓ સાથે વાત કરી સમસ્યાઓનું નિરસન કરી કરી શકે.
ત્રણ મહિનાના આ પ્લેસમેન્ટમાં એટલું બધું કામ કરવાનું હતું કે જીપ્સીના પ્લેસમેન્ટ ડાયરેક્ટર જેરેમી વિન્સટીન, જે સંસ્થાના મુખ્ય કાર્યાલયની નીચે કામ કરવાનું હતું તેના સંચાલક સાશંક હતા કે આટલા ઓછા સમયમાં કામ પૂરૂં થઇ શકશે કે નહિ.
આવી હાલતમાં જીપ્સી વેસ્ટ નૉરવૂડમાં આવેલ સેન્ટર ૭૦ના કાર્યાલયમાં કામ પર હાજર થયો. આ પ્લેસમેન્ટમાં તેને એક અદ્ભૂત અનુભવ થયો, જે જીપ્સીને તેના જુના પણ ચિરપરિચીત સ્તર પર લઇ ગયો.

Monday, August 8, 2011

સોશિયલ વર્કરની નોંધપોથી: અૅડોપ્શન અૅન્ડ ફોસ્ટરીંગ વિભાગ (૨)જૉન તથા નિકોલા સ્મિથ લંડનના વૉલ્થમસ્ટો વિસ્તારમાં રહેતા હતા. તેમને સંતાન નહોતું થતું તેથી તેમણે બાળકને ખોળે લેવા માટે અરજી કરી હતી. તેમની સ્પષ્ટ માગણી હતી કે તેમને કેવળ શ્વેત બાળક જ જોઇએ. વર્ણભેદ વિશે તેમના વિચાર થોડા ઉગ્ર હતા. દોઢેક વર્ષ પહેલાં આ કાઉન્સીલની બિસ્માર હાલતમાં પડેલી હાઉસીંગ એસ્ટેટના કચરાના ડબ્બા પાસે એક નવજાત બાળકી મળી આવી. ગૌર વર્ણની આ સુંદર કન્યા સ્મિથ દંપતિને અૉફર કરવામાં આવી અને તેમણે તે સ્વીકારી. નાતાલના દિવસોમાં દેવદૂતે આ બાળકી આપી હતી તેવું માની તેમણે તેનું નામ અૅંજેલા રાખ્યું. અૅંજેલાને ભાઇ કે બહેનનો સથવારો અને સ્નેહ મળે તે માટે તેમણે બીજા બાળકને દત્તક લેવાનો વિચાર કર્યો અને તે માટે અરજી કરી. તેમનું અૅસેસમેન્ટ કરવાની જવાબદારી જીપ્સીને મળી.

પહેલી વાર તેમને મળ્યો ત્યારે બે વાતો તરત જણાઇ આવી. જૉન ઉદ્દામવાદી હતો અને તેનો ગોરા બાળક માટેના આગ્રહ પરથી તેના વિચારો જણાઇ આવ્યા. બીજી વાત: બન્નેને તેમની પુત્રી અતિ વહાલી હતી અને તેના પર અત્યંત પ્રેમ વરસાવતા હતા. જ્યારે નિકોલા અૅંજીને બેઠકમાં લઇ આવી, જીપ્સી તેને જોઇ હેરત પામી ગયો. અૅંજીની કાળી ભમ્મર અંાખો, નાક તથા વર્ણ જોતાં જ જણાઇ આવ્યું કે આ બાળકી મિશ્ર વર્ણની હતી. જો કે બાહ્ય દેખાવને પુરાવો માની શકાય નહિ, તેમ છતાં આ એક મુદ્દો ધ્યાનમાં લેવા જેવો હતો. અહીં બે વાતો ધ્યાનમાં લેવા જેવી લાગી. એક તો સ્મિથ દંપતિનો તેમના બીજા બાળક માટેનો આગ્રહ કેવળ શ્વેત બાળકનો હતો. બીજી વાત અૅંજીને લગતી હતી. જેમ જેમ તે મોટી થતી જાય અને તેના મિશ્ર વર્ણના અને તેમાં પણ આફ્રિકન features પ્રમુખપણે દેખાવા લાગે તો આ પરિવાર તેને કેવી રીતે સ્વીકારી શકશે? ખાસ કરીને તેમને મળનારૂં બીજું બાળક નીલી આંખ અને સોનેરી વાળનું હોય તો આ બાળકો વચ્ચે તેમજ માતાપિતાના વર્તનમાં કોઇ ભેદભાવ આવે તો અૅંજી પર શી વિતે?
અમારી કૉલેજમાં પ્રથા હતી કે પ્લેસમેન્ટ પૂરૂં થયા બાદ દરેક વિદ્યાર્થી તેના કામનું વર્ગમાં પ્રેઝન્ટેશન કરે. જીપ્સીના વર્ગમાં દિપાલીકા સેનગુપ્ત નામના એક બંગાળી બહેન હતા. દિપાલીએ ન્યૂહામ બરોમાં અૅડોપ્શન વિભાગમાં ઇન્ટર્નશિપ કરી હતી. ત્યાં તેને જે કેસ મળ્યા હતા તેમાંનો એક તેણે વર્ગમાં પ્રસ્તુત કર્યો જે અત્યંત ચોંકાવનારો હતો.
એક ભારતીય માણસે અંગ્રેજ સ્ત્રી સાથે લગ્ન કર્યા હતા. બે વર્ષ બાદ તેમને બાળકી આવી. નામ રાખ્યું કૅમીલા. તે એક વર્ષની થઇ અને તેના માતાપિતાનો લગ્નવિચ્છેદ થયો. બહેન કૅમીલા લઇને જતા રહ્યા. કૅમીલા ત્રણ-ચાર વર્ષની થઇ અને તેની માતાએ તેને ત્યાગી. કાઉન્સીલે તેને અૅડોપ્શન માટે આપવાનો ઘણો પ્રયત્ન કર્યો, પણ કોઇ લેવા તૈયાર નહોતું. અંતે તેને પાલક માતા-પિતા પાસે મૂકવામાં આવી.
કૅમીલા બાર વર્ષની થતાં સુધીમાં ચાર પાલક-ગૃહમાં રહી આવી. કોઇ પણ પ્લેસમેન્ટ ટક્યું નહિ. તેના ઘણા features અંગ્રેજ હતા: ભુરી આંખો, લગભગ સોનેરી વાળ, પણ અંગનો રંગ બહુતાંશે ભારતીય. સોશિયલ સર્વિસીઝને હંમેશા પ્રશ્ન રહ્યો કે તેને ભારતીય પરિવારમાં કે અંગ્રેજ કુટુમ્બમાં મૂકવી. કૅમીલા પોતાને અંગ્રેજ ગણતી હતી તેથી તેને ભારતીય પરિવારમાં રહેવું નહોતું. અંગ્રેજ પરિવાર તેને ‘પૅકી‘ માનતા હતા તેથી મોટા ભાગના પરિવારોમાં તે હડધૂત થતી હતી. વેસ્ટ ઇન્ડીયન પરિવારમાં જવા તે બિલકુલ તૈયાર નહોતી.
દિપાલીને તેનો કેસ મળ્યો ત્યારે તેનું ચોથું પ્લેસમેન્ટ પડી ભાંગતું હતું. તેણે તેની તથા તેના પાલક પરિવારની મુલાકાત લીધી ત્યારે તેણે જે જોયું તે અત્યંત ગ્લાનિ ભર્યું હતુ. તેના પાલક માતાપિતાનાં બાળકો તેને ‘કૅમિલા‘ કહી બોલાવતા જ નહોતા. ‘Hey you’ સામાન્ય નામ. અંદરોઅંદર વાત કરે તો તેને ‘Paki’ કહીને ઉલ્લેખ કરતા. કાઉન્સીલ આ પરિવારને અઠવાડીયાના લગભગ બસો પાઉન્ડ આપતી હતી, કારણ કે કૅમિલાને ‘hard to place’ ગણી તેના માટે ખાસ વધારો કર્યો હતો. દિપાલીએ કૅમીલા માટે તેના વર્ણ વિશેના સંદિગ્ધ વિચારોનું નિરસન કરવા નિષ્ણાતો દ્વારા ખાસ કાઉન્સેલીંગ મળે તથા યોગ્ય પરિવાર મળે ત્યાં સુધી ચિલ્ડ્રન્સ હોમમાં રાખવામાં આવે તેવી શિફારસ કરી હતી. જો કે ત્યાં સુધીમાં કૅમીલાના માનસ પર ઘણી ઘેરી અસર થઇ હતી.
આ કેસ ધ્યાનમાં રાખી જીપ્સીએ વિચાર કર્યો કે ન કરે નારાયણ અને અૅંજીના શારીરિક ફીચર્સમાં ભારે પરિવર્તન આવે, અને ખોળે લીધેલ નવું બાળક...

જીપ્સીએ બાકીની કાર્યવાહી પૂરી કરી. રેફરન્સ આપનારાઓનાં ઇન્ટરવ્યૂ લીધા, આવક, પોલિસ રિપોર્ટ બધું ચકાસ્યું. તેમની પાંચ વાર મુલાકાત લીધી હતી તેમાં એક વાત સ્પષ્ટ હતી: પતિ-પત્ની અત્યંત પ્રેમાળ હતા. બાળકો વચ્ચે ભેદભાવ કરે તેની શક્યતા નહિવત્ હતી. આમ આ પરિવાર બીજા બાળકને દત્તક લેવાની બાબતમાં બધી રીતે યોગ્ય હતો, પરંતુ સોશિયલ સર્વિસીઝ માટે એક સિદ્ધાંત સર્વોપરી હોય છે: બાળકોનું હિત. આ પરિવારના બાળકોની વચ્ચે, તેમનો તેમના માતાપિતા સાથે તથા માતાપિતાનો બાળકો પ્રત્યે સંબંધ પ્રેમાળ તથા ભેદભાવ વિરહીત હોય.
છેલ્લા રિપોર્ટમાં જીપ્સી આ વાત જણાવી.
પૅનલે બધી વાતો માન્ય કરી. જો કે તેમણે તેમના તરફથી એક વધારાની શરત મૂકી.
મિસ્ટર અને મિસેસ સ્મિથને વર્ણભેદને લગતી સમસ્યાઓ વિશે પૂરી જાગરૂકતા લાવવા તથા સર્વવર્ણ સહિષ્ણુતા વિશે કાઉન્સેલીંગ કરવામાં આવે. જ્યારે સોશિયલ સર્વિસીઝને તે વિશે ખાતરી થાય ત્યારે તેમની બીજા બાળકને દત્તક લેવાની વિનંતિ પર વિચાર કરવામાં આવે.
જૉન સ્મિથ અત્યંત ગુસ્સે થયો. તેણે પૅનલ આગળ પોતાનો વિરોધ નોંધાવ્યો અને કહ્યું કે વર્ણભેદ વિશે કાઉન્સેલીંગની કોઇને જરૂરિયાત હોય તો તે જીપ્સીને હતી. તેણે સ્મિથ પરિવારનો કેવળ વર્ણ જોયો હતો, તેમનો અૅંજી પ્રત્યેનો સ્નેહ નહિ. જે બાળકીને તેમણે તેના જન્મથી ઉછેરી હતી, તેના માટે રાત રાતના ઉજાગરા કર્યા હતા, તેની નાનામાં નાની જરૂરિયાતો પર અસાધારણ ધ્યાન આપ્યું હતું, તે આ સોશિયલ વર્કર કેમ ન જોઇ શક્યો? જૉન તથા નિકોલાના પરિવારોએ અૅંજીને તેમની પૌત્રી, ભાણી, ભત્રીજી તરીકે સ્વીકારી હતી, તેનું આ એસેસમેન્ટમાં કોઇ મૂલ્ય નહોતું?
આ બાબતમાં જૉનની વાત ન્યાયપૂર્ણ લાગે છે? જીપ્સીએ જે રિપોર્ટ આપ્યો હતો તે યોગ્ય હતો?
જીપ્સીને તે સમયે જવાબ ન મળ્યો, કારણ કે તેનું અૅડોપ્શન વિભાગનું પ્લેસમેન્ટ પૂરૂં થયું હતું અને ફોસ્ટરીંગનું શરૂ. જૉન સ્મિથની છેલ્લી પૅનલ મિટીંગની વાત ફરી ક્યારેક, પણ ત્યાં સુધીમાં આપનો મત જણાવશો તો જીપ્સી ઋણી થશે.

Friday, August 5, 2011

સોશિયલ વર્કરની નોંધપોથી: અૅડોપ્શન અૅન્ડ ફોસ્ટરીંગ વિભાગ

જીપ્સીને સેન્ટ્રલ લંડનની એક કાઉન્સીલના આ વિભાગમાં ઇન્ટર્નશીપ મળી.
બ્રિટનમાં ભારતની જેમ ‘અનાથાશ્રમ’ નથી. તરછોડાયેલા નવજાત શિશુ તથા એવા બાળકો જે શારીરિક કે માનસિક હિંસાનો ભોગ બન્યા હોય તેમને કાઉન્સીલ પોતાની સંભાળ નીચે લે એવો કાયદો છે. આ ઉપરાંત એવા બાળકો જેઓ માતાપિતાના નિયંત્રણ બહાર હોય અને સ્વચ્છંદી વર્તન કરવા લાગી જાય છે તેમને તેમના માતાપિતાની વિનંતિ પરથી કાઉન્સીલ પોતાના આશ્રય નીચે લે છે. આવા બાળકો માટે કાઉન્સીલ દ્વારા ચલાવવામાં આવતા 'ચિલ્ડ્રન્સ હોમ' હોય છે. જો કે બાળકોને પરિવારનું પ્રેમાળ વાતાવરણ તથા તેમાંના બાળકોનો સહવાસ મળે તે માટે કાઉન્સીલની સંભાળ હેઠળ આવતા બાળકો માટે Fostering એટલે કે કાઉન્સીલે નીમેલા પરિવારમાં રાખવાની વ્યવસ્થા કરવામાં આવે છે. આ માટે નિયુક્ત કરેલા પરિવારોને દર અઠવાડીયે સારી એવી રકમ આપવામાં આવે છે. અહીં સોશિયલ વર્કરનું કામ બે સ્તર પર હોય છે. એક તો જેમણે ‘ફૉસ્ટરીંગ’ માટે અરજી કરી હોય તેમની પોલીસ તપાસ, ડૉક્ટરી તપાસણી, તેમણે આપેલા રેફરન્સીઝ પ્રમાણે તેમની મુલાકાત લઇ તેમણે કહેલી વાતની તસદીક કરવી. આ તપાસ ચાલતી હોય ત્યારે અરજદારના ઘરની મુલાકાત લઇ ત્યાં રાખવામાં આવનાર બાળક માટે સ્વતંત્ર બેડરૂમ, અભ્યાસ કરવા માટેની વ્ય્વસ્થા, ઘરથી શાળાનું અંતર વગેરે જેવી અનેક વાતો - જે આપણે અાપણા પોતાના બાળક માટે કરીએ તેવી વ્યવસ્થા પૂરી પાડવાની ક્ષમતા અરજદારમાં છે કે નહિ તેની પૂરી તપાસ કરવામાં આવે. તે ઉપરાંત અરજદારના સિલસીલાવાર ઇન્ટરવ્યૂ લઇ તેમની કાબેલિયત પરખવામાં આવે છે. આ થયું ફૉસ્ટરીંગનું કામ.
તે પ્રમાણે કોઇ યુગલ બાળકને દત્તક લેવા માગે તેમની પણ ઉપર પ્રમાણે અને વધુ ઘનીષ્ઠ તપાસ કરવામાં આવે છે. હવે આવા પરિવારોની અરજીઓ ખાસ નિયુકત કરેલી પૅનલ સમક્ષ રજુ કરવામાં આવે છે. સોશિયલ વર્કર અૅડોપ્શન પૅનલની આગળ પોતાનો રિપોર્ટ આપે અને પૅનલે પૂછેલા સવાલોના જવાબ આપે. અહીં અરજી કરનાર પરિવારે કયા વર્ણના, કયા લિંગના તથા કેટલી ઉમરના બાળકને દત્તક લેવાની અરજી કરી છે તે જોતાં કાઉન્સીલની વ્યવસ્થા હેઠળ આવેલા બાળકોનું અરજદારો સાથે ‘મૅચીંગ’ કરવામાં આવે છે. જ્યારે યોગ્ય બાળક મળે ત્યાર બાદ ફરી પૅનલ પાસે રજુઆત, દત્તક લેનાર પરિવારનો ઇન્ટરવ્યૂ અને અંતે કાનુની કાર્યવાહી પૂરી કરાય.
એક વાર બાળક દત્તક તરીકે આપવામાં આવે, તેના જન્મદાતા માબાપને જણાવાતું નથી કે તેમના બાળકને કોણે દત્તક લીધું અને તે ક્યાં રહે છે. બાળક અઢાર વર્ષનું થાય અને તે તેના જન્મદાતાને મળવા માગે તો તેણે કાઉન્સીલમાં અરજી કરી તેના જન્મનો દાખલો મેળવી, તેના માતાપિતા સાથે મેળાપ કરાવવા વિનંતિ કરવી પડે. આવી પરિસ્થિતિમાં સૌ પ્રથમ તેને કાઉન્સેલીંગ આપવામાં આવે છે, કારણ કે જો તેના માબાપ તેની અપેક્ષા મુજબ ન નીકળે તો તેને ઘેરો આઘાત લાગી શકે છે અને તેનાં વિપરીત પરિણામ આવી શકે છે.
જીપ્સીના સદ્ભાગ્યે તેની પ્રૅક્ટીસ ટીચર તેની ટીમની જુની સહકારી બહેન તૃપ્તિ દવે હતી! તેણે ગ્લાસગો યુનિવર્સિટીમાંથી સોશિયલ વર્કની ડીગ્રી લીધી હતી. હસમુખી, હોંશિયાર અને મળતાવડા સ્વભાવને કારણે તૃપ્તી ટીમમાં જેટલી લોકપ્રિય હતી તેના કરતાં વધુ તે તેની professionalism તથા સ્પષ્ટ વક્તવ્યને કારણે ટીમમાં સૌની માનીતી થઇ હતી.
તૃપ્તીની ટીમમાં જીપ્સીની ઇન્ટર્નશીપ ત્રણ સ્તર પર યોજાઇ. એક તો નિયમીત સુપરવિઝન, જેમાં અઠવાડીયામાં એક કલાક સંપૂર્ણપણે કેસવર્કની તથા વિષયના સિદ્ધાંતોની ચર્ચા કરવામાં, બીજા સ્તરમાં કેવળ અૅડોપ્શન તથા ત્રીજામાં ફૉસ્ટરીંગ હતું.
પહેલી મીટીંગમાં ચર્ચા હતી દત્તક ગયેલા બાળકને ક્યારે કહેવું જોઇએ કે તેને દત્તક લેવામાં આવ્યો હતો. જીપ્સી ભારતની પરંપરામાં જન્મ્યો તથા ઉછર્યો હતો. સામાન્ય રીતે ખોળે લેવાયેલા બાળકને આપણે ત્યાં કદી નહોતું કહેવાતું કે તે દત્તક લેવાયેલ બાળક છે. જીપ્સીના નજીકના પરિવારમાં આવો બનાવ બન્યો હતો, તૃપ્તિએ સરળ પ્રશ્ન કર્યો: કોઇ પરિવારમાં બાળક દત્તક લેવાય ત્યારે તેમના વિશ્વમાં સૌને તેની જાણ હોય છે સિવાય કે બાળકને. શું આ નૈતીક રીતે યોગ્ય કહેવાય? જેના વિશે સૌ જાણતા હોય તો તે જાણવાનો બાળકને અધિકાર નથી?

જીપ્સીને તેના ભારતના મિત્રની વાત યાદ આવી.
નિર્મલેન્દુ સેન તેનો ખાસ મિત્ર હતો. તેની પાસેથી તે બંગાળી લખતાં વાંચતા શીખ્યો હતો. એટલું જ નહિ, કૂચબિહારમાં રહેતા નિર્મલના વયોવૃદ્ધ પિતા તેને પ્રેમાળ પત્રો લખી નિર્મલનું ધ્યાન રાખવા કહેતા. કાકાબાબુ - નિર્મલના પિતાએ તેને રજાઓ ગાળવા કૂચબિહાર બોલાવ્યો હતો. સમય જતાં નિર્મલની બદલી માલદા થઇ. એક મહિના બાદ કાકાબાબુનો પત્ર અને આમંત્રણ પત્રિકા આવી: નિર્મલનાં લગ્ન છે. જરૂર આવજે. જીપ્સીથી જવાયું નહિ. બે મહિના બાદ કાકાબાબુનો પત્ર આવ્યો: નરેન, કોઇ પણ હિસાબે તું નિર્મલને સમજાવ કે અમને છોડીને ન જાય. તેનો મોટો ભાઇ macrocephalic છે અને જીવનના અંતિમ સ્ટેજ પર છે. તેની ત્રણ નાની બહેનો ઇરા, મીરા અને કૃષ્ણાનાં ભણતર પૂરાં નથી થયા. તેનું ઘર છોડી જવાનું કારણ: નિર્મલ છ મહિનાનો હતો ત્યારે તેની માતાનું અવસાન થયું હતું. નાનકડા બાળકનું ધ્યાન રાખવા કાકાબાબુએ તેમની સાળી સાથે લગ્ન કર્યા. ઇરા, મીરા અને ટુકૂ (કૃષ્ણા) તેમની દ્વિતીય પત્નિની દિકરીઓ.
નિર્મલને આ વાત કોઇએ કહી નહિ.
લગ્ન બાદ તેનાં સાસરીયાંએ નિર્મલને ચઢાવ્યો અને કહ્યું કે તેની સાથે ઓરમાયું વર્તન કરવામાં આવતું હતું વગેરે વગેરે. બસ, નિર્મલને ગુસ્સો આવ્યો: મારા જીવનની આટલી મહત્વની વાત મારાથી કેમ છુપાવવામાં આવી, અને સાસરીયાના ગામની નજીક આવેલ સિલીગુડી બ્રાંચમાં બદલી કરાવીને જતો રહ્યો. કાકાબાબુનું હૃદય ભગ્ન થઇ ગયું. હતાશામાં વધારો ત્યારે થયો કે નિર્મલે તેમને પૈસા મોકલવાનું બંધ કર્યું. ઇરાએ દસમા ધોરણમાં જ શાળા છોડી અને હૉસ્પીટલમાં ટ્રેઇની નર્સની નોકરી સ્વીકારી. તે અરસામાં જીપ્સી મિલિટરીમાં જોડાયો, સંપર્ક સમાપ્ત થયો, પણ સ્મૃતી રહી ગઇ. આ પ્રસંગ વિત્યાને પચીસ વર્ષ થઇ ગયા હતા, તેમ છતાં તૃપ્તી સાથે ચર્ચા કરતી વખતે આ વાત યાદ આવી. બાળક પાસેથી તેના જીવનની અતિ મહત્વની વાત છુપાવી રાખવાનો કરૂણ અંજામ આવે છે તેનું ભાન થયું. સમય બદલાયો છે. જીપ્સીએ આ વિષયનો અભ્યાસ ચાલુ રાખ્યો. તેને મળેલી માહિતી અનુસાર ભારતના શિક્ષીત વર્ગમાં આ વિશે સારી એવી જાગૃતિ આવી છે અને દત્તક લેવાયેલ બાળક સમજણું થાય ત્યારે તેને સમજાવીને સત્ય હકીકત કહેવામાં આવે છે. તેણે તેના સંબંધીને મળીને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે તેમણે તેમના ૧૯ વર્ષના પુત્રને કહેવું જોઇએ કે તેને દત્તક લેવામાં આવ્યો હતો. તેને સફળતા ન મળી.

તૃપ્તીના ‘understudy’ તરીકે એક મહિનો વીત્યા બાદ જીપ્સીને અૅડોપ્શનનો એક સ્વતંત્ર કેસ આપવામાં આવ્યો. આ કેસ પણ તેના માટે યાદગાર હતો.

સોશિયલ વર્કરની ડાયરીમાંથી: બાળ વિભાગ

બીજા સેમેસ્ટરમાં બાળકોના વિભાગમાં કામ કરવાનો મોકો મળ્યો.
વિશ્વના લગભગ દરેક દેશમાં બાળકને દત્તક લેવા-આપવા અંગેના કાયદા ઘણા કડક હોય છે. આનું મુખ્ય કારણ અનાથ બાળકની શારીરિક અને ભાવનાત્મક સુરક્ષા જળવાઇ રહે તથા જે પરિવાર તેને દત્તક લેવા માગે તે કેટલો સ્થિર તથા આર્થિક રીતે બાળકને ઉછેરવામાં સક્ષમ છે કે કેમ તેની ખાતરી કરવાનો છે. બધા દેશોમાં આનું કડક પાલન કરવામાં આવે છે અને તે માટે સોશિયલ સર્વિસીઝને મોટી જવાબદારી સોંપવામાં આવે છે.
પશ્ચિમના દેશોમાં બાળકોની શારીરિક અને ભાવનાત્મક સુરક્ષા પૂરી રીતે જળવાય તે માટે સોશિયલ સર્વિસીઝમાં ખાસ વિભાગ હોય છે: Child Protection Service. કોઇ પણ વ્યક્તિના ધ્યાનમાં આવે કે કોઇ બાળક પર શારીરિક કે માનસિક અત્યાચાર થઇ રહ્યો છે, તો તેની માહિતી પોલિસને કે સોશિયલ સર્વિસીઝને આપવાની તેમની કાયદેસરની જવાબદારી બને છે. જાણતા હોવા છતાં તે પોલિસને ન જણાવે તો તેમના પર કાનૂની કાર્યવાહી કરી શકાય.
જીપ્સીને આનો અંગત અને રસપ્રદ અનુભવ આવ્યો હતો તે અહીં જણાવવો જરૂરી છે.
જીપ્સીનો પૌત્ર શાળામાં જ્યુનિયર હતો ત્યારે તેના વર્ગમાંના દરેક વિદ્યાર્થીને એક ચાર-પાંચ મહિનાના બાળકનું ડમી એક રાત માટે સંભાળવા અપાય. Sex Educationનો આ ખાસ ભાગ હતો, કારણ કે ૧૫-૧૬ વર્ષના કિશોર-કિશોરીઓ આવેશમાં આવી જઇને ગેરજવાબદારીનું કામ કરી બેસે અને કિશોરી ગર્ભવતિ થઇ જાય તો બાળકની જવાબદારી તેણે તથા બાળકના કિશોર પિતાએ લેવી પડે. આ કામ કેટલું કઠણ હોય છે તેનું પ્રાત્યક્ષીક આપવા આ કામ સોંપવામાં આવે છે.
એક રાત્રે બે વાગે અમારા ઘરનો દરવાજો કોઇ જોરજોરથી ઠોકતું હોય તેવો અવાજ આવ્યો અને કોઇ મોટેથી બૂમ પાડતું હતું, ‘Open the door!’ જીપ્સી સફાળો જાગી ગયો અને બારણું ખોલતાં શેરીફના બે પહેલવાન જેવા ડેપ્યુટી ઘરમાં ઘૂસી આવ્યા અને દાદરો ચઢવા લાગ્યા. તેમને પૂછવાનો વિચાર કરે તે પહેલાં પોતરાની બેડરૂમમાંથી એક બાળકનો જોરશોરથી રડવાનો અવાજ આવતો હતો. જીપ્સી તેમની પાછળ ગયો અને જોયું તો અમારા પૌત્રમહાશય ગાઢ નિદ્રામાં હતા, અને તેમના પડખામાં બાળકનું ડમી મોટે મોટેથી રડતું હતું. શેરીફના ડેપ્યુટીઝ હસવા લાગ્યા અને બહાર આવ્યા.
“માફ કરશો, પણ આ child protectionનો મામલો હતો તેથી અમારે જબરજસ્તીથી તમારા ઘરમાં પ્રવેશવું પડયું. અમારી પાસે અંદર આવવાનું વૉરંટ છે. તમારે જોવું હોય તો બતાવી શકીશું. તમારા કોઇ પાડોશીએ અમને ફરિયાદ કરી કે તમારા ઘરમાં નવજાત બાળકને કોઇ માર મારે છે અથવા તેને એટલી હદ સુધી neglect કરવામાં આવ્યું છે કે તેના રૂદનનો અવાજ દૂર સુધી સંભળાય છે.”
એક ડેપ્યુટીએ કહ્યું, “મારી પુત્રીના આ પ્રૅક્ટીકલમાં મારે તથા મારાં પત્નીને આખી રાત જાગવું પડ્યું હતું તેથી તમારી સ્થિતિ પ્રત્યે અમને સહાનુભુતિ છે!” કહી તેઓ જતા રહ્યા. અમારા ક્યા પાડોશીએ પોલિસને ફરિયાદ કરી તે અમે જાણી શક્યા નહિ, પણ તેમણે તેમની કાયદેસરની જવાબદારી સો ટકા બજાવી હતી!
બ્રિટનમાં પોલિસની સાથે સોશિયલ વર્કરને જવું પડે છે, કારણ કે આવી હાલતમાં બાળસુરક્ષાની જવાબદારી સોશિયલ સર્વિસીઝની હોય છે, અને તેઓ બાળકને કસ્ટડીમાં લઇ શકે છે.
તે રીતે કોઇ માતા કે પિતાએ બાળકને માર માર્યો હોય અને તેવો પૂરાવો મળી આવે, તો કોર્ટ બાળકની કસ્ટડી સોશિયલ સર્વિસીઝને આપે. આવા બાળકોને યા તો ચિલ્ડ્રન્સ હોમમાં મૂકવામાં આવે નહિ તો કાઉન્સીલે નિયુક્ત કરેલ foster parents ને સોંપે. કેટલીક વાર ચર્ચના પગથિયા પર કે રસ્તા પર છોડી ગયેલ નવજાત શિશુ મળી આવે તો તેને કોઇ દત્તક લે ત્યાં સુધી બાળકને કાઉન્સીલ સંભાળે. આ કામ કરવા માટે એક ખાસ વિભાગ હોય છે: Adoption & Fostering Section.
જીપ્સીને સેન્ટ્રલ લંડનની એક કાઉન્સીલના આ વિભાગમાં ઇન્ટનરશીપ મળી. ત્યાંની વાત હવે પછી.

Tuesday, August 2, 2011

સોશિયલ વર્કરની ડાયરીમાંથી: પહેલું પ્લેસમેન્ટ - સેરા કોફી

સેરા કોફી: વય ૨૮ વર્ષ.
મૂળ વતન: ઘાના
નજીકના સગાં: બહેન મૅગી.
માંદગી વિષયક: સેરા તેર વર્ષની હતી ત્યારે તેના સાવકા બાપે દારૂના નશામાં તેની સાથે કુકર્મ કર્યું હતું. સેરા બેભાન થઇ ગઇ અને જ્યારે તેને હોશ આવ્યો, છરો લઇ તેના સાવકા બાપને શોધવા લાગી. તે કાયર ઘર છોડીને નાસી ગયો, પણ સેરાનું મન છિન્ન-વિચ્છીન્ન થઇ ગયું. મૅગી નર્સ હતી અને જ્યારે આ પ્રસંગ થયો, તે લંડનની એક હૉસ્પીટલમાં કામ કરતી હતી. માએ તેને પત્ર લખ્યો. મૅગીએ બહેનને સ્પૉન્સર કરી અને બે વર્ષની રાહ જોયા બાદ વિઝા મળતાં તેને લંડન લઇ આવી.
લંડન આવ્યા બાદ સેરા બે વર્ષ શાળામાં ગઇ અને લંડનના હાર્લસ્ડન વિસ્તારમાં આવેલા એક મોટા ગ્રોસરી સ્ટોરમાં અભરાઇ પર સામાન ચઢાવવા-ઉતારવાનું કામ મળ્યું. કિશોરાવસ્થામાં પહોંચેલા આઘાતની અસર મનના ખુણામાં એક સ્પ્રીંગની જેમ દબાઇ હતી. કોઇ વાર તે ઉછળી આવતી, પરિણામે તેને માથામાં વારંવાર અસહ્ય દુ:ખાવો શરૂ થતો.
એક દિવસ સેરા ડૉક્ટર પાસે ગઇ. નૅશનલ હેલ્થ સર્વિસના કેટલાક ડૉક્ટર્સ તેમના પેશન્ટ્સને સરેરાશ દસથી પંદર મિનિટનો સમય આપે. આ સમયમાં સેરાએ ડૉક્ટરને જે કહ્યું, બસ તેની અવદશા શરૂ થઇ ગઇ.
“મારા સાવકા બાપે જે કર્યું તેનો મને એટલો ગુસ્સો આવ્યો, હું તેને મારી નાખવાની હતી. હજી પણ તેની યાદ આવે છે ત્યારે મારા ક્રોધને કોઇ સીમા રહેતી નથી. આવા વખતે મારૂં નઠારૂં ભૂત મને કહે છે, ‘મારી નાખ પેલા રાક્ષસને’. પણ બીજી ક્ષણે મારૂં સારૂં ભૂત કહે છે, ‘ના, કોઇને મારી નાખવું પાપ છે,‘ તેથી હું ચૂપ રહી જઉં છું, પણ તરત માથાનો દુ:ખાવો શરૂ થાય છે અને લાંબા સમય સુધી તે ઉતરતો નથી.”
અંગ્રેજ ડૉક્ટરે નિદાન કર્યું, સેરાને સ્કિત્ઝોફ્રેનિયા છે. તેને auditary તથા visual hallucinations છે. તેને બે ‘ભૂત’ એકી સાથે દેખાય છે. તે બન્ને ભૂતોની વાત સાંભળે છે અને તેમની સાથે વાર્તાલાપ કરે છે. આ દર્શાવે છે કે તેની માંદગી કેટલી હદ સુધી વણસી છે. જો કે તેના નિદાનને પુષ્ટી આપવા કન્સલ્ટન્ટ પાસે મોકલવામાં આવી. અહીં પણ એ જ વાત થઇ!
સેરાને સાયકાઅૅટ્રીક વૉર્ડમાં ‘કમીટ’ કરવામાં આવી. એક વાર ત્યાં દાખલ થઇ અને ત્યાંના ચક્કર ચાલુ થઇ ગયા. ચારથી છ મહિના હૉસ્પીટલમાં રહે, દવા લે અને ‘વૉર્ડ રાઉન્ડ’માં નક્કી થાય કે તેનો lucid interval શરૂ થયો છે, ડિસ્ચાર્જ થતી.
જીપ્સીને તેનો કેસ અૅલોકેટ થયો ત્યારે તેને જાણવા મળ્યું કે સેરા છેલ્લા સાતે’ક વર્ષથી હૉસ્પીટલમાં લાંબો સમય અને ઘરમાં ઓછો સમય ગાળતી હતી.
હૉસ્પીટલમાં તેની ‘keyworker/nurse’ પૅમ મહાડૂ હતી. તેણે જીપ્સીને કહ્યું કે સેરા ઘણી ધૂની છે અને મનમાં આવે તો તારી પાસે આવશે. અૅપોઇન્ટમેન્ટમાં માનતી નથી. તેને હિંસક episode કદી આવ્યા નથી, તેથી તેના વર્કર પર હુમલો કદી નહિ કરે. થોડી વારે તે સેરાને લઇ આવી અને જીપ્સી સાથે તેનો પરિચય કરાવ્યો. “જો, સ્વીટહાર્ટ, આ તારો સોશિયલ વર્કર છે.”
“હું તેને જાણું છું. એક વાર મળી પણ છું!”
એક દિવસ તે અચાનક જીપ્સીની અૉફિસમાં આવી ચઢી. ‘તારી સાથે વાત કરવી છે,’ કહી સામે બેસી ગઇ. ચાર-પાંચ મિનીટ તેને જોતી રહી અને અંતે વાત શરૂ કરી અને તેના જીવનની કથની કહી.
‘હવે તું જ કહે, તું કોઇ સમસ્યામાં ફસાઇ જાય અને શું કરવું તેવી દ્વિધા હોય ત્યારે તારૂં સારૂં ભૂત જે કરવાનું કહે ત્યારે બુરૂં સ્પિરિટ વિપરીત કામ કરવા નથી કહેતું? એવી જ રીતે મારા સાવકા બાપને મારી નાખવાનો વિચાર કર્યો, ત્યારે મારા સારા ભૂતે કહ્યું, કોઇનો જીવ લેવો ખરાબ કામ છે. નઠારા ભૂતે કહ્યું, આવા નીચ લોકોને સજા મળવી જ જોઇએ અને તેની સજા મોત છે. મેં મારા સારા ભૂતની વાત માની.’
અા સાંભળી જીપ્સીના કાન સરવા થયા.
“સેરા, તું ક્યા ભૂતની વાત કરે છે?”
“તું કેવો માણસ છો? તું Father, the Son and the Holy Ghostની વાત નથી જાણતો? આ ત્રણ 'હોલી ટ્રીનીટી' છે. દરેક માણસના મનમાં પવિત્ર ભૂતના અંશની સાથે એક ખરાબ ભૂત પણ હોય છે. વારે ઘડીએ તેને ખોટા માર્ગે જવાનો પ્રયત્ન કરે છે, પણ અંતે સારા ભૂતનો વિજય થતો હોય છે. ભગવાન અને પવિત્ર ભૂત કહો કે આત્મા, એક જ હોય છે ને?“
*
સામાન્ય નાગરિકના જીવન અંગે નિર્ણય લેવાની સત્તા ધરાવનાર વ્યક્તિ માટે તેમના પેશન્ટ, ક્લાયન્ટ કે પ્રજાજનોની સાંસ્કૃતીક પરંપરા, માન્યતાઓ, સામાજીક પ્રથા વિશે જાણકરી મેળવવી કેટલી આવશ્યક હોય છે તેનો આ દાખલો હતો. તેમને સમજવામાં થોડી પણ શરતચૂક થાય તો તેનો અંજામ કેટલો ખરાબ આવે તે સેરાના કેસ પરથી સ્પષ્ટ થાય છે. સેરાના અંગ્રેજ ડૉક્ટરે તેની વાત સમજવાનો પ્રયત્ન કર્યો હોત તો એક નિર્દોષ, નિરપરાધ યુવતિ ચિરકાળની માનસિક માંદગીના નિદાનમાંથી બચી ગઇ હોત. આ માટે તેમની પાસે સમય નહોતો કે સમજ નહોતી તે જાણવું મુશ્કેલ છે.
જીપ્સીએ તેના પ્રૅક્ટીસ ટીચર પીટ મલન સાથે વિસ્તારથી વાત કરી. પીટે કન્સલ્ટન્ટ સાયકાઅૅટ્રીસ્ટ સાથે ચર્ચા કરી. તેમણે સેરાની ટ્રીટમેન્ટમાં પુનર્વિચારણા કરવા વિનંતિ કરી જે કન્સલ્ટન્ટે માન્ય કરી. બીજા વૉર્ડ રાઉન્ડમાં તેની જાહેરાત પણ કરી.
લગભગ તે સમયે જીપ્સીનું પ્લેસમેન્ટ પૂરૂં થયું.
પીટ મલન તથા કન્સલ્ટન્ટ સાયકાઅૅટ્રીસ્ટે રિપોર્ટ આપ્યો કે જીપ્સીએ તેનું કામ સંતોષકારક રીતે પુરૂં કર્યું અને તે તેમાં સફળ થાય છે.
ત્રણ મહિનાના 'આરામ'ભર્યા કામ બાદ રોજ ટ્રેનનો પ્રવાસ અને લાંબા લેક્ચર્સનું કામ શરૂ થઇ ગયું.

સોશિયલ વર્કરની ડાયરીમાંથી: પહેલું પ્લેસમેન્ટ - મેન્ટલ હેલ્થ

પ્રથમ સેમેસ્ટરના અંતે વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ કામ કરવા માટે પ્લેસમેન્ટ કરવા માટે કોઇ એક કાઉન્સીલના સોશિયલ વર્ક ડીપાર્ટમેન્ટના એક વિભાગમાં એક પ્રૅક્ટીસ ટીચરના નિરીક્ષણ નીચે કામ કરવાનું હોય. વિદ્યાર્થીને આ પ્રૅક્ટીસ ટીચરને ‘અૅલોકેટ’ કરેલા કેસમાં કામ કરવાનું હોય. અલબત્ ક્લાયન્ટે તે માટે મંજુરી આપવી જરૂરી હોય છે. બ્રિટનના હૉસ્પિટલ્સમાં સોશિયલ વર્ક ડીપાર્ટમેન્ટ હોય છે. જે વિદ્યાર્થીને મેડીકલ સોશિયલ વર્કરના ક્ષેત્રમાં જવું હોય, તેઓ ત્યાં પ્રશિક્ષણ લેવાનો પ્રયત્ન કરે. વિદ્યાર્થીઓ માટે ‘પ્લેસમેન્ટ’ શોધવાની, પ્લેસમેન્ટ કૉન્ટ્રૅક્ટ બનાવવાની તથા વિદ્યાર્થીના કાર્યનું મૂલ્યાંકન કેવી રીતે કરવું તે નક્કી કરવાની જવાબદારી કૉલેજની હતી.

હેમન્તી દાસના કેસ બાદ જીપ્સીને માનસીક બિમારી ધરાવતા લોકો પ્રત્યે વિશે ખાસ રૂચિ હતી તેથી કૉલેજના પ્લેસમેન્ટ કોર્ડીનેટર જેરેમી વિનસ્ટીનની મદદથી જીપ્સીએ તેના જ બરોમાં આવેલા વિલ્સxx જનરલ હૉસ્પીટલના સાયકાએટ્રીક વૉર્ડના સિનિયર સોશિયલ વર્કર પીટ મલનના સુપરવિઝન નીચે કામ કરવાની વ્યવસ્થા કરી.
અહીં તેને શરૂઆતમાં ત્રણ કેસ તથા હૉસ્પીટલમાં ભરતી થયેલા પેશન્ટ્સના બેનિફીટના કેસ સંભાળવાનું કામ મળ્યું. આમાંનો એક કેસ ડૉનલ્ડ સ્ક્વાયરનો હતો. ડૉનલ્ડ ૨૭ વર્ષનો યુવાન હતો. તેના પિતા નિવૃત્ત ડિપ્લોમૅટ હતા. વિશ્વના મુખ્ય દેશોમાં તેમણે ઉચ્ચ પદ પર કામ કર્યું હતું. તેમને બે બાળકો. મોટી દિકરી સ્ટેલા પિતાના પગલે ફૉરીન સર્વિસમાં હતી અને હૉંગકૉંગ ખાતે ફર્સ્ટ સેક્રેટરી હતી. ડૉનલ્ડ ઘણો બુદ્ધીશાળી હતો. તેનો IQ ૧૩૫નો હતો. ગર્ભશ્રીમંત રાજપુરૂષનો પુત્ર હોવાથી તે પ્રખ્યાત પબ્લિક સ્કૂલમાં ભણ્યો. અહીં કહેવું જરૂરી છે બ્રિટનની ‘પબ્લીક સ્કૂલ’ ખાનગી હોય છે! ઇટન, હૅરો, રગ્બી જેવી પ્રખ્યાત પબ્લીક સ્કુલ્સ જેવી હૅમ્પશાયરની વિન્ચેસ્ટર સ્કુલમાં તે ભણ્યો, અને ત્યાંથી અૉક્સફર્ડ ગયો.અૉક્સફર્ડના છેલ્લા વર્ષમાં તેને પૅનીક અૅટક આવવાની શરૂઆત થઇ. બી.એ.ની પરીક્ષા વખતે તે હૉલમાંથી ભાગી ગયો! ત્યાર પછી તેને ત્રણ જુદી જુદી યુનિવર્સિટીમાં મોકલવામાં આવ્યો. દરેક વખતે એ જ વાત: પરીક્ષા કેન્દ્રમાંથી નાસી જવા લાગ્યો. છેલ્લે પરીક્ષા છોડી ઘેર ગયો અને રૂમ અંદરથી બંધ કરી, ચાર દિવસ પથારીમાં પડી રહ્યો. ખાવાપીવા માટે પણ બહાર ન આવ્યો. ઘણી વિનવણી કરવા છતાં તે માન્યો નહિ, તેથી તેના માતાપિતાએ મેન્ટલ હેલ્થ સોશિયલ વર્કરને બોલાવી. તેના પ્રયત્નોને યશ ન મળતાં તેણે મેન્ટલ હેલ્થ અૅક્ટ અનુસાર કાર્યવાહી કરી, પોલીસ દ્વારા બારણું તોડી તેને સાયકાઅૅટ્રીક અૅસેસમેન્ટ અને ટ્રીટમેન્ટ માટે મોકલ્યો. એક વર્ષ બાદ જ્યારે તે બહાર આવ્યો, તેના માતા પિતા વૃદ્ધાવસ્થાને કારણે હૅમ્પશાયરમાં રિટાયરમેન્ટ કમ્યુનીટીમાં રહેવા ચાલ્યા ગયા હતા. જીપ્સીને તેનો કેસ મળ્યો ત્યારે તે હૉસ્પીટલના સાયકાઅૅટ્રીક ડે હૉસ્પીટલમાં સારવાર માટે આવતો હતો. તે સમયે નવા કાયદા અનુસાર માનસીક સ્વાસ્થ્ય અંગેની સારવાર લેનારા નાગરિકોને જોઇતી સેવાઓ ઉપલબ્ધ કરાવી તેમને તેમના ઘરમાં સ્વતંત્ર રીતે રહેવા ઉત્તેજન અપાતું હતું. જીપ્સીનું કામ તેને ગ્રૂપ વર્કમાં ભાગ લેવામાં સહાયતા કરવા ઉપરાંત સ્વતંત્ર રહેવામાં જોઇએ તે ‘પ્રૅક્ટીકલ સપોર્ટ’ આપવાનું હતું.
બીજો કેસ દારૂના વ્યસનમાં સપડાયેલા લોકોને વ્યસનમુક્તિના કાર્યક્રમ અંતર્ગત ચાલતા જુથમાં ‘ફૅસીલીટેટર’નું કામ કરવાનું હતું. આ જુથમાં એક માત્ર મૂળ ભારતના નાગરિક હતા: જોનાસ એબ્રાહમ. જીપ્સીને જોઇ તેને મળવા ગયા અને વાતચીત શરૂ કરી. તેમની ‘સ્વચ્છ’ ગુજરાતી ઉર્દુ સાંભળી તે ક્યાંના છે તે પૂછતાં તેમણે કહ્યું, “તુમને ધોરાજી શહેરકા નામ કભી સુનેલા હૈ? હમેરે ગુજરાત કે જુનાગઢ જીલ્લેકા બો’ત પ્રખ્યાત શહેર હૈ!”
બસ ત્યાર પછી વખત મળે ગુજરાતીમાં વાત કરવા જીપ્સી પાસે આવી જતા. તેમનું સાચું નામ જુણસ ઇબ્રાહીમ હતું. વીસ-પચીસ વર્ષથી બ્રિટીશ રેલમાં કામ કરતા હોવાથી તેમના સાથી અંગ્રેજ કામદારોએ તેનું અંગ્રેજીકરણ કરી જોનાસ એબ્રાહમ નામ રાખ્યું અને હૉસ્પીટલના રેકૉર્ડમાં પણ એ જ નામ નોંધાયું. તેમનો ગુજરાતથી આવેલા કેટલાક લોકો સાથે સારો પરિચય હતો, તેથી મારા શાળાના બે સહાધ્યાયીઓ ત્યાં છે તે જાણવા મળ્યું. તેમાંના એક ઝુલ્ફીકાર બુખારી લંડનમાં હબીબ બૅંક લિમિટેડમાં આખા બ્રિટન માટે જનરલ મૅનેજર હતા. બે વર્ષ અગાઉ તેમનું અવસાન થયું હતું. બીજા મોહમ્મદ શફી મનસુરી વૉરીકશાયરની હૉસ્પીટલમાં કન્સલ્ટન્ટ સાયકાઅૅટ્રીસ્ટ હતા.
ત્રીજો કેસ અકસ્માત જ મારી પાસે આવ્યો હતો.
વિલ્સxx જનરલમાં અઠવાડીયામાં એક દિવસ ‘વૉર્ડ રાઉન્ડ’ થાય. આ એક મિટીંગ હતી જેમાં હૉસ્પીટલના બેઉ કન્સલ્ટન્ટ્સ, તેમના ત્રણ રેસીડેન્ટ્સ, સાયકાઅૅટ્રીક નર્સીઝ, હૉસ્પીટલ સાથે સંકળાયેલી કમ્યુનિટી સાયકાઅૅટ્રીક નર્સીસ તથા મેડીકલ સોશિયલ વર્કર ભાગ લે. આમાં દરેક પેશન્ટને અપાતી ટ્રીટમેન્ટ, તેની હાલતમાં નોંધપાત્ર ગણાય તેવા કોઇ ફેરફાર થયા છે કે કેમ, તેની ચર્ચા થતી. દરેક પ્રોફેશનલે આપેલ અભિપ્રાય અનુસાર કન્સલ્ટન્ટ આ પેશન્ટની સારવારમાં કે દવાદારૂમાં કોઇ ફેરફાર કરવાની જરૂર હોય તેવો આદેશ આપતા.
આવા એક વૉર્ડ રાઉન્ડમાં કન્સલ્ટંટે ક્લીનીકલ આસીસ્ટન્ટને પૂછ્યું, “આપણી પેલી Lady with Ghostsના શા હાલ છે?”
“ખાસ ફેર નથી. બસ, એવી જ withdrawn છે, કોઇની સાથે વાત નથી કરતી. ગ્રુપવર્કમાં હજી પણ તેના બે ભૂતોની વાત કરતી રહે છે.”
આ વાત થતી હતી ત્યાં મિટીંગ હૉલમાં છ ફીટ ઉંચી, ભારે શરીરની આફ્રિકન યુવતિ આવી પહોંચી.
“સેરા, અમે તારી જ વાત કરતા હતા. કેમ છો? અહીં ગમે છે?”
સેરાએ કન્સલ્ટન્ટ સામે જોયું, માથું હલાવ્યું અને હૉલની બહાર નીકળી ગઇ.
*
બ્રિટનમાં સોશિયલ વર્કર્સ અફલાતુન પ્રાણી ગણાય છે. નીડર, સ્પષ્ટવક્તા અને તેમના ક્લાયન્ટ માટે અતિશય વફાદાર. તેમના ક્લાયન્ટને મદદ કરવા હંમેશા તત્પર.
પીટ, મારા પ્રૅક્ટીસ ટીચર એક ઉમદા ઇન્સાન હતા. તેમની અૉફિસ ક્લાયન્ટ્સ માટે હંમેશા ખુલ્લી રહેતી. તેમનો વિદ્યાર્થી હોવાને કારણે જીપ્સી તેમની અૉફિસમાં બેસતો અને તેઓ તેમના ક્લાયન્ટ સાથે કેવી રીતે કામ કરતા તે જોતો..
એક દિવસ પીટ બહાર ગયા હતા. અચાનક સેરા બારણામાં આવીને ઉભી રહી. “મારે તારી સાથે વાત કરવી છે. તારૂં નામ શું છે?”
જીપ્સીએ જવાબ આપ્યો અને તેને બેસવાનું કહ્યું.
“ના, બેસવા માટે નથી આવી. તારો ચહેરો સારા માણસનો હોય તેવું લાગે છે. મને લાગે છે તારી સાથે વાત કરવાનું મને ફાવશે.”
“તો પછી બેસીને વાત કરીએ તો કેવુંં?”
“ના આજે રહેવા દે. ફરી ક્યારે’ક” કહી તે ચાલી ગઇ. તેની પાછળ મૉરીશસવાસી નર્સ પૅમ મહાડૂ ઉભી હતી! સેરા ગયા પછી તેણે કહ્યું, “સેરાને કોઇ કોઇ વાર તેના ખરાબ ભૂતનો અવાજ સંભળાય છે ત્યારે તે મારામારી કરવા લાગી જાય છે. હું હંમેશા તેની સાથે રહું છું. તું નવો નવો છે તેથી મને જરા ચિંતા થઇ. આમ તો તે હાર્મલેસ છે, ફક્ત તેના ‘ભૂત’ની અસર તેને વિચલીત કરી દે છે.”
બપોરે પીટ આવ્યો ત્યારે તેણે જીપ્સીને સેરાની કેસ ફાઇલ આપી. તેની વિગતો ખરેખર દારૂણ કથની કહેતી હતી.
“તને સેરાનો ડર ન લાગતો હોય તો તેનો કેસ તું લઇ શકે છે.”
જીપ્સીએ તેનો કેસ લીધો.
સેરાની વાત આવતા અંકમાં!
*