Tuesday, August 2, 2011

સોશિયલ વર્કરની ડાયરીમાંથી: પહેલું પ્લેસમેન્ટ - સેરા કોફી

સેરા કોફી: વય ૨૮ વર્ષ.
મૂળ વતન: ઘાના
નજીકના સગાં: બહેન મૅગી.
માંદગી વિષયક: સેરા તેર વર્ષની હતી ત્યારે તેના સાવકા બાપે દારૂના નશામાં તેની સાથે કુકર્મ કર્યું હતું. સેરા બેભાન થઇ ગઇ અને જ્યારે તેને હોશ આવ્યો, છરો લઇ તેના સાવકા બાપને શોધવા લાગી. તે કાયર ઘર છોડીને નાસી ગયો, પણ સેરાનું મન છિન્ન-વિચ્છીન્ન થઇ ગયું. મૅગી નર્સ હતી અને જ્યારે આ પ્રસંગ થયો, તે લંડનની એક હૉસ્પીટલમાં કામ કરતી હતી. માએ તેને પત્ર લખ્યો. મૅગીએ બહેનને સ્પૉન્સર કરી અને બે વર્ષની રાહ જોયા બાદ વિઝા મળતાં તેને લંડન લઇ આવી.
લંડન આવ્યા બાદ સેરા બે વર્ષ શાળામાં ગઇ અને લંડનના હાર્લસ્ડન વિસ્તારમાં આવેલા એક મોટા ગ્રોસરી સ્ટોરમાં અભરાઇ પર સામાન ચઢાવવા-ઉતારવાનું કામ મળ્યું. કિશોરાવસ્થામાં પહોંચેલા આઘાતની અસર મનના ખુણામાં એક સ્પ્રીંગની જેમ દબાઇ હતી. કોઇ વાર તે ઉછળી આવતી, પરિણામે તેને માથામાં વારંવાર અસહ્ય દુ:ખાવો શરૂ થતો.
એક દિવસ સેરા ડૉક્ટર પાસે ગઇ. નૅશનલ હેલ્થ સર્વિસના કેટલાક ડૉક્ટર્સ તેમના પેશન્ટ્સને સરેરાશ દસથી પંદર મિનિટનો સમય આપે. આ સમયમાં સેરાએ ડૉક્ટરને જે કહ્યું, બસ તેની અવદશા શરૂ થઇ ગઇ.
“મારા સાવકા બાપે જે કર્યું તેનો મને એટલો ગુસ્સો આવ્યો, હું તેને મારી નાખવાની હતી. હજી પણ તેની યાદ આવે છે ત્યારે મારા ક્રોધને કોઇ સીમા રહેતી નથી. આવા વખતે મારૂં નઠારૂં ભૂત મને કહે છે, ‘મારી નાખ પેલા રાક્ષસને’. પણ બીજી ક્ષણે મારૂં સારૂં ભૂત કહે છે, ‘ના, કોઇને મારી નાખવું પાપ છે,‘ તેથી હું ચૂપ રહી જઉં છું, પણ તરત માથાનો દુ:ખાવો શરૂ થાય છે અને લાંબા સમય સુધી તે ઉતરતો નથી.”
અંગ્રેજ ડૉક્ટરે નિદાન કર્યું, સેરાને સ્કિત્ઝોફ્રેનિયા છે. તેને auditary તથા visual hallucinations છે. તેને બે ‘ભૂત’ એકી સાથે દેખાય છે. તે બન્ને ભૂતોની વાત સાંભળે છે અને તેમની સાથે વાર્તાલાપ કરે છે. આ દર્શાવે છે કે તેની માંદગી કેટલી હદ સુધી વણસી છે. જો કે તેના નિદાનને પુષ્ટી આપવા કન્સલ્ટન્ટ પાસે મોકલવામાં આવી. અહીં પણ એ જ વાત થઇ!
સેરાને સાયકાઅૅટ્રીક વૉર્ડમાં ‘કમીટ’ કરવામાં આવી. એક વાર ત્યાં દાખલ થઇ અને ત્યાંના ચક્કર ચાલુ થઇ ગયા. ચારથી છ મહિના હૉસ્પીટલમાં રહે, દવા લે અને ‘વૉર્ડ રાઉન્ડ’માં નક્કી થાય કે તેનો lucid interval શરૂ થયો છે, ડિસ્ચાર્જ થતી.
જીપ્સીને તેનો કેસ અૅલોકેટ થયો ત્યારે તેને જાણવા મળ્યું કે સેરા છેલ્લા સાતે’ક વર્ષથી હૉસ્પીટલમાં લાંબો સમય અને ઘરમાં ઓછો સમય ગાળતી હતી.
હૉસ્પીટલમાં તેની ‘keyworker/nurse’ પૅમ મહાડૂ હતી. તેણે જીપ્સીને કહ્યું કે સેરા ઘણી ધૂની છે અને મનમાં આવે તો તારી પાસે આવશે. અૅપોઇન્ટમેન્ટમાં માનતી નથી. તેને હિંસક episode કદી આવ્યા નથી, તેથી તેના વર્કર પર હુમલો કદી નહિ કરે. થોડી વારે તે સેરાને લઇ આવી અને જીપ્સી સાથે તેનો પરિચય કરાવ્યો. “જો, સ્વીટહાર્ટ, આ તારો સોશિયલ વર્કર છે.”
“હું તેને જાણું છું. એક વાર મળી પણ છું!”
એક દિવસ તે અચાનક જીપ્સીની અૉફિસમાં આવી ચઢી. ‘તારી સાથે વાત કરવી છે,’ કહી સામે બેસી ગઇ. ચાર-પાંચ મિનીટ તેને જોતી રહી અને અંતે વાત શરૂ કરી અને તેના જીવનની કથની કહી.
‘હવે તું જ કહે, તું કોઇ સમસ્યામાં ફસાઇ જાય અને શું કરવું તેવી દ્વિધા હોય ત્યારે તારૂં સારૂં ભૂત જે કરવાનું કહે ત્યારે બુરૂં સ્પિરિટ વિપરીત કામ કરવા નથી કહેતું? એવી જ રીતે મારા સાવકા બાપને મારી નાખવાનો વિચાર કર્યો, ત્યારે મારા સારા ભૂતે કહ્યું, કોઇનો જીવ લેવો ખરાબ કામ છે. નઠારા ભૂતે કહ્યું, આવા નીચ લોકોને સજા મળવી જ જોઇએ અને તેની સજા મોત છે. મેં મારા સારા ભૂતની વાત માની.’
અા સાંભળી જીપ્સીના કાન સરવા થયા.
“સેરા, તું ક્યા ભૂતની વાત કરે છે?”
“તું કેવો માણસ છો? તું Father, the Son and the Holy Ghostની વાત નથી જાણતો? આ ત્રણ 'હોલી ટ્રીનીટી' છે. દરેક માણસના મનમાં પવિત્ર ભૂતના અંશની સાથે એક ખરાબ ભૂત પણ હોય છે. વારે ઘડીએ તેને ખોટા માર્ગે જવાનો પ્રયત્ન કરે છે, પણ અંતે સારા ભૂતનો વિજય થતો હોય છે. ભગવાન અને પવિત્ર ભૂત કહો કે આત્મા, એક જ હોય છે ને?“
*
સામાન્ય નાગરિકના જીવન અંગે નિર્ણય લેવાની સત્તા ધરાવનાર વ્યક્તિ માટે તેમના પેશન્ટ, ક્લાયન્ટ કે પ્રજાજનોની સાંસ્કૃતીક પરંપરા, માન્યતાઓ, સામાજીક પ્રથા વિશે જાણકરી મેળવવી કેટલી આવશ્યક હોય છે તેનો આ દાખલો હતો. તેમને સમજવામાં થોડી પણ શરતચૂક થાય તો તેનો અંજામ કેટલો ખરાબ આવે તે સેરાના કેસ પરથી સ્પષ્ટ થાય છે. સેરાના અંગ્રેજ ડૉક્ટરે તેની વાત સમજવાનો પ્રયત્ન કર્યો હોત તો એક નિર્દોષ, નિરપરાધ યુવતિ ચિરકાળની માનસિક માંદગીના નિદાનમાંથી બચી ગઇ હોત. આ માટે તેમની પાસે સમય નહોતો કે સમજ નહોતી તે જાણવું મુશ્કેલ છે.
જીપ્સીએ તેના પ્રૅક્ટીસ ટીચર પીટ મલન સાથે વિસ્તારથી વાત કરી. પીટે કન્સલ્ટન્ટ સાયકાઅૅટ્રીસ્ટ સાથે ચર્ચા કરી. તેમણે સેરાની ટ્રીટમેન્ટમાં પુનર્વિચારણા કરવા વિનંતિ કરી જે કન્સલ્ટન્ટે માન્ય કરી. બીજા વૉર્ડ રાઉન્ડમાં તેની જાહેરાત પણ કરી.
લગભગ તે સમયે જીપ્સીનું પ્લેસમેન્ટ પૂરૂં થયું.
પીટ મલન તથા કન્સલ્ટન્ટ સાયકાઅૅટ્રીસ્ટે રિપોર્ટ આપ્યો કે જીપ્સીએ તેનું કામ સંતોષકારક રીતે પુરૂં કર્યું અને તે તેમાં સફળ થાય છે.
ત્રણ મહિનાના 'આરામ'ભર્યા કામ બાદ રોજ ટ્રેનનો પ્રવાસ અને લાંબા લેક્ચર્સનું કામ શરૂ થઇ ગયું.

3 comments:

 1. સામાન્ય નાગરિકના જીવન અંગે નિર્ણય લેવાની સત્તા ધરાવનાર વ્યક્તિ માટે તેમના પેશન્ટ, ક્લાયન્ટ કે પ્રજાજનોની સાંસ્કૃતીક પરંપરા, માન્યતાઓ, સામાજીક પ્રથા વિશે જાણકરી મેળવવી કેટલી આવશ્યક હોય છે તેનો આ દાખલો હતો. તેમને સમજવામાં થોડી પણ શરતચૂક થાય તો તેનો અંજામ કેટલો ખરાબ આવે તે સેરાના કેસ પરથી સ્પષ્ટ થાય છે. સેરાના અંગ્રેજ ડૉક્ટરે તેની વાત સમજવાનો પ્રયત્ન કર્યો હોત તો એક નિર્દોષ, નિરપરાધ યુવતિ ચિરકાળની માનસિક માંદગીના નિદાનમાંથી બચી ગઇ હોત.............
  These words tell alot..Gypsy listened & understood Sera.
  Dr. Chandravadan Mistry
  www.chandrapukar.wordpress.com
  Nice Post, Narendrabhai !

  ReplyDelete
 2. કદાચ મનોરોગીઓની સારવાર કારનાર ડૉક્ટરને પણ સમ્યાંતરે ચકાસવાની જરૂર રહેતી હશે એવુ આ કિસ્સા પરથી સ્પષ્ટ જણાય છે.
  ચાલો, છેવટે સેરા તમારા પ્રયત્નોથી કડવી કામગીરીથી તો મુક્ત થઈ!

  ReplyDelete
 3. જાતજાતનાં ભૂત !
  માન્યતાઓ કેટલી હાનિકારક થઈ શકે છે - તેનું સરસ ઉદાહરણ.

  ReplyDelete